A Dalit Voice in Gujarati

મિત્રો, 

મારી બારીમાંથી જોતાં મને જે કઈં દેખાય છે તે આપ સૌની સમક્ષ ધરી દઉં છું. આમાં ઘણી વાર પોતાને રસ્તે ચાલ્યા જતા સજ્જનોને પણ બોલાવીને નવી મિત્રતા કરી છે અને એમનો પરિચય પણ કરાવ્યો છે. આ જ રીતે, ગઈકાલે લંડનથી શ્રી વિપુલભાઈ કલ્યાણી ‘ઓપિનિયન’ પ્રસિદ્ધ કરે છે તેનો ૨૬ ઑગસ્ટનો ડિજિટલ અંક મળ્યો. પહેલો જ આ લેખ વાંચ્યો.  નીરવભાઈને તરત લખ્યું અને એમણે મને લેખ મોકલાવી આપ્યો. નીરવભાઈએ પોતાનો પરિચય લેખમાં જ આપ્યો છે એટલે હું પુનરાવર્તન નહીં કરૂં. શ્રી વિપુલભાઈનો પણ આભાર ્માનું છું.

મેં અહીં ભાષા પર પણ લખ્યું છે અને દલિતો પર પણ લખ્યું છે. શ્રી નીરવભાઈનો લેખ એટલે દલિત તરીકે ગુજરાતીને, એમાં સુધારાને મૂલવવાનો પ્રયાસ. ગુજરાતી કેટલી? પ્રદેશો પ્રમાણે ભાષા બદલાય, પણ જાતિ પ્રમાણે પણ? અને એ પણ શું દબામણીનું સાધન બની રહે? પૂછીએ નીરવભાઈને…

‘ગુજરાતી’  મારી માતૃભાષા, ઇંગ્લિશ મારી ફોસ્ટર મધર


નીરવ પટેલ  

અમદાવાદ શહેરનાં પાદરે આવેલું મારું ભુવાલડી ગામ અમારા જ્ઞાતિગોળ  ‘નાની દસકોશી રોહિત સમાજ પરગણા’ ના ૨૬ ગામ પૈકીનું એક ગામ છે. મારા માતા-પિતા ચર્મકામના જ્ઞાતિગત વ્યવસાય સાથે ખેતમજૂરીનું કામ કરી અમારા કુટુંબનું ભરણપોષણ કરતા હતા. એમના વડવાઓ પણ એ જ કામ કરી આજીવિકા રળતા હતા. આ કારણે એમનું સામાજિક અને  વ્યાવસાયિક જીવન કેવળ ૨૫ કિલોમીટરની ત્રિજ્યામાં સમાયેલું હતું. એમને વારસામાં મળેલી માતૃભાષા તથા ત્યાર બાદ આ સીમિત સોશિયલ મોબિલિટીમાં સંભવી શકે તેવા આંતર-સંબંધોને કારણે, એટલે કે મિરઝાપુરના ચામડાના મુસલમાન વેપારીઓ,  માધુપુરાના મારવાડી મોચીઓ,  માણેકચોકના મુસલમાન વોરા કોમના સોનીઓ, અમારા ખેતર-પાડોશી માથાભારે ઠાકરડાઓ, કાશી તોતર પટેલ, શેઠ  શંકરરાત વાળંદ વગેરે જેવાઓના સંપર્કને કારણે  બે હજાર શબ્દોમાં માંડ વિસ્તરેલી  ભાષા મારી ‘માતૃભાષા’ બની. મારી આ માતૃભાષા અન્ય ઉજળીયાત ગુજરાતીઓ કરતા કેવી જુદી હતી એનો એક કિસ્સો સંભળાવું : મારા ગામની નિશાળમાં એકડીયામાં ભણતો ત્યારે એક શિક્ષિકા બહેન મને  ‘ઘ  ઘારીનો ‘ઘ’ બોલીને ‘ઘ’ લખવાનું શીખવાડતા ત્યારે હું ઘણો મુંઝાતો, અને મને છેક કોલેજમાં આવતાં ખબર પડી કે ‘ઘારી’  એક સ્વાદિષ્ટ મિષ્ટાનનું  નામ છે અને જે ઉજળીયાત લોકોનું મિષ્ટ વ્યન્જન છે !  આજે પણ મારા ગામના દલિત બાળકોને કોઈ પતંગના ‘પ’ને બદલે  અમદાવાદ શહેરનો કોઈ ઉજળીયાત માસ્તર ‘ પાસ્તાનો  પ’ બોલીને શીખવાડે તો એટલી જ મૂંઝવણ થાય જેટલી મને મારા બાળપણમાં પડી હતી. મારી માતૃભાષાથી ભિન્ન એવી આજે હું બોલું છું અને લખું છું એવી  શિષ્ટ ‘ગુજરાતી’ ભાષા તો મેં અંગ્રેજી ભાષાની જેમ જ એક ફોરીન લેન્ગવેજ જેટલી જ મુશ્કેલી અને પરિશ્રમથી શીખી છે.    

અલબત્ત, મને વારસામાં મળેલી આ ભાષા બહુ ઓછા શબ્દભંડોળ છતાં અદભૂત શબ્દો, રૂઢીપ્રયોગો, કહેવતો અને ગાણા-ઓઠા-વાતોની વિપૂલ સાહિત્યિક સમૃદ્ધી અને ગામઠી ડહાપણ ધરાવતી હતી. એમાં મધુરતા, કરુણા, ભ્રાતૃભાવ, પ્રેમ, ઉદારતા, સહકાર, સંપ, સહનશીલતા, સહાનુભૂતિ  ક્ષમા, સમતા જેવા અદભૂત ગુણોનું વહન થતું હતું.  આ ભાષાથી અનેક અભાવો અને અનેક  મુશ્કેલીઓ છતાં જીવન જીવવાનું જોમ અને ઉમંગ મળી રહેતા હતા. આજે હું મારી એ  અસલ ગુજરાતી ‘માતૃભાષા’ ગુમાવી ચૂક્યો છું. એ ‘માતૃભાષા’ ના વિશિષ્ટ શબ્દભંડોળ અને એ વિશિષ્ટ  લહેકા-ઉચ્ચારોથી ક્યારેક મેં  ઢેડા, ગામડીયા કે બી.સી. હોવાની ગાળ ખાધી છે અને એટલે જ સ્કૂલ-કોલેજના દિવસોમાં મેં પ્રયત્નપૂર્વક મારી એ ‘માતૃભાષા’ને ભૂલવાની શરૂઆત કરી દીધી હતી અને આજે તો મને વારસામાં આપનાર એ માબાપ પણ નથી રહ્યા કે નથી રહ્યો જીવંત સંપર્ક મારા એ માદરેવતન ભુવાલડી ગામના દલિત માહોલનો.  મારી એ ‘માતૃભાષા’ થી રળિયાત મારા બાળપણને યાદ કરું છું ને મારી એ ‘માતૃભાષા’ના અદભૂત સમૃદ્ધ -સામર્થ્યનો ઝુરાપો અનુભવું છું. એ ઝુરાપામાં જ એક વાર  ભગવદગોમંડળનો સંક્ષિપ્ત કોશ લઈને ટીક કરવા બેઠો હતો એ શબ્દોને,  જે મારા માતાપિતા બોલતા હતા ને મેં વિસારી દીધા હતા ! 
       
હમણાં હમણાંથી  ‘ગુજરાતી ભાષા બચાવો’ કે  ‘માતૃભાષા બચાવો’ના નારા બહુ જોરશોરથી સંભળાય  છે. કેટલાક તો દલિત-આદિવાસીની  ખાસ ચિંતા કરતાં, એક જ ‘ઈ -ઉ’ વાળી સરળ ઊંઝા જોડણીની ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. ત્યારે મને આવો પ્યારો પ્યારો નોસ્તલ્જિઆ અનુભવાય છે.  પણ સાથે સાથે હું વિચારોમાં ય ચઢી જાઉં છું.  સાંપ્રત સમયના પડકારોને ઝીલવામાં સાવ લાચાર મારી એ માતૃભાષાને વિષે પુનર્વિચાર કરું છું તો મને એનો ઝુરાપો ખમી ખાઈને પણ મને ને મારા સમાજને માનવ અધિકારો-માનવ ગૌરવ અપાવે તેવી  વૈશ્વિક ભાષાને અપનાવવા સિવાય કોઈ આરો દેખાતો નથી. લાગે છે હવે મારે સેન્ટીમેન્ટલ થવાનું છોડીને રેશનલ થવાની જરૂર છે. મારે ભાષા થકી ખેલાતા આમ જનતાને પછાત રાખવાના રાજકારણ અને વૈશ્વિક પહોંચ ધરાવતી ભાષા થકી થતા સશક્તિકરણને વિષે પણ વિચારવાની જરૂર છે. 

મારી ભોળી માતૃભાષા ગુજરાતીએ ઘણું ઘણું ઉમદા શીખવ્યું અને એમાં એક તે અઢળક ધીરજ રાખીને ઘણું બધું વેઠી લેવાનું , પણ એણે એક એ ન શીખવ્યું કે વર્ગ અને વર્ણના આધારે થતા અમારા જેવા દલિત-વંચિતનાં  આ શોષણ-દમનના  સાચા કારણો શેમાં પડેલા છે અને એ અન્યાયોને દૂર કરવા માટે નવજાગૃતિ, નવા જ્ઞાન અને  સંઘર્ષ સિવાય કોઈ આરો નથી. એ બિચારી ક્યાંથી શીખવી શકે ?  શોષકોની ભાષાની છાયામાં જીવતી મારી એ માતૃભાષાને ક્યાંથી ખબર પડે કે એમણે જ તો આ શોષણની મહાજાળને પોતાની ભાષામાં અદભૂત રીતે ગોપિત રાખ્યા હતા, બલ્કે અંધશ્રદ્ધા ભાગ્ય, ભગવાન, ભજન, પરભવ, પરલોક, પુનર્જન્મ, સ્વધર્મ  જેવા શબ્દો ઘડીને એને અંધ- લાચાર-પ્રારબ્ધવાદી બનાવી દીધો હતો. આભાર પરાયી ભાષા જે આજે મારી ફોસ્ટર ભાષા બની છે એવી અંગ્રેજીનો, જેણે વૈજ્ઞાનિક ચિંતન આપી દમન-શોષણના કારણો અને એને ઉખાડી ફેંકવાનો ઈલાજ બતાવ્યો.   

‘માતૃભાષા ઝુંબેશ’ માં મુખ્યત્વે તો ગુજરાતી ભાષા જેમના માટે  સત્તા અને શોષણનું  સાધન છે એવા ભદ્ર સમાજના રાજકારણીઓ તથા જેમના માટે પ્રતિષ્ઠા અને આજીવિકાનું સાધન છે તેવા શિક્ષકો, સાહિત્યકારો, ડાયરાના કલાકારો, ભજનીકો, કથાકારો, લેખકો, પત્રકારો, પુસ્તક કે સામયિકોના પ્રકાશકો, ગુજરાતી માધ્યમની શાળા-કોલેજો- યુનિવર્સીટીઓ,  વગેરેએ ભારે કાગારોળ મચાવી મૂકી છે,  અલબત્ત  થોડાક એવા ઉમદા લોકો પણ છે જેમને ગુજરાતી ભાષા પ્રત્યે ખરો પ્રેમ છે કારણકે તેમને ગુજરાતીઓ -આઈ મીન, દલિત, આદિવાસી, મુસલમાન સહીત સૌ ગુજરાતીઓ –  પ્રત્યે ખરો પ્રેમ છે, એ સૌ થકી ઘડાયેલી ગુજરાતની અસ્મિતા પ્રત્યે ખરો પ્રેમ છે. એમને ચિંતા છે કે ગુજરાતી મરી જશે તો આ બાપડા ગુજરાતીઓનું શું થશે? એમને ભય છે કે એ લોકો નર્યા મૂગામંતર થઇ જશે, એ પોતાના રોજ-બ-રોજનાં  વ્યવહારો, પોતાની વાત, પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાની કલ્પનાઓ, પોતાની સર્જનાત્મક-સાહિત્યિક-સાંસ્કૃતિ ક અભિવ્યક્તિઓને કેમ કરી શબ્દબદ્ધ કરશે?  એમની મહામૂલી સાહિત્યિક-  સાંસ્કૃતિક વિરાસતનું શું થશે?

ખાસ તો મારે આ બીજા પ્રકારના લોકોને હૈયાધારણ આપવી છે કે તમે નાહકની આટલી ચિંતા ન કરો અમ ગુજરાતી દલિત-આદિવાસીઓ અને અન્ય સૌ ગરીબ-વંચિત-શોષિત સમુદાયોની. અમે  ભાષાનો ઈતિહાસ જાણી ચુક્યા છીએ. અને અમે ભાષાનું રાજકારણ પણ જાણી ચૂક્યા છીએ. સામાજિક અને સામુદાયિક જીવન જીવતા માણસને પ્રત્યાયનની જરૂરી પડે છે અને એટલેજ ભાષાનો જન્મ-વૃદ્ધિ-વિકાસ-વિનિમય થાય છે, એ એનું શબ્દભંડોળ-રૂઢીપ્રયોગો-કહેવતો- -વ્યાકરણ- ઉચ્ચાર વગેરેને વિકસાવે છે, માનવ સમુદાયો એકબીજાના સંપર્કમાં આવીને ભાષાની આ મૂડીનો વિનિમય કરે છે ને આ આદાન-પ્રદાનથી ભાષાઓ બદલાતી રહે છે ને ક્યારેક તો ‘ survival of the fittest’ ના સિદ્ધાંતે વધારે ઉપયોગી ભાષાને સૌ અપનાવી લેતા પેલી ‘માતૃભાષા’  મ્યુઝીયમની ચીજ બની જાય છે. આપણી ઘણી બોલીઓ અને ભાષાઓ જે-તે સમયના ભાષા-સમુદાયોના જીવનમાં  પોતાનું યોગદાન આપીને અલવિદા કહી જાય છે. આપણી પાસે રહી જાય છે એ ભાષાના આર્કાઈવ્ઝ :  શબ્દકોશો, વ્યાકરણો, સાહિત્ય, અને અન્ય સર્જનો.  એટલે આપણી પ્યારી ‘માતૃભાષા’ એવી ગુજરાતી ભાષાના સૌન્દર્યને માણવાનો જેટલો લ્હાવો મળે તેટલો માણી લો, કારણકે એ સમયને હવે ઝાઝી વાર નહિ લાગે,  વધારેમાં વધારે ચાર-પાંચ પેઢી યા  સોએક વર્ષ જેટલો સમય અને આપણી ‘માતૃભાષા’ કાં હિન્દી કાં અંગ્રેજી થઇ જશે, અત્યારે પણ આપણી માતૃભાષા તો  ગુજલીશ કાં હિંગ્લીશ ની નજીકની જ થઇ ગઈ જ છે ને.  

આપણે અજીબ પ્રકારના ગુજરાતીઓ છીએ  : બધું બદલવું છે ને એક ભાષાને વણબદલી રાખવી છે. વડવાઓની ગૂફાઓ છોડી દીધી ને અંગ્રેજી ફ્લેટો અપનાવી લીધા, આપણા સંસ્કૃતભાષી ઋષિઓના વલ્કલ છોડી દીધા ને અંગ્રીજીયતના કોટ-પાટલૂન અપનાવી લીધા, માં ગુર્જરીની ભવાઈ છોડીને હિન્દી સીરીયલો અપનાવી લીધી ને એવું તો ગણે પાર નાં આવે એવું એવું  ઘણું ‘પોતાનું’  છોડીને ‘પારકી’ સંસ્કૃતિ’નું  અપનાવી લીધું ને આ એક ભાષાની આટલી શી માયા? તમે કહેશો કે ભાષા તો સંસ્કૃતિ અને પરંપરાની સંરક્ષક છે. અરે ભાઈ, શું અન્ય લોકોની માતૃભાષામાં સાહિત્ય-જ્ઞાન-માહિતી વગેરે નથી હોતા? યાદ કરો ‘ગાઈડ’ ફિલ્મના પેલા સંસ્કૃત શ્લોકથી જ પોતાને મહાજ્ઞાની સમજતા બે બ્રાહ્મણ પંડિતોને  કે જેમને દેવાનંદ અંગ્રેજી બોલીને ચૂપ કરી દે છે : અંગ્રેજી આતી હો તબ ના? 

એવું તો નથી ને કે તમે પેલા સ્વાર્થી વ્યાવસાયિકો ને ખંધા રાજકારણીઓની જેમ સાચો એજન્ડા છુપાવીને ‘માતૃભાષા’ બચાવવાની ઝુંબેશ  માટે હાલી નીકળ્યા છો? પારકા છોકરાને જતી કરવા નીકળ્યાં હો એમ તમારા છોકરાંને અંગ્રેજી ભણાવીને આ ગ્લોબલીઝેશનના જમાનામાં સત્તા, પ્રતિષ્ઠા ને ધનના એક માત્ર વારસદાર બની રહેવા માગો છો ને દલિત-આદિવાસીના છોરાને ‘માતૃભાષા’ની ગોળી પીવડાવી એમને કાયમના વેઠિયા-મજૂરીયા બનાવવાના આ કીમિયા તો નથી ને ભાઈ? તમે તો બહુ ચાલાક પ્રજા છો ભાઈ ભદ્ર્જનો, તમે તો વખત પારખવામાં પાક્કા છો. સત્તાના ને સંપત્તિના ભાગીદાર બનવા તમે ‘માતૃભાષા’ને છોડીને વખતે ફારસી કે અરબી કે ફ્રેંચ કે ચાઇનીઝને  પણ પોતાની ભાષા બનાવી શકો છો !  કેવળ દલિત-આદિવાસીઓને  જ સ્વદેશીના, માતૃભૂમિના, માતૃભાષાના પાઠ ગોખાવે છે પણ એ લોકો તો ડ્યુઅલ સીટીઝંનશીપ અને મલ્ટી-લીન્ગ્વલ બનીને પોતાના હિતોને વિસ્તારતા જ રહે છે.   બિચારી આ દલિત-આદિવાસી ભોળી પ્રજા છે અને લાચાર પણ, કે એ આમ પોતાના સ્વાર્થ પ્રમાણે ‘માતૃભાષા’ બદલી શકતી નથી.

જગતની પાંચેક હજાર ભાષાઓમાંથી આફ્રિકામાં જ ૨૦૦૦ જેટલી ભાષાઓ બોલાય છે. આફ્રિકાના અશ્વેતો પાસેથી ગુલામીને કારણે પોતાની ‘માતૃભાષા’ છીનવાઈ ગઈ  પણ આજે અંગ્રેજી ભાષા થકી થયેલા સશક્તિકરણની પણ નોંધ લેવા જેવી છે. નવી ભાષાએ સર્જેલા સશક્તિકરણનું ચરમ દૃષ્ટાંત તો નવા આત્મસમ્માન અને ખુમારી સાથે માનવ માત્રની સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની હાકલ કરતો એક હબશી તો અમેરિકાના સર્વોચ્ચ સ્થાને બિરાજે છે.  દરેક ડાયાસ્પોરાની માતૃભાષા બદલાતી હોય છે અને એટલેજ તો આપણને વસનજી કે નાયપોલ કે રશ્દી જેવા વિશ્વવિખ્યાત અંગ્રેજીભાષી સર્જકો પ્રાપ્ત થયા છે.  ઘર આંગણાની વાત કરું તો અંગ્રેજીએ અમને અમારા  ઉધ્ધારક – આંબેડકર આપ્યા !  અને ગુજરાતીએ અમને આર. એસ. એસ.બ્રાન્ડના હિન્દુત્વમાં  માનતા કિશોર મકવાણા ને મુલચંદ રાણા જેવા આપ્યા!  આપણી  ‘માતૃભાષા’ ગુજરાતીએ જ અમને કદી ન ભૂસાય તેવો ‘ઢેડ’ નામનો ડામ દીધો છે   અમારા કપાળે. આ જ માતૃભાષાએ કોઈ શ્રમજીવીને ‘ભંગી’  તો કોઈને ‘ઘાંયજા’ની ઓળખ આપીને એમના માનવ ગૌરવ હણી લીધા છે.  

આપણી પ્યારી ગુજરાતી ભાષા આવા કટોકટી કાળની કસોટીમાંથી પસાર થઇ રહી છે, અંગ્રેજી ને હિન્દી જેવી અન્ય વધારે ઉપયોગી ભાષાઓની સ્પર્ધામાં  આ બાપડીને આવો કાગારોળ કેટલું ટકાવી શકે? સિવાય કે એ પણ વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવી એના ભાષકોની ન કેવળ સાહિત્યિક-સાંસ્કૃતિક બલ્કે વૈચારિક જરૂરીયાતોને પહોંચી વળવા સમર્થ બને. અને એ માટે એ સમાજ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનોના જ્ઞાનના ભંડારથી પણ સમૃદ્ધ થાય.  ‘વાચા’ નામના અમારા દલિત સાહિત્યના મૅગેઝીનનો મુદ્રાલેખ હતો :  સા વાચા યા વિમુક્તયે. જે વાણીથી, જે ભાષાથી, જે વિદ્યાથી મુક્તિ મળે એને જ હવે તો માતૃભાષા બનાવશે દલિતો-શોષિતો. હું તો ઈચ્છું કે હર કોઈ દલિત બાળક અંગ્રેજી માધ્યમથી જ ભણે, મધરટંગથીય વિશેષ પ્રેમ કરે આ ‘ ઈંગ્લીશ’ નામની  ફોસ્ટર મધરને. બલ્કે હું તો ઈચ્છું કે દલિતોની હવે પછીની બે-પાંચ પેઢીએ તેમની માતૃભાષા જ અંગ્રેજી થઇ જાય. પ્રિય માતૃભાષા, અમે તને અલવિદા કહીએ છીએ. અમે મહેનત કરીને પણ મુક્તિ અપાવે એવી ભાષા, સ્વમાન અપાવે એવી ભાષા શીખી લઈશું. લીલા ચરિયાણની શોધમાં દેશને તરછોડી ગયેલા આપણા ઉજળીયાત ડાયાસ્પોરાએ એમના વડવાઓની માતૃભાષા ‘ગુજરાતી’ છોડી દીધી તો એન.આર.જી ના કેવા સવાયા માનપાન પામે છે મોદીસાહેબના  હાથે !  સમય સંજોગોને કારણે પોતાનું હિત જોઇને પરદેશથી આવેલા પારસીઓએ પોતાની માતૃભાષા છોડીને કેવી ‘ગુજરાતી’ અપનાવી લીધી અને આજે ‘ સવાઈ ગુજરાતી’ તરીકે અન્ય લઘુમતીઓથી વિશેષ સમ્માનનિયતા-વિશ્વસનીયતા પામે છે !  હું તો કહું છું કે ગુજરાતી માતૃભાષા જ નહિ,  આ ગુજરાત અને ભારત નામનો દેશ પણ છોડી દો અને એવા દેશમાં વસો જ્યાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના મૂલ્યોથી નાગરિક જીવન જીવાતું હોય. પણ એવો દેશ તમને ક્યાં મળશે જ્યાં જ્ઞાતિ-વાયરસથી આભડેલો ભારતીય ડાયાસ્પોરા નહિ હોય?  આ ઇન્ડિયન ડાયાસ્પોરાએ તો આખા જગતને અભડાવી મૂક્યું છે.   

રાજ્યશાસ્ત્રના પ્રોફેસર જયંતી પટેલ મારી બેબસી અને પલાયનને જોઈ  મને  દિલાસો આપે છે : ભાષા તો ન્યુટ્રલ હોય છે, દરેક ભાષાને અર્થો તો એને બોલનારો સમાજ આપે છે. સાચી વાત, સમાનતા અને  ભ્રાતૃત્વના મૂલ્યોમાં ન માનતો કોઈ પણ સમાજ એની ભાષાને  મુક્તિ, સમ્માન અને આનંદની ભાષા નહિ બનાવી શકે.  અંગ્રેજી ભાષામાં પણ રેસિઝમની ભાષા ક્યાં જોવા નથી મળતી : અશ્વેત આફ્રિકનને હજી પણ કોઈક ‘નીગર’ કહીને બોલાવે છે. એટલે  મૂલ્યોમાં નહિ માનતો ભાષક શિષ્ટ નહિ તો સ્લેંગ માં પણ ઝેર ઓકશે જ.  એટલે આપણે ‘ભાષા બચાવો’  કે  ‘ભાષા શુદ્ધિ’ અભિયાનથી ય પહેલા સાચા માનવમૂલ્યોની સ્થાપના માટે અભિયાન ચલાવવું વધારે આવશ્યક છે.  ‘ગુજરાતી’  મારી માતૃભાષા, ઈંગ્લીશ મારી ફોસ્ટર મધર.

%d bloggers like this: