Nelson Mandela on Gandhi

પાવનકારી યુદ્ધવીર ગાંધીઃ નેલસન મંડેલા

ગાંધીજીનું નામ લેતાં બીજા બે મહાપુરુષો અનાયાસ યાદ આવી જાય. એક તો અમેરિકાના શ્યામવર્ણી પ્રજાના સમાનતાના અધિકાર માટેના શાંતિવાદી નેતા ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને બીજા દક્ષિણ આફ્રિકાના મુક્તિદાતા નેલસન મંડેલા. આ બન્ને મહાનુભાવો સ્વયં વીસમી સદીના મહાપુરુષો છે અને એમણે ગાંધીના વિચારોને પોતાના જીવનના આદર્શ માનીને આંદોલનો ચલાવ્યાં. સુપ્રસિદ્ધ ‘ટાઇમ’ મૅગેઝિને ૨૦૦૦ના વર્ષમાં વીસમી સદીના મહાપુરુષો વિશે લેખમાળા પ્રકાશિત કરી. એના ૩જી જાન્યુઆરીના અંકમાં દક્ષિણ આફ્રિકાના મુક્તિદાતા નેલસન મંડેલાએ પોતાના એક ગુરુ ‘ગાંધી’ વિશે લેખ લખીને એમને અંજલી આપી. અહીં પ્રસ્તુત કરૂં છું એમના લેખનો ભાવાનુવાદઃ

(The Sacred Warrior: Nelson Mandela on Gandhi આ લેખ  http://www.mkgandhi.org/articles/sacred_warrrior.htm પરથી સાભાર લીધો છે).

૦-૦-૦-૦

ગાંધી ભારતના નાગરિક હતા, અને દક્ષિણ આફ્રિકાના પણ નાગરિક હતા. એમની બૌદ્ધિક અને નૈતિક પ્રતિભાના વિકાસમાં બન્ને દેશોનું પ્રદાન રહ્યું છે. ભારત ગાંધીની જન્મભૂમિ છે, તો દક્ષિણ આફ્રિકા, કર્મભૂમિ.  એમણે બન્ને દેશોનાં મુક્તિ આંદોલનોને આકાર આપ્યો. ગાંધી ખરા અર્થમાં સંસ્થાનવાદ વિરોધી ક્રાન્તિકારી હતા. આપણી સદીમાં સંસ્થાનવાદ અને જાતિવાદ વિરુદ્ધ જેટલાં આંદોલનો થયાં તેમાં ગાંધીએ આપેલું અસહકારનું શસ્ત્ર, “આપણા પર જોહુકમી ચલાવનારને આપણે સહકાર આપીએ તો જ એ જોહુકમી ચલાવી શકે” એવી એમની ઘોષણા અને અહિંસક પ્રતિરોધના એમના વ્યૂહની પ્રેરક ભૂમિકા રહી. હું પોતે અને ગાંધી, અમે બન્ને  સંસ્થાનવાદી શોષણનો ભોગ બન્યા, અને અમે બન્નેએ અમારી પ્રજાઓનાં સ્વાતંત્ર્યને પગ તળે રગદોળનાર સરકારો વિરુદ્ધ  જનતાને ખડી કરી.

છેક ૧૯૬૦ સુધી આફ્રિકા ખંડમાં બધાં મુક્તિ આંદોલનોમાં ગાંધીનો પ્રભાવ રહ્યો છે, કારણ કે એમણે નબળાઓને સંગઠિત કરીને શક્તિનો ધોધ વહેવડાવ્યો. બધાં જ મહત્વનાં પ્રજાકીય આંદોલનોનાં અગ્રગણ્ય સંગઠનોએ અહિંસાનો સત્તાવાર સિદ્ધાંત તરીકે સ્વીકાર કર્યો અને દક્ષિણ આફ્રિકામાં ANC (આફ્રિકન નૅશનલ કોંગ્રેસ) એના અસ્તિત્વના સમગ્ર કાળમાં મહદંશે હિંસાનો સજ્જડ વિરોધ કરતી રહી.

ગાંધી અહિંસાના પ્રખર પુરસ્કર્તા રહ્યા.  મારાથી બન્યું ત્યાં સુધી હું ગાંધીના વ્યૂહ પ્રમાણે ચાલતો રહ્યો, પરંતુ અમારા સંઘર્ષમાં એક ઘડી એવી આવી કે દમનકારીઓના પાશવી બળ સામે માત્ર અહિંસક પ્રતિરોધના શસ્ત્રથી લડવાનું શક્ય ન રહ્યું. અમે એક સશસ્ત્ર પાંખ ‘ઉન્ખોન્તો વે સિઝ્વે’ની સ્થાપના કરી. એમાં પણ અમે માત્ર સરકારી વ્યવસ્થામાં ભાંગફોડનો વ્યૂહ અખત્યાર કર્યો કારણ કે એમાં જાનહાનિ ન થાય; અને  ભવિષ્યમાં બે જાતિઓના સંબંધો એ જ રીતે સુધરે તેવી આશા હતી.  ૧૯૬૨માં મેં ‘પૅન-આફ્રિકન મૂવમેન્ટ ઑફ ઈસ્ટ ઍન્ડ સેન્ટ્રલ આફ્રિકા’ (PAFMECA)ને સંબોધન કરતાં કહ્યું કે “ સામ્રાજ્યવાદીઓ  માત્ર બળની ભાષા જ સાંભળી શકે છે  અને કોઈ પણ દેશ કોઈ ને કોઈ જાતની હિંસા વિના આઝાદ નથી થયો”. તે પછી સશસ્ત્ર સંઘર્ષ આફ્રિકી મુક્તિ આંદોલનોના સત્તાવાર કાર્યક્રમનો ભાગ બન્યો અને આફ્રિકી એકતા સંઘે પણ એને ટેકો આપ્યો.

ગાંધીએ પોતે પણ કદીયે હિંસાના માર્ગને સંપૂર્ણપણે અને સાર્વત્રિક રીતે નકાર્યો નથી. એમણે કહ્યું કે “ કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય તો હું હિંસાની સલાહ આપીશ…ધુત્કારના મૂંગા સાક્ષી બનવા કરતાં શસ્ત્રો દ્વારા સ્વાભિમાનની રક્ષા કરવાનું હું પસંદ કરીશ.”  હિંસા અને અહિંસા બન્ને એકબીજાને નકારતાં નથી. બન્નેમાંથી જેનો પ્રભાવ વધારે હોય તેના પ્રમાણે સંઘર્ષને નામ મળે છે.

ગાંધી ૧૮૯૩માં ૨૩ વર્ષની વયે દક્ષિણ આફ્રિકા આવ્યા. એક જ અઠવાડિયામાં જાતિવાદ સામે એમની સીધી ટક્કર થઈ. એમને પહેલાં તો થયું કે જે દેશમાં ચામડીના રંગને કારણે લોકોનું આવું અપમાન થતું હોય ત્યાં રહેવું જ નથી, પરંતુ એમની અંદર રહેલી પ્રતિરોધની ઠંડી તાકાતે એમનો કબજો લઈ લીધો અને એમનામાં એક મિશનની ભાવના ભરી દીધી. તે પછી એ અહીં જ રહ્યા અને જાતિને કારણે શોષણનો ભોગ બનનારાઓના ગૌરવની પુનઃપ્રતિષ્ઠા માટે ઝૂઝતા રહ્યા. અહીં જ એમણે આખી દુનિયામાં સંસ્થાનવાદની એડી તળે દબાયેલા લોકોની સ્વાધીનતાનો માર્ગ તૈયાર કર્યો અને અને નવી સામાજિક વ્યવસ્થાનો નક્શો બનાવ્યો.  ૨૧ વર્ષ પછી ભારત પાછા ગયા ત્યારે તેઓ લગભગ ‘મહા-આત્મા’ બની ચૂક્યા હતા. મને જરા પણ શંકા નથી કે જ્યારે હિંસાએ એમને આપણી દુનિયામાંથી ઝુંટવી લીધા ત્યારે તેઓ ખરેખર ‘મહાત્મા’ની અવસ્થામાં પહોંચી ગયા હતા. (‘મહા-આત્મા’ એવું શબ્દ વિભાજન મંડેલાએ પોતે જ કર્યું છે એ વાતની નોંધ લેવી જોઈએ – દી).

ગાંધીજી સામાન્ય નેતા નહોતા. ઘણા લોકો માને છે કે એમને ઈશ્વરી પ્રેરણા મળતી હતી. આમ કહેનાર સાથે અસંમત થવાનું અઘરૂં છે. આપણા પર જ્યારે હીરોશિમા અને નાગાસાકીના રૂપમાં હિંસાચાર ત્રાટક્યો ત્યારે એમણે અહિંસાની ભેરી વગાડવાનું સાહસ દેખાડ્યું, વિજ્ઞાન, ટેકનોલૉજી અને મૂડીવાદી વ્યવસ્થાએ નૈતિકતાને ખૂણામાં હડસેલી દીધી હતી ત્યારે ગાંધીએ નૈતિકતાનો જયઘોષ કર્યો. એમણે ‘સ્વ’નું મહત્વ જરાયે ઓછું કર્યા વિના સ્વહિતને પદભ્રષ્ટ કરીને જનહિતનો મહિમા ગાયો. ખરૂં જોતાં, સામાજિક અને વ્યક્તિગત સ્વાધીનતાનું પરસ્પર અવલંબન એમના દર્શનનું હાર્દ છે. ગાંધી નૈતિક વ્યક્તિ અને નૈતિક સમાજ, બન્ને એકબીજાને પ્રોત્સાહિત કરે એવા વિકાસની હિમાયત કરે છે.

એમનો સત્યાગ્રહ સત્યને પામવાની વ્યક્તિગત અને સામાજિક મથામણ છે. અને સત્યને તેઓ ઈશ્વર, નિર્વિકલ્પ નૈતિકતા માને છે. એમને આત્મકેન્દ્રિત બનીને, એકલા એકલા સત્યની શોધ નથી કરવી, સત્યની શોધ તો લોકો સાથે રહીને કરવી છે. એમણે કહ્યું: ”હું ઈશ્વરને ઝંખું છું – અને ઈશ્વરને ઝંખું છું તે જ કારણસર મારે બીજા લોકોની સાથે રહીને એને શોધવાનો છે.  ઈશ્વર મને એકલપંડે મળી શકશે એમ હું નથી માનતો. એમ માનતો હોત તો મેં હિમાલયની કોઈ ગુફા ભણી ઈશ્વરની શોધમાં દોટ મૂકી હોત. પરંતુ હું માનું છું કે ઈશ્વર કોઈ એકલા જણને ન મળે, એટલે મારે લોકો સાથે કામ કરવાનું છે. મારે એમને મારી સાથે લેવા પડશે. હું એકલો જ ઈશ્વર પાસે પહોંચી ન શકું.” ગાંધી અહીં ધાર્મિક અને સાંસારિકનો સમન્વય સાધીને પોતાની ક્રાન્તિને પવિત્રતાથી મંડિત કરે છે.

ગાંધીમાં જ્ઞાનોદય બમ્બાતા વિદ્રોહ દરમિયાન, ત્યાંના ડુંગરાળ પ્રદેશમાં બ્રિટનના રાજભક્તની જેમ સ્ટ્રેચર વાહકોની ટુકડીના નેતા તરીકે કામ કરતાં થયો. ગાંધી નીકળ્યા તો  હતા, બ્રિટિશ સામ્રાજ્યની સેવા કરવા, પણ ઝુલુઓ પર અંગ્રેજોના અત્યાચાર જોઈને એમનો આત્મા કકળી ઊઠ્યો. આ પહેલાંની કોઈ ઘટનાએ એમના મનમાં હિંસા સામેનો વિરોધ આટલી તીવ્રતાથી કદી પેદા નહોતો કર્યો. એમણે લડાઇના મોરચે જ,  બધી ભૌતિક સુખસુવિધાઓ છોડીને હિંસાના સંપૂર્ણ અંત અને માનવ સમાજની સેવામાં બાકીનાં વર્ષો ગાળવાની મનમાં ગાંઠ વાળી લીધી. અંગ્રેજ અત્યાચારીઓ તો ઝુલુઓને કોરડા મારીને અલોપ થઈ જતા અને તરફડતા, લોહી નીંગળતા ઝુલુઓને જોઈને ગાંધીનું હૈયું રડી ઊઠતું.  એમની જુગુપ્સા એટલી પ્રબળ બની કે પહેલાં જે કઈં બ્રિટિશરોનું હોય તેના તેઓ પ્રશંસક હતા, પણ હવે એમનું મન દેશવાસીઓ અને જાતિઓમાં વહેંચાયેલા લોકો તરફ ગયું. એમણે સંસ્થાનવાદની ચુંગાલમાં ફસાયેલાઓની સંસ્કૃતિમાં નવા પ્રાણ ફૂંક્યા અને ભારતીય પ્રતિરોધને પણ ચરમ કક્ષાએ લઈ ગયા. એમણે ભારતીય હસ્તોદ્યોગને નવું જીવન આપ્યું અને દમનકારીઓના માલનો બહિષ્કાર કરીને સ્વદેશીના નારા સાથે હસ્તોદ્યોગનો આર્થિક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો.  અંગ્રેજી માલ લોકોના કસબ અને મૂડી માટે ફટકા સમાન હતો.

આજની દુનિયાની, અને ખાસ કરીને આફ્રિકાની ગરીબાઈ ઉત્પાદિત માલ માટે વિદેશી બજારો પર સતત નિર્ભર રહેવાને કારણે જ છે. એનાથી દેશના ઉત્પાદનની અવગણના થાય છે અને ઘરઆંગણાનાં કલા-કસબનાં ગળાં ટૂંપાઈ જાય છે. એટલું જ નહીં, વિદેશી દેવાનો ગંજ ખડકાતો જાય છે, જેનો પાર પામી શકાતો નથી. ગાંધીનો સ્વાવલંબન માટેનો આગ્રહ એક મૂળભૂત અર્થશાસ્ત્રીય સિદ્ધાંત છે. આજે એનું પાલન કરીએ તો ત્રીજા વિશ્વના દેશોની ગરીબાઈ ફેડવામાં અને વિકાસને વેગ આપવામાં ઘણું કામ થઈ શકે.

ગાંધી ફ્રાન્ઝ ફેનન અને દક્ષિણ આફ્રિકા અને અમેરિકાની બ્લૅક જાગૃતિના કાળથી પચાસેક વર્ષ પહેલાં થઈ ગયા અને એમણે પ્રજાની અંદરની જ પ્રતિભા, જોશ અને ઉદ્યમને જાગૃત કર્યાં. ઍડમ સ્મિથ માને છે કે માનવ સ્વભાવ સ્વહિત અને આદિમ જરૂરિયાતોથી ઘડાય છે, પરંતુ ગાંધી એનો ઇન્કાર કરે છે અને આપણને આપણા આત્મિક પરિમાણ તરફ પાછા લઈ જાય છે. આપણાં આત્મિક પરિમાણ અહિંસા, ન્યાય અને સમાનતાનાં બનેલાં છે. ગાંધી એ ભ્રાન્તિનો ભંડો ફોડી નાખે છે કે જે કોઈ સખત પરિશ્રમ કરે તે સૌ સફળ રહે અને ધનવાન બની જાય. તેઓ કહે છે કે કરોડો લોકો હાડકાં તૂટી પડે એટલી મહેનત કરે છે અને તેમ છતાં ભૂખે પેટે સૂએ છે. ગાંધી આપણને નીચે ઊતરીને, જમીનદારની જેમ નહીં પણ કિસાનની જેમ, જીવવાનું કહે એ કારણ કે “બધા કિસાન તો બની શકે, પણ જમીનદાર તો બહુ થોડા જ બની શકે.” (અહીં ‘કિસાન’ અને ‘જમીનદાર’ શબ્દો મંડેલાએ પોતે જ વાપર્યા છે, એ નોંધવા જેવું છે. – દી)

એમણે આમજન સાથે સમાનતા સ્થાપવા માટે પોતાનાં તમામ સુખસગવડ છોડી દીધાં અને સામાન્ય જનતા સાથે ભળ્યા. “મારે ગરીબમાં ગરીબ માણસના સ્તરે ઊતરવું પડશે…(તે સિવાય) હું આર્થિક સમાનતા સ્થાપવાની આશા ન રાખી શકું.”

સંપત્તિ અને ગરીબાઈની એમની સમજમાંથી એમની શ્રમ અને મૂડીની સમજ વિકસી, પરિણામે એમને ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં એનો ઉકેલ દેખાયો. આ સિદ્ધાંતનો આધાર એ છે કે મૂડીની ખાનગી માલિકી ન હોઈ શકે, એ ફેરવિતરણ અને સમાનતા સ્થાપવા માટે ટ્રસ્ટ તરીકે મળી છે. જો કે, એમણે બે વ્યક્તિઓનાં વલણો અને પ્રતિભાઓ વચ્ચેનો ફરક મંજૂર રાખ્યો. એમણે કહ્યું કે એ તો ભગવાનની દેન છે અને એનો ઉપયોગ સામૂહિક ભલા માટે કરવાનો છે. મૂડીવાદી કે સામ્યવાદી, બન્ને આર્થિક વ્યવસ્થાઓની જગ્યાએ ગાંધી નવો વિકલ્પ શોધે છે અને એમને આ વિકલ્પ અહિંસા આધારિત સર્વોદયમાં મળે છે. ( અહીં ‘સર્વોદય’ અને ‘અહિંસા’ શબ્દોનો ઉપયોગ મંડેલાએ પોતે જ કર્યો છે – દી).

ગાંધી “સબળા ટકે” એવા ડાર્વિનના સિદ્ધાંતને નકારે છે, ઍડમ સ્મિથના સ્વૈર વ્યવહારના વિચારને જાકારો આપે છે અને મૂડી અને શ્રમ વચ્ચેના સ્વાભાવિક વૈમનસ્યની માર્ક્સની થિયરીને પણ ફગાવી દે છે, અને બન્ને વચ્ચેના પરસ્પર અવલંબન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ માને છે કે માણસમાં પરિવર્તનની ક્ષમતા છે અને દમન કરનાર સામે સત્યાગ્રહનું હથિયાર ઉગામે છે; એનો ઉદ્દેશ એના નાશનું નહીં પણ એનામાં પરિવર્તન લાવવાનો છે કે જેથી એ દમન બંધ કરીને સત્યની શોધમાં પીડિતો સાથે ભળીને રહે. અમે દક્ષિણ આફ્રિકામાં, ગાંધીથી પ્રભાવિત હોઇએ કે ન હોઈએ, લગભગ શાંતિથી જ લોકશાહી લાવ્યા છીએ એનો આધાર આ વિચાર જ હતો.

આધુનિક ઔદ્યોગિક સમાજનો સુવાંગ સંપૂર્ણ ઘોર આલોચક આજે કોઈ હોય તો એ ગાંધી જ. બીજાઓએ એની સર્વગ્રાસી તાકાતની ટીકા કરી છે પણ એની ઉત્પાદક મશીનરીની નહીં. ગાંધી વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિરોધ નથી કરતા, પણ તેઓ કામના અધિકાર પર ભાર મૂકે છે અને આ અધિકારને માઠી અસર કરે એ પ્રકારના યાંત્રીકરણનો વિરોધ કરે છે. ગાંધી કહે છે કે મોટાં મશીનોથી મૂડી એક માણસના હાથમાં કેન્દ્રિત્ત થાય છે અને એક માણસ બાકીના બધા માટે જુલમગાર બની જાય છે. ગાંધી નાનાં મશીનોની તરફેણ કરે છે. ગાંધી માને છે કે વ્યક્તિનો જ પોતાનાં ઓજારો પર કાબુ હોવો જોઈએ, જેમ ક્રિકેટર અને એના બૅટ વચ્ચે, કૃષ્ણ અને એમની વાંસળી વચ્ચે પ્રેમનો સંબંધ છે તેમ વ્યક્તિ અને એનાં ઓજારનો પરસ્પરાવલંબી પ્રેમસંબંધ પણ ટકી રહેવો જોઇએ. (કૃષ્ણ અને વાંસળીનું ઉદાહરણ મંડેલાએ પોતે જ આપ્યું છે – દી). આમ ગાંધી  વ્યક્તિને મશીન દ્વારા પદભ્રષ્ટ થતાં રોકવા અને ઉત્પાદનની પ્રક્રિયામાં નૈતિકતા જોડવા મથે છે.

આજે આપણે એવી સ્થિતિમાં સપડાયા છીએ કે આપણાં અર્થતંત્રો રોજીરોટી નથી આપતાં, બહુ નાની લઘુમતી બધા ઉપભોગ માણે છે અને કરોડો ભૂખે મરે છે. આથી આપણું અત્યારનું વૈશ્વીકરણ કેટલું બધું અન્યાયમૂલક છે તે સમજીને અને ગાંધીચીંધ્યા વિકલ્પ વિશે વિચાર કરવાની આપણને ફરજ પડી છે.

જ્યારે ફ્રૉઇડ સેક્સને મુક્ત કરતો હતો ત્યારે ગાંધીએ એના પર લગામ લગાવવાની વાત કરી; માર્ક્સે મજૂરોને મૂડીપતિઓ સામે ઊભા કર્યા ત્યારે ગાંધીએ એમને સાથે લાવવાનું કહ્યું; યુરોપીય ચિંતનની મુખ્ય ધારાએ ઈશ્વર અને અંતરાત્માનો સામાજિક દરજ્જો ઝાટકીને ઉડાડી દીધો ત્યારે ગાંધીએ ફરી સમાજને ઈશ્વર અને અંતરાત્મા તરફ વાળ્યો. સંસ્થાનવાદની એડી તળે દબાયેલાઓએ વિચારવાનું અને પોતાનું નિયંત્રણ રાખવાનું છોડી દીધું હતું ત્યારે ગાંધીએ વિચારવાનું અને નિયંત્રણ પોતાના હાથમાં રાખવાનું સાહસ કર્યું. અને જ્યારે વિચારધારાઓ લગભગ ભુંસાઈ ગઈ હતી ત્યારે ગાંધીએ એમને જીવનદાન આપ્યું અને એમાં એવી શક્તિ ભરી કે એમના દ્વારા લોકો મુક્ત થયા અને એમના ગૌરવની પ્રાણપ્રતિષ્ઠા થઈ શકી.xxx

%d bloggers like this: