My comment on”Reservation: A Debate”

ભાઈ મયંકનો લેખ ઘણા વાચકો સુધી પહોંચ્યો. વિચારપ્રેરક  ટિપ્પણીઓ પણ મળી. એના પર મારો પ્રતિભાવ અહીં એક સત્યઘટના દ્વારા રજુ કરૂં છું.

અંતહીન બાલચન્દ્ર

બાલચન્દ્ર મારો મિત્ર. ૧૯૮૯માં મને હાયર ગ્રેડ મળ્યો તે પછી તરત જ એની નીમણૂક પણ એ જ ગ્રેડમાં થઈ – અને તે પણ અનુસૂચિત જાતિ માટેની અનામત પોસ્ટ પર. આ બાબતમાં બીજા સાથીઓમાં ભારે અસંતોષની ભાવના હતી. વર્ષોથી સૌ નોકરી કરતા હોય અને ઓચિંતા જ સરકાર પ્રમોશનની પોસ્ટને અનામત જાહેર કરી દે એ વાતનો સૌને ભારે રંજ હતો. ઘણાં વર્ષોની નોકરીવાળા બધા જૂનિયર થઈ ગયા! બાલચન્દ્ર સાથેના સૌના સંબંધો પર પણ આ વાતની અસર દેખાતી હતી.

અમે એક જ રૂમમાં સાથે બેસતા અને સૌ સવારની ડ્યૂટીમાં કામ શરૂ કરતાં પહેલાં સાથે જ કૅન્ટીનમાં ચા પીવા જતા. એને કામમાં અમુક તકલીફ પડતી, જે નવાસવા માટે સ્વાભાવિક ગણાય. વખત જતાં અમે નજીક આવ્યા. હું સીનિયર, એટલે એ પોતાની કામ અંગેની તકલીફો મને કહે. આમ એક વિશ્વાસ બંધાયો એટલે એ અંગત વાતો પણ કહેતો થયો. શક્ય હોય ત્યાં સુધી સલાહ આપું અને વાત ત્યાં પૂરી થઈ જાય.

એ કર્ણાટકના એક નાના ગામનો વતની. ઍનાઉંસર તરીકે સિલેક્ટ થઈને બંગળૂરુ આવ્યો અને પછી દિલ્હી આવ્યો. વાતવાતમાં એના કુટુંબની સ્થિતિ જાણવા મળી. એના કુટુંબમાં એ સૌથી મોટો ભાઈ અને એ જ ભણી શક્યો. કાં તો બીજા કોઈને રુચિ નહીં હોય અથવા સંજોગો જ એવા નહીં હોય કે બધા ભણી શકે. પરંતુ ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકે એની જવાબદારી હતી. અને ઘરમાં કમાણીનું સાધન? છાણાં બનાવીને વેચવાનું! આમાં મોટા કુટુંબનું ગુજરાન કેમ ચાલે?

પારાવાર ગરીબાઇ અને એના જ કારણે ગળે વળગેલી નિરક્ષરતાના આ સંજોગોમાં કુટુંબનો એક દીકરો ન્યૂઝ રીડર બનીને દિલ્હી જાય અને રેડિયા પરથી બોલે, એ વાતનો કુટુંબને ગર્વ થયો હશે કે કેમ, પરંતુ દીકરો હવે દસ હજાર રૂપિયા કરતાં પણ વધારે કમાય છે, એ વાતે સૌને સંતોષ જરૂર થયો હશે. હાશ… હવે કઈંક સુખના દહાડા જોવા મળશે. એ નિયમિત રીતે દિલ્હીના ખર્ચા બાદ કરીને ઘરને મદદ મોકલતો રહેતો. ઘરમાં પૈસાની બહુ જ જરૂર.

કુટુંબને ઓરતા પણ હોય; દીકરાને પરણાવવો છે. બાલચન્દ્ર પણ પરણી ગયો. એક શિક્ષિત, સુશીલ છોકરી સાથે એનો ઘરસંસાર શરૂ થયો. હવે સ્થિતિ એવી કે છોકરી પણ ગરીબ ઘરની. દક્ષિણ ભારતના રિવાજ મુજબ, બાલચન્દ્રના મામાની જ દીકરી હતી. પત્નીએ કહ્યું કે મારાં માબાપને પણ મદદ કરો. બાલચન્દ્રે હિસાબ દેખાડી દીધો. મદદ કરાય એવી સ્થિતિ જ નથી! બસ, પછી શું? લગ્નનાં એક-બે વર્ષમાં જ કલહ શરૂ થયો. સમાધાન તરીકે એણે કરજ લેવાની શરૂઆત કરી. પણ કરજ તો પાછું વ્યાજ સાથે ચૂકવવું પણ પડે! એટલે ત્રણ સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત થઈ ગઈ. એ સાસુ-સસરાને મદદ નથી કરતો, કરજનો ભાર વધતો જાય છે, કલહ વધતો જાય છે. એવામાં એક બાળક પણ પેદા થઈ ગયું. આર્થિક ભીડ વધતી ચાલી. માબાપ સમજે કે દીકરો તો દિલ્હીમાં મોગલ બાદશાહના સિંહાસને બેઠો છે. સ્થિતિ એ આવી કે એ ઘરને મદદ કરે તે તો ઠીક, પોતાનું ઘર ચલાવી શકે એવી સ્થિતિ ન રહી. અંતે પત્ની દીકરીને લઈને ચાલી ગઈ. બાલચન્દ્ર એકલો. કરજમાંથી છૂટવા ફાંફાં મારે. પણ માણસ કળણમાંથી બહાર નીકળવાના જેટલા પ્રયત્ન કરે તેટલો જ અંદર ઊતરતો જાય. કરજ આપનાર તો જે માગો તે આપવા તૈયાર. પણ એક શરત. એને ઘરે બોલાવો; ચિકન, દારૂની પાર્ટી આપો, એ પૈસા કાપી લે અને બાકીના લોહીચૂસ વ્યાજે એના હાથમાં મૂકે.

બાલચન્દ્ર હવે પતન તરફ આગળ વધતો હતો. રોજ દારૂ પીવાની ટેવમાં સપડાઈ ગયો. દારૂ પીને તકલીફો ભૂલી જાય. પછી તો સવારે પણ પીવાનું શરૂ થયું. રાતે પીધો હોય અને સવારે હૅંગ-ઓવર હોય તે તોડવા માટે સવારે પીએ. જે માણસ શરૂઆતના દિવસોમાં મારી સામે સિગરેટ પણ ન પીતો, તે સવારે ડ્યૂટી પર આવે ત્યારે મોઢામાંથી વાસ આવતી હોય. મારી સાથે વાત કરે તો થોડો દૂર ઊભો રહે. હું પૂછું કે “તુમ પી કર આયે હો? એ ના કહે. “ નહીં, પીના છોડ દિયા હૈ…”

એક દિવસ એ બીમાર પડ્યો. કમળો થઈ ગયો હતો. પત્ની તરત પાછી આવી. સારવાર ચાલી. ખાવામાં ચરી. પીવાની મનાઈ. ચાર-છ મહિના ચાલ્યું. દારૂએ ફરી ઊથલો માર્યો અને દરદે પણ. એ હોસ્પિટલ ગયો.  ડૉક્ટરે એને પેશાબના ટેસ્ટ માટે શીશી આપી. બાલચન્દ્ર બાથરૂમમાં ગયો. બસ. પછી લાશ બનીને બીજાઓની મદદથી બહાર આવ્યો.

xxxxx

એ તો ગયો. પણ પ્રોવિડન્ટ ફંડના પૈસા તો હોય જ ને? એક બાજુ સાસુ-દીયર અને બીજી બાજુ જુવાન વિધવા. કાયદા કોઈ જાણતું હોય એવો તો સવાલ જ નહીં. માને પણ પૈસા જોઇએ. દીકરો મારો. પાળીપોષીને મેં મોટો કર્યો. દુઃખ મેં ભોગવ્યું. દીકરો ગયો, તો મારો એના પૈસા પર હક નહીં?

બધાં ઑફિસમાં પહોંચ્યાં. એક ખાલી રૂમમાં સામસામી જીભાજોડી ચાલતી હતી. બાલચન્દ્રના મિત્ર તરીકે મને બોલાવ્યો. હું એ વિચારે ગયો હતો કે જુવાન વિધવા અને એની ચાર-પાંચ વર્ષની દીકરીનું શું? નિયમમાં પણ પત્નીનો જ હક ગણાય. મને હતું કે એમને બધાંને સમજાવીશ.

હું રૂમમાં ગયો કે તરત એની વૃદ્ધ માતા મારે પગે પડી. સાડીથી મારા પગ લૂછ્યા! હું સ્તબ્ધ. તમારા મિત્રની માતાએ કદી તમારાં ચરણ લૂછ્યાં છે? પૈસા કોને મળે એ બાબતમાં મારા જે કઈં વિચાર હોય તે, પણ મિત્રની પત્ની મારા પગ પકડીને કાકલૂદી કરે, એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ એ વૃદ્ધાને પેઢી દર પેઢી મળેલા દીનતાના સંસ્કારોને કારણે હું તો એના માટે દેવતા હતો…!

xxxx

આ વાર્તા નથી, એટલે એનો અંત પણ વાર્તા જેવો નથી. ખરૂં કહું તો આ વાર્તાનો અંત છે પણ નહીં. આ એક અવિરત ચાલતી કથા છે. એ અંતહીન બાલચન્દ્ર નામની એક ઘટના માત્ર છે. સીધી સપાટ ઘટના. એટલે જ સીધી સપાટ છે, મારી ભાષા. કહી શકાય કે એક જણને અનામતનો લાભ મળ્યો તે એણે વેડફી નાખ્યો. દારૂની લતે ચડી ગયો અને  મરતાં મરતાં કુટુંબને પણ પાયમાલ કરતો ગયો. પરંતુ દરેક ઘટના અનેક ઘટનાઓની પેદાશ છે.

આજે બાલચન્દ્રનાં માતાપિતાની હાલત શી છે તેની મને ખબર નથી. એની પત્ની ક્યાં છે તે પણ ખબર નથી. દીકરી શું કરે છે તે પણ ખબર નથી. માત્ર દિલ્હીમાં એક જણના ચાલીસ હજાર ચુકવવાના રહી ગયા છે તે ખબર છે.

વિચારૂં છું કે આ શું થઈ ગયું? બાલચન્દ્રના મૃત્યુ માટે કોણ જવાબદાર? આપણે ખરા કે નહીં? દલિત કુટુંબની લાચારીમાં જન્મ જ એના મૃત્યુનું કારણ છે? કારણ કે કુટુંબ દલિત હોય છે ત્યારે એના સંજોગો પણ દલિત હોય છે. પદદલિત. છેલ્લી ઘડીએ રથ કળણમાં ખૂંપી ગયો તે પણ બીજા કોઇનો નહોતો, કર્ણનો, એક સૂતપુત્રનો જ! બાલચન્દ્રનો રથ પણ અનામતનો લાભ મળવા છતાં કળણમાં ખૂંપી ગયો. સામાજિક, આર્થિક ઉત્પીડનનાં તીરો જિંદગીભર સહન કર્યા પછી, આયુષ્યનાં છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં એ જીવન તો હારી ગયો હતો.  ૪૪ વર્ષની વયે કહેતો કે આના કરતાં સારી નોકરી ન મળી હોત તો વધારે સારૂં થાત! અનામતની તરફેણમાં કે વિરુદ્ધમાં બોલતી વખતે આપણે ઘણું નથી વિચારતા. ઘણું તો જોઈ જ નથી શકતા.  દૂરથી જ જોઈને દલિતોના ડુંગરાઓને રળિયામણા માની લઈએ છીએ.

અનામત જરૂરી છે. આર્થિક આધાર લઈએ તો પણ જે દલિત છે તે બધાનો એમાં સમાવેશ થશે. એક આખી પેઢી નીકળી જાય, નવી પેઢી પગભર થાય ત્યાં સુધી આ ટેકાની જરૂર છે. ત્યાં સુધી ન માનવું કે આ રથ કળણમાં ખૂંપે એમ નથી. અનામત જરૂરી હોવા છતાં પૂરતું નથી. જ્યાં સુધી આખા કુટુંબના જીવનસંજોગો ન સુધરે ત્યાં સુધી મોટા ભાગે તો વત્તાઓછા પ્રમાણમાં બાલચન્દ્રો જ પેદા થશે. કારણ કે અનામતના લાભ વ્યક્તિગત સ્તરે મળે છે. એવું બને કે આનો લાભ લઈને એક કુટુંબના બધા સભ્યો તરી ગયા, પણ એય નક્કી માનજો કે આવાં કુટુંબોની ટકાવારી બહુ ઓછી હશે. ધુમ્મસની જિંદગીમાંથી બહાર આવી શક્યાં હોય એવાં કુટુંબો કેટલાં? અનામત વ્યવસ્થાનો લાભ આખા કુટુંબને મળતો નથી. કારણ કે મોટા ભાગના લોકોની હાલત એવી છે કે અનામતનો પણ લાભ ન લઈ શકે. અનામતવાળી જગ્યાઓ ખાલી રહે છે તેનું આ એક મોટું કારણ છે. અને મૅરિટ?  એ તો ઘરના વાતાવરણને કારણે જ વિકસે. ઘણા પ્રતિભાશાળી ભારતીયોની દેશમાં કદર નથી થતી અને વિદેશોમાં નામ કમાય છે. આનો અર્થ એ કે મૅરિટને અનુકૂળ સંયોગો પણ મળવા જોઈએ. તે સિવાય મૅરિટ વિકસે જ નહીં.  એક છોકરા કે છોકરીને શિક્ષણ મળે, સારી નોકરી મળે તો એનાથી સમાજની સેવા જ થશે. અનામત વ્યવસ્થા આજે રાજકારણીઓના હાથનું હથિયાર છે, એ પણ સાચું. પરંતુ અંગ્રેજીમાં કહેવત છે તેમ નહાવાના ટબનું પાણી ગંદું થઈ જાય તો એની સાથે બાળકને ફેંકી ન દેવાય. ગંદા પાણીને ફેંકી દેવાની વાત કરીએ તે બરાબર છે.

આપણા સમાજમાં અનામત નવી વાત નથી. ઘણાં કામો તો હજારો વર્ષથી એમના માટે અનામત હતાં જ. એ કામો તો એમના માટે આજે પણ અનામત છે! શૂદ્રો પગમાંથી ઉત્પન્ન થયા હોય અને એમણે સેવા જ કરવી એ નક્કી હોય તો એ સેવામાં શું આવે અને શું ન આવે? આ નક્કી કરવાનો અધિકાર કોના હાથમાં છે? એ બાબતમાં શૂદ્રોનો અભિપ્રાય કદી લેવાયો હોવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આપણે જેને આપણાં કામો માનીએ છીએ તેમાં એમના માટે થોડી જગ્યા કરી આપવી એમાં કઈં ખોટું નથી. બંધારણની કલમ ૧૫(૪)માં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્કર્ષ માટે પગલાં લેવાની કોઈ સમયમર્યાદા બાંધવામાં નથી આવી.

માણસને માણસ માનીએ, સૌની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી જંપીએ નહીં. સરકારને પણ જંપવા ન દઈએ. બ્રાહ્મણ કે દલિત, પૈસાદાર ભલે ન બને, પણ ગરીબ શા માટે રહે? શા માટે ગરીબાઈ વધતી જ જાય, વકરતી જ જાય? શા માટે આ દેશના બધા નાગરિકોને   જીવનની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય તે ચલાવી લઈએ છીએ?

શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સૌનો અધિકાર છે. આજે રોજગારની તકો જ નથી. સરકારે નોકરીઓ આપવાનું બંધ કરી દીધું છે. નોકરી ન આપવાનો નિયમ તો અનામતવાળા અને અનામત વગરના, સૌને એકસરખો લાગુ પડે છે. આ દેશમાં સૌથી મોટી એમ્પ્લોયર સરકાર છે. કોઈ પણ વિકાસશીલ દેશમાં સરકારે જનતાના હિતમાં નાણાકીય વહીવટ કરવો જ જોઈએ.

આજે શી સ્થિતિ છે? નોકરીઓ નથી, શિક્ષણમાં ‘પ્રાઇવેટ’ની ખર્ચાળ બોલબાલા વધી છે, સરકારી આરોગ્ય સેવા ઘસાવા લાગી છે. બીજી બાજુ, વેપારી આપણી જાત પૂછીને ભાવો નથી કહેતો. મોંઘવારીનો માર સૌને એકસરખો સહન કરવો પડે છે. એમાં અનામત વ્યવસ્થા નથી.  આ નીતિઓ સામે અવાજ બુલંદ કરવાને બદલે અનામતને કારણે કૉલેજમાં કે નોકરીમાં જગ્યા ન મળી એમ માનવું એ સમસ્યાને આડે પાટે ચડાવ્યા જેવું છે. જરૂર છે, સૌનું જીવન સ્તર સુધારવાની. 

 

%d bloggers like this: