Archeology and Ramayana (2)

પુરાતત્વ અને રામાયણ (

 ડૉ. સાંકળિયા જુદા જુદા વિદ્વાનોના મત ટાંકીને કહે છે કે રામાયણમાં બે સ્થળે રામની વંશાવળી આપી છે. બન્નેમાં થોડો ફેર હોવાથી કાલનિર્ણય માટે એનો આધાર લઈ શકાય એમ નથી. રામાયણ પ્રમાણે ઇક્ષ્વાકુ વંશમાં ૩૩ કે ૩૫ રાજાઓ થઈ ગયા, પરંતુ પુરાણોને લો તો એમાં રામ સુધીના ૬૩ રાજાઓની યાદી છે. આ તફાવત તો બહુ મોટો થયો. આને કારણે કોઈ વિદ્વાન રામનો કાળ ઈ.પૂ. ૧૫૦૦ જણાવેછે, તો કોઈ ઈ.પૂ. ૨૩૫૦-૧૯૦૦ માને છે. એક વિદ્વાન રામનો સમય ઈ.પૂ. ૧૪૫૦ માને છે.

પુરાતત્વની દૃષ્ટિએ આ વંશાવળીની બહુ જરૂર નથી. આપણે જાણીએ છીએ કે રામ દશરથના પુત્ર હતા અને એમના સમકાલીન હતા,  જનક સિરધ્વજ વિદેહ. આ ઉપરાંત અંગદેશના લોમપાદક અને વૈશાલીના સુમતિ પણ એમના સમકાલીન હતા. આ જ સમયે કોસલ દેશમાં કૌસલ્યાના પિતા અશ્વપતિ રાજ્ય કરતા હતા. આ ઉપરાંત કોશામ્બી અને મહોદય (કાન્યકુબ્જ) રાજ્યો પણ હતાં.

હવે બૃહદારણ્યક ઉપનિષદના રાજા જનક અને સીતાના પિતા જનક એક જ હોય તો, આ ઉપનિષદનો રચનાકાળ ઈ. પૂ. ૬૦૦-૮૦૦થી વધારે જૂનો નથી. આ જોતાં શ્રી રામ અથવા રામાયણની કથાનું મૂળ એના કરતાં જૂનું ન હોય. આથી રામ, સીતા, જનક, દશરથવગેરેનો કાળ ઈ.પૂ. સાતમા-આઠમા સૈકામાં મૂકી શકાય.

પુરાતત્વની દૃષ્ટિએ આ અનુમાન યોગ્ય મનાય કારણ કે “ છેલ્લાં ૨૦ વર્ષમાં બહુ નહીં પણ એક મહત્વનો પુરાવો મળવા લાગ્યો છે.”  ( અહીં  “૨૦ વર્ષ પહેલાં” એટલે ૧૯૫૦ નો અરસો સમજવું).

 રામાયણનાં નગરો

આ પુરાવો એટલે રામાયણમાં વર્ણિત નગરો વિશે મળેલી માહિતી. બાલકાંડમાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઈને પોતાના આશ્રમ તરફ જતા હોય છે ત્યારે માર્ગમાં વૈશાલી, કૌશમ્બી, મિથિલા વગેરે નગરો આવે છે. આ ઉત્તર પ્રદેશ અને બિહારનાં સૌથી જૂનાં નગરો છે અને ત્યાં પુરાતત્વીય ખોદકામ થયું છે, એનાં તારણો મુજબ કૌશામ્બીમાં  માનવ વસ્તીની શરૂઆત વહેલામાં વહેલી ઈ.પૂ. ૧૦૦૦ની આસપાસ થઈ હશે. ખોદકામ દરમિયાન સૌથી નીચલા થરે ખાસ પ્રકારનાં ઠીકરાં મળ્યાં છે. વાસણ અંદર-બહાર લાલ પકવેલાં છે અને એના પર કાળા રંગે ચીતરામણ હોવાનું પણ જણાય છે, પરંતુ ટુકડા બહુ નાના હોવાથી ચીતરામણ કેવું હશે, અથવા તો વાસણનો આકાર શો હશે તે જાણી શકાયું નથી. આમ છતાં એમ લાગે છે કે એ થાળી-વાડકા હોવાં જોઇએ, અને તે પણ (પડઘીવાળાં) સાદાં નહીં, નીચે નાની પોકળ કે નક્કર નળી રહેતી. આવાં બેઠકવાળાં વાસણો હતાં.

આ થરથી ઉપરના થરમાંથી ઝાંખાં, ભૂખરા, રાખોડી રંગનાં વાસણો મળ્યાં છે. આનો સમય ઈ.પૂ. ૪૦૦નો જ હોય આને બહુ બહુ તો બીજાં ચારસો વર્ષ પાછળ લઈ જઈ શકાય એટલે કે ઈ.પૂ. ૮૦૦ સુધી. પરંતુ  આ વાસણો એનાથી જૂનાં તો નહીં જ. આમ, કૌશામ્બીમાં સૌથી નીચલો થર ઈ.પૂ. ૧૦૦૦-૧૨૦૦ કરતાં જૂનો નથી. વૈશાલીમાં ખોદકામ થયું તેમાં પણ ઈ.પૂ. ૪૦૦-૫૦૦ કરતાં જૂની વસ્તુઓ નથી મળી. મિથિલામાં બરાબર ખોદકામ થયું નથી, પરંતુ ત્યાંથી પણ આવાં ભૂખરા રાખોડી રંગનાં (એટલે કે ઈ.પૂ. ૪૦૦-૫૦૦ના અરસાનાં) ઠીકરાં મળ્યાં છે.

આ સાથે જ, સાંકળિયા સાહેબ વાચકોનું એ વાત તરફ ધ્યાન દોરે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં કૌશામ્બી અને હસ્તિનાપુર કરતાં પણ વધારે પ્રાચીન સમયના અવશેષો મળ્યા છે. ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ આજથી સાડાત્રણ હજાર વર્ષ પહેલાં થયો હોવાના સંકેત છે. ગંગા-જમનાના મેદાનમાંથી પણ ચાર હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે.

 રામાયણનાં નગરોનું વર્ણન

રામાયણમાં માત્ર અયોધ્યા, લંકા અને કિષ્કિન્ધા નગરીઓનાં વર્ણન વિગતે આપ્યાં છે. આમાં પણ અયોધ્યા અને લંકાનાં વર્ણનોમાં અમુક સામ્ય પણ છે, અને તે એટલે સુધી કે આપણને એમ જ લાગે કે કવિએ લંકાને જોયા વિના જ અયોધ્યાનું વર્ણન એને લાગુ કરી દીધું છે.

અયોધ્યા દસ યોજન લાંબી અને બે યોજન પહોળી નગરી છે, જ્યારે લંકા ત્રીસ યોજન લાંબી છે. ઉત્તરકાંડમાં તો લંકા એકસો યોજન લાંબી દર્શાવી છે. લંકા સમુદ્રમાં એક ટેકરી પર વસેલી છે, એની ફરતે એક પરિખા (ખાઈ) અને કિલ્લો હતાં. પરિખામાં શસ્ત્રો રાખવામાં આવતાં. કિલ્લાની દીવાલ સોનાની હતી અને એક વિશાળ સૈન્ય એનું અગ્ન્યાસ્ત્રોથી રક્ષણ કરતું. અગ્ન્યાસ્ત્રોમાં ખાસ એકનું નામ શતઘ્ની (એકસોનો વધ કરનાર) છે.

નગરોને દ્વારો અને એમાં ગોપુરો (દરવાજા) બનેલાં હતા અને કેટલાય માર્ગો પણ હતા. જો કે, અયો્ધ્યામાં એક જ માર્ગનું વર્ણન આવે છે. બીજી બાજુ કિષ્કિન્ધામાં ઘણા રસ્તા હતા.રસ્તાની બન્ને બાજુએ ઘરો કતારબંધ હતાં અને રસ્તા ધૂળિયા હોવાથી એના પર પાણી છાંટવામાં આવતું હતું. અયોધ્યામાં તો રાતે રસ્તા પર દીવા પણ મુકાતા. મકાનો ગૃહ, ભવન,  હર્મ્ય, પ્રાસાદ અને વિમાનો તરીકે ઓળખાતાં. ગૃહ અને ભવન સામાન્ય નાગરિકો માટે હતાં અને હર્મ્ય, પ્રાસાદ અને વિમાન રાજકુટુંબ અને મંત્રીઓ માટે હતાં. આ ત્રણમાં પણ હોદ્દા પ્રમાણે ફરક તો થતો જ હશે અને એમની રચના, સુશોભન વગેરે પણ જુદાં પડતાં હશે, પરંતુ એની વિગતો મળતી નથી. આ પ્રાસાદો, હર્મ્યો અને વિમાનોનાં વર્ણનો સામાન્યપણે તો બહુ ઉત્તમ પ્રકારનાં છે.  પરંતુ ધ્યાનથી વાંચતાં જણાઇ આવે છે કે કવિને એનો સ્પષ્ટ ખ્યાલ નહોતો –ખાસ કરીને વિમાન વિશે.

વિમાન શબ્દ ઓછામાં ઓછા બે અર્થમાં વપરાયો છે. એક તો, આપણે સમજીએ છીએ તે સામાન્ય અર્થ અને બીજો અર્થ છે, ઊંચો મહેલ. આ પ્રાસાદોમાં મોટા ચોક પણ હતા. વસિષ્ઠ જ્યારે દશરથને મળવા આવ્યા ત્યારે એમણે ત્રણ કક્ષાઓ પાર કરી એમ રામાયણ કહે છે. રાવણના પ્રાસાદમાં તો હાથી ઘોડા, રથ અને સૈનિકો પણ રહેતા. આ મહેલ એક યોજન લાંબો અને અડધો યોજન પહોળો હતો. કુંભકર્ણનો મહેલ બે યોજનનો હતો (એની વિશાળ કાયાને ધ્યાનમાં લઈને જ આ અતિશયોક્તિ કરાઈ હશે).

આ પ્રાસાદો, હર્મ્યો કે વિમાનો એટલાં જ ઊંચાં પણ હતાં, વળી એમની ફરતે પણ ખાઇ બનાવાતી અને તોરણો બનાવાતાં, જે ઝરઝવેરાતનાં હતાં. વળી અંદર જ તળાવો, ક્રીડાવનો પણ હતાં.

 નગરવર્ણનમાં તથ્ય

આ વર્ણનો આદ્ય કવિની કલ્પના છે કે એમાંથી કઈં તથ્ય હાથ લાગી શકે છે? એકનાં એક વર્ણનો સમજ્યા વગર આપ્યાં હોય એમ તરત જ સમજાઈ જાય એમ છે. ખરેખર તો આદ્ય કવિની કૃતિમાં નવા કવિઓ ઉમેરા કરતા ગયા પણ એમણે જોયું નહીં કે મૂળ વર્ણન સાથે એનો મેળ છે કે કેમ? એક જ દૃષ્ટાંત લઈએઃ

દશરથનું રાજકુટુંબ પ્રાસાદોમાં રહેતું હતું એમ જણાવેલું છે. આ પ્રાસાદો કેવી રીતે બનાવેલા હતા, એમાં ઈંટ. પત્થર કે માટી, શાનો ઉપયોગ થયો તેની કશી જ માહિતી નથી.

હવે, આ ઘટના જૂઓ.  રામ વનમાં જવા તૈયાર થઈ ગયા છે અને કૌસલ્યા માતાની રજા લેવા જાય છે. રામનો તો બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તેને બદલે વનવાસ? કૌસલ્યા બેભાન થઈને ઢળી પડ્યાં અને એમનાં વસ્ત્રો ફરસની માટીથી ખરડાઈ ગયાં. પ્રાસાદ બહુ ઊંચો, મોટો હોય અને ઈંટ કે પથ્થરથી બન્યો હોય તો એની ફરસ પણ ઈંટની જ હોય. એમાં માટી કેમ હોય? (આ દેખાડે છે કે મૂળ કથામાં કૌસલ્યાનું ઘર નાનું અને લીંપણવાળું જ હતું. પાછળના કવિઓએ એ કાચી ભૂમિ પર પોતાની કલ્પનાથી  મહેલ ખડો કરી દીધો!)

બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને  ખોદકામ દરમિયાન માટીનાં ઘરો અને એમની ચૂનાથી ધોળેલી દીવાલોના અવશેષ મળ્યા છે. ઈંટનાં મકાનો મોહેં-જો-દડો, લોથલ વગેરે સિંધુ સંસ્કૃતિ (હડપ્પાની સંસ્કૃતિ)માં મળ્યાં છે. ગામડાંઓમાં તો ચૂના-માટીનાં મકાનો આજે પણ બને છે. રામાયણમાં આનો સંકેત આપતા ઉલ્લેખો હોવાથી અહીં એનો ઉલ્લેખ કર્યો.

 વર્ણનોની છણાવટ

ડૉ. સાંકળિયા હવે સાવચેતીના સુરમાં પુરાતત્વની પણ મર્યાદા જણાવે છે. એમનું કહેવું છે કે હજુ પણ ભારતમાં પ્રાચીન નગરોનું વિસ્તારપૂર્વક ઉત્ખનન નથી થયું. (એમણે આ વાત ૧૯૭૩માં લખી છે, પરંતુ હજી સ્થિતિમાં ખાસ ફેરફાર નથી થયો).  આ કારણે મૌર્ય, શુંગ, કુષાણ કે ગુપ્ત સમયમાં,  ઈ.પૂ. ૩૫૦ના અરસામાં નાગરિકોનાં ઘરો કેવાં હતાં એ સ્પષ્ટપણે કહી શકાતું નથી. આમ છતાં, તક્ષશિલા, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા,નાલંદા વગેરે પાસે થયેલાં ખોદકામોમાં નાનાં, મોટાં મકાનો મળ્યાં છે. એમાં મકાનોની અંદર ચોક પણ છે. આવાં મકાનો મોહેં-જો-દડોમાં મળ્યાં છે.

આમ રામાયણમાં ચોકવાળાં (આંગણવાળાં) મકાનોનું વર્ણન સાચું છે, પરંતુ એમાં એટલી બધી અતિશયોક્તિ છે કે સત્ય શોધવા જતાં ઘણા પ્રશ્નોના જવાબ શોધવા પડે એમ છે. દાખલા તરીકે, વસિષ્ઠ મુનિ દશરથને મળવા ગયા ત્યારે રથમાં બેસીને ગયા હતા. આનો અર્થ એ કે વિશાળ વાડાઓમાં પ્રાસાદો બંધાતા.  પરંતુ સવાલ એ છે કે આવા વિશાળ વાડાઓ કયા યુગમાં હતા? વળી પ્રાસાદો સાત-આઠ માળ ઊંચા હતા. આટલાં ઊંચાં મકાનો હજારો વર્ષ સુધી તો ટકે જ નહીં એ સ્વાભાવિક છે. જો કે મોહેં-જો-દડોમાં મળેલાં મકાનોમાં ઊપર માળ હોય એવા સંકેત મળ્યા છે, બીજી બાજુ સાંચી, ભારહુતના સ્તુપો પરનાં કોતરકામો પરથી એ વખતે બે-ત્રણ માળવાળાં મકાનો હશે, એમ કહી શકાય (કલાકારોએ જોયાં હશે).

રામાયણનાં મકાનોમાં તો બારીઓ પણ છે અને અટારીઓ પણ છે (ઉપર જવા માટેની સીડીનાં વર્ણન નથી!).આમ છતાં ઈ.સ. પૂર્વે ૧૫૦૦, ૧૦૦૦ કે છેવટે ૫૦૦ વર્ષ પહેલાં પણ ભારતમાં અને ખાસ કરીને અયોધ્યા, વૈશાલી. કૌશામ્બી વગેરે શહેરોમાં પણ આવાં મકાનો હતાં, એમ કહેવા માટે કોઈ પુરાવો નથી. (આવાં મકાનોની કલ્પના તે પછીના કાળમાં મૂળ કથામાં થયેલા ઉમેરા સૂચવે છે).

આજે આટલું જ; હજી નગરરચના અને મકાનો વિશેની ચર્ચા આપણે ત્રીજા ભાગમાં પણ ચાલુ રાખીશું.

%d bloggers like this: