The Morbi disaster (3)

No one had a tongue to speak

પુસ્તકનો પરિચય (૩)

(લેખકો: ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

 અહીં ઉત્પલ અને ટૉમ ફરી કથાના રૂપમાં શરૂઆત કરે છે. આપણે સીધા જ મચ્છુ બંધના ઇજનેર બી. જે. વસોયાને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના જૂથ સાથે મળીએ છીએ. એમની દેખરેખ હેઠળ આ બંધનું બાંધકામ  થાય છે. પરંતુ એમનું કામ લોકો સાથે સંપર્ક રાખવાનું પણ છે. લોકોનાં જૂથો બંધ જોવા આવે છે અને વસોયા એમને ગર્વભેર બંધની ઝીણી ઝીણી વિગતો સમજાવે છે. માત્ર એમની પાસે આવતા લોકોને બંધ વિશે વિશ્વાસ અપાવવાનું એમનું કામ નથી, એમણે લોકો પાસે જાતે પણ જવાનું છે અને એમણે આવા લોકસંપર્કો પણ કર્યા છે. એન્જીનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ તો જરૂર પ્રભાવિત થયા હશે, કારણ કે એમની આંખોનાં સપનાંમાં પણ આવા જ કોઈ મહાકાય બંધ તરતા હશે. વસોયાએ તો કોઈને પણ બંધ જોવા આવવાનું ખુલ્લું આમંત્રણ આપેલું છે.આના પારિણામે લોકોમાં વિશ્વાસ બંધાવા લાગ્યો છે કે ગુજરાત સરકાર જે કઈં કરે છે તેમાં લોકોની સલામતીનો પૂરો ખ્યાલ રાખ્યો છે.

૧૯૬૭થી બાંધકામ શરૂ થઇ ગયું છે. ટ્રૅક્ટરો અને બુલડોઝરોની ગરગરાટીઓથી આખો વિસ્તાર ધ્રૂજે છે. અઢી માઇલના પટ્ટાને સમતળ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલે છે. ૧૯૬૮ની શરૂઆતમાં માટીની દીવાલોએ માથું ઊંચે કરવા માંડ્યું હતું.

પરંતુ વસોયા જાણે છે કે બંધનું બાંધકામ શરૂ થયે બે વર્ષ થયાં હોવા છતાં, એમાં વધારેમાં વધારે કેટલું પાણી સલામત રીતે રહી શકે તેનો ખરો અંદાજ એમની પાસે નથી. આમ છતાં, એમણે જે ગામોની જમીન ડૂબી જવાની હતી ત્યાં જઈને લોકો સાથે વાટાઘાટ કરીને એમને જગ્યા છોડવા માટે સમજાવ્યા હતા અને બદલામાં વળતરનાં વચનો પણ આપ્યાં હતાં. એમનું તો એ કામ જ હતું. જે સ્થિતિમાં એમને એ જવાબદારી સોંપાઈ હતી, તેનો સ્વીકાર કરીને એમણે પોતાની ફરજ બજાવવાની હતી.

વસોયાએ એમને સમજાવ્યું હતું કે એમને સિંચાઈ માટે બરાબર પાણી મળશે અને પીવાના પાણીની પણ ખેંચ નહીં રહે. લોકોના કાન સુધી તો આ સંદેશ પહોંચ્યો હતો, પણ હૈયા સુધી કદાચ નહોતો પહોંચ્યો. જો કે લોકોએ પડ્યું પાનું નિભાવી લેવાનું નક્કી કરી લીધું હતું એટલે કચવાતા મને પણ એમણે એક્ઝીક્યૂટિવ એન્જીનિયરની વાત માની લીધી હતી.

બસ, બાકી રહી ગયા ટીંબાવાળા જોગ બાપુ. એ કોઈ રીતે માનતા નહોતા. ઘણા લોકો એમને જોગ ટીંબાવાળા બાપુ પણ કહેતા. ટીંબો ડૂબી જશે એ જાણીને બાપુ બહુ ખિજાયા. ટીંબા પરની નાની ઝૂંપડી એ જ એમનું વરસોનું નિવાસસ્થાન હતું. એના પર ધજા ફરકતી. લોકો પણ એને પવિત્ર સ્થાનક માનીને આદર આપતા. આ ધજાવાળી કુટિર ડૂબમાં આવી જશે? કેટલાયે મહિનાઓથી આ વાત સાંભળતાં તરત એમની ભૃકુટિ ખેંચાઈને એક સીધી રેખા બનાવી દેતી અને સફેદ દાઢીમાંથી ઘુંટાયેલો ક્રોધ બહાર ધસતો. અંતે એમને પરાણે જવું પડ્યું ત્યારે તો એમના ક્રોધે માઝા મૂકી દીધી ; “ બંધ તૂટી પડશે, મોરબીનું નખ્ખોદ વળશે…”

૦-૦-૦૦-૦-૦

દસ-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. કટોકટી પછી ઇન્દિરા ગાંધીને કારમા પરાજયનું મોં જોવું પડ્યું હતું; મોરારજી દેસાઈ જનતા પાર્ટીના નેતા તરીકે દેશના પહેલા બિનકોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા, પણ ચરણ સિંહે એમની ખુરશી ઉથલાવી પાડી હતી. ગુજરાતમાં બાબુભાઈ પટેલે નવી સરકાર બનાવી હતી. મેયર દેસાઈ મોરબીના મેઇન બજારમાં ઘરમાં બેઠા છાપાનાં પાનાં ઉથલાવતા હતા. શું વિચારતા હશે? ૧૯૭૮નું વર્ષ દુકાળનું વર્ષ હતું. મચ્છુ બંધનાં નાકાં ખોલવાં પડે એટલું પાણી જ નહોતું. આ વખતે તો વરસાદ નહોતો પણ ૧૯૭૭માં વાવાઝોડું આવ્યું ત્યારે બંધની દીવાલમા તિરાડો પડી ગઈ હતી. સરકારે તરત રિપેર કરાવીને લોકોને ખાતરી આપી હતી કે ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે. બંધના બાંધકામ વિશે દેસાઇને લાગતુ હતું કે મચ્છુ બંધ બને એમાં ધારાસભ્ય ગોકળદાસ પરમારે મોટો ભાગ ભજવ્યો છે. મુખ્ય પ્રધાન બાબુભાઈ પ્રામાણિક તો હતા જ, પણ મેયર દેસાઈના કાને એવી વાતો આવી હતી કે ડેમનું કામ જેને સોંપાયું તે મણીભાઈ ઍન્ડ બ્રધર્સ સાથે એમને કૌટુંબિક નાતો હતો. જે હોય તે. મેયરે છાપું બાજુએ મૂકી દીધું.

જુલાઈ કોરોધાકોર વીત્યો હતો. આજે ઑગસ્ટ શરૂ થયો હતો. ગુજરાતના દુકાળની ભાળ મેળવવા માટે દિલ્હી સરકારને પણ ચિંતા થઈ ગઈ હતી. અમદાવાદના વિમાનઘરે જાડા કાળા કાચનાં ચશ્માં પહેરીને, મધ્યમ કદના એક અધિકારી પહોંચ્યા. એ હતા એચ. કે. ખાન. ગુજરાતના ખેતીવાડી સચિવ. કદકાઠી તો મધ્યમ, પણ આઈ. એ એસ અધિકારીની ધાક જ એવી જબ્બર હોય કે ન પૂછો વાત. આજે ખાન રાજકોટ જવાના હતા. જૂનું ડાકોટા એમની રાહ જોતું હતું.

ખાન જાણતા હતા કે ખેડૂતો અને સામાન્ય જન નેજવાં કરીને આભ સામે મીટ માંડે છે, ક્યારે મેઘરાજાની મહેરબાની થાય. વાદળાં ઉમટે છે નીચે જોયા વગર ચાલ્યાં જાય છે. ખાન પોતાની સાથે સિલ્વર આયોડાઇડ ફ્લેર લઈને રાજકોટ પહોંચવાના છે…આજે તો વાદળાંને દોહી જ લેવાં છે. ખાનને રાજકોટ ઉતારીને એકાદ કલાકમાં તો વિમાન વાદળાં પર સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવા નીકલી પડ્યું છે. આખા દિવસના છંટાકાવ પછી પણ વાદળાંએ મચક નહોતી આપી. વિમાન રાજકોટ પાછું ફરે છે, ખાનને લે છે અને અમદાવાદ તરફ રવાના થાય છે. થાકેલા માણસોએ વિમાન ઊંચે ચડતું હતું ત્યારે જોયું પણ નહીં હોય કે એમની મહેનતની અસર દેખાય છે, વિમાનની બારીએ મોસમના પહેલા વરસાદનાં ટીપાં અથડાય છે. અને બીજી જ ક્ષણે એમ લાગ્યું કે વિમાન ફાટ્યું કે શું? વર્ષો પછી ખાને પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે અમે ઓચિંતા જ તોફાનમાં સપડાઈ ગયા હતા…”

૧૯૭૯નું ચોમાસું ઘડીનીયે રાહ જોયા વિના આવતાંની સાથે જ ઝમાઝમ મચી પડ્યું હતું. (ક્રમશઃ)

3 thoughts on “The Morbi disaster (3)”

  1. કથાનો નાયક એક તોફાન બની રહે એટલો રસ ઉભો કર્યો છે. અમારા વતનની જ વાત હોવા છતાં આજે જ જાણ્યું કે શું બન્યું હતું……‘બારી‘માંથી હવેનો હપ્તો શું દેખાડશે ?ની ઈંતેજારી એકલી નથી – ભયાનકતાય સાથે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: