Rationalism in India -part 1

રૅશનાલિઝમઃ ભારતમાં (ભાગ-૧)

 ભૂમિકા

મોટા ભાગે ભારતીય ચિંતન પરંપરાનો આધાર એ રહ્યો છે કે આ સંસાર દુઃખમય છે અને એમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો શોધવાના છે. વેદ-આધારિત પૂર્વ મિમાંસાના ચિંતનની તો આ જ ભૂમિકા રહી છે. તો, બીજી બાજુ, ગૌતમ બુદ્ધે વેદના પ્રભાવથી તો પોતાને મુક્ત કર્યા પણ એમણેય સંસારને દુઃખ માનીને જ ગૃહત્યાગ કર્યો હતો! આમ દુઃખમાંથી મુક્તિની એક પ્રબળ વિચારધારા બધાથી ઉપરવટ ચાલતી હતી અને બધા મતો પોતપોતાની રીતે દુઃખના ઉપાયો શોધતા હતા. દરેક મત પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથતો હતો એટલે તર્કનો વિકાસ થાય એ સ્વાભાવિક પરિણામ હતું,

આસ્તિક અને નાસ્તિકની મૂળ વ્યાખ્યા પ્રમાણે વેદને પ્રમાણ માને તે આસ્તિક, અને વેદથી અલગ વિચારે તે નાસ્તિક.  આજે આપણે ‘આસ્તિક’ અને ‘નાસ્તિક’ શબ્દના અર્થ ઈશ્વરમાં માનવા કે ન માનવા સાથે જોડી દીધા છે, આમ, ગૌતમ બુદ્ધના અનુભવે એમ દેખાડ્યું કે વેદ વિના પણ, વ્યક્તિગત પ્રયાસથી વ્યક્તિ સંસારની ઘટમાળમાંથી મુક્ત થઈ શકે છે. એકંદરે, છેલ્લાં અઢી હજાર વર્ષ દરમિયાન ભારતીય તત્વચિંતકો માટે એક વિષય તરીકે ઈશ્વર ગૌણ રહ્યો છે.  એમને મુખ્યત્વે એમની સામેના સંસારના વિશ્લેષણમાં અને એનાં મૂળ શોધવામાં રસ રહ્યો. આમાં અમુક ‘આસ્તિક’ (વેદને પ્રમાણ માનનારી) વિચારધારાઓને ઈશ્વર જરૂરી લાગ્યો, તો એવી પણ ‘આસ્તિક’ વિચારધારાઓ હતી, જેમાં ઈશ્વર વિશે કઈં ચર્ચાને સ્થાન જ નહોતું.

 પ્રાચીન તાર્કિક પરંપરાઓ

રૅશનાલિઝમનો આધાર તર્ક, એટલે કે લૉજિક છે. લૉજિકમાં પ્રુથક્કરણનું ખૂબ જ મહત્વ હોય છે. બુદ્ધના સમયથી પણ પહેલાં અને આગળ જતાં મૌર્ય અને ગુપ્ત કાળ સુધી વેદમાં આસ્થા રાખતી હોય એવી ઘણી વિચારધારાઓ પ્રચલિત હતી, પરંતુ એમાં વિશ્લેષણ અને તર્કનું મહત્વ રહ્યું. આમાં લોકાયત (એટલે કે ચાર્વાકવાદીઓ), સાંખ્ય, ન્યાય અને વૈશેષિક દર્શનોનો સમાવેશ થાય છે. એમનો ઉદ઼્ભવ ક્યારે થયો એ ચોક્કસ ન કહી શકાય પરંતુ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સાંખ્યનો ઉલ્લેખ છે. એ જ રીતે મૌર્ય યુગના લગભગ અંત સમયે ન્યાય દર્શન વિકસ્યું અને તે પછી ગુપ્ત યુગમાં, એટલે કે, ઈસુની ચોથી સદીમાં, વૈશેષિક દર્શનનો વિકાસ થયો.  આ બધાં દર્શનોમાં કાં તો ઘટનાઓનું પૃથક્કરણ કરીને સત્ય સમજવાનો પ્રયત્ન હતો અથવા પ્રકૃતિને મહત્વ આપવામાં આવ્યું હતું.

 યોગશાસ્ત્ર

આ દૃષ્ટિએ જોઈએ તો યોગ શાસ્ત્ર પણ આ વિચારધારાઓ જેટલું જ જૂનું છે, પરંતુ, એ સાંખ્ય, ન્યાય અને વૈશેષિક કરતાં અમુક રીતે જુદું પડે છે. સાંખ્ય, ન્યાય અને વૈશેષિક, એ ત્રણ વિચારધારાઓ છે અને એમાં તાર્કિક રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જ્યારે, યોગશાસ્ત્રમાં ક્રિયા પર ભાર મુકાયો છે. બીજું, આ ત્રણ વિચારધારાઓ પરમ તત્વની બાબતમાં બહુ ચિંતિત નથી, જ્યારે યોગશાસ્ત્રનું લક્ષ્ય પરમ તત્વની પ્રાપ્તિનું છે. શરીર તો ભૌતિક છે જ, પરંતુ મન પણ ભૌતિક છે એમ યોગશાસ્ત્ર માને છે. આ એમના વચ્ચેની સમાનતા થઈ. પરંતુ ક્રિયા પર ભાર મૂકીને યોગશાસ્ત્ર આસ્તિક દર્શન હોવા છતાં, અને ઈશ્વરમાં માનતું હોવા છતાં વૈદિક પરંપરાથી એણે અલગ રસ્તો બનાવીને ખરેખરી સામાજિક ક્રાન્તિ કરી. વેદપ્રણિત ક્રિયાકલાપોમાં બ્રાહ્મણો દ્વારા કરાતા યજ્ઞો અને એના પરિણામે મળતા સ્વર્ગસુખને કેન્દ્રીય સ્થાન મળ્યું હતું, પરંતુ યોગશાસ્ત્રે જીવનની ઘટમાળમાંથી મુક્તિનો વ્યક્તિગત માર્ગ દેખાડ્યો. એમાં યજ્ઞો નહીં પણ વ્યક્તિએ પોતે જ અમુક ક્રિયાઓ કરીને શરીરની અને મનની શક્તિઓનો વિકાસ કરવાનો છે, આમ પ્રકૃતિના સર્જન, એવા શરીરના પૂર્ણ વિકાસ દ્વારા જ સિદ્ધિ મેળવવાનું એનું લક્ષ્ય છે. આપણે યાદ રાખીએ કે ગૌતમ બુદ્ધે પણ આ જ માર્ગ ગ્રહણ કર્યો હતો. ગૌતમ તો હઠયોગ સુધી પહોંચી ગયા હતા અને શરીરનું દમન કરતા હતા. એ વખતે પરમ તત્વની પ્રાપ્તિ બાબતમાં શરીર દ્વારા – પણ શરીરનો તિરસ્કાર કરીને – પરમ તત્વ સુધી પહોંચવાનાં અવાસ્તવિક વલણો પેદા થયાં હતાં. અંતે ગૌતમ એને છોડીને પોતાની રીતે આગળ વધ્યા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું. આમ, તેઓ પોતે વેદવિરોધી (નાસ્તિક) હોવા છતાં યૌગિક પ્રક્રિયાઓને અપનાવતાં અચકાયા નહોતા!

 ‘યોગા’ દ્વારા યોગની દીર્ઘજીવિતા

પશ્ચિમી જગતે ‘યોગા’નો સ્વીકાર કર્યો ત્યારથી એનું શારીરિક ઉત્કૃષ્ટતાનું પાસું પ્રબળ રહ્યું છે. એનાથી પરમ તત્વની ખરેખર પ્રાપ્તિ થઈ શકતી હોય અથવા એ આદર્શ તરીકે નજર સામે રહે એના કરતાં એના બીજા શારીરિક લાભો પર આજે વધારે ભાર અપાય છે. આ રીતે એ પણ ભૌતિકવાદી ચિંતન જ બની રહ્યું છે. મૂળમાં જ એનાં બધાં લક્ષણો શરીરની શક્તિઓના ઉત્થાનનાં રહ્યાં છે.

 વિચારધારાઓ પર સામાજિક પ્રભાવ

આ ચારેય વિચારધારાઓમાં બ્રાહ્મણ વર્ગની ઉપયોગિતા નથી રહી. આમ સામાજિક ક્ષેત્રે એમનું પ્રદાન બહુ મહત્વનું ગણાય. ખૂબીની વાત એ છે કે આ વિચારધારાઓના સ્થાપકોએ પોતાના વિચારો માટે વેદનો જ આધાર લીધો છે. ચાર્વાકવાદીઓ તો બધાથી જુદા પડે છે. એમણે પણ વેદનો અનાદર કર્યો. આમ છતાં બુદ્ધની જેમ યોગનો માર્ગ ન સ્વીકાર્યો. આ બધાં જ વલણો વેદના સમયથી જ પ્રચલિત હોય એ શક્ય છે. એમની નોંધ લેવાય એવી સ્થિતિ જે તબક્કે આવી હોય એટલે એમનો વિકાસકાળ એ જ માની લેવો પડે, પરંતુ માનવીય વિચારજગતને કાલખંડમાં બાંધી ન શકાય. એ પણ નોંધી લેવું જોઇએ કે આપણે ગ્રીકોના સંપર્કમાં પણ આવી ચૂક્યા હતા, એટલે ફિલોસોફીના સ્તરે પણ બન્ને વચ્ચે આદાનપ્રદાન થયું હોય એમ માની શકાય.

મહત્વની વાત એ છે કે બૌદ્ધ ધર્મમાં મહાયાન શાખાનો વિકાસ થઈ ચૂક્યો હતો અને એમાં વિશ્લેષણ પદ્ધતિનો ભરપૂર ઉપયોગ થતો હતો. આમ વેદ-સમર્થક અને વેદ-વિરોધી બન્ને વિચારધારાઓએ એકબીજાને પરાસ્ત કરવા માટે લૉજિકનો આશરો લીધો. બન્નેએ એકબીજામાંથી ઘણું લીધું પણ ખરૂં.. બૌદ્ધો ઈશ્વરવાદી નહોતા એટલે એમની સામેના વાદ વિવાદમાં વેદ-સમર્થક વિચારધારાઓને પણ ઈશ્વર વિશે બહુ વિચારવાનું નહોતું. તર્કના આધારે એમણે જીવનની ઘટનાઓનો અર્થ સમજવાનો રસ્તો લીધો. આપણે ગુપ્ત યુગનો ઉલ્લેખ એટલા જ માટે કર્યો છે કે એ વખતે વિષ્ણુની મુખ્ય દેવ તરીકે સ્થાપના થઈ ચૂકી હતી અને ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ હતા. એમાં ભક્તિને બહુ મહત્વ મળ્યું હતું.  તેમ છતાં તર્કની પરંપરા પણ ટકી રહી.

ન્યાય દર્શનની વાત કરીએ તો પ્રાચીન સમયમાં એમાં ઈશ્વર નહોતો પણ પછી નવ્ય-ન્યાય દર્શન પણ આવ્યું, જેમાં ઈશ્વર છે, કારણ કે એમના હરીફ બૌદ્ધ ચિંતકો પોતે જ ભક્તિના માર્ગે વળી ગયા હતા! વૈશેષિક દર્શનમાં પણ ઈશ્વર નહોતો, પણ તે પછીના વિકાસમાં ઈશ્વરનો પ્રવેશ થયો. છેક સત્તરમી સદી આવતાં તો ન્યાય-વૈશેષિક દર્શન જાણે યુગલ હોય એમ એકમેક સાથે જોડાઈ ગયાં. આ સમય સુધીમાં તો ભારતમાં મુગલ સત્તાનો સૂરજ અસ્તાચળે પહોંચવા તલપાપડ થઈ ગયો હતો.  આ પહેલાં આઠમી સદીથી બારમી સદી સુધી આદ્ય શંકરાચાર્યના અદ્વૈત અને રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતે  લોકોનાં મન-મસ્તિષ્કનો કબજો લઈ લીધો હતો અને તેરમી સદીથી સોળમી સદી સુધી આખા દેશમાં ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. આ સ્થિતિમાં પણ  શુદ્ધ તાર્કિક આધારે બનેલી વિચારપરંપરાઓ પણ ટકી રહી એનું મહ્ત્વ ઓછું નથી, ભલે, એમાં પણ ‘પબ્લિક રિલેશન્સ’ની આવશ્યકતા પ્રમાણે અમુક ‘ઍડજસ્ટમેન્ટ’ થયાં હોય. આમ છતાં, આ ઉમેરા માત્ર ઉમેરા બની રહ્યા છે અને મૂળ સિદ્ધાંતમાં એ જગ્યાએ સાંધો દેખાઈ જતો હોય છે, આનો અર્થ એ પણ કરવો જોઈએ કે પ્રજાના એક વર્ગમાં તર્કનું આદરભર્યું સ્થાન હતું જ. વળી, આજે પણ શાસ્ત્રને નામે જે કઈં આપણે કહેતા હોઇએ છીએ એમાં આ વિચારધારાઓની છાંટ પણ વર્તાતી હોય છે. અરે, આજે આ વિચારધારાઓ આપણી ભાષામાં પણ પ્રવેશ કરી ચૂકી છે!

આનું કારણ એ કે આદ્ય શંકરાચાર્ય જેવા પ્રખર વિદ્વાને પણ તર્કની જ પદ્ધતિ લાગુ કરી. એમના આસ્થાવાદી વિરોધીઓનો તો એ આક્ષેપ પણ રહ્યો કે શંકરાચાર્ય ગુપ્ત રૂપે બૌદ્ધ છે અને બૌદ્ધ સિદ્ધાંતો વેદમાંથી તારવે છે. જો કે, આ આક્ષેપ સાચો નથી. ખરૂં જોતાં, બૌદ્ધ ચિંતનના પરાભવમાં શંકરચાર્યની તર્કશક્તિની બહુ મોટી ભૂમિકા રહી છે. બૌદ્ધ ધર્મના પતનનાં બીજાં આર્થિક-સામાજિક-રાજકીય કારણો તો હતાં જ. એ સંયોગોમાં શંકરાચાર્યે વિચાર ક્ષેત્રે પણ આક્રમણ કર્યું. આમ, ઈશ્વરના હોવા કે ન હોવા વિશે આપણે ત્યાં કેટલીયે સદીઓ સુધી તર્કના આધારે જ ચર્ચાઓ થતી રહી છે.

xxx xxx

 ભારતીય ચિંતન પરંપરાની તર્કવાદી શાખાઓ વિશે આપ સૌની સાથે ચર્ચા કરવાની મારી ઇચ્છા છે. આગામી દિવસોમાં હું આ બાબતમાં મારા વિચારો શ્રેણીબદ્ધ રજુ કરીશ. આપ સૌને ચર્ચામાં જોડાવાનું આમંત્રણ આપું છું.

41 thoughts on “Rationalism in India -part 1”

 1. ઘણાખરા બીજામા દોષ જુએ ત્યારે કબીરજી યાદ આવે.
  બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલીયા કોય..
  જો દિલ ખોજા આપના, મુજસે બુરા ન કોઇ
  અમારા માનવા પ્રમાણે દરેકમા દરેક પ્રકારના દોષ વધારે ઓછા પ્રમાણમા હોય! પણ આદર્શ રેશનલમા અનેકવિધ ગુણ વૈશિષ્ટ મહત્વના બની રહે છે.જેમા સંસૃતિ ટીકા સાથે. દંભ, દર્પ, મદ, મત્સર પર પ્રહાર હોય ચૈતન્ય અને કલાત્મકતા સાથે જ સાંસ્કૃતિક સંઘર્ષ હોય. તે રેશનલ જ પ્રદીર્ધ સમય સુધી પ્રભાવક નીવડે. આત્મનિષ્ઠ રેશનલનો આવિષ્કાર, અનુભવની ઉત્કટતા. સૌમ્યતાપૂર્વક આવિષ્કòત થયેલો આશય, નિસ્પૃહ શૈલી જેવાં વિલોભનીય સ્વરૂપે રચાયેલાં રેશનલ સાહિત્ય ચિરકાળ ટકી રહે.તેવા રેશનલનો કવિ, સમાજચિંતક, વિચારક, દૃષ્ટા ,શિક્ષક, સૃષ્ટિ ટીકાકાર. માનવતાવાદી લોકશિક્ષક જેવાં અનેકવિધ-સ્વરૂપોમાં સ્વીકાર થાય.જેવા કે ગાંધીજી-વિનોબા સાહિત્ય …જેને રેશનલ લેબલની જરુર નથી
  જેમા આ ચાર પંક્તીઓ
  કાલ જારણમ
  સ્નેહ સાધનમ
  કટુક વર્જનમ
  ગુણ નિવેદનમ

  બધું જ આવી જાય.

  શેષ તો રહે પણ અમારા દાદા ધર્માધિકારી અંતમા કહેતા તેમ
  શેષં આચારેણ પૂરયેત

  1. પ્રજ્ઞાબેન, આભાર. તર્ક આપણને એકલા પાડી દે છે! એટલે કે એ બધા આધાર ઝૂંટવી લે છે. માત્ર સત્યની શોધ. માનવીય મર્યાદાઓ અવશ્ય નડે છે.

   આધા્રભૂત તર્ક જોવા જાઓ તો સહકારની આડે આવે એવી બધી વ્યક્તિગત અને સામાજિક ત્રુટિઓ દૂર કર્યા વિના ચાલે જ નહીં વળી, સતત પોતાના વિચારોને ચકાસતા રહેવું એ પણ રૅશનાલિસ્ટની કસરત છે. વિચારો બદલી પણ શકે છે. આધાર બદલે તે સાથે વિચાર પણ બદલે.

   આનંદ અને આશ્ચર્ય સાથે મારે એ પણ જોડવું જોઈએ કે દાદા ધર્માધિકારીને મેં પણ વાંચ્યા છે. એક વાર એમને પ્રત્યક્ષ સાંભળવાનો પણ લાભ મળ્યો છે. મારા વિચારોના ઘડતરમાં એમનો મહત્વનો ફાળો છે.

   તમારા બહુતોમુખી જ્ઞાનનો લાભ મળતો રહેશે એવી આશા સાથે.

 2. Good analysis.

  I am not sure if Mahavir would fit in this discussion. Even though his influence is diminished these days, his thinking and preaching were similar to Buddha but went beyond him in terms of self-control. He too did not accept the existence of God.

  1. Mahavir does have a place in this discussion on rationalism, but unlike Buddha he went on along an extreme path which separates him from others. Jainism’s factorisation of Asrava, Samvar, Jiva Ajiva, Bandh, Moksh – and its statistical stress on counting elements and divisions puts it on the line with Sankhya. He was not one of those like Ajit Keshkambali or Makkhali Gosal, but his way also became unrealisable for the common people. The act of going to the extreme is irrational. Otherwise he too bid a good bye to vedic rituals and clearly rejected the concept of god.
   It should, however, be kept in mind that what we see of Jainism today, is because he was different from Buddha. Shankarachary’s influence remained minimal on Jainism because his logic was sufficient to dislodge Buddha thought but the Jaina extremism could not be touched.

 3. બહુ ઉપયોગી વીષય આરંભ્યો છે. ખાસ કરીને રૅશનલીઝમનું મુળ જાણવામાં આ લેખમાળા બહુ કીમતી સાબીત થશે…

  દીપકભાઈનું વીશાળ વાચન અને અગાધ ઉંડાણ દર્શાવતું ચીંતન એ બન્નેનો પરીચય પણ આમાં થાય છે. એ સીવાય પણ એમના લેખોમાં જે સંકલનતત્ત્વ નજરે ચડે છે તે આપણા ગુજરાતી નેટ–લેખકોને બહુ કામમાં આવે તેવું છે. જ્ઞાનને પણ રજૂ કરવાનું સહેલું નથી. ભાષાને જ્ઞાનના વહન માટે યોગ્ય રીતેપ્રયોજવાનું કેટલું જરુરી છે તે અહીં સમજાશે.

  તર્કનો સંબંધ ‘વ્યવસ્થીતી’ સાથે છે તે ભાષાએ ને એના પ્રયોજકોએ જાણવા જેવું છે. નેટ પર લખવામાં જે ખામી જોવા મળે છે તે ફક્ત વ્યાકરણગત જ નહીં પણ વીષયને વ્યવસ્થીતરુપે મૂકવાની બાબતે પણ જોવા મળે છે. મારા જેવા તો ભાષાને પ્રયોજવાની બાબતને પણ રૅશનલી ગણે તો તેને ક્ષમ્ય ગણવી રહી !

  “હવે નેટ પણ લખાણોને વીશાળતા અને ઉંડાણની સાથોસાથ તર્કબદ્ધતાનો પણ પરીચય કરાવનારું સાબીત થઈ રહ્યું છે !!” મારા આ છેલ્લા ફકરાને અંડર લાઈન વાંચવા વીનંતી સાથે…..વંદન.

  1. શ્રી જુગલભાઈ, ભાષા તો રૅશનલ હોવી જ જોઇએ! એ જ તો આપણા વિચારોનું વાહન છે. પરંતુ કોઈ પણ વાહન અથવા સાધન કે કોઈ પણ ટેકનૉલૉજી પર જેમ બીજાં પરિબળો કબજો કરી લે છે તેમ ભાષા પર પણ કબજો થઈ જતો હોય છે. આ કબજો થયેલો છે તે સમજવું એ પણ રૅશનાલિઝમની જ પ્રક્રિયા છે. વાત એ છે કે દ’કાર્તના સમયથી ધાર્મિક માન્યતાઓને પણ વિજ્ઞાનના માપદંડે માપવાનું શરૂ થયું એટલે એવી ધારણા બની છે કે રૅશનાલિઝમ માત્ર ધર્મ કે ઈશ્વરની બાબતમાં જ ચાલે. આ ધાણાનાનો વિસ્તાર ભાષા સહિત, જીવનનાં બધાં ક્ષેત્રોમાં લાગુ કરવાના સૌએ યથા શક્તિ પ્રયાસ કરવા જોઈએ.

 4. I just read your earlier post on Einstein and the responses. The article is great as usual. Though, I am writing this specifically for the responses on that article. I have to say that the responses are of far better quality than what I see on “Abhivyakti”. Should I say quality is better than quantity?

 5. સુપર્બ લેખ. ખરેખર ઘણો ઉપયોગી. આમ જોઈએ તો રેશનાલિઝમની શરૂઆત સાંખ્ય થી થઈ એવું લાગે છે. ઉત્તર મીમાંસામાં ઈશ્વરભાઈ ઘુસી ગયા છે. એક બીજું મહાવીરના અનેકાંતવાદ, સ્યાદવાદ એક વસ્તુ કે બનાવની વ્યાખ્યા સાત પ્રકારે કહી શકાય તેના વિષે ચોક્કસ લખશો. સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તી, સ્યાદ અસ્તિ નાસ્તી, સ્યાદ અવ્યાખ્યેય આવું બધું છે. તે પણ શુદ્ધ તર્ક જ છે. આ સ્યાદવાદ લોકોના ગળે ઊતર્યો નહિ એમાં એનો પ્રચાર બુદ્ધ જેટલો થયો નહિ એવું માનવું છે. હું માનું છું કે આ બધાં દર્શનનું મહત્વ, અભ્યાસ અને ફેલાવો પ્રજામાં રહ્યા હોત તો ભારતમાં આજે સિંહોના ટોળા ફરતા હોત ઘેટાઓના નહિ. ભક્તિમાર્ગે ભારતની પ્રજાને સાવ માયકાંગલી બનાવી મૂકી છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે ભક્તિમાર્ગે આ દેશની ઘોર ખોદી નાખી છે. યોગા વિષે જણાવું તો પશ્ચિમમાં એના વિષે ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ભારતમાં યોગા એટલે આસનો અને પ્રાણાયામ, પછી ભેગા થઈને મંજીરા તો વગાડવાના જ. યોગામાથી મેડીટેશન બાદ કરી નાખ્યું છે અને મંજીરા કરતાલ ઘુસાડી દીધા છે. રામદેવ કોઈ યોગી નથી, ભગતડો જ છે જે આસનો કરવામાં પ્રવીણ છે. બૌદ્ધ સાધુઓએ યોગાનું મેડીટેશન અંગ અપનાવીને એને ચરમ સીમાએ પહોચાડી દીધું છે. ન્યુરો સાયન્ટીસ્ટ લોકો આજે એમના ઉપર ખૂબ સંશોધન કરી રહ્યા છે. નિયમિત મેડીટેશન કરનારા લોકોના બ્રેઈનમાં તર્ક વિભાગના એરિયાના ગ્રે મેટરમાં વધારો જણાય છે. બ્રેઈન સ્કેનીન્ગથી બધું સાબિત થયેલું છે. ચાલો પૂરું કરું નહીતો અહીં એક લેખ લખાઈ જશે.

 6. ચિંતન પ્રક્રીયા બે પ્રકારે વિકસતી હોય છે.
  ૧. સ્વ થી શરુ કરીને ધીરે ધીરે તેનો બાહ્ય જગતમાં વિસ્તાર કરવો. વિસ્તાર કરતાં કરતાં છેવટે બાહ્ય જગતના અધિષ્ઠાન સુધી પહોંચવું કે જ્યાંથી આગળ ન વધી શકાય.

  ૨. બાહ્ય જગતથી શરુ કરીને સ્વ સુધીની યાત્રા. આ યાત્રા ત્યાં સુધી કરવી કે જ્યાંથી પછી આગળ ન વધી શકાય.

  જે જેટલા સક્ષમ હતા તેટ્લા આગળ વધ્યાં. આજે વિજ્ઞાન સતત શોધખોળો કરી રહ્યું છે. શોધ ખોળનો અંત નથી પણ જીવનનો અંત આવે છે. એક વૈજ્ઞાનિકે જ્યાંથી કાર્ય આરંભ્યું હોય તે બીજો વૈજ્ઞાનિક સમજે તો તે કાર્ય ત્યાંથી આગળ ધપાવે છે.

  તેવી રીતે દાર્શનીકો માટે જીવ, જગત અને જીવ જીવ વચ્ચેનો આંતર સંબધ આ બાબતો ચિંતનની મુખ્ય રહી છે. જીવો આવવા – જવા વાળા છે. જગત પરીવર્તન શીલ છે. તેથી આ જીવ અને જગતનો આધાર કોણ છે તે પણ દાર્શનીકોની શોધખોળનો કે ચિંતન પ્રણાલીનો મુખ્ય વિષય રહ્યો છે.

  જીવ અને જગતનું નીયમન કરનારી કોઈક શક્તિ હોય તો જ આ સમગ્ર માળખું આટલા બધાં સમયથી ચાલી શકે અને ટકી શકે તેથી આ સર્વનું નીયમન કરનારી શક્તિનો ઈશ્વર તરીકે આવિર્ભાવ થયો.

  રસપ્રદ વિષય છેડ્યો છે.

  1. અતુલભાઈ, ચિંતન પ્રક્રિયાના વિકાસને ‘સ્વ’ સાથે વધારે સંબંધ છે. કારણ કે ચિંતન માનવીય સ્વભાવનું અનિવાર્ય તત્વ છે.

   ‘સ્વ’નું સ્થાન શું છે તે નક્કી કરવા માટે આપણે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ પ્રક્રિયા અટકવી ન જોઇએ. રૅશનાલિઝમ એટલે કે તર્કની પ્રક્રિયા માત્ર સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ છે. આપણા જીવનમાં તર્કનું સ્થાન મહત્વનું છે. આ તર્ક એટલે કુતર્ક નહીં. આના વિશે મારા પહેલા લેખમાં મળેલી કૉમેન્ટ્સ પરથી જે બીજો લેખ લખ્યો તેમાં ચર્ચા કરી છે એટલે અહીં પુનરાવર્તન નહીં કરૂં.

   1. દાર્શનિકોની ચર્ચામાં જે વાત શ્રુતિ સંમત હોય તે યોગ્ય ગણાતી અને જે વાત શ્રુતિ સંમત ન હોય તે અયોગ્ય ગણાતી. શ્રુતિનો અર્થ જુદા જુદા લોકો જુદા જુદા કરતાં અને કોનો અર્થ માન્ય ગણવો તે બાબતે વાદ થતો અને જેનો અર્થ સહુથી વધુ યોગ્ય અને શ્રુતિ સંમત હોય તે સ્વીકાર્ય ગણાતો.

    રેશનાલીઝમની દૃષ્ટિએ તર્ક અને કુતર્ક કોને ગણવા?

    1. “રેશનાલીઝમની દૃષ્ટિએ તર્ક અને કુતર્ક કોને ગણવા?”
     અતુલભાઈ, મારા પહેલા લેખ પર પ્રતિભાવ આપતાં શ્રી જુગલભાઇએ આ મુદ્દો ઊભો કર્યો હતો. એનો જવાબ મેં બીજા લેખમાં આપવાનો મેં પ્રયાસ કર્યો છે. છે. એ વાંચવા વિનંતિ છે.

     1. પણ શ્રી જુગલભાઈને એ નથી ગમ્યું એમણે વિસ્તારથી લખ્યું પણ છે. એમનો જે ઇશારો છે તે પરિબળો એટલે કુતર્ક. તર્કને સ્થાને સામાન્ય રીતે બીજું કઈં ન આવે, પરંતુ સત્તા, ઘમંડ, અધિકાર, લાલચ વગેરે પરિબળોની મદદ મળે ત્યારે માત્ર કુતર્કનું શાસન હોય. એટલે તર્કની પ્રક્રિયા પોતે કેટલી તાર્કિક છે, એ પણ વિચાર્યા વગર ન ચાલે. આમ છતાં આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે દુનિયાની સમસ્યાઓ તર્કને કારણે નહીં કુતર્કને કારણે પેદા થઈ છે. રૅશનાલિઝમ તર્કની હિમાયત કરે છે, પણ કુતર્કની શક્યતાનો ઇન્કાર નથી કરતું. હિટલરનો પણ એક તર્ક હતો અને મૅકૉલેનો પણ એક તર્ક હતો. પણ ખરેખર આપણે એને તર્ક કહીશું? બીજી બાજુ ગાંધીનો પણ એક તર્ક હતો અને પ્રજ્ઞાબહેન કહે છે તેમ એની પાસે રાજશક્તિ તો નહોતી, તો પણ રાજસત્તા એનાથી ડરતી હતી. આથી જ મેં કહ્યું છે કે તર્ક સત્યનો ચોકીદાર છે. કુતર્કો અમ્તે તો પરાસ્ત થાય છે.

      શ્રી દિપકભાઈ,
      આપનો શ્રી જુ. ને આપેલ જવાબ વાંચ્યો. “રેશનાલિઝમ તર્કની હિમાયત કરે છે, પણ કુતર્કની શક્યતાનો ઈન્કાર નથી કરતું.” આવી પરિસ્થિતિમાં કુતર્કને તર્કથી અલગ પાડવાના માપદંડ ક્યા?

      કુતર્કો અંતે તો પરાસ્ત થાય છે તેમ કહેવા પાછળ કોઈ તર્ક છે કે શ્રદ્ધા કે હકીકત?

      જો હકીકત હોય તો ઉદાહરણો? શ્રદ્ધા હોય તો તે આત્મશ્રદ્ધા છે? તર્ક હોય તો તેની પાછળની વિચાર પ્રક્રીયા કઈ છે?

      આપ ઈચ્છો ત્યારે આ બૌદ્ધિક કસરત પડતી મુકવા માટે સ્વતંત્ર છો પણ જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી પ્રશ્ન પુછવા તે મારી ટેવ છે.

      1. અતુલભાઈ,

       આ ‘બૌદ્ધિક કસરત’ છોડવાનો મારો કોઈ વિચાર નથી. માત્ર આપણે સહિયારી રીતે એમ નક્કી કરીએ કે “We agree to disagree” ત્યારે છોડશું. તમારો તર્ક તમારી દૃષ્ટિએ સાચો રહે એવું બની શકે છે. એટલે મારી સાથે અસંમત થવાનો અધિકાર તમારા જ હાથમાં છે. આ ચર્ચામાં બીજા મિત્રો પણ જોડાશે એવી આશા છે.

       કુતર્ક તર્ક નથી. એટલે કુતર્કને સમજવાનું બહુ સહેલું છે. આના માટે તર્કનો જ આશરો લેવો પડે. તર્કનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન છે. એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. માત્ર ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવામાં જ તર્કનો ઉપયોગ નથી. રૅશનાલિઝમે આ તર્ક પદ્ધતિ ધર્મના ક્ષેત્રમાં પણ લાગુ કરીને તર્કનું ક્ષેત્ર વિસ્તાર્યું છે.

       આપણા દેશમાં પણ આ તર્ક પદ્ધતિ હતી, એ મારા ત્રીજા લેખનો મૂળ ધ્વનિ છે.હમણાંની લેખમાળામાં મારો પ્રયાસ એ દેખાડવાનો છે કે ભારતમાં પણ ‘આસ્તિક’ (વેદ-સમર્થક) વિચારધારાઓમાં પણ તર્કનો ઉપયોગ થતો હતો અને મોટા ભાગે ઈશ્વરના અસ્તિત્વનો વિષય ગૌણ રહ્યો છે. આમ કહેવાનો અર્થ એ નથી કે ઈશ્વરમાં કોઈ માનતા નહોતા. એટલું જ કે ઈશ્વર વિશેની ચર્ચામાંથી તર્કની બાદબાકી નહોતી કરાતી.

       મેં કહ્યું છે કે કે જ્યારે એક કહેવાતા તર્કના સમર્થનમાં બીજાં તત્વો ભળે ત્યારે
       એ તત્વોને અલગ કરીને ઓળખી લઈએ તો શુદ્ધ તર્ક સામે આવે. કુતર્કો અંતે પરાસ્ત થાય છે, ઉદાહરઃણ ગાંધીનો તર્ક, ભગત સિંહનો તર્ક. આ વિશ્વાસ અનુભવજનિત છે, અને એના પર મારો ઇજારો નથી.

       મોટા ભાગે જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં આપણે શ્રદ્ધાનો નહીં, તર્કનો ઉપયોગ કરીએ છીએ. આના પુરાવા આપણા જીવનમાંથી જ મળી જશે. ઘણી વાર અતાર્કિક બાબતો પણ કરીએ છીએ, પરંતુ એ અતાર્કિક છે એ પણ સમજતા હોઇએ છીએ. પરંતુ “શું થાય?” એમ કહીએ છીએ. બરાબર છે. એમાં મને વાંધો નથી, કારણ કે માણસના જીવનમાં બીજી ઘણી બાબતો હોય છે, આથી આપણે હંમેશાં તર્ક પર ચાલી શકતા નથી. આ જુદો વિષય થઈ જશે. આમ છતાં તર્કનું મહત્વ ઘટતું નથી.

       શ્રદ્ધા એ આત્મશ્રદ્ધા હોય એ સાચું છે. એનાથી કર્મ માટે બળ મળે છે. એનો આધાર તર્ક હોય છે અને શ્રદ્ધાનો આધાર તર્ક પર હોય તો વધારે સારૂં.

       શ્રદ્ધાનો અર્થ ‘ઈશ્વરમાં શ્રદ્ધા’ એવો કરવો હોય તો પણ તર્કનો ઉપયોગ કરી શકાય. આદ્ય શંકરાચાર્ય પ્રકાંડ વિદ્વાન અને તર્કશાસ્ત્રી હતા; શ્રદ્ધાળુ ભક્ત નહીં. એમણે પરમ તત્વની સ્થાપના તર્કના બળે જ કરી છે. બારમી-તેરમી સદી સુધી ભારતમાં ચિંતનના ક્ષેત્રમાં તર્કનું મહત્વનું સ્થાન રહ્યું છે. તે પછી સ્થિતિ શા માટે બદલી, તેનાં પણ ઐતિહાસિક કારણૉ છે, પણ એની ચર્ચા અલગથી કરી શકાશે.

       પશ્ચિમમાં દ’કાર્ત આધુનિક ફિલોસોફીના અને રૅશનાલિઝમના પિતા મનાય છે. એમણે તર્કથી ઈશ્વરનો સ્વીકાર કર્યો, પરંતુ, એમની સામે પણ આક્ષેપ છે કે ઈશ્વરનું અસ્તિત્વ સાબીત કરવા ઉપરાંત એમને ઈશ્વરનો ખપ નહોતો! દ’કાર્ત વિશે પણ મારે લખવું છે. મને લાગે છે કે એના વિના ચાલશે નહીં.

       1. તર્ક અને હકીકત તે બંને એક સાથે જોડાયેલા રહે ત્યાં સુધી બધું બરાબર ચાલે છે. જે સમયે તર્ક અને હકીકત જુદા પડે અને તર્ક હકીકતને અવગણીને પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયાસ કરે ત્યારે ગરબડ ઉભી થાય. હકીકતને અવળી રીતે રજુ કરવી તેને કુતર્ક કહી શકાય?

        તર્કની આવશ્યકતા ક્યાં રહે છે? જ્યાં હકીકત સ્પષ્ટ હોય ત્યાં તો નહીં જ. જ્યાં હકીકત અસ્પષ્ટ હોય અને હકીકત વિશે મત મતાતંર હોય અને વળી હકીકત સહેલાઈથી સાબીત ન થઈ શકતી હોય ત્યાં તર્કનો ઉપયોગ કરવો પડે છે.

       2. અતુલભાઈ, સાચી વાત છે. હકીકતથી વેગળૉ તર્ક જ કુતર્ક છે. તર્ક ફસાવવા માટે પણ રચાય. હું સિગારેટ કાઢીને તમારી પાસે લાઇટર માગું તો બીજા તો એમ જ સમજે કે તમે પણ સિગારેટ પીતા હશો! તમે ના પાદો એટલે હું બીજા પાસેથી લઈને સિગારેટ સળગાવી લઉં. પણ મારો હેતુ તો એ દેખાડવાનો હતો કે તમે સિગારેટ પીઓ છો.
        તર્ક હકીકતથી જુદો ન હોય. હકીકત અંગેનાં મતમતાંતરોનો ઉકેલ તો તપાસ દ્વારા આણી શકાય. પરંતુ, તર્કની કસોટીએ બધું ચડી શકે છે. જે વાત સાચી લાગે ત્યાં સુધી એને વળગી રહેવું પણ એમ લાગે કે એ સાચી નથી તોબદલવા માતે તૈયાર રહેવું એ તર્કની પહેલી અને કદાચ એકમાત્ર શરત છે.

       3. “જે વાત સાચી લાગે ત્યાં સુધી એને વળગી રહેવું પણ એમ લાગે કે એ સાચી નથી તોબદલવા માતે તૈયાર રહેવું એ તર્કની પહેલી અને કદાચ એકમાત્ર શરત છે.”

        માયાજાળ વિશે જ્ઞાનીઓ આ રીતે જ સમજાવવા પ્રયત્ન કરે છે. જ્ઞાનીઓ સત્યને રજૂ કરતાં ચાર મહાવાક્યો પર ઘણો ભાર મુકે છે.

        ૧. અહં બ્રહ્માસ્મિ – એટલે કે હું હું કરનાર અહંકાર તે જીવનું યથાર્થ સ્વરુપ નથી પણ બ્રહ્મ જીવનું વાસ્તવિક સ્વરુપ છે.

        ૨. તત્વમસિ – તત એટલે ઈશ્વર અને ત્વમ એટલે જીવ બંને ચૈતન્ય રુપે એક જ છે.

        ૩. પ્રજ્ઞાનં બ્રહ્મ – જ્ઞાન / પ્રજ્ઞા આ સઘળું બ્રહ્મનો સ્વભાવ છે ત્રિગુણાત્મક માયાનો નહીં.

        ૪. સર્વં ખલ્વિદં બ્રહ્મ – આ સઘળું બ્રહ્મ છે.

        માયા / સંસાર જાગ્રત અવસ્થામાં સત્ય ભાસે છે. સ્વપ્નમાં કાલ્પનિક સંસાર ઉભો થઈ જાય છે. સુષુપ્તિમાં તો માત્ર ગાઢ નીંદ્રા હોય છે. તુરીય અવસ્થામાં સ્વરુપની અનુભૂતી થાય છે ત્યારે સઘળું એકાકાર થઈ જાઉ છે કશું દ્વૈત રહેતું નથી.

        યોગીઓ અને જ્ઞાનીઓ કહે છે કે આ અવસ્થા જીવનું સાચું સ્વરુપ છે. બુદ્ધ પણ આ વાત કહે છે કે તમે પોતે અનુભવ કરો, હું કહું છું માટે માની ન લ્યો.

 7. Most rationalists are tired of daily rituals and practices and seek answers in other philosophies without looking deeper in their own faith.

  Is Buddhism a rituals free practice?

  One may go through all links on my blog.

  http://en.wikipedia.org/wiki/Rationalism
  http://www.youtube.com/user/yogeeshashram/videos?sort=dd&view=0&page=5
  http://www.religionfacts.com/buddhism/practices.htm

  http://en.wikipedia.org/wiki/Glossary_of_philosophy

  1. અફસોસની વાત એ જ છે કે હિનયાન જેવો સાદો ધર્મ છોડ્યા પછી અને એક બાજુથી મહાયાનની લગભગ બ્રાહ્મણ પરંપરા સાથે સ્પર્ધામાં ઉતરે એવી શાખા વિકસી, તે પછી તો વજ્રયાન સંપ્રદાયમાં તો દેવીદેવતાઓની પૂજા પણ ઘુસી. તિબેટમાં આ મત છે. દલાઈ લામા પણ એને દૂર કરવામાં સફળ ન થયા. તંત્રમાર્ગનાં વિકૃત સ્વરૂપો પણ એમાં ઘુસી ગયાં. તમે મોકલેલી લિંક્સનો હું અવશ્ય ઉપયોગ કરીશ.

 8. મારો વાંધો તર્કને સત્યના ચોકીદાર ગણવા સામેનો છે.

  સત્યના વીભાગો પાડવાની ચાલ સાચી નથી. જે શાશ્વત સત્ય છે તેના આંશીક સત્ય,
  અર્ધ સત્ય, નગ્ન સત્ય વગેરે વીભાગો પાડી શકાય ? સત્ય એટલે સત્ય. એનો એક જ વીભાગ હોય ને તે અસત્ય ! પરંતુ અસત્ય કહીએ ત્યારે સત્ય રહેતું નથી તેથી અસત્ય પણ સત્યનો વીભાગ ન બને.

  તર્કની સાથે કુતર્કને ગણાવો એટલે સત્યના ચોકીદાર બનવાની લાયકાત એ ગુમાવી બેસે એવું હું માનું છું. બુદ્ધી જ જ્યાં હજી પુરી તાકાત બતાવી શકતી ન હોય ત્યાં એના એક સાધનરુપ તર્કને આટલું ઉંચું સ્થાન આપી શકાય ?

  સત્યને માપવાનો ગજ હજી શોધાયો હોય તેવું માનવા મન થતું નથી. દાર્શનીકો વગેરે પોતપોતાની રીતે મથ્યા…પણ પરીણામ ? સત્યનો અંશ પણ શોધી શકાયો ?

  વીજ્ઞાન પ્રામાણીકતાથી મથે છે. મથવું એ સાચો રસ્તો છે. મથવાની કામગીરી કોઈ પણ કરી શકે. સૌએ સૌની રીતે તે કામગીરી કરી છે.

  બુદ્ધને પણ ભગવાન બનાવી દેવાયા. ગાંધીને પણ અસત્ય વડે જ આજે પણ હણવામાં આવે છે. કૃષ્ણને એમની હાજરીમાં એના જ માણસોએ સતાવ્યા…આ સૌ પોતપોતાની રીતે મથનારા હતા. પણ છતાં તે સૌ અધુરા સાબીત થયા છે. સત્યને પામી શકાય તો બાકી કશું ન રહે….હા, વ્યક્તીગત રીતે ઘણા તે પામી શક્યા હોય ને છતાં એને વર્ણવી ન શકતા હોય કે પ્રસારી શકતા ન હોય.

  શુદ્ધ રૅશનલપણું શક્ય લાગતું નથી. આંધળાઓ દ્વારા હાથીના વર્ણન જેવું કંઈક લાગે છે. તર્ક દ્વારા વીજ્ઞાનકાર્યો થઈ શકે પણ છતાં વીજ્ઞાન પણ વારે વારે ગોથું ખાઈ જતું જોવા મળે છે. આજે શોધેલી વાત કાલે ખોટી પડે છે.

  વીજ્ઞાન ખોટું પડે તે દોષ નથી પણ એનો તર્ક સાચો ન હતો એટલું તો સાબીત થાય જ છે. તેથી તર્કને સત્યનો ચોકીદાર ગણવામાં જોખમ છે એમ મેં કહેલું.

  1. સત્ય બે જ જણને ઓળખે છે. એક હકીકતબહેન અને બીજા તર્કભાઇ. અહીં તર્કની વાત કરીએ છીએ એટલે મેં તર્કને સત્યનો ચોકીદાર ગણાવ્યો. ‘સત્યવચ’ અને ‘સત્ય વ્યવહારમાં’ સીરીઝમાં તમે ચર્ચાને અમુક ડગલાં આગળ લઈ જવામાં મદદ કરી ચે. એમાં હકીકત અથવા તથ્ય વિશે આપને ચર્ચા કરી છે. શ્રી અતુલભાઈ સાથેની ચર્ચામાં મેં અમુક મુદ્દાઓ લીધા છે, એટલે એનું અહીં પુનરાવર્વતન નહીં કરૂં. હકીકતથી અલગ સત્ય ન હોઈ શકે, અભિપ્રાય હોઈ શકે. અભિપ્રાય અમુક વસ્તુને સત્ય ઠરાવી દેવાની કોશિશ કરે તો હકીકત એની આડે આવે અને સત્યને પ્રદૂષિત ન થવા દે.મનુષ્યની જૈવિક ક્ષમતાને કારણે એને તર્કશક્તિ મળી છે. આ તર્ક પણ હકીકતથી દૂર ન જઈ શકે. તર્ક હકીકતનો નાનો ભાઈ છે. જે કાર્ય બહેન હકીકત નક્કર દુનિયામાં કરે છે તે જ કાર્ય એ મનોજગતમાં ભાઈ પાસે કરાવે છે.

   કુતર્કને હું તર્ક નથી માનતો. કુતર્કનો મુકાબલો થવો જ જોઇએ. વળી આંશિક સત્ય, નગ્ન સત્ય જેવા વિભાગો પણ ન પાડી શકાય, કારણ કે દરેક સત્ય નગ્ન જ હોય છે. પરંતુ આપણે આપણી સમજશક્તિની મર્યાદા સ્વીકારીએ તો જે કઈં સત્ય આપણને જોવા મળશે તેને આંશિક જ માનીશું. કોને ખબર, આપણે કેટલું સત્ય જાણી શક્યા? “હું પૂરૂં સત્ય જાણી શકતો નથી” એ મારી મર્યાદા છે અને એનો સ્વીકાર કરવો એ નમ્રતા છે. એમાં અનાગ્રહ છે, બદલવાની ઇચ્છા છે..આંશિક સત્યનો અર્થ મારી નજરે આટલો જ છે.

   વિજ્ઞાન તો ગોથાં ખાઈને જ આગળ વધે છે. પણ એમાં માત્ર તર્ક નથી. એમાં હકીકતો પણ છે. બન્ને સાથે જ કામ કરે છે. હકીકતોની સમજ બદલાય તો તર્ક પણ બદલાય જ. પણ વૈજ્ઞાનિક એ વખતે એના ગુરુ વૈજ્ઞાનિકની ચિંતા નથી કરતો. બીજે બાજુ આઇન્સ્ટાઇન જેવા પેટન્ટ ઑફિસમાં કામ કરતાં માત્ર તર્ક રજૂ કરે છે કે હકીકતો આવી હોવી જોઇએ. વૈજ્ઞાનિકોને તર્ક તો સમજાય તો પણ કસોટી કરવાનું ચૂકતા નથી. જ્યારે નક્કર હકીકતો પણ આઇન્સ્ટાઇનના જણાવ્યા પ્રમાણે જોવા મળે છે ત્યારે એમના તર્કને માન્યતા આપે છે. એ વખતે એમનો તર્ક માત્ર બૌદ્ધિક વ્યાપાર નહીં, બ્રહ્માંડનું સત્ય, યથાસ્થિતિનું નિરૂપણ કરનારો સિદ્ધાંત બની જાય છે.

   ઉત્ક્રાન્તિમાં ઘણાં તથ્યો બદલાય છે. આ સંજોગોમાં આપણે પરિવર્તનને સ્વાભાવિક માનનાર વિજ્ઞાનને નબળું ગણાવીએ તે કેવું? સ્થિતિઓ અને હકીકતો બદલાઈ ગઈ હોય તેમ છતાં ધર્મને સનાતન સત્ય માની લઈએ તે કેવું?

   આનો અર્થ એ નથી કે તર્કની પોતાની કોઈ મર્યાદા નથી. શુદ્ધ રૅશનલપણું શક્ય નથી એ સાચી વાત છે, પણ એ વ્યક્તિગત મર્યાદા છે. જેમ એક યોગી હવામાં ઊડી શક્તો હોય તો એ વાત સાંભળીને આપણે યોગની શક્તિ માની લઈએ છીએ પણ આપણે પોતે તો ઊડી શકતા નથી. એમ દરેક વ્યક્તિ રૅશનાલિઝમમાં પણ અલગ અલગ સ્તરે હોઈ શકે છે. જેમ આપણે ઊડી નથી શકતા તેમ છતાં યોગની શક્તિ માની લઈએ છીએ તેમ જ અહીં તર્કની શક્તિ માની લઈએ, ભલે ને આપણામાં એટલી હદે જવાની શક્તિ ન હોય.

   આમ છતાં આપણું ભાવજગત પણ છે. આપ્ણી સામુદાયિક સ્મૃતિઓ પણ છે. શ્રી યશવંતભાઇએ આ અર્થમાં તર્કની મર્યાદા દર્શાવી હતી અને તેનો મેં સ્વીકાર કર્યો જ છે. સાહિત્ય અને કલા માત્ર તર્કમાથી નથી જન્મ લેતાં. એ સામાજિક અનુભવોનો વ્યક્તિગત પ્રત્યાઘાત પણ છે.અને એ સામૂહિક પ્રત્યાઘાત પણ હોઈ શકે છે. આમ જૂઓ તો એકંદર સામાજિક પરિવેશથી આ પ્રત્યાઘાતો અલગ નથી હોતા. એટલે કેટલાક ઈષ્ટ કે અનિષ્ટ સામૂહિક પ્રત્યાઘાતો પણ જોવા મળે છે. પરંતુ એ જુદો વિષય છે.

 9. સત્ય અને શુદ્ધ સત્ય એ નિરપેક્ષ છે. એ સિવાયનું બાકી બધું સાપેક્ષ જ રહેવાનું. એ ન્યાયે, સત્યની શોધ માટે જે સાધન, જેમ કે હકીકત અને તર્ક, વાપરીએ એ પણ સાપેક્ષ હોવાથી, એના પરિણામે જે સત્ય મળે એ સાપેક્ષ રહેવાનું. આપના પૂર્વજોએ જે સંનિષ્ઠ પ્રયાસ કર્યો એ સાપેક્ષ સાધનો વડે રજુ કરવા પ્રયત્ન કર્યો હતો, ભલે કદાચ એમની સત્યશોધની પ્રક્રિયા નિરપેક્ષ સાધન વડે થઇ હોય. તેથી જ, તેમની રજૂઆત નિરપેક્ષ સત્ય વર્ણવી નથી શકી અને એટલે જ આપણે હજી પણ નિરપેક્ષ સત્યનું મૂળ શોધવા મથીએ છીએ!

  હવે, નિરપેક્ષ સાધન કયું? એ સાપેક્ષ સાધન જેમ કે શબ્દ કે ભાષાથી કહી નથી શકાતું. પણ એવી ઝાંખી થઇ શકે કે, આપણી દરેકની અંદર કૈક એવું છે જે નિરપેક્ષ છે. વળી, નિરપેક્ષ સત્ય એક જ અને શાશ્વત હોય. એ ન્યાયે, આપણી અંદર “કૈક” નિરપેક્ષ છે એની શોધ નિરપેક્ષ સત્યની શોધ જ સાબિત થાય.

  દીપકભાઈ, તમે આ લેખમાં આવનારી લેખશ્રેણીનું ટ્રેલર બતાવી દીધું અને મારી અંદરના ચાતક પક્ષીને ઉડવા મજબુર કરી દીધું!

  1. ભાઈ ચિરાગ,
   ઘણા વખતે આવ્યા. સત્ય નિરપેક્ષ હોઈ શકે? મને ખબર નથી. પરંતુ એ વધારે શક્ય લાગે છે કે એ સાપેક્ષ હોય. મેં અતુલભાઈને કહ્યું છે તેમ આપણી યાત્રા ‘સ્વ’થી શરૂ થાય છે. એટલે સત્ય પણ સાપેક્ષ જ રહેવાનું. આમ છ્તાં એ પણ આપણે જોઇએ છીએ કે આપણી ઓળખાણ આપણે બીજાઓ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ. મેં એક લેખ લખ્યો છે “હું કોણ છે?” પરંતુ આ ‘અન્ય’ પણ મારા સમાન છે. એ અમૂર્ત નથી. રોજના વ્યવહારમાં હાજર છે. આમ ‘મારા’ શબ્દ સાથે આપણે પાછા પોતાના પર કે ‘સ્વ’ પર આવીએ છીએ! આમ સત્ય સાપેક્ષ જ હોવાનું. નિરપેક્ષ સત્યની ખોજ કદાચ મનો જગતમાં ફળદાયી નહીં નીવડે. એ સાપેક્ષ હોવાથી અનેક સત્યો હશે. આથી આપણે માનવું પડશે કે સત્ય પર કોઈનો ઇજારો નથી. આપણું સત્ય આંશિક છે. બધાં આંશિક સત્યોનો સરવાળૉ કરીએ અને એને નિરપેક્ષ સત્ય નામ આપીએ તો ભલે.
   દાખલા તરીકે, તમે કહો છો એવું આપણી અંદર ‘કઈંક એવું” શું છે? બહારથી આપણે બ્રાહ્મણ, વાણિયા, પટેલ, રાજપૂત, મુસલમાન, ખ્રિસ્તી છીએ. પણ અંદર ‘કઈંક એવું છે’ – તે છે આપણું માનવપણું. સત્ય આ દુનિયાની અકાટ્ય હકીકતોમાંથી જ મળે એમ લાગે છે. જો સત્ય નિરપેક્ષ હોઇ શકે તો આપણે દર વખતે કહેવું પડશે કે હું પૂરૂં સત્ય જાણી શક્યો નથી.આથી આંશિક સત્યને સત્ય માનીએ તો પણ એ કાલબદ્ધ જ રહે. સમય સાથે બદલવાની આપણી તૈયારી હોવી જોઇએ.આપણું સત્ય અજોડ અને શાશ્વત નથી. બસ, એ એક કાલખંડમાં હોય છે.

   1. એક દાખલો આપુ? આપણા દરેકના ભૌતીક શરીરનો મુળભુત એકમ કોષ છે. આ કોષમાં રહેલા પરમાણુનો એકમ ઈલેક્ટ્રોન છે. હકીકતે એ આપણે અનુભવી શકીએ છીએ. પણ, વધારે બારીક હકીકતના પરીપ્રેક્ષ્યમાં ઈલેક્ટ્રોન કોઈ કણ જ નથી, એ તો માત્ર “કૈક” હોવાની સમ્ભાવના માત્ર છે. તો સાચુ શું? એની શોધમાં બધા મચી પડ્યા છે. તમે જે સાપેક્ષ સત્ય શબ્દ વાપર્યો છે એ તો માત્ર અંતીમ કે નીરપેક્ષ સત્યની શોધમાં આવતા અસ્થાયી પડાવ સમાન છે. વળી, નીરપેક્ષ સત્ય એક જ હોય એટલે કોઈ પણ શાખા કે રસ્તો એક જ અંતીમ તરફ લઈ જાય. એની ઝાખી થવાથી હવે વૈજ્ઞાનીકો “થીયરી ઑફ એવરીથીંગ” પાછળ પડ્યા છે. દીપકભાઇ, તમે જો કે મારુ સમર્થન આ બાબતે કરી આપ્યુ છે, આપણું સત્ય અજોડ અને શાશ્વત નથી. હા, આપણે એ તરફ દોડી રહ્યા છીએ એ ચોક્કસ.

    1. રૅશનાલિઝમ પ્રત્યક્ષ ન દેખાતી હકીકતોને પણ હકીકત માને છે. કોઈ વસ્તુ આપણે જોઈ, અનુભવી ન શકીએ તેથી એ હકીકત નથી હોતી એમ નથી. મેં યુરોપ નથી જોયું. પણ યુરોપ નથી એમ ન કહી શકું. .તર્કની સત્તા સ્વીકારીએ તો બધું બદલતું રહે એ સ્વીકારવા આપણે તૈયાર થઈ જઈએ.. તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સાબીત થતું હોય તો કોઈને વાંધો ન હોઈ શકે/ન હોવો જોઇએ.
     પરંતુ આપણૂં સત્ય અજોડ અને શાશ્વત નથી, તેમ છતાં આપણો અટલ વિશ્વાસ હોય.એવી બધી આધ્યાત્મિક ધારણાઓને પણ કસવા તૈયાર થશે?

 10. સત્ય સાપેક્ષ હોય એવું ‘લાગે’ છે કારણ કે આપણા ગજ એને માપવા માટે ટુંકા જ નહીં, અધુરા ને નબળા છે. બાકી ચીરાગ કહે છે તેમ સત્ય નીરપેક્ષ જ હોય.

  બીજી એક વાત. તર્ક એ સીડી છે – સત્યને શોધવા માટેની. એ એક સાધન છે.
  હકીકત એ સાધન નહીં, પણ સત્યની કંઈક ઝાંખી કરવાવનારું કોઈ પગથીયું હોઈ શકે. આમ તો હકીકત શબ્દાર્થે સત્યનું જ સ્થુળ, સાપેક્ષ ને સાવ ટચુકડું રુપ ગણાય. સત્ય એટલે “જે છે તે” તે શું છે, કેવું છે, ક્યાં છે ? વગેરે પ્રશ્નો એને શોધવા માટેની બારી કહો કે તત્પરતા કહો. હકીકત પણ સાપેક્ષ જ હોય કારણ કે હકીકત અંગે જે કોઈ બોલશે તે પોતાના જ વીચાર/બુદ્ધીક્ષેત્રની મર્યાદામાં બોલશે.
  હવે આ હકીકતો કે જે સૌને જુદી જુદી રીતે દેખાય છે તેમાંથી ‘સૌને દેખાય/સમજાય’ તેવું તારવવું તે વીજ્ઞાનનું કામ. આ કામ માટે તેણે તર્કનો સહારો લેવો પડે. પરંતુ તર્કો પણ વ્યક્તીગત શક્તી–મર્યાદાના દ્યોતક હોઈ શકે. સૌને માન્ય હોય તેવા તર્કની પણ શોધ થવી જોઈએ…થતી રહી જ છે. આ તાર્કીકતાના વૈવીધ્યમાંથી જુદાં જુદાં ક્ષેત્રો માટેનાં તર્કોનુંય શાસ્ત્ર બને. (લેબોરેટરી પણ દરેક ક્ષેત્રનાં કામો માટે એકસરખી ન હોઈ શકે.) તર્કને સીડી બનાવીને તેના મારફતે વીજ્ઞાનીઓ પછી યોગ્ય ઉપકરણો તૈયાર કરીને જેતે ક્ષેત્ર માટે શોધ કરે.
  વીજ્ઞાન પણ એક પ્રક્રીયાથી વીશેષ નથી. વીજ્ઞાન એક વ્યવસ્થાતંત્ર ગણાય. એમાંથી “જે પ્રગટે” તે બીજું વધુ સાચું ન શોધાય “ત્યાં સુધીનું’ સત્ય આપે !! આમ વીજ્ઞાન પણ એનાં ઉપકરણોની જેમ જ અધુરું ને નબળું જ ક્ષેત્ર ગણાય. હજારો વરસ પહેલાં ‘સમય અને સ્થળ” (ટાઈમ એન્ડ સ્પેસ) અંગે જે શોધ થઈ તેને માટે કઈ લેબોરેટરી હશે ? ગ્રહો–નક્ષત્રોના સમયપત્રકો શોધવા માટેનાં કયાં ઉપકરણો હશે ?
  હવે મુળ વાત (મારી અપેક્ષાએ) કરું –
  સત્ય, નીરપેક્ષ સત્ય, સૌને એક સરખું લાગુ પડે તેવું સત્ય કયું ? સમગ્ર બ્રહ્માંડના સંદર્ભે આ પ્રશ્ન હાથ પર લેવાતો રહ્યો છે. તત્ત્વજ્ઞાન તો બ્રહ્માંડનો સંદર્ભ પણ સાંકડો માને છે !! કલ્પનાતીત બ્રહ્માંડ પણ મર્યાદીત (સીમારેખાઓથી ભરેલું) મનાવાયું છે ! કૃષ્ણના મુખમાં એને બતાવવાની કલ્પનામાં આ સીમાઓ જ નહીં, બ્રહ્માંડનો આ આખો લબાચો પણ કોઈ તત્ત્વના મોઢામાં હોઈ શકે છે /સમાઈ શકે છે તે કલ્પના સત્યના અસ્તીત્વની સાથે સાથે એ સત્યના “સંચાલનની કોઈ વ્યવસ્થા”નો પણ ઈશારો આપે છે !! સત્ય અને તેના આધાર પર રહીને, એને સાચવતાં રહીને, “એના સંચાલનની” વાત !! (જગતનું સર્જન, સંમાર્જન અને વીસર્જન કરનારા દેવો પણ પછી તો, તેના ભાગરુપે ગોઠવાયા !)
  ભક્તીયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગના માર્ગો ઉપરાંત રાજયોગનો માર્ગ પણ લઈને સત્યને શોધવાના પ્રયાસો એ આપણી માનવજાતની અમાપ સમર્થતા અને તપશ્ચર્યાનું દ્યોતક છે. ભક્તીમાર્ગીઓએ શ્રદ્ધાને સાધન બનાવ્યું; કર્મમાર્ગીઓએ યજ્ઞ (સર્વજનહીતાય/સુખાય કર્મો)ને સાધન બનાવ્યું; જ્ઞાનમાર્ગીઓએ પ્રજ્ઞાને સાધન બનાવ્યું ને રાજયોગીઓએ ભીતરમાં જઈને શરીરની તાંત્રીકતાને કામે વળગાડી !! આ બધાં સાધનો કે માર્ગોમાં તર્ક હોય જ. પણ તર્ક જ એક માત્ર સાધન કે સીડી ન હોય. ન હોઈ શકે. પ્રજ્ઞા શબ્દ બુદ્ધીની તર્કશક્તીને વામણી બનાવીને તેનાથી પણ ઘણું ઉંચું કોઈ સાધન ચીંધે છે. જ્ઞાનમાર્ગીઓની બુદ્ધી, ભક્તીમાર્ગીઓની શ્રદ્ધા કે રાજયોગીઓની ક્રીયાઓ એ બધાંની ઉપરવટ જઈને “ ‘સૌ કોઈને માટે’ના, ‘શાશ્વત’ સુખો માટેના યજ્ઞોને પણ ”સાધન” બનાવાયા છે. આ યજ્ઞો એ કોઈ ક્રીયા માત્ર નથી. આ યજ્ઞોની સાથે જોડાયેલી સમગ્ર વ્યવસ્થા અને તેનું તંત્ર પણ હતાં. અહીં ચારેય યોગોનો સમન્વય કરીને શાશ્વત સત્યની શોધ કરવાનો ધખારો હતો.
  રૅશનલીઝમનાં મુળીયાં ત્યાં હોવાની વાત દીપકભાઈ કરે છે તે સાચી છે. રૅશનલ વીચારણા એટલે સત્યની વધુમાં વધુ નજીક જવા–રહેવાની વાત. ત્યાં પહોંચવા માટેની શોધ કરવાની વાત. એ શોધ માટેનાં સાધનો મેળવવાની વાત. અને છેવટે સત્યની ઝાંખી પણ થાય તો સૌમાં તે વહેંચવાની વાત !
  પણ તકલીફ એ છે કે સત્યને શોધનારો નમ્ર રહી શકતો નથી. એ આગ્રહી, હઠાગ્રહી બની જાય છે એટલે પછી અનેક માર્ગો વચ્ચે સંઘર્ષો થતા રહે છે ને સત્ય બાપડું… … … ? !
  અસ્તુ.

  1. મને ખબર નથી કે સત્ય નિરપેક્ષ છે કે કેમ. પરંતુ સત્ય નિરપેક્ષ હોવાની આપણી ઝંખના, આશા અને ધારણા અડગ છે. આ ધારણાને આપણે ચકાસી જોઇએ તો? સાપેક્ષ સત્ય આપણું સત્ય છે. એમાં સમય સાથે ફેરફાર થાય તો એ સ્વાભાવિક છે. હું બદલીશ એ શક્યતાનો ઇન્કાર નથી કરતો. બદલ્યો છું જ -શારીરિક રીતે અને માનસિક રીતે પણ.
   તર્કની સીમા તો મેં પહેલા લેખમાં જ દર્શાવી છે. હવે કોઈ શ્રદ્ધાની સીમા દર્શાવનાર શ્રદ્ધાળુ અથવા શ્રદ્ધાવાદી મળે એની રાહ જોઉં છું.

   1. ૧. સંપૂર્ણ/Absolute સત્યનું કોઇપણ અર્થઘટન અંતે તો તે ‘સત્ય’ પર જ આવે, તેથી તે નિરપેક્ષ હોય. સાપેક્ષતા એ અર્થઘટનોની મર્યાદા છે,તેથી જેટલું તે અર્થઘટનને સહમતિ કે વિરોધદ્વારા વિસ્તારી શકાય તેટલું તે સત્ય તો અધુરૂં જ રહ્યું. પૅરી મૅસનની કથાઓમાં આવાં સાપેક્ષ સત્યને સાંયોગિક પુરાવાઓ/circumstantial evidenceની મદદથી સ્વિકાર્ય સત્ય બનાવવાની ઘટનાઓના અનેક દાખલાઓ જોવા મળશે. તેની સામે લેખક મુખ્ય પાત્રની મદદથી હંમેશ એવું કહેતા રહે છે કે સત્યને સાબિત કરવામાટેના પુ્રાવા એકઠા કરવા એ મુશ્કેલ કામ છે, કારણકે સત્ય તો પુરાવાઓ કે અર્થઘટનોનું મોહ્તાજ ન હોય. પરંતુ, આપણી તર્કશક્તિની એ નબળાઇ છે કે આપણે જે દેખાય છે તેની પાર સત્યને ખોળી નથી શકતા, એટલે જે આપણા તર્કને અનુકુળ બેસે તેવા પુરાવાઓ થી સત્ય સિધ્ધ કરી લેતા હોઇએ છીએ.
    ૨.આગળની પૉસ્ટની ચર્ચામાં કહેવાયું હતું તેમ કારણકે આપણાં મગજનો બહુ જ આંશિક ઉપયોગ કરી શક્યા છીએ તેથી આપણી બુધ્ધિશક્તિની મર્યાદાને કારણે તર્કની સીમા તો ઝડપથી આવી જાય એવું બનતું હોય છે. સામાન્યતઃ જ્યારે વ્યક્તિની તાર્કીક સીમા આવી જાય ત્યારે તે હેતુનિષ્ઠ તટસ્થતાની/ objective neutralism સીમા ઓળંગી લાગણીશીલ વિષયીવિજ્ઞાનવાદ /emotional subjectismથી ઓળખાવાનો પ્રયત્ન કરતાં શ્રધ્ધાના ક્ષેત્રમાં દાખલ થઇ જાય છે. આમ જો બુધ્ધિશક્તિની મર્યાદા એ તર્કની સીમા નક્કી કરે તેમ માનીએ તો શ્રધાની સીમા એ લાગણીઓની મર્યાદાથી નક્કી થવી જોઇએ.

    [આવી technical ચર્ચાને સમજવી અને માણવી તેમજ નક્કી કર્યું હતું, પરંતુ આ ઇન્ટરનેટ પર વિચારોની અપ્રતિબંધિત રજૂઆતની જે છૂટ મળે છે તેનો લાભ લેવાનો લોભ છોડ્યો છોડાય તેમ નથી તે નબળાઇવશ આ લખાયું છે. જો બીનતાર્કીક અને અસંબધ્ધ હોય તો તેને દરગુજર કરશો.]

    1. પ્રિય અશોકભાઈ,
     જે વાસ્તવિક છે, જે અસ્તિત્વમાં છે તેને આપણે અધૂરૂં કેમ માની શકીએ? સાપેક્ષ સત્ય હોય તો એ નબળું હોય એમ મને નથી લાગતું. પૂર્ણ સત્યની ઝંખનામાં મને એવી ટેવ પડી ગઈ હોય કે હું કહું તે જ સાચું; તો સત્ય ઉપર મારા આ ઇજારાના દાવાને તોડવાનો તમારી પાસે એક જ રસ્તો તર્કનો છે.

     જે સત્ય આપણી સામે આવે તેને તર્કની કસોટીએ ચડાવીએ તો ખબર પડે કે એ કેટલું મજબૂત છે. તર્કની સામે તો હું તર્ક કરી શકીશ, પણ તર્કની સામે હું તો શ્રદ્ધા ધરી દેતો હોઉં છું – અને તે પણ નિરપેક્ષ સત્યના રૂપમાં! કારણ કે શ્રદ્ધાળુએ નક્કી કરી લીધું છે કે પરમ તત્વ જેવું કઈંક એક તત્વ છે. આ પોતે એક તર્ક થયો, ( જો કે શ્રદ્ધા એનો સ્વીકાર જોરદાર તર્કને કારણે નથી કરતી!) પરંતુ એ અકાટ્ય તર્ક છે કે કેમ એ સવાલ છે.

     સત્ય સાપેક્ષ હોય એ સત્ય છે, યથાર્થ છે. એનો આધાર ઑબ્ઝર્વર પર છે. માણસ અર્થઘટનો કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે એમનાં અર્થઘટનો જુદાં રહેવાનાં. આટલા મોટા સ્વાતંત્ર્યને છોડવાની મને ઇચ્છા નથી થતી.

     આનો અર્થ એ નથી કે હું લખું છું તે બધું સાચું છે. એનો અર્થ એટલો જ છે કે માણસ તર્ક દ્વારા એક નિર્ણય પર પહોંચે અને તર્ક દ્વારા એમાં ફેરફાર કરે. નિરપેક્ષ સત્ય મળી જશે તો પણ હું તો એને મારી ક્ષમતા પ્રમાણે જ જોવાનો છું ને! ફરી આપણે પાછા સાપેક્ષના ત્રિભેટે જ આવી જઈશું! આમ મંકોડાની જેમ ગોળ ગોળ ફર્યા કરશું. અને સૌ પોતપોતાની રી્તે ‘નિરપેક્ષ સત્ય’ તરફ આંગળી ચીંધ્યા કરશે. પણ બધી જ આંગળીઓ એક જ દિશામાં જતી હશે કે કેમ એ સવાલ તો ઊભો જ રહેવાનો!

     1. બુધ્ધિવાદીએ તર્ક કરવો જ જોઇએ તે પણ જરૂરી નથી. કદાચ કોઇના તર્ક સાથે સહમત થવું – બધી જ આંગળીઓ એક દિશામાં જાય – તેને, કારણકે હું બુધ્ધિવાદી(માં ખપાવાઉં) છું, માટે સહમતિ તે મારિ બુધ્ધિની તૌહીન ગણાઇ જવાની બીકે હું વાદ કર્યે રાખું અને તેને તર્કમાં ખપાવ્યે રાખું તો તો સત્ય ગમે તેટલું શોધે પણ ક્યાંથી મળે?
      [જો કે મારો ઇરાદો આમ જ વાદમાં ઉતરી પડવાનો નથી જ, હું તો તમારી દલીલસાથે સહમતિને શબ્દીલ દાદ આપું છું.]

  1. પ્રિય મિત્ર,
   તમે આપેલી સાઇટ્સ જોઈ. આ બાબતમાં હું કશું કહીશ તો વિષયાંતર થશે. પરંતુ એટલું જાણું છું કે રૅશનાલિસ્ટોએ જાતે જ આ રસ્તાને તાળાં મારી દીધાં છે! તમારા બ્લૉગ પરની ‘આર્યન આક્રમણની થિયરી ખોટી છે’ એ લિંક પરથી ફિલ્મ પણ જોઈ. વિષય રસ પડે એવો છે. પરંતુ એની ચર્ચા પણ અહીં નહીં થઈ શકે. સમય મળતાં તમારા બ્લૉગ પર આવીશ અને ત્યાં ચર્ચા કરશું. આભાર.
   બીજું દર વખતે તમારી કૉમેન્ટ એપ્રુવ કરવી પડે છે. આમ કેમ? તમે કદાચ સબસ્ક્રાઈબ કરો તો આમંથી બચી શકાય કે કેમ?

 11. ઘણા વખત બાદ આજે વાંચવાનો સમય મળ્યો. ત્રણે ભાગ ઉપર ઉપરથી જોઈ ગયો. આ વિષયનો અભ્યાસ કરનારા માટે બહુ મોટું , પાયાનું કામ કર્યું છે. હાર્દિક અભિનંદન.
  ——–
  જ્યારે જ્યારે આવી વાત આવે છે; ત્યારે સ્વાભાવિક રીતે સત્યશોધન ઉપસી આવે છે- અગણિત સત્યોમાંના એક બધા સર્જનોનું મૂળ શું – તે વિશેના સત્યની, અધ્યાત્મની. મારી બહુ જ અલ્પ અને સીમિત અનુભવ આધારિત સમજ પ્રમાણે – આ દિશાના સત્યની ખોજનો પ્રારંભ , એનું પહેલું પગથિયું – અજ્ઞાન જ હોઈ શકે! જ્ઞાનેન્દ્રિયો અને તેના સ્વામી મનની પારના એ પ્રદેશને વાટ અજ્ઞાનથી – વિચારવિહીન બનવાથી થાય છે.
  એ વાટ ઘણી લાંબી અને અરસિક છે; પણ એની એક ઝબકાર જેવી પ્રતીતિ થયા બાદ- જ્ઞાનથી તો તેની વધારે ઝાંખી ન જ મળે – એમ લાગે છે.
  આથી આગળના ભાગો પૂર્ણ ધ્યાનથી વાંચીશ જ. પણ મારો અભિપ્રાય ન આપું તો દરગુજર કરશો.
  તમારા આ અભ્યાસપૂર્ણ પ્રયત્નને ફરીથી અંતરથી વધાઈ.

  1. સોરી …
   …… જ્ઞાનેન્દ્રિયો અને તેના સ્વામી મનની પારના એ પ્રદેશને વાટ –
   સુધારજો …

   . જ્ઞાનેન્દ્રિયો અને તેના સ્વામી, મનની પારના એ પ્રદેશની સફરની શરૂઆત …

   1. ” આ દિશાના સત્યની ખોજનો પ્રારંભ , એનું પહેલું પગથિયું – અજ્ઞાન જ હોઈ શકે!”

    બહુ મોટી વાત કરી દીધી છે, તમે સુરેશભાઈ! આ બ્લૉગના Aboutમાં મારો પરિચય આપતાં મેં પણ મારા નિઃસીમ અજ્ઞાનનો સ્વીકાર કર્યો છે.

    ફિલોસોફી કેટલી ઉપયોગી, એ જુદો સવાલ છે, પરંતુ જ્યાં સુધી છેક મૂળ સુધી પહોંચવાની વાત આવે ત્યાં સુધી ફિલોસોફી આ જ માર્ગ લે. માણસ સદાકાળ પોતે શું છે, પોતાનું એટલે શું એ જાણવા ઉત્સુક રહ્યો છે અને આ ખોજનો અંત નથી આવ્યો.

    બીજો અને ત્રીજો ભાગ તો ‘ટેકનિકલ’ છે તે હું જાણું છું, પણ પહેલો ભાગ મારી દૃષ્ટિએ ટેકનિકલ નથી. એટલે ફરી વાર વાચવાની વિનંતિ કરવાની ધૃષ્ટતા કરૂં છું.

    1. ફ્રરીથી એક ચોખવટ ..
     મેં જે લખ્યું – એમાં જ્ઞાન કે અજ્ઞાન અર્થ અભિપ્રેત નથી. પણ અભણ બનવાની – શૂન્ય બનવાની – ‘ હું કાંઈ નથી; મારું કશું નથી; મારે કશું જોઈતું નથી.’ એ ભાવને સતત ઉજાગર રાખવાની તાલીમ લેવાની વાત છે.
     સાવ શૂન્ય તો કદાચ આ જન્મમાં થવાશે કે નહીં – તે ખબર નથી; પણ જે થોડીક મિનીટો માટેની અલઝલપ , ધૂંધળી ઝાંખી મળી છે.
     માનવ જીવન અનેક આધિ, વ્યાધિ, ઉપાધિઓથે ભરેલું છે જ- મોટા ચમર બંધીઓ પણ એનાથી મુક્ત નથી. પણ શૂન્ય થવાથી મળતા આનંદ અને શાંતિની એક ઝાંખી જરૂર મેળવી લેવી ઘટે.
     – સૌ વિવેક પંથીઓને એ રીતનો જાત અનુભવ મેળવવા કોશિશ કરવા વિનંતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: