અંધશ્રદ્ધા, સકામ શ્રદ્ધા, નિષ્કામ શ્રદ્ધા
શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. આ ત્રણ શબ્દો એવા છે કે જ્યારે પણ આપણે ભગવાન વિશે ચર્ચા કરીએ ત્યારે વિવાદ છેડાઈ જાય છે. આમ તો, શ્રદ્ધા શબ્દને માત્ર ઈશ્વરના અસ્તિત્વ સાથે સંબંધ નથી. શ્રદ્ધા કોઈ પણ વ્યક્તિ કે ધ્યેયમાં હોઈ શકે છે. કોઈને પોતાના શિક્ષક પર, માતાપિતા પર કે અમુક ધ્યેય એક ચોક્કસ રસ્તે જ સિદ્ધ થઈ શકશે એ જાતની શ્રદ્ધા હોઈ શકે છે. આમાં અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા જેવું કશું આવતું નથી. માત્ર શ્રદ્ધા જ હોય. પરંતુ ઈશ્વર વિશે વાત આવે ત્યારે શ્રદ્ધાની પરિકલ્પનાનો વિસ્તાર થાય છે અને અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા જેવા શબ્દોનો જન્મ થાય છે.
આમાં અશ્રદ્ધા તો જાણે સમજ્યા, પણ અંધશ્રદ્ધા બહુ ગૂંચવી દે તેવો શબ્દ છે. અંધશ્રદ્ધા એટલે શું? આ બાબતમાં નાસ્તિકોમાં જ નહીં, આસ્તિકોમાં પણ એકમતી નથી. જો કે નાસ્તિકો તો કહી દેશે કે ઈશ્વર છે એમ માનવું, એ જ સૌથી મોટી અંધશ્રદ્ધા છે, પરંતુ આસ્તિકો અમુક કાર્ય કે ક્રિયાને અંધશ્રદ્ધાથી પ્રેરિત માનશે, જ્યારે અમુકને શ્રદ્ધાથી પ્રેરિત માનશે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સમાજના પ્રભુત્વશાળી વર્ગની વ્યાખ્યા પ્રમાણે કરેલાં કાર્યો શ્રદ્ધા પ્રેરિત મનાય છે, જ્યારે અન્ય વર્ગોનાં કાર્યોને અંધશ્રદ્ધા પ્રેરિત ઠરાવી દેવાય છે. દાખલા તરીકે, એક આદિવાસી બીમાર પડે ત્યારે એની ઈષ્ટદેવીને મરઘા કે બકરાનો બલિ ચડાવે તો એને આપણે અંધશ્રદ્ધા કહી દઇએ, પણ આપણે પોતે બીમાર પડીએ ત્યારે ભગવાનને પ્રસાદ ધરાવીએ કે નાળિયેર ચડાવીએ તે શ્રદ્ધા ગણાય. આનું કારણ એ જ કે સમાજમાં આપણું વર્ચસ્વ છે એટલે આપણા કૃત્યને આપણે શુદ્ધ શ્રદ્ધા ગણાવી શકીએ છીએ.
ખરૂં જોતાં, આપણે દવાથી સાજા થઈએ છીએ. બીજી બાજુ, આદિવાસી માત્ર ઈશ્વર પર ભરોસો રાખે છે અને દવા નથી કરતો. આમ, સાચી શ્રદ્ધા તો એની ગણાય! ઍ માને છે કે જેવી ભગવાનની મરજી. આપણે માત્ર ભગવાનને ભરોસે બેસી નથી રહેતા. દવાથી સાજા થયા પછી ભગવાન પાસે જઈએ છીએ, કારણ કે ચાન્સ લેવા નથી માગતા, રખે ને એણે પણ આપણને સાજા કરવામાં કઈંક ભાગ ભજવ્યો હોય!
આવા જ એક વિષય પર આપણા વ્યંગકાર શ્રી હરનિશભાઈ જાની સાથે પત્રવ્યવહાર થયો. એમણે પોતાનાં માતાનું ઉદાહરણ આપ્યું કે તેઓ શ્રદ્ધાળુ હતાં, એ દિવસોમાં સંતોષીમાતાની બોલબાલા વધવા લાગી હતી. હરનિશભાઈનાં માતૃશ્રીને કોઇએ સંતોષીમાતાની પૂજા કરવા કહ્યું તો એમણે ના પાડી. ભલે ને, સંતોષી માતા મનની બધી ઇચ્છાઓ પૂરી કરે, એમને એની પડી નહોતી. તેઓ ન ગયાં અને પોતાની શ્રદ્ધાનું કેન્દ્રબિન્દુ ન બદલ્યું.
આ વાતે અંધશ્રદ્ધા શબ્દનું સારૂં વિશ્લેષણ કરી આપ્યું. બધી અંધશ્રદ્ધા ખરેખર તો ઇચ્છાપૂર્તિ માટેની લાલસા છે. એની પાછળ એક ઇચ્છા કે કામના રહેલી હોય છે. આથી, કોઈ પણ ઇચ્છાપૂર્તિ માટેની શ્રદ્ધા સકામ શ્રદ્ધા છે. પછી એ નિરક્ષર આદિવાસીની હોય કે આપણા જેવા સુધરેલા જણની. આમ અંધશ્રદ્ધાને સકામ શ્રદ્ધા જેવું નામ આપવું જોઇએ. કામના પૂરી કરવા માટે માણસ કઈં પણ કરવા તૈયાર હોય છે. મોટા ભાગની શ્રદ્ધા સકામ શ્રદ્ધા જ હોય છે.
તો નિષ્કામ શ્રદ્ધા પણ હોઈ શકે ખરી? હોઈ શકે છે. હરનિશભાઈનાં માતૃશ્રીની શ્રદ્ધાને નિષ્કામ શ્રદ્ધાના વર્ગમાં મૂકી શકાય કારણ કે એમણે ઇચ્છાપૂર્તિ માટે શ્રદ્ધાનું કેન્દ્ર ન બદલ્યું. એમની શ્રદ્ધામાં ઇચ્છાનું મહત્વ નહોતું. ઈશ્વર એક હોય કે અનેક; અથવા આપણે એમ કહેતા હોઇએ કે બધાં ઈશ્વરનાં જુદાં જુદાં રૂપો છે અને દરેક રૂપે એક જ ઈશ્વરની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરની નહીં પણ આપણી શ્રદ્ધાની તપાસ કરવી જોઇએ કે એ સકામ શ્રદ્ધા છે કે નિષ્કામ?
નિષ્કામ શ્રદ્ધામાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર છે, પણ એની પાસેથી કશું માગવાનું નથી. બસ, તમે માનો છો કે ઈશ્વર છે અને તમે એક શક્તિની સમક્ષ, આશા કે ડર વિના નતમસ્તક થાઓ છો. આમ ઈશ્વરની બે અવધારણાઓ બને છે. સકામ શ્રદ્ધાળુ માને છે કે ઈશ્વર એની ઇચ્છાઓ પૂરી કરવા માટે કઈં પણ કરે છે. સૃષ્ટિના એણે જ બનાવેલા નિયમો પણ એ બદલી નાખે છે. નિષ્કામ શ્રદ્ધાળુ માને છે કે ઈશ્વર છે, પરંતુ વ્યક્તિગત ઇચ્છાઓ પૂરી કરવાની જવાબદારી એની નથી. ઇચ્છા પૂરી ન થાય તો એના માટે પણ ઈશ્વર જવાબદાર નથી.
ધર્મ અને ઈશ્વર બે અલગ વિભાવનાઓ છે. બન્ને વિભાવનાઓ સમાજના વિકાસના એક તબક્કે ભળી ગઈ છે. ધર્મ માણસની આવશ્યકતામાંથી જન્મ્યો છે. સસ્તન પ્રાણીઓમાં માણસનું મગજ ન વિકસ્યું હોત તો એ કઈં શારીરિક રીતે તો સબળ નથી જ. કોઈ પણ પ્રાણી એને મારી નાખે એમ છે. કચ્છમાં ઊંટો સહેલાઇથી જોવા મળે, સાડાપાંચ ફુટનો માણસ આગળ અને પાછળ દોરીથી બંધાયેલો દસ ફુટનો ઊંટ જતો હોય. અમારા એક મઝાકિયા મિત્ર કહેતા – “આ ઊંટિયો બાઘો છે, હું જો ઊંટ હોત તો આ માણસનું પાછળથી ડોકું ખાઈ જાત!” પણ ભાઈ, તમે ઊંટ હોત તો આમ જ શાંતિથી ચાલ્યા જતા હોત! કારણ કે મગજ તો માણસનું વિકસ્યું છે, ઊંટનું નહીં.
વિકસેલા મગજે માણસને જીવન ટકાવી રાખવાના નવા જ રસ્તા દેખાડ્યા છે, જે અન્ય પ્રાણીઓ નથી જાણતાં. માણસ વ્યક્તિગત રીતે તો ચિરંજીવી ન બની શકે એટલે એણે બીજા મારફતે જીવતા રહેવાનું છે. પોતાના જીન્સ બીજી પેઢી સુધી પહોંચાડવા હોય તો પોતાની પ્રજાતિમાં એણે સહકારથી રહેવું પડે. સહકારથી રહેવામાં બાંધછોડ કરવી પડે. આ સમજ એને મગજે આપી. આમાંથી DOs and DON’Ts બન્યાં. એ જ તો નીતિ નિયમ! સમાજના વિકાસ સાથે એ ધર્મ બન્યો. મૂળ તો શ્રી મૂરજીભાઈ ગડા કહે છે તેમ એ સમાજશાસ્ત્ર જ છે. સમાજ તો સતત બદલાતો રહે છે એટલે મૂળભૂત નીતિ નિયમો – સહકારના નિયમો – ટકી રહે તો પણ બીજા ગૌણ નિયમોમાં ફેરફાર જરૂરી બની જતો હોય છે. આપણી પરંપરાઓને આપણે આ દૃષ્ટિએ જોવી જોઈએ.
ધર્મ આવશ્યકતામાંથી જન્મ્યો, તો ઈશ્વર માનવની પોતાની અસમર્થતાના અહેસાસમાંથી જન્મ્યો. ધીમે ધીમે ઈશ્વરની અવધારણા વ્યાપક અને અમૂર્ત બનતી ગઈ. પરંતુ, અહીં એના વિશે ચર્ચા નથી કરવી. માત્ર એના વિશેની આપણી ધારણાની જ ચર્ચા કરી છે. આ ધારણા પરથી જ નક્કી થશે કે આપણી શ્રદ્ધા કયા પ્રકારની છે. મંદિરનાં પગથિયાં ચડતી વખતે, ચર્ચમાં પ્રભુના પુત્રને યાદ કરતી વખતે કે અલ્લાહતાલા સમક્ષ સિઝ્દાહ કરતી વખતે આપણા મનમાં આ સવાલ રહે કે મારી શ્રદ્ધા સકામ છે કે નિષ્કામ – તો આપણે બધી જ અંધશ્રદ્ધાઓનો ઉચ્છેદ કરી શકીએ.
xxxxxx