Two Friends

બે મિત્રો

સકામ-નિષ્કામ શ્રદ્ધા અને શ્રી શરદભાઈ શાહ સાથેની ચર્ચાના અનુસંધાનમાં આજે બે વ્યક્તિઓનો સંક્ષિપ્ત પરિચય આપવા માગું છું. આ બન્ને મિત્રો આસ્તિક છે, બધાં ધાર્મિક વ્રતો નિયમપૂર્વક કરે છે. એમનો પરિચય આપવાનો હેતુ એટલો જ કે તેઓ મારા મિત્રો છે અને બન્નેને હું ખરા ધાર્મિક માનું છું.

૧. શ્રી સવાઇલાલ અજમેરા મારા વડીલ પણ છે અને મિત્ર પણ. આકાશવાણીમાં એમની સાથે કામ કરવાની મને તક મળી. આજે તેઓ વર્ષ્ના જુવાન છે. મળશો તો ૬૭ના લાગશે. આખો દિવસ કામ કરે, ક્યાંય જવું હોય તો બસમાં જાય. ઉંમરની તો કદી વાત જ નહીં. પાકા જૈન. એમની પાસેથી પણ જૈન ધર્મના પ્રચલિત રીત રિવાજો વિશે જાણવા મળ્યું. કારણ કે અજમેરાભાઈ તો ધર્મમાં પાકા. ચાતુર્માસ કરે ત્યારે સવારે ડ્યૂટી હોય તો સૂર્યોદય પહેલાં ચા ન પીએ. સૂર્યાસ્ત પહેલાં ખાઈ લે. ડ્યૂટી ઉપર સાથે હોઈએ તો ડબ્બો ઊઘાડે અને સાથે જમવા આમંત્રણ આપે. કઈંક લાવ્યા હોય. કોરા નાસ્તા જેવું. ક્યારેક થેપલાં હોય. જો કે ડૂંગળી-લસણનો એમને બાધ નહીં.

મૂળ વેપારી. પ્રામાણિકતાથી વેપાર કરવા મથે એટલે બહુ સફળ વેપારી ન બન્યા. બહુ પૈસા ભેગા ન કર્યા. હિસાબમાં પાકા ખરા. પણ મદદ કરવા હંમેશાં તૈયાર. ધંધામાં રુશ્વત વિના કામ ચાલતું જ નથી એ પણ કહી દે.

એક વાર એક વેપારીને એમણે દસેક હજાર રૂપિયા ઉધાર આપ્યા. રકમ તો બરાબર યાદ નથી પણ ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં મોટી કહેવાય એવી રકમ હતી. એ જમાનામાં ‘4 figure salary’ કહેતાં બધું સમજાઈ જતું. એટલે દસ હજાર એટલે અધધધ… વેપારી કદાચ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર હતો. અજમેરાભાઈના પૈસાના ટેકાથી પણ એ ઊભો ન થઈ શક્યો. આ ઘટના સાંભળીને મેં એમને પૂછ્યું કે  તમારા પૈસા તો ગયા. અજમેરાભાઈ કહે, ના  આપે છે, થોડા થોડા કરીને. એય બીચારો ફસાયેલો છે, શું કરે, આપી દેશે.

પોતાના પૈસા ડૂબતા જોયા પછી પણ જે વ્યક્તિ ઉધાર લેનાર માટે “બીચારો” શબ્દ વાપરી શકે એ ખરા અર્થમાં ધાર્મિક હોય. અજમેરાભાઈને મારા જ માપદંડે માપું છું તો પણ એમને હું મારા કરતાં ઊંચી જગ્યાએ જોઉં છું. તેઓ વ્રતો રાખે છે કે નહીં, આસ્તિક છે કે નહીં, એ બધી ચર્ચા નકામી છે.

૨. સલીમ અખ્તર સાથે પણ મારો પરિચય આકાશવાણીમાં જ થયો. તે પછી તો અમે પાડોશી પણ બન્યા અને કઈં નહીં તો પચીસ વર્ષની દોસ્તી છે. ભાગ્ય એમને આકાશવાણીના ઉર્દુ સમાચાર વાચક તરીકે ખેંચી લાવ્યું. સ્વભાવે ધર્મભીરુ. એમણે મને કુર-આન શરીફ ભેટ આપ્યું. બીજી બાજુ પ્રગતિશીલ વિચારોવાળા. એમણે એક મૌલવીને પૂછ્યું કે સ્વર્ગમાં જઈએ તો હૂરીઓ મળે, પણ સ્ત્રીઓને શું મળે? સ્ત્રીઓને સ્વર્ગમાં જવામાં શું લાભ? અપ્સરાઓ તો પુરુષ માટે જ હોય ને? અમે મળીએ ત્યારે સામાજિક ચર્ચાઓ થાય, તેમાં મુસલમાન સમાજની રુઢિચુસ્તતાની વાત પણ આવે. મુસલમાન કદી નાસ્તિક ન હોય, પણ સલીમ સાહેબ ડ્યૂટી છોડીને નમાઝ અદા કરવા કદી ન જાય. “અરે, રસૂલ-અલ્લાહને કબ કહા કિ ડ્યૂટી છોડ કે ભી અલ્લાહ કો યાદ કરો… યહ કામચોરી હૈ, નમાઝ નહીં હૈ.” પણ ઘરે હોય તો આખો મહિનો રોઝા રાખે. પરંતુ ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજ બાબતમાં એમના વિચાર બહુ સ્પષ્ટ.

બે વર્ષ પહેલાં હજ કરી આવ્યા. મને મક્કાની ખજૂર અને ઝમઝમના પાણીનો ‘પ્રસાદ’ આપ્યો. પણ કહે કે ત્યાં તો એશિયા, આફ્રિકા, યુરોપ બધી જગ્યાએથી મુસ્લિમો આવે છે. સૌની રીત, વર્તન બધું જુદું.  ઘણાઓ પિકનિક પર આવ્યા હોય એમ વર્તતા હતા!

આ તો બધી વાત થઈ. વર્ષો પહેલાંની ઘટના યાદ આવે છે. એક વાર એ મને મળ્યા ત્યારે હાથમાં કાગળનો રિમ. કોઈ પુસ્તકનો કે રિપોર્ટનો અનુવાદ કરતા હતા. મેં કહ્યું કે મારી પાસે ઑફિસમાં આખો રિમ પડ્યો હતો, બોલવું’તું ને! સલીમ સાહેબે ટૂંકો જવાબ આપ્યોઃ “ આ કઇં ઑફિસનું કામ નથી. ઑફિસના કાગળ શા માટે વાપરવા? મારી આંખ ઉઘાડી નાખી!

જે વ્યક્તિ ઑફિસની સંપત્તિ પર પોતાનો અધિકાર ન માનતી  હોય તે ખરા અર્થમાં ધાર્મિક હોય. સલીમ સાહેબને મારા જ માપદંડે માપું છું તો પણ એમને હું મારા કરતાં ઊંચી જગ્યાએ જોઉં છું. તેઓ નમાઝ પઢે છે કે રોઝા રાખે છે કે નહીં, આસ્તિક છે કે નહીં, એ બધી ચર્ચા નકામી છે.

મૂલ્ય ન હોય તો ધર્મ પોકળ છે.

 

 

9 thoughts on “Two Friends”

  1. સત્ય જ ઈશ્વર છે.એ જ સત્યને જીવનભર સુરક્ષિત રાખવું તે જ ધર્મનો મર્મ છે.જીવન એટલે મૂલ્યોનું મહામંદિર. તદનુસાર મન,વાણી અને કર્મના સંગમ સમાન વર્તનારા બેઉ મિત્રોને વંદન.યાદ આવે “How much land does a man require?” ની ટોલ્સટોયની વાર્તા.

  2. धारयति इति धर्म……મને થાય કે જે કામ કાયદો ન કરી શકે તે ધર્મ કરી શકે. આજ આશય હશે જીવનમાં ધર્મને મહત્વ આપવા પાછળની. આજે એ ધર્મ નથી માત્ર સામ્પ્રદાયિક પરંપરા રહી છે તમામ ધર્મમાં

  3. મૂલ્યો=એકવાક્યતા=”કોહેઝીવનેસ ” [ મન,વચન અને કરણી…..ફરક ન હોય..].
    આજ એક સૂત્ર .એનો ખ્યાલ ડગલે અને પગલે રાખે તે ” ધાર્મિક” ….કેમ ખરુને?-
    સાચો માણસ…-લા’કાન્ત / ૨૪-૧-૧૩

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: