પુરાતત્વ અને રામાયણ (૫)
રામાયણની કેટલીયે ઘટનાઓથી આપણે પરિચિત છીએ. પરંતુ સૂક્ષ્મ અભ્યાસ કરતાં સમજાય છે કે આવી ઘટનાઓનાં વર્ણન રોચક હોવા છતાં મૂળ રામાયણમાં એ ન પણ હોય. એ પાછળથી ઉમેરાઈ હોય છે અથવા મૂળ ઘટનામાં નવા રંગ ભર્યા હોય છે. આમ છતાં આ લેખમાળાની શરૂઆતમાં જ ડૉ. સાંકળિયાના લખાણના આધારે સ્પષ્ટતા કરવામાં આવી છે કે મૂળ કથાનક યથાવત્ રહ્યું છે. અહીં ઉમેરાયેલા જણાતા ભાગોનું વિશ્લેષણ કરેલું છે. સાંકળિયા સાહેબે આવી ઘણી બાબતો લીધી છે. આપણે દરેકનો ટૂંકમાં પરિચય મેળવીએ.
દેવો, ધર્મો અને પુરાતત્વ
રામાયણ પર જે પુસ્તકો લખાયાં છે તેમાં અમુક દેવોની પૂજા થતી, એમ કહીને આવા દેવોની યાદી આપી દેવાયેલી છે, પરંતુ એની થરવાર તપાસ નથી થઈ. અભ્યાસ અને પુરાતત્વની મદદથી આપણે આવી બધી માહિતીને થર પ્રમાણે ગોઠવી શકીએ અને એમનો સમય પણ નક્કી કરી શકીએ.
મંગલાચરણ અને ગણેશ
આવી પૂરતી તપાસ પછી તૈયાર થયેલી પ્રત (ડૉ. સાંકળિયાના શબ્દોમાં “ચિકિત્સક આવૃત્તિ”)માં કોઈ પણ જાતના મંગલાચરણને (એટલે કે “ઓમ નમઃ શિવાય” કે “નમો વિષ્ણવે” જેવા મંત્રોને) સ્થાન નથી અપાયું. આવાં મંગલાચરણોની પ્રથા આજથી ૧૬૦૦-૧૭૦૦ વર્ષ પહેલાંના શિલાલેખોમાં કે તામ્રપત્રોમાં જોવા મળે છે. એનાથી જૂના શિલાલેખોમાં મંગલાચરણો જોવા નથી મળતાં. ૨૦૦૦ વર્ષથી પણ જૂનો એક જ લેખ પુણેમાં કામરોટથી પંદરેક કિલોમીટર દૂર ગિરિમાળામાં આવેલી એક ગુફામાં મળ્યો છે. એમાં ‘નમો અરહંતાય’ લખેલું મળ્યું છે. આમ ચિકિત્સક આવૃત્તિમાં સૌથી જૂની (ઇ. સ. ૧૦૨૮ની સાલની) નેપાલી પ્રત પ્રાચીન પરંપરા પ્રમાણે બની છે, જ્યારે તે પછીની પ્રતોમાં સરસ્વતી, ગણપતિનાં મંગલાચરણો મળે છે, એટલું જ નહીં પણ આજથી ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલાં મંગલાચરણોનો પણ સમાવેશ થયો છે. પુરાતત્વની દૃષ્ટિએ ગણેશનો મંગલાચરણમાં સમાવેશ અથવા ગણેશની સ્વતંત્ર પૂજા અને ઘરની બારસાખે ગણેશની આકૃતિ કોતરવાની પ્રથા ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલાં નહોતી એમ પુરાવા દેખાડે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી ૧૬૦૦ વર્ષ જૂની ગણેશની મૂર્તિઓ મળી છે, પરંતુ સ્વતંત્ર પૂજાની શરૂઆત થઈ હોય એવા સંકેત તે પછીના છે. આ થઈ રામાયણના કાંડોની નીચલી કક્ષા (એટલે કે ઉમેરો થયો હોય તેવો છેલ્લામાં છેલ્લો સમય).
પરંતુ ઉપલી કક્ષા કઈ? જૂનામાં જૂનો સમય કયો? રામાયણમાં એના પણ પુરાવા મળે છે. રામ વનમાં જતાં પહેલાં માતા કૌસલ્યાની રજા લેવા આવે છે ત્યારે કૌસલ્યાએ સ્વસ્તિવાચન કર્યું. એમાં રામના માથા પર શુદ્ધ જળ છાંટીને એમણે મંત્રો દ્વારા સાધ્યો. મરુતો, ધાતા, વિધાતા, ઇન્દ્ર, પૂષા, અર્યમા, સ્કંદ (કાર્તિકેય), સોમ, બૃહસ્પતિ, સ્મૃતિ, ધૃતિ, ધર્મ, સપ્તર્ષિ, ગ્રહ, નક્ષત્ર, ઋતુ, પક્ષ, માસ, સંવત્સર, દિન, મુહૂર્ત વગેરેની આરાધના કરી. પૂષા, અર્યમા, ઇન્દ્ર વગેરે વૈદિક કાળના દેવો છે. તે પછી એમનું મહત્વ ઘટી ગયું. પરંતુ, આ સ્વસ્તિવાચન દેખાડે છે કે ઋગ્વેદના દેવતાઓનું મહત્વ ચાલુ રહ્યું હોય એવા સમયનું પ્રતિબિંબ એમાંથી મળે છે. પરંતુ સ્કંદ જેવા નવા દેવનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હતો. આમ આદિ રામાયણનો રચનાકાળ વૈદિક સમયની વધારે નજીક હતો. વૈદિક કાળ હજી ભુલાઈ નહોતો ગયો.
પંચાંગ
આ એક સ્વસ્તિવાચન આપણને જુદા જુદા કાળમાં યાત્રા કરાવે છે. એમાં વૈદિક દેવતાઓ છે, તો નવા દેવતા સ્કંદને પણ સ્થાન મળ્યું છે. બીજી બાજુ ગ્રહ, નક્ષત્ર અને મુહૂર્તોનો પણ સમાવેશ થાય છે. આથી સ્વાભાવિક રીતે જ વિચાર આવે કે એ ગ્રહો વગેરેની પંચાંગીય માહિતી ઉમેરાઈ હોય એવો કયો કાળ હશે? જ્યોતિષને ધ્યાનમાં લઈએ તો આ ભાગને કયા કાળમાં મૂકી શકાય? આમાં પુરાતત્વની ખોજ દ્વારા મળેલા અભિલેખો કે શિલાલેખો મદદ કરે છે. આજથી ચાર હજાર વર્ષ પહેલાં દિવસ, તિથિ, માસ, ઋતુ વગેરે પંચાંગમાં હતાં કે કેમ? ડૉ. સાંકળિયા કહે છે કે અત્યારે ઉપલબ્ધ રામાયણ જોતાં એ તો નક્કી થઈ જ ગયું છે કે એના રચનાકારને હોરા અને ફળ-જ્યોતિષનું સારૂં જ્ઞાન હતું. રામાયણની બધી પ્રતોમાં આ વિગતો નથી. આથી પંચાંગને લગતા ઉલ્લેખો જે તે ભાગનો સમય નક્કી કરવામાં બહુ ઉપયોગી થાય છે.
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં સૌથી જૂના અભિલેખો સમ્રાટ અશોકના છે. એમાં અશોક જે વર્ષમાં રાજ્ય કરતો હતો તેનો ઉલ્લેખ છે, પણ બીજી વિગતો મળતી નથી. અશોક પછીની અભિલેખોમાં વર્ષની ઋતુઓ અને એના દિવસ જોવા મળે છે. દાખલા તરીકે, “ગૌતમીપુત્ર શાતકર્ણીના શાસનના ૧૮મા વર્ષની વર્ષા ઋતુના બીજા પક્ષનો પહેલો દિવસ”. અથવા “કુલ શાંતમૂલ (રાજાના) સંવત્સરનું બીજું વર્ષ, ગ્રીષ્મના છઠ્ઠા પખવાડિયાનો દસમો દિવસ”.
તે પછી કુશાન રાજાઓના અભિલેખોમાં મહિનાના પખવાડિયાને બદલે મહિનો દર્શાવવાનું શરૂ થયું. તે પછીના સમયના અભિલેખોમાં આખા વર્ષના સૌર પદ્ધતિ પ્રમાણે બાર ભાગ પાડીને શુક્લ કે કૃષ્ણ પક્ષના દિવસ લખવાનું શરૂ થયું.
લગભગ ૨૦૦ વર્ષ પછી, ઈ.સ. ૪૮૪માં ગુપ્તવંશના રાજા બુદ્ધગુપ્તના સમયના શિલાલેખમાં અઠવાડિયાના દિવસનું નામ પહેલી વાર જોવા મળે છે. રામનવમી એટલે કે ચૈત્ર સુદ નોમ, ૧૨મો મહિનો (એ વખતે એ ૧૨મો મહિનો હતો), અદિતિ નક્ષત્ર, પાંચ ઉચ્ચ સ્થાનના ગ્રહો અને કર્ક લગ્ન વગેરે માહિતી ઈ.સ. ૪૦૦ પછી ધીમે ધીમે સમાજમાં પ્રચલિત થઈ. ડૉ. સાંકળિયા અહીં જ્યોતિષના વિદ્વાન પ્રોફેસર સેનગુપ્તાનો હવાલો આપીને કહે છે કે ઈ. સ. ૪૦૦માં ભારતીય જ્યોતિષ ગ્રીક અને રોમન જ્યોતિષના પ્રભાવમાં આવ્યું, આર્યભટ્ટ અને વરાહમિહિરના ગ્રંથોમાં પણ એનો પડઘો ઝિલાયો છે. શ્રી સેનગુપ્તાના અનુમાન પ્રમાણે આજે પ્રચલિત રામાયણ ઈ. સ. ૪૩૮માં લખાઈ છે.
રામ અને કૃષ્ણ
આદિ રામાયણ વખતે માત્ર ૩૩ દેવતા હતા અને ઇન્દ્ર એનો મુખી હતો. ભક્તિ સંપ્રદાયનો હજી ઉદય નહોતો થયો. અથવા એ બહુ પ્રચારમાં નહોતો આવ્યો, કારણ કે કૌસલ્યા બધાં વ્રતો પાળતાં અને અગ્નિને આહૂતિ આપતાં. એ દરરોજ સવારે વિષ્ણુની પૂજા કરતાં.
રામાયણમાં એક-બે જગ્યાઓને છોડી દો તો કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ નથી આવતો. આમ અયોધ્યાકાંડ અને આખી ચિકિત્સક આવૃત્તિ કૃષ્ણનો મહિમા વધ્યો તે પહેલાંનાં ગણાય. કૃષ્ણ કરતાં રામ પહેલાં થઈ ગયા એ માન્યતા આદિ રામાયણ જેટલી જ જૂની છે એમ કૃષ્ણના ઉલ્લેખના અભાવ પરથી સમજી શકાય છે.
રામમાં ઈશ્વરીય અંશ
રામ ઈશ્વરનો અવતાર હતા અથવા ક્યારે બન્યા તે પણ વિચારવા જેવું છે. ચિકિત્સક આવૃત્તિમાં પણ આના સંકેત મળે છે. બાલકાંડમાં તો એમને વિષ્ણુના અવતાર ગણાવેલા જ છે. જો કે બીજાં વર્ણનોમાં એમના માનવીય અંશો દેખાડ્યા છે. આમ છતાં રામમાં દૈવી અંશ હોવાની ધારણા શરૂઆતથી જ હોય એમ લાગે છે. બધા જ કાંડોમાં આવા સંકેતો મળે છે, પરંતુ એનું સ્પષ્ટ સ્વરૂપ બાલકાંડમાં બંધાયું છે. આદિ રામાયણ રચાયું તે પહેલાં પણ રામ વિશેની કથાઓ પ્રચલિત હશે જ અને એમાં પણ એમની દિવ્ય શક્તિઓની વાત આવતી હશે.
અસ્ત્રો અને શસ્ત્રો
બાલકાંડમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જાય છે ત્યારે એમની પાસે માત્ર ધનુષ્ય-બાણ છે. અહીં વિશ્વામિત્ર અને વસિશ્ઠ વચ્ચે યુદ્ધ થાય છે, એમાં ખડગનો ઉપયોગ થાય છે. તે પછી વિશ્વામિત્ર અમુક અસ્ત્રો વાપરે છે. આના જવાબમાં વસિષ્ઠની કામધેનુ ગાયમાંથી પ્રગટેલા વીરો – શકો અને પહ્લવો પટ્ટિશ વગેરે અસ્ત્રો વાપરે છે. અહીં શક અને પહ્લવોનો ઉલ્લેખ દર્શાવે છે કે કથાના આ ભાગની રચના થઈ ત્યારે આ પરદેશીઓ અહીં આવી ચૂક્યા હતા. એમણે લોહનાં બનેલાં શસ્ત્રો વાપર્યાં, તેને ભારતીય લેખકોએ દિવ્ય અસ્ત્રો લેખાવ્યાં છે.
લાગે છે કે પહેલાં અસ્ત્રો હતાં જ નહીં. માત્ર ધનુષ્ય અને બાણ અને તલવારથી લડાઈ થતી. ગદા હોવાનો પણ સંભવ છે. તે પછી ધનુષ્ય અને બાણની ગુણવત્તા સુધરી. એના પછી સાદાં શસ્ત્રોને મંત્રથી અસ્ત્રમાં પરિવર્તિત કરવાનું શરૂ થયું. ફરી નવાં શસ્ત્રોનો વિકાસ થયો, જેમાં પરીઘ એટલે કે માથા પર કે બાજુએ ગોળ ઘુમાવીને ફેંકવાનું શસ્ત્ર ખાસ છે. શસ્ત્રો મંત્ર દ્વારા અસ્ત્ર બની જતાં અને એનો ઉપયોગ થઈ જાય તે પછી એ ફરી સામાન્ય શસ્ત્ર બની રહેતાં. આથી પુરાતત્વ અસ્ત્રો વિશે બહુ પ્રકાશ પાડી શકે તેમ નથી. ખોદકામમાં માત્ર ત્રણ જ જાતનાં શસ્ત્રો મળે છેઃ નાના મોટા પથ્થરના કે માટીના ગોળા, શૂળ કે ત્રિશૂળ, ત્રણ-ચાર અણીવાળાં લોખંડનાં હથિયારો અથવા તલવાર કે ખંજર.
દસ માથાંવાળો રાવણ
કોઈ માણસને દસ માથાં હોય એ કલ્પના જ હોઈ શકે, એ વાત તો સૌ કોઈ સમજી શકે. દસ માથાં રાવણની શક્તિ અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે. આમાં કઈં વિશેષ ચર્ચા જેવું પણ નથી. પરંતુ, ડૉ. સાંકળિયાને આટલેથી સંતોષ નથી. આ કલ્પના છે, એ સ્વીકાર્યા પછી, એ પ્રકારની કલ્પનાનો વિકાસ ક્યારે થયો તે તપાસે છે અને રાવણનાં દસ માથાં વિશે ચર્ચા કરીને તેઓ રામાયણમાં એ ભાગ ક્યારે ઉમેરાયો તેનું અનુમાન રજુ કરે છે.
ભારતમાં ઉપલબ્ધ માનવ આકૃતિઓમાં ત્રણ-ચાર માથાંવાળી આકૃતિઓ મોહેં-જો-દડોમાંથી મળી છે. એક પ્રાણીને ત્રણ માથાં છે પણ બે જ શિંગડાં અને એક જ શરીરવાળી એક મુદા મળી છે. આના પરથી આપણે કહી શકીએ કે એકથી વધારે માથાં કે શરીર બનાવવાની કલ્પના ઓછામાં ઓછી સાડાચાર હજાર વર્ષ જૂની છે.
જો એક કરતાં વધારે શરીર કે માથાની કલ્પના થઈ શકે તો બે કરતાં વધારે હાથની પણ કલ્પના થઈ શકે, પરંતુ મોહેં-જો-દડો પછીનાં લગભગ અઢી હજાર વર્ષ સુધી એટલે કે ઇસવી સનની શરૂઆત થાય ત્યાં સુધી આવી આકૃતિઓ મળી નથી. આટલા લાંબા સમય પછી, આજથી લગભગ ૨૧૦૦-૨૨૦૦ વર્ષ પહેલાં સાહિત્યમાં ષડાનન એટલે કે સ્કંદ અથવા કાર્તિકેયનું વર્ણન મળે છે અને આવી જ આકૃતિવાળો સિક્કો પણ મળ્યો છે. પરંતુ સ્કંદના હાથ તો બે જ દેખાડેલા છે. બીજા કોઈ દેવ હોય તો એની આકૃતિમાં એક જ માથું, બે હાથ અને બે જ પગ બનાવેલા હોય છે. આમ, આજથી સત્તરસો-અઢારસો વર્ષ પહેલાં પણ ઘણા હાથ કે માથાવાળા દેવની કલ્પના પ્રચલિત નહોતી. એમ લાગે છે કે ઇસુના પાંચમા કે છઠ્ઠા સૈકામાં વધારે હાથ અને માથાંની કલ્પના વિકસી હશે. આ તો ધારણા છે પરંતુ એ સાચી હોય તો અરણ્યકાંડના રાવણના વર્ણનવાળા ભાગની રચના પંદરસો વર્ષથી વધારે જૂની ન ગણાય.
પરંતુ રામાયણમાં રાવણને માત્ર એક સામાન્ય શરીરાકૃતિવાળો માણસ દેખાડ્યો છે. એ મૂળ રામાયણનું વર્ણન હશે. સાંકળિયાસાહેબ કહે છે કે અરણ્ય, કિષ્કિંધા અને સુંદરકાંડમાં આવાં વર્ણનો ઘણી જગ્યાએ છે. અરણ્યકાંડમાં સીતાને રાવણ કહે છે કે હું તને બે હાથોથી ઉઠાવીને લઈ જઈશ. (નોંધઃ ગીતા પ્રેસ, ગોરખપુરની ૨૫મી હિન્દી આવ્રુત્તિમાં અરણ્યકાંડમાં આ પ્રકારનું વિધાન નથી. પરંતુ એના ૪૯મા સર્ગમાં રાવણ સીતા પાસે આવે છે ત્યારે એને બે જ હાથ છે. માત્ર આઠમા શ્લોકમાં એ ક્રોધિત થઈને પોતાનું દસ માથાં અને વીસ હાથનું સહજ રૂપ – स्वकं रूपं – પ્રગટ કરે છે, પરંતુ નવમા શ્લોકમાં એ ફરી સામાન્ય બની જાય છે. ૧૭મા શ્લોકમાં એ ખરેખર સીતાને ઉપાડે છે ત્યારે એ વીસ હાથથી નહીં, માત્ર બે હાથથી ઉપાડે છે! શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છેઃ એણે ડાબા હાથે કમલનયની સીતાનું માથું વાળથી પકડ્યું અને જમણો હાથ એમની બન્ને જાંઘોની નીચે નાખીને એમને ઉપાડી લીધાં).
સીતાનું અપહરણ કરીને રાવણ જતો હોય છે ત્યારે ગીધરાજ જટાયુ એને રોકે છે અને લડાઈમાં રાવણનો રથ તોડી નાખે છે. એ વખતે રાવણ બે હાથથી જ લડે છે. વળી, હનુમાન લંકામાં સીતાની શોધમાં રાવણના મહેલમાં પહોંચી જાય છે. રાવણ સિંહાસન પર બેઠો છે અને એને એક જ માથું અને બે હાથ છે (સુંદરકાંડ, સર્ગ પાંચ, શ્લોક ૧૩-૨૮ ડૉ. સાંકળિયાએ આપેલો સંદર્ભ). (ગીતા પ્રેસ ગોરખપુરની ૨૫મી હિન્દી આવૃત્તિ પ્રમાણે હનુમાન રાવણને સૂતેલો જૂએ છે અને એને બે જ હાથ (भुजौ) છે – સુંદરકાંડઃ સર્ગ ૧૦ શ્લોક ૧૫).
આમ રાવણનું સહજ રૂપ – स्वकं रूपं – બે હાથ અને એક માથાનું છે. વીસ હાથ અને દસ માથાં, આપણે જોયું, તેમ ઇસુની પાંચમી-છઠ્ઠી સદીના કવિઓની કલ્પના છે.
આજે આટલું બસ, હજી તો આપણે એ જોઈશું કે રામ સીતા વસ્ત્રો કેવાં પહેરતાં, ખાદ્યાન્ન શું હતું, એમનાં આભૂષણો કેવાં હતાં અને તેમાં પણ ખાસ તો પેલી રામનું નામ અંકિત કરેલી વીંટીની કથા…!
મુર્ર્બી દિપક ભાઈ
રામાયણ વિશે સવિસ્તર લેખ વાંચ્યો.
મારૂ ગીતા, રામાયણ મહાભાત વિશે અતિ અલ્પ ગ્નાન હોવા છતાં બહુ વર્ષોથી માનવું છે કે કદાચ સોએક વર્ષો પછી પુજ્ય ગાંધીજી એક યુગ પુરૂષ મનાય, જેમ કે રામ, ક્રષ્ણ.
કેમ કે ગાંધજી એ પણ લોક કલ્યાણમાં જ જીવન વિતાવ્યું અને ક્રષ્ણ જેમ લોક કલ્યાણ
પામેલા જ મારફત શહીદ થયા.
ગાંધી નિર્વાણાનાં જ દિવસે ૧૩ વર્ષની વયે રાજકોટ છોડી પાકીસ્તાન સ્થાઈ થયા એટલે હીંદુ ધર્મ વિશે નજીવી જાણકારી હોય, માટે રામ,ક્રષ્ણ સાથે ગાંધીજીની સરખામણી યોગ્ય ગણાય ?
અકબરઅલી નરસી
શ્રી અકબર અલી ભાઈ,
આભાર.
મુરબ્બી તો તમે છો! મારો જન્મ તો ૧૯૪૮ના અંત ભાગમાં થયો. એ જ વર્ષની શરૂઆતમાં તમે પાકિસ્તાન ચાલ્યા ગયા.
રામ અને કૃષ્ણને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. ગાંધીજીને પણ આગળ જતાં કોઈ અવતાર બનાવી દે એ શક્ય છે. રામ અને કૃષ્ણ સાથે ગાંધીજીની સરખામણી કરવામાં કઈં ખોટું નથી. દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા સમયે નીતિનો અને નવી રીતે જીવવાનો માર્ગ દેખાડનાર મહાપુરુષો પેદા થયા છે. બીજાનાં જીવન પર એમનો પ્રભાવ વર્તાય છે. ગાંધીજી પણ આવા જ મહાપુરુષ હતા.
હિન્દુ ધર્મ અનેક જુદી જુદી પરંપરાઓમાંથી બન્યો છે.ઇતિહાસની દૃષ્ટિ રાખીને એનો અભ્યાસ કરવાથી ઘણું જાણવા મળે છે.
કુશળ હશો.
Lord Rama myth or truth………
http://vedicphilosophy.tripod.com/Lord%20Rama%20myth%20or%20truth.htm
Historicity of Vedic and Ramayan Eras…………
http://sarojbala.blogspot.com/
http://en.wikipedia.org/wiki/Versions_of_Ramayana
રામાયણ વિશે નવી માહિતી મૂકવા બદલ આભાર. તમે મૂકેલા લેખો વાંચવાની પણ સૌને મઝા આવશે એમ માનું છું.
ખૂબ જ અભ્યાસુ લેખો દ્વારા નવી નવી માહિતી મળે છે. ધન્યવાદ !
દીપકભાઈ ,
ઘણું સરસ વિચાર મંથન છે ,,, તમારા ટાંકેલા એક બે મુદ્દા ,,
” અહીં શક અને પહ્લવોનો ઉલ્લેખ દર્શાવે છે કે કથાના આ ભાગની રચના થઈ ત્યારે આ પરદેશીઓ અહીં આવી ચૂક્યા હતા. એમણે લોહનાં બનેલાં શસ્ત્રો વાપર્યાં, તેને ભારતીય લેખકોએ દિવ્ય અસ્ત્રો લેખાવ્યાં છે.”
કદાચ ઈતિહાસ પ્રમાણે તમે જોવો તો ભારત માં શક કે હું કે કુશન એ બુદ્ધ ના સમય પછી આવેલા છે ,,એ પહેલા એનું અસ્તિત્વ નથી ,,સમ્રાટ અશોક ના પૌત્ર બૃહદત ને પુસ્ય્મીત્ર શૃંગ નામના કુશન કે શક એ હરાવેલો છે ,,અશોક ના સમય સુધી પણ આ ન હતા આવ્યા ,,એક આ પણ વિવાદાશ્પદ લાગે છે ,,
”માથું વાળથી પકડ્યું અને જમણો હાથ એમની બન્ને જાંઘોની નીચે નાખીને એમને ઉપાડી લીધાં).”
કદાચ એક વખત સાંકળિયા સાહેબ ને ભૂલી જાવ તો તમે લખેલ વાક્ય ની વિશ્લેષણ પેરિયાર ની રામાયણ માં વધુ મળી શકે છે ,,
વધુમાં ,તમે મોહેંજો દરો ને રામાયણ સાથે સાંકળો છો તો ,એ સંસ્કૃતિ રામાયણ પહેલાની જ છે એમાં બે મત નથી ,,,રહી વાત પૂજન ની તો આર્યો ના મુખ્ય દેવ માં ઇન્દ્ર વર્ષો પેહ્લાથી પૂજાય છે ,,,ભારત માં આર્યો ના યુદ્ધ માં ઇન્દ્ર એ મહત્વની ભૂમિકા બદલ તે પ્રથમ ગણાય છે ,એ ઋગ્વેદ માં પણ એનો ઉલ્લેખ છે જ ,,
તમે રામાયણ ને સાચી બતાવો છે કે મનોવિજ્ઞાન એજ મને તમારા લેખો માંથી ખબર નથી પડતી ,,એક બાજુ સમર્થન અને એક બાજુ તર્ક આપો છો ,,
પહેલાના લેખ માં તમે સેતુ ની વાત કરી હતી ,તો સમય છે વિજ્ઞાન ની રીતે જોવનો ,,ત્યાં સમુદ્રના પાણી વિરોધ જગ્યાથી અણીને અથડાય છે પરિણામે સદીઓથી ચાલતી પ્રક્રિયા થી ત્યાં માટી ના થર ને લોકો એ સેતુ કયો છે
મયંકભાઈ,
તમે બરાબર સમજ્યા છો. મૂળ વાત એ છે કે ડૉ. સાંકળિયા એમ સાબીત કરે છે કે રામાયણના જુદા જુદા ભાગો જુદા જુદા સમયે લખાયા છે. આ સમય કયો? આનો જવાબ તેઓ કથાના પાઠ પરથી અને પુરાતત્વની મદદથી આપે છે. શકો અને પહ્લવોનો ઉલ્લેખ એ જ દેખાડે છે કે જે કોઈ આદિ રામાયણ હોય એમાં એનો ઉલ્લેખ ન હોઈ શકે. આનો અર્થ એ કે આ ભાગ વિદેશીઓ અહીં આવ્યા તે પછી લખાયો. દરેક પ્રસંગ મૂળ સ્થિતિનું નહીં પરંતુ લખનારના સમયની (એટલે કે જુદા જુદા સમયના કથાકારોના સમયની) સ્થિતિનું વર્ણન કરે છે. આમ છતાં મૂળ રામાયણના (જૂનામાં જૂની રામાયણના) અંશો એમાંથી મળી આવે છે, જે મૂળ કથા બહુ સાદી હોવાનું દેખાડે છે.
સેતુની વાત કરીએ તો ડૉ. સાંકળિયા તો માને છે કે લંકા મધ્યપ્રદેશમાં જ હતી! સેતુ જેવું કઈ ખાસ નહોતું અને હનુમાન તરી શકે એટલો જ પહોળૉ સમુદ્ર હતો! તેઓ તો પ્રચલિત માન્યતાનો સદંતર ઇન્કાર કરે છે અને આજના શ્રીલંકાને રામાયણની લંકા જ નથી માનતા એટલે ભારત અને શ્રીલંકા વચ્ચે સેતુ બંધાયો હોય એ પણ નથી માનતા!
આ મંથન મારૂં હોવાનો દાવો નથી કરતો, માત્ર હું તો ડૉ. સાંકળિયા સાહેબના વિચારોનું વાહન છું. રામાયણૉ પણ ઘણી છે એટલે એમાં તફાવત પણ છે જ.
પેરિયારે દ્રવિડ આંદોલન શરૂ કર્યું અને તેઓ રામાયણના ઘોર વિરોધી હતા. તમે મને એ મોકલાવી છે અને મેં એ વાંચી છે. આમ પણ પેરિયારનું આંદોલન આર્ય વર્ચસ્વ વિરુદ્ધ હતું. તેઓ બહુ મોટા રૅશનાલિસ્ટ હતા.
જો હું ભૂલતો ના હોઉં તો નરેંદ્ર મોદીએ ગંધીનગરમાં ગાંધીજીનું મંદિર બાંધવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત શ્રી દિનકર જોષી લિખિત ” ચક્રથી ચરખાસુધી ” ના ચિતનાતમ્ક નિબંધોના પુસ્તકમાં કૃ ષ્ણ અને ગાંધીજીમાં રહેલા સામ્ય,સમાનતા અને વિરોધાભાસનું ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કરેલ છે.
HASMUKH DHIRAJLAL SANKALIA
http://www.scribd.com/doc/88455536/12/HASMUKH-DHIRAJLAL-SANKALIA