No one had a tongue to speak પુસ્તકનો પરિચય (૧)
ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટને ‘મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય…’ લોકગીત પુસ્તકની શરૂઆતમાં મૂક્યું છે. વાણિયણ પાણી ભરવા મચ્છુ નદીએ ગઈ છે ત્યાં જિયાજી ઠાકોર ઘોડે ચડીને આવે છે. સ્ત્રીને જોઈને ઠાકોર ચળી ગયા છે. વાણિયણ એમને વારવા મથે છે, પણ ઠાકોર એને ઉપાડી જવા કૃતનિશ્ચય છે. અંતે વાણિયણ મચ્છુને વહાલી કરે છે અને શાપ આપતી જાય છે કે તારૂં શહેર જ ડૂબી જશે.
લેખકો કહે છે કે આ શાપ પેઢીઓ સુધી ફળ્યો નહીં અને જાડેજા વંશનું ત્યાં રાજ ચાલતું રહ્યું. મોરબી શહેર પણ ફૂલતુંફાલતું રહ્યું અને એનાં સુંદર શિલ્પોને કારણે સૌરાષ્ટ્રનું પેરિસ બની રહ્યું. લોકો આ શાપને કદી યાદ ન કરત, પરંતુ નોકરશાહીએ જાણે કમર કસી લીધી હતી કે લોકો ભૂતકાળની ઘટનામાં અંકિત થયેલા, પરંતુ કદી ન ફળેલા શાપને સ્મૃતિઓના ભંડકિયામાંથી બહાર લાવે અને કહે કે શાપ સાચો પડ્યો.
આમ શરૂ થાય છે મોરબીની ગોઝારી હોનારતની કથા.
પહેલું પ્રકરણ ઉચ્ચ કક્ષાનાં સજીવ પાત્રાલેખન દ્વારા મોરબીના જનજીવનનો પરિચય કરાવે છે. ચરિત્રો જીવતાં બનીને સામે આવી ઊભે છે. એક સારી નવલકથાનાં તમામ તત્વોથી સજ્જ પહેલું પ્રકરણ અનાગતના આભાસ સાથે વાચકના મનમાં એક વ્યાકુળતા પેદા કરે છે. આપણે દ્વિધામાં છીએ. નવલકથા કેમ વળાંક લેશે તે જાણતા હોવા છતાં અનિચ્છાએ આપણે પણ ભયાવહ અનાગત તરફ ધકેલાતા જઈએ છીએ. શૈલીની પીંછી કેવાં સુંદર દૃશ્યો ઊભાં કરી આપે છે તે દેખાડવા અહીં હું થોડાં વાક્યોનો મુક્ત અને સંક્ષિપ્ત અનુવાદ આપું છું: ”ધૂંધળી ક્ષિતિજ ઉપર સૂરજ ચડ્યો અને દેખાડ્યું કે નદી સાવ સૂકીભાંઠ છે. જુલાઈ પૂરો થવા આવ્યો હતો, પણ હજી ગુજરાતમાં ચોમાસું ડોકાયું નહોતું. જો કે મોરબીમાં જીવન પૂર્વવત્ ચાલતું હતું…બફેલો બ્રિજ પર ટ્રાફિકનો પ્રવાહ હૉર્ન વગાડતો વણથંભ ઊભરાય છે. બે કાંસાના આખલા પોતાનાં સિંહાસનો પર ટ્રાફિક પર નજર માંડીને બેઠા છે…ઑટોરિક્શાઓનાં છડિયાં, સાયકલોને માંડ સંભાળીને ચલાવતા નિશાળિયા છોકરાઓ, પતિઓની ખચાખચ ઠાંસેલી મોપેડો પર બાળકોને સજ્જડ વળગાડીને બેઠેલી પત્નીઓ… જે કોઈ ટ્રાફિક પરથી નજર હટાવી શકે એમ છે એમને સદીઓની સમૃદ્ધ રાજાશાહીના ભવ્ય વારસાને નિરખવાની તક મળે છે.” એક ગતિમાન ચિત્ર આંખ સામે સરકવા લાગે છે.
અહીં તમને મળે છે, પ્રતાપભાઈ આડરોજા. મેઇન માર્કેટ પાસે જ એમનો નાનો પાનનો ગલ્લો છે.અને દક્ષિણ મોરબીની એક શેરીમાં જૂના જમાનાના એક આલીશાન મકાનમાં કચરો વાળતી એક સોહામણી યુવાન સ્ત્રી નજરે ચડે છે – ખતીજાબેન વાલેરા. આખો પરિવાર દરબારી ગાયક હતો પણ હવે એ દિવસો ગયા. કુટુંબના સભ્યો બીજાં કામો પણ કરે છે, પણ સંગીત હજી પણ મુખ્ય કામ રહ્યું છે. માત્ર એક જ કુટુંબમાં હવે પેઢીઓ ફેલાઇ છે અને આ એક જ ઘર પાસે સંગીત શિક્ષણનાં ઘણાં બોર્ડ છે. કુટુંબીઓમાં જ હરીફાઈ છે. શૌકતભાઈ સૌથી નાના અને સૌથી સુરીલા, પણ કહે છે કે, એમને કોઈકે સિંદૂર પિવડાવી દીધું.
આ ભગવાનજીભાઈ પટેલ. પણ હવે ખેતીને બદલે ઉદ્યોગમાં પડ્યા છે. લીલાપરથી આવીને મોરબીમાં કારોબાર જમાવ્યો છે. સિરેમિકનું એમનું કામ ધમધોકાર ચાલે છે. એટલું જ નહીં ૧૯૭૦ના દાયકાથી મોરબીની ઘડિયાળો પણ દેશની અનેક ભીંતો પર સમયની પ્રહરી બનીને ગોઠવાવા લાગી હતી.
આ છે કનુભાઈ કુબાવત. ઊંચી કદકાઠી, સેંથી પાડીને ઓળેલા વાળ, મોઢામાં પાન ઠસોઠસ ભર્યું છે. મોરબીની ઉત્તરે શિક્ષક તાલીમ કૉલેજમાં ભણાવે છે, પણ સાંજે દક્ષિણમાં ઘરે આવે ત્યારે પેન્ટને બદલે ધોતીમાં દેખાય અને મંદિરમાં સેવાનું કામ કરે.
ચારે બાજુ ઉત્સાહ છે. આજે રાંધણ છઠ છે. રસોડાંને આરામ નથી. કાલે શીતળા સાતમ. માતાજીને ઊનું ન ફાવે એટલે કાલે તો ચૂલો પણ ઠંડો રહેશે. ટાઢું ખાવાનું છે એટલે આજે જ રંધાઈ જવું જોઈએ. અને પરમ દિવસે આવશે જન્માષ્ટમી. કૃષ્ણ કનૈયાના જન્મનો ઓચ્છવ. બધા મસ્ત છે; બધાંનાં મન ઉમગે છે.
આવો હવે મળીએ મોરબીના મૅયર રતિલાલ દેસાઈને. અચકાતા મને જાહેર જીવનમાં આવ્યા, પણ હવે એમને મન જનસેવા એ જ પ્રભુસેવા. સગાવાદ, લાગવગ. ચશમપોશી, રુશ્વતખોરીના પ્રખર વિરોધી. સૌરાષ્ટ્રમાં કોઈકને કોઈક મ્યુનિસિપાલિટી રુશ્વતના કીચડથી ખરડાયેલી હતી ત્યારે પણ રતિલાલ દેસાઇને કારણે મોરબીએ ‘આદર્શ શહેર’ નો દરજ્જો જાળવી રાખ્યો હતો.
આવાં અનેક પાત્રો આપણને મોરબીના સમાજજીવનનો ચિતાર આપે છે.
xxx
સૌરાષ્ટ્રના દ્વીપકલ્પની ફરતે આવેલી ડૂંગરોની હારમાળામાંથી અનેક ઝરણાં ફૂટે છે. લીલાં જંગલો પાર કરીને એક સૌથી મોટા ઝરા, મચ્છુને આવીને મળે છે. એ જ મચ્છુ નદી. વાંકાનેરથી વીસ માઇલ (૩૨ કિલોમીટર) આગળ વધીને મચ્છુ મોરબીમાં પ્રવેશે છે. અહીં એની પહોળાઈ લગભગ બે ફર્લાંગ (૨૫૦ મીટર) છે. વરસમાં મોટા ભાગે તો એ કોરી હોય છે, કીચડ અને ગારા સિવાય કઈં હોતું નથી. મોરબીથી માળિયા સુધી જઈને મચ્છુ કચ્છના અખાતમાં ઠલવાય છે. ચોમાસામાં અખાતમાં પાણી ભરાતાં એ અરબી સમુદ્ર સાથે એકાકાર થઈ જાય છે. અનેક જાતની માછલીઓ મચ્છુના મુખપ્રદેશમાં જોવા મળે છે. પરંતુ ચોમાસું વીતતાં કચ્છનો અખાત સુકાવા માંડે છે અને ખારાપાટની સખત જમીન બની જાય છે. એ મચ્છુને શોષી લે છે.
આમ તો મચ્છુને નાથવાનો વિચાર નવો નહોતો. છેક ૧૯૨૦ના અરસામાં મોરબીના રાજા ઠાકોર લખધીરજીને મોરબીમાં બંધ બાંધવાનો વિચાર આવ્યો હતો. એમણે ભારતના સર્વમાન્ય નિષ્ણાત એન્જીનિયર વિશ્વેસરૈયાને સલાહ માટે મોરબી તેડાવ્યા. પરંતુ એમણે આ વિચાર તરત પડતો મેલ્યો. એ વખતના અમુક દસ્તાવેજો પ્રમાણે ડૅમ બાંધવા માટે જોઈતાં નાણાંની ખેંચ હતી. તે પછી વાંકાનેર પાસે બંધ બાંધવાની દરખાસ્ત આવી. પણ એય લખધીરજીએ માંડી વાળ્યું, કારણ કે વાંકાનેરનાં ઘણાં ગામડાં ડૂબી જાય એમ હતું અને વાંકાનેર અલગ રાજ્ય હતું એટલે સાર્વભૌમત્વનો પણ સવાલ હતો. પરંતુ મૅયર રતિલાલ દેસાઈના માનવા મુજબ વિશ્વેસરૈયાએ લખધીરજીને બંધ ન બાંધવાની સલાહ આપી. કહેવાય છે કે વિશ્વેસરૈયાએ કહ્યું કે જો બંધ પાણીને રોકી નહીં શકે તો સમજી લો કે મોરબીની સામે તોપનું નાળચું કાયમ માટે તકાયેલું રહેશે.
૧૯૨૦માં જે ન થયું તે આઝાદી પછી થયું. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું અને ૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મોરબીથી ૩૩ માઇલ (૫૩ કિલોમીટર) દૂર વાંકાનેર પાસે લગભગ દોઢ માઇલ ( બે-અઢી કિલોમીટર) લાંબો બંધ બાંધ્યો. આનો લાભ વાંકાનેરની આસપાસનાં ગામોને મળવાનો હતો. આ હતો પહેલો મચ્છુ બંધ.
પરંતુ મોરબીની જરૂરિયાત સંતોષવા માટે મોરબી પાસે પણ બંધ બાંધવાની વાત તો ઊભી જ રહી. એ બીજો બંધ બનવાનો હતો. આપણે એ જ બંધની વાત કરીએ છીએ, પરંતુ આજે તો અહીં જ અટકીએ. xxx