Archeology and Ramayana (4)

 પુરાતત્વ અને રામાયણ ()

 લંકા ક્યાં હતી?

ડૉ. હસમુખ સાંકળિયાએ લંકા ક્યાં હતી એ પ્રશ્નની વિસ્તારથી ચર્ચા કરી છે. એમણે બીજા વિદ્વાનોના મત અને પોતાનાં સંશોધનોનાં તારણ આપ્યાં છે.

લંકા વિશે વિદ્વાનોમાં ત્રણ મત છે. એક મત પ્રમાણે આજનું શ્રીલંકા તે જ રાવણની લંકા. બીજો મત એવો છે કે લંકા ઇંડોનેશિયાના જાવા-સુમાત્રા બેટોમાં હતી. ત્રીજો મત કહે છે કે લંકા મધ્ય પ્રદેશમાં જ હતી! તો લંકા ક્યાં હતી? સાંકળિયાસાહેબ આની છણાવટ માટે આ પ્રશ્નના બે ભાગ કરે છેઃ (૧) આદિ લંકા અને એની ઓળખાણ, અને ૯૨) વિકસિત લંકા અને એની ઓળખાણ.

પહેલા બે મતમાં માનનારા એમ માનીને ચાલે છે કે રામાયણનાં વર્ણનોમાં અતિશયોક્તિ નથી, અને હોય તો બહુ થોડી છે. ત્રીજા મતવાળાને મન રામાયણમાં જુદા જુદા સમયે ભેળસેળ થઈ છે એટલે વર્ણનોમાંથી સત્ય તારવવું જોઈએ. હમણાં ઉપલબ્ધ રામાયણમાં આનો કઈં પુરાવો છે?

૧૯૪૦ના અરસામાં પરમશિવ આયર નામના વિદ્વાને લંકા જબલપુર પાસે હોવાનો સબળ મત વ્યક્ત કર્યો. બીજા બે વિદ્વાનોએ લંકા અમરકંટકના ઉચ્ચ પ્રદેશ (Plateau)માં હોવાનું અનુમાન કર્યું. ડૉ. સાંકળિયાકહે છે કે “ આય્ર, હીરાલાલ અને સરદાર કીબેનાં સંશોધનની વિસ્તારથી ચર્ચા કરતાં મારે કહેવું જોઈએ કે એમના નિર્ણયને પુષ્ટિ આપતા બીજા ત્રણ મુદ્દાઓ મને સાંપડ્યા છે. એટલે તો મને ખાતરી થઈ છે કે આદિરામાયણ કે રામકથાની લંકા મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં હોવી જોઈએ.”

કિષ્કિન્ધાકાંડમાં સુગ્રીવ વાનરોને સીતાની શોધમાં આખો વિંધ્ય ખૂંદી વળવા કહે છે. તે પછી આમાં ઉમેરા થયા અને જાણે સુગ્રીવને આખી પૃથ્વીનું જ્ઞાન હોય તેમ સલાહ આપે છે. મૂળ તો એનો આદેશ વિંધ્ય પૂરતો જ હોય તે સ્વાભાવિક છે. આવા નવા અને જૂના ભાગોમાંથી એક મહત્વની વાત ડોકિયું કરી લે છે અને સાચી દિશા તરફ ઈશારો કરે છે. સૌથી પહેલાં શ્રી આયરે આ તારણ આપ્યું. આ પ્રસંગ જોઈએઃ

વિંધ્ય પર્વતમાં હનુમાન અને બીજા વાનરો એક મોટી ગુફામાં ઘુસી ગયા. ત્યાં રસ્તો ભૂલી ગયાઅને કેટલાય દિવસ ભૂખ્યા-તરસ્યા રહ્યા. અહીં એમને સ્વયંપ્રભા નામની તાપસી મળે છે. એણે વાનરોને આંખો બંધ કરવા કહ્યું અને પર્વતની ટોચના કિનારે લઈ ગઈ અને દેખાડ્યુઃ “ આ છે. વિંધ્ય પર્વત, અહીં છે મહાન સાગર, અહીં જ (પાસે) છે પ્રસ્રવણ ટેકરી.” અહીં કોટિની દક્ષિણ-પશ્ચિમે, કેર અને હીરણ નદીનો સંગમ થાય છે. એટલે પ્રસ્રવણ અથવા માલ્યવાન ગિરિમાળા અહીં જ હોવી જોઇએ અને સિંઘરામપુરની ખીણમાં સુરક્ષિત જંગલોમાં એ હશે એમ આયર માને છે.

સંપાતિની કથા

ફરી કથા સાથે આગળ વધીએ. હવે વાનરો ગુફામાંથી બહાર આવે છે અને મોતો સાગર જૂએ છે. પરંતુ સીતાને શોધી લાવવા માટે સુગ્રીવે જે સમયમર્યાદા આપી હતી તે તો પૂરી થઈ ગઈ છે, એટલે એમનો નેતા અંગદ (પ્રાણત્યાગ કરવાના સંકલ્પ સાથે) અનશન પર બેસી જાય છે. બધા વાનરો એની પાસે બેઠા વાતે વલગ્યા છે. એમની વાતમાં જટાયુનું નામ આવ્યું. પાસે પણ એક ગુફા હતી, એમાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતો. જતાયુનું નામ આવતાં એના કાન સરવા થયા. જટાયુ રાવણના હાથે કેમ ઘવાયો તેની વાત એણે જાણી અને વાનરોને સમજાવ્યું કે રાવણ ક્યાં રહે છે. તે પછી એણે સાગરને તીરે જટાયુનું તર્પણ કર્યું. ડૉ. સાંકળિયા અહીં ખાસ કહે છેઃ યાદ એ રાખવાનું છે કે સંપાતિ કોટિની દક્ષિણ-પશ્ચિમે રહેતો હતો.

સંપાતિ રાવણ સીતાનું કેમ હરણ કરી ગયો તે વાનરોને કહે છે. આ નાની સરખી વાર્તા બહુ અગત્યની છે. સંપાતિ કહે છે કે ઊંચી, યોજનો લાંબી વિંધ્ય પર્વતમાળામાં એ રહેતો હતો. શરીરે અશક્ત થઈ જવાને કારણે પોતે કઈં કરી શકતો નહોતો, એટલે એનો પુત્ર સુપાર્શ્વ એને માંસ લાવી આપતો. એક દિવસ એ સાંજે માંસ લીધા વિના જ પાછો આવ્યો. અને કહ્યું કે માંસની શોધમાં એ મહેન્દ્રદ્વારની ફાટમાં (સાંકડા રસ્તામાં) બેઠો હતો એટલામાં એક ચકાચક કાળો માણસ તેજસ્વી સ્ત્રીને લઈને આવ્યો. એણે મને માર્ગમામ્થી ખસી જવા બહુ નમ્રતાથી વિનંતિ કરી. એની આ નમ્ર વિનંતિને હું ધુત્કારી ન શક્યો એટલે ત્યામ્થી હટી ગયો. સિદ્ધોએ તે પાછી મને જણાવ્યું કે એ કાળો માણસ રાક્ષસોનો રાજા રાવણ હતો.

ડૉ. સાંકળિયાએ આના પરથી કેટલાંક તારણો કાઢ્યાં છેઃ રાવણ અનાર્ય અને કાળી ચામડીવાળો હતો.સીતા આર્ય સ્ત્રીઓ હોય એવી ગોરી હતી. રાવણ સીતાને પગપાળા જ લઈ જતો હતો. રસ્તો એટલો સાંકડો હતો કે મ્માત્ર એક જ માણસ જઈ શકે. એ સાધારણ માણસ જેવો જ હશે, કારણ કે સુપાર્શ્વે ડરીને રસ્તો છોડ્યો નથી, માત્ર એની નમ્ર વિનંતિને કારણે રસ્તો છોડ્યો. થી લંકા, પંચવટી અને દંડકારણ્ય પાસે પાસે જ હોવાં જોઈએ. આ લંકામાં જવા માટે સાગર પાર કરવો પડતો હતો, જે પર્વતની તળેટીમાં હતો. આ જ સાગરને પાર કરવા માટે હનુમાન મહેન્દ્ર પર્વતની ટોચે ગયા હતા અને ત્યાંથી છલાંગ મારી હતી.

સુંદરકાંડમાં હનુમાન સીતાને મળે છે ત્યારે આ જ વાતની પુષ્ટિ કરે છે. હનુમાન કહે છે કે પોતે સો યોજન સમુદ્ર ‘તરીને’ (प्लुत) આવ્યા. અહીં સો યોજન તો કદાચ બોલવાની રીત હશે, પણ આ સાગર બહુ લાંબો પહોળો નહીં હોય અને તરીને પહોંચી શકાય એટલું અંતર હશે.

(નોંધઃ શ્રી પરમશિવ આયરે અથવા સાંકળિયા સાહેબે રામાયણની કઈ પ્રતનો ઉપયોગ કર્યો છે, તે જણાવ્યું નથી. પરંતુ ગીતાપ્રેસ, ગોરખપુરની દાક્ષિણાત્ય પ્રતની ૨૫મી હિન્દી આવૃત્તિમાં प्लुत શબ્દનો ઉપયોગ થયો હોય એવો શ્લોક જ નથી. એ હોત તો સુંદરકાંડના ૫૮મા સર્ગમાં ૯૭, ૯૮, ૯૯ અને ૧૦૦મા શ્લોકની સાથે હોત. જો કે ૧૬૬મા શ્લોકમાં હનુમાન કહે છે કે “તે પછી હું અરિષ્ટ પર્વત પર પાછો આવ્યો અને તમને સૌને મળવા માટે प्रतिप्लवन એટલે કે વળતું તરવાનું શરૂ કર્યું.” જો કે પ્રચલિત માન્યતાઓની વિરુદ્ધ જવાની તૈયારી ન હોવાથી આ આવૃત્તિના અનુવાદકે प्रतिप्लवन મૂળ શબ્દ અનુવાદમાં વાપર્યા પછી કૌંસમાં ફરી એનો અનુવાદ આપ્યો છે કે दुबारा आकाश में उड़ना. ‘પ્લવન’ શબ્દના બે અર્થ છે કે એક જ, તે સંસ્કૃતના જાણકાર કહી શકે).

વળી આ સાગરમાં નાના ખડકો પણ હતા. હનુમાને એના પર વિશ્રામ કર્યો હતો. (સુંદરકાંડમાં આનો સંકેત આપતી કથા છે. હનુમાન લંકાથી પાછા આવ્યા પછી પોતાનો અનુભવ વર્ણવે છે ત્યારે લંકા જતાં માર્ગમાં સમુદ્રમાંથી મહેન્દ્ર પર્વત નીકળી આવ્યો એવી વાત કરે છે).

રામાયણમાં લંકા અને બીજાં સ્થાનોનાં વર્ણનો આવે છે તે જબલપુરની પાસે આવેલા ઇંદ્રાણ ટેકરીના વિસ્તારને બહુ મળતાં આવે છે.

ડૉ. સાંકળિયા આયરનો મત ટાંકે છેઃ લંકા જેના પર હતી તે ત્રિકુટ ટેકરી એટલે ઇંદ્રાણની ટેકરી. એ ૧૯૩૨ ફુટ ઊંચી છે અને એની ત્રણ બાજુએ હિરણ નદી વહે છે. ઇંદ્રાણ ટેકરીની સામે હિરણના દક્ષિણ કાંઠે સિંગલદ્વીપ નામનું સ્થળ આવેલું છે! શ્રીલંકાનું મૂળ નામ પણ સિંહલદ્વીપ જ હતું આથી નામોની ભેળસેળ થઈ છે, એ સ્પષ્ટ છે. ઇંદ્રાણ ટેકરી પર ચડવાનું માત્ર ઉત્તર તરફથી જ સહેલું છે અને એની સામે દક્ષિણ-પશ્ચિમે એક ટેકરી છે, એ સુવેલની ટેકરી હશે. આ ટેકરી પર રામનું સૈન્ય હતું. યુદ્ધના આગળના દિવસે રામ આ જ ટેકરી પર સૂતા હતા.

રામાયણ પ્રમાણે લંકા કિષ્કિંધા અને પ્રસ્રવણની દક્ષિણે હતી. આ બન્ને સ્થળો નજીક જ હતાં. સુગ્રીવે હજાર માથાવાળા વિંધ્યમાં અને દુસ્તર નર્મદામાં સીતાને શોધવા કહ્યું હતું. કિષ્કિંધા વિંધ્યની દક્ષિણે હતી અને નદી પણ દક્ષિણે જ વહેતી હતી. રામે કે હનુમાને નર્મદા પાર નથી કરી, એ પણ યાદ રાખવાનું છે. રામ પંપા સરોવર પાર કરીને ઋષ્યમૂક પર્વત પાસે સુગ્રીવને મળે છે. રાવણ પણ આ જ સ્થળેથી સીતાને લઈ ગયો હતો. સીતાએ આભૂષણો ફેંક્યાં તે ઋષ્યમૂક પર બેઠેલા વાનરોએ જોયું હતું. આમ, દંડકારણ્યથી સીતાનું અપહરણ કરીને રાવણ જતો હતો ત્યારે  કિષ્કિંધા, ૠષ્યમૂક વગેરે સ્થાનો રસ્તામાં આવતાં હતાં.

૧૯૪૦માં પરમશિવ આયરે લંકાના સ્થાનનું નિર્ધારણ કર્યું તેને ડૉ. સાંકળિયા “ઉત્તમમાં ઉત્તમ પ્રયાસ” તરીકે ઓળખાવે છે, પરંતુ અફસોસ કરતાં કહે છે કે વિદ્વાનોનું આના પર ધ્યાન નથી ગયું આ રીતે ઋષ્યમૂક. કિષ્કિંધા અને લંકા, પંપા સરોવર, મહેન્દ્ર પર્વત, પ્રસ્રવણ બધાં સ્થાનો વિંધ્યની દક્ષિણે અને નર્મદાની ઉત્તરે આવેલાં છે.

 વાલી અને સુગ્રીવનું યુદ્ધ

આ બે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ સાલવનમાં થયું. મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં છોટા નાગપુરના આદિવાસી વિસ્તારમાં સાલનાં જંગલો છે. રામ-રાવણ યુદ્ધ પણ અહીં જ થયું હશે, કારણ કે રામાયણ કહે છે કે વાનરો પાસે કઈં હથિયાર નહોતાં અને સાલવૃક્ષોને મૂળસોતાં ઊખેડીને મારતા હતા.

‘લંકા’ મુંડા આદિવાસીઓની ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘બહુ દૂર’ અથવા ‘ટાપુ’ એવો થાય છે. હજી પણ ‘લક્કા’ શબ્દ આ જ અર્થમાં તેઓ વાપરે છે. રામાયણમાં ‘જનસ્થાન’નો ઉલ્લેખ આવે છે તે પણ આ જ રદેશ હશે. અહીં આજે પણ ગોંડ, કોરકુ, બૈગા, મુંડા વગેરે આદિવાસીઓ રહે છે. એમનામાં ‘રાવણ’ નામ પણ રાખવામાં આવે છે. ગોંડ આદિવાસીઓની પેટા જાતિ ધૂર-ગોંડ ‘રાવણવંશી’ કહેવાય છે. લંકામાં હનુમાનને બામ્ધવામાં ચીર, વલ્કલ અને ક્ષૌમ (લીનન) ના દોરાનો ઉપયોગ થયો ક્ષૌમ માત્ર છોટા નાગપુરમાં અને બંગાળમાં થાય છે.

આમ. લંકા પણ નર્મદાની ઉત્તરે મધ્યપ્રદેશમાં જબલપુર પાસેના આ વિસ્તારમાં જ હતી એમ માનવાનાં જોરદાર પ્રમાણો છે.

બીજી બાજુ, રામેશ્વરના ટાપુમાં જંગલ તો શું, ઝાડો પણ નહિવત્‍ છે. મનારના અખાતમાં કે શ્રીલંકામાં પણ રામ લડાઈની આગલી રાતે જ્યાં રહ્યા એવી કોઈ ટેકરી ઉત્તરમાં નથી.

 સેતુનું નિર્માણ

રામાયણમાં વાનરોએ પત્થર, ઝાડ વગેરેથી સેતુ બાંધ્યો એવી કથા છે. પરમ્તુ રામાયણની બે સૌથી પ્રાચીન પ્રતોમાં એનો બહુ ટૂંકો ઉલ્લેખ છે. समुद्रागमनं चैव नलसेतोश्च दर्शनम्‍. આનો અરર્થ છે કે રામ અને લક્ષ્મણે સમુદ્ર પાસે આવીને નલસેતુ જોયો. ખરેખર તો આ એક ‘નલ’ એટલે કે સાંકડી નાળ પરનો સેતુ હતો. નલસેતુ એટલે નલ વાનરે બનાવેલો સેતુ એવો અર્થ પાછળથી આવ્યો છે.

 લંકાની લડાઈમાં વ્યૂહ રચના

યુદ્ધકાંડમાં સૈન્યની ગોઠવણીનું જે વર્ણન છે તે પ્રમાણે રામની છાવણી સુવેલ ટેકરી પર હતી અને લંકા તો ત્રિકુટ પર હતી જ. આ વર્ણન ઇંદ્રાણની ટેકરી સાથે વધારે બંધબેસતું થાય છે. પરંતુ જે વ્યૂહરચના છે તે ત્રિપાંખિયા હુમલા કે રક્ષણની છે જે તટબંધ નગરીની છે. રાવણે ઉત્તરના દરવાજે મોરચો સંભાળ્યો ચે. કદાચ મુખ્ય વ્યક્તિએ ઉત્તરમાં રહેવું જોઇએ એવો નિયમ હોય તો પણ રામ માટે તો એ જરૂરી નહોતું. એ તો ખુલ્લી ટેકરી પર હતા. એમણે પણ રાવણની સામે એવા જ સબળ સેનાપતિઓ ત્રણ બાજુએ ગોઠવ્યા અને રાવણની સામે પોતે ગોઠવાયા. ખરેખર તો એમના માટે લંકા સુધી પહોંચવાનો એક જ રસ્તો હતો! આમ જે વર્ણન છે તે કોઈ નગરને લાગુ પડે છે પરંતુ રામ તો નગરીની વ્યૂહરચના શા માટે કરે? આ પણ કવિની કલ્પના જ છે. કદાચ, કૌશાંબી, અયોધ્યા, પટણા વગેરે નગરોની ફરતે કિલ્લા અને ખાઈ હોવાં જોઈએ, આની જ અસર દેખાય છે

આ ઉપરાંત રાવણના મહેલમાં રંગરાગ, સુરાપાન વગેરે હનુમાને જોયું તે બધું નાગાર્જુન કોંડાનાં શિલ્પોમાં મળે છે.  આમ, લંકાની એક નવી જ ભૂગોળ કવિઓની કલ્પનામાંથી પેદા થઈ છે!

 આજે આટલું જ. હજી કેટલીક રસપ્રદ વાતો બાકી છે, વાંચતા રહેશો.

 

 

 

%d bloggers like this: