The Morbi disaster (2)

No one had a tongue to speak પુસ્તકનો પરિચય ((લેખકોઃ ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન)

૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મચ્છુ ડેમ-૨ માટેની દરખાસ્ત સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર કૉર્પોરેશન (CWPC) સમક્ષ રજુ કરી. ડેમ-૧ કરતાં બમણો, એટલે કે ૪૩૬ ચોરસ માઇલનો એનો જળગ્રાહી વિસ્તાર નિરધારવામાં આવ્યો હતો. એની લંબાઈ અઢી માઇલ (ચાર કિલોમીટર) રાખવાની દરખાસ્ત હતી. પરંતુ આટલો લાંબો કોંક્રીટનો બંધ બાંધવામાં ગંજાવર ખર્ચ થાય તેમ હોવાથી અમુક ભાગ કોંક્રીટનો અને અમુક ભાગ માટીનો રાખવાની યોજના હતી. એમાં વચ્ચે પાણીની જાવક માટે મોટું નાકાવાળું ગરનાળું બનાવવાનું હતું અને બાકી એની બન્ને તરફ માટીની દીવાલ મચ્છુના તળપ્રદેશમાંથી ઊભી થવાની હતી.

આમ આ આખો પ્રોજેક્ટ બહુ મહત્વાકાંક્ષી હતો, પણ નહેરુ યુગમાં આવા તો ઘણા ડૅમ બનતા હતા એટલે આમાં કોઈ ખાસ વાત નહોતી. બીજા બંધોની સરખામણીએ આ મધ્યમ કદનો અને ખાસ મહત્વની ન ગણાતી એવી નદી પરનો બંધ હતો. આમ છતાં, એના નિર્માણમાં બહુ જ કાળજી અને ખંતની જરૂર હતી, કારણ કે માણસજાત જેટલું વધારે પાણી રોકવા મથે, તેટલા જ પ્રમાણમાં, એ રોકાયેલા પાણીની એનો વિરોધ કરવાની ક્ષમતા પણ વધી જાય. મચ્છુ બંધ -૨ના નિર્માણમાં આ વાત બહુ ધ્યાનમાં રાખવાની હતી.

ચાર મુખ્ય જોખમો

મચ્છુ – ૨ના બાંધકામમાં ચાર મુખ્ય જોખમો સામે  બંધની બીજી બાજુની વસ્તીને બચાવવાની જવાબદારી સૌરાષ્ટ્ર સરકારની હતી અને ઇજનેરોએ પણ આ ચાર જોખમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું: (૧) નાકાવાળું ગરનાળું ધસી પડે (૨) બંધની દીવાલોને ઘસારો પહોંચે (૩) પાણી જવાનો ઢોળાવ બરાબર કામ ન આપે અને (૪) બંધ છલકાઈ જાય અને દીવાલોની ઉપરથી પાણી વહેવા લાગે.

ગરનાળું ધસી પડે તો બંધમાં સંઘરી રાખેલું પાણી એકીસાથે ધસી જાય અને જાનમાલની પારાવાર ખુવારી કરે. આથી એ સખત જમીન પર અને મજબૂત કોંક્રીટથી બાંધવાનું હતું. તે ઉપરાંત. માટીની દીવાલોમાં ભંગાણ ન પડે તે માટે ત્રણ વાતો ધ્યાનમાં રાખવાની હતી. આ ત્રણ વાતો જ માટીના બંધની દુશ્મન બનતી હોય છે. (ક) દીવાલો અંદરથી કાચી રહી જાય તો ધસમસતું પાણી એને તાણી જાય. આને આંતરિક ઘસારો કહે છે (ખ) એ જ રીતે, દીવાલની બહારની સપાટી એકસરખી ન બની હોય તો ઢોળાવ ખરાબ થઈ જાય છે એટલે પાણીનો ધસમસતો પ્રવાહ જ્યાંથી દીવાલે ખૂણો બનાવ્યો હોય ત્યાં ગાબડું પાડી દે છે. આ ‘લૅન્ડ-સ્લાઇડ’ તરીકે ઓળખાતી ઘટના જેવું છે. ભારે વરસાદમાં પર્વતો પરથી ઘણી વાર ભેખડો ધસી પડતી હોય છે અને ત્યાં મોટું ગાબદું પડી જતું હોય છે. ઘણી વાર તો ભેખડો ફસકીને એવી રીતે ગોઠવાઇ જતી હોય છે કે એમની પાછળ મોટું સરોવર બની જતું હોય છે. (ગ) એ જ રીતે બંધ છલકાઈ જાય તો પાણી દીવાલોની ઉપરથી વહેવા માંડે. આ ત્રણેય બાબતોમાં બેદરકારી દેખાડવાનું પરિણામ ગરનાળું તૂટી પડવાથી જે નુકસાન થાય તેની બરાબર જ હોય. ગરનાળું બનાવવા માટે જમીન માફકસરની હતી. હવે એમાં પૂર આવે તો બંધનું શું થાય તેનો કયાસ કાઢવાનો હતો. આને ‘ડિઝાઇન ફ્લડ’ કહે છે. એમાં વધુમાં વધુ કેટલો વરસાદ પડી શકે અને ઓછામાં ઓછા સમયમાં પાણી કેટલું જમા થઈ શકે તેના આંકડા મેળવીને હિસાબ કરવાનો હોય છે. સૌરાષ્ટ્ર સરકારે એનો કયાસ તો કાઢ્યો. આ જ પ્રકારના બંધમાં કેટલું પાણી એકીવખતે ભરાયું તેનો પણ અંદાજ મદદે લેવાયો હતો. સૌરાષ્ટ્ર સરકારે આ બધી કવાયત કરીને જ પ્રોજેક્ટ્નો રિપોર્ટ CWPCને મોકલ્યો હતો.

 CWPCનો વાંધો

CWPC તરફથી એકાદ વર્ષ સુધી તો કઈં જવાબ ન આવ્યો. ૧૯૫૭માં CWPCએ બંધની યોજનાની સમીક્ષા કરીને જે જવાબ મોકલાવ્યો તેમાં નવો જ મુદ્દો હતો. એમાં સૌરાષ્ત્ર સરકારના ઇજ્નેરોની આકરી ટીકા કરવામાં આવી. CWPCએ કહ્યું કે ઇજનેરોનો અંદાજ જ ખોટો છે. ખાટલે મોટી ખોટ તો એ કે એમણે મચ્છુ બંધ-૧માંથી પાણી છોડાય અને એ આ બંધમાં આવે તો શું થાય તે ધ્યાનમાં જ નથી લીધું. આમ, ગરનાળામાંથી કેટલું પાણી વહી જાય તેનો એમનો આંકડો ખોટો હતો. શક્ય છે કે પાણીની જેટલી જાવક હોય તેના કરતાં આવક વધુ હોય. CPWCએ સૂચવ્યું કે સૌરાષ્ટ્ર સરકારના ઇજનેરો મચ્છુ નદીમાં જુદા જુદા સમયે કેટલું પાણી રહે છે તેનું માપ લેવાનું શરૂ કરે અને મચ્છુ બંધ-૧માંથી આવતા પાણીને પણ ધ્યાનમાં લે આ રીત ‘યુનિટ હાઇડ્રોગ્રાફ’ એટલે કે એક એકમમાં કેટલું પાણી હોય તેના માપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત CWPCના ઇજનેરોને ડૅમ માટેની જગ્યા પણ યોગ્ય ન લાગી.

 પહેલાં મુંબઈ દ્વિભાષી રાજ્ય અને પછી ગુજરાત

પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે ૧૯૫૭માં CWPCનો રિપોર્ટ આવ્યો ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યનું અસ્તિત્વ નહોતું રહ્યું.  સૌરાષ્ટ્ર અને આખું આજનું ગુજરાત મુંબઈ દ્વિભાષી રાજ્યમાં સમાઈ ગયાં હતાં. આથી હવે મચ્છુ બંધ વિશે CWPCના રિપોર્ટ પર મુંબઈ સરકારે અમલ કરવાનો હતો. પરંતુ દ્વિભાષી મુંબઈ રાજ્ય્નું માત્ર ચાર વર્ષમાં જ  વિભાજન થયું અને ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય બની ગયું.આમ CWPCના રિપોર્ટ પર અમલ કરવાની જવાબદારી ગુજરાત સરકારની થઈ.

 ગુજરાત સરકારની બેકાળજી

CWPCના વાંધાનો જવાબ આપવા માટે ગુજરાત સરકારે મચ્છુ બંધમાં પાણીની આવકનો અંદાજ તાબડતોબ સુધાર્યો. પહેલાં ૧,૬૦,૦૦૦ ક્યૂસેક પાણીનો અંદાજ હતો; નવો અંદાજ ૧,૯૧,૦૦૦ ક્યૂસેકનો બનાવાયો. પરંતુ CWPCની મહત્વની ભલામણ યુનિટ હાઇડ્રોગ્રાફની હતી તેની સદંતર ઉપેક્ષા કરવામાં આવી. સૌરાષ્ટ્ર સરકારે તો એને જે સમજાયું તે રીતે, વરસાદના અનુભવ અને અટકળોનો આશરો લીધો હતો પરંતુ CWPCના વાંધા મળ્યા પછી પણ ગુજરાત સરકારે યુનિટ હાઇડ્રોગ્રાફ ન લીધો. CWPCએ ૧૯૬૧માં એક પત્ર લખીને ગુજરાત સરકારનો ઊધડો જ લીધો અને કહ્યું કે અમારી પહેલી ટિપ્પણીને પાંચ વર્ષ થઈ ગયાં તેમ છતાં હજી પણ માત્ર અનુભવજન્ય માહિતી પર આધાર રાખવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે આ ચીમકીને પણ કાને ન ધરી અને ૧૯૬૦ના દાયકાના આરંભે કામ શરૂ કરી દીધું. ૧.૯૧.૦૦૦ ક્યૂસેકનો જે નવો અંદાજ કરવામાં આવ્યો હતો તેના જ આધારે રાજ્યના ઇજનેરોએ ગરનાળું બાંધવાનું શરૂ કર્યું. એમાં ૧૮ દરવાજા રાખવાના હતા. એની કુલ લંબાઈ ત્રીસ ફુટ અને ઊંચાઈ વીસ ફુટ નક્કી કરવામાં આવી.

એ જ રીતે, ડૅમની જગ્યા માટે CWPCએ જે વાંધો લીધો હતો તેની સામે પણ રાજ્યના ઇજનેરોએ દલીલો રજુ કરી અને એ વાંધાને ઠોકરે ચડાવ્યો. એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી ત્રણમાંથી બે ગામ ડૂબી જશે એ ખરૂં પરંતુ જગ્યા બદલીને બંધને વધારે પાછળ લઈ જવાથી કેટલાયે રેલમાર્ગો ડૂબી જશે. એમણે કશાં જ પ્રમાણ આપ્યા વિના જ કહી દીધું કે નવા રેલમાર્ગો બનાવવાનો જે ખર્ચ થશે તેના કરતાં બે ગામ ફરી વસાવવાનો ખર્ચ ઓછો રહેશે.  ૧૯૬૩માં,  જો કે, સરકારને CWPCની ભલામણ પ્રમાણે બંધની બે સૂચિત જગ્યાઓ માટે ખર્ચનો અંદાજ કાઢવાની ફરજ પડી. પરંતુ જાણે “બંધ તો વહીં બનાયેંગે”નો નારો હોય તેમ જગ્યા બદલવાથી બીજાંયે બે ગામો ડૂબી જવાનું મનગમતું તારણ પણ એમણે શોધી કાઢ્યું.  એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી એના જળાશયમાં ત્રણ ગામો ડૂબી જશે અને એમને  નવી જગ્યાએ ફરી વસાવવાં પડશે.

૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં જોધપર. આડેપર અને લખધીરનગરના નિવાસીઓને ખબર નહોતી કે સરકારી ઑફિસોમાં એમનું ભાવિ ખર્ચ અને લાભને ત્રાજવે તોળાય છે. જો કે, સર્વે તો ૧૯૫૫થી શરૂ થઈ ગઈ હતી, પણ એક દાયકા પછીયે ગામવાસીઓને ગંધ પણ નહોતી આવી કે આ બધો ખેલ શા માટે ચાલે છે. આ ત્રણેય ગામોની બે હજારની વસ્તીએ બીજે જવું પડે એમ હતું. ચોથા લીલાપર ગામની મોટા ભાગની ખેતજમીન ડૂબમાં જવાની હતી. બધી વાતો તો સર્વે કર્મચારીઓના મોઢેથી ગામલોકોને જાણવા મળી. ઘણાની આંખમાં અનિશ્ચિત ભાવિના ઓળા ઊતરી આવ્યા. એમને પોતાનાં ઘરબારને જળસમાધિ લેતાં જોવાનાં હતાં. એમનું પેટ ભરતાં ખેતરો પર નદીનાં જળ રેલાવાનાં હતાં. નવી ખેતીની જગ્યાઓ, નવાં આજીવિકાનાં સાધનો માટે એમણે ફરી શોધ આદરવાની હતી. (ક્રમશઃ

%d bloggers like this: