Dear Sharadbhai

પ્રિય શરદભાઈ,
તમે મને અંગત મેઇલ દ્વારા મોકલેલો પ્રતિભાવ બ્લૉગ પર પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ આભાર. https://wallsofignorance.wordpress.com/2013/01/03/andhashraddha-sakaam-shraddha-nishkaam-shraddha/

તમે છેડેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને મને એનો પ્રતિભાવ આપવા માટે પૂરો લેખ લખવાનું જરૂરી લાગ્યું. તમારા અભિપ્રાયને હું મૂલ્યવાન ગણું છું પરંતુ ‘અંધશ્રદ્ધા, સકામ શ્રદ્ધા, નિષ્કામ શ્રદ્ધા’ લેખ પાછળનો મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવાનું પણ એટલું જ જરૂરી લાગે છે.
સૌ પહેલાં તો એક ચોખવટ કરી દેવી જોઈએ. હું મારી જાતને રૅશનાલિસ્ટ તરીકે ઓળખાવતો નથી અને આવું કોઈ ગ્રુપ હોય તો હું એનો સભ્ય નથી. દુનિયાની ઘણી વિચારધારાઓમાં સમાનતા જોવા મળે છે, આ કારણે મારા વિચારોમાંથી આવો આભાસ મળી શકે છે, એનો પણ સ્વીકાર કરૂં છું. અહીં હું જે કઈં લખીશ તે કોઈ ગ્રુપના નહીં પણ મારા વ્યક્તિગત વિચારો છે. આમ જુઓ તો સ્પિરિચ્યુઆલિસ્ટોની સ્થિતિ પણ બહુ સારી હોય એમ નથી લાગતું.
આપણી કર્મેન્દ્રીયો અને જ્ઞાનેન્દ્રીયો. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને અંતઃકરણનાં કાર્યો અને એમની મર્યાદાઓથી હું સંપૂર્ણ પરિચિત છું, એવો દાવો નથી કરતો, તેમ છતાં આ બધાં સાધનોનાં કાર્યોથી સંપૂર્ણ અજાણ હોય એવો પણ કોઈ જણ આ દુનિયામાં નહીં મળે, એ પણ આપણે સ્વીકારવું પડશે. આંખ, કાન, નાક, મન, બુદ્ધિ વગેરે આપમેળે કામ કર્યા કરે છે. ઉંમર વધતાં એમની શક્તિઓ ક્ષીણ થતી જાય છે. એટલે મૂળથી જ જે મર્યાદાઓ છે તે વધારે કઠોર બનતી હોય છે. આમ મર્યાદાઓ તદ્દન ન સમજાય એવું પણ નથી. તમામ મર્યાદાઓ સાથે જેમ આપણે આંખનો કે કાનનો ઉપયોગ કરીએ જ છીએ, એ જ રીતે તમામ મર્યાદાઓ સાથે બુદ્ધિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આંખ અને કાનનો એક ઉદ્દેશ છે, તેમ બુદ્ધિનો પણ એક ઉદ્દેશ છે જ. એનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો જોઈએ એમ મારૂં માનવું છે.
આપણા મનીષીઓએ જે જ્ઞાન વિકસાવ્યું તે આત્મસાક્ષાત્કારના આધાર પર હોઈ શકે છે, પરંતુ એમાં પણ બુદ્ધિના ચમકારા તો દેખાયા વિના નથી રહેતા. કોઈને દ્વૈત દેખાય અને કોઈને અદ્વૈત. આ એમની પ્રતીતિ છે કે તર્કબદ્ધ વિચાર, તે આપણે સમજી શકીએ છીએ. પરમ તત્વ એક જ હોય તો એનું સ્વરૂપ સૌને એકસરખું જ દેખાવું જોઈએ, પરંતુ મને લાગે છે કે બુદ્ધિએ જે પ્રમાણે દેખાડ્યું તે જ રીતે એમણે જોયું. ભારતીય ચિંતન પરંપરામાં બુદ્ધિ અને તર્કને હંમેશાં ભારે મહત્વ મળતું રહ્યું છે.
મારો દૃષ્ટિકોણ સાવ જ સાદો છે. મેં ઈશ્વર છે કે નહીં, શ્રદ્ધા એટલે શું, એવી કોઈ ચર્ચા નથી કરી. દુનિયાના ૯૫ ટકા કરતાં વધારે લોકો ભગવાનમાં માને છે, એ જ કારણસર મેં એની ચર્ચા નથી કરી. જો કે હું તમારી સાથે સંમત છું કે ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા વગેરે શબ્દોના અર્થ બદલાઈ ગયા છે. મારૂં માનવું છેકે આવા બદલાવને કારણે આ શબ્દોના અર્થ વિસ્તર્યા છે અથવા વિકૃત થયા છે, પણ એમનો ઉપયોગ બંધ નથી થયો. હું ૯૫ ટકા લોકો સાથે અસંમત થઈ શકું પણ એમને મૂર્ખ ન માની શકું. એમની માન્યતાનો અભ્યાસ કરવાનું હું પસંદ કરીશ. આવાજ પ્રયાસોને કારણે, આપણી સમજમાં પણ વધારો થયો છે. એટલે જ ભાઈ ચિરાગ કહી શકે છે કે શ્રદ્ધા અને ધર્મને કશી લેવાદેવા નથી. અને ભાઈ અશોક વૈષ્ણવ શ્રદ્ધેય બનવા માટે અખૂટ આત્મશ્રદ્ધા પર ભાર મૂકે છે, તો શ્રી બીરેનભાઈ કોઠારી એવાં તારણ પર પહોંચ્યા છે કે શ્રદ્ધા પોતે જ અંધશ્રદ્ધા છે. હું તો અતુલભાઈની જેમ માનું છું કે આસ્તિક હોય કે નાસ્તિક શ્રદ્ધા વિનાનો કોઈ ન હોય. એમણે પણ શ્રદ્ધાને ધર્મની આગવી ખાસિયત માનવાનો ઇન્કાર કર્યો છે.
મેં શ્રદ્ધાનું આવું કોઈ મૂળભૂત વિશ્લેષણ નથી કર્યું. માત્ર ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના અર્થો સમજવાનો પ્રયાસ કર્યો છે. ભગત સિંહ, મહાત્મા ગાંધી કે અજમલ કસાબની શ્રદ્ધાની પણ ચર્ચા નથી કરી. મેં તો માત્ર લોકોમાં પ્રચલિત ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું અવલોકન કર્યું છે અને શ્રદ્ધા – અંધશ્રદ્ધાના વિવાદને નિરર્થક બનાવવા માટે કશાક લાભ કે રક્ષણ માટે રખાતી શ્રદ્ધાને મેં સકામ શ્રદ્ધા એવું નામ આપ્યું છે. જે લોકો ઈશ્વરને માનતા હોય, પરંતુ એની પાસેથી કશું માગતા ન હોય એમની શ્રદ્ધા માટે નિષ્કામ શ્રદ્ધા શબ્દ વાપર્યો છે. લેખના અંતમાં મેં સૂચવ્યું છે કે મંદિરનાં પગથિયાં ચડતા હોઇએ ત્યારે કે ચર્ચ અથવા મસ્જિદમાં જતા હોઈએ ત્યારે આપણે વિચારવું જોઇએ કે આપણી શ્રદ્ધા સકામ છે કે નિષ્કામ. આવું વિચારવા માટે કદાચ એ જ ઘડી વધારે યોગ્ય હશે એમ હું માનું છું. સકામ-નિષ્કામ કર્મ વિશે તો આપણે જાણીએ છીએ, મેં આ જ શબ્દોને શ્રદ્ધા પર લાગુ કર્યા છે. બસ. આટલું જ.
શ્રી સુબોધભાઇએ સાચું જ કહ્યું છે કે શ્રદ્ધાનાં રૂપોનું વિશ્લેષણ કરવાથી આપણે પોતાની શ્રદ્ધાને બરાબર ઓળખતા થઈ શકીએ એ જ મારો હેતુ છે. આવું થાય તો શ્રદ્ધાને નામે થતા ઘણા દુરાચારોથી આપણે બચી શકીએ અને “મારી શ્રદ્ધા સાચી” એવો દાવો બંધ કરીએ તો કોમવાદી વૈમનસ્યને પણ તિલાંજલી આપી શકીએ. કોઈની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ન ગણાવતાં ફળની અપેક્ષાથી રખાતી શ્રદ્ધાને સકામ શ્રદ્ધા કહીએ તો શ્રદ્ધા પ્રત્યેના આપણા અભિગમ અને એમાંથી પ્રગટતાં કાર્ય વિશેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય એમ મને લાગે છે. તે સિવાય દરેક જણ બીજાની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેશે. વળી ભાઈ ચિરાગ કહે છે તેમ વિકલ્પ ન હોય ત્યાં સુધી ભુવા પર શ્રદ્ધા રાખ્યા વિના ચાલતું જ નથી, પણ વિકલ્પ પછી પણ શ્રદ્ધા રાખવી એ અંધશ્રદ્ધા બની રહે છે. આમ, મેં યથાસ્થિતિને બરાબર સમજવા માટે, પ્રજ્ઞાબહેન કહે છે તેમ એક “સરળ પદ્ધતિ” વિચારીને મિત્રો સમક્ષ રજુ કરી છે. દેખીતું છે કે મારી રજુઆત મારી બુદ્ધિની મર્યાદાઓને પાર ન કરી શકે.
તમે બરાબર જ કહો છો કે પ્રેમનાં શાસ્ત્રો વાંચવાથી કઈં ન વળે. એના માટે પ્રેમ કરવો જરૂરી છે. હું પણ માનું છું કે આપણે બધું બુદ્ધિથી ન સમજાવી શકીએ. કબીરદાસજીએ પણ કહ્યું છે કે “ પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા પઢૈ સો પંડિત હોય”. આ બધી લાગણીઓ બુદ્ધિથી સ્વતંત્ર રીતે કામ કરે છે. અલબત્ત, લાગણીઓની અભિવ્યક્તિનાં અમુક રૂપ બનવામાં સામાજિક માન્યતાઓ પણ ભાગ ભજવતી હોય છે. ગોરા રંગને રૂપ માનનારી પ્રજામાં શ્યામવર્ણ સ્ત્રી કે પુરુષ પ્રત્યે નજર કેવી હોય છે એ તો આપણે જાણીએ છીએ. એમના તરફ આકર્ષણ થવાની શક્યતાઓ ઓછી હોય તો આપણે માનવું જોઈએ કે લાગણીઓ પર પણ સામાજિક માન્યતાઓનો પ્રભાવ હોય છે. હું જાણું છું કે તમે અથવા કબીરદાસજી નિષ્કામ પ્રેમની વાત કરો છો, તેમ છતાં લાગણીઓ અને સમાજના પ્રભાવ તરફ એકંદરે ધ્યાન દોરવાનું જરૂરી લાગ્યું, કારણ કે તમે બહુ ઊંચા પ્રકારની વાત કરો છો, જ્યારે હું બહુ સાધારણ સ્તરે, સમાજમાં પ્રચલિત ધારણાઓની જ વાત કરૂં છું.
એ જ રીતે તમે ‘ધર્મો’ને બદલે ધર્મ શબ્દ વાપરવાની વાત કરો છો તેમાં પણ આપણા વિચારો અલગ નથી. આપણે પંથો, વિચારધારાઓને ‘ધર્મ’ કહી દઈએ છીએ. હું માનું છું કે આ ‘ધર્મ’ પણ માનવીય બુદ્ધિના વિકાસનું પરિણામ છે. એટલે જ મેં પહેલાં કહ્યું છે કે ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા વગેરે શબ્દોના અર્થ વિસ્તર્યા અથવા વિકૃત થયા છે. શરૂઆતમાં એનો જે અર્થ થતો હતો તે આજે નથી થતો. અર્થ બદલાઈ ગયા છે એવી પ્રતીતિ ન થાય, એ બૌદ્ધિક સમજ છે, શરૂઆતમાં એનો શો અર્થ હશે તેનો વિચાર કરતાં એમ લાગ્યું કે ધર્મ મૂળમાં જીવન માટે આવશ્યક નીતિઓનો સંપુટ હતો. એ માત્ર જીવવા માટેની આવશ્યક શરતોના રૂપમાં હતો. જૈન અને બૌદ્ધ મતો તો એવું દેખાડે છે કે ધર્મને ઈશ્વર વિના તો ચાલશે પણ નીતિ વિના નહીં ચાલે. નાસ્તિકને પણ નીતિ વિના ન ચાલે. નીતિઓ જીવનને સુચારુ રીતે ચલાવવામાં ઉપયોગી થાય તો એને એ જમાનાના સમાજશાસ્ત્રનું નામ આપવામાં કઈં ખોટું નથી.
આમ ધર્મ સમાજ સાથે જોડાઈ શકે છે. પરંતુ તમે મને મનની શાંતિ શોધવાનું કહ્યું છે. એ તો, સામાજિક નહીં, વ્યક્તિગત ઉપાય થયો, સર્વધર્માન્ પરિત્યજ્ય…? બધી ફરજોનો ત્યાગ કરીને જ આ ઉપાય કરીશકાય ને? આપણે નકારવાદી (નિહિલિસ્ટ) બનીએ તો કદાચ આવી શાંતિ પ્રાપ્ત થાય. તમે કહો છો કે “જીવનના ખુબ જ થોડા દિવસો બચ્યા છે ત્યારે આવી ચર્ચાઓ જેનુ પરિણામ નિશ્ચિતરુપે પીડા અને દુખ છે તે શું ઉપયોગી થશે તે વિચારી જોજો.” જીવન જેટલું ગયું એના ચોથા ભાગ જેટલું જ રહ્યું હોય તો પણ મોટી વાત હશે, પરંતુ પીડા અને દુઃખ તો “ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં કોઈનાં નવ ટળે”! આ ચર્ચાઓ તો ઠીક, દુનિયામાં એટલાં બધાં દુઃખ છે કે આપણે એકલા, સમાજથી કપાઈને શાંતિ ઝંખીએ એ વાજબી ગણાય કે કેમ એ પણ વિમાસણ છે.
મારા માટે આ દુનિયા માયા નથી. એ નક્કર વાસ્તવિકતા છે, જેને હું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ઘ્રાણ દ્વારા જાણું છું. આના સિવાય કશુંક હોવાની કલ્પના માત્ર કલ્પના જ રહે છે. આપણે આ દુનિયામાં જીવીએ અને જોઇએ છીએ કે એક બાજુ કારમી ગરીબાઈ છે અને બીજી બાજુ ખૂટ્યું ન ખૂટે એટલું ધન છે. અખબાર હાથમાં લો અને બળાત્કારના, ભ્રષ્ટાચારના સમાચાર વાંચો. જન્મના આધારે, ચામડીના રંગના આધારે થતા ભેદભાવો અને આજે પણ ગામોનાં ગામો જીવતાં સળગાવી દેવાના બનાવો બનતા રહે છે. ભૃણ હત્યા, દહેજના નામે હત્યા, અંધશ્રદ્ધાને કારણે લાલચવશ અપાતા માનવબલિ, મઠો, મહેલો અને સત્તાધીશોના નિવાસોના દંભી પરદાઓ પાછળ ખેલાતા વ્યભિચારો…, દુનિયાના અધમ વ્યવહારો સામે બોલ્યા વગર મનને શાંતિ કેમ મળે? જેટલું બોલાય તેટલું બોલીએ. જેટલું થઈ શકે એટલું કરીએ. તમે સમજી શકશો કે આ બધું કહું છું તે બુદ્ધિથી નહીં, હૃદયથી જ કહું છું. બુદ્ધિ વિના હૃદય સમજી નહીં શકે અને નપુંસક આક્રંદ કરતું રહેશે, અને હૃદય વિના બુદ્ધિ કોરા તર્ક કરીને તૃપ્ત થઈ જશે. આંખ અને કાન માત્ર દુનિયા પાસેથી લઈ શકે છે, માત્ર બુદ્ધિ જ એવી છે કે જે દુનિયાને કઈંક આપી પણ શકે છે. હૃદયની ઝંખનાને માત્ર બુદ્ધિ જ સાકાર કરી શકે. મુક્તિ અને શાંતિની પ્રતીતિ માત્ર ભ્રમણા હોય તો એ પણ બુદ્ધિ જ કહી શકે. નહીંતર ભ્રમણામાં જ રાચતા રહીએ. મોટા ભાગે તો આવી મુક્તિ પલાયનવાદનું નામ હોય છે. જીવનમુક્ત સહેલાઈથી થઈ શકાતું હોત તો “એક ઢૂંઢો, જઝાર મિલતે હૈં” જેવી સ્થિતિ હોત. આવી વિરલતાને જ કારણે ધર્માચાર્યોના રૂપમાં ફરતા સેલ્સમેનો એના સેલમાં સફળ રહ્યા છે
મને ખબર છે કે મારો માર્ગ મોક્ષનો નથી, મનની શાંતિનો નથી. આ દુનિયા પરથી નજર હટાવી લેવાથી જ એ શાંતિ મળશે. શું કરીશ એવી એકાંતિક શાંતિનું? ‘વ્રજ વ્હાલું રે વૈંકુંઠ નહીં આવું… ખરો સવાલ એ છે કે આજે આપણે સમાજને, આ દુનિયાને અવગણીને જીવી શકીએ? જે કઈં જોઈએ છીએ તે પછી તો એમ લાગે છે કે આપણાં મન જરૂર કરતાં પણ વધારે શાંત છે. જરૂર છે, મનની અશાંતિની.
અને અનુભૂતિ કે પ્રતીતિની તમે વાત કરો છો તેવા જ અનુભવ પણ થયા છે, પણ આ શરીરમાં થયેલા અનુભવને હું આધ્યાત્મિક ગણાવવા માગતો નથી. પરંતુ હું બાવીસ-ત્રેવીસનો હતો ત્યારે એક સંપ્રદાયના ગુરુ મને શિષ્ય બનાવવા માગતા હતા. એમણે મારી ઇચ્છાઓ પૂછી. મેં કહ્યું ઘણી ઇચ્છાઓ છે. એમણે મને શરણમાં લેવાની તૈયારી દેખાડી. મેં ના પાડી અને કહ્યું કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપીને સાધનો તો આપી જ દીધાં હવે હું ફરી ભગવાન પાસે માગવા જઈશ નહીં. આજે ચાળીસ વર્ષ પછી પણ મને મારી ભૂલ સમજાઈ નથી.
ઘણું ફર્યો. ગીતા, ન્યૂ ટેસ્ટામેન્ટ. કુર-આન, થોડાક રજનીશ, વધારે કૃષ્ણમૂર્તિ, થોડાઘણા ગુર્જિયેફ, ચપટીભર આનંદ માર્ગ, આવતાંજતાં ગાંધી, માર્ક્સ, રસેલ. – બધા જ ગુરુઓ છે. અને એમનું ઋણ એટલી હદે સ્વીકારૂં છું કે મને નથી લાગતું કે મારામાં કઈં મૌલિકતા જેવું કઈં છે. મૌલિકતા માત્ર એટલી જ કે એ માથા પર ચડવા લાગ્યા છે તે સાથે જ નીચે ઉતારીને ચાલતો થયો છું. ગુરુ વિના જ ચાલું છું. અંતમાં મારી જ ભાવનાને સબળતાથી વ્યક્ત કરતા તમારા મહામૂલા શબ્દો વાપરૂં? આ રહ્યા તમારા શબ્દોઃ
“તમારી જાતથી વધુ સારો દુનિયામાં કોઈ ગુરુ નથી હોતો. પણ પ્રમાણિકતાપૂર્વક જાત સાથે જીવતા અને જાતને ઑળખતા શીખવું પડે છે. બાહ્ય ગુરુ તો ફક્ત ઈશારા જ કરી શકે છે યાત્રા તો જાતે જ કરવી પડે છે અને આ હોશપૂર્વકની યાત્રા જ ધર્મની સાધના છે.”
શરદભાઈ, તમે મારી વિનંતિથી કૉમેન્ટ પ્રકાશિત કરવાની પરવાનગી આપી તે બદલ ફરીવાર આભાર માનું છું. ‘મારી બારી’નું તો શું! એનામાં તાકાત હશે અને તમારા જેવા મિત્રોનો સદ્ભાવ હશે ત્યાં સુધી ખુલ્લી રહેશે. બાકી તે સિવાય આમાં મૂડી તો રોકી નથી કે બંધ થાય તો અફસોસ કરવા બેસું. બસ બારી આપણને મળવાનું નિમિત્ત પૂરૂં પાડે છે, એટલું જ. મળવાનાં નિમિત્ત હોય તો ચૂકશો નહીં એવી વિનંતિ સાથે આજે તો રજા લઉં.
તમારા મિત્ર દીપકનાં વંદન.

13 thoughts on “Dear Sharadbhai”

 1. વિચારતા કરી દે, તેવા વિચાર!
  એક મન્તવ્ય.. સાવ અંગત અને અસત્ય હોવાની પૂરી શક્યતા સાથે.
  શ્રદ્ધા/ સાધના અંગત વિષય છે.
  પણ કદાચ.. વધારે જરૂરી વાત સામાજિક ચેતનાના ઉર્ધ્વિકરણની છે. એ ક્ષેત્રમાં ગાંધીયુગ પછી સાવ અંધકાર / અવનતિ પ્રવર્તતા જોઈ જીવ બળે છે. અંતરયાત્રા/ મોક્ષના સૌ પ્રણેતાઓ આ બાબત એક પ્લેટફોર્મ પર આવી શકે/ આવવા માંગે છે ખરા?

  1. સુરેશભાઈ, ગાંધીયુગ પછી સામાજિક ચેતનાના ઊર્ધ્વીકરણની દિશા નકારાત્મક રહી છે. તમે કહો છો તે સાથે હું સંમત છું.. વ્યક્તિગત મુક્તિનો અર્થ નથી. જીવ બળે છે તે સારૂં છે, બળતો રહેવો જોઈએ. આપણાં મન તો જરૂર કરતાં પણ વધારે શાંત છે.

   1. સુરેશભાઈના મુદ્દે જાઉં તો વાત સાવ નવા મુદ્દે જશે તે જાણું છું.
    ખરેખર તો સમાજ નહીં પણ વ્યક્તીગત વીકાસની જ વાત થઈ શકે. ગાંધીએ પણ કહેલું કે મારું રાજકારણમાં આવવું અને જીવનભર જે કામો કર્યાં તે મારા વ્યક્તીગત મોક્ષ માટે જ ! મોક્ષ માટે ગીતાએ કહેલો આપદ્ ધર્મ જે જે આવી પડે તે બજાવવાનું જ કામ હોય છે.
    સામાજીક ચેતના નીચી પડી છે એમ શી રીતે કહી શકાય ? આઝાદી પછી સૌને નીરાંત થઈ ગઈ હતી. નીરાંત અને “સબ સલામત”વાળી વાત ખતરનાક બને છે. સુખમાં કોઈ રામ સમરતું નથી…દુખમાં જ તે બને છે.

    મને પણ ગરીબી અને ભ્રષ્ટાચારોની વાતો સાંભળીને ઉંઘ ઉડી જાય છે. ક્યારેક જમવામાંય તકલીફ પડી જાય છે તેનું કારણ સમસંવેદન ગણી શકાય. બાકી વ્યક્તીગત મોક્ષનો માર્ગ જ સાચો હોઈ શકે અને જ્યારે સમાજના મોટાભાગના લોકો એને ઝંખે અથવા દુખોથી ઘેરાઈને એકસરખી વીચારણાઓ કરીને નવા સારા માર્ગે વળે કે પછી ક્રાંતી કરે ત્યારે એક નવો ઉકેલ હાથ આવે છે. એ ઉકેલ પણ ક્યારેક લાંબે ગાળે નકામો બની જાય ત્યારે નવે નાકે નવી વાત…!!

    અવતારોની કલ્પના જે છે તે સમયસમય પર થતા કે થવા જોઈતા ફેરફારો માટે જે કોઈ નાયકો (જેમકે આઝાદી પછી જેપી) કામને હાથ પર લે છે તેની સફળતા–નીષ્ફળતા જોયા કરવાની. જેપી સફળ થયા જ હતા. પણ પછી ? તેમનો પનો ટુંકો
    પડ્યો એમ કહેશું કે અનીષ્ટોની લીટી મોટી થઈ તેમ કહેશું ?

    શ્રદ્ધાના વીષયમાંથી આ વાતે જતા રહેવાનો અર્થ નથી છતાં સુભાઈની વાતે આટલું –

    બાકી ચર્ચાઓમાં પોતાની વ્યક્તીગત શ્રદ્ધા ક્યારે અહમ્ બની જાય છે તે કહેવું સહેલું નથી. શ્રી શરદભાઈની વાતો મને ગમી છે. તેમનો તર્ક મને જચે છે.

    1. શ્રી જુગલભાઈ,
     વ્યક્તિગત વિકાસની વાત સારી લાગે છે, પરંતુ તમે ભ્રષ્ટ નથી, અત્યાચારી નથી. સાદું, સાત્વિક જીવન જીવો છો. હવે તમારે શું સુધરવાનું છે, જેથી સમાજ સુધરે? વ્યક્તિ સુધરે તો સમાજ સુધરે, એ એક ભ્રાન્તિ છે. બહુ તો, એ અમુક અંશે જ સાચું છે.
     આપણી સ્વતંત્રતા સામાજિક સંયોગોની સીમામાં છે. એટલે સમાજને બદલી નાખવા જેટલું વ્યક્તિનું વ્યક્તિત્વ નથી હોતું. ૯૯ ટકા માણસો નિર્વાણ પ્રાપ્ત કરી લે તો પણ એ વ્યક્તિગત જ રહેવાનું છે.

     ગાંધીજીનો દાખલો તમે આપ્યો છે, પણ વિચારવાનું એ છે કે મોક્ષને સમાજ સાથે સંબંધ નહોત તો ગાંધીજી રાજકારણમાં ન આવ્યા હોત. એમણે તો એ દેખાડ્યું કે મોક્ષનો માર્ગ સમાજ માટે કામ કરવાથી જ ખુલે છે, હિમાલયમાં જવાથી કે એકલા મોક્ષ મેળવવા માટે મથવાથી નહીં.

     તમે તમારા અભિપ્રાય પર ફરી નજર નાખશો તો કદાચ પુનર્વિચાર કરવાની જરૂર જણાય. તમારી પાસેથી આટલી આશા તો રહે જ.

 2. પ્રિય દિપકભાઈ;
  પ્રેમ.
  આપને વ્યક્તિગત પત્ર લખવા માટેનુ પ્રયોજન હતુ કે આ જાહેર ચર્ચાનો વિષય ન બને કારણકે દરેક વ્યક્તિનુ જે લેવલ ઓફ બીઈંગ હોય છે તે મુજબ તે વક્તવ્યને સમજી શકે છે. અને આમાંથી મોટાભાગે નાહકનો વાદવિવાદ ઉભો થઈ જાય છે. અને કોઈ મુદ્દે વાદવિવાદ થાય તેમ હું ઈચ્છતો નથી. તમારા જીવનની એક યાત્રા છે અને મારા જીવનની બીજી એટલે મતમતાંતરો હોય જે સ્વાભાવિક છે પણ મત તો જુદા હોય ત્યાંસુધી કોઈ વાંધો નથી હોતો પણ મનભેદ ઊભા થઈ જાય ત્યારે ખતરાની ઘંટી વાગી જાય છે.
  મને કોઈની વાત કે મંતવ્યનુ ખંડન કરવામાં રસ નથી હોતો પણ મારા અનુભવે કેટલીક વાતો એવી લાગે છે કે જે વાતોમાં હું પણ એક સમયે પકડાયેલો હતો અને તે વાતો મને બેચેની અને પીડાઓ આપતી હતી અને મારી પીડાઓનુ કારણ મળતુ ન હતુ જે થોડો હોશ આવવાને કારણે સમજાવા માંડ્યું.આ જ વાતોમાં જ્યારે અન્ય મિત્રોને સપડાયેલાં જોઊં ત્યારે તેને તેમાંથી બહાર કાઢવા પૂરતું તેવી વાતોનુ ખંડન કરું છુ. જેથી તેઓ તેમાંથી બહાર આવે અને પીડા મુક્ત બને.
  બાકી મારી સમજ છે કે સામાજનૂ કોઈ અસ્તિત્વ નથી એટલે તમે સમાજને ગાળો ભાંડી શકો છે તેના પતનની અને ઉત્થાનની વાતો અને વિચારણાઓ કરી શકો છે અને દરેક જણ તેમા સૂર પુરાવવા તૈયાર થઈ જાય છે. આપણને એ નથી સમજાતું કે આપણા જેવાં માણસોનો જ સમાજ બનેલો છે અને અહી જે કાંઈ શક્યતા છે તે વ્યક્તિના સુધરવાની જ છે વયક્તિ સુધરે તો સમાજ આપોઆપ સુધરી જાય છે. એટલે કોઈ પણ બુધ્ધ પુરુષે સમાજ સુધારણાની વાત નથી કરી. સમાજ સુધારણાની વાત સદાથી દુકાનદારો કરી રહ્યા છે અને જુદા જુદા નામે દુકાનો ખોલીને બેઠા છે. અને હેતુ સદા સમાજ સુધારણાનો આગળ કરવામાં આવે છે જેમાં મોટાભાગનાને રસ પડી જાય છે. કોઈને જાતે સુધરવું નથી હોતું સદા બીજાને સુધારવા હોય છે. પત્નીને પતિએ કે પતિને પત્નીએ સુધરવો હોય છે બાપે દિકરાને અને દીકરાએ બાપને સુધારવો હોય છે. બસ આપણી સુધારાવાદી પ્રવૃત્તિ આવી જ હોય છે.
  હું તમારી ગુડબુકમાં નામ નોંધાવવા અન્ય મિત્રોની જેમ વાહ વાહ કરી શકું છું અને તમારા અહંકારને પોષી શકું છું. જે ચાલક મનનુ લક્ષણ છે. આવી બહુ ચલાકીઓ કરી હવે એમાંથી બહાર આવવા માટેનો પ્રયત્ન છે. કડવા અનુભવો અને લોકો નારાજ થવાના તે નિશ્ચિત છે.
  હું અહીં તમને જે કહું છું તે તમને સુધારવા માટે નથી કહેતો. પણ એક બીજી દિશામાં વિચારવાનુ આહ્વાન કરું છું. એ દિશામાં બે કદમ ચાલી જુઓ અને જાતે અનુભવ કરી જુઓ અને તમે કદાચ પીડાઓમાંથી મુક્ત થઈ જશો. જે હું મારા અનુભવે કહું છું. બાકી આપને એમ લાગતું હોય કે હું જે કાંઈ છું તેમાં ખુબ ખુશ છું અને આનંદિત છું તો મારે કાંઈ કહેવાનુ નથી. તમે અને અન્ય મિત્રો આનંદમાં રહો એ જ સમગ્ર પ્રયત્ન છે.
  અહીં હું હવે ચર્ચાને પૂર્ણવિરામ મુકું છું અને હવે કોઈના પૂછ્યા સિવાય ક્યારેય આવી ચર્ચામાં નહી ઉતરું તેની ખાત્રી આપું છું. આપની “મારી બારી” સલામત રહે અને ફુલે ફાલે તેવી શુભ્ચ્છાઓ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

  1. પ્રિય શરદભાઈ,

   મેં તમારી મંજૂરી લઈને જ તમારી કૉમેન્ટ મૂકી હતી. આ જવાબ હું એ જ જગ્યાએ લખી શક્યો હોત, પરંતુ લખતી વખતે બહુ વિસ્તાર થતો લાગ્યો એટલે અલગ મૂક્યો. તમારી અને મારી જીવન દૃષ્ટિમાં અંતર છે એ તો દેખીતું છે. તમે જે રસ્તે પીડામુક્ત થયા તે નકામો રસ્તો છે એમ તો મારાથી કહી જ ન શકાય કારણ કે એ રસ્તે હું ગયો જ નથી તો એનાં સારાંનરસાં પાસાંનો હું જજ ન બની શકું. આપણે સૌ, બાળપણથી જુદા જુદા પ્રભાવો નીચે વિકસ્યા હોઈએ છીએ અને આગળ જતાં આ પ્રકૃતિસ્થ ગુણધર્મોના આધારે આચાર અને વિચારની વાટ પકડીએ છીએ. ઘણી વાર આપણે એ જાણતા પણ નથી હોતા કે અમુક વિચારનાં બીજ ક્યાંથી આવ્યાં. પરંતુ મોટા ભાગે ૧૩-૧૪ વર્ષની અંદર ઘણુંખરું રોપાઈ ગયું હોય છે.

   તમે જાણો છો અને સંમત પણ થશો જ કે ગુરુઓ લોકોને એમના રસ્તા ખોટા હોવાનું સૌ પહેલાં સમજાવે છે. આ દુનિયાની અપૂર્ણતાઓ દરેકને વ્યક્તિગત રીતે સ્પર્શતી હોય છે. આકાંક્ષા અને સિદ્ધિ વચ્ચે હંમેશાં ખાઈ રહેતી હોય છે. આ ખાઈને પાર કરવા માટે પ્રયાસ કરવા પડે છે. ઘણા આ ખાઈને દુઃખ માને છે તો ઘણા ખાઈ કરવાના પ્રયાસને જ દુઃખ માને છે. આમ પરિપૂર્ણતાની ઝંખના પણ જુદા જુદા સ્તરની હોય છે. આનો લાભ ગુરુઓ લેતા હોય છે કારણ કે દરેક વ્યક્તિ પોતાને દુઃખી માને છે. મોટા ભાગે તો માણસ પ્રારબ્ધવાદી બની જાય છે, અથવા એનું ધ્યાન બીજે જતું રહે છે. અધ્યાત્મવાદીઓએ આજ સુધી ભ્રમણા અને ખરી માનસિક શાંતિ – અથવા દુઃખ અને દુઃખના ઊર્ધ્વીકરણની ચર્ચા થવા નથી દીધી. આવું થાય તો એમની દુકાન બંધ થઈ જાય!

   કેટલા ગુરુઓએ પોતાનું ગુરુપદ છોડ્યું છે? મને તો એકલા કૃષ્ણમૂર્તિ યાદ આવે છે. આ જ કારણે આજે પણ એમના માટે મારા મનમાં આદરભાવ રહ્યો છે. પરંતુ એ પણ કદી ગુરુ મટી શક્યા ખરા? કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન તો ચાલે જ છે. ગુરુ બિઝનેસમાં આ જ ખૂબી છે. એક વાર તમે ગુરુ બની જાઓ, તે પછી તમે ન કહો તો પણ ગુરુ જ રહો! એમણે સ્પર્ધાના તત્વને નકારી કાઢ્યું. એમની સ્કૂલોમાં બાળકોને સ્પર્ધા વિનાના જીવનની તાલીમ અપાય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં એ બાળકોએ પુખ્ત વ્યક્તિ તરીકે પ્રવેશ કર્યો ત્યારે એ જ સ્પર્ધા એમની સામે આવી ઊભી રહી, અને તેઓ એના માટે તૈયાર નહોતાં.કૃષ્ણમૂર્તિ માટે મને અનહદ માન છે એમના absence of thoughtના ખ્યાલને પ્રયોગમાં પણ મૂકવાની કોશિશ કરી છે.અંતે સમજાયું કે બે પરસ્પર વિરોધી વિચારોની વચ્ચેથી નવી વિભાવના ઊભી કરવી એ જ વ્યાવહારિક નિર્વિચાર છે.આમ કૃષ્ણમૂર્તિ પણ એમની ઉદાત્ત સમજના સ્તરેથી મારા જેવા સામાન્ય માણસના ‘છે’ અને ‘હોવું જોઈએ’ વચ્ચે ખાઈ પેદા કરતા જણાયા! ખરેખર તો તેઓ કહે છે કે what is અને what should be વચ્ચેનું અંતર બધા સંઘર્ષોનું મૂળ છે. નિર્વિચાર સાધવાના મારા પ્રયાસે મને નવા સંઘર્ષ તરફ ધકેલી દીધો હતો!

   આધ્યાત્મિકોનો તો કદાચ આદર કરી શકું, પણ અધ્યાત્મવાદીઓ બાબતમાં એટલું ખાતરીપૂર્વક કહી શકું એમ નથી. જુઓ ને, ગૌતમ બુદ્ધે દુઃખનું પૃથક્કરણ કર્યું અને આપણે જાણીએ છીએ કે તેઓ જંગલમાં ન રહ્યા. શહેરમાં પાછા આવ્યા. સમાજથી કપાઈ ન ગયા. પુરોહિતો વિના મળે એવી મુક્તિનો માર્ગ દેખાડ્યો. આમ આપણે જીવન મુક્ત હોઈએ, નિર્વાણ પ્રાપ્ત કરી લીધું હોય તો પણ સમાજથી દૂર થઈ જવાનું યોગ્ય નથી.

   કદાચ મારો રસ્તો સાચો ન હોય, પરંતુ મારૂં અશાંત મન નવું શોધ્યા કરશે. કદાચ મને તમારો રસ્તો સાચો પણ લાગે. આમ છતાં હું પણ તમને આમંત્રણ આપું છું કે એકાદ વાર મારા રસ્તે પણ ચાલી જુઓ. અહીં વ્યક્તિગત મુક્તિ નથી એ કહી દઉં. પરંતુ શા માટે વ્યક્તિગત મુક્તિ જોઈએ? શક્ય હોય ત્યાં સુધી સમાજ માટે બોલીએ. દુઃખીઓ અને પીડિતો માટે બોલીએ. મોટા ભાગનાં દુઃખ આ દુનિયામાં પ્રવર્તતા અન્યાયોને કારણે પેદા થયાં છે, એના ઉકેલ આ દુનિયાનાં સાધનોથી જ મળશે. પેટની આગ લાગી હોય તેને “ફૂલો તણાં ગીતડાં” (ઝવેરચંદ મેઘાણીના શબ્દો) નહીં ગમે. અધ્યાત્મે અને ભગવાને પણ એની સમક્ષ પહેલાં અન્ન સ્વરૂપે આવવું પડશે. આપણે સાથે મળીને આ દિશામાં કામ કરી શકીએ, કઈં નહીં તો એમના માટે બોલી શકીએ એમ મને લાગે છે. આભાર.

 3. વ્યક્તિગત મોક્ષની આકાંક્ષાએ આ સમાજને એટલો બધો સ્વલક્ષી અને સ્વાર્થી બનાવી દીધો કે આ દેશની ઘોર ખોદાઈ ગઈ. બધાને મોક્ષ જોઈએ છે. મોક્ષ મેળવીને ક્યા જશો? કોઈને ખબર નથી મોક્ષ મેળવેલા ક્યા જાય છે? એટલે બધા એટલા બધા સ્વાર્થી બની ગયા છીએ કે જ્યાં સુધી પોતાના પગ નીચે રેલો આવતો નથી ત્યાં સુધી કોઈના માટે જરાય જીવ બળતો નથી.. દિલ્હીમાં બળાત્કાર થાય મારે શું? મારી દીકરી થોડી હતી? મુંબઈમાં ત્રાસવાદમાં કોઈ મરે મારે શું? બે સૈનિકોના માથા વઢાંય મારે શું? મારા ભાઈ થોડા હતા? શાશ્વતની શોધમાં નીકળેલી આ પ્રજા ઉપર ઉપરથી રોદણાં રડશે અંતરથી એનો જીવ જરાય નહિ બળે..બાકી સવા અબજની પ્રજાના બે સૈનિકોના માથા સરેઆમ કોઈ વાઢી જાય? મિત્રો ખોટું નાં લગાડતા ‘પ્રભુ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી’ ગાવા માંડો જે થોડો ઘણો જીવ બળે છે તે પણ બંધ થઇ જશે. જે થોડી ઘણી સંવેદના બચી છે તે પણ નહિ બચે, દેખના ભી નહિ દાઝના ભી નહિ…..

 4. બુદ્ધનું મહાનિર્વાણ હજુ બાકી છે જ્યાં સુધી દુનિયાનો એક પણ માણસ દુખી હશે પીડિત હશે ત્યાં સુધી બુદ્ધ મોક્ષ લેવાના નથી. સ્વર્ગના દ્વારે ઊંધા ફરીને ઊભા છે. જો કોઈ નાં જાણતા હોય તો જાણી લેશો….

 5. ગાંધીયુગમાં સુધારાનો જબરદસ્ત પવન ફૂંકાયેલો હતો. ગાંધીએ થોડો સમય લોકોને જગાડ્યા હતા પણ નઘરોળ સમાજ ફરી પાછો ઊંઘી ગયો. અને આ સમાજને સૂતેલો રાખવામાં બાવલાઓ બહુ મોટો ભાગ ભજવે છે..હહાહાહાહા…મને ઘણીવાર એવું લાગે કે આજના યુવાનો કરતા મારા પિતા વધુ સુધારાવાદી હતા.

 6. में बहु वाच्यु नथी पण रामकृष्ण परमहंस अने स्वामी विवेकानंदनो एक प्रसंग याद आवे छे. विवेकानंदजीने रामकृष्णजी पूछे छे के, तारे साधना केम करवी छे? विवेकानंदजी कहे छे के, मारे मुक्ति मेलववी छे. ए साम्भलि रामकृष्णजी बहु दुखी थया अने विवेकानन्द्जिने ठप्को आप्ता बोल्या के, तू आवी हलकी भावना केम राखे छे? तारे तो वटवृक्ष थवानु छे जेनी निचे केटलाय लोकोने आश्रय मले.

  व्यक्तिगत मुक्ति के सामूहिक मुक्ति ए दरेक्नी पसंदगी के क्षमता पर आधार होय एम् लागे छे. मुक्तिनि खेवना ना होवी पण स्वीकार्य छे. ज्या सुधि आपनी मुक्ति के अमुक्ति आपणी आस्पासना लोकोने नडे नहीं अने प्राकृतिक सम्पदाने नुक्शानकर्ता ना होय त्या सुधि बधु चाले. कोइने टेनिस रम्वानी फावट होय तो कोइने क्रिकेट. दरेक प्रकारने पोतानी मांग अने गुण होय छे.

  1. પ્રિય ચિરાગભાઈ;
   પ્રેમ.
   સારું છે તમે બહુ વાંચ્યું નથી. બહુ વાંચવાથી બહુ ગુંચવાડા ઉભા થાય છે અને જાત જાતના તર્કની જાળમાં ફસાઈ જવાય છે અને જીવન ચુકી જવાય છે.
   મારી સમજ છે જીવન આનંદપૂર્વક જીવવા માટે છે પણ આપણને આવડતું નથી કેમ જીવવુ. અને ન હોય ત્યાંથી ઉકરડો ભેગો કર્યા કરીએ છીએ અને પછી તેની દુર્ગંધથી મુંઝાયા કરીએ છીએ. કેટલાય લોકો એવા છે જેમના નાક આ દુર્ગંધથી ટેવાઈ ગયા છે અને હવે તેમને દુર્ગંધ, દુર્ગંધ નથી લાગતી. (જેમ ઊંટના ચરવાહાની હાલત હોય છે.) બીજા કેટલાં લોકો એવા છે જે આ દુર્ગંધને જ સુગંધ સમજી લે છે કારણકે તેઓના જીવનમાં ફુલોની સુગંધનો ક્યારેય અનુભવ જ નથી હોતો. એટલે બહુ ન વાંચવાનો અફસોસ કરવાની જરુર નથી. શુભ છે.
   અનેક બુધ્ધ પુરુષો થયા અને તેઓએ જે ઉપલબ્ધ કર્યુ. કે અનુભવ્યું તેને લોકો સમક્ષ શબ્દોમાં મુકવા પ્રયત્ન કર્યો. જેથી સત્ય તરફ કાંઈક ઇશારા કરી શકાય. પણ સત્ય હકિકત એ છે કે તમે ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરીને તમારા કોઈપણ અનુભવને શબ્દોમાં નથી ઢાળી શકતાં. (જેમકે તમે માઊન્ટ આબુનો પ્રવાસ કરો અને પછી તેનુ વર્ણન કરો તો એ વર્ણન ગમે તેટલું સુંદર હોય પણ જે અસલ સ્વાદ જે તમે માણ્યો છે તે વર્ણન દ્વારા વાંચનારને તમે ન આપી શકો. એ માટે જેને માઊન્ટ આબુનુ વર્ણન સાંભળી રસ જાગે તેણે સ્વયં યાત્રા કરવી પડે.) આવા અનુભવને કોઈએ મોક્ષ કહ્યો, કોઈએ મુક્તિ કહી, કોઈએ નિર્વાણ કહ્યો, કોઈએ મહાનિર્વાણ કહ્યો તો કોઈએ પ્રભુ મિલન. હવે બધો ગોટાળો શરુ થયો. જેઓનો કોઈ અનુભવ નથી તે આ શબ્દોની વ્યાખ્યા કરવામાં અને તર્ક પર તર્ક કરવા લાગ્યા અને યાત્રા કરી સ્વાનુભવ મેળવવાનો હતો અને યાત્રાનો આનંદ મેળવવાનો હતો તે આખી વાત વાદવિવાદના રસ્તે ચઢી ગઈ. અને હું સાચો અને તમે ખોટા અને મારી વ્યાખ્યા સાચી અને તમારી ખોટી, આવો અહમનો ખેલ શરુ થયો અને ત્યાંસુધી આ પહોંચી જાય છે કે અમારા મહંમદ સાચા અને તમારા કૃષ્ણ ખોટા અને પછી ખુનામરકી અને ઘણું બધું. આપણે આવા પરિણામો જોઈ રહ્યા છીએ પણ બોધ નથી થતો કે આપણે આ શું કરી રહ્યા છીએ.બુધ્ધ્પુરુષોએ શુભ આશયથી કહેલી વાતોએ હવે આપણા જીવનમાં ઝેર ઘોળી દીધું અને આપણને ખબર નથી પડતી કે આ ઝેર તેમના કારણે નથી પણ આપણી મુર્ખામીઓના કારણે છે.
   બીજું કે બુધ્ધપુરુષો જે મુક્તિની વાત કરે છે તે આપણા આવા રોગોમાંથી મુક્તિની વાત છે. મુક્તિ એ સંસાર છોડી કામ ધામ છોડી અન્ય લોકો પર બોઝ બની જીવન ગુજારવાનુ નામ નથી. તદ્દન સરળ વાત છે કે બિમાર માણસ ને સ્વયં સેવાની જરુર છે તે કોઈને સેવા પુરી નથી પાડી શકવાનો. પણ બધા બિમારને સમાજ સેવા કરવાનુ વળગણ વળગ્યું છે. પોતાની બિમારીમાંથી ઠીક નથી થાવું પણ બીજા બધાને ઠીક કરી દેવા છે. સમાજને ઠીક કરવો છે. જેનુ કોઈ અસ્તિત્વજ નથી.
   એક ભરવાડને ખબર છે કે તેની ગાય માંદી પડે તો તે જે તે ગાયને લઈને તેનો ઈલાજ કરવા લઈ જાય છે નહીકે આખે આખું ગાયોનુ ધણ. ગાયોના ધણનો કોઈ પશુચિકિત્સક ક્યારે પણ ઇલાજ ન કરી શકે. હા, બધીજ ગાયો બિમાર હોય તો દરેક ગાયને અલગ અલગ તપાસવી પડે અને અલગ અલગ નિદાન કરી અલગ અલગ ઉપચાર કરવો પડે. તેવી જ રીતે વ્યક્તિનો ઈલાજ શક્ય છે સમાજનો ક્યારેય નહી. પણ આપણને જે વાત એક ભરવાડને ખબર પડે છે તેટલી પણ ખબર નથી પડતી. શરીરના તલ પર પણ સામુહિક ઈલાજ શક્ય નથી તો મનના તલ પર કે બુધ્ધીના તલ પર કે અહમના તલ પર કેવી રીતે શક્ય બને? સામુહિક મુક્તિ કેવી રીતે શક્ય બને? જો શક્ય હોત તો કૃષ્ણએ અર્જુનને ગીતા પ્રવચન કરવાની જરુર ન હતી, એક લાકડી ફેરવી બધાની મુક્તિ ન કરી દેત? તો આપણે પણ આ નાહક્ની ઝંઝટમાં પડવાનુ તો ન થાત. જન્મની સાથે જ મોક્ષ કે મુક્તિ. વાત ખતમ.
   શેષ શુભ.
   પ્રભુશ્રીના આશિષ.
   શરદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: