Dear Sharadbhai

પ્રિય શરદભાઈ,
તમે મને અંગત મેઇલ દ્વારા મોકલેલો પ્રતિભાવ બ્લૉગ પર પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ આભાર. https://wallsofignorance.wordpress.com/2013/01/03/andhashraddha-sakaam-shraddha-nishkaam-shraddha/

તમે છેડેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને મને એનો પ્રતિભાવ આપવા માટે પૂરો લેખ લખવાનું જરૂરી લાગ્યું. તમારા અભિપ્રાયને હું મૂલ્યવાન ગણું છું પરંતુ ‘અંધશ્રદ્ધા, સકામ શ્રદ્ધા, નિષ્કામ શ્રદ્ધા’ લેખ પાછળનો મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવાનું પણ એટલું જ જરૂરી લાગે છે.
સૌ પહેલાં તો એક ચોખવટ કરી દેવી જોઈએ. હું મારી જાતને રૅશનાલિસ્ટ તરીકે ઓળખાવતો નથી અને આવું કોઈ ગ્રુપ હોય તો હું એનો સભ્ય નથી. દુનિયાની ઘણી વિચારધારાઓમાં સમાનતા જોવા મળે છે, આ કારણે મારા વિચારોમાંથી આવો આભાસ મળી શકે છે, એનો પણ સ્વીકાર કરૂં છું. અહીં હું જે કઈં લખીશ તે કોઈ ગ્રુપના નહીં પણ મારા વ્યક્તિગત વિચારો છે. આમ જુઓ તો સ્પિરિચ્યુઆલિસ્ટોની સ્થિતિ પણ બહુ સારી હોય એમ નથી લાગતું.
આપણી કર્મેન્દ્રીયો અને જ્ઞાનેન્દ્રીયો. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને અંતઃકરણનાં કાર્યો અને એમની મર્યાદાઓથી હું સંપૂર્ણ પરિચિત છું, એવો દાવો નથી કરતો, તેમ છતાં આ બધાં સાધનોનાં કાર્યોથી સંપૂર્ણ અજાણ હોય એવો પણ કોઈ જણ આ દુનિયામાં નહીં મળે, એ પણ આપણે સ્વીકારવું પડશે. આંખ, કાન, નાક, મન, બુદ્ધિ વગેરે આપમેળે કામ કર્યા કરે છે. ઉંમર વધતાં એમની શક્તિઓ ક્ષીણ થતી જાય છે. એટલે મૂળથી જ જે મર્યાદાઓ છે તે વધારે કઠોર બનતી હોય છે. આમ મર્યાદાઓ તદ્દન ન સમજાય એવું પણ નથી. તમામ મર્યાદાઓ સાથે જેમ આપણે આંખનો કે કાનનો ઉપયોગ કરીએ જ છીએ, એ જ રીતે તમામ મર્યાદાઓ સાથે બુદ્ધિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આંખ અને કાનનો એક ઉદ્દેશ છે, તેમ બુદ્ધિનો પણ એક ઉદ્દેશ છે જ. એનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો જોઈએ એમ મારૂં માનવું છે.
આપણા મનીષીઓએ જે જ્ઞાન વિકસાવ્યું તે આત્મસાક્ષાત્કારના આધાર પર હોઈ શકે છે, પરંતુ એમાં પણ બુદ્ધિના ચમકારા તો દેખાયા વિના નથી રહેતા. કોઈને દ્વૈત દેખાય અને કોઈને અદ્વૈત. આ એમની પ્રતીતિ છે કે તર્કબદ્ધ વિચાર, તે આપણે સમજી શકીએ છીએ. પરમ તત્વ એક જ હોય તો એનું સ્વરૂપ સૌને એકસરખું જ દેખાવું જોઈએ, પરંતુ મને લાગે છે કે બુદ્ધિએ જે પ્રમાણે દેખાડ્યું તે જ રીતે એમણે જોયું. ભારતીય ચિંતન પરંપરામાં બુદ્ધિ અને તર્કને હંમેશાં ભારે મહત્વ મળતું રહ્યું છે.
મારો દૃષ્ટિકોણ સાવ જ સાદો છે. મેં ઈશ્વર છે કે નહીં, શ્રદ્ધા એટલે શું, એવી કોઈ ચર્ચા નથી કરી. દુનિયાના ૯૫ ટકા કરતાં વધારે લોકો ભગવાનમાં માને છે, એ જ કારણસર મેં એની ચર્ચા નથી કરી. જો કે હું તમારી સાથે સંમત છું કે ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા વગેરે શબ્દોના અર્થ બદલાઈ ગયા છે. મારૂં માનવું છેકે આવા બદલાવને કારણે આ શબ્દોના અર્થ વિસ્તર્યા છે અથવા વિકૃત થયા છે, પણ એમનો ઉપયોગ બંધ નથી થયો. હું ૯૫ ટકા લોકો સાથે અસંમત થઈ શકું પણ એમને મૂર્ખ ન માની શકું. એમની માન્યતાનો અભ્યાસ કરવાનું હું પસંદ કરીશ. આવાજ પ્રયાસોને કારણે, આપણી સમજમાં પણ વધારો થયો છે. એટલે જ ભાઈ ચિરાગ કહી શકે છે કે શ્રદ્ધા અને ધર્મને કશી લેવાદેવા નથી. અને ભાઈ અશોક વૈષ્ણવ શ્રદ્ધેય બનવા માટે અખૂટ આત્મશ્રદ્ધા પર ભાર મૂકે છે, તો શ્રી બીરેનભાઈ કોઠારી એવાં તારણ પર પહોંચ્યા છે કે શ્રદ્ધા પોતે જ અંધશ્રદ્ધા છે. હું તો અતુલભાઈની જેમ માનું છું કે આસ્તિક હોય કે નાસ્તિક શ્રદ્ધા વિનાનો કોઈ ન હોય. એમણે પણ શ્રદ્ધાને ધર્મની આગવી ખાસિયત માનવાનો ઇન્કાર કર્યો છે.
મેં શ્રદ્ધાનું આવું કોઈ મૂળભૂત વિશ્લેષણ નથી કર્યું. માત્ર ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના અર્થો સમજવાનો પ્રયાસ કર્યો છે. ભગત સિંહ, મહાત્મા ગાંધી કે અજમલ કસાબની શ્રદ્ધાની પણ ચર્ચા નથી કરી. મેં તો માત્ર લોકોમાં પ્રચલિત ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું અવલોકન કર્યું છે અને શ્રદ્ધા – અંધશ્રદ્ધાના વિવાદને નિરર્થક બનાવવા માટે કશાક લાભ કે રક્ષણ માટે રખાતી શ્રદ્ધાને મેં સકામ શ્રદ્ધા એવું નામ આપ્યું છે. જે લોકો ઈશ્વરને માનતા હોય, પરંતુ એની પાસેથી કશું માગતા ન હોય એમની શ્રદ્ધા માટે નિષ્કામ શ્રદ્ધા શબ્દ વાપર્યો છે. લેખના અંતમાં મેં સૂચવ્યું છે કે મંદિરનાં પગથિયાં ચડતા હોઇએ ત્યારે કે ચર્ચ અથવા મસ્જિદમાં જતા હોઈએ ત્યારે આપણે વિચારવું જોઇએ કે આપણી શ્રદ્ધા સકામ છે કે નિષ્કામ. આવું વિચારવા માટે કદાચ એ જ ઘડી વધારે યોગ્ય હશે એમ હું માનું છું. સકામ-નિષ્કામ કર્મ વિશે તો આપણે જાણીએ છીએ, મેં આ જ શબ્દોને શ્રદ્ધા પર લાગુ કર્યા છે. બસ. આટલું જ.
શ્રી સુબોધભાઇએ સાચું જ કહ્યું છે કે શ્રદ્ધાનાં રૂપોનું વિશ્લેષણ કરવાથી આપણે પોતાની શ્રદ્ધાને બરાબર ઓળખતા થઈ શકીએ એ જ મારો હેતુ છે. આવું થાય તો શ્રદ્ધાને નામે થતા ઘણા દુરાચારોથી આપણે બચી શકીએ અને “મારી શ્રદ્ધા સાચી” એવો દાવો બંધ કરીએ તો કોમવાદી વૈમનસ્યને પણ તિલાંજલી આપી શકીએ. કોઈની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ન ગણાવતાં ફળની અપેક્ષાથી રખાતી શ્રદ્ધાને સકામ શ્રદ્ધા કહીએ તો શ્રદ્ધા પ્રત્યેના આપણા અભિગમ અને એમાંથી પ્રગટતાં કાર્ય વિશેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય એમ મને લાગે છે. તે સિવાય દરેક જણ બીજાની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેશે. વળી ભાઈ ચિરાગ કહે છે તેમ વિકલ્પ ન હોય ત્યાં સુધી ભુવા પર શ્રદ્ધા રાખ્યા વિના ચાલતું જ નથી, પણ વિકલ્પ પછી પણ શ્રદ્ધા રાખવી એ અંધશ્રદ્ધા બની રહે છે. આમ, મેં યથાસ્થિતિને બરાબર સમજવા માટે, પ્રજ્ઞાબહેન કહે છે તેમ એક “સરળ પદ્ધતિ” વિચારીને મિત્રો સમક્ષ રજુ કરી છે. દેખીતું છે કે મારી રજુઆત મારી બુદ્ધિની મર્યાદાઓને પાર ન કરી શકે.
તમે બરાબર જ કહો છો કે પ્રેમનાં શાસ્ત્રો વાંચવાથી કઈં ન વળે. એના માટે પ્રેમ કરવો જરૂરી છે. હું પણ માનું છું કે આપણે બધું બુદ્ધિથી ન સમજાવી શકીએ. કબીરદાસજીએ પણ કહ્યું છે કે “ પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા પઢૈ સો પંડિત હોય”. આ બધી લાગણીઓ બુદ્ધિથી સ્વતંત્ર રીતે કામ કરે છે. અલબત્ત, લાગણીઓની અભિવ્યક્તિનાં અમુક રૂપ બનવામાં સામાજિક માન્યતાઓ પણ ભાગ ભજવતી હોય છે. ગોરા રંગને રૂપ માનનારી પ્રજામાં શ્યામવર્ણ સ્ત્રી કે પુરુષ પ્રત્યે નજર કેવી હોય છે એ તો આપણે જાણીએ છીએ. એમના તરફ આકર્ષણ થવાની શક્યતાઓ ઓછી હોય તો આપણે માનવું જોઈએ કે લાગણીઓ પર પણ સામાજિક માન્યતાઓનો પ્રભાવ હોય છે. હું જાણું છું કે તમે અથવા કબીરદાસજી નિષ્કામ પ્રેમની વાત કરો છો, તેમ છતાં લાગણીઓ અને સમાજના પ્રભાવ તરફ એકંદરે ધ્યાન દોરવાનું જરૂરી લાગ્યું, કારણ કે તમે બહુ ઊંચા પ્રકારની વાત કરો છો, જ્યારે હું બહુ સાધારણ સ્તરે, સમાજમાં પ્રચલિત ધારણાઓની જ વાત કરૂં છું.
એ જ રીતે તમે ‘ધર્મો’ને બદલે ધર્મ શબ્દ વાપરવાની વાત કરો છો તેમાં પણ આપણા વિચારો અલગ નથી. આપણે પંથો, વિચારધારાઓને ‘ધર્મ’ કહી દઈએ છીએ. હું માનું છું કે આ ‘ધર્મ’ પણ માનવીય બુદ્ધિના વિકાસનું પરિણામ છે. એટલે જ મેં પહેલાં કહ્યું છે કે ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા વગેરે શબ્દોના અર્થ વિસ્તર્યા અથવા વિકૃત થયા છે. શરૂઆતમાં એનો જે અર્થ થતો હતો તે આજે નથી થતો. અર્થ બદલાઈ ગયા છે એવી પ્રતીતિ ન થાય, એ બૌદ્ધિક સમજ છે, શરૂઆતમાં એનો શો અર્થ હશે તેનો વિચાર કરતાં એમ લાગ્યું કે ધર્મ મૂળમાં જીવન માટે આવશ્યક નીતિઓનો સંપુટ હતો. એ માત્ર જીવવા માટેની આવશ્યક શરતોના રૂપમાં હતો. જૈન અને બૌદ્ધ મતો તો એવું દેખાડે છે કે ધર્મને ઈશ્વર વિના તો ચાલશે પણ નીતિ વિના નહીં ચાલે. નાસ્તિકને પણ નીતિ વિના ન ચાલે. નીતિઓ જીવનને સુચારુ રીતે ચલાવવામાં ઉપયોગી થાય તો એને એ જમાનાના સમાજશાસ્ત્રનું નામ આપવામાં કઈં ખોટું નથી.
આમ ધર્મ સમાજ સાથે જોડાઈ શકે છે. પરંતુ તમે મને મનની શાંતિ શોધવાનું કહ્યું છે. એ તો, સામાજિક નહીં, વ્યક્તિગત ઉપાય થયો, સર્વધર્માન્ પરિત્યજ્ય…? બધી ફરજોનો ત્યાગ કરીને જ આ ઉપાય કરીશકાય ને? આપણે નકારવાદી (નિહિલિસ્ટ) બનીએ તો કદાચ આવી શાંતિ પ્રાપ્ત થાય. તમે કહો છો કે “જીવનના ખુબ જ થોડા દિવસો બચ્યા છે ત્યારે આવી ચર્ચાઓ જેનુ પરિણામ નિશ્ચિતરુપે પીડા અને દુખ છે તે શું ઉપયોગી થશે તે વિચારી જોજો.” જીવન જેટલું ગયું એના ચોથા ભાગ જેટલું જ રહ્યું હોય તો પણ મોટી વાત હશે, પરંતુ પીડા અને દુઃખ તો “ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં કોઈનાં નવ ટળે”! આ ચર્ચાઓ તો ઠીક, દુનિયામાં એટલાં બધાં દુઃખ છે કે આપણે એકલા, સમાજથી કપાઈને શાંતિ ઝંખીએ એ વાજબી ગણાય કે કેમ એ પણ વિમાસણ છે.
મારા માટે આ દુનિયા માયા નથી. એ નક્કર વાસ્તવિકતા છે, જેને હું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ઘ્રાણ દ્વારા જાણું છું. આના સિવાય કશુંક હોવાની કલ્પના માત્ર કલ્પના જ રહે છે. આપણે આ દુનિયામાં જીવીએ અને જોઇએ છીએ કે એક બાજુ કારમી ગરીબાઈ છે અને બીજી બાજુ ખૂટ્યું ન ખૂટે એટલું ધન છે. અખબાર હાથમાં લો અને બળાત્કારના, ભ્રષ્ટાચારના સમાચાર વાંચો. જન્મના આધારે, ચામડીના રંગના આધારે થતા ભેદભાવો અને આજે પણ ગામોનાં ગામો જીવતાં સળગાવી દેવાના બનાવો બનતા રહે છે. ભૃણ હત્યા, દહેજના નામે હત્યા, અંધશ્રદ્ધાને કારણે લાલચવશ અપાતા માનવબલિ, મઠો, મહેલો અને સત્તાધીશોના નિવાસોના દંભી પરદાઓ પાછળ ખેલાતા વ્યભિચારો…, દુનિયાના અધમ વ્યવહારો સામે બોલ્યા વગર મનને શાંતિ કેમ મળે? જેટલું બોલાય તેટલું બોલીએ. જેટલું થઈ શકે એટલું કરીએ. તમે સમજી શકશો કે આ બધું કહું છું તે બુદ્ધિથી નહીં, હૃદયથી જ કહું છું. બુદ્ધિ વિના હૃદય સમજી નહીં શકે અને નપુંસક આક્રંદ કરતું રહેશે, અને હૃદય વિના બુદ્ધિ કોરા તર્ક કરીને તૃપ્ત થઈ જશે. આંખ અને કાન માત્ર દુનિયા પાસેથી લઈ શકે છે, માત્ર બુદ્ધિ જ એવી છે કે જે દુનિયાને કઈંક આપી પણ શકે છે. હૃદયની ઝંખનાને માત્ર બુદ્ધિ જ સાકાર કરી શકે. મુક્તિ અને શાંતિની પ્રતીતિ માત્ર ભ્રમણા હોય તો એ પણ બુદ્ધિ જ કહી શકે. નહીંતર ભ્રમણામાં જ રાચતા રહીએ. મોટા ભાગે તો આવી મુક્તિ પલાયનવાદનું નામ હોય છે. જીવનમુક્ત સહેલાઈથી થઈ શકાતું હોત તો “એક ઢૂંઢો, જઝાર મિલતે હૈં” જેવી સ્થિતિ હોત. આવી વિરલતાને જ કારણે ધર્માચાર્યોના રૂપમાં ફરતા સેલ્સમેનો એના સેલમાં સફળ રહ્યા છે
મને ખબર છે કે મારો માર્ગ મોક્ષનો નથી, મનની શાંતિનો નથી. આ દુનિયા પરથી નજર હટાવી લેવાથી જ એ શાંતિ મળશે. શું કરીશ એવી એકાંતિક શાંતિનું? ‘વ્રજ વ્હાલું રે વૈંકુંઠ નહીં આવું… ખરો સવાલ એ છે કે આજે આપણે સમાજને, આ દુનિયાને અવગણીને જીવી શકીએ? જે કઈં જોઈએ છીએ તે પછી તો એમ લાગે છે કે આપણાં મન જરૂર કરતાં પણ વધારે શાંત છે. જરૂર છે, મનની અશાંતિની.
અને અનુભૂતિ કે પ્રતીતિની તમે વાત કરો છો તેવા જ અનુભવ પણ થયા છે, પણ આ શરીરમાં થયેલા અનુભવને હું આધ્યાત્મિક ગણાવવા માગતો નથી. પરંતુ હું બાવીસ-ત્રેવીસનો હતો ત્યારે એક સંપ્રદાયના ગુરુ મને શિષ્ય બનાવવા માગતા હતા. એમણે મારી ઇચ્છાઓ પૂછી. મેં કહ્યું ઘણી ઇચ્છાઓ છે. એમણે મને શરણમાં લેવાની તૈયારી દેખાડી. મેં ના પાડી અને કહ્યું કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપીને સાધનો તો આપી જ દીધાં હવે હું ફરી ભગવાન પાસે માગવા જઈશ નહીં. આજે ચાળીસ વર્ષ પછી પણ મને મારી ભૂલ સમજાઈ નથી.
ઘણું ફર્યો. ગીતા, ન્યૂ ટેસ્ટામેન્ટ. કુર-આન, થોડાક રજનીશ, વધારે કૃષ્ણમૂર્તિ, થોડાઘણા ગુર્જિયેફ, ચપટીભર આનંદ માર્ગ, આવતાંજતાં ગાંધી, માર્ક્સ, રસેલ. – બધા જ ગુરુઓ છે. અને એમનું ઋણ એટલી હદે સ્વીકારૂં છું કે મને નથી લાગતું કે મારામાં કઈં મૌલિકતા જેવું કઈં છે. મૌલિકતા માત્ર એટલી જ કે એ માથા પર ચડવા લાગ્યા છે તે સાથે જ નીચે ઉતારીને ચાલતો થયો છું. ગુરુ વિના જ ચાલું છું. અંતમાં મારી જ ભાવનાને સબળતાથી વ્યક્ત કરતા તમારા મહામૂલા શબ્દો વાપરૂં? આ રહ્યા તમારા શબ્દોઃ
“તમારી જાતથી વધુ સારો દુનિયામાં કોઈ ગુરુ નથી હોતો. પણ પ્રમાણિકતાપૂર્વક જાત સાથે જીવતા અને જાતને ઑળખતા શીખવું પડે છે. બાહ્ય ગુરુ તો ફક્ત ઈશારા જ કરી શકે છે યાત્રા તો જાતે જ કરવી પડે છે અને આ હોશપૂર્વકની યાત્રા જ ધર્મની સાધના છે.”
શરદભાઈ, તમે મારી વિનંતિથી કૉમેન્ટ પ્રકાશિત કરવાની પરવાનગી આપી તે બદલ ફરીવાર આભાર માનું છું. ‘મારી બારી’નું તો શું! એનામાં તાકાત હશે અને તમારા જેવા મિત્રોનો સદ્ભાવ હશે ત્યાં સુધી ખુલ્લી રહેશે. બાકી તે સિવાય આમાં મૂડી તો રોકી નથી કે બંધ થાય તો અફસોસ કરવા બેસું. બસ બારી આપણને મળવાનું નિમિત્ત પૂરૂં પાડે છે, એટલું જ. મળવાનાં નિમિત્ત હોય તો ચૂકશો નહીં એવી વિનંતિ સાથે આજે તો રજા લઉં.
તમારા મિત્ર દીપકનાં વંદન.

%d bloggers like this: