Krishna’s Dwarka (3)

કૃષ્ણની દ્વારકા (૩)

આ શ્રેણીના પહેલા બે લેખો જમીન પર થયેલા પુરાતત્વીય ખોજકામ વિશે હતા, જ્યારે આ તેમ જ તે પછીના, અને છેલ્લા લેખમાં સમુદ્રી ખોજનું વિવરણ મળશે. સૌ પહેલાં તો આ બન્ને લેખ તૈયાર કરવામાં મેં જે વાચન સામગ્રી કે ફોટા અને ચિત્રાંકનોનો છૂટથી ઉપયોગ કર્યો છે તેના લેખકો જાતે જ સમુદ્રી પુરાતત્વવેત્તાઓ છે અને એમાંથી એક-બે તો જાતે જ મરજીવા બનીને સમુદ્રમાં ગયા હતા. આ સાહિત્ય ઇંટરનેટ પરથી મળી જશે. આ લેખકોનો હાર્દિક આભાર માનું છું. તે ઉપરાંત બે વેબસાઇટો પરથી મળેલી માહિતી મને મારા વિચારોને સમજવામાં મદદ રૂપ થઈ છે. એકમાં વૈજ્ઞાનિક પ્રકારની માહિતી છે અને બીજી એકંદર ચિત્ર રજુ કરે છે.

સંદર્ભ સામગ્રીઃ

(1) ANCIENT DWARKA: STUDY BASED ON RECENT UNDERWATER ARCHAEOLOGICAL INVESTIGATIONSby A.S. Gaur, Sundaresh and Sila Tripati (National Institute of Oceanography, Dne Paula, Goa, 403 004, India) Migration & Diffusion, Vol. 6, Issue Number 21, 2005 page 56-72).e-mail: asgaur@darya. nio.org.
(2) An Ancient Harbour at Dwarka: Study based on the recent Underwater Explorations by  A.S. Gaur, Sundaresh and Sila Tripati.(Current Science, Vol.86,No.9, 10 may 2004 page 1256 – 1260, Special Section: Underwater Cultural heritage). e-mail: asgaur@darya. nio.org.
(3) Recent Underwater Explorations at Dwarka and Surroundings of Okha Mandal – By A.S. Gaur, Sundaresh, P. Gudigar, Sila Tripati, K.H. Vora and S.N. Bandodker (Man and Environment XXV (I) – 2000 page 67-74) National Institute of Ocenography,Dona Paula,Goa 403 004 e-mail: asgaur@darya. nio.org
(4) http://www.dwarkadhish.org/submerged-dwarka.aspx
 (5) http://www.hinduwisdom.info/Dwaraka.htm
xxxxxxxxxx

સાંકળિયા પછી

પહેલા બે લેખમાં આપણે ડૉ. હસમુખ સાંકળિયાએ કરેલા દ્વારકા શોધવાના પ્રયાસોનું વિવરણ વાંચ્યું. એમણે જે ખોદકામ કર્યું તે જમીન પર અને બહુ નાના વિસ્તારમાં હતું. આના કારણે તેઓ કહે છે કે દ્વારકાની  જે કથાઓ અને પુરાવા મળે છે તે જોતાં એ લોહયુગમાં હોવાનો સંભવ છે. એમને મળેલા પુરાવાઓ સંબંધી એમના જ શબ્દો ફરી યાદ કરી લઈએઃ “દ્વારકાની પ્રાચીનતા માટે કે શ્રીકૃષ્ણ અહીં રહેતા હતા કે રાજ્ય કરતા હતા તે કહેવા માટે અમારી પાસે – પુરાતત્વ પાસે હમણાં આટલો જ પુરાવો છે. વધારે પુરાવો ત્યારે જ મળે જ્યારે દ્વારકા અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલાં અન્ય સ્થળો પર શાસ્ત્રીય રીતે ખોદકામ થાય!”.

૧૯૬૩માં એમણે કરેલા કામ પછી વીસેક વર્ષે સમુદ્રી પુરાતત્વ વિજ્ઞાનનો વિકાસ થયો. દેશમાં સમુદ્રમાં ડૂબી ગયેલાં શહેરોની શોધખોળ શરૂ થઈ. આમાં દ્વારકામાં સૌથી વધારે રસ હોય તે સ્વાભાવિક હતું. ડૉ. સાંકળિયાએ જ્યાં છોડ્યું હતું ત્યાંથી સમુદ્રી પુરાતત્વ વિજ્ઞાન આગળ વધ્યું. જો કે, પરંતુ વાસ્તવિક અર્થમાં એ ડૉ. સાંકળિયાનું અધૂરૂં કામ નહોતું, એ જ કામની નવી દિશા હતી. આ કાર્યમાં આગળ વધવાનો યશ ડૉ. એસ. આર. રાવને ફાળે જાય છે. તેઓ આ પહેલાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેના માર્ગે હડપ્પા કાળનું બંદર લોથલ પણ શોધી ચૂક્યા હતા. દ્વારકાનું નામ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે, એટલે ગોવા સ્થિત સંસ્થા Marine Archaeology Centre of the National Institute of Oceanography તરફથી સૌથી પહેલાં તો દ્વારકામાં જ કામ શરૂ થયું.

દ્વારકા મૂળમાં ક્યાં હતી તે વિશે મતમતાંતર છે એક વિદ્વાન શ્રી પાર્જિટર કહે છે કે રૈવતક પર્વતની પાસે, (પિંડારા)  કુશસ્થળી પર વિકસી, જ્યારે  શ્રી પુસળકર અને  ડૉ.સાંકળિયા હમણાંની દ્વારકાને જ મૂળ દ્વારકા માને છે. ૧૯૯૭થી ૨૦૦૧ વચ્ચે આ દિશામાં સારૂંએવું કામ થયું.

ખોજની રીત અને પરિણામ

પહેલાં તો પ્રાથમિક માહિતી મેળવવા માટે મરજીવાઓને દ્વારકાની પાસેના સમુદ્રમાં લગભગ ૬ મીટરની ઊંડાઈ સુધી ઉતારવામાં આવ્યા. આમાં અમુક પથ્થરના નમૂના જોવા મળ્યા. આના પર નિશાન (Buoys) મૂકવામાં આવ્યાં. તે પછી મહત્વના લાગે એવા નમૂના સાફ કરવામાં આવ્યા. બધા પર શેવાળના થર ચડ્યા હતા.

ખોજ દરમિયાન કેટલાંક બાંધકામ અને મુખ્યત્વે જુદા જુદા પ્રકારનાં લંગરો જોવા મળ્યાં. તે ઉપરાંત ોખામડી નદીન મુખપ્રદેશમાં કાંઠા પરની ખોજ દરમિયાન રેતીના ઢુવા મળ્યા. એનો અર્થ એ થયો કે આ નદીમાં બે હજાર વર્ષ પહેલાં પ્રવૃત્તિ નૌકા વ્યવહાર શક્ય હતો.

૨૦૦૧માં ત્યાં કામ આગળ વધ્યું તેમાં લંબચોરસ આકારના છૂટક છૂટક ચાર નમૂના મળ્યા. પહેલાં પણ આ જ પ્રકારના નમૂના જોવા મળ્યા હતા. એક ટુકડો તો બે મીટરનો છે. આ ઉપરાંત લંગર  મળ્યાં કિનારે જહાજ આવે ત્યારે એને બાંધી રાકહ્વા માટે એનો ઉપયોગ થતો એનો આ પુરાવો છે. અહીં લંગરોના પ્રકાર અને કદ પણ સમજવાના મુદા ચે, કારણ કે સમય નિર્ધારણમાં એની જરૂર રહે છે.  એ જ પ્રકારનાં લંગરો કે બીજા નમૂના અન્ય કોઈ સ્થળેથી પણ મળ્યાં હોય અને એમનો સમય જાણી શકાયો હોય તો અનુમાન સહેલું થઈ પડે છે. આ રીતે જોતાં એક લંગરમાં બે મોટાં કાણામ હતાં એની પણ નોંધ લેવામાં આવી.

શોધનો વિસ્તાર

સૌ પહેલાં તો આખા વિસ્તારને બે ઝોનમાં વહેંચી નાખવામાં આવ્યો, જેથી લોકો ક્યાં વસતા અને એમની પ્રવૃત્તિઓ કયા પ્રકારની હતી તેનો ખ્યાલ મળી શકે. પહેલો ઝોન દ્વારકાધીશના મંદિરની દક્ષિણે ગોમતીના મુખપ્રદેશની સામે ૨૦૦ મીટર દૂર સમુદ્રમાં હતો. અહીં સખત ખડક મળ્યો અને એના પર અર્ધગોળાકાર બાંધકામો મળ્યાં. આ સ્થળે પણ જુદા જુદા પ્રકારનાં લંગર મળ્યાં

અહીં મહત્વનો તફાવત યાદ રાખવાનો છે. આ પહેલાં જે બાંધકામ મળ્યું તેનો આકાર લંબચોરસ હતો, જ્યારે અહીંથી  અર્ધગોળાકાર બાંધકામ મળ્યાં. આ તફાવત ધ્યાનમાં રાખવા લાયક છે કારણ કે આગળ આપણે સમય નિર્ધારણ કેમ થયું તે જોશું તેમાં આ તફાવત કામ લાગશે. ઉપરાંત, આપણે એ પણ યાદ રાખવાનું છે કે પુરાતત્વવિજ્ઞાનમાં પ્રાકૃતિક રીતે બનેલા આકારો કે પદાર્થો ગણતરીમાં લેવાતા નથી. એક ઝાડનું થડ વીસ હજાર વર્ષ જૂનું હોઈ શકે, પણ પુરાતત્વશાસ્ત્રી એના આધારે એ સ્થળનો સમય નક્કી નથી કરતો. ખાસ કરીને સમુદ્રી પુરાતત્વ વિજ્ઞાનમાં આ વાતનું મહત્વ વધી જાય છે, કેમ કે ઝાડ તો તણાઈને પણ આવ્યું હોય અથવા ત્યાં કદી વસ્તી ન પણ રહી હોય. એટલે પુરાતત્વશાસ્ત્રી માનવસર્જિત વસ્તુઓ શોધે છે, જેથી જે તે સમયની સંસ્કૃતિનો ખ્યાલ આવી શકે.

એ ઝોનની પશ્ચિમે બીજો ઝોન હતો. ત્યાં પહેલાં ખોજ કરી ત્યારે રેતી જ રેતી મળતી હતી, પરંતુ ૨૦૦૧માં પાણીની નીચે પાંચથી આઠ મીટર ઊંડે જતાં મોટી સંખ્યામાં લંગરો જોવા મળ્યાં. આવાં ૩૪ લંગરો છે, જેમાંથી કેટલાંક અર્ધાં રેતીમાં દબાયેલાં છે અને કેટલાંક પાણીની નીચે ખડક પર ખુલ્લાં જોવા મળ્યાં. તે ઉપરાંત, દ્વારકાધીશ અને સમુદ્રનારાયણની દક્ષિણે પણ ૨૮ લંગરો મળ્યાં.

બાંધકામો વિશે

અહીં ચર્ચા આગળ વધારીએ તે પહેલાં એક પારિભાષિક શબ્દ ‘ઇંટર-ટાઇડલ ઝોન’નો અર્થ સમજી લેવાનું જરૂરી છે. સમુદ્રમાં અમુક જગ્યાઓ એવી હોય છે કે જે ઓટમાં બહાર આવી જાય અને ભરતી ચડે ત્યારે ડૂબી જાય. આવી સાંકડી પટ્ટી પણ હોઈ શકે અને લાંબો-પહોળો વિસ્તાર પણ હોઈ શકે.

ગોમતીની ખાડીની સામે છ મીટર ઊંડા પાણીમાં માણસે કરેલા બાંધકામનાં નિશાન મળ્યાં છે. સમુદ્રની નીચે ૨૨૫x૨૭૫ મીટરના વિશાળ વિસ્તારમાં આવાં બાંધકામો છે.  આમાં કેટલાંક અર્ધગોળાકાર અને ગોળાકાર બાંધકામો છે. કેટલાંક તો અકબંધ છે અને એની લંબાઈ એટલી છે કે આકારનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. દ્વારકાના ઇંટર-ટાઇડલ ઝોનમાં અને અહીં મળેલાં બાંધકામોમાં એક સમાનતા અને અસમાનતા જોવા મળી છે. આથી આપણે એક ખાસ અનુમાન પર પહોંચી શકીએ તેમાં એ મદદરૂપ બનશે. તો એ ઇંટર-ટાઇડલ ઝોનમાં મળેલાં બાંધકામ ગોળાકાર છે, જ્યારે અહીં અર્ધગોળાકાર છે.પરંતુ બન્ને સ્થળે જે બ્લૉક્સ વપરાયા છે તે એકસરખા છે. આથી કહી શકીએ કે અર્ધગોળાકાર આકારો પણ પહેલાં કદી પૂરા ગોળ રહ્યા હશે, અને પછી ધ્વસ્ત થઈ જતાં અર્ધગોળાકાર રહી ગયા હશે. આપણે એ અનુમાન પણ કરી શકીએ કે આટલું ફેલાયેલું ગોળાકાર બાંધકામ કોઈ કિલ્લાનું જ હોય. તે સાથે એ પણ નોંધવું પડશે કે કિલ્લાની અંદરથી, અથવા આવાં ગોળ કે અર્ધગોળ બાંધકામોની પાસેથી માનવવસ્તીનાં કોઈ ચિહ્નો નથી મળ્યાં. ત્યાં ઘરો હોય તો માટીનાં વાસણો, સિક્કા કે કોઈ મુદ્રા અથવા રોજબરોજના ઉપયોગમાં આવતી વસ્તુઓ પણ મળે. આથી કદાચ અહીં રહેણાક વિસ્તાર નહીં હોય. પરંતુ લંગરો પરથી અનુમાન કરી શકાય કે અહીં જહાજો આવતાં હશે,

ઘાટવાળા પથ્થરો.

દ્વારકાના સમુદ્ર પાસે મળેલા બ્લૉક્સમાં વપરાયેલા પથ્થરોને ઓજારોથી એક ઘાટ આપવામાં આવ્યો છે.બધા પથ્થરો જુદી જુદી સાઇઝના છે પણ બધાની જાડાઈ એકસરખી છે. અમુક L આકારના બ્લૉક પણ મળ્યા છે. એ કિલ્લામાં વપરાયા હોવા જોઇએ. પરંતુ આપણે પહેલાં જોયું તેમ અહીં માનવવસ્તીનાં ચિહ્નો ન હોવાથી બંદરના ફુડદા (જેટી)ના એ ભાગ હોય તો નવાઈ નહીં.

ગોળ કિલ્લા ક્યારે બન્યા?

હવે આપણે સમય નિર્ધારણ સુધી પહોંચ્યા છીએ. બાંધકામો તો એક સમય દર્શાવશે, એટલે આપણે લંગરો પણ તપાસવાં પડશે. પહેલાં કિલ્લાની વાત કરીએ.

ભારતમાં મળેલા કિલ્લાઓનો અભ્યાસ કરતાં જોવા મળ્યું છે કે બધાં શહેરોમાં કિલ્લા નહોતા. દાખલા તરીકે, હડાપ્પા કાળનાં લોથલમાં કિલ્લો નહોતો. નાગેશ્વરમાં કિલ્લો કે મોરચાબંધી જેવું કઈં નહોતું. બીજી બાજુ, ધોળાવીરા, કુન્તાસી,એક સુરકોટડા અને બગસરા વગેરેમા પણ હડપ્પા સંસ્કૃતિનાં શહેરો છે અને ત્યાં ચોરસ કે લંબચોરસ કિલ્લા મળ્યા છે. આમ, હડપ્પાકાલીન શહેરોમાં કાં તો કિલ્લા હતા જ નહીં, અને હતા, ત્યાં ચોરસ કે લંબચોરસ હતા, આનો અર્થ એ કે દ્વારકા હડપ્પા કાલીન હોત તો ત્યાં પણ ચોરસ કે લંબચોરસ કિલ્લો હોત. પરંતુ દ્વારકામાં મળેલા અવશેષ ગોળ કિલ્લાનો સંકેત આપે છે. ભારતમાં ગોળ કિલ્લા આજથી ૮૦૦-૯૦૦ વર્ષ જૂના મળ્યા છે. એટલે આ ડૂબી ગયેલી દ્વારકા ઇસુની ૧૧-૧૨મી સદીની અથવા તે પછીની હોવી જોઈએ. આમં રસ પડે એવી વાત તો એ છે કે એક લંબચોરસ પથ્થરનો આકાર મળ્યો તેના ઉપર ગુજરાતીમાં લખેલા અક્ષરો છે! આનો અર્થ તો એ જ થયો કે એ આપણા ઇતિહાસના મધ્ય કાળનો પથ્થર છે.

લંગરો

હજી આપણે લંગરો જોવાનાં છે. સમય નક્કી કરવામાં એમનો પણ ખપ છે. દ્વારકામાંથી જુદા જુદા ઝોનમાંથી ૧૨૦ લંગરો મળ્યાં છે. સાદું લંગર એટલે એક પત્થરનો થાંભલો અને એમાં દોરડું નાખવાનું કાણું હોય. એની સાથે નાવને બાંધીને સમુદ્રમાં તરતી રાખવાની હોય. દ્વારકામાં જે લંગરો મળ્યાં તે વિકસિત પ્રકારનાં છે અને ચૂના. બેસૉલ્ટ સૅન્ડ સ્ટોન અને લૅટરાઇટનાં બનેલાં છે. અમુક લંગરો સ્થાનિકે ઉપલબ્ધ ચૂનાનાં બનેલાં છે. એનો સૌથી નજીકનો સ્રોત ધ્રાંગધ્રામાં છે. આપણે લંગરોનાં વર્ણનમાં નહીં જઈએ, પરંતુ અમુક પ્રકારનાં લંગરો આરબોની ધાઉ’ માટે કામ આવે એવાં છે. એના પરથી લાગે છે કે કોઈ જમાનામાં અહીંથી આરબ દેશો સાથે વેપાર થતો.

લંગરોનો સમય

અહીંથી મળેલાં લંગરો જુદા જુદા પ્રકારનાં હોવાનું કારણ એ કે એ જુદા જુદા કાળનાં છે. લોથલ અને કુન્તાસીમાં પણ લંગરો જોવા મળે છે. એ જૂનામાં જૂનાં લંગર સાડાચાર હજાર વર્ષ જૂનાં હશે. એમની સાથે સરખાવતાં દ્વારકાનાં લંગરો ઘણાં આધુનિક કહી શકાય. એ આપણા ઐતિહાસિક કાળની શરૂઆતથી માંડીને ઈ.સ. ૧૪૦૦ સુધીનાં છે. આમ આ લંગરોને પૂર્વવર્તી હડપ્પા અથવા ઉત્તરવર્તી હડપ્પા પછી જ મૂકવાં પડે એમ છે.

પુરાતત્વીય ખોજ દ્વારા એવું અનુમાન થઈ શકે છે કે દ્વારકા કરતાં બેટ દ્વારકા અને નાગેશ્વર વધારે જૂની સંસ્કૃતિનાં સભ્ય છે. આ બન્ને સ્થળેથી પ્રાગૈતિહાસિક કાળના, એટલે કે હડપ્પાકાલીન અવશેષો મળ્યા છે, જ્યારે દ્વારકામાંથી મળેલા અવશેષો આપણા ઐતિહાસિક કાળના, એટલે કે ઉત્તરવર્તી હડપ્પા પછીના, આજથી વધારેમાં વધારે ૨૫૦૦ વર્ષથી ૮૦૦-૯૦૦ વર્ષ જૂના છે. તો, બેટ દ્વારકામાં શું સ્થિતિ છે? ચાલો, જરા બેટ દ્વારકા જઈ આવીએ. હવે પછી…બેટ દ્વારકા. 

xxxxx

(ચિત્ર ૧ માં ઉપર ગુજરાતીમાં લખાણવાળો પથ્થર છે અને ની્ચેઃ L  આકારની દીવાલનો સ્કેચ અને એની સાથે મરજીવા સહિત એ  જ  L  આકારની દીવાલની તસ્વીર છે. ચિત્ર ૨ માં ઉપર ઊભા આકાર લંગરોના છે અને કાણાવાળા એના આડા છેદ દેખાય છે. એની નીચે ઓટ ઓસરતાં દેખાયેલો ગોળાકાર કિલ્લો જોવા મળે છે).

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s