Archeology and Ramayana (2)

પુરાતત્વ અને રામાયણ (

 ડૉ. સાંકળિયા જુદા જુદા વિદ્વાનોના મત ટાંકીને કહે છે કે રામાયણમાં બે સ્થળે રામની વંશાવળી આપી છે. બન્નેમાં થોડો ફેર હોવાથી કાલનિર્ણય માટે એનો આધાર લઈ શકાય એમ નથી. રામાયણ પ્રમાણે ઇક્ષ્વાકુ વંશમાં ૩૩ કે ૩૫ રાજાઓ થઈ ગયા, પરંતુ પુરાણોને લો તો એમાં રામ સુધીના ૬૩ રાજાઓની યાદી છે. આ તફાવત તો બહુ મોટો થયો. આને કારણે કોઈ વિદ્વાન રામનો કાળ ઈ.પૂ. ૧૫૦૦ જણાવેછે, તો કોઈ ઈ.પૂ. ૨૩૫૦-૧૯૦૦ માને છે. એક વિદ્વાન રામનો સમય ઈ.પૂ. ૧૪૫૦ માને છે.

પુરાતત્વની દૃષ્ટિએ આ વંશાવળીની બહુ જરૂર નથી. આપણે જાણીએ છીએ કે રામ દશરથના પુત્ર હતા અને એમના સમકાલીન હતા,  જનક સિરધ્વજ વિદેહ. આ ઉપરાંત અંગદેશના લોમપાદક અને વૈશાલીના સુમતિ પણ એમના સમકાલીન હતા. આ જ સમયે કોસલ દેશમાં કૌસલ્યાના પિતા અશ્વપતિ રાજ્ય કરતા હતા. આ ઉપરાંત કોશામ્બી અને મહોદય (કાન્યકુબ્જ) રાજ્યો પણ હતાં.

હવે બૃહદારણ્યક ઉપનિષદના રાજા જનક અને સીતાના પિતા જનક એક જ હોય તો, આ ઉપનિષદનો રચનાકાળ ઈ. પૂ. ૬૦૦-૮૦૦થી વધારે જૂનો નથી. આ જોતાં શ્રી રામ અથવા રામાયણની કથાનું મૂળ એના કરતાં જૂનું ન હોય. આથી રામ, સીતા, જનક, દશરથવગેરેનો કાળ ઈ.પૂ. સાતમા-આઠમા સૈકામાં મૂકી શકાય.

પુરાતત્વની દૃષ્ટિએ આ અનુમાન યોગ્ય મનાય કારણ કે “ છેલ્લાં ૨૦ વર્ષમાં બહુ નહીં પણ એક મહત્વનો પુરાવો મળવા લાગ્યો છે.”  ( અહીં  “૨૦ વર્ષ પહેલાં” એટલે ૧૯૫૦ નો અરસો સમજવું).

 રામાયણનાં નગરો

આ પુરાવો એટલે રામાયણમાં વર્ણિત નગરો વિશે મળેલી માહિતી. બાલકાંડમાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઈને પોતાના આશ્રમ તરફ જતા હોય છે ત્યારે માર્ગમાં વૈશાલી, કૌશમ્બી, મિથિલા વગેરે નગરો આવે છે. આ ઉત્તર પ્રદેશ અને બિહારનાં સૌથી જૂનાં નગરો છે અને ત્યાં પુરાતત્વીય ખોદકામ થયું છે, એનાં તારણો મુજબ કૌશામ્બીમાં  માનવ વસ્તીની શરૂઆત વહેલામાં વહેલી ઈ.પૂ. ૧૦૦૦ની આસપાસ થઈ હશે. ખોદકામ દરમિયાન સૌથી નીચલા થરે ખાસ પ્રકારનાં ઠીકરાં મળ્યાં છે. વાસણ અંદર-બહાર લાલ પકવેલાં છે અને એના પર કાળા રંગે ચીતરામણ હોવાનું પણ જણાય છે, પરંતુ ટુકડા બહુ નાના હોવાથી ચીતરામણ કેવું હશે, અથવા તો વાસણનો આકાર શો હશે તે જાણી શકાયું નથી. આમ છતાં એમ લાગે છે કે એ થાળી-વાડકા હોવાં જોઇએ, અને તે પણ (પડઘીવાળાં) સાદાં નહીં, નીચે નાની પોકળ કે નક્કર નળી રહેતી. આવાં બેઠકવાળાં વાસણો હતાં.

આ થરથી ઉપરના થરમાંથી ઝાંખાં, ભૂખરા, રાખોડી રંગનાં વાસણો મળ્યાં છે. આનો સમય ઈ.પૂ. ૪૦૦નો જ હોય આને બહુ બહુ તો બીજાં ચારસો વર્ષ પાછળ લઈ જઈ શકાય એટલે કે ઈ.પૂ. ૮૦૦ સુધી. પરંતુ  આ વાસણો એનાથી જૂનાં તો નહીં જ. આમ, કૌશામ્બીમાં સૌથી નીચલો થર ઈ.પૂ. ૧૦૦૦-૧૨૦૦ કરતાં જૂનો નથી. વૈશાલીમાં ખોદકામ થયું તેમાં પણ ઈ.પૂ. ૪૦૦-૫૦૦ કરતાં જૂની વસ્તુઓ નથી મળી. મિથિલામાં બરાબર ખોદકામ થયું નથી, પરંતુ ત્યાંથી પણ આવાં ભૂખરા રાખોડી રંગનાં (એટલે કે ઈ.પૂ. ૪૦૦-૫૦૦ના અરસાનાં) ઠીકરાં મળ્યાં છે.

આ સાથે જ, સાંકળિયા સાહેબ વાચકોનું એ વાત તરફ ધ્યાન દોરે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં કૌશામ્બી અને હસ્તિનાપુર કરતાં પણ વધારે પ્રાચીન સમયના અવશેષો મળ્યા છે. ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ આજથી સાડાત્રણ હજાર વર્ષ પહેલાં થયો હોવાના સંકેત છે. ગંગા-જમનાના મેદાનમાંથી પણ ચાર હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે.

 રામાયણનાં નગરોનું વર્ણન

રામાયણમાં માત્ર અયોધ્યા, લંકા અને કિષ્કિન્ધા નગરીઓનાં વર્ણન વિગતે આપ્યાં છે. આમાં પણ અયોધ્યા અને લંકાનાં વર્ણનોમાં અમુક સામ્ય પણ છે, અને તે એટલે સુધી કે આપણને એમ જ લાગે કે કવિએ લંકાને જોયા વિના જ અયોધ્યાનું વર્ણન એને લાગુ કરી દીધું છે.

અયોધ્યા દસ યોજન લાંબી અને બે યોજન પહોળી નગરી છે, જ્યારે લંકા ત્રીસ યોજન લાંબી છે. ઉત્તરકાંડમાં તો લંકા એકસો યોજન લાંબી દર્શાવી છે. લંકા સમુદ્રમાં એક ટેકરી પર વસેલી છે, એની ફરતે એક પરિખા (ખાઈ) અને કિલ્લો હતાં. પરિખામાં શસ્ત્રો રાખવામાં આવતાં. કિલ્લાની દીવાલ સોનાની હતી અને એક વિશાળ સૈન્ય એનું અગ્ન્યાસ્ત્રોથી રક્ષણ કરતું. અગ્ન્યાસ્ત્રોમાં ખાસ એકનું નામ શતઘ્ની (એકસોનો વધ કરનાર) છે.

નગરોને દ્વારો અને એમાં ગોપુરો (દરવાજા) બનેલાં હતા અને કેટલાય માર્ગો પણ હતા. જો કે, અયો્ધ્યામાં એક જ માર્ગનું વર્ણન આવે છે. બીજી બાજુ કિષ્કિન્ધામાં ઘણા રસ્તા હતા.રસ્તાની બન્ને બાજુએ ઘરો કતારબંધ હતાં અને રસ્તા ધૂળિયા હોવાથી એના પર પાણી છાંટવામાં આવતું હતું. અયોધ્યામાં તો રાતે રસ્તા પર દીવા પણ મુકાતા. મકાનો ગૃહ, ભવન,  હર્મ્ય, પ્રાસાદ અને વિમાનો તરીકે ઓળખાતાં. ગૃહ અને ભવન સામાન્ય નાગરિકો માટે હતાં અને હર્મ્ય, પ્રાસાદ અને વિમાન રાજકુટુંબ અને મંત્રીઓ માટે હતાં. આ ત્રણમાં પણ હોદ્દા પ્રમાણે ફરક તો થતો જ હશે અને એમની રચના, સુશોભન વગેરે પણ જુદાં પડતાં હશે, પરંતુ એની વિગતો મળતી નથી. આ પ્રાસાદો, હર્મ્યો અને વિમાનોનાં વર્ણનો સામાન્યપણે તો બહુ ઉત્તમ પ્રકારનાં છે.  પરંતુ ધ્યાનથી વાંચતાં જણાઇ આવે છે કે કવિને એનો સ્પષ્ટ ખ્યાલ નહોતો –ખાસ કરીને વિમાન વિશે.

વિમાન શબ્દ ઓછામાં ઓછા બે અર્થમાં વપરાયો છે. એક તો, આપણે સમજીએ છીએ તે સામાન્ય અર્થ અને બીજો અર્થ છે, ઊંચો મહેલ. આ પ્રાસાદોમાં મોટા ચોક પણ હતા. વસિષ્ઠ જ્યારે દશરથને મળવા આવ્યા ત્યારે એમણે ત્રણ કક્ષાઓ પાર કરી એમ રામાયણ કહે છે. રાવણના પ્રાસાદમાં તો હાથી ઘોડા, રથ અને સૈનિકો પણ રહેતા. આ મહેલ એક યોજન લાંબો અને અડધો યોજન પહોળો હતો. કુંભકર્ણનો મહેલ બે યોજનનો હતો (એની વિશાળ કાયાને ધ્યાનમાં લઈને જ આ અતિશયોક્તિ કરાઈ હશે).

આ પ્રાસાદો, હર્મ્યો કે વિમાનો એટલાં જ ઊંચાં પણ હતાં, વળી એમની ફરતે પણ ખાઇ બનાવાતી અને તોરણો બનાવાતાં, જે ઝરઝવેરાતનાં હતાં. વળી અંદર જ તળાવો, ક્રીડાવનો પણ હતાં.

 નગરવર્ણનમાં તથ્ય

આ વર્ણનો આદ્ય કવિની કલ્પના છે કે એમાંથી કઈં તથ્ય હાથ લાગી શકે છે? એકનાં એક વર્ણનો સમજ્યા વગર આપ્યાં હોય એમ તરત જ સમજાઈ જાય એમ છે. ખરેખર તો આદ્ય કવિની કૃતિમાં નવા કવિઓ ઉમેરા કરતા ગયા પણ એમણે જોયું નહીં કે મૂળ વર્ણન સાથે એનો મેળ છે કે કેમ? એક જ દૃષ્ટાંત લઈએઃ

દશરથનું રાજકુટુંબ પ્રાસાદોમાં રહેતું હતું એમ જણાવેલું છે. આ પ્રાસાદો કેવી રીતે બનાવેલા હતા, એમાં ઈંટ. પત્થર કે માટી, શાનો ઉપયોગ થયો તેની કશી જ માહિતી નથી.

હવે, આ ઘટના જૂઓ.  રામ વનમાં જવા તૈયાર થઈ ગયા છે અને કૌસલ્યા માતાની રજા લેવા જાય છે. રામનો તો બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તેને બદલે વનવાસ? કૌસલ્યા બેભાન થઈને ઢળી પડ્યાં અને એમનાં વસ્ત્રો ફરસની માટીથી ખરડાઈ ગયાં. પ્રાસાદ બહુ ઊંચો, મોટો હોય અને ઈંટ કે પથ્થરથી બન્યો હોય તો એની ફરસ પણ ઈંટની જ હોય. એમાં માટી કેમ હોય? (આ દેખાડે છે કે મૂળ કથામાં કૌસલ્યાનું ઘર નાનું અને લીંપણવાળું જ હતું. પાછળના કવિઓએ એ કાચી ભૂમિ પર પોતાની કલ્પનાથી  મહેલ ખડો કરી દીધો!)

બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને  ખોદકામ દરમિયાન માટીનાં ઘરો અને એમની ચૂનાથી ધોળેલી દીવાલોના અવશેષ મળ્યા છે. ઈંટનાં મકાનો મોહેં-જો-દડો, લોથલ વગેરે સિંધુ સંસ્કૃતિ (હડપ્પાની સંસ્કૃતિ)માં મળ્યાં છે. ગામડાંઓમાં તો ચૂના-માટીનાં મકાનો આજે પણ બને છે. રામાયણમાં આનો સંકેત આપતા ઉલ્લેખો હોવાથી અહીં એનો ઉલ્લેખ કર્યો.

 વર્ણનોની છણાવટ

ડૉ. સાંકળિયા હવે સાવચેતીના સુરમાં પુરાતત્વની પણ મર્યાદા જણાવે છે. એમનું કહેવું છે કે હજુ પણ ભારતમાં પ્રાચીન નગરોનું વિસ્તારપૂર્વક ઉત્ખનન નથી થયું. (એમણે આ વાત ૧૯૭૩માં લખી છે, પરંતુ હજી સ્થિતિમાં ખાસ ફેરફાર નથી થયો).  આ કારણે મૌર્ય, શુંગ, કુષાણ કે ગુપ્ત સમયમાં,  ઈ.પૂ. ૩૫૦ના અરસામાં નાગરિકોનાં ઘરો કેવાં હતાં એ સ્પષ્ટપણે કહી શકાતું નથી. આમ છતાં, તક્ષશિલા, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા,નાલંદા વગેરે પાસે થયેલાં ખોદકામોમાં નાનાં, મોટાં મકાનો મળ્યાં છે. એમાં મકાનોની અંદર ચોક પણ છે. આવાં મકાનો મોહેં-જો-દડોમાં મળ્યાં છે.

આમ રામાયણમાં ચોકવાળાં (આંગણવાળાં) મકાનોનું વર્ણન સાચું છે, પરંતુ એમાં એટલી બધી અતિશયોક્તિ છે કે સત્ય શોધવા જતાં ઘણા પ્રશ્નોના જવાબ શોધવા પડે એમ છે. દાખલા તરીકે, વસિષ્ઠ મુનિ દશરથને મળવા ગયા ત્યારે રથમાં બેસીને ગયા હતા. આનો અર્થ એ કે વિશાળ વાડાઓમાં પ્રાસાદો બંધાતા.  પરંતુ સવાલ એ છે કે આવા વિશાળ વાડાઓ કયા યુગમાં હતા? વળી પ્રાસાદો સાત-આઠ માળ ઊંચા હતા. આટલાં ઊંચાં મકાનો હજારો વર્ષ સુધી તો ટકે જ નહીં એ સ્વાભાવિક છે. જો કે મોહેં-જો-દડોમાં મળેલાં મકાનોમાં ઊપર માળ હોય એવા સંકેત મળ્યા છે, બીજી બાજુ સાંચી, ભારહુતના સ્તુપો પરનાં કોતરકામો પરથી એ વખતે બે-ત્રણ માળવાળાં મકાનો હશે, એમ કહી શકાય (કલાકારોએ જોયાં હશે).

રામાયણનાં મકાનોમાં તો બારીઓ પણ છે અને અટારીઓ પણ છે (ઉપર જવા માટેની સીડીનાં વર્ણન નથી!).આમ છતાં ઈ.સ. પૂર્વે ૧૫૦૦, ૧૦૦૦ કે છેવટે ૫૦૦ વર્ષ પહેલાં પણ ભારતમાં અને ખાસ કરીને અયોધ્યા, વૈશાલી. કૌશામ્બી વગેરે શહેરોમાં પણ આવાં મકાનો હતાં, એમ કહેવા માટે કોઈ પુરાવો નથી. (આવાં મકાનોની કલ્પના તે પછીના કાળમાં મૂળ કથામાં થયેલા ઉમેરા સૂચવે છે).

આજે આટલું જ; હજી નગરરચના અને મકાનો વિશેની ચર્ચા આપણે ત્રીજા ભાગમાં પણ ચાલુ રાખીશું.

24 thoughts on “Archeology and Ramayana (2)”

  1. અવગણાયેલા મહામાનવો………

    I like your comments.
    Mulaji gada prefers to promote Jainism views but does not approve the following linked comments on above subject.
    If not appropriate here you may delete.

    List of Indian inventions and discoveries………….
    http://en.wikipedia.org/wiki/List_of_Indian_inventions_and_discoveries

    http://www.factmonster.com/ipka/A0004637.html
    http://www.zoomschool.com/inventors/
    http://en.wikipedia.org/wiki/Indian_mathematics

  2. બહુ જ અભ્યાસવાળો લેખ.
    આશા રાખીએ કે, ભારતની વધતી સમૃદ્ધિ સાથે પુરાતત્વકીય સમ્શોધનો વધે ; અને ગોપિત સત્યો બહાર આવતાં જાય. તો જ ધર્મિક સાહિત્ય અને વાસ્તવિકતા સરખાવી શકાય.
    દરિયા નીચે દટાયેલી દ્વારિકા વિશે પણ બીજા લેખોમાં લખશો; તો કૃષ્ણકાળ વિશે જાણવા મળશે.

  3. આપણે તો આ બધાને અવતારો કહીને કેવાં કેવાં શસ્ત્રો, કેવાં કેવાં વસ્ત્રોનાં ચિત્રો જોયાં છે !! પુરાતત્ત્વ મુજબ કૌશલ્યાજી માટીમાં આળોટતાં હોય તે વાત જ કેવો વિરોધાભાસ બતાવે છે !
    વાલ્મિકી રામાયણમાં તો બધા જ રાજાઓનો વહીવટ ત્રીસ હજારથી વધુ બતાવાયો છે. હજારની સંખ્યાનું ગણિત જુદું હશે ? આ બધું જાણવાની જરુર છે. તમારો આ પ્રયાસ બહુ ગમ્યો…ચાલુ રાખજો.

  4. Here is ancient math .

    અયોધ્યા દસ યોજન લાંબી અને બે યોજન પહોળી નગરી છે, જ્યારે લંકા ત્રીસ યોજન લાંબી છે. ઉત્તરકાંડમાં તો લંકા એકસો યોજન લાંબી દર્શાવી છે……

    http://en.wikipedia.org/wiki/Yojana
    http://en.wikipedia.org/wiki/Hindu_units_of_measurement
    http://en.wikipedia.org/wiki/Hindu_cosmology

  5. બહુ જ માહિતીપ્રદ લેખમાળા. આગળ વાંચવા રાહ રહે છે. ધન્યવાદ.

    (એક બાબતે ધ્યાન દોરું છું, લેખનો પ્રથમ ફકરો, ઘાટા અક્ષરોમાં, આખો વંચાતો નથી. દરેક લીટી કપાતી લાગે છે. તેથી સમજાયો નહિ. કૃપયા આ ફકરો ચકાસજો.)

    1. શ્રી અશોકભાઈ,
      મારા લૅપટૉપ પર બરાબર વંચાય છે. પરંતુ કઈંક પ્રૉબ્લેમ તો હતો જ. આ ફકરો કોઈ રીતે સેટ જ નહોતો થતો. બધું બરાબર આવે, પહેલા ફકરામાં શબ્દો વચ્ચે ખાલી જગ્યા જ ન રહે. માંડ બરાબર થયું. વળી. ‘paragraph’ પર જઈને heading 3 સિલેક્ટ કર્યું હોવા છતાં આખું લખાણ heading 2માં આવ્યું, જે મને જોવા ન મળ્યું. મને કોઈ ટેકનિકલ માર્ગદર્શન આપે તો એમનો આભારી રહીશ.
      ગરબડિયો ફકરો અહીં ફરી મૂકું છું, જેથી તમારા જેવી ફરિયાદ બીજાને હોય તો મદદ રૂપ બને.

      ડૉ. સાંકળિયા જુદા જુદા વિદ્વાનોના મત ટાંકીને કહે છે કે રામાયણમાં બે સ્થળે રામની વંશાવળી આપી છે. બન્નેમાં થોડો ફેર હોવાથી કાલનિર્ણય માટે એનો આધાર લઈ શકાય એમ નથી. રામાયણ પ્રમાણે ઇક્ષ્વાકુ વંશમાં ૩૩ કે ૩૫ રાજાઓ થઈ ગયા, પરંતુ પુરાણોને લો તો એમાં રામ સુધીના ૬૩ રાજાઓની યાદી છે. આ તફાવત તો બાહુ મોટો થયો. આને કારણે કોઈ વિદ્વાન રામનો કાળ ઈ.પૂ. ૧૫૦૦ જણાવે છે, તો કોઈ ઈ.પૂ. ૨૩૫૦-૧૯૦૦ માને છે. એક વિદ્વાન રામનો સમય ઈ.પૂ. ૧૪૫૦ માને છે.
      પુરાતત્વની દૃષ્ટિએ આ વંશાવળીની બહુ જરૂર નથી. આપણે જાણીએ છીએ કે રામ દશરથના પુત્ર હતા અને એમના સમકાલીન હતા, જનક સિરધ્વજ વિદેહ. આ ઉપરાંત અંગદેશના લોમપાદક અને વૈશાલીના સુમતિ પણ એમના સમકાલીન હતા. આ જ સમયે કોસલ દેશમાં કૌસલ્યાના પિતા અશ્વપતિ રાજ્ય કરતા હતા. આ ઉપરાંત કોશામ્બી અને મહોદય (કાન્યકુબ્જ) રાજ્યો પણ હતાં.
      હવે બૃહદારણ્યક ઉપનિષદના રાજા જનક અને સીતાના પિતા જનક એક જ હોય તો, આ ઉપનિષદનો રચના કાળ ઈ.પૂ. ૬૦૦-૮૦૦થી વધારે જૂનો નથી. આ જોતાં શ્રી રામ અથવા રામાયણની કથાનું મૂળ એના કરતાં જૂનું ન હોય. આથી રામ, સીતા, જનક, દશરથ વગેરેનો કાળ ઈ.પૂ. સાતમા-આઠમા સૈકામાં મૂકી શકાય.
      પુરાતત્વની દૃષ્ટિએ આ અનુમાન યોગ્ય મનાય કારણ કે “ છેલ્લાં ૨૦ વર્ષમાં બહુ નહીં પણ એક મહત્વનો પુરાવો મળવા લાગ્યો છે” ( અહીં “૨૦ વર્ષ પહેલાં” એટલે ૧૯૫૩ સમજવું).

  6. Shri Dholakiya Sir, Thank you very very much for posting such informative article. I have one doubt about Father -in law of “Ravana”. Mandodri was daughter of “Maya Danava”. If we consider the astronomical dating of this great epic {Ramayan] between 800 B.C – 300 A.D. (As per my knowledge “Mayan Civilisation’ , in Mexico, also existed between this era}. My question is ,” whether Maya Danava” was from Mayan Civilisation or not ,, and if yes.. was there any relation between “Ravana” and “Mayan Civilisation”.

  7. ખૂબા જ અભ્યાસ પૂર્ણ લેખમાળા ! અમારા જેવા ઉપલકીયાઓને નવું નવું જાણવા મળે છે અને કેટલીક જાણ્યે અજાણ્યે દ્રધ થયેલી માન્યતામાં સાચું સત્ય જાણવા મળશે. ધન્યવાદ !

    1. Mainly, I am giving the contents of the book by Dr. H. D. Sankaliya. It is about Ramayana and not about Shri Ram. Opinions may differ about the time Shri Ram lived. If I correctly remember Buddha is some 2550 years ahead of us in time, not 800 BCE. Ram does not get a mention in Rgveda. Even Vishnu is an emerging small God. The book is about How Ramayana may have been inflated. As the author points out Panini misses out on Ramayana. These things decide when a particular composition in its original form emerged. Dr. Sanakaliya has pointed out that some descriptions have entered the main story over a period of time because certain things did not exist before that period.

    1. અહીં એક કૉમેન્ટ lastphonetic તરફથી મળી છે. એમાં એમણે પ્રાચીન ગણિતની લિંક્સ આપેલી છે. એ જોઈ લેશો. આ બાબતમાં બધી ધારણાઓ જ હશે. મેં કિશોરાવસ્થામાં એક કથાકારને યોજન એટલે ગાઉ એમ કહેતાં સાંભળ્યા છે. એક ગાઉ એટલે બે માઇલ અને અઢી માઇલ એટલે ચાર કિલોમીટર.(૮ કિલોમીટર = ૫ માઇલ).

  8. શ્રી ધોળકીયા સાહેબ, વાલ્મિકી રામાયણ પ્રમાણે રાવણની પત્ની મંદોદરીના પિતા “મયદાનવ” હતા. શું “મયદાનવને ” મેક્સિકોની “માયા સંસ્કૃતી” સાથે કોઈ સંબંધ હોઈ શકે? કે પછી ફક્ત નામ જ ભળતું છે? કારણકે “માયા સંસ્કૃતી” નો અસ્તિત્વ કાળ પણ વર્ષ 2000 બી.સી થી 300 એ.ડી. હોવાનુ મનાય છે. આભાર.

    1. ભાઈ નિકુલભાઈ,
      તમારી વાત સાચી છે પણ હું પોતે આ બાબતમાં કઈ ખાતરીપૂર્વક ન કહી શકું. મેં પણ વાંચ્યું છે અને અત્યારે મારી પાસે કોઈ સંદર્ભ પુસ્તક નથી કે જેનો હવાલો આપી શકું. પરંતુ મને આ તર્ક પસંદ છે.

      મૂળ વાત એ છે કે જૂની દુનિયા આપણે ધારીએ છીએ એટલી એકબીજાથી કપાયેલી નહોતી. વેપાર અને બીજાં કરણોસર અવરજવર અને પરસ્પર મુલાકાતો થયા કરતી. આથી કથાઓ પણ અવરજવર કરતી રહેતી, આ કથાઓનું સ્થાનીયકરણ પણ થતું અને એમાં નવા રંગ ઉમેરાતા. આ મય દાનવ મહાભારતમાં પણ છે. મને બરાબર યાદ નથી પરંતુ કદાચ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે ખાસ મહેલ બનાવ્યો તેમાં પાણી હોય ત્યાં જમીન દેખાતી. આથી દુર્યોધન પાણીમાં પડ્યો. આ મહેલ મય દાનવે બનાવ્યો હતો. આવી કથા છે. મારી ભૂલ હોય તો કોઈ સુધારશે તો મને આનંદ થશે

      મને લાગે છે કે મય દાનવ એક વ્યક્તિ નહીં હોય. એ દાનવ જાતિની એક પેટા જાતિ હોવી જોઈએ. આમ જો એ જાતિ હોય તો જ માયા સંસ્કૃતિ વિકસી શકે, મય એક વ્યક્તિ હોય તો નહી. વળી તમારી વાતના સમર્થનમાં એમ પણ કહી શકાય કે માયા સંસ્કૃતિમાં બાંધકામનું જે પ્રભુત્વ દેખાય છે તે ભારતમાં ભાગ્યે જ જોવા મળશે.

      આ બાબતમાં હિન્દીમાં આચાર્ય ચતુરસેન શાસ્ત્રીનું ‘વયં રક્ષામઃ’ અને રાહુલ સાંકૃત્યાયનનું ‘વોલ્ગા સે ગંગા’ વાંચવા જેવાં પુસ્તકો છે.

  9. ખુબ જ માહિતી સભર લેખ…
    નાની નાની વાત નો ઝીણવટ થી અને બરીકાય થી કરાયેલું ઓબ્ઝર્વેસ્ન
    અને સાથે સાથે નવી માહિતી વાળી કમેન્ટ..

  10. બે માળ થી ઉંચા મકાન અઢી હજાર વર્ષ પહેલાં બનાવવાં શક્ય હશે કે કેમ તે શન્કાની વાત છે.. માત્ર પહાડોમાં, ખડકોને ટેકે આ રીતનાં મકાન બની શકે એવું લાગે છે.
    કૌશલ્યા ધૂળમાં રગદોળાયાની વાત અને તે પર જુગલ્કીશોર્ભાઈની ટીપ્પણી વાચીને શ્યામ બેનેગલ નુ “ભારત એક ખોજ” યાદ આવ્યું. તેમા બધાં પાત્રો એ જમાનાના પોશાક્મા બતાવ્યાં છે, ભલે ને રાજા હોય કે રંક..

    1. મૂળ કથામાં ઘણા ઉમેરા થયા છે એ હકીકતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. વળી, મારી પાસે જે વાલ્મીકિ રામાયણ છે. તેમાં ઘણા પ્રસંગો નથી, પણ આપણી માન્યતા પ્રમાણે એ રામાયણમાં છે. કાં તો આવા પ્રસંગો રામાયણના બીજા કોઈ પાઠમાં હોય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: