Rationalism in India – part 3

 રૅશનાલિઝમ ભારતમાં – ભાગ ૩

ન્યાય દર્શન – બીજો હપ્તો

ન્યાય સૂત્રઃ અધ્યાય ૧, આહ્નિક ૧ અને ૨

પહેલા હપ્તાના લેખમાં આપણે જોયું કે અક્ષપાદ ગૌતમે ન્યાયસૂત્રની રચના કરી પરંતુ વિષયની છણાવટના આધારે ઉપરોક્ત પુસ્તકના અનુવાદક સતીશ ચંદ્ર વિદ્યાભૂષણ એવા તારણ પર પહોંચ્યા છે કે એમણે માત્ર પહેલા અધ્યાયની (એનાં બે આહ્નિકોની) રચના કરી હોવી જોઇએ. બાકીનાં પ્રકરણો પાછળથી ઉમેરાયેલાં હોવાની શક્યતા છે. આથી, આપણે પણ માત્ર ન્યાયસૂત્રના પહેલા અધ્યાયનાં બે આહ્નિકો જોઈને ન્યાયદર્શન પરની વિચારણાનો બંધ વાળીશું.

પરંતુ પહેલાં ‘ન્યાય’ શબ્દનો અર્થ ફરી યાદ કરી લઈએ. ન્યાય એટલે સિદ્ધાંતની સ્થાપના તરફ લઈ જતી રીત. આથી ન્યાય સૂત્રમાં ચર્ચા વિશેની ચર્ચા છે.

આહ્નિક ૧

આમાં માત્ર વીસ ટૂંકાં વિધાનો કે સૂત્રો છે અને એમાં ચર્ચાનો ઉદ્દેશ, ચર્ચા કરવાની રીતો અને ચર્ચામાં આવતી ખામીઓ દેખાડેલી છે જે આ પ્રમાણે છેઃ

ચર્ચામાં બે પરસ્પર વિરોધી પક્ષો હોય છે. ચર્ચાનો હેતુ કાં તો સત્ય શોધવાનો અથવા વિજય મેળવવાનો હોય છે. જે પક્ષકાર માત્ર જીતવા માટે ચર્ચા કરતો હોય તે ઠપકાને પાત્ર છે. પક્ષકાર પ્રતિપક્ષ પર માત્ર હુમલા કરે તેને ‘વિતંડા’ કહેવાય. ચર્ચામાં ક્યારેક એક પક્ષ ‘હેત્વાભાસ’ એટલે કે તર્કનો દેખાવ કરતો હોય છે. એમાં દોષ અને આંતર્વિરોધ હોય છે. આવા વિકૃત તર્કનાં એક કરતાં વધારે તારણો નીકળી શકે છે.

પક્ષકાર ક્યારેક પોતાનો જ વિરોધ કરનારી દલીલ કરે છે. આને ‘વિરુદ્ધ’ કહે છે.

વળી ‘પ્રકરણસમ’ દલીલ પણ થતી હોય છે. એમાં જે પ્રશ્નનો ઉત્તર શોધવાનો હોય તે પ્રશ્ન પોતે જ ઉત્તર બનીને આવે છે. ઉદાહરણ જોઇએઃ “અવાજ અનંત નથી.” આનું કારણ? “એમાં અનંતતાનાં તત્વો નથી”. અહીં “અનંત નથી” અને “એમાં અનંતતાનાં તત્વો નથી” – એ બન્નેનો અર્થ એ જ છે. આમ જે કારણ આપ્યું તે જ સાબીત કરવાનું છે! આથી એ કારણ એની સાબીતી ન બની શકે.

એ જ રીતે એક વિચાર ‘સાધ્યસમ’ છે. એમાં જે સાબીત કરવાનું છે તે જ કારણ તરીકે રજુ કરવામાં આવ્યું હોય છે. ખરેખર તો એ કારણ પણ સાબીત કરવાનું રહે છે. દાખલા તરીકે, “પડછાયો એક પદાર્થ છે, કારણ કે એ હલનચલન કરે છે” આ કારણ સાબીત નથી થયું કે પડછાયો સ્વતંત્ર રીતે હલનચલન કરે છે.

‘કાલાતીત’ કારણ એટલે કે કારણનો સમય વીત્યા પછી એને સાબીતી તરીકે રજુ કરવામાં આવ્યું હોય તે. દાખલા તરીકે, સ્થાપના એ કરવાની છે કે “ધ્વનિ ટકે છે”. આનું કારણ અપાય તે સમય વીત્યા પછીનું છે, જેમ કે, “જેમ પ્રકાશ પડવાથી વસ્તુનો રંગ ઓળખાય છે તેમ નગારા પર થાપ પડવાથી ધ્વનિ પેદા થાય છે.” આ સાચું નથી. કારણ કે એક વસ્તુનો રંગ એના પર પ્રકાશ પડે ત્યારે દેખાય એ તો સાચું પણ પ્રકાશ ન પડ્યો હોય ત્યારે પણ રંગ હોય છે. બીજી બાજુ. જ્યારે નગારા પર થાપ પડતાં પહેલાં ત્યાં ધ્વનિ હાજર નહોતો. આમ એના કારણનું અસ્તિત્વ ન હોય તો પણ એને અસ્તિત્વમાં માની લેવા જેવું થાય છે.

આ ઉપરાંત ચર્ચામાં છળ કે ચાલાકી પણ થતી હોય છે. ‘છલ’ એટલે પક્ષની સામે પ્રતિપક્ષ એવી રીતે મૂકવો કે જાણે એ પક્ષનો વૈકલ્પિક અર્થ હોય. છલ ત્રણ પ્રકારનું છેઃ વાક્‍છળ, સામાન્ય છળ અને ઉપચાર છળ. વક્તા એક શબ્દનો અમુક અર્થ કરતો હોય પરંતુ સ્પષ્ટતાથી ન બોલ્યો હોય તો તેનાથી જાણી જોઈને જુદો અર્થ વ્યક્ત કરવો એ વાક્‍‍છળ છેઃ એક પક્ષ કહે છેઃ “ત્યાં જતાં મારા પગ ભારે થઈ ગયા”. પ્રતિપક્ષ જવાબમાં કહે છેઃ “ઓહો! તો તમારા પગ ભારે થઈ ગયા છે? પક્ષની અસાવધાનીનો લાભ લઈને પ્રતિપક્ષ ‘ગર્ભાવસ્થા’ એવો અર્થ કાઢે છે! આ વાક્છળ છે.

સામાન્ય છળ એટલે અમુક વસ્તુ શક્ય હોય તેને અશક્ય ગણાવાય તે. એટલે કે એક શબ્દ વ્યક્તિ માટે વપરાયેલો હોય તેને જાતિ માટે વાપરીને અશક્યતા દેખાડવી અને પક્ષના શબ્દના તાત્પર્યને વિકૃત કરી નાખવું. દાખલા તરીકે તમે કહ્યું કે “આ બ્રાહ્મણ જ્ઞાનવાન અને સદાચારી છે.” અહીં ‘બ્રાહ્મણ’ શબ્દ તો તમે એક વ્યક્તિને દર્શાવીને વાપર્યો છે પણ હું એનો જાતિગત અર્થ લઈને વિકૃત કરી નાખું છું અને કહું છું “એ માણસ માત્ર બ્રાહ્મણ છે એ જ કારણસર એને જ્ઞાનવાન અને સદાચારી માની લેવો બરાબર નથી.” અહીં બ્રાહ્મણ શબ્દ તમે એ અર્થમાં વાપર્યો જ નથી! વ્યક્તિગત વિધાનને સર્વસામાન્ય બનાવી દેવું એ છળ છે.

ઉપચાર છળમાં વક્તા એક શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કરે પણ સામો પક્ષ એનો માત્ર શાબ્દિક અર્થ લેતો હોય છે. દાખલા તરીકે, “પેટની આગ બધું ભસ્મ કરી દેશે.” સામો પક્ષ કહે છે કે “પેટમાં આગ લાગે જ શી રીતે?” આમ ઉપચાર છળ પણ વાક્છળથી જુદું નથી. આમ છતાં, બન્નેમાં અંતર છે. વાક્‍છળમાં માત્ર શાબ્દિક અર્થ લેવાય છે, જ્યારે ઉપચાર છળમાં શાબ્દિક અર્થ ઉપરાંત એનો ગૌણ અર્થ પણ કરાતો હોય છે.

‘જાતિ’ એટલે કે અર્થહીનતા. એમાં માત્ર સમાનતા કે અસમાનતાને આગળ ધરીને દલીલ રજુ કરવામાં આવે છે. દાખલા તરીકે એક પક્ષ કહે છેઃ “નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે, એટલે એનું દહન નથી થતું.” સામો પક્ષ આ ‘નિષ્ક્રિય’ શબ્દને પકડીને દલીલ કરે છેઃ “નાઇટ્રોજન નિષ્ક્રિય છે તો ખાતરમાં શી રીતે વપરાય છે?” આ પ્રતિપ્રશ્ન ખોટો છે કારણ કે મૂળ પક્ષે ‘નિષ્ક્રિય’ શબ્દ માત્ર દહનના સંદર્ભમાં વાપર્યો છે. આમ, નિષ્ક્રિય’ શબ્દને બધી જગ્યાએ સમાન રીતે લાગુ પાડીને દલીલમાં જીતવાનો પ્રતિપક્ષ પ્રયાસ કરે છે.

જ્યારે એક પક્ષ ખોટું સમજે (અથવા ખોટો અર્થ કરે) કે સમજે જ નહીં ત્યારે એને ઠપકો આપવાનો સમય આવી જાય છે. ઉદાહરણઃ એક પક્ષ કહે છેઃ “આગ ગરમ નથી.” બીજો પક્ષ એની સામે દલીલ કરે છેઃ “ પણ આગમાં હાથ નાખવાથી તો એ ગરમ છે એવી ખબર પડે છે!” પહેલો પક્ષ હવે ફેરવી તોળે છે અને બીજાઓને સંબોધીને કહે છેઃ “ભાઇઓ અને બહેનો, મેં એમ કહ્યું હતું કે “ હું એમ નથી કહેતો કે આગ ગરમ નથી” “આ તબક્કે એની સાથેની ચર્ચા બંધ કરવી જોઇએ, કારણ કે એણે પોતાનું કથન મારી મચડીને સુધારી નાખ્યું છે.

આમ ન્યાયસૂત્રના પહેલા અધ્યાયના પહેલા આહ્નિકમાં ચર્ચામાં ખોટી રીતે જીતવાના પ્રયત્નોની માહિતી આપવામાં આવી છે. સત્ય શોધવા માટેની ચર્ચાઓ આ દોષથી મુક્ત હોવી જોઇએ.

આહ્નિક ૨

પહેલા આહ્નિકમાં કેટલીક પ્રાથમિક સમજણ આપીને ચર્ચાનું લક્ષ્ય સ્થાપિત કર્યા પછી, અક્ષપાદ ગૌતમ બીજા આહ્નિકમાં સંશયના સંયોગો અને સંશય દૂર કરવાના ઉપાયોની અને ચર્ચાના સાર્થક આધાર અને એની સામેના વાંધાઓનો ખુલાસો કરે છે. ન્યાયસૂત્રોનો ઉદ્દેશ ચર્ચાનો તર્કબદ્ધ વિકાસ કરીને સિદ્ધાંત પર પહોંચવાનો છે, એટલે ચર્ચામાં ધ્યાનમાં રાખવાનાં કેટલાંક તત્વોની બીજા આહ્નિકમાં ચર્ચા કરેલી છે. આ આહ્નિકમાં ૬૯ સૂત્રો છે.

સંશયના નિવારણની રીતઃ

૧. બે વસ્તુના સમાન કે અસમાન ગુણોને તપાસવાથી સંશયને સ્થાન નથી રહેતું. ધારો કે ઝાંખા અજવાળામાં એક છ ફુટની આકૃતિ જુઓ તો તમને શંકા પડે કે આ માણસ છે કે ઝાડનું ઠૂંઠું? પણ એ ચાલવા લાગે તો તમે સમજી જાઓ કે એ માણસ છે. ઊંચાઈ એમનો સમાન ગુણ છે, પરંતુ હલનચલન સમાન ગુણ નથી. આમ ચર્ચામાં કોઈ પણ બે સિદ્ધાંતનાં સમાન અને અસમાન લક્ષણોની પરીક્ષા કરીને સંશય દૂર કરી શકાય. સમાન લક્ષણો બન્ને સિદ્ધાંતની એકરૂપતા દેખાડે છે અને અસમાન લક્ષણો એમને અલગ દેખાડે છે.

૨. પરંતુ બન્ને સિદ્ધાંતોના આધાર અલગ હોય તો એમાં શંકાને કારણ નથી, કારણ કે એ બન્ને જુદા જ મત છે. શાકાહાર સારો કે માંસાહાર, એ ચર્ચા જ અસ્થાને ગણાય કારણ કે બન્નેના આધાર જુદા છે.

૩. એ જ રીતે ઇન્દ્રીયની ખામીને કારણે અથવા ઇન્દ્રીયો દ્વારા જાણકારી ન મેળવી શકાતી હોય તેને કારણે પણ શંકા ઊભી થતી ન ગણાય. ઇન્દ્રીયોની કુશળતા કે અકુશળતામાંથી ઉદ્ભવતી અનિયમિતતાનો આધાર તો નિયમિતતા જ છે! એટલે અનિયમિતતા મૂળ રૂપે અસ્તિત્વમાં નથી.

૪. આ સિવાય શંકાનું કારણ ચાલુ રહે ત્યાં સુધી શંકા રહે જ; એટલે જ સમાન અને અસમાન લક્ષણોની પરીક્ષા સૌ પહેલાં કરવી જોઇએ.

ઇન્દ્રીયજન્ય અનુભવો પણ સાર્થક છે

૧. ઇન્દ્રીયજન્ય જ્ઞાનને પ્રમાણ માનતા હો તો એવો વાંધો ઊભો થાય ખરો કે તમે ભૂતકાળમાં બની ગયેલા કે ભવિષ્યમાં બનનારા બનાવને જોઈ ન શકો. પરંતુ ‘જજોઈ ન શકવું’ તેને નૈયાયિકો દોષ નથી માનતા.(ઉપર ૩ જુઓ).

૨. તે ઉપરાંત, એવો પણ વાંધો રજુ થાય કે કોઈ પદાર્થનો અનુભવ અને એના પરથી તમે તારણ કાઢો તે એકસાથે ન થઈ શકે. ફૂલનો રંગ જુઓ અને એને નામ આપો તે બન્ને જ્ઞાન અલગ પ્રકારનાં છે. આમ વિરોધી પક્ષ ઇન્દ્રીયોના અનુભવને તારણનો આધાર માનવા તૈયાર નથી! પણ નૈયાયિક કહે છે કે પદાર્થ છે, એનું અવલોકન છે અને એના પરથી તારણ નીકળ્યું છે. ઊલ્ટી પ્રક્રિયા કરો અને તારણને અવલોકન સાથે ન સાંકળો અને અવલોકનને મંજૂર ન કરો તો એનો અર્થ એ કે પદાર્થનું અસ્તિત્વ પણ તમે સ્વીકારતા નથી! તો, તમે અવલોકન અને તારણનો અસ્વીકાર કરો છો તેનો તો કોઈ આધાર (પદાર્થ) જ નથી રહેતો. આમ નૈયાયિક પદાર્થ, ઇન્દ્રીયજન્ય અનુભવ અને નિષ્કર્ષ વચ્ચે સુમેળ સાધે છે અને એ પ્રત્યક્ષ પ્રમાણને માન્યતા આપે છે.

પ્રમાણ એટલે શું?

૧. હવે સવાલ એ આવે છે કે દલીલનો આધાર પ્રમાણ (પુરાવો કે સાચું જ્ઞાન) હોવું જોઈએ. આ આધારને જ પડકાર થાય કે પ્રમાણનું પ્રમાણ શું? તમે પ્રમાણના આધારને જ ન સ્વીકારો તો તમે જે ઇન્કાર કરો છો તે કયા પ્રમાણના આધારે?આમ તમે મારા પ્રમાણનું તો પ્રમાણ પૂછો છો પણ તમારા પ્રમાણનું પ્રમાણ આપતા નથી. તમે તો મારી સામે પ્રશ્ન ખડો કરીને તમારી જ દલીલને કાપો છો! ટૂંકમાં, ચર્ચા દરમિયાન સામી વ્યક્તિના પ્રમાણનો હંમેશાં સ્વીકાર કરવો જોઈએ.

૨. જેમ એક ત્રાજવું પોતે વજન કરવાનું સાધન છે અને એનું પોતાનું પણ વજન કરી શકાય છે તે જ રીતે ઇન્દ્રીયો પ્રમાણનું સાધન છે અને અનુભવનો વિષય છે. તમે કાનથી સાંભળી શકો છો એટલે તમારા કાન પ્રમાણનું સાધન છે. પરંતુ બીજી વ્યક્તિ તમારા કાનનો આકાર જુએ છે! આ રીતે કાન ઇન્દ્રીયના અનુભવનો વિષય પણ છે. આથી ઇન્દ્રીયજન્ય પ્રમાણને નકારવાનું કોઈ કારણ નથી અને એનું પ્રમાણ માગવાનો અર્થ નથી. પ્રમાણનું સાધન પ્રમાણનો વિષય પણ છે જ. એટલે આવો સવાલ કરવો એ ગોળ ગોળ ઘૂમ્યા કરવા બરાબર છે.

૩. હવે વિરોધી એમ કહે છે કે નિરીક્ષણમાં આત્મા અને મન વગેરેને ધ્યાનમાં લીધાં નથી. નૈયાયિક જવાબ આપે છે કે એમ તો, એમાં દિશા, સ્થળ, કાળ વગેરેને પણ ધ્યાનમાં લીધાં હોય એમ જણાતું નથી, પણ એ બધું જ કહ્યા વગર ધ્યાનમાં લેવાતું હોય છે. આત્મા, મન વગેરે જ્ઞાનનાં સાધન છે. દિશા, સ્થળ, કાળ વગેરે પણ જ્ઞાન માટે મહત્વનાં છે પણ ઇન્દ્રીય દ્વારા પદાર્થનું પ્રત્યક્ષ અને વ્યક્તિગત જ્ઞાન થાય છે. આમ અક્ષપાદ ગૌતમ પ્રત્યક્ષ પ્રમાણને નિર્વિવાદ ઠરાવે છે.

પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન

૧. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વસ્તુનું (કે ઘટનાનું) અસ્તિત્વ સાબીત થાય છે. આના પરથી આપણે વધારે વ્યાપક અનુમાન કરીએ છીએ અથવા, એમ કહો કે, અમુક તારણ પર પહોંચીએ છીએ. આમ થઈ શકે છે એનું કારણ એ કે પ્રત્યક્ષ પ્રમાણ એક ‘સમગ્ર’ના અંશનો પરિચય કરાવે છે. આમ આપણે એક વ્યક્તિ (કે એક એકમ) પરથી સમષ્ટિ પર પહોંચીએ છીએ.

૨. આની સામેનો વાંધોઃ આપણે જ્યારે એમ કહીએ કે “અમે ઝાડ જોઈએ છીએ” – ત્યારે ખરેખર તો ઝાડના ભાગ જ જોતા હોઈએ છીએ. આથી ઝાડ હોવાનું જ્ઞાન તો માત્ર તારણ છે. પરંતુ એ સાચું નથી કારણ કે આંખથી સમગ્ર ઝાડનો માત્ર એક ભાગ દેખાય છે, પરંતુ એનો અર્થ એ નથી કે ઝાડ નથી. (એટલે કે ‘સમગ્ર’ નથી, માત્ર ‘ભાગ’નું જ અસ્તિત્વ હોય છે એમ માનવું ખોટું છે ). સમગ્ર એનાં અંગભૂત ઘટકો પાછળ છુપાયેલું રહે છે. ‘સમગ્ર’ વિશે શંકા કરનારાએ સમજવાનું છે કે સમગ્ર ન હોય તો કશું જ પ્રત્યક્ષ ન થાય.

૩. કેટલાક લોકો તારણને સાચા જ્ઞાનનું સાધન નથી માનતા. એમનું કહેવું છે કે તારણનો આધાર ખોટો હોઈ શકે. આ લોકો માને છે કે ‘વર્તમાનકાળ’ નથી. એક વસ્તુને તમે પડતી જુઓ છો ત્યારે એ જેટલી પડી ચૂકી છે તે એનો ભૂતકાળ છે અને હજી એ જેટલી પડવાની છે તે ભવિષ્યકાળ છે. આમ વર્તમાનકાળ માત્ર તારણ છે જેનું કોઈ પ્રમાણ નથી. નૈયાયિક એનો જવાબ આપે છે કે એ તારણ પ્રત્યક્ષ પ્રમાણના આધારે છે. વર્તમાન ન હોય તો ભૂત અને ભવિષ્ય પણ ન હોઈ શકે, કારણ કે એ વસ્તુનું અસ્તિત્વ શંકાનો વિષય નથી. અસ્તિત્વ માત્ર વર્તમાનમાં જ હોય.

તુલના

૧. અમુક લોકો તુલનાને સાર્થક દલીલ નથી માનતા, એમનું કહેવું છે કે તુલનાનો માપદંડ શો? સંપૂર્ણ સમાનતાને માપદંડ માનીએ તો એમ કહેવું પડે કે “ગાય ગાય જેવી છે”. આ બરાબર નથી લાગતું. બહુ ઘણી સમાનતાને માપદંડ માનીએ તો એમ કહેવું પડે કે “ભેંસ ગાય જેવી છે” આનો પણ કઈં અર્થ નથી નીકળતો. અને આંશિક સમાનતાને માપદંડ માનીએ તો કહેવું પડે કે “એક આરસનો ટુકડો તાજ મહેલ જેવો છે.” આનો પણ કઈં અર્થ નથી. વિરોધીઓનું કહેવું છે કે તારણ અને તુલના અમુક અંશે સરખાં છે. બન્નેમાં જે પ્રત્યક્ષ નથી તે પ્રત્યક્ષ હોવાનો દાવો કરવામાં આવે છે.

૨. પણ અક્ષપાદ ગૌતમ સમજાવે છે કે તારણ અને તુલના સરખાં નથી. તુલનામાં જેવો/જેવી/જેવુંનો પ્રયોગ કરવો પડે છે. આમ તુલનાનો આધાર જ્ઞાન છે. આથી તુલના પોતે વિશિષ્ટ જ્ઞાન છે.

શબ્દ પ્રમાણ

૧. શબ્દ પ્રમાણ એટલે કોઈનું વિશ્વાસપાત્ર કથન. અમુક લોકો કહે છે કે એ પણ તારણ જ છે, કેમ કે એમાં પદાર્થનો ઇન્દ્રીયો દ્વારા અનુભવ થતો નથી.

૨. નૈયાયિકનો જવાબ છે કે શબ્દ ભરોસાપાત્ર બનવાનું કારણ એ કે એ કહેનાર વ્યક્તિ ભરોસાપાત્ર છે. તારણ અને શબ્દ પ્રમાણ એક જ પદાર્થને દર્શાવે છે, પણ બન્ને જુદા રસ્તા અખત્યાર કરે છે. તારણ સીધું જ નીકળે છે; જ્યારે અહીં ભરોસાપાત્ર વ્યક્તિ વચ્ચે રહે છે.

૩. પ્રત્યક્ષ પ્રમાણ શબ્દ પ્રમાણમાં સીધેસીધું હાજર નથી હોતું. દાખલા તરીકે તંબુમાંથી ધુમાડો નીકળતો જોઈને આપણે આગનું અનુમાન કરીએ છીએ. આગ અને ધુમાડો માત્ર રસોડામાં જોયા પછી એમનો સંબંધ સમજી લઈએ છીએ. આમ એક ચિહ્ન જોઈને એના દ્વારા સૂચવાતા પદાર્થનું આપણે તારણ કાઢીએ છીએ અને શબ્દ દ્વારા વ્યક્ત કરીએ છીએ. આ રીતે શબ્દ એક પદાર્થનું સૂચન કરે છે. દાખલા તરીકે, ‘ભારત’. આ શબ્દ છે પણ એનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી! તેમ છતાં આપણે એ શબ્દને પ્રમાણભૂત માનીએ છીએ. શબ્દનો અર્થ એના સતત ઉપયોગથી સ્થાપિત થાય છે.

વેદવાદીઓ સાથે સમાધાન

કોઈ પણ ભરોસાપાત્ર વ્યક્તિના વિધાનને શબ્દ પ્રમાણ માન્યા પછી, છેલ્લાં બાર સૂત્રો(સૂત્ર ૫૮થી અંતિમ સૂત્ર ૬૯ સુધી)માં વેદવચનોને પણ શબ્દ પ્રમાણમાં સ્થાન આપવામાં આવ્યું છે. એ દર્શાવે છે કે અક્ષપાદ ગૌતમ દ્વારા એ સૂત્રો નથી રચાયાં પણ પાછળના સમયમાં એમની રચના થઈ છે. અહીં દલીલ બધી તાર્કિક છે અને વેદવાક્યને પ્રમાણ માનવા માટેનાં બધાં કારણ આપવામાં આવ્યાં છે, પરંતુ એ અવશ્ય વેદવાદીઓ અને તર્કવાદીઓ વચ્ચે સમાધાનનો કાળ હશે એમ માની શકાય.

ભારતીય ચિંતનની આ મહાન તર્કવાદી પરંપરામાં ઈશ્વરનું અસ્તિત્વ માત્ર શબ્દ પ્રમાણ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે અને એ વિષયને સ્પર્શ પણ કરવામાં નથી આવ્યો એ ઉલ્લેખનીય છે. પરંતુ વેદવાદીઓ સાથે સમાધાન કરીને આ રૅશનાલિસ્ટ દર્શન પરાજિત ન થયું. ઉલટું, એની તાર્કિક પદ્ધતિ સર્વસ્વીકૃત બની અને એ રીતે એ કાલજયી ચિંતન બની રહ્યું છે. હવે પછીના અંકમાં આપણે વૈશેષિક દર્શન વિશે જાણીશું એ પણ ભારતનું રૅશનાલિસ્ટ દર્શન છે અને ન્યાય દર્શન જેટલું જ રસપ્રદ છે.

આધારઃ (THE SACRED BOOKS OF HINDUS – Translated by various Sanskrit Scholars / Edited by Major B.D. Basu, I.M. S. (Retired), / VOL. VIII – THE NYAYA SUTR OF GOTAMA / Translated by: Mahamahopadhyaaya Satisha Chandra Vidyabhushana, M.A. PhD, Pricipal, Sanskrit College, Calcutta / Published by Sudhindranath Vasu from The PANINI OFFICE,Bhuwaneswari Asrama, Bahadurganj, ALLAHABAD / Printed by Apurva Krishna Boss at the India Press 1913)

10 thoughts on “Rationalism in India – part 3”

 1. શ્રી દિપકભાઈ,

  એવું નથી લાગતું કે જુદા જુદા લોકોની સારી બાબતોને રેશનલિસ્ટો પોતાનો સીક્કો મારવા માંગે છે?

  જ્યારે ન્યાય અને વૈશેષિક દર્શનો અસ્તિત્વમાં આવ્યાં ત્યારે રેશનાલિઝમનો તો ખાસ કશો વિકાસ નહોતો થયો.

  ન્યાય દર્શન તે ન્યાય દર્શન છે. રેશનાલિસ્ટો ન્યાય દર્શનનો આધાર લઈ શકે છે પણ ન્યાય દર્શન રેશનલ નથી બની જતું.

  જ્યાં ત્યાંથી જે કાઈ પોતાને અનુકુળ લાગે તેને રેશનલ તરીકે સિદ્ધ કરવું એવું તો રેશનાલિસ્ટો નથી ઠસાવવા માંગતા ને?

  ધારોકે ’સર્વપ્રતાપ’ નામનો કોઈ પ્રતાપી રાજા થઈ ગયો તેના વંશમાં દસમી પેઢીએ જન્મેલ ’સારુ તે મારુ’ નામની વ્યક્તિ કે તેણે તે પહેલા થયેક અનેક સિદ્ધાંતો અને ગુણો પોતાના હોય તેમ ઠસાવવાનો પ્રયાસ કર્યો હોય તે કહે કે ’સર્વપ્રતાપ’ તે ’સારુ તે મારુ’ છે તેના જેવું લાગે.

  1. અતુલભાઈ,

   ન્યાય દર્શન પોતે જ રૅશનાલિસ્ટ પદ્ધતિ છે, એમાં તર્ક દ્વારા સિદ્ધાંત સ્થાપિત કરવાનો માર્ગ દેખાડ્યો છે. મને આશા છે કે આજના રૅશનાલિસ્ટો એ જાણતા હશે કે રૅશનલ તાર્કિક વિચારધારાઓ ભારતમાં પણ હતી અને શંકરાચાર્ય સહિતના વેદાંતી વિદ્વાનોએ પણ તર્કનો જ આશરો લીધો. પશ્ચિમી રૅશનાલિઝમ તો બહુ મોડેથી આવ્યું.

   તમારો ખ્યાલ એવો હોય કે રૅશનાલિસ્ટો દરેક શાસ્ત્રને પોતાના રંગે રંગવા મથે છે અને આ લેખ એવો કોઈ હેતુસરનો પ્રયાસ છે, તો ટેક્સ્ટ તમારી સામે છે. એમાંથી એવું દર્શાવો કે મેં જે લખ્યું છે તેમાં અમુકતમુક જગ્યાએ કાચું રહી ગયું છે, તો વધારે માર્ગદર્શન મળે.

   તે સિવાય, મેં સંદર્ભ આપ્યો છે તે પુસ્તક ગૂગલ સર્ચ કરતાં મળી જશે. ૧૯૧૭ની રશિયન ક્રાન્તિ પછી આર્ક્સવાદી વિચારોની અસર દુનિયામાં બહુ મોટે પાયે થઈ અને ધર્મનું તાર્કિક અને સામાજિક વિશ્લેષણ કરવાનું વલણ વધ્યું.મેં આ પુસ્તક એટલા માટે પસંદ કર્યું કે એ ૧૯૧૩નું છે, એટલે વિચારોનાં નવાં વલણોથી એ મુક્ત જ હોય.

   રૅશનાલિઝમ ભારતીય કે પશ્ચિમી હોય, ઈશ્વરનો ઇન્કાર અથવા સ્વીકાર તર્કના આધારે કરશે.શ્રદ્ધાના આધારે નહીં. પરંતુ એ એથીઝમ (નિરીશ્વરવાદ) નથી. મારી વિનંતિ છે કે તમે પણ આપુસ્તક વાંચો, કારણ કે હું કહીશ એ તો શબ્દ પ્રમાણ ગણાશે, પણ તમે જાતે જોશો તો પ્રત્યક્ષ પ્રમાણ મળી શકશે.

   1. મારું કહેવાનું તાત્પર્ય તેમ છે કે ઘણાં ખરાં બૌદ્ધિકો અને વિચારશીલ મનુષ્યો અનેક પ્રકારે સમાજમાં પેઠેલા દોષો સામે લડે છે, તર્ક બદ્ધ અને બુદ્ધિપૂર્વક જીવે છે પણ તેઓ પોતાના વિચારો પર કોઈ પ્રકારની છાપ નથી મારતાં. મેં ઘણાં રેશનલ લેખો ઈરેશનલ જોયા છે અને ઘણાં કશીએ છાપ વગરના લેખો ખરા અર્થમાં રેશનલ જોયા છે.

    ન્યાય અને વૈશેષિક બંને દર્શન તર્ક આધારિત છે અને શંકરાચાર્યજી કહે છે કે તર્કની એક મર્યાદા છે કે નબળા તર્કની બળવાન તર્ક પાસે પરાસ્ત થવાની સંભાવના હંમેશા રહે છે.

    તર્ક તે બુદ્ધિનું ક્ષેત્ર છે અને જે કાઈ નિર્ણયો બુદ્ધિની મર્યાદામાં આવે તે નિર્ણયો ઈંદ્રિય કે મનના સ્તરે ન જ લેવા જોઈએ. તેમ છતાં રેશનાલિસ્ટો બુદ્ધિથી આગળ કોઈ વિશેષ તત્વને સ્વીકારતાં હોય તેમ લાગતું નથી. વ્યવહારમાં એવી કેટલીયે બાબતો બને છે કે જે માત્ર બુદ્ધિથી સમજાવી શકાતી નથી. શંકરાચાર્યજી મહારાજ બુદ્ધિથી આગળ જઈને આત્મા સુધી વાત કરે છે. બુદ્ધિથી જે પ્રદેશમાં પહોંચી ન શકાય તેવો તે પ્રદેશ છે.

    પ્રમાણની બાબતમાંએ શ્રી પ્રજ્ઞાજુએ કહ્યું છે તેમ જુદા જુદા દર્શનમાં થોડો ભેદ છે. જો આગમ પ્રમાણ ન સ્વીકારવામાં આવે તો અન્ય સિદ્ધો અને મહાપુરુષોના અનુભવોથી માનવ સમાજ વંચિત રહી જાય. ચાર્વાકો તો પ્રત્યક્ષ સીવાય કોઈ પ્રમાણ સ્વીકારતાં જ નહોતા.

    1. આમાંથી કેટલાક મુદ્દાની ચર્ચા મારા રૅશનાલિઝમ પરના લેખમાંકરી ચૂક્યો છું. એમાં મેં કહ્યું છે કે રૅશનાલિઝમ શું છે અને શું નથી. મેં વિચાર કેટલો સ્વતંત્ર છે એ મુદ્દાની પણ ચર્ચા કરી છે. જીવન ઘણું બધું માગે છે અને એમાં ભાવનાઓને પણ સ્થાન છે.

 2. જટીલ વાત સરળતાથી સમજાવી…
  આ અંગે પણ વિગતે સમજાવશો
  चार्वाक—केवल प्रत्येक प्रमाण ।
  बौद्ध—प्रत्यक्ष और अनुमान ।
  सांख्य—प्रत्यक्ष, अनुमान और आगम ।
  पातंजल—प्रत्यक्ष, अनुमान और आगम ।
  वैशेषिक—प्रत्यक्ष और अनुमान ।
  रामानुज पूर्णप्रज्ञ—प्रत्यक्ष, अनुमान और आगम ।
  धर्मशास्त्र में किसी व्यवहार या अभियोग के निर्णय में, चार प्रमाण माने गए हैं—लिखित , मुक्ति , साक्ष्य , दिव्य । प्रथम तीन प्रकार के प्रमाण मानुष कहलाते हैं ।
  एक अलंकार जिसमें आठ प्रमाणों में से किसी एक का कथन होता है । जैसे अनुमान का उदाहरण—
  घन गर्जन दामिनि दमक धुरवागन धावंत ।
  आयो बरषा काल अब ह्वै है बिरहिनि अंत । યાદ આવે
  સાહિરની સમજણ અને તેમની શાયરીની એક વધુ ઊંચાઈ દર્શાવે છે ફિલ્મ ‘ચિત્રલેખા’નું ગીત. ‘સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો તુમ ક્યા પાઓગે’. આ ગીતમાં આગળ સાહિર લખે છે- ‘યે પાપ હૈ ક્યા યે પુણ્ય હૈ ક્યા, રીતોં પર ધર્મ કી મોહરેં હૈં, ઈસ લોક મેં ભી અપના ના સકે, ઉસ લોક મેં ભી પછતાઓગે’. પાપ અને પુણ્ય વચ્ચેની ભેદરેખા વ્યક્ત કરે છે આ ગીત. પ્રેમને કેટલી ઊંચાઈ સુધી લઈ જઈ શકાય એનો પુરાવો છે આ ગીત- ‘તુમ અપના રંજો-ગમ, અપની પરેશાની મુઝે દે દો’. ખૈયામ સાહેબ અને જગજિત કૌરના સુંદર અવાજમાં આ ગીત કેટલું અસરકારક બન્યું છે

 3. શ્રી સતીશ ચંદ્ર વિદ્યાભૂષણ પાસે ન્યાય દર્શનની જે નકલ છે તે અને મેં ઈન્ટરનેટ પરથી ડાઉન લોડ કરેલ છે તે નકલમાં ક્યાંક તફાવત હોય તેવું લાગે છે. મારી પાસે જે નકલ છે તેમાં પ્રથમ અધ્યાયના પ્રથમ આહ્નિકમાં ૪૧ સૂત્ર છે.

  अथ प्रथमः अध्यायः
  प्रथमम् आह्निकम्
  [अनुबन्धचतुष्टयप्रकरणम्]
  १.१.१ > प्रमाण-प्रमेय-संशय-प्रयोजन-दृष्टान्त-सिद्धान्तावयव-तर्क-निर्णय-वाद-जल्प-वितण्डाहेत्वाभास-च्छल-जाति-निग्रहस्थानानाम्तत्त्वज्ञानात् निःश्रेयसाधिगमः
  {पदार्थोद्देशसूत्रम्}

  १.१.२ > दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानाम् उत्तरोत्तरापाये तदनन्तरा पायात् अपवर्गः
  {पदार्थोद्देशसूत्रम्}
  [प्रमाणप्रकरणम्]

  १.१.३ > प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि
  {प्रमाण-उद्देश-सूत्रम्}

  १.१.४ > इन्द्रियार्थसन्निकर्षोत्पन्नम् ज्ञानम् अव्यपदेश्यम् अव्यभिचारि व्यवसायात्मकम् प्रत्यक्षम्
  {प्रत्यक्षलक्षणम्}

  १.१.५ > अथ तत्पूर्वकं त्रिविधम् अनुमानं पूर्ववत् शेषवत् सामान्यतोदृष्टं च
  {अनुमानलक्षणम्}

  १.१.६ > प्रसिद्धसाधर्म्यात् साध्यसाधनम् उपमानम्
  {उपमानलक्षणम्}

  १.१.७ > आप्तोपदेशः शब्दः
  {शब्दलक्षणम्}

  १.१.८ > सः द्विविधः दृष्टादृष्टार्थत्वात्
  {शब्दभेदः}
  [प्रमेयप्रकरणम्]

  १.१.९ > आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गाः तु प्रमेयम्
  {प्रमेय-उद्देश-सूत्रम्}

  १.१.१० > इच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानानि आत्मनः लिङ्गम् इति
  {आत्मलक्षणम्}

  १.१.११ > चेष्टेन्द्रियार्थाश्रयः शरीरम्
  {शरीरलक्षणम्}

  १.१.१२ > घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि इन्द्रियाणि भूतेभ्यः
  {इन्द्रियलक्षणम्}

  १.१.१३ > पृथिवी आपः तेजः वायुः आकाशम् इति भूतानि
  {भूतलक्षणम्}

  १.१.१४ > गन्धरसरूपस्पर्शशब्दाः पृथिव्यादिगुणाः तदर्थाः
  {अर्थ(विषय)लक्षणम्}

  १.१.१५ > बुद्धिः उपलब्धिः ज्ञानम् इति अनर्थान्तरम्
  {बुद्धिलक्षणम्}

  १.१.१६ > युगपत् ज्ञानानुत्पत्तिः मनसः लिङ्गम्
  {मनोलक्षणम्}

  १.१.१७ > प्रवृत्तिः वाग्बुद्धिशरीरारम्भः
  {प्रवृत्तिलक्षणम्}

  १.१.१८ > प्रवर्त्तनालक्षणाः दोषाः
  {दोषलक्षणम्}

  १.१.१९ > पुनरुत्पत्तिः प्रेत्यभावः
  {प्रेत्यभावलक्षणम्}

  १.१.२० > प्रवृत्तिदोषजनितः अर्थः फलम्
  {फललक्षणम्}

  १.१.२१ > बाधनालक्षणम् दुःखम्
  {दुःखलक्षणम्}

  १.१.२२ > तदत्यन्तविमोक्षः अपवर्गः
  {अपवर्गलक्षणम्}
  [न्यायपूर्वाङ्गलक्षणप्रकरणम्]

  १.१.२३ > समानानेकधर्मोपपत्तेः विप्रतिपत्तेः उपलब्ध्यनुपलब्ध्यव्यवस्थातः च विशेषापेक्षः विमर्शः संशयः
  {संशयलक्षणम्}
  १.१.२४ > यम् अर्थम् अधिकृत्य प्रवर्तते तत् प्रयोजनम्
  {प्रयोजनलक्षणम्}

  १.१.२५ > लौकिकपरीक्षकाणां यस्मिन् अर्थे बुद्धिसाम्यम् सः दृष्टान्तः
  {दृष्टान्तलक्षणम्}
  [न्यायाश्रयसिद्धान्तलक्षणप्रकरणम्]

  १.१.२६ > तन्त्राधिकरणाभ्युपगमसंस्थितिः सिद्धान्तः
  {अभ्युपगमसिद्धान्तलक्षणम्}

  १.१.२७ > सः चतुर्विधः सर्वतन्त्रप्रतितन्त्राधिकरणाभ्युपगमसंस्थित्यर्थान्तरभावात्
  {तन्त्रभेद-उद्देशसूत्रम्}

  १.१.२८ > सर्वतन्त्राविरुद्धः तन्त्रे अधिकृतः अर्थः सर्वतन्त्रसिद्धान्तः
  {सर्वतन्त्रसिद्धान्त-लक्षणम्}

  १.१.२९ > समानतन्त्रसिद्धः परतन्त्रासिद्धः प्रतितन्त्रसिद्धान्तः
  {प्रतितन्त्रसिद्धान्त-लक्षणम्}

  १.१.३० > यत्सिद्धौ अन्यप्रकरणसिद्धिः सः अधिकरणसिद्धान्तः
  {अधिकरणसिद्धान्त-लक्षणम्}

  १.१.३१ > अपरीक्षिताभ्युपगमात् तद्विशेषपरीक्षणम् अभ्युपगमसिद्धान्तः
  {अभ्युपगमसिद्धान्त-लक्षणम्}
  [न्यायप्रकरणम्]

  १.१.३२ > प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि अवयवाः
  {अवयव-उद्देशसूत्रम्}

  १.१.३३ > साध्यनिर्देशः प्रतिज्ञा
  {प्रतिज्ञा-लक्षणम्}

  १.१.३४ > उदाहरणसाधर्म्यात् साध्यसाधनं हेतुः
  {हेतु-लक्षणम्}

  १.१.३५ > तथा वैधर्म्यात्
  {हेतु-लक्षणम्}

  १.१.३६ > साध्यसाधर्म्यात् तद्धर्मभावी दृष्टान्तः उदाहरणम्
  {उदाहरण-लक्षणम्}

  १.१.३७ > तद्विपर्ययात् वा विपरीतम्
  {उदाहरण-लक्षणम्}

  १.१.३८ > उदाहरणापेक्षः तथा इति उपसंहारः न तथा इति वा साध्यस्य उपनयः
  {उपनय-लक्षणम्}
  १.१.३९ > हेत्वपदेशात् प्रतिज्ञायाः पुनर्वचनम् निगमनम्

  {निगमन-लक्षणम्}
  [न्यायोत्तराङ्गप्रकरणम्]

  १.१.४० > अविज्ञाततत्वे अर्थे कारणोपपत्तितः तत्त्वज्ञानार्थम् उहः तर्कः
  {तर्क-लक्षणम्}

  १.१.४१ > विमृश्य पक्षप्रतिपक्षाभ्याम् अर्थावधारणम् निर्णयः
  {निर्णय-लक्षणम्}
  इति न्यायसूत्रे प्रथमाध्यायस्य प्रथमम् आह्निकम्

  બીજા આહ્નિકમાં ૨૦ સૂત્રો છે.
  अथ द्वितीयम् आह्निकम्
  [कथालक्षणप्रकरणम्]

  १.२.१ > प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहः वादः
  {वाद-लक्षणम्}

  १.२.२ > यथोक्तोपपन्नः छलजातिनिग्रहस्थानसाधनोपालम्भः जल्पः
  {जल्प-लक्षणम्}

  १.२.३ > सः प्रतिपक्षस्थापनाहीनः वितण्डा
  {वितण्डा-लक्षणम्}
  [हेत्वाभासप्रकरणम्]

  १.२.४ > सव्यभिचार-विरुद्ध-प्रकरणसम-साध्यसम-कालातीताः हेत्वाभासाः
  {हेत्वाभास-उद्देश-सूत्रम्}

  १.२.५ > अनैकान्तिकः सव्यभिचारः
  {सव्यभिचार-लक्षणम्}

  १.२.६ > सिद्धान्तम् अभ्युपेत्य तद्विरोधी विरुद्धः
  {विरुद्ध-लक्षणम्}

  १.२.७ > यस्मात् प्रकरणचिन्ता सः निर्णयार्थमपदिष्टः प्रकरणसमः
  {प्रकरणसम-लक्षणम्}

  १.२.८ > साध्याविशिष्टः साध्यत्वात् साध्यसमः
  {साध्यसम-लक्षणम्}

  १.२.९ > कालात्ययापदिष्टः कालातीतः
  {कालातीत-लक्षणम्}
  [छलप्रकरणम्]

  १.२.१० > वचनविघातः अर्थविकल्पोपपत्त्या छलम्
  {छल-लक्षणम्}

  १.२.११ > तत् त्रिविधम् – वाक्छलम् सामान्यच्छलम् उपचारच्छलम् च इति
  {छल-भेद-उद्देश-सूत्रम्}

  १.२.१२ > अविशेषाभिहिते अर्थे वक्तुः अभिप्रायात् अर्थान्तरकल्पना वाक्छलम्
  {वाक्छल-लक्षणम्}

  १.२.१३ > सम्भवतः अर्थस्य अतिसामान्ययोगात् असम्भूतार्थकल्पना सामान्यच्छलम्
  {सामान्यच्छल-लक्षणम्}

  १.२.१४ > धर्मविकल्पनिर्देशे अर्थसद्भावप्रतिषेधः उपचारच्छलम्
  {उपचारच्छल-लक्षणम्}

  १.२.१५ > वाक्छलम् एव उपचारच्छलम् तत् अविशेषात्
  {उपचारच्छल-पूर्वपक्ष-लक्षणम्}

  १.२.१६ > न तत् अर्थान्तरभावात्
  {उपचारच्छल-लक्षणम्}

  १.२.१७ > अविशेषे वा किञ्चित्साधर्म्यात् एकच्छलप्रसङ्गः
  {उपचारच्छल-लक्षणम्}
  [लिङ्गदोषसामान्यप्रकरणम्]

  १.२.१८ > साधर्म्यवैधर्म्याभ्याम् प्रत्यवस्थानं जातिः
  {जाति-लक्षणम्}

  १.२.१९ > विप्रतिपत्तिः अप्रतिपत्तिः च निग्रहस्थानम्
  {निग्रहस्थान-लक्षणम्}

  १.२.२० > तद्विकल्पात् जातिनिग्रहस्थानबहुत्वम्
  {निग्रहस्थानबहुत्व-सूत्रम्}

  इति न्यायसूत्रे प्रथमाध्यायस्य द्वितीयम् आह्निकम् समाप्तः च अयम् प्रथमः अध्यायः

  1. ઉત્તમ રસ્તો એક જ. ચર્ચામાં ભાગ લેનાર પક્ષો હકીકતો (અથવા પ્રત્યક્ષ પ્રમાણ)્ની બાબતમાં સંમત થાય.
   રજનીશનું વિધાન કોની તરફેણમાં છે -લૉજિકની કે ફેથની એ હું નથી સમજી શક્યો. કારણ કે આ બેમાંથી કોઈ એકની મર્યાદાઓ દેખાડવાની કોશિશ કરીશું ત્યારે અજાણતાં જ બીજા ઘટકની તરફેણ થઈ જશે.
   મારો ખ્યાલ છે કે માનવા કરતાં ન માનવાનું વધારે અઘરૂં છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: