Archeology and Ramayana (1)

પુરાતત્વ અને રામાયણ (૧)

 આજથી હું નવી લેખમાળા શરૂ કરૂં છું: ‘પુરાતત્વ અને રામાયણ’. ખરેખર તો, આ જાણીતા પુરાતત્વશાસ્ત્રી ડૉ. હસમુખભાઈ સાંકળિયાનું પુસ્તક છે અને હું એ પુસ્તકનો પરિચય આપવા માગું છું. ગુજરાત વિદ્યાપીઠે ૧૯૭૩માં આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આજે એ ઉપલબ્ધ હોય તો વસાવવા જેવું પુસ્તક છે.

રામનું નામ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયું છે અને તે એટલી હદે કે રામનું નામ ભગવાનનો પર્યાય બની ગયું છે. જેમ “હે ભગવાન, આ શું થયું?’ એમ કહીએ છીએ તેને બદલે “હે રામ, આ શું થયું?” પણ કહેવાય છે. આ નામ ભાષામાં પણ પ્રયોજાતું રહ્યું છે – “રામ રમી ગયા”, આવકાર  માટે “રામરામ”, “રામ રાખે તેને કોણ ચાખે”, બોલો, પંચો રામ…રામ” વગેરે અનેક રીતે રામનું નામ આપણા જીવનમાં અંગરૂપ બની ગયું છે. ગાંધીજી રામ ઐતિહાસિક વ્યક્તિ છે કે નહીં તે કડાકૂટમાં પડ્યા નથી. એમને મન હૈયામાં વસે છે તે રામ. ગાંધીજી દશરથપુત્ર રામની વાત નથી કરતા.  આમ રામ અમૂર્ત પણ બની ગયા છે.

 અહીં રામની નહીં –  રામાયણની રચના, એના સ્વરૂપ વિશે સાહિત્યિક દૃષ્ટિએ અને પુરાતત્વની દૃષ્ટિએ ચર્ચા કરી છે. રામાયણનો અભ્યાસ ઘણી રીતે થયો છે. કોઈ એને મહાકાવ્ય માને છે, તો કોઈ એને ઐતિહાસિક ગ્રંથ માને છે. મુખ્યત્વે  તો અહીં હું આ પુસ્તકના આધારે જ લખું છું. કૌંસમાં આપેલી ટિપ્પણીઓ મારી છે) ચાલો, જોઇએ, ડૉ. સાંકળિયા શું કહે છે તેઃ

૦-૦-૦-૦

રામાયણ વિશે સામાન્ય ધારણા એવી છે કે વાલ્મીકિ રચિત આ આદિકાવ્ય હજારો વર્ષ જૂનું છે. સામાન્ય જનતા એમ પણ માને છે કે આ કૃતિમાં બહુ ફુગાવો નથી થયો. આવી ધારણા ૧૮૭૦ સુધી રહી, પરંતુ તે પછી,  પહેલાં જર્મન વિદ્વાન વેબર, અને એમના પછી યાકોબીએ દર્શાવ્યું કે એમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. તે પછી તો અનેક પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોએ આ દિશામાં કામ કર્યું છે. બીજી બાજુ, શ્રી રામાસ્વામી શાસ્ત્રી જેવા વિદ્વાન માને છે કે રામાયણ પાંચ હજાર વર્ષ જૂનું છે. આ બધાં પુસ્તકો અમુક અંશે સાહિત્યની દૃષ્ટિએ, એટલે કે ઘટનાઓ અને ભાષા વગેરેના આધારે લખાયાં છે, તો થોડાં સંસ્કૃતિની દૃષ્ટિએ અને જૂજ પુસ્તકો પુરાતત્વની દૃષ્ટિએ લખાયાં છે. શ્રી આનન્દ ગુરુગે તો માને છે કે ભારતમાં પુરાતત્વનો એટલો વિકાસ નથી થયો કે એના આધારે કઈં નિર્ણય કરી શકાય.

બીજી બાજુ, સાંકળિયા સાહેબનો પ્રયાસ રામાયણનો અભ્યાસ પુરાતત્વની દૃષ્ટિએ કરવાનો છે. જો કે શ્રી ગુરુગેએ સાહિત્યની દૃષ્ટિએ કરેલા કાળ વિભાજનની તેઓ પ્રશંસા કરે છે. આના પ્રમાણે રામાયણની કથાને મુખ્ય ચાર કે છ સમયખંડ અથવા થરમાં વહેંચી શકાય. રામાયણની કથામાં ઉમેરા થયા તેના થર આ પ્રમાણે છેઃ

૧. પ્રારંભિક અવસ્થામાં રામ વિશે લોકગીતો અને લોકવાર્તાઓ હશે.

૨. તે પછી વાલ્મીકિએ એમનું સંકલન કર્યું, જેમાં ૧૨,૦૦૦ શ્લોક હતા (હશે).

૩. આ રામાયણના છ અધ્યાય હતા, તેના છ કાંડ અને સર્ગ બન્યા અને એમાં જુદા જુદા છંદોવાળા શ્લોકો ઉમેરાયા.

૪.હવે નૈસર્ગિક વર્ણનો અને ચમત્કારોનો ઉમેરો થયો અને  એની ત્રણ અલગ પ્રતો બની. (એટલે કે જુદા જુદા પ્રદેશોમાં થોડા ફેરફાર સાથે ત્રણ કથા સંકલિત અને પ્રચલિત થઈ).

૫. સૌથી છેલ્લે બાલકાંડમાં પારંપરિક વૃત્તાંતો અને છેલ્લે ઉત્તરકાંડનો ઉમેરો થયો. નવી અનુક્રમણિકા અને વાલ્મીકિને સ્ફુરણા થઈ, વગેરે પણ આ કાળમાં ઉમેરાયું.

૬. તે પછીના કાળમાં બહુ નજીવો ઉમેરો થયો અને આવા ભાગોને વિદ્વાનોએ  પ્રક્ષિપ્ત માન્યા છે.

પહેલો કાળ, અથવા પહેલો થર, ઈ.પૂ. ૩૦૦થી ૭૦૦નો (આજથી ૨૩૦૦થી ૨૭૦૦ વર્ષ પહેલાં) માનવામાં આવે છે. આનું કારણ એ કે એમાં બુદ્ધ, બૌદ્ધ ધર્મના સંકેતો નથી મળતા, અને પાટલિપુત્રનો ઉલ્લેખ નથી. (બુદ્ધના વખતમાં  કોસલ પ્રદેશની રાજધાની સાકેત તરીકે ઓળખાતી હતી, એટલે અયોધ્યાની વાત એનાથી જૂની છે). બીજો થર ઈ.પૂ. ૩૦૦ની આસપાસનો માનવામાં આવે છે, કારણ કે પાણિનીએ રામાયણ કે એના પ્રસંગોનો ઉલ્લેખ નથી કર્યો. (પાણિની રામાયણની રચનાથી પહેલાં થઈ ગયા હશે).

ત્રીજો થર ઈ.પૂ.૩૦૦થી ઈ.સ.૧૦૦નો માની શકાય, કારણ કે બૌદ્ધ સાહિત્યમાં રુદ્રદામાના જૂનાગઢના શિલાલેખોમાં જે કાવ્યમય રચના જોવા મળે છે તેના કરતાં રામાયણની રચના પ્રાચીન જણાય છે.

 રામાયણની પ્રતોના ભૌગોલિક વિભાગો

ચોથા થરમાં, ઈસુની પહેલી અને બીજી શતાબ્દી પછીના ગાળામાં રામાયણની પ્રતોના ભૌગોલિક વિભાગો થયા એમ વિદ્વાનો માને છે. પાંચમા થરમાં શિવ, વિષ્ણુનાં માહાત્મ્ય વધારતા ભાગો ઉમેરાયા. આ જ અરસામાં બાલકાંડ અને ઉત્તરકાંડમાં રામને વિષ્ણુનો અવતાર તરીકે વર્ણવતા ભાગો દાખલ થયા.

છેલ્લા થરમાં શ્લોક-છંદની ઉત્પત્તિ વગેરે આખ્યાનો અને અનુક્રમણિકા ઉમેરાયાં. આ થરનો ગાળો ઈસુનો સાતમો સૈકો મનાય છે, કારણ કે આજના વિયેતનામના અન્નામ શહેરમાં આવેલા ત્રા-કિન નામના મંદિરમાં સાતમા સૈકાના એક સંસ્કૃત અભિલેખમાં આનો ઉલ્લેખ મળે છે. આ લેખમાં વાલ્મીકિની મૂર્તિ અને મંદિરોનો ઉલ્લેખ છે. આ મંદિર રાજા પ્રકાશાદિત્યના વખતમાં ઈ.સ. ૬૫૭ આસપાસ બંધાયું હતું.

આમ છેક સાતમા સૈકા સુધી રામાયણમાં ઉમેરા થતા રહ્યા છે. પરંતુ, એની રચના મહાભારતથી એકાદ સદી પહેલાં થઈ એ નક્કી છે, કારણ કે એમાં એક અપવાદ સિવાય કૃષ્ણનો ઉલ્લેખ સુદ્ધાં નથી. (જે એકમાત્ર ઉલ્લેખ છે તેને પાછળના સમયનો ઉમેરો ગણાવી શકાય).

 રામાયણનો કાળ પુરાતત્વની દૃષ્ટિએે

ડૉ. સાંકળિયા લખે છે કે  સાહિત્યની દૃષ્ટિએ કરાયેલા આ કાળ વિભાજનની પુરાતત્વની મદદથી પુષ્ટિ કરી શકાય એમ છે. પુરાતત્વની રીતે જોઈએ તો રામાયણની મૂળ કથાનો સમય ઈ.પૂ. ૧૦૦૦થી ૮૦૦ વર્ષનો ગણી શકાય. આ ઉપરાંત રામાયણના કથાનકનું મૂળ (એટલે કે બીજ રૂપ સામગ્રી)આજથી ત્રણ હજાર કે સાડાત્રણ હજાર વર્ષ કરતાં વધારે દૂર મૂકી શકાય એમ નથી, કારણ કે આ સમય પહેલાં અયોધ્યા, મિથિલા. કોશામ્બી, મહોદય (કાન્યકુબ્જ) વગેરે નગરો તો ઠીક, ગામો પણ અસ્તિત્વમાં નહોતાં.

 રામાયણની પ્રતો

આપણે એમ માનીએ છીએ કે રામાયણની કથા આખા દેશમાં એકસરખી જ છે. પરંતુ એવું નથી. એની ત્રણ પ્રતો છે અને દરેકમાં પાઠફેર છે. જો કે મુખ્ય કથામાં કઈં ફેરફાર નથી થયા. (પરંતુ પ્રસંગો અથવા પ્રસંગોના નિરૂપણમાં તફાવત છે). વિદ્વાનો માને છે કે એક આદ્ય રામાયણ હતી, જેના વિશે આપણે જાણતા નથી.આમાંથી બે શાખાઓ ફૂટીઃ (૧) દાક્ષિણાત્ય અને (૨) ઔત્તરીય. આ બીજી શાખાના પણ બે ફાંટા પડ્યાઃ વાયવ્ય અને બંગાળ. આપણે જાણતા નથી તે આદ્ય રામાયણ જ મૂળ વાલ્મીકિ રચિત રામાયણ છે.વાયવ્ય પરંપરા પર દાક્ષિણાત્ય પરંપરાની ભારે અસર છે.

 પુરાતત્વની મર્યાદા

સાંકળિયા સાહેબ કહે છે કે રામાયણની આવૃત્તિઓનું સંપાદન કાર્ય થયું છે, પરંતુ એમણે કેટલાક પ્રસગો કાઢી નાખ્યા છે, પણ એ જ પ્રકારના બીજા પ્રસંગો રહેવા દીધા છે. કોઈ પ્રસંગ ઉચિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ સંપાદકોનું નથી. પુરાતત્વશાસ્ત્રીઓ પોતાના અભ્યાસના આધારે અમુક અંશે કાલનિર્ણયની પ્રક્રિયા દ્વારા એ નક્કી કરવામાં મદદ કરી શકે, પરંતુ પુરાતત્વ શાસ્ત્રીનું જ્ઞાન પણ  મર્યાદિત અને ત્રુટિપૂર્ણ જ છે. આના પછી હું એમના જ શબ્દો ટાંકીશ, કારણ કે એક વૈજ્ઞાનિક આત્મનિષ્ઠ નથી હોતો પણ સત્યનિષ્ઠ હોય છે એનું આ શબ્દો જ્વલંત ઉદાહરણ છેઃ “ પુરાતત્વવિદ્‍ની માન્યતાઓ પણ ઉપલબ્ધ પુરાવાઓ ઉપર જ આધારિત હોય છે. અને  જો આ પુરાવો બદલાય તે પ્રમાણે એનાં મંતવ્યો બદલવાને એણે તૈયાર રહેવું જોઈએ…” (આ અંગે એક રસપ્રદ મુદ્દો છે તે હું લેખમાળાના અંતે જણાવીશ).

આજે બસ, આટલું જ. હજી ઘણી રસ પડે એવી વાતો છે તે આગળ જતાં જોઈશું.

           

 

 

 

%d bloggers like this: