The Morbi Disaster (4)

No one had a tongue to speak

પુસ્તકનો પરિચય (4)

(લેખકો: ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

૧૯૭૯નો દુકાળ ઑગસ્ટના પહેલા ત્રણ દિવસમાં જ ગઈગુજરી બની ગયો. ચોથી તારીખે તો બારે મેઘ ખાંગા થયા અને આસપાસનાં ખેતરો સરોવર બની ગયાં. શ્રાવણના વરસાદે આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર બોલાવી દીધો હતો. લોકો ઘરોની બહાર નીકળી શકે એવી સ્થિતિ નહોતી. સતત આઠમા દિવસે પણ હાલત એ જ રહી. મેઘરાજા ખમૈયાં કરવાનું નામ જ નહોતા લેતા. વાદળાં ઉત્તર ભણી જવાને બદલે સૌરાષ્ટ્ર પર જ ગોળ ચકરડી ઘૂમતાં રહ્યાં.

સૌરાષ્ટ્રમાં ઘણાં કાચાં ઘરો ધસી પડ્યાં, અરબી સમુદ્રમાં મોજાં વીસ ફુટ ઊછળ્યાં અને કેટલાંયે બંદરો બંધ કરવાં પડ્યાં. વીજળીના થાંભલા અને ટેલીફોન લાઈનો ખોરવાઈ ગઈ. શહેરોના રસ્તા પાણીમાં હતા, સંડાસોમાં થઈને રસ્તાની ગટરોનાં પાણી ઘરોની અંદર પહોંચવા લાગ્યાં. કામધંધા બંધ પડી ગયા હતા. સંકટના સામના માટે સરકારે હોમગાર્ડને રાહતકામે લગાડી દીધા હતા. ઑગસ્ટની દસમી તારીખે તો કેટલીયે નદીઓ કાંઠો વટાવીને વહેવા લાગી હતી. જળાશયો અને બંધો છલકાવા લાગ્યાં હતાં. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડૅમનું જળાશય ઊભરાવા લાગ્યું હતું અને એનાં નાકાં વધારાના પાણીને વહી જવા દેવા માટે ખોલી નાખવાં પડ્યાં હતાં.

આમ છતાં, મચ્છુ બંધ-બે સામે પણ જોખમ હોય એવાં એંધાણ તો દસમી તારીખે પણ નહોતાં. બંધના મૅકેનિક લક્ષ્મણભાઈ મોહનનો દિવસ તો રાબેતા મુજબ જ પસાર થયો હતો અને એમણે કઈં ખાસ કરવાપણું પણ નહોતું.

છેલ્લા ચાર મહિનાથી લક્ષ્મણ અને એના છ સાથીઓ ડૅમ પર જ રહેતા હતા. એમનું કામ બહુ સાદું પણ જરૂરી હતું. એમણે બંધનાં નાકાંના દરવાજા બરાબર કામ આપે છે કે નહીં તેની કાળજી લેવાની હતી અને જરૂર પડે તો દરવાજા ખોલી નાખવાના હતા. કામ તો આટલું જ હતું પણ મુશ્કેલી એ હતી કે એમને સિંચાઈ ખાતા તરફથી વરસાદ વિશે જે માહિતી મળતી તે બહુ જ મર્યાદિત હતી. મચ્છુ નદીના પટમાં વરસાદ માપવાના માત્ર બે ગેજ હતા અને તે પણ, એની માહિતી મળવામાં ચોવીસ કલાકનો સમય જતો. એમની પાસે તો માત્ર એક જ રસ્તો હતોઃ પોતાની સૂઝથી જળાશયના પાણીનો કયાસ કાઢીને વધારે પાણી હોય તો દરવાજા ખોલી નાખવા. વળી જળાશયની સંગ્રહ ક્ષમતા કરતાં ઓછું પાણી રાખી શકાય કે જેથી ઓચિંતાં જ બહુ ઘણું પાણી આવી જાય તો જોખમ ન રહે, પરંતુ ખર્ચની સામે લાભની ગણતરી કરતાં જળાશયને એની પૂરી ક્ષમતા સુધી ભરેલું રાખવાનું હતું.

આઠ દિવસથી જળાશયમાં સમાઈ શકે એટલું પાણી સતત રહેતું હતું. નાકાં તો વીસ ફુટ ખૂલી શકે એમ હતાં પરંતુ આ આઠ દિવસમાં લક્ષ્મણ અને એના સાથીઓને દરરોજ થોડા ઈંચથી વધારે ખોલવાની જરૂર પણ નહોતી પડી. ડેમ પરના કંટ્રોલ રૂમમાંથી એમણે  વીજળીક સાધનોથી દરવાજા ખોલવાના રહેતા. વીજળી ન હોય તો જનરેટર પણ હતું જ અને તે પણ કામ ન આવે તો હાથથી શાફ્ટ ફેરવીને દરવાજા ખોલવાના હતા.

૦-૦-૦

દસમી તારીખની સાંજે વરસાદે જરા પોરો ખાધો. ઝીણા મચ્છરિયા છાંટા જ રહી ગયા. પરંતુ એ તો થોડા જ કલાક માટે; વળી એવો જ મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો. પરંતુ, આખા સૌરાષ્ટ્રમાં વરસાદે જે ઉધમ મચાવ્યો હતો તે જોતાં મોરબી-માળિયાના જીવનમાં શાંતિ હતી. અહીં લોકોને ઘરબાર છોડીને બીજે ભાગવું નહોતું પડ્યું. ઉલ્ટું ઘરમાં જ ભરાઈ રહેવું પડ્યું હતું. લીલાપરવાળા ભગવાનજી પટેલનો આખો દિવસ ઘરમાં જ ગયો. ટાઇગર ક્વાર્ટરમાં કનુભાઈ કુબાવતનો શ્રાવણ બોળચોથના આગલા દિવસથી જ વણસ્યો હતો. આજે એ બહાર નીકળ્યા ત્યારે બૈરાં-છોકરાં વરસાદ બંધ થવાનો આનંદ માણતાં શણગારીને નીકળી પડ્યાં હતાં. મંદિર તરફ ટોળાં આગળ વધતાં હતાં અને કનુભાઈ ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા. મોટેરાંઓ તો કપડાં સાચવીને ચાલતા હતા, પણ બાળકોને તો વહેતું પાણી મળ્યું એટલે એમની મોજનો તો પાર નહોતો. જો કે મોરબીની ઉત્તર-પૂર્વે જ્યાં પ્રતાપભાઈ અડરોજાનો ‘ભૂત પાનભંડાર’ હતો ત્યાં દુકાનોનાં શટરો બંધ હતાં. વરસાદ બંધ પડ્યો પણ મેઘાડંબર જામ્યો હતો એટલે અડરોજા અને બીજા બધા દુકાનદારો વહેલા જ ઘરભેગા થઈ ગયા હતા,

માળિયામાં સૂરજ ઢળતાં મિયાણાઓએ રમઝાનના રોઝા છોડ્યા, તો અહીં, મોરબીમાં ખતીજાબેન વાલેરાના ઘરમાં પણ ઇફતાર પછી બધા નિરાંતે બેઠા હતા.  રાજાનો જમાનો હોત તો વાલેરા પરિવારના ગવૈયાઓ દરબારમાં મલ્હાર ગાતા હોત.

૦-૦-૦

નદીની પેલે પાર રાજમહેલની કાચની બારીઓ પર વરસાદનાં ટીપાં જોરથી અફળાયાં. મુખ્ય દરવાજાની અંદર આવેલા વર્ષોથી શાંત રહેલા બાગમાં ઝરમર વરસાદ એકલો જ શાંતિનો ભંગ કરતો હતો. એ વખતે, મોરબીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ટી. આર. શુક્લ એમનાં પત્ની સાથે રાતે સાડાઆઠના સુમારે રાજમહેલ પાસેથી થઈને ઘર તરફ જતા હતા. એમની ઉંમર હશે પચાસેકની. ઊંચી કદકાઠીને શોભે તેમ ટટ્ટાર ચાલતા હતા. આજે એમને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના એક પ્રોફેસરે જમવા નોતર્યા હતા. પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા, કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ-આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં.

વરસાદ એમને પ્રિય હતો, પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું. ઘરની કામવાળી ચણિયા-પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી. ચહેરા પર ભય તરવરતો હતો. બોલી, ઘરમાં નાગ ઘુસી આવ્યો છે. કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા.

૦-૦-૦

બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો. થોડી વારે એક કાર પસાર થઈ. ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા. મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું. ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો. ગોકળદાસ પરમારની કારને એલ. ઈ. કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા. એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી. એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા. પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો. મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં, તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો, પછી ઘરે ગયા, ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા. બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો.

૦-૦-૦

બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો. હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું. સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત, પણ આજે લક્ષ્મણ અને એના સાથીઓ જ સર્વંસર્વા હતા.  રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો. એના હાથમાં નાયબ ઇજનેર એ. સી. મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ-૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું, ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ-૨ સુધી પહોંચી આવવાનાં હતાં. મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં.

આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું. તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ. સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા. બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા. વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં. એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં.  મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં. છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું, એમ બે નાકાં, મચક આપતાં નહોતાં.

રાતે સાડાનવે મચ્છુ બંધ-૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં. એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો. એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા. બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા! એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય. તે ઉપરાંત, સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી. એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો. આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા. ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી, હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧,૯૬,૦૦૦ ક્યૂસેક કરતાં, એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું. એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો, તો પણ પાણી વધતું જ જતું હતું.

૦-૦-૦

સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા. એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે. સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા. નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા. બન્નેએ પાણી છોડવાનું પ્રમાણ ઘટાડવા એમને સલાહ આપી, પણ મહેતાએ કહ્યું કે  એ તો શક્ય જ નથી કારણ કે પાણીનું દબાણ એટલું છે કે બંધ તો થઈ જ નહીં શકે. ઉલ્ટું  તેઓ તો જે નાકાં ખુલતાં નથી તેને પણ ખોલવા મથે છે. બંધનું પાણી દીવાલથી માત્ર છ ફુટ નીચે રહી ગયું હતું. જો કે મહેતાએ એ પણ કહેવું જોઈતું હતું કે અત્યારે જેટલો પ્રવાહ છે તે પણ બંધને નુકસાન કરે એમ છે; કદાચ એમને એવો ખ્યાલ પણ નહોતો આવ્યો.

૧૧મી ઑગસ્ટની સવારે તો જોધપર ગામમાં ભયની કોઈ શંકા નહોતી. નવ વાગ્યાની આસપાસ એક ટ્રક આવી અને ડેમનો સંદેશ લાવી.  ડેમનાં નાકાં ખુલતાં નથી અને કર્મચારીઓને ઘણા લોકોની મદદ જોઇએ છે. જુવાનિયાઓ તરત તૈયાર થઈ ગયા અને ટ્રકમાં ચડી ગયા, એમણે નાકાં ખોલવાના શાફ્ટ ફેરવવાની ભારે મથામણ કરી. નીચે ગરજતો ક્રોધિત મહેરામણ એમના પગોને પલાળતો હતો. કલાકેકની મહેનત પછી તો પાણી એમની પીઠ સાથે અફળાવા લાગ્યું ત્યારે એમણે કામ પડતું મૂક્યું. વર્ષો પછી લક્ષ્મણે પોતાના નિવેદનમાં કહ્યું કે ખોલવા માટે વધારે મહેનત કરવામાં કેબલ કે સાંકળ જ તૂટી જાય એવી બીક હતી એટલે એમણે ખોલવાની કોશિશ પડતી મૂકી – અને વર્ષો પછી પણ લોકો નાયબ ઇજનેર અને કર્મચારીઓને દોષ આપતા રહ્યા કે એમણે બંધ તૂટવાની શક્યતાની ચેતવણી ન આપી.

૦-૦-૦-૦

લીલાપરના લોકો લખધીરનગર તરફ ખસી જવાની તૈયારીમાં હતા. વર્ષો પછી ખતીજાબેને આ દિવસ યાદ કરતાં કહ્યું કે અમે સવારના કામમાંથી પરવારીને જોયું તો બહાર જળબંબાકાર થઈ ગયું હતું. જો કે આટલું પાણી જોયા પછી પણ ઊંચાણવાળા વિસ્તારો, મેઇન બજાર વગેરે જગ્યાએ રહેતા લોકોનાં પેટનું પાણી હલ્યું નહોતું. શહેરના દક્ષિણ ભાગમાં હરિજનવાસથી માંડીને કબીર ટીંબાના લોકોના જાન જોખમમાં હતા. વજેપરમાં નાસભાગ શરૂ થઈ ગઈ, બધા લીલાપર રોડ તરફ જવા ઉતાવળા હતા. જે કોઈ ટ્રક આવી એમાં ભીડ ચડી જતી હતી. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘણા લોકો જવા તૈયાર નહોતા. કનુભાઈ કુબાવતનું કુટુંબ ન ગયું. બીજી બાજુ ખતીજાબેનના કુટુંબની સ્ત્રીઓ સુદ્ધાંએ પણ ઘર ખાલી કરી દેવાનું નક્કી કર્યું.

૦-૦-૦-૦

આ જ સમયે રાજકોટમાં પણ હાલત વણસતી જતી હતી.  કલેક્ટર બેનરજીએ કર્મચારીઓને રજાઓ રદ કરીને બોલાવી લીધા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરી દીધું હતું. આ કામની વચ્ચેથી એક નવાગંતુક તરફ એમનું ધ્યાન ગયું એમણે જઈને નવાગંતુક સાથે હાથ મેળવ્યા. એ હતા, ગુજરાતના ખેતીવાડીપ્રધાન કેશુભાઈ પટેલ. થોડા દિવસ પહેલાં જ તેઓ ભારે વરસાદને કારણે ઊભા થયેલા સંકટ સામે વહીવટીતંત્ર કેમ કામ કરે છે તેનું નિરીક્ષણ કરવા માટે ગાંધીનગરથી આવ્યા હતા. બેનરજીએ લોકોને ખસેડવાના કામ માટે અમદાવાદથી બે હેલીકૉપ્ટર મેળવી લીધાં હતાં. પણ વધારે ને વધારે ગામો સામે સંકટ ઊભું થવાના સમાચાર આવતા રહેતા હતા. કલેક્ટરે આખા સૌરાષ્ટ્રમાં લશ્કરનાં મથકોને નૌકાઓ આપવા વિનંતિઓ મોકલી.

 હજી કામ પાટે નહોતું ચડ્યું અને કલેક્ટર બીજી તજવીજમાં પડ્યા હતા. એવામાં કેશુભાઈ ગેસ્ટ હાઉસમાં આરામ કરતા હતા, ત્યાંથી ઓચિંતા જ કંટ્રોલ રૂમમાં આવી પહોંચ્યા. એમણે કલેક્ટરને કહ્યું કે મચ્છુ ડેમની હાલત ખરાબ છે એટલે પોતે ત્યાં જાય છે. એમની સલામતીની જવાબદારી કલેક્ટરની હતી. આ નવી જવાબદારી માટે વખત નહોતો. બેનરજીએ એમને કહ્યું કે ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ત્યાં જવું  સલામતીભર્યું નથી.પરંતુ કેશુભાઈ માન્યા નહીં એમણે કહ્યું કે એમનું વાહન મોટું છે એટલે વાંધો નહીં આવે. એમના ગયા પછી, બેનરજીએ ફરી કામમાં મન પરોવ્યું. એમને મોરબીના સબ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો સંદેશ મળ્યો હતો કે પૂરનાં પાણીએ હાહાકાર મચાવ્યો છે, પણ લોકોને ખસેડવાનું કામ બરાબર ચાલે છે. બેનરજીના ચહેરા પર સંતોષની આભા પ્રગટી.

૦-૦-૦-૦

સાંજે સાડાપાંચ થઈ ગયા હતા. કેશુભાઈ પટેલ સનાળા પહોંચી ગયા હતા પણ આગળ જવાનો રસ્તો જ નહોતો.  એમની સાથે અધીક્ષક ઇજનેર પણ વાહનમાં જ સપડાયેલા હતા. ત્યાં જ એમને મોરબીના કાર્યપાલક ઇજનેર મળી ગયા. એ પણ મચ્છુ ડેમ તરફ જવા નીકળ્યા હતા પણ સનાળામાં જ ત્રણ કલાકથી ફસાઈ ગયા હતા. આગળ જવાય એમ જ નહોતું.

વરસતા વરસાદમાં અધીક્ષક ઇજનેરે નજર નાખી તો એમની આંખો ફાટી ગઈ. એમની નજર સામે જ રસ્તા પર ઓચિંતું પાણી ફરી વળ્યું! એમને કુતૂહલ થયું કે કેટલું પાણી છે. એ પાણીમાં ગયા. કેશુભાઈ અને કાર્યપાલક ઇજનેર જોઈ રહ્યા. પહેલાં પાણી એમના પગની ઘૂંટી સુધી હતું તે જોતજોતામાં ઘૂંટણ સુધી ચડી આવ્યું અને પછી કમરે પહોંચી ગયું…એ માની ન શક્યા હોય એમ માથું ધુણાવતા પાણીમાંથી બહાર આવ્યા. સનાળા ઊંચાણમાં છે.  આટલું પાણી તો ત્યાં કદી આવ્યું જ નહોતું શું થવા બેઠું છે, તેની કલ્પના કરતા એ પાછા આવ્યા. સાતેક વાગ્યે કેશુભાઈ અધીક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ત્યાં જ છોડીને પાછા ફર્યા. કેશુભાઈએ એમને ત્યાં કઈ જવાબદારી માટે છોડ્યા તે પ્રશ્ન અઠવાડિયાંઓ, મહિનાઓ અને દાયકાઓ પછી પણ પુછાતો રહ્યો.

૦-૦-૦-૦

ગાંડીતૂર મચ્છુ પાસે નાયબ ઇજનેર મહેતાને બેસવા માટે એક ખાલી ટ્રક મળી હતી. ટ્રક ચાલી શકે એમ જ નહોતી. ટેલીફોન લાઇનો ખોરવાયેલી હતી, મહેતા બહુ મહેનત પછી પણ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધી નહોતા શક્યા. મચ્છુ ડૅમ છોડ્યાને નવ કલાક થઈ ગયા હતા પણ હજી સુધી તેઓ રિપોર્ટ નહોતા મોકલી શક્યા. ડેમ પરના કર્મચારીઓ સાથે પણ વાત નહોતી થઈ શકતી કે શું સ્થિતિ છે તે જાણી શકાય. મન હતાશાથી ભરાઈ ગયું હતું. પુલ પરથી પાણી ઊતરે તે પછી જ કઈં થઈ શકે એમ હતું.

બંધમાંથી પાણી એટલું નીકળી ગયું હતું કે હવે સાંજે સાડાચારે ટ્રક ડ્રાઇવરે પુલ પર હંકારવાની હિંમત કરી. વાંકાનેર પહોંચીને રાજકોટ ફોન કર્યો અને કલાકો જૂની માહિતી આપી. ફોન થઈ ગયો, એવો એમને સંતોષ થયો.

થોડો આરામ કરીને મહેતા અને ડ્રાઇવર ફરી ડૅમ તરફ આગળ વધ્યા. ટનબંધ માટીમાંથી ટ્રક નીકળી. માંડ માંડ રાતના સાડાનવે બન્ને બંધની ઉત્તર બાજુની માટીની દીવાલ સુધી પહોંચ્યા. મચ્છુ ડેમ તો હજી પણ અડધા માઇલ જેટલો દૂર હતો. મહેતાએ દીવાલના છેડેથી પશ્ચિમ તરફ દીવાલ લંબાઈ હતી તેના તરફ નજર નાખી. આ શું? એ જોતા જ રહી ગયા. ત્યાં દીવાલ તો હતી જ નહીં!  હતું માત્ર માટીથી લથપથ મેદાન. જ્યાં પશ્ચિમી દીવાલ હોવી જોઈતી હતી ત્યાં વિશાળ ગાબડું હતું. નદીએ બંધની લક્ષ્મણરેખાને જ તોડી નાખી હતી. મચ્છુ બંધ-૨ તૂટી ચૂક્યો હતો અને હવે પાણીને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો. દાયકાઓ પછી પણ જોધપરના લોકો અવાજમાં તિરસ્કાર સાથે કહે છે, “મહેતા તો બંધ તૂટ્યા પછી આવ્યા…જોઈને જડ થઈ ગયા અને બેભાન થઈને ઢળી પડ્યા…” (ક્રમશઃ)

 

10 thoughts on “The Morbi Disaster (4)”

  1. ભૂતકાળની મોરબીની કુદરતી હોનારત વિષેનો લેખ વાંચીને જૂની સ્મૃતિઓ

    તાજી થઇ ગઈ .No one had a tongue to speak પુસ્તકનું નામ જ એની

    ગંભીરતા કહી દે છે .

  2. મારી બારી પરનું આવું વિકરાળ વર્ણન બારીને અપાર વિશાળતા આપે છે. નેટજગત પર આ એક યાદગાર રજૂઆત ગણાવી જોઈએ…..શ્વાસ ઊંચા કરી મૂકે તેવું આ ઝીણવટભર્યું વર્ણન લેખકની મહેનતનો પણ એટલો જ પરિચય આપે છે…..

    …..ને હજી તો ‘બધું’ બાકી છે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: