પુરાતત્વ અને રામાયણ (૩)
મકાનોમાં થાંભલા
રામાયણનાં મકાનોમાં થાંભલા હોવાનાં વર્ણનો પણ છે, એટલે આવાં મકાનોનો ઇતિહાસ જોવાની જરૂર છે. મોહેં-જો-દડોમાં થાંભલાવાળાં મકાનો હોય એવા અવશેષ મળ્યા છે, પણ તે પછીના સમયમાં થાંભલા તરીકે માત્ર ઝાડનાં થડ વપરાતાં એવું જોવા મળ્યું છે. આપણા ઐતિહાસિક કાળમાં પાટલિપુત્રમાં ૨૨૫ થાંભલાવાળાં મકાનનો ઉલ્લેખ છે. આમ. ઈ.પૂ. ૨૦૦-૩૦૦ના અરસામાં પાટલિપુત્રમાં મોટાં સભાગૃહો બંધાયાં. એ પહેલાં ઈરાનમાં પર્સિપોલિસમાં આવાં સભાગૃહો હતાં એનું ત્યાં અનુકરણ કરવામાં આવ્યું હતું.
તે પછી, આંધ્ર પ્રદેશના નાગાર્જુનકોંડામાં થાંભલાવાળાં મકાનોના અવશેષ મળ્યા છે, પરંતુ એક પણ મકાન એક હજાર થાંભલાવાળું નથી મળ્યું. લંકામાં એક હજાર થાંભલાવાળાં ચેત્યગૃહો અને પ્રાસાદો હોવાનું કહેવામાં આવે ત્યારે બે અનુમાન થઈ શકેઃ
એક તો, એ કવિની કલ્પના હોઈ શકે (વાલ્મીકિની નહીં; પછીના કવિની). કવિએ વર્ણનો સાંભળ્યાં હોય અને ઉમેરા કર્યા હોય એવું બને. અથવા બીજું, દક્ષિણ ભારતમાં મદુરૈ, રામેશ્વર જેવાં મંદિરોનાં સભાગૃહોનું એમાંથી પ્રતિબિંબ મળતું હોય એ શક્ય છે. લંકામાં થાંભલા રત્નજડિત હતા. આમ પણ રાજમહેલમાં સોનાનાં વાસણો, સિંહાસનો હોય એ સમજી શકાય છે, પરંતુ થાંભલા પણ રત્નજડિત હોવાથી લંકા સોનાની હતી, એવી લોકવાયકા પ્રસરી. ભારતમાં માત્ર તક્ષશિલા અને મોહેં-જો-દડોમાંથી સોનાની બનેલી મોટી વસ્તુઓ મળી છે. એટલે રામાયણમાં આવતાં વર્ણનો કેટલે અંશે સત્ય હશે તે નક્કી કરવું સહેલું નથી.
પ્રાકાર (કોટ) અને પરિખા (ખાઈ)
સિંધુ સંસ્કૃતિનાં શહેરો હડપ્પા અને કાલીબંગનમાંથી કાચી માટીની ઈંટના કિલ્લાના અવશેષો મળ્યા છે. સિંધમાં કોટડીજી અને મકરાણ પાસે તેમ જ કચ્છમાં સુરકોટડામાંથી પથ્થર અને માટીના કોટ મળ્યા છે. ભારતની બહાર સુમેર (હાલનું ઇરાક)માં કોટ અને ખાઈવાળાં નગરો હતાં. એ ઓછામાં ઓછાં ૩૦૦૦ વર્ષ જૂનાં હશે.
આમ ભારતમાં કોટ અને ખાઈવાળાં નગરો તો હતાં જ પણ લંકાની વાત કરો તો, એ સમુદ્રમાં ટેકરી પર હતી. એની ફરતે કિલ્લો હતો. પરંતુ સમુદ્રની વચ્ચે આવેલી ટેકરી પર ખાઈ બનાવવી સહેલી નથી. સાંકળિયા સાહેબના શબ્દોમાં – “આ એક જ દૃષ્ટાંત પરથી આપણને સહજ થાય કે કવિએ પોતાના શ્રોતાજનો અને વાચક વર્ગના મન ઉપર લંકાની અભેદ્યતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમ કરવા જતાં વાસ્તવિકતાની બધી હદો વટાવી દીધી છે”.
કિષ્કિન્ધા નગરી
કિષ્કિન્ધાકાંડમાં છૂટું છવાયું પાંચ-છ જગ્યાએ નગરીનું વર્ણન મળે છે. એ ઋષ્યમૂક પર્વતની એક ગુફામાં હતી અને એમાં હર્મ્ય, પ્રાસાદ અને શિખરવાળાં મકાનો હતાં. ગલીઓ અને રસ્તાઓ હતાં, રસ્તાઓની બન્ને બાજુ ફૂલઝાડો હતાં. ગુફા ગમે તેટલી મોટી હોય, એમાં ઊંચાં શિખરોવાળાં મકાનો ન જ બની શકે. આમાં કવિની કલ્પના જ કામ કરી ગઈ છે, તેમ છતાં એમાંથી આપણે સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ.
એક સમયે ભારતમાં માણસ ગુફાઓમાં વસતો. પશ્ચિમમાં ભોપાલથી માંડીને પૂર્વમાં મિર્ઝાપુર સુધી આવું જોવા મળે છે ભોપાલ પાસે ભીમબેટકાની વિશાળ ગુફામાં દીવાલો પર ચિત્રો બનાવેલાં છે. આના પરથી આપણે કહી શકીએ કે અહીં ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષથી માનવવસ્તી રહી છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ ઘણી જગ્યાએ ભિત્તિચિત્રોવાળી ગુફાઓ મળી છે. ખડકોથી બનેલી ગુફાઓમાં માનવ વસતો એના તો ઘણા પુરાવા છે. પરંતુ આવા નિવાસોને નગર કે શહેર તો ન જ કહી શકાય. આમ કિષ્કિન્ધા કવિની કલ્પનાનું જ સર્જન હોઈ શકે. પરંતુ મૂળ સ્થિતિ શી હતી?
રામે જ્યારે વાલિને માર્યો ત્યારે એ ઘાયલ થઈને પડે છે અને રામને કહે છેઃ
वयं वनचरा राम मृगा मूलफलाशिनाः
एषा प्रकृतिरस्माकं पुरुषस्त्वं नरेश्वर (४.१७.२६)
(નોંધઃ અહીં પાઠભેદ છે. ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા પ્રકાશિત સંવત ૨૦૫૯ એટલે કે ૨૦૦૩ની દાક્ષિણાત્ય પાઠની ૨૫મી હિન્દી આવૃત્તિમાં આ ૩૦મો શ્લોક છે).
આનો અર્થ છેઃ હે રામ, અમે વનચર, કંદમૂળ અને ફળો ખાઈને રહેનારા. આ અમારી પ્રકૃતિ છે, તમે પુરુષ (મનુષ્ય) છો. (આપણા વચ્ચે વેર કેમ હોય?)
આમ, સમૃદ્ધ નગરીનાં વર્ણન છતાં, આદ્યકવિએ કહેલું સત્ય પ્રગટ થઈ જાય છે કે વાનર જાતિ વનવાસી હતી અને ફળમૂળ ખાઈને રહેતી.
રામાયણમાં આવતાં નગરોનાં વર્ણન અતિશયોક્તિભર્યાં છે અને આ અતિશયોક્તિ દૂર કરો તો જે કઈં રહે છે તે ઈ.સ. ની શરૂઆતનાં નગરોનાં વર્ણનો છે. ગોપુર આ વર્ણનોને ઈસુના આઠ-દસમા સૈકામાં લાવી મૂકે છે. ડૉ. સાંકળિયા કહે છે કે “…જૂનામાં જૂની નેપાલી પ્રત ઈ. સ.૧૦૨૮ની છે. એટલે ૧૧મી સદી સુધી અને પછી પણ રામાયણ, મહાભારતમાં ઉમેરો થતો જ ગયો. જ્યારે જૂનામાં જૂનો ઉલ્લેખ ગ્રામોના પ્રારંભકાળનો હોય તો એ ઈ. સ. પૂર્વે ૧૦૦૦-૧૫૦૦નો હોઈ શકે”.
હવે આગળ જતાં લંકા ક્યાં હતી તે વિશે ડૉ. હસમુખ સાંકળિયાના વિચારો જોઈશું.