Reservation and/or Madaayattam to paurusham

કર્ણને જાત પૂછી તો એણે હુંકાર કર્યોઃ દૈવાયત્તં તુ કુલે જન્મં, મદાયત્તં તુ પૌરુષમ્‍” જન્મ તો દૈવે આપેલા કુળમાં થયો છે, પણ મારૂં પૌરુષ મેં પોતે જ મેળવ્યું છે.

અનામત અને અસમાનતાની લેખમાળામાં આજે એક અડગ સંઘર્ષની વાત કરવી છે.

0000000

મદાયત્તમ્ તુ પૌરુષમ્

ગામ ભિનાર. તાલુકો વાંસદા. હોળીને આડે એકાદ અઠવાડિયું. છોકરાઓએ હઠ લીધી છે. આ ફેરા તો આપણા જ ફળિયાની હોળીની ઝાળ સૌથી ઊંચી હોવી જોઇએ. પાંચથી પંદરનાં બાળકો કલાર (એક જાતનું ઘાસ) કાપવા મચી પડ્યાં છે. કોઈક આમ દોડે, કોઇક તેમ. કોઈ કોથળો લઈ આવે, બીજું ભરે. અડધું વેરાય. બીજું બાળક ઠપકો આપે, અલ્યા, જોઈને નાખ! ચારે બાજુ હવાને બદલે ઉત્સાહ વાતો હતો, ત્યાં તો પાસેના એક ઘરમાંથી ચીસાચીસ વાતાવરણને આભડી ગઈ. છોકરાંઓના હાથ થંભી ગયા. હૈયાં કાંપી ઊઠ્યાં. બધું છોડીને એક દસેક વર્ષનો છોકરો ઘર તરફ દોડ્યો. ત્યાં સાંભળ્યું કે “ઝમી ગઈ…! નામ તો જમના, પણ ગામ ઓળખે ‘ઝમી’ નામથી.

“મા ક્યાં ગઈ?” આમ તો માનું જવું મોટી વાત નહોતી. મા તો દરરોજ સવારે ધાણામેથી વેચવા નીકળી જતી અને સૂરજ ડૂબે ત્યારે પાછી આવંતી– એ જતી. “વર્કિંગ વૂમન’ જેવું બિરુદ શોધાયું તે પહેલાંથી જ મા તો ‘વર્કિંગ વૂમન’ હતી! મા જાય એમાં દસ વર્ષના બાળકને એક જ આકર્ષણ હતું – એ પાછી ફરતી ત્યારે બાળકો માટે  ચણા લેતી આવતી. તો આજે ગઈ એમાં શું મોટી વાત હતી? આવી જશે! છોકરો વિચારતો હતો.

પણ મા પાછી ન આવી. સૂનમૂન થઈ ગયેલા છોકરાના મા વિનાના દિવસો શરૂ થતા હતા. મોટી બહેને ઘર તો સંભાળી લીધું પણ લાકડાં કાપી ન લાવો તો રસોઈ ન બને અને નિશાળે ન જઈ શકાય. સવારે ઊઠીને લાકડાં કાપવા જવું એ રોજનું કામ. વળી ભેંસ-બકરી ચારવા પણ જવાનું. જંગલમાં સાંજ પડવાની રાહ જોતા બેસી રહો, સાથે નિશાળની ચોપડીઓ લઈ જાઓ, વાંચ્યા કરો સાંજ પડતાં ઢોરોને ગણી લો અને ઘરે પાછા ફરો. ભણવાનું તો શરૂ જ થયું હતું અને છૂટી ગયું. બાપના મનમાં એક વસવસો. મા વગરનો દીકરો ભણી નહીં શકે. એ પણ આ કામ કરશે? ના, એ તો ન ચાલે. હે ભગવાન…!

ભગવાને સાંભળ્યું અને નાનાજીએ કહ્યુઃ “ છોકરો ભણવાનો ન હોય તો એને કામે લગાડીએ. નાના સલાહમાતાના મંદિરના પુજારી. સલાહમાતા સૌના મનના મનોરથ પૂરા કરે, દુખિયાં જણ નાના પાસે આવે. નાના મંતર ફૂંકી આપે. વાસેલું તાળું પાણીમાં બોળીને માથેથી ઉતારી આપે. પનોતી ગઈ સમજો! છોકરો જૂએ. એને નવાઈ લાગે; આમ કોઈ ઠીક થાય? “દીકરા, ઠીક તો  એની મેળે થશે. મંતર તંતર જંતર તો દેખાવના. હું એની તકલીફનો ઇલાજ ક્યાં કરૂં છું? હું તો એના મનનો ઇલાજ કરૂં છું. એને હૈયે ધરપત રહેશે કે દેવીમાએ સાજો કર્યો! હું તો આમાંથી પૈસોય કમાતો નથી ને? માણસનાં મન પાકાં થાય એ જ મારી કમાણી!”

એક દિવસ નાનાએ કહ્યું “હાલ, ઉપાડ પગ, જઈએ…” નાના વીસેક માઈલ દૂર પગપાળા લઈ ગયા, વળવાડ ગામ.  નાનાના મોટા ભાઈના દીકરા. મામા એક નાની ચાની દુકાન ચલાવે. ભાણો એમનો ત્રીજો હાથ બન્યો. કપરકાબી ધૂએ, કચરો વાળે, ઘરાકોને ચા આપે. મામા ઘરાકો માટે એક-બે છાપાં પણ મંગાવતા. ભાણિયો રોજ છાપાં સંકેલીને રાખે. છાપાં તો પસ્તીમાં વેચાય.

બાળકને ‘ફિલ્લમ’નું તો જાણે ઘેલું. જોવા તો મળે નહીં. થોડુંઘણું વાંચતાં તો આવડતું, પણ વાંચવા કરતાં વધારે રસ તો હતો ફોટાઓમાં. ફિલમવાળું પાનું અલગ કાઢીને સાચવી રાખે. ઢગલાબંધ રાજેશ ખન્નાઓ અને અમિતાભ બચ્ચનો એકઠા થઈને બાંકડા નીચે ભેરવાઈ ગયેલા હતા! છોકરો સંભાળીને કાઢે અને જોઈને પાછા રાખી દે. દુકાનમાં બીજો એક છોકરો પણ કામ કરતો. એણે મામાને કહી દીધું કે ભાણો કાગળની ચોરી કરે છે.  જુઓ, આ ફીંડલું. મામાએ કાગળોનું ફીંડલું બાંકડા નીચે અહીં  હાથ નાખીને કાઢ્યું. કોણે રાખ્યા છે? ભાણાએ ડરતાં ડરતાં  પોતાનો ગુનો કબૂલી લીધો, પણ ગુનાની સજા તો મળે જ. બીજી જ ક્ષણે ભાણિયાનો ગાલ લાલ થઈ ગયો હતો.

એક જ શોખ. એય ઉગતાંવેંત કરમાઈ ગયો. પણ મન તો ત્યાં જ અટક્યું હતું. એક વાર હાથમાં પેન્સિલ આવી ગઈ. મગજમાંથી કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી નીકળ્યાં અને કાગળ પર ઊતરી આવ્યાં. છોકરો તો રાજીનો રેડ. આ કાગળ તો ક્યાંય ફેંકાય જ નહીં! એ તો લઈને ફર્યો. ક્યાં રાખું? લઈને ફરે તો કામ કોણ કરે? એણે પાસેના ઝાડ પર ચોંટાડી દીધો.

દુકાનની પાસે એક નિશાળ હતી. માસ્તરસાહેબો નિશાળમાં ચા મંગાવે અને રિસેસમાં બહાર નીકળ્યા હોય તો દુકાને પણ આવે.  એક વાર બે-ત્રણ માસ્તરસાહેબો દુકાને આવ્યા. એકનું ધ્યાન ગયું ઝાડ પર ટિંગાતા અમિતાભ બચ્ચન પર. “ આ કોણે બનાવ્યું છે?” મામાએ ભાણા સામે આંગળી ચીંધી. “વાહ, ટાબરિયો હોશિયાર છે!” મામાના ચહેરા પર પણ ગર્વ ઝળક્યો. માસ્તરસાહેબે કહ્યું એને ભણવા મોકલો. મામાની પણ ત્રેવડ તો નહોતી જ. માસ્તરસાહેબે કહ્યું “ તમે ચિંતા ન કરો. અમે બધું કરી લેશું”

 હવે થયું ભણવાનું શરૂ. સ્ટડી-કમ-વર્ક! રિસેસમાં એ દોડતો આવે. કપ ધૂએ, ચા આપે. વળી દોડીને નિશાળ પહોંચી જાય. શિક્ષકો માયાળુ. ધ્યાન રાખે. પ્રોત્સાહન આપે. પણ હવે નિશાળનું છેલ્લું વર્ષ હતું આગળ ભણવું હોય તો બહાર જવું પડે. છોકરાને ધગશ અને હિંમત. રોજ બસમાં આવવુંજવું, એમાં ઓગણીસ રૂપિયાનો ખર્ચ. એક વાર બાપને જોઈ લીધા કે ઓગણીસ રૂપિયા પરચૂરણમાંથી વીણતા હતા! છોકરાએ મનમાં જ ગાંઠ વાળી કે પગભર થવું.

કૉલેજમાં દાખલ થયો. કોઈકે કહ્યું કે એને ઇજનેર બનાવો, પણ પહેલા જ વર્ષે નાપાસ. કલાનો જીવ. પછી પિતા કબૂલ થયા કે ભલે કલાવિદ્યાલયમાં જતો.

આપણો નાયક કૉલેજમાં પ્રવેશ માટે સૂરત પહોંચ્યો ત્યારે ગજવામાં બે રૂપિયા બચ્યા હતા. પરંતુ એક મિત્રે ધરપત બંધાવી હતી કે એ સબરસ લૉજમાં માસ્તરનું (વેઇટરનું) કામ અપાવશે. મિત્રને ત્યાં પહોંચ્યો તો એ કયાંક બહાર ગયો હતો.

બપોર સુધીનો ટાઇમ કાઢવા એ રખડવા નીકળી પડ્યો. ત્યાં એક જગ્યાએ વાંસના માંચડા પર બેસીને એક માણસ મોટા પાટિયા પર કઈંક લખતો હતો. આપણો નાયક જોવા ઊભો રહી ગયો. પેલાએ જોયુઝં કે એક જુવાનિયો રસ લે છે. એને એને બોલાવ્યો અને માંચડા ઉપર આવી જવા કહ્યું. ગળીવાળી દોરી એને પકડાવી અને પોતે જરા થાક ખાવા બેઠો. બસ. આપણા નાયકના મનમાં ધરબાયેલો પેન્ટર બહાર આવ્યો. પેલો મુખ્ય પેન્ટર તો રાજી થયો. પોતાને ઘરે લઈ ગયો. ચા-નાસ્તો કરાવ્યાં. અને પબ્લિસિટી કંપનીના માલિક સાથે ઓળખાણ કરાવી અને પોતાના મદદનીશ તરીકે નોકરી અપાવી દીધી.

એક વાર શેઠનો નોકર નહોતો આવ્યો, એટલે શેઠે આપણા નાયકને ચા બનાવવા કહ્યું. એ ચા બનાવે અને વચ્ચે ટેલીફોન રણકે એના પર વાત કરીને નંબર નોંધી લે. શેથ પાછા આવ્યા અને નંબરની ચબરખી હાથમાં લીધી. અક્ષર જોઈને છક! તરત જ એને પોતાના સ્ટાફમાં સહાયક મૅનેજર બનાવી દીધો. ચોપડા લખવાના, દિઝાઇનો બનાવવાની. આ દરમિયાન વામ્ચવાનો પણ સમય મળ્યો. સાહિત્યમાં પણ રુચિલેવા લાગ્યો, અને આમ, સો-દોઢસો ફુટનાં પાટિયાં ચીતરતાં, ચોપડા લખતાં, કવિતાઓ અને વાર્તાઓ લખતાં કૉલેજનું ભણતર પણ પૂરૂં થયું.

 આ યાત્રા અહી અટકી નહીં. એ ગુજરાતી સાહિત્યમાં એમ.એ. પણ થયો! અને પછી સારી નોકરીએ લાગી ગયો.

Xxxxxx

એ છે, ભાગ્યેન્દ્ર પટેલ. પટેલો ગરીબ ન હોય. પરંતુ પટેલ આદિવાસી પણ હોય. અને આદિવાસી ગરીબ જ હોય!  ભાગ્યેન્દ્ર દિલ્હીમાં નૅશનલ બુક ટ્રસ્ટના ગુજરાતીના ઍડિટર છે. ક્લાસ વન ઑફિસર છે. એમની સાથે મારી મુલાકાત આકાશવાણીમાં થઈ. ધીરજથી અનુવાદ કરે. ચીપી ચીપીને લખે, જાને ફિલ્મનું બોર્ડ ચીતરતા હોય! સ્પષ્ટ અવાજે સમાચાર વાંચે, શાંત, સૌમ્ય સ્વભાવ. ના પાડવા માગતા હોય તો પણ હા પાડી દે! ખરેખર ના પાડે ત્યારે અપરાધ કરતાં પકડાઈ જતા હોય એમ ના પાડે.

પછાત હોવાને કારણે નોકરી અનામત પદે મળી. ભાગ્યેન્દ્ર આ અનામત વિશે શું માને છે? એમના શબ્દોમાઃ “ પછાત માણસ પોતાની અમુક સફળતાનો સંતોષ વ્યક્ત કરે તો પણ સંપન્ન લોકો એને ‘બડાશ’ ગણે છે…સરકારે જાતિની રૂએ અને સાનાજિક અને શૈક્ષણિક પછાતનો વર્ગ બનાવીને એને સમકક્ષ બનાવવાની જોગવાઈ કરી છે, પણ એનો લાભ SC/ST લે છે તેના કરતાં વધારે તો બીજા લોકો એનો ગેરલાભ લે છે. મારો કિસ્સો એનું ઉદાહરણ છે,- ઠોસ, પાકું અને ઘૃણાપાત્ર. નિર્લજ્જ વહીવટદારો લાભથી વંચિત રાખવા જે અટકચાળાં કરે છે તે મને નથી લાગતું કે આટલી હદે કોઈ પછાત માણસ ઊતરી જતો હોય….આવા વાતાવરણમાં ટકી રહે અને નોકરી કરતો રહે એ પણ એની સિદ્ધિ ગણાય. મારી પોતાની વાતમાં,  મેં કશી જ સિદ્ધિ મેળવી નથી કારણ કે મારે જે ખમીર બતાવવું જોઇતું હતું તે બતાવી શક્યો નથી. એમ નહીં કે હું કાયર કે નબળો છું પણ હું એમના જેવો નિર્લજ્જ કે અસામાજિક પણ બની શકતો નથી. મૂળમાં તો ક્રૂર રાજસી તાકાત સામે થવા માટે જોઈએ શિંગડાં. આ શિંગડાં ક્યાંથી લાવવાં?” જાતિનો પૂર્વગ્રહ મૂઢ માર જેવો છે. ઘા કશે દેખાય નહીં પણ માર પડતો હોય તે જાણે કે ક્યાં કળતર થાય છે.

તમારો ઉપરી ચિંતક હોય, ઇતિહાસકાર હોય, માર્ક્સવાદી હોય, જાતિભેદમાં ન માનતો હોય, પદ્મશ્રી હોય…. તેમ છતાં એક પછાત આદિવાસીને કચડી નાખવા માટેના બધા કાવાદવામાં સામેલ થાય કે કેમે કરીને આની નોકરી છૂટી જાય… તો આવો જ આર્તનાદ ફૂટે ને?

 “આદિવાસી થઈને આ જગ્યાએ…?” વાંધો જગ્યા સામે તો કોઈને ન હોય. વાંધો તો આદિવાસી સામે હોય. “હું તો કઈં ન બોલું” ભાગ્યેન્દ્ર કહેશે. અરે, તમને કોણે શીખવ્યું કે તમારે હંમેશાં નરમ રહેવું જોઈએ? ભાગ્યેન્દ્ર ભોઠું હસી નાખે. મને કદાચ ખબર છે કે કોણે એમને શીખવ્યું કે આદિવાસીએ હંમેશાં નરમ, નમતા રહેવું જોઇએ.

 એમણે પહેલી વાર સ્થિર અવાજે પોતાના બાળપણની વાત કરી ત્યારે મને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. આટલો સંઘર્ષ? શા માટે? મને મારા સંઘર્ષ યાદ આવ્યા, તુલના કરી તો મને લાગ્યું કે હું તો જમીન પર હતો ત્યાંથી ઉપર ચડ્યો. આ શખ્સે તો પહેલાં ખાડામાંથી જમીન પર આવવાનો, અને પછી ઉપર જવાનો સંઘર્ષ કર્યો. અમે બન્નેએ દોડવાનું શરૂ કર્યું ત્યારે એક અદૃશ્ય અવાજ મને તો દસ ડગલાં આગળ લઈ ગયોઃ “ભઇલા, તું અહીંથી દોડજે, નહીંતર, પેલો છે ને ભાગ્યેન્દ્ર? એ તારાથી આગળ નીકળી જશે…!”

 અમારા સંબંધની વાત કરૂં તો, અમે બન્ને તકવાદી છીએ. જરૂર પ્રમાણે ગુરુચેલાની ખુરશીઓની અદલાબદલી કરતા રહીએ છીએ.! 

 

56 thoughts on “Reservation and/or Madaayattam to paurusham”

  1. અદભૂત જીવન . એકી શ્વાસે વાંચી ગયો. મન મહોરી ઊઠ્યું . હજારો ચર્ચાઓ કરતાં આવાં જીવનો લોકો વાંચતા થાય તો?
    આવી જ એક કોમેન્ટ મને મળી હતી. વાંચશો તો આંખ ભીની થઈ જશે.
    http://gadyasoor.wordpress.com/2008/03/29/first_salary/#comment-3310
    તેમનો પરિચય મારા બ્લોગ મઢાવવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. મદદ કરશો ને?

    1. ચિરાગ, તમે એક વાર લખ્યું હતું કે તમે જે વિસ્તારમાં રહ્યા ત્યાં ઘણા લોકો આગળ આવ્યા છે. આપણે એમને ‘આગળ આવેલા’ તો જોઈએ છીએ પણ એની પાછળનો સંઘર્ષ ભૂતકાળમાં ચાલ્યો ગયો હોય છે એટલે એ નથી દેખાતો.આ સંઘર્ષ દેખાડવાનો મારો પ્રયાસ રહ્યો છે.’અંતહીન બાલચન્દ્ર’ લેખમાં પણ એ જ છે. ક્યારેક માણસ હારી જાય, ક્યારેક જીતી જાય, પણ સંઘર્ષનું રૂપ બદલાતું નથી.

  2. વાહ ભાઇ વાહ
    આટલો સુંદર લેખ આટલો મોડો કેમ પ્રસિધ્ધ કર્યો.?
    આ તો અમારા પ્રદેશની વાત.ભિનારની વાત આવે અને શિક્ષંણ જગતમા શ્રી કલ્યાણભાઇ બાબરભાઇ પટેલને. શિક્ષક તરીકેની આવી સરસ કામગીરી, ફરજનિષ્ઠા, તેજસ્વિતા, સાદાઇ, પરિશ્રમ, પ્રામાણિકતા, સ્વચ્છતા, દક્ષતા, વહીવટી કુશળતા જેવા ઉમદા ગુણોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા કલ્યાણભાઇને સને ૧૯૭૬માં તે સમયના રાજ્યપાલ શ્રી કે.કે.વિશ્વનાથનના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.તેઓ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતી નઇ તાલીમના કાયમી આમંત્રિત સભ્ય છે. આ ઉપરાંત આશ્રમશાળા અને ઉત્તર બુનિયાદી પગલાં સમિતિના સભ્ય છે . ૧૯૫૨ની ચુંટણીમા ચુંટાયેલા અને મીનીસ્ટર બહાદુરભાઇ પટેલ પણ અહીંના.આજના ભાગ્યેન્દ્ર પટેલ ના જીવન માટૅ
    धृष्टं धृष्टं पुनरपि पुनः चन्दनं चारुगन्धं
    छिन्नं छिन्नं पुनरपि पुनः चेक्षुदण्डं रसालम् ।
    दग्धं दग्धं पुनरपि पुनः कांचनं ताप्तवर्णम्
    प्राणान्तेऽपि प्रकृतिविकृति र्जायते नोत्तमानाम् ॥ કહેવાય.આમેય અમારા આ વિભાગમા ધૂડિયા,ચૌધરી,ગામિત ઇ અને બ્રાહ્મણ,વાણિયા .કણબી પટેલો વચ્ચે ભેદભાવ ઓછો છે.છતા જાતિનો પૂર્વગ્રહ મૂઢ માર જેવો છે…એ વાત શરમજનક છે જ. આ અંગે ખૂબ
    પ્રયત્ન થયો છે .હજુ વધુ થવો જોઇએ.
    યાદ આવે ૧૯૫૮ની એક રાત્રે અમે બળદગાડીમા જતા હતા અને ભિનાર પસાર કર્યાં બાદ બળદના કંઠે બાંધેલ ઘુઘરીનો અવાજ બંધ થયો.થોડા વખત બાદ હાંકવાનુ શરુ કરતા, તેમને પૂછતા તે ધુડિયા રતનજીકાકાએ કહ્યું કે કુત્તરખડિયું જતુ હતુ એટલે બળદ જ ઉભા રહ્યા હતા.
    આમ વાઘને કુતરા જેમ રમાડનારી પ્રજા તરી જશે જ

    1. પ્રજ્ઞાબેન,
      લેખ આખી શ્રેણીમાં આ ક્રમમાં જ બંધબેસતો થતો હતો. ્જુગલભાઈના હીમ્ચકા પર લટકતા ટુવાલ અને અરવિંદભાઈના બ્લૉગ પર ગાંધીજીના સત્ય અંગેના કથનમાંથી લેખમાળા જન્મી. અસમાનતા, મયંક પરમારના લેખમાં આક્રોશ અને તર્ક, તે પછી ‘અંતહીન બાલચન્દ્ર’ અને હવે મદાયત્તં તુ પૌરુષમ્. બન્ને લેખનો સાર અનામત લેનારાની કઠણાઈઓ છે અને ભાઈ મયંકના લેખમાં અનામતની આવશ્યકતા દેખાડી છે તો બાલચન્દ્ર અને ભાગ્યેન્દ્રની કથા દ્વારા એ સ્પષ્ટ થાય છે કે અનામત તો નાનું પગલું છે.ઘણું કરવાનું છે, આપણી માનસિકતાનો સવાલ ઊભો થાય છે. ભાઈ મયંકના તર્ક સામે તર્ક આવે ખરા, પણ આ બે જીવન? જીવન પોતે જ જીવનનો તર્ક છે.

      ત્મારૂં આ વ્કાય ગમ્યું – “આમ વાઘને કુતરા જેમ રમાડનારી પ્રજા તરી જશે જ”.

  3. મિત્રો,
    આ બધી વક્કલની કરામત છે. કુદરતે તો દરેક વસ્તુ વક્કલ પ્રમાણે બનાવી પણ આપણે સભ્ય થવા માટે માણસોના વક્કલને ભુલવા માગીએ છીએ. પણ સરકારો ક્યાં ભુલવાદે એમ છે. જનમ થાતા જ વક્કલ લખાવી દેવા નો. આ ભામણનુ છોકરુ કે ભંગીનુ. વળી ધરમ પ્રમાણેય વક્કલ લખાવવાનો. સરકારોને કોણ હમજાવે કે વક્કલ ફળોમા કે શાકભાજીમા હોય. વક્કલ પ્રમાણે ભાવ આવે ઍટલે વક્કલ પાડે નહિતો ખેડુતો નવરા નથી કે વક્કલ પાડે. આ નવરી સરકાર નખ્ખોદ વાળે છ.

    1. ભારોડિયાભાઈ,
      સરકારો રાજકીય પક્ષો બનાવે અને રાજકીય પક્ષો વોટ માટે બધું કરે. આપણે શા માટે માનીએ? આપણા મનમાં હોય એટલે જ રાજકીય પક્ષો ફાવતા હોય છે ને?

      હું શ્રી જીતુભાઈના બ્લોગ પરથી તમારા બ્લૉગ પર પહોંચ્યો હતો પણ હજી તમે ‘અબાઉટ’ ભર્યું નથી એટલે કૉમેન્ટ વિના – અને લેખો વાંચીને – પાછો આવ્યો.

      1. તમે ગુગલમા બહુ રખડતા નથી લાગતા. ગુગલની ગલીઓ, અમુક એવી ડેન્જર છે કે તમે જાઓ તો ખબર પડે. સરકારોની પોલિસીને કારણે નફરત ફેલાણી છે. હિન્દુ ભગવા બની ગયા છે, મુસ્લિમ કટુઆ અને આંબેડકરવાદી કોટા બની ગયા છે. અને એવી ભુંડાબોલી ગાળોનો વરસાદ બોલાવે છે કે વાત નહી પૂછો.
        એ આપણી સાથે અને આપણે એની વચ્ચે રહેતા હોઈએ પછી ભુલાય કઈ રીતે ?
        અબાઉટ લખી નાખુ છે.

  4. ના પાડવા માગતા હોય તો પણ હા પાડી દે! ખરેખર ના પાડે ત્યારે અપરાધ કરતાં પકડાઈ જતા હોય એમ ના પાડે.
    પછાત માણસ પોતાની અમુક સફળતાનો સંતોષ વ્યક્ત કરે તો પણ સંપન્ન લોકો એને ‘બડાશ’ ગણે છે
    આ શિંગડાં ક્યાંથી લાવવાં?” જાતિનો પૂર્વગ્રહ મૂઢ માર જેવો છે. ઘા કશે દેખાય નહીં પણ માર પડતો હોય તે જાણે કે ક્યાં કળતર થાય છે.
    ભઇલા, તું અહીંથી દોડજે, નહીંતર, પેલો છે ને ભાગ્યેન્દ્ર? એ તારાથી આગળ નીકળી જશે…!

    એક એકથી ચડીયાતાં વાક્યોમાં એક “આદીમ’વાસી” અને એક ખુટલ બની ગયેલી સંસ્કૃતિની વાર્તા સંભળાય છે. આ ‘વાર્તા’ એક એવી ચીસ છે જે ભાગ્યે જ ક્યાંય સંભળાય છે. ભીતરમાં જ ઉઠતી ને ભીતરમાં જ ભંડારાઈ જતી આ ચીસ જ ક્યારેક સૌના કાન ફાડી નાખશે. (આશા રાખું કે મારા આ છેલ્લા વાક્યમાંનો ભવીષ્યકાળ વહેલી તકે વર્તમાનકાળ બની રહે !)

    1. શ્રી જુગલભાઈ, સામાજિક શોષણ તો છે જ. હવે નવી આર્થિક વ્યવસ્થાને કારણે દરેક દુખિયો, બીજા દુખિયાને પોતાનો હરીફ માનતો થઈ જશે. તે પછી ચીસો જ રહેવાની છે. જે લોકો આજે સાધનસંપન્ન છે અને દુનિયાને જોતા નથી, એમણે વિચારવાનું છે.

  5. ભાગ્યેન્દ્રભાઈ સાથે આછો પરિચય છે, પણ તેમની આ સંઘર્ષકથા તમે લખી ન હોત તો જાણવા ન મળત.
    સરકાર કે રાજકીય પક્ષો જે કરે એ, મનમાંથી આ ભેદભાવ નીકળશે નહીં ત્યાં સુધી કોઈને દોષ દેવો નકામો છે. આવા લેખો એ દિશામાં વિચાર પ્રેરવાનું કામ કરે તોય ઘણું. ‘જરૂર પ્રમાણે ગુરુચેલાની ખુરશીઓની અદલાબદલી કરતા રહીએ છીએ.’ આ વાક્ય બહુ સૂચક છે.

    1. બીરેનભાઈ,
      કેટલાંક કામો એ મારી પાસેથી શીખ્યા અને કેટલાંક કામો હું એમની પાસેથી શીખ્યો! એમાં મને ઉંમર અને પદનો લાભ પણ મળ્યો. એટલે હું પૂછું કે “આ કેમ થાય?” તો એને ભાગ્યેન્દ્ર આજ્ઞા માને!

  6. salute, salute, salute..Guru-chelane..banne janita chhe, sathe kaam karvanu sadbhagya malyu chhe. Bhagyendrabhaini vaat emna modhe sambhali chhe,tyare atli areraati nahoti anubhavi, aa Dipakbhai na shabdoni takat chhe. sahityakar ganaavta, so called Gujarati motai chukya, kadach mansai bhulya ke pachhi….shabd nahi vapri shakun, ochap ganashe! Anamatno laabh bija chori jaay chhe eno jaat anubhav kahu: 1 sakhi ( not sc/st) , bhaina 12th maan ochha taka avya..nakli cast certi. banavine admission lidhu! engineer thaya, ne have vadaai mare chhe! jene nafarat karo, eno labh ke bhag kevi rite lai shako?
    1 prashna B. bhai satheni vaatma yaad chhe: gorbapa janme nicha ganata lok na paisa paani ni anjali chhanti ne lai le, pavitra or swikarva layak thai gaya gane! to e lokone y anjali chhantine kem paase nathi leta k swikarta? koi paase ano javab nahi hoy..dukhad..sharam janak..have pisht-pinjan joie…

  7. આદરણીય દીપકભાઈ
    આપના બ્લોગ પર, ભલે મોડેથી તો મોડેથી,પણ ભાગ્યેન્દ્રભાઈની હૃદયદ્રાવક સંઘર્ષ કહાણીને સ્થાન મળ્યું તે વિશેષ આનંદની વાત છે. સપાટી પરથી ઊંચે આવવું અને ખાડામાંથી સપાટી પર આવીને ઊંચે ચડવામાં ખરેખર હાંફી જવાય છે.ભાગ્યેન્દ્રભાઈના પુરુષાર્થને સલામ! આપની લેખન શૈલીને સલામ. બ્લોગ વાંચીને અભિપ્રાય લખી પ્રોત્સાહન આપનાર સૌ સુજ્ઞજનોનો પણ આભાર.

  8. When I started reading, thoguht Dipak is writing a story, (in conventional sense of the word.) Only at the end it came out it was a life- story. Knowing Shri Bhagyendra Patel – one way parichay ( I know him and he does not) – the impact was more.

    1. લાઇફ સ્ટોરી પોતે જ કોઈ સ્ટોરી કરતાં વધારે પ્રબળ હોય છે. આમ છતાં, મેં આમાં ભાવનાઓને બાકાત રાખી છે, માત્ર જે બન્યું તેનું જ વર્ણન અલંકાર રહિત ભાષામાં લખ્યું છે. એમનું મંતવ્ય કે અનામતનો લાભ લેનારા કરતાં એનો ગેરલાભ લેનારા બીજા ઘણા હોય છે. માત્ર અનામત જગ્યાએ આવે એટલા જ કારણસર નફરત? માણસને માણસ તરીકે મૂલવવાનો જ નહીં?

  9. દીપકભાઈ ,
    ખુબ જ સરસ લેખ હતો ,વાંચવાની મજા આવી ,,બે વખત વાંચું ત્યારે ખબર પડી ,,આદિવાસી સાથે કદી પણ અછુત નો વ્યવહાર નથી થયો ,,ચાત પણ સમાજ માં હજી પણ એમનું સન્માન નથી ,,,હજી પણ દરેક ક્ષેત્ર માં તેમનું પ્રતિનિધિત્વ નહીવત બરાબર જ છે ,,ભાઈ ની વાત ખુબ જ પ્રેરણા રૂપ છે ,,ચાત પણ એમ થાય છે ઘણી વાર કે આ બધું ક્યાં સુધી રહેવાનું છે ,,લોકો ના મન માં સમાનતા ક્યારે આવશે ,,?એના માટે કોને પ્રથમ પ્રયાસ કરવો પડશે ?,,,સવારનો એ કે પછી પછાતો એ,,હજી પણ આદિવાસી લોકો પર ખુબ જ જુલમો થઇ રહ્યા છે ,,કપડાનું ,રહેવાનું આ બધી હજી પણ તેમના માટે સમસ્યાઓ ઓછી છે કે ત્યાં પછી નવી અસમાનતા ની ?..

    1. દલિતો અને આદિવાસીઓ વચ્ચે આ ફેર છે જ. આમ છતાં એમનું સન્માન નથી. માત્ર સાડાસાત ટકા જગ્યાઓ એમના માટે અનામત છે તો પણ લોકો સહન કરી શકતા નથી.

    2. જાતિવાદ સમાજના માનસમા તો છે સાથે સાથે મણસના લોહી માં પણ છે. આપણે કહીએ છીએ કે માણસ એની જાત પર જાય. સાચી વાત છે. અમુક જાતીનો ચોરી કરવાનોં જ ધંધો છે. ગમે એટલા સુધારો, જાત પર જાય જ .
      કોઇ હિરાના વેપારી ને પૂછો. એકદમ સાચો જવાબ આપશે. પટેલ અને વાણિયા સિવાય બીજાનો ભરોસો નહી કરે. ભલે તે ગુજરાતી હોય કે મારવાડી. એને વિતી ગઈ હોય છે. કોઇ જાત પર જઈ પડિકા લઈને જ ગાયબ થઈ જાય તો કોઇ જાત પ્રમાણે ગળે સીધી ચાકુ લગાવે.
      મહારાષ્ટ્રમા ક્ષત્રિયો નહોતા. તો પેશવાઓએ નીચેની જાતિના લોકોને સરદારો કે સુબાઓ બનાવવા પડતા. ગાયકવાડ અને સિન્ધિયા નીચેની જાતિના હતા. ગાયકવાડ સારા નિકળ્યા અને સિંધિયા થી ઉંચા પણ હતા. સારા કામો કર્યા. સિંધિયા હજામ જાતિના હતા, એમણે હજામપણુ બતાવી દિધુ ૧૮૫૭ ની લડાઈ માં. અંગ્રેજોને સાથ આપી પોતાના માલિક પેશવાઓને દગો કર્યો અને ઝાંસીની રાણીને મારવામાં મદદ કરી.
      અમુક જાતિઓ પહેલેથી જ આળસુ છે. તો ગરીબ અને આદીવાસી રહી જાય એમાં નવાઈ નથી. અને એ બીજા લોકોને નડવામાય પછા આળસુ એટલે કોઇને નડતા પણ નથી.
      ઉંચી કહેવાતી જાતી મહેનતુ હતી . આ જાતિઓએ આર્થિક અને બુધ્ધિનો વિકાસ પણ કરી લિધો.
      નીચેની જાતિમાં સ્વબળે ઉભી થયેલી વિભૂતિઓ કેટલી અને ઉપરની જાતિમાં ઉભી થએલી વિભૂતિ કેટલી ?
      ગાર્ડિ સાહેબ જેવો સામાન્ય વકિલ દરરોજના એક લાખ રુપિયા નુ દાન આપવાનુ વ્રત રાખે એ એમની વાણિયાની જાતના સંસ્કારને કારણે.
      સમય ની થપાટો ખાઈ ખાઈને જ સમાજ સુધતો બગડતો હોય છે. તત્કાલિન બુધ્ધિજીવીઓ એનું લોહી ભલે બાળ્યા કરે. કોઇ ફરક નો પડે.

      1. પરિસ્થિતિ બદલાય તો માણસ બદલાય. તમારા પ્રતિભાવના જવાબમાં આ લિંક ટાંકું છું.
        http://bharodiya.wordpress.com/2012/08/05/%E0%AA%AE%E0%AA%9C%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%B0/ આ તો તમે જ લખ્યું છે ને?
        ગરીબાઈનાં કારણો વ્યક્તિગત લાયકાત કે ગેરલાયકાતમાં નથી હોતાં, સામાજિક વ્યવસ્થામાં હોય છે. સમાનતાની વાત કરવી એ બુદ્ધિવાદ નથી. એ બાયોલૉજિકલ સત્ય છે. જીન્સ એકસમાન હોય તો પણ સામાજિક સંયોગો જુદા જુદા રસ્તે લઈ જાય છે. જેમણે હિંસામાં કશું ગુમાવવાનું હોય તે હિંસા નહીં કરે, પણ જેની પાસે નહાવા નિચોવવાનું ન હોય તેને શું? એને મન મરવું-મારવું એક છે. મઝાક-મશ્કરીમાં તો હું પણ કહેતો હોઉં છું -“પાકો વાણિયો છે”. ” અ્ક્કલનો જાટ છે”, વગેરે. પરંતુ આ તો એક જૂથની સામાજિક ટેવોને કારણે કરાતું વર્ગીકરણ છે. તમારી વાત પરથી તો એવું લાગે છે કે વાણિયો કે પટેલ અથવા કોઈ સવર્ણ કદી’જાત ઉપર’ જા્ય જ નહી. ‘જાત ઉપર’ જવાનું દૂષણ માત્ર દલિત, આદિવાસી કે કાંટિયા વરણમાં હોય. આ ‘જાત ઉપર જવા’ની વ્યાખ્યા કોણે નક્કી કરી? તમે કે એમણે?
        બીજી બાજુ આજે શ્રીમંત પરિવારોના નબીરાઓ માત્ર મોજ ખાતર અપરાધ કરે છે અને પૈસાને જોરે છૂટી પણ જાય છે. ગરીબ માણસ જામીન ન આપી શકવાને કારણે જેલમાં કેસ ચાલ્યા પહેલાં જ વર્ષો સુધી સબડ્યા કરે છે.મોટા ભાગે શોષણ સામાન્ય માણસને “જાત ઉપર જવા” પ્રેરે છે. આ ‘જાત’નું જેનેટિક અસ્તિત્વ છે? હોય તો, ભારતમાં છે તે બધી જાતો આખી દુનિયામાં ક્યાંક તો હોવી જોઈએ. માત્ર ભારત પર જ ભગવાનના આશીર્વાદ શા માટે ઊતર્યા છે? હીરાના વેપારીઓ દુનિયામાં બધે ઠેકાણે છે, પણ બધે ઠેકાણે પટેલ કે વાણિયા નથી એ હકીકત છે.

        1. પહેલે ક્યાં જાત હતી, દિપક ભાઈ ? સાગમટે બધા ઢોર જ હતા. પોત પોતાની બુધ્ધિથી અલગ અલગ ધંધા કરવા લાગ્યા. માણસ જાતે જ જાત બતાવી દીધી, જજમેન્ટ આપી આપીને.આ સારુ અને આ ખરાબ. આ ધંધો ઉંચો અને આ નીચો. કોઇએ વિચાર્યુ નહી કે જેને જે આવડે એ કરે. એમાં કાંઇ ઉંચુ નીચુ નો હોય. આંખનો ફરક હતો. આંખે કિધુ કે આ ધંધો નિચો એટલે એ ધંધાવાળા નીચા. આંખે કિધુ આ ધંધો ઉંચો તો ધંધાવાળ પણ ઉંચા. આ ભેદ સમય જાતા આપો આપ ચાલુ થઈ ગયો. નામ ચડાવી દિધુ કોઇ મનુ નામના કાલ્પનિક રાજા સાથે. આ ભેદ ધર્મ સાથે પણ જોડી દીધો જેથી બધા અહોભાવથી,આસાનીથી સ્વિકારી લે. કોઇ ઝગડા નો થાય.
          બેચાર હજાર વરસ સુધી આ ભેદ ચાલ્યો આવતો હોય તો દિલ દિમાગ અને જીન્સમા ઉતરી જ જાય. ઉંચ હોય કે નીચ હોય. બંન્ને જાત બતાવે. અત્યારે આ \”જાત બતાવવી\” એ મોટુ હથિયાર છે સિસ્ટમનુ. આ હથિયાર થી ગમે તેવી મજબૂત પ્રજાને પરાસ્થ કરી શકાય અને આ વસ્તુનો ઉપયોગ આપણને કંટ્રોલ કરનારા સારી રીતે કરી રહ્યા છે. આપણી ઉપર ક્યારે નવો મનુવાદ ઠોકી બેસાર્યો એની આપણને ખબર પણ નથી પડવા દીધી.
          શું તને એમ માનો કે અનામત થી અમુક જાતિને આગળ લાવવાનો હેતુ છે ? બિલકુલ નહી. કોણ આગળ જાય કોણ પાછળ જાય એની સાથે સિસ્ટમ ને કોઇ લેવાદેવા નથી. ભેદ મજબૂત બનવો જોઈએ, નફરત ફેલાવી જોઈએ જેથી પજા વહેંચાયેલી રહે. સિસ્ટમ સામે બળવો કરવાની તાકાત ન રહે. જેની ફેવર કરી હોય એ પ્રજા ગુલામની જેમ સિસ્ટમની પડખે ઉભી રહે. આજે આ વસ્તુ ચોખ્ખી દેખાઈ આવે છે.
          મેં આ પણ લખ્યું હતુ દિપકભાઈ.
          —એક એનાથી ‘મરે’ છે ને બીજો એનાથી ‘રમે’ છે !!— આ જ સનાતન સત્ય છે. મનુવાદ આના પર આધારિત હતો. આજનો, અમિર ગરીબ વાળો નવો મનુવાદ પણ આના પર જ આધારિત છે. જગત નુ કોઇ કોઇ પણ અર્થ તંત્ર આના વગર ચાલી જ ન શકે. સામ્યવાદે આના થી દૂર જાવાની કોશીશ કરી જોઈ. પણ પાછા આમા જ આવવુ પડ્યુ.
          આજના પદપદાવેલા અર્થ તંત્રમાં સહુને શેઠ કે ધનવાન થવું થાવું છે જે શક્ય નથી. ૫-૧૦ ટકા જ થઈ શકે. બધા જ સેઠ થઈ જાય તો એક બીજાનો નોકર કોણ બને. મજુરી કોણ કરે. ધન આવવા થી માણસ કોંટામા આવે, મજબૂત બને, કઈ સરકારને મજબૂત નગરીકની જરૂર છે ? એને તો બસ ગુલામ જેવા, ગધેડાની જેમ કામ કરવા વાળાની જ જરૂર છે.
          આજ યુરોપ અને અમેરિકા તકલિફમાં છે એનુ કારણ ત્યાં ગઢેડા જેવી જનતા ઓછી છે, બધાને મોટા ધંધા કે સફેદ કોલરની નોકરી જોઈએ. ચાલી એની ભક્તિ થોડો સમય, એ લોકોએ ભારત જેવા દેશોને જ ગઢેડા માની લીધા અને એની પાસે મજુરી કરાવી લીધી. પણ ભારતમાં એના સ્પર્ધક તયાર થઈ ગયા અને પ્રજામાંથી પણ ગધેડા ઓછા થવા લાગ્યા.
          મેં જાત બતાવી દેવાનું જે લખ્યું છે એ ગાળના રુપમા નથી લખ્યુ. બહોળા અર્થમા લેશો તો આકરુ નહી લાગે.
          તમે લખો છો.
          —જીન્સ એકસમાન હોય તો પણ સામાજિક સંયોગો જુદા જુદા રસ્તે લઈ જાય છે.–
          વાત સાચી છે પણ શોર્ટ ટર્મ માટે. લાંબા ગાળે એ પાણીની જેમ એની સપાટી શોધી જ લે.
          ભાઈ ઉંચ નિચ, ગરીબ અમીર બધા જ જાત બતાવે. નિચેનાનો જ દાખલો આપ્યો એટલે ખોટુ લાગ્યુ હોય તો ઉપરનાનો દાખલો આપૂ. કેશુ બાપો અત્યારે શું કરે છે ? જાત ઉપરજ ગયો ને ? માધવસિંહ સોલંકી પછી ગુજરાતમાં જાતીવાદ નહોતો. કેશુબાપો જાતિવાદ લાવી રહ્યા છે. સૌથી ઉપરની જાત, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જાત બતાવી દિધી. એના હોદ્દાને મળેલા બધા ઈનામ રાષ્ટ્રપતિ ભવનના મુજિયમ માંથી ઉપાડી ઘરભેગા કરી દિધા. હોબાળો થયો તો કહે ભાડે લિધા છે એની કોલેજ માટે. નવભારત ટાઈમ્સ માં એ સમાચારની ખાલી કોમેંટ જ વાંચી લે જો ખબર પડે લશ્કર ક્યાં લડે છે. જાત બતાવી શબ્દ તો વેજિટેરિયન ગણાય.
          શ્રીમંત પરિવારોના નબીરાઓ તો એની પૈસાદાર લોકોની જાત બતાવે છે. એ જાત એવુ માને છે કે આખી દુનિયા એના ખીસ્સામા છે. અને ભ્રષ્ટાચારને કારણે એની વાત સાચી પણ પડે છે. મરેલ સરકારને કારણે આવુ થાય છે. કાયદા કડક હોય તો આવું નો થાય.
          તમે શોષણની વાત કરી. ભાઈ, ભારતના વિકાસના પાયામાં જ શોષણ છે. ઓછા પગારે પ્રોડક્ટ બનાવી કાળા બજારમાં વેચવી એ કંપનિયોનો મંત્ર છે. એક બાજુ મજુરનું શોષણ બીજી બાજુ વપરાશકર્તાનું શોષણ. તો જ નફો નિકળે, તો જ સરકારી આંકડા મા વિકાસદર ઉપર જાય.
          આ શોષણ માટે સામાન્ય માણસો સામુહિક રીતે “જાત ઉપર જવા” કોશીશ કરતા રહે છે પણ વ્યક્તિગત જાતો ફંટાઈ જવાથી કોશીશ ફેલ જાય છે.
          મેં હિરાની વાત ભારતના સંદર્ભમા કરી છે. ખાતરી કરવી હોય તો કોઇ હિરાવાળાને પૂછે લે જો. અને અપવાદ તો બધે હોય. માણસ શું આખા રાજ્યની વાત સાંભળો. એક બંગાળી મિત્રને એક હિરાના કારખાનુ જોવામાટે લઈ ગયો. ખુલ્લા દરવાજે બધા કામ કરતા હતા. માલિક પાસે પડેલા જથ્થાની કિમત સાંભલી પેલો આભો જ થઈ ગયો. આટલા લાખનો માલ અને તમે ખૂલ્લા બેસીને કામ કરો છે. અમારા બંગાળમા તો તમે લૂટાઈ જ જાવ. ૧૯૮૩ની વાત છે. એ વખતે સિક્યુરિટીની જરૂર નહોતી, એ લોકોને. બિહારી કારીગરો આવ્યા પછી સિક્યુરિટીની જરૂર પડી.
          હકિકતો બહુ કડવી હોય છે ભાઈ, આદર્શવાદનું લિપણ લગાવવાની કોશીશ કરી શકીએ એનાથી વધારે કાંઈ થઈ શકે નહી.

      2. મિત્ર ભરોડીયા ,
        હું પણ દીપક ભાઈ ની વાત થી સહમંત છુ,,તમે તો જાની શું બોલું છો કે નીચી જાતિ જ પોતાની જાત બતાવે ,,,,હજામ જાતિ એ અંગ્રેજો ના પક્ષે રહીને લડ્યા એટલે જાત બતાવી એમ કઈ રીતે કહી શકો ?…
        ”અમુક જાતિઓ પહેલેથી જ આળસુ છે. તો ગરીબ અને આદીવાસી રહી જાય એમાં નવાઈ નથી. અને એ બીજા લોકોને નડવામાય પછા આળસુ એટલે કોઇને નડતા પણ નથી.
        ઉંચી ”

        ગરીબ અને આદિવાસી આળસ ના કરને રહી જાય એ વાડી તમે કયું લોજીક લાવ્યા ,,,આદિવાસી જ દેશ નો પ્રથમ નાગરિક છે ના ભૂલવું જોઈએ ,નહિ કે કોઈ સવર્ણ ?…અને આદિવાસી પોતાના બળે ઉભો પણ થાય પણ સવર્ણો અને અખો સમાજ તેને નીચો પડવાની રેસ માં આવી જાય છે …
        તમારા માટે તમે કોને બુદ્ધિજીવી કહો છો એ પણ સમજાવશો

        1. ભાઈ આદીવાસી શબ્દ માટે હું જ લડ્યો છું મિડિયાવાળા સાથે. આપણાજ સમય કાળમા જન્મેલા માણસો આદીવાસી કેમ હોય શકે ? શહેર થી દૂર વસે છે, ગરીબ છે, જુના રિવાજ પાળે છે એથી આદીવાસી નથી બની જતા. આદીવાસી શબ્દખોટી રીતે નિકળી જાય છે બધાના મોઢા માંથી. આદીવાસી જાતિ નથી એમા બીજી જાતિઓ હોય છે. અને મેં જે આળસુ શબ્દ વાપર્યા એ શબ્દો મને ગોધરા બાજુના કહેવાતા આદીવાસી ગામના એમના જ સમાજના વિદ્યાર્થીએ કહેલા. મહુડો મળે પછી ખાવાની પણ ફિકર નહી અમારા લોકોને. મેં જોયુ, નાના બધા આપડી જેવા કપડા પહેરે, બુઢિયા લંગોટી ભર. હવે ગયા હશે ઉપર. હવે ગામ સુધરી ગયુ હશે. હવે સવર્ણ અસવર્ણનુ કાંઈ નથી જે છે એ સ્વાર્થની લડાઈ છે. એને કેમ બંધ કરશો ?

        2. ” Jaat par javun” should mean actually “to reveal one’s true colours.” “Jaat” actually means “self”, the individual characteristics – and that should not offend anybody. It is applicable to a person who can be from any caste and not to a whole caste or class. I have heard the term being used in this sense too. If an ill-natured person reveals his bad nature, people say, “jaat par gayo”.

  10. મને એ જ સમજાતું નથી ! – કરસનદાસ માણેક

    મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
    ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

    ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
    તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

    ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
    ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

    દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
    લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

    કામધેનુને જડે ના એક સૂકું તણખલું
    ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

    છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
    ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

    ભારોડીયાભાઈની વાતો ગળે ઉતરે તેવી નથી.

    હકીકત તેવી છે કે પટેલો અને વાણીયાઓ બીજા કોઈને હિરાના ધંધામાં પ્રવેશવા દેતાં નથી. આમેય વાણીયાઓએ તેમને મનગમતા વેપાર પર એકહથ્થું શાસન રાખવાનો પ્રયાસ સૈકાઓથી કર્યો છે. પાટીદારોના લોહીમાંયે મુખ્યત્વે ખેતી અને વેપાર વણાયેલો છે. કોઈ પણ કાર્યમાં કોઈનેય યોગ્ય તાલીમ આપવામાં આવે અને જો તે પ્રયાસ કરે તો જરુર સફળ થઈ શકે.

    વર્ણ વ્યવસ્થા એક પ્રકારની સમાજ વ્યવસ્થા જાળવવા માટે શરુ કરવામાં આવી હોય. તેના ઉદ્દેશ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે અનુકુળ હોય. હવે સમાજમાં આમૂલ પરિવર્તન આવી ગયાં છે. તે વખતની રાજ્ય વ્યવસ્થા અને સાંપ્રત રાજ્ય વ્યવસ્થા તો ધરમૂળથી બદલાઈ ગઈ છે. દેશ વિદેશની ટેકનોલોજી, સંસ્કૃતિ, વિકૃતિ, સમાચાર સઘળું થોડાં સમયમાં એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય છે.

    આ પરિસ્થિતિમાં જન્મને આધારે કોઈના કાર્ય નક્કી ન થઈ શકે. જેને જેવા રસ અને રુચી હોય તેવા કાર્યો શીખે તો સફળ થઈ શકે. કોઈ પણ બાબતમાં અગ્રેસર થવા માટે જન્મ નહીં પણ આવડત, તાલીમ અને લાયકાત અગત્યના ગણાવા જોઈએ.

    ભાગ્યેન્દ્રભાઈ કુશળ છે, તેમના કાર્યમાં હોંશીયાર છે, નમ્ર છે, સરળ છે અને છતાં તેમને તેમના કાર્યને બદલે તેમના જન્મના આધારે મૂલવવામાં આવે તે માનવતાનું અપમાન છે.

    સ્વામી વિવેકાનંદ કહેતાં કે બીજા દેશમાંથી કોઈ પણ વ્યક્તિ અમેરિકા જશે તો તેના સ્વાભિમાનમાં ધરખમ વધારો થઈ જશે. તે ગર્વથી કહેશે કે હું અમેરિકન છું. આપણે ત્યાં ભારતિય હોવાનું ગર્વ તો કોઈ અનુભવતાં નથી પણ અન્યને ગૌરવ વિહોણાં બનાવી દેવામાં યે લોકો પાછી પાની કરતાં નથી.

    દેશને આગળ લાવવો હોય તો માણસમાં સ્વાભિમાન જગાડવું પડશે.

  11. અતુલભાઈ
    હિરાનો ધંધો વિશિષ્ટ ધંધો છે. ગુજરાત અને ઈજરાઈલ સિવાય જગતના બીજા કોઇ દેશમા નથી. ચીનમા આપડા લોકો ધંધો લઈ ગયા. એટલુ જીણું કાંતવાનું હોય કે કંટાળાથી માથુ ફટી જાય. બીજી પ્રજા તો એમ જ કહે આના કરતા તો લોઢા લેવા સારા.
    વાણિયા કે પટેલ બીજાને અટકાવે એવું નથી. એમને કારીગરોની જરૂર તો છે. કારીગર લેવલે તો બધા જ લોકો છે. પહેલે નોતા ટકતા હવે બેકારીને કારણે ટકી ગયા. ઉપરના લેવલ માં જે લોકો લેણ દેણનો વ્યવહાર સમજતા સમજતા હોય અને હિરાની કિમત પારખી શકતા હોય તેવા જ લોકો ચાલે. હિરાનો ધંધો બિલ વગરનો માત્ર વિશ્વાસ પર ચાલે છે. લાખો કરોડોનો માલ ખીસ્સામા લઈને માણસ ઓફિસ ની બહાર નિકળી જાય તો આપનાર વેપારીને ચિંતા તો થાય જ કે એ માલ પ્રોસેસ કરી પાછો જમા કરાવવા આવશે કે નહી. ચાર ચાર મહિના ના વાયદે માલ વેચવાનો પૈસા આવશે કે કેમ એ પણ અલગ ચિંતા. વેપારી બધા માણસોનો ભરોસો કરવા લાગે તો એને ઉઠવાનો વારો આવે. વિશ્વાસુ માણસો હોય તોય લોકો ખોટુ કામ કરી નાખે છે અને પાછળના બધાને ઉઠવાના વારા આવી જાય છે.
    —-દેશને આગળ લાવવો હોય તો માણસમાં સ્વાભિમાન જગાડવું પડશે.—-
    આ તમારી વાત સાચી છે. પણ આસપાસ નજર કરિએ ત્યારે લાગે કે હવે કાઈ થઈ શકે એમ નથી. રોટલા આગળ સ્વાભિમાન હારી ગયુ છે.

    1. શ્રી ભારોડીયાભાઈ,

      આપ ભાવનગરના છો જાણીને આનંદ થયો. આપની અત્યારની ભાષા ભાવનગરી ભાષા નથી. કુરુક્ષેત્ર બ્લોગ વધારે વાંચતા લાગો છો. આપના લખાણમાં તેની છાંટ વર્તાય છે.

      રોટલા આગળ સ્વાભિમાન કદી ન હારે. રોટલો શરીરની જરુરીયાત છે. જ્યારે સ્વાભિમાન શરીર કરતાં ક્યાંયે ઉંચી બાબત છે.

      રોટલાને કારણે લાચારી આવે પણ સ્વાભિમાન ન જાય. સ્વાભિમાન માણસે ગુમાવ્યું છે આત્મવિશ્વાસના અભાવે. આત્મવિશ્વાસ જેનામાં જાગ્રત થઈ જાય તે સ્વાભિમાન ગુમાવી બેઠો હોય તો પાછું મેળવે અને જેનામાં આત્મવિશ્વાસ જાગ્રત હોય તે કદી સ્વાભિમાન ન ગુમાવે.

      સ્વાભિમાની વ્યક્તિ આત્મસન્માનની સાથે અન્યનું સન્માન પણ જાળવવાની તકેદારી રાખે કારણ કે તે જાણતો હોય છે કે સ્વની જેમ અન્યને પણ પોતાનું સ્વમાન વહાલું જ હોય.

      વાત આડે પાટે ચડી ગઈ છે તેથી અહીં અટકું.

  12. અતુલભાઈ
    મેં ૨૦-૨૨ વરસે ભાવનગર છોડી દિધેલુ. એટલે પાક્કી કાઠિયાવાડી ભુલાઈ એ વભાવિક છે. કુરુક્ષેત્રને જોઈને જ મને લાગ્યુ કે ગુજરાતીમાં વિદ્વાનો વિદ્વાનો પડ્યા છે. પછી તો ખજાનો જોયો. પહેલા, સ્ટાર્ટિંગમા ફોટાના, કવિતાના અને ભજન સંગ્રહ જેવી સાઈટ જોયેલી. પણ એ કામની નહોતી. કુરુક્ષેત્રના પરિચય પછી જ હુ ગુજરાતી મા આવ્યો.
    — રોટલા આગળ સ્વાભિમાન કદી ન હારે. રોટલો શરીરની જરુરીયાત છે. જ્યારે સ્વાભિમાન શરીર કરતાં ક્યાંયે ઉંચી બાબત છે.—–
    આનુ ખરુ કારણ મેં વ્યંગમાં લખ્યુ છે. સમય મળે તો ” વફાદારીનુ વાસણ” જોઈ લેજો મારા બ્લોગ માંથી.
    હકિકતમાં સ્વભિમાનની કિમત સ્વભિમાની લોકોને હોય ગુલામને ન હોય. ભારતની જ વાત નથી. દુનિયા ભરમા માણસ ગુલામ બને એવી કોશીશ કરવામાં આવી રહી છે. પહેલા હથિયાર હતુ રાજનુ અને ધરમનુ. હવે આવ્યુ છે અર્થ તંત્રનુ. ગરીબ મિત્રનો ભાવ ન પૂછવો અને અમીર મિત્રને લળી લળી લાગુ પાય. શો મતલબ થયો ?

    1. ગરીબ મિત્રનો ભાવ ન પૂછવો અને અમીર મિત્રને લળી લળી લાગુ પાય. શો મતલબ થયો ?

      શ્રી ભારોડીયાભાઈ,

      અહીં બ્લોગ કે સાઈટ પર લોકો about માં ગરીબ છે કે અમીર તેવું લખતાં નથી. કોણ ગરીબ છે અને કોણ અમીર છે તેની આપણને કેવી રીતે ખબર પડે? મારી વાત કરતાં હો તો મેં તો વિષય વસ્તુને આધારે લોકોને પ્રતિભાવ આપ્યાં છે.

      તમે મને જાણ કરશો કે ક્યાં ગરીબ મિત્રો ભાવ પુછાયા વગરના રહી ગયા છે તો તેમનો યે ભાવ પુછીશું.

  13. તમેં કાંઈક બીજુ સમજ્યા લાગો છો. મેં સામાજિક વાત કરી.
    —ગરીબ મિત્રનો ભાવ ન પૂછવો અને અમીર મિત્રને લળી લળી લાગુ પાય. શો મતલબ થયો ?—જવાબ મારે જ આપવાનો ? તો આ રહ્યો. માણસ પૈસાનો ગુલામ બની ગયો છે. મિત્રો બેઠા હોય એમાં ધનિક મિત્ર આવી ચડે તો બધાનું રિએક્શન કેવુ હોય અને કોઇ ગરીબ મિત્ર આવે તો રિએ્ક્શન કેવુ હોય તે જો જો. ભલે બધા પાક્કા દોસ્ત હોય, ભલે કોઇને કોઇ પાસે થી લઈ લેવાનું ન હોય, પણ ફરક તો પડશે જ.

    1. આપે સાચી વાત કહી. માણસ પૈસાનો ગુલામ બની ગયો છે.

      કારણ? પૈસા વગર ક્યો વ્યવહાર થશે? આ ઈન્ટરનેટ પર પ્રતિભાવ આપવો હોય તો યે પૈસા જોઈએ. સુલભ શૌચાલયમાં કુદરતી હાજતે જવું હોય તો યે પૈસા જોઈએ. જન્મથી લઈને નનામી સુધી પૈસા જોઈએ. આજેય માત્ર તેવા લોકો જ સ્વાભિમાની હશે કે જેમની આવક કરતાં જરુરીયાત ઓછી હશે. સર્વ વિનિમયનું માધ્યમ પૈસાને બનાવી દેવાને લીધે આ હાલત થઈ છે.

      પહેલા તેવું નહોતું ગુરુકુળોને રાજાઓ અનુદાન આપતાં અને ગુરુકુળોમાં મફત રહેણાંક સાથે શિક્ષણ અપાતું. સમાજ વ્યવસ્થા ચલાવવાની અને પદ્ધતિસરનો ન્યાય કરવાની રાજ્ય પાસે સત્તા હતી. આજે તો શિક્ષણ મેળવવું હોય તો યે પૈસા અને ન્યાય મેળવવા માટે પ્રયાસ કરવો હોય તોયે પૈસા.

      હું ખરેખર તેમ જ સમજ્યો હતો કે આપે મારી ઉપર વ્યક્તિગત આક્ષેપ કર્યો છે. આમે ય હજુ આપને સમજતાં મને થોડો સમય તો લાગશે ને?

  14. દીપકભાઈ,
    સુંદર લાગણીસભર મનની બારી ઉગાડનાર લેખ . આપનો બ્લોગ શરુ આતથી વાંચું છું, પરંતુ કોમેન્ટ પહેલી વાર કરું છું.આશા છે કે અનામત ને લીધે પોતાને ઘોર અન્યાય થયો છે અને તેનું કારણ પછાત જાતી છે, તેવું માનનાર આપના બ્લોગ મિત્રો ને ખબર પડશે કે અનામાર પ્રથા નાબુદ કરતા પહેલા વર્ણ વ્યવસ્થા નાબુદ કરવી જરૂરી છે. એક
    આડ વાત. છ વર્ષ થી અમેરિકા વસવાટ કરું છું.અમેરીકાન સાથે વાત કરતા દરેક વ્યક્તિ બે બાબત નો ઉલ્લેખ જરૂર કરે
    .૧) ગાંધીજી નો ભારોભાર આદર થી અને ૨)હિંદુ ધર્મ ની વર્ણ વ્યવસ્થાની કઈક અણગમાથી. ભારત માં બહુમતી જુદું વિચારે છે
    આજે પણ આપને ગાંધીજી ને દોષિત માનીએ છે અને વર્ણ વ્યવસ્થા માટે ગર્વ અનુભવીએ છે .
    કેતન

    1. કેતનભાઈ, સ્વાગત – અને તે સાથે એક ફરિયાદ! શા માટે માત્ર પહેલી વાર કૉમેન્ટ લખી અને આના પહેલાં કેમ ન લખી?
      અનામત વિશે મારા વિચારો પણ રાજકીય હતા. એટલે કે હું પણ દલિતો અને આદિવાસીઓ માટે સંપૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં અનામતને માત્ર રાજકીય હથિયાર માનતો હતો. મૅરિટ વગેરે પ્રશ્નો મારા મનમાં પણ રહેતા. મને થતું કે સરકાર રાજકીય લાભ માટે અનામત ટકાવી બેઠી છે અને દલિતો પણ હવે એનો રાજકીય ઉપયોગ કરે છે. જો કે હું અનામતનો સમર્થક જ રહ્યો. અમેરિકાનો પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનનો સિદ્ધાંત પણ ગમતો. પરંતુ આ બધું બૌદ્ધિક સ્તરે હતું બાલચન્દ્ર અને ભાગ્યેન્દ્ર જેવી ઘટનાઓએ મારી બૌદ્ધિક પ્રતિક્રિયાનું રૂપ જ બદલી નાખ્યું. હવે હું માનું છું કે અનામત તો માત્ર એક નાનું ડગલું ચે. અને એનો પણ વિરોધ થાય છે!
      તમે ગાંધીજી અને વર્ણવ્યવસ્થા વિશે અમેરિકનો અને ભારતીયોના પ્રતિભાવ વચ્ચેના આભજમીનના અંતર તરફ ધ્યાન દોર્યું છે, તે કડવું સત્ય છે. દુઃખદાયક તો હોય જ.

      1. કેતનભાઈની વાત ધ્યાન ખેંચે છે. આ બન્ને બાબતોમાં સાવ ઉલટાસુલટી છે. વર્ણવ્યવસ્થા માટે આપણે ત્યાં પણ આવો અણગમો ક્યારે જાગશે ?!

        બાય ધ વે, આજથી દિલ્હીમાં મોટી પ્રક્રીયા આંદોલીત થઈ રહી છે. દીપકભાઈ એના સાક્ષી બની શકશે…..આમાંથી જ કશુંક નવું સર્જાવાની શક્યતા મને દેખાય છે. રામદેવજીને સાચી સફળતા મળે તેવી આશા સાથે…..

        1. જે વ્યક્તિ જે પરિસ્થિતિમાં રહેતી હોય તે ખરાબ હોય તો યે તેને માફક આવી જાય છે. સદીઓથી આ વ્યવસ્થામાં રહેવાને લીધે તેમાં દોષો હોવા છતાં યે તે ચાલી આવે છે. હવે ધીરે ધીરે થોડાક લોકોમાં થોડો થોડો વર્ણવ્યવસ્થાને માટે અણગમો આવતો દેખાય છે.

          અમેરીકામાં જ્યારે રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા બન્યાં ત્યારે કેટલાક લોકોએ લેખ લખ્યાં અને હર્ષનાદો કર્યાં કે એક અશ્વેત વ્યક્તિ અમેરીકાની પ્રમુખ બની.

          આજે આપણે શું જોઈએ છીએ? એક પાગલ વ્યક્તિ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક લોકોની હત્યા કરે છે. કારણ? તો કહે છે કે ગોરાઓ મહાન છે અને કાળાઓમાં મહાનતા હોઈ જ ન શકે.

          ભારતીયો અને ગોરી પ્રજા આ ઘટના વિશે કેવી પ્રતિક્રીયા આપશે? ભારતીયો વખોડશે. કેટલાંક ગોરાઓ ખોટે ખોટી વખોડશે પણ અંદરખાનેથી તો તેમ જ માનતા હશે કે ગોરાઓ જ મહાન છે.

          બાહ્ય સપાટી પરના ભેદ આંતરિક એકત્વની પૂર્ણ સમજણ આપવાથી અને તેનું વ્યાપક શિક્ષણ આપવાથી જ માત્ર દૂર કરી શકાય.

      2. દિપકભાઈ નમસ્કાર
        બીપીએલની મને ખબર નથી. એ જાતિવાદ છે કે પછી ગરીબ વર્ગ. પણ આ લોકો વરંવાર ખરિદાઈ જાય છે. મોબાઈલ સાથે ૨૦૦ નો ટોક ટાઈમ ફ્રી. શું આટલી જ વેલ્યુ એમની કે ખરિદાય જાય. કે પછી બુધ્ધિ જ નથી કે વસ્તુ તો લઈ લેવાની (ફોગટ મળતી હોય તો શું કામ મુકવાની) પણ મત આપડી ઈચ્છા થી આપવા.
        મોબાઈ આપવા સામે ૧૮ ટકા લાઈટબીલ વધર્યુ અને દુધનો ભાવ વધારવાની ધમકી પણ આપી દિધી. મોબાઈલ તો ચાર્જ કરવો પડશે અને જેના વગર ચાલી જાતુ હતુ એના માટે હવે ફોનબીલ પણ આપવું પડશે.
        દેશની પથારી ફેરવનારા તુષ્ટિકરણ ને શું માન શો. આમા તો સારી સરકારો આવે જ નહી.

        1. મોબાઇલ ગરીબો માટે નથી. મોબાઇલ કંપનીઓ મફત નથી આપવાની. સરકાર એમને પૈસા ચૂકવશે. ફાયદો કંપનીઓને છે. આમાં ભ્રષ્ટાચાર પણ હોઈ શકે છે. અન્ના હઝારેના આંદોલનમાં પોલિસી નક્કી થવાના તબક્કે થતા ભ્રષ્ટાચાર પર ધ્યાન નથી અપાયું.પોલિસીના અમલ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર જ ધ્યાન આપવાથી કઈં વળે નહીં. આ મોબાઇલ નીતિ ગરીબો માટૅ નથી.

  15. પ્રજાના પૈસા મન પડે તેમ ખાઈ જવાના અને તે ય પાછા ગરીબ / દલિત અને પછાત લોકોના નામે. અભણ અને સદાયે તકલીફમાં રહેતા લોકોને તો તેમ જ થાય કે સરકાર માઈ બાપ અમને આ બધું આપે છે. જો જાગૃત નાગરિકો વિરોધ કરે તો તેમને તેમ લાગે કે તેઓ ગરીબ વિરોધી છે.

    હવે લાગે છે કે એક લાફાથી કામ નહીં ચાલે.

    1. अगर थप्पड मारने हैं, अगर देश के लिए कोइ जजबा है तो ईस फोरम में आ जाईए । अगला देढ साल बहुत क्रिटिकल है देश के लिए । ये देढ साल तय करेगा भारत का भविष्य । विद्वानों की जरूरत है राष्ट्रप्रेमी लडनेवालों को । आज वो चौराहे पे आ गये हैं । ये चौराहा है मोदी,रामदेव,अन्ना और भ्रष्टसरकार । किसे सपोर्ट करे कीसे नही, सब बंट गये हैं ।
      http://www.jagranjunction.com/
      મિત્રો, જોશમાં ને જોશમા હિન્દીમાં લખાઈ ગયુ. દિપકભાઈના માધ્યમ થી સહુને આ ફોરમમાં જોડાવા આમંત્રણ આપુ છુ. દેશના બધા ખૂણામાંથી, બધી જ જાતના લેખક લડવૈયા ભેગા થયા છે. ગુજરાતી કોઇ દેખાતા નથી અથવા હોય તો ઈશારોય નથી કરતા કે હુંય ગુજરાતી છુ. જાત જાતના મુદ્દાઓ આવતા હોય છે. ક્યારે ક ગુજરાતને ન્યાત બહાર કરે ત્યારે હું એકલો પડી જાવ છુ. કલા,સાહિત્ય, ફિલસુફી સારી રીતે થઈ શકશે જો પ્રજાની જીત થશે તો.

  16. Atulbhai,
    where you get the information regarding Wisconsin shooter? Because American authority is still clueless about his motive.
    Barack Obama would not be a president if MAJORITY Americans are rescist. And yes, they also discuss about their slavery and color discrimination, but not with pride. Now everybody change the subject and discuss about government, poverty and corruption

    1. શ્રી કેતનભાઈ,

      અમને તો મીડીયા જે કહે તે વાંચવાનું હોય. ભારતિય મીડીયા અમેરીકન ઓથોરીટી કરતાં યે હોંશીયાર હોય છે. ઓથોરીટીને જે ખબર ન હોય તે તેમને ખબર પડી જાય. કેટલાયે લોકોના જીવન ચરિત્રો મીડીયાવાળા લખી નાખતા હોય છે અને જેનું ચરિત્ર લેખન થયું હોય તે ય વિચારમાં પડી જાય કે શું આવું આવું જીવન હું જીવ્યો હોઈશ?

      વિશ્વમાં દરેક સ્થળોએ વિચારોમાં પરિવર્તન આવી રહ્યાં છે પણ જો તેને નક્કર સ્વરુપ આપવું હોય તો જેના ને તેના ગુમડાં ખોતર્યા કરવાને બદલે મલમ લગાડતાં શીખવું પડશે.

      તકલીફ બધાને છે, માત્ર દરેકના સ્વરુપ જુદા જુદા છે.

  17. મોબાઈલની વાતે બેત્રણ વાત કહેવાય. સૌ પ્રેમથી લઈ લેશે. પણ એના ખર્ચ અંગે કોઈ ફરીયાદ નહીં કરે; કંપનીઓને તો જેટલા કૉલ થશે એટલાનો લાભ થવાનો જ છે; કરોડ મોબાઈલની ખરીદીમાંથી ખીસ્સાં ભરાશે…

    આ બધી ભેટયોજનાઓ ગરીબોને ઘેનમાં (વધુ સારો શબ્દ તો ‘કૉમામાં’) નાખી દેવાની છે. અકસ્માતો વગેરે સમયે રોકડા પૈસા વહેંચવામાં આવે છે એનોય કેટલો દુરુપયોગ થતો હશે, કોને ખબર ?! આ ગરીબ દેશમાં ક્રિકેટ પણ નશો જ છે. ક્રિકેટરો રમવા કરતાં જાહેરાતોમાં વધુ ધ્યાન આપે છે. પેલાને સરકારે પદ્મશ્રીનો ઍવોર્ડ આપ્યો ત્યારે લેવા માટે પણ તે ગયો નહીં !! આવા ‘રમત’વીરો આ દેશમાં છે.

    સિનેમાની તો વાત જ થાય તેમ નથી ! પેલો મહાનાયક કહેતો હતો કે સિનેમાએ દેશમાં હિંસા શીખવાડી નથી ! બોલો. નાનું છોકરુંય ઢીશુમ્ ઢીશુમ્ કરતું થાય ને મહાનાયક કહે કે અમે હિંસા શીખવતા નથી !

    તદ્દન ઓછાં કપડાં પહેરવાં, વાતવાતમાં આંખો મીચકારવી; અનેકની સાથે લફરાં કરીને એની સ્ટોરીઓ જાહેર થાય તેનું ગૌરવ લેવું; નટી ને નટનાં લગ્ની વાતો અનેક પાત્રો સાથે વર્ષો સુધી ચાલ્યાં કરે ને આ બધું દેશનો ગરીબ માણ્યાં કરે !!

    આ બધી એવી ચોકલેટો છે જે ચગળ્યા જ કરવાની છે. રસના ઘુંટડા જે ગળા નીચે ઊતરે છે તે પોતાની જ લાળ છે, ને ચોકલેટનું તો કશું જ પેટમાં જતું નથી એનીય ખબર ગરીબને પડતી નથી. દારુબંધી કદાચેય અમલમાં લાવી શકાશે પણ ક્રિકેટ ને ફિલ્મોનો નશો કોણ ને શી રીતે અટકાવી શકશે ?

    હવે મોબાઈલ દ્વારા જાતજાતની યોજનાઓ કંપનીઓ ફોન દ્વારા ગરીબોને માથે મારશે….

    જય હો ! સત્યમેવ જયતે !

    1. आमां शुं થશે ? વ્યંગની વાત છે સિરિયસ નથી. એમ.એમે એક સાથી ઘણા પંખી માર્યા. ઈકોનોમી વેગ આપવો એ એમનો મનપસંદ વિષય છે. મોબાઈલ હોય તો માણ્સ કોંટામાં રહે ભલે અડધી રોટલી ઓછી મળે. અને ગરીબનો માલિક પણ ફોન કરી કરી ને ગરીબને કામચોર નહી થવા દે. ઉભા પગે રાખશે. એટલે કાર્યક્ષમતા વધશે. બધુ કામ કરતા માણ્સ ને ફોનબીલ જેટલો વધારે પગાર આપવો પોસાય. બધાનુ સારુ સારુ થાય એમ.એમને મત મળે, ગરીબ ફોનવાળા થાય, ફોનવાળાને ઘરાક મળે. વિકાસને વેગ મળે. અને વિકાસ તો ગધાસવારી( મજુર ) કરીને જ આવે. અમેરિકાનો વિકાસ અટકી ગયો કેમ કે ત્યા ગધ્ધાવૈતરુ કરવાવાળા નથી રહયા. બધા લોકો સાહેબ બની ગયા છે. અને એ સાહેબોનો બોજોય પાછા આપડા ગડેડાની પીઠ પર, એમ.એમ જેવા ગુલામોને કારણે.

  18. જય ભીમ
    ભાગ્યેન્દ્ર ભાઈની આ કથા હજું ઘણી અધૂરી છે. આ સંઘર્ષ ગાથાનો આરંભ છે. જો હજું આગળ આ કથા લખાય તો જાતિવાદના અંચળા નીચે સબ સલામતવાળા લોકોની પોલ ખૂલે. અહીં આવતા પ્રતિભાવોથી ભાગ્યેન્દ્રભાઈને અચૂક હિંમત મળવાની. મારી શુભેચ્છા છે કે હવે ખૂદ ભાગ્યેન્દ્ર ભાઈ પોતાની કથા પોતાની કલમે લખે.

    હરેશ પરમાર
    http://www.dalitsahitya.com

Leave a reply to hansa rathore જવાબ રદ કરો