Reservation and/or Madaayattam to paurusham

કર્ણને જાત પૂછી તો એણે હુંકાર કર્યોઃ દૈવાયત્તં તુ કુલે જન્મં, મદાયત્તં તુ પૌરુષમ્‍” જન્મ તો દૈવે આપેલા કુળમાં થયો છે, પણ મારૂં પૌરુષ મેં પોતે જ મેળવ્યું છે.

અનામત અને અસમાનતાની લેખમાળામાં આજે એક અડગ સંઘર્ષની વાત કરવી છે.

0000000

મદાયત્તમ્ તુ પૌરુષમ્

ગામ ભિનાર. તાલુકો વાંસદા. હોળીને આડે એકાદ અઠવાડિયું. છોકરાઓએ હઠ લીધી છે. આ ફેરા તો આપણા જ ફળિયાની હોળીની ઝાળ સૌથી ઊંચી હોવી જોઇએ. પાંચથી પંદરનાં બાળકો કલાર (એક જાતનું ઘાસ) કાપવા મચી પડ્યાં છે. કોઈક આમ દોડે, કોઇક તેમ. કોઈ કોથળો લઈ આવે, બીજું ભરે. અડધું વેરાય. બીજું બાળક ઠપકો આપે, અલ્યા, જોઈને નાખ! ચારે બાજુ હવાને બદલે ઉત્સાહ વાતો હતો, ત્યાં તો પાસેના એક ઘરમાંથી ચીસાચીસ વાતાવરણને આભડી ગઈ. છોકરાંઓના હાથ થંભી ગયા. હૈયાં કાંપી ઊઠ્યાં. બધું છોડીને એક દસેક વર્ષનો છોકરો ઘર તરફ દોડ્યો. ત્યાં સાંભળ્યું કે “ઝમી ગઈ…! નામ તો જમના, પણ ગામ ઓળખે ‘ઝમી’ નામથી.

“મા ક્યાં ગઈ?” આમ તો માનું જવું મોટી વાત નહોતી. મા તો દરરોજ સવારે ધાણામેથી વેચવા નીકળી જતી અને સૂરજ ડૂબે ત્યારે પાછી આવંતી– એ જતી. “વર્કિંગ વૂમન’ જેવું બિરુદ શોધાયું તે પહેલાંથી જ મા તો ‘વર્કિંગ વૂમન’ હતી! મા જાય એમાં દસ વર્ષના બાળકને એક જ આકર્ષણ હતું – એ પાછી ફરતી ત્યારે બાળકો માટે  ચણા લેતી આવતી. તો આજે ગઈ એમાં શું મોટી વાત હતી? આવી જશે! છોકરો વિચારતો હતો.

પણ મા પાછી ન આવી. સૂનમૂન થઈ ગયેલા છોકરાના મા વિનાના દિવસો શરૂ થતા હતા. મોટી બહેને ઘર તો સંભાળી લીધું પણ લાકડાં કાપી ન લાવો તો રસોઈ ન બને અને નિશાળે ન જઈ શકાય. સવારે ઊઠીને લાકડાં કાપવા જવું એ રોજનું કામ. વળી ભેંસ-બકરી ચારવા પણ જવાનું. જંગલમાં સાંજ પડવાની રાહ જોતા બેસી રહો, સાથે નિશાળની ચોપડીઓ લઈ જાઓ, વાંચ્યા કરો સાંજ પડતાં ઢોરોને ગણી લો અને ઘરે પાછા ફરો. ભણવાનું તો શરૂ જ થયું હતું અને છૂટી ગયું. બાપના મનમાં એક વસવસો. મા વગરનો દીકરો ભણી નહીં શકે. એ પણ આ કામ કરશે? ના, એ તો ન ચાલે. હે ભગવાન…!

ભગવાને સાંભળ્યું અને નાનાજીએ કહ્યુઃ “ છોકરો ભણવાનો ન હોય તો એને કામે લગાડીએ. નાના સલાહમાતાના મંદિરના પુજારી. સલાહમાતા સૌના મનના મનોરથ પૂરા કરે, દુખિયાં જણ નાના પાસે આવે. નાના મંતર ફૂંકી આપે. વાસેલું તાળું પાણીમાં બોળીને માથેથી ઉતારી આપે. પનોતી ગઈ સમજો! છોકરો જૂએ. એને નવાઈ લાગે; આમ કોઈ ઠીક થાય? “દીકરા, ઠીક તો  એની મેળે થશે. મંતર તંતર જંતર તો દેખાવના. હું એની તકલીફનો ઇલાજ ક્યાં કરૂં છું? હું તો એના મનનો ઇલાજ કરૂં છું. એને હૈયે ધરપત રહેશે કે દેવીમાએ સાજો કર્યો! હું તો આમાંથી પૈસોય કમાતો નથી ને? માણસનાં મન પાકાં થાય એ જ મારી કમાણી!”

એક દિવસ નાનાએ કહ્યું “હાલ, ઉપાડ પગ, જઈએ…” નાના વીસેક માઈલ દૂર પગપાળા લઈ ગયા, વળવાડ ગામ.  નાનાના મોટા ભાઈના દીકરા. મામા એક નાની ચાની દુકાન ચલાવે. ભાણો એમનો ત્રીજો હાથ બન્યો. કપરકાબી ધૂએ, કચરો વાળે, ઘરાકોને ચા આપે. મામા ઘરાકો માટે એક-બે છાપાં પણ મંગાવતા. ભાણિયો રોજ છાપાં સંકેલીને રાખે. છાપાં તો પસ્તીમાં વેચાય.

બાળકને ‘ફિલ્લમ’નું તો જાણે ઘેલું. જોવા તો મળે નહીં. થોડુંઘણું વાંચતાં તો આવડતું, પણ વાંચવા કરતાં વધારે રસ તો હતો ફોટાઓમાં. ફિલમવાળું પાનું અલગ કાઢીને સાચવી રાખે. ઢગલાબંધ રાજેશ ખન્નાઓ અને અમિતાભ બચ્ચનો એકઠા થઈને બાંકડા નીચે ભેરવાઈ ગયેલા હતા! છોકરો સંભાળીને કાઢે અને જોઈને પાછા રાખી દે. દુકાનમાં બીજો એક છોકરો પણ કામ કરતો. એણે મામાને કહી દીધું કે ભાણો કાગળની ચોરી કરે છે.  જુઓ, આ ફીંડલું. મામાએ કાગળોનું ફીંડલું બાંકડા નીચે અહીં  હાથ નાખીને કાઢ્યું. કોણે રાખ્યા છે? ભાણાએ ડરતાં ડરતાં  પોતાનો ગુનો કબૂલી લીધો, પણ ગુનાની સજા તો મળે જ. બીજી જ ક્ષણે ભાણિયાનો ગાલ લાલ થઈ ગયો હતો.

એક જ શોખ. એય ઉગતાંવેંત કરમાઈ ગયો. પણ મન તો ત્યાં જ અટક્યું હતું. એક વાર હાથમાં પેન્સિલ આવી ગઈ. મગજમાંથી કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી નીકળ્યાં અને કાગળ પર ઊતરી આવ્યાં. છોકરો તો રાજીનો રેડ. આ કાગળ તો ક્યાંય ફેંકાય જ નહીં! એ તો લઈને ફર્યો. ક્યાં રાખું? લઈને ફરે તો કામ કોણ કરે? એણે પાસેના ઝાડ પર ચોંટાડી દીધો.

દુકાનની પાસે એક નિશાળ હતી. માસ્તરસાહેબો નિશાળમાં ચા મંગાવે અને રિસેસમાં બહાર નીકળ્યા હોય તો દુકાને પણ આવે.  એક વાર બે-ત્રણ માસ્તરસાહેબો દુકાને આવ્યા. એકનું ધ્યાન ગયું ઝાડ પર ટિંગાતા અમિતાભ બચ્ચન પર. “ આ કોણે બનાવ્યું છે?” મામાએ ભાણા સામે આંગળી ચીંધી. “વાહ, ટાબરિયો હોશિયાર છે!” મામાના ચહેરા પર પણ ગર્વ ઝળક્યો. માસ્તરસાહેબે કહ્યું એને ભણવા મોકલો. મામાની પણ ત્રેવડ તો નહોતી જ. માસ્તરસાહેબે કહ્યું “ તમે ચિંતા ન કરો. અમે બધું કરી લેશું”

 હવે થયું ભણવાનું શરૂ. સ્ટડી-કમ-વર્ક! રિસેસમાં એ દોડતો આવે. કપ ધૂએ, ચા આપે. વળી દોડીને નિશાળ પહોંચી જાય. શિક્ષકો માયાળુ. ધ્યાન રાખે. પ્રોત્સાહન આપે. પણ હવે નિશાળનું છેલ્લું વર્ષ હતું આગળ ભણવું હોય તો બહાર જવું પડે. છોકરાને ધગશ અને હિંમત. રોજ બસમાં આવવુંજવું, એમાં ઓગણીસ રૂપિયાનો ખર્ચ. એક વાર બાપને જોઈ લીધા કે ઓગણીસ રૂપિયા પરચૂરણમાંથી વીણતા હતા! છોકરાએ મનમાં જ ગાંઠ વાળી કે પગભર થવું.

કૉલેજમાં દાખલ થયો. કોઈકે કહ્યું કે એને ઇજનેર બનાવો, પણ પહેલા જ વર્ષે નાપાસ. કલાનો જીવ. પછી પિતા કબૂલ થયા કે ભલે કલાવિદ્યાલયમાં જતો.

આપણો નાયક કૉલેજમાં પ્રવેશ માટે સૂરત પહોંચ્યો ત્યારે ગજવામાં બે રૂપિયા બચ્યા હતા. પરંતુ એક મિત્રે ધરપત બંધાવી હતી કે એ સબરસ લૉજમાં માસ્તરનું (વેઇટરનું) કામ અપાવશે. મિત્રને ત્યાં પહોંચ્યો તો એ કયાંક બહાર ગયો હતો.

બપોર સુધીનો ટાઇમ કાઢવા એ રખડવા નીકળી પડ્યો. ત્યાં એક જગ્યાએ વાંસના માંચડા પર બેસીને એક માણસ મોટા પાટિયા પર કઈંક લખતો હતો. આપણો નાયક જોવા ઊભો રહી ગયો. પેલાએ જોયુઝં કે એક જુવાનિયો રસ લે છે. એને એને બોલાવ્યો અને માંચડા ઉપર આવી જવા કહ્યું. ગળીવાળી દોરી એને પકડાવી અને પોતે જરા થાક ખાવા બેઠો. બસ. આપણા નાયકના મનમાં ધરબાયેલો પેન્ટર બહાર આવ્યો. પેલો મુખ્ય પેન્ટર તો રાજી થયો. પોતાને ઘરે લઈ ગયો. ચા-નાસ્તો કરાવ્યાં. અને પબ્લિસિટી કંપનીના માલિક સાથે ઓળખાણ કરાવી અને પોતાના મદદનીશ તરીકે નોકરી અપાવી દીધી.

એક વાર શેઠનો નોકર નહોતો આવ્યો, એટલે શેઠે આપણા નાયકને ચા બનાવવા કહ્યું. એ ચા બનાવે અને વચ્ચે ટેલીફોન રણકે એના પર વાત કરીને નંબર નોંધી લે. શેથ પાછા આવ્યા અને નંબરની ચબરખી હાથમાં લીધી. અક્ષર જોઈને છક! તરત જ એને પોતાના સ્ટાફમાં સહાયક મૅનેજર બનાવી દીધો. ચોપડા લખવાના, દિઝાઇનો બનાવવાની. આ દરમિયાન વામ્ચવાનો પણ સમય મળ્યો. સાહિત્યમાં પણ રુચિલેવા લાગ્યો, અને આમ, સો-દોઢસો ફુટનાં પાટિયાં ચીતરતાં, ચોપડા લખતાં, કવિતાઓ અને વાર્તાઓ લખતાં કૉલેજનું ભણતર પણ પૂરૂં થયું.

 આ યાત્રા અહી અટકી નહીં. એ ગુજરાતી સાહિત્યમાં એમ.એ. પણ થયો! અને પછી સારી નોકરીએ લાગી ગયો.

Xxxxxx

એ છે, ભાગ્યેન્દ્ર પટેલ. પટેલો ગરીબ ન હોય. પરંતુ પટેલ આદિવાસી પણ હોય. અને આદિવાસી ગરીબ જ હોય!  ભાગ્યેન્દ્ર દિલ્હીમાં નૅશનલ બુક ટ્રસ્ટના ગુજરાતીના ઍડિટર છે. ક્લાસ વન ઑફિસર છે. એમની સાથે મારી મુલાકાત આકાશવાણીમાં થઈ. ધીરજથી અનુવાદ કરે. ચીપી ચીપીને લખે, જાને ફિલ્મનું બોર્ડ ચીતરતા હોય! સ્પષ્ટ અવાજે સમાચાર વાંચે, શાંત, સૌમ્ય સ્વભાવ. ના પાડવા માગતા હોય તો પણ હા પાડી દે! ખરેખર ના પાડે ત્યારે અપરાધ કરતાં પકડાઈ જતા હોય એમ ના પાડે.

પછાત હોવાને કારણે નોકરી અનામત પદે મળી. ભાગ્યેન્દ્ર આ અનામત વિશે શું માને છે? એમના શબ્દોમાઃ “ પછાત માણસ પોતાની અમુક સફળતાનો સંતોષ વ્યક્ત કરે તો પણ સંપન્ન લોકો એને ‘બડાશ’ ગણે છે…સરકારે જાતિની રૂએ અને સાનાજિક અને શૈક્ષણિક પછાતનો વર્ગ બનાવીને એને સમકક્ષ બનાવવાની જોગવાઈ કરી છે, પણ એનો લાભ SC/ST લે છે તેના કરતાં વધારે તો બીજા લોકો એનો ગેરલાભ લે છે. મારો કિસ્સો એનું ઉદાહરણ છે,- ઠોસ, પાકું અને ઘૃણાપાત્ર. નિર્લજ્જ વહીવટદારો લાભથી વંચિત રાખવા જે અટકચાળાં કરે છે તે મને નથી લાગતું કે આટલી હદે કોઈ પછાત માણસ ઊતરી જતો હોય….આવા વાતાવરણમાં ટકી રહે અને નોકરી કરતો રહે એ પણ એની સિદ્ધિ ગણાય. મારી પોતાની વાતમાં,  મેં કશી જ સિદ્ધિ મેળવી નથી કારણ કે મારે જે ખમીર બતાવવું જોઇતું હતું તે બતાવી શક્યો નથી. એમ નહીં કે હું કાયર કે નબળો છું પણ હું એમના જેવો નિર્લજ્જ કે અસામાજિક પણ બની શકતો નથી. મૂળમાં તો ક્રૂર રાજસી તાકાત સામે થવા માટે જોઈએ શિંગડાં. આ શિંગડાં ક્યાંથી લાવવાં?” જાતિનો પૂર્વગ્રહ મૂઢ માર જેવો છે. ઘા કશે દેખાય નહીં પણ માર પડતો હોય તે જાણે કે ક્યાં કળતર થાય છે.

તમારો ઉપરી ચિંતક હોય, ઇતિહાસકાર હોય, માર્ક્સવાદી હોય, જાતિભેદમાં ન માનતો હોય, પદ્મશ્રી હોય…. તેમ છતાં એક પછાત આદિવાસીને કચડી નાખવા માટેના બધા કાવાદવામાં સામેલ થાય કે કેમે કરીને આની નોકરી છૂટી જાય… તો આવો જ આર્તનાદ ફૂટે ને?

 “આદિવાસી થઈને આ જગ્યાએ…?” વાંધો જગ્યા સામે તો કોઈને ન હોય. વાંધો તો આદિવાસી સામે હોય. “હું તો કઈં ન બોલું” ભાગ્યેન્દ્ર કહેશે. અરે, તમને કોણે શીખવ્યું કે તમારે હંમેશાં નરમ રહેવું જોઈએ? ભાગ્યેન્દ્ર ભોઠું હસી નાખે. મને કદાચ ખબર છે કે કોણે એમને શીખવ્યું કે આદિવાસીએ હંમેશાં નરમ, નમતા રહેવું જોઇએ.

 એમણે પહેલી વાર સ્થિર અવાજે પોતાના બાળપણની વાત કરી ત્યારે મને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. આટલો સંઘર્ષ? શા માટે? મને મારા સંઘર્ષ યાદ આવ્યા, તુલના કરી તો મને લાગ્યું કે હું તો જમીન પર હતો ત્યાંથી ઉપર ચડ્યો. આ શખ્સે તો પહેલાં ખાડામાંથી જમીન પર આવવાનો, અને પછી ઉપર જવાનો સંઘર્ષ કર્યો. અમે બન્નેએ દોડવાનું શરૂ કર્યું ત્યારે એક અદૃશ્ય અવાજ મને તો દસ ડગલાં આગળ લઈ ગયોઃ “ભઇલા, તું અહીંથી દોડજે, નહીંતર, પેલો છે ને ભાગ્યેન્દ્ર? એ તારાથી આગળ નીકળી જશે…!”

 અમારા સંબંધની વાત કરૂં તો, અમે બન્ને તકવાદી છીએ. જરૂર પ્રમાણે ગુરુચેલાની ખુરશીઓની અદલાબદલી કરતા રહીએ છીએ.! 

 

%d bloggers like this: