Rationalism in India -part 1

રૅશનાલિઝમઃ ભારતમાં (ભાગ-૧)

 ભૂમિકા

મોટા ભાગે ભારતીય ચિંતન પરંપરાનો આધાર એ રહ્યો છે કે આ સંસાર દુઃખમય છે અને એમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો શોધવાના છે. વેદ-આધારિત પૂર્વ મિમાંસાના ચિંતનની તો આ જ ભૂમિકા રહી છે. તો, બીજી બાજુ, ગૌતમ બુદ્ધે વેદના પ્રભાવથી તો પોતાને મુક્ત કર્યા પણ એમણેય સંસારને દુઃખ માનીને જ ગૃહત્યાગ કર્યો હતો! આમ દુઃખમાંથી મુક્તિની એક પ્રબળ વિચારધારા બધાથી ઉપરવટ ચાલતી હતી અને બધા મતો પોતપોતાની રીતે દુઃખના ઉપાયો શોધતા હતા. દરેક મત પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથતો હતો એટલે તર્કનો વિકાસ થાય એ સ્વાભાવિક પરિણામ હતું,

આસ્તિક અને નાસ્તિકની મૂળ વ્યાખ્યા પ્રમાણે વેદને પ્રમાણ માને તે આસ્તિક, અને વેદથી અલગ વિચારે તે નાસ્તિક.  આજે આપણે ‘આસ્તિક’ અને ‘નાસ્તિક’ શબ્દના અર્થ ઈશ્વરમાં માનવા કે ન માનવા સાથે જોડી દીધા છે, આમ, ગૌતમ બુદ્ધના અનુભવે એમ દેખાડ્યું કે વેદ વિના પણ, વ્યક્તિગત પ્રયાસથી વ્યક્તિ સંસારની ઘટમાળમાંથી મુક્ત થઈ શકે છે. એકંદરે, છેલ્લાં અઢી હજાર વર્ષ દરમિયાન ભારતીય તત્વચિંતકો માટે એક વિષય તરીકે ઈશ્વર ગૌણ રહ્યો છે.  એમને મુખ્યત્વે એમની સામેના સંસારના વિશ્લેષણમાં અને એનાં મૂળ શોધવામાં રસ રહ્યો. આમાં અમુક ‘આસ્તિક’ (વેદને પ્રમાણ માનનારી) વિચારધારાઓને ઈશ્વર જરૂરી લાગ્યો, તો એવી પણ ‘આસ્તિક’ વિચારધારાઓ હતી, જેમાં ઈશ્વર વિશે કઈં ચર્ચાને સ્થાન જ નહોતું.

 પ્રાચીન તાર્કિક પરંપરાઓ

રૅશનાલિઝમનો આધાર તર્ક, એટલે કે લૉજિક છે. લૉજિકમાં પ્રુથક્કરણનું ખૂબ જ મહત્વ હોય છે. બુદ્ધના સમયથી પણ પહેલાં અને આગળ જતાં મૌર્ય અને ગુપ્ત કાળ સુધી વેદમાં આસ્થા રાખતી હોય એવી ઘણી વિચારધારાઓ પ્રચલિત હતી, પરંતુ એમાં વિશ્લેષણ અને તર્કનું મહત્વ રહ્યું. આમાં લોકાયત (એટલે કે ચાર્વાકવાદીઓ), સાંખ્ય, ન્યાય અને વૈશેષિક દર્શનોનો સમાવેશ થાય છે. એમનો ઉદ઼્ભવ ક્યારે થયો એ ચોક્કસ ન કહી શકાય પરંતુ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સાંખ્યનો ઉલ્લેખ છે. એ જ રીતે મૌર્ય યુગના લગભગ અંત સમયે ન્યાય દર્શન વિકસ્યું અને તે પછી ગુપ્ત યુગમાં, એટલે કે, ઈસુની ચોથી સદીમાં, વૈશેષિક દર્શનનો વિકાસ થયો.  આ બધાં દર્શનોમાં કાં તો ઘટનાઓનું પૃથક્કરણ કરીને સત્ય સમજવાનો પ્રયત્ન હતો અથવા પ્રકૃતિને મહત્વ આપવામાં આવ્યું હતું.

 યોગશાસ્ત્ર

આ દૃષ્ટિએ જોઈએ તો યોગ શાસ્ત્ર પણ આ વિચારધારાઓ જેટલું જ જૂનું છે, પરંતુ, એ સાંખ્ય, ન્યાય અને વૈશેષિક કરતાં અમુક રીતે જુદું પડે છે. સાંખ્ય, ન્યાય અને વૈશેષિક, એ ત્રણ વિચારધારાઓ છે અને એમાં તાર્કિક રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જ્યારે, યોગશાસ્ત્રમાં ક્રિયા પર ભાર મુકાયો છે. બીજું, આ ત્રણ વિચારધારાઓ પરમ તત્વની બાબતમાં બહુ ચિંતિત નથી, જ્યારે યોગશાસ્ત્રનું લક્ષ્ય પરમ તત્વની પ્રાપ્તિનું છે. શરીર તો ભૌતિક છે જ, પરંતુ મન પણ ભૌતિક છે એમ યોગશાસ્ત્ર માને છે. આ એમના વચ્ચેની સમાનતા થઈ. પરંતુ ક્રિયા પર ભાર મૂકીને યોગશાસ્ત્ર આસ્તિક દર્શન હોવા છતાં, અને ઈશ્વરમાં માનતું હોવા છતાં વૈદિક પરંપરાથી એણે અલગ રસ્તો બનાવીને ખરેખરી સામાજિક ક્રાન્તિ કરી. વેદપ્રણિત ક્રિયાકલાપોમાં બ્રાહ્મણો દ્વારા કરાતા યજ્ઞો અને એના પરિણામે મળતા સ્વર્ગસુખને કેન્દ્રીય સ્થાન મળ્યું હતું, પરંતુ યોગશાસ્ત્રે જીવનની ઘટમાળમાંથી મુક્તિનો વ્યક્તિગત માર્ગ દેખાડ્યો. એમાં યજ્ઞો નહીં પણ વ્યક્તિએ પોતે જ અમુક ક્રિયાઓ કરીને શરીરની અને મનની શક્તિઓનો વિકાસ કરવાનો છે, આમ પ્રકૃતિના સર્જન, એવા શરીરના પૂર્ણ વિકાસ દ્વારા જ સિદ્ધિ મેળવવાનું એનું લક્ષ્ય છે. આપણે યાદ રાખીએ કે ગૌતમ બુદ્ધે પણ આ જ માર્ગ ગ્રહણ કર્યો હતો. ગૌતમ તો હઠયોગ સુધી પહોંચી ગયા હતા અને શરીરનું દમન કરતા હતા. એ વખતે પરમ તત્વની પ્રાપ્તિ બાબતમાં શરીર દ્વારા – પણ શરીરનો તિરસ્કાર કરીને – પરમ તત્વ સુધી પહોંચવાનાં અવાસ્તવિક વલણો પેદા થયાં હતાં. અંતે ગૌતમ એને છોડીને પોતાની રીતે આગળ વધ્યા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું. આમ, તેઓ પોતે વેદવિરોધી (નાસ્તિક) હોવા છતાં યૌગિક પ્રક્રિયાઓને અપનાવતાં અચકાયા નહોતા!

 ‘યોગા’ દ્વારા યોગની દીર્ઘજીવિતા

પશ્ચિમી જગતે ‘યોગા’નો સ્વીકાર કર્યો ત્યારથી એનું શારીરિક ઉત્કૃષ્ટતાનું પાસું પ્રબળ રહ્યું છે. એનાથી પરમ તત્વની ખરેખર પ્રાપ્તિ થઈ શકતી હોય અથવા એ આદર્શ તરીકે નજર સામે રહે એના કરતાં એના બીજા શારીરિક લાભો પર આજે વધારે ભાર અપાય છે. આ રીતે એ પણ ભૌતિકવાદી ચિંતન જ બની રહ્યું છે. મૂળમાં જ એનાં બધાં લક્ષણો શરીરની શક્તિઓના ઉત્થાનનાં રહ્યાં છે.

 વિચારધારાઓ પર સામાજિક પ્રભાવ

આ ચારેય વિચારધારાઓમાં બ્રાહ્મણ વર્ગની ઉપયોગિતા નથી રહી. આમ સામાજિક ક્ષેત્રે એમનું પ્રદાન બહુ મહત્વનું ગણાય. ખૂબીની વાત એ છે કે આ વિચારધારાઓના સ્થાપકોએ પોતાના વિચારો માટે વેદનો જ આધાર લીધો છે. ચાર્વાકવાદીઓ તો બધાથી જુદા પડે છે. એમણે પણ વેદનો અનાદર કર્યો. આમ છતાં બુદ્ધની જેમ યોગનો માર્ગ ન સ્વીકાર્યો. આ બધાં જ વલણો વેદના સમયથી જ પ્રચલિત હોય એ શક્ય છે. એમની નોંધ લેવાય એવી સ્થિતિ જે તબક્કે આવી હોય એટલે એમનો વિકાસકાળ એ જ માની લેવો પડે, પરંતુ માનવીય વિચારજગતને કાલખંડમાં બાંધી ન શકાય. એ પણ નોંધી લેવું જોઇએ કે આપણે ગ્રીકોના સંપર્કમાં પણ આવી ચૂક્યા હતા, એટલે ફિલોસોફીના સ્તરે પણ બન્ને વચ્ચે આદાનપ્રદાન થયું હોય એમ માની શકાય.

મહત્વની વાત એ છે કે બૌદ્ધ ધર્મમાં મહાયાન શાખાનો વિકાસ થઈ ચૂક્યો હતો અને એમાં વિશ્લેષણ પદ્ધતિનો ભરપૂર ઉપયોગ થતો હતો. આમ વેદ-સમર્થક અને વેદ-વિરોધી બન્ને વિચારધારાઓએ એકબીજાને પરાસ્ત કરવા માટે લૉજિકનો આશરો લીધો. બન્નેએ એકબીજામાંથી ઘણું લીધું પણ ખરૂં.. બૌદ્ધો ઈશ્વરવાદી નહોતા એટલે એમની સામેના વાદ વિવાદમાં વેદ-સમર્થક વિચારધારાઓને પણ ઈશ્વર વિશે બહુ વિચારવાનું નહોતું. તર્કના આધારે એમણે જીવનની ઘટનાઓનો અર્થ સમજવાનો રસ્તો લીધો. આપણે ગુપ્ત યુગનો ઉલ્લેખ એટલા જ માટે કર્યો છે કે એ વખતે વિષ્ણુની મુખ્ય દેવ તરીકે સ્થાપના થઈ ચૂકી હતી અને ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ હતા. એમાં ભક્તિને બહુ મહત્વ મળ્યું હતું.  તેમ છતાં તર્કની પરંપરા પણ ટકી રહી.

ન્યાય દર્શનની વાત કરીએ તો પ્રાચીન સમયમાં એમાં ઈશ્વર નહોતો પણ પછી નવ્ય-ન્યાય દર્શન પણ આવ્યું, જેમાં ઈશ્વર છે, કારણ કે એમના હરીફ બૌદ્ધ ચિંતકો પોતે જ ભક્તિના માર્ગે વળી ગયા હતા! વૈશેષિક દર્શનમાં પણ ઈશ્વર નહોતો, પણ તે પછીના વિકાસમાં ઈશ્વરનો પ્રવેશ થયો. છેક સત્તરમી સદી આવતાં તો ન્યાય-વૈશેષિક દર્શન જાણે યુગલ હોય એમ એકમેક સાથે જોડાઈ ગયાં. આ સમય સુધીમાં તો ભારતમાં મુગલ સત્તાનો સૂરજ અસ્તાચળે પહોંચવા તલપાપડ થઈ ગયો હતો.  આ પહેલાં આઠમી સદીથી બારમી સદી સુધી આદ્ય શંકરાચાર્યના અદ્વૈત અને રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતે  લોકોનાં મન-મસ્તિષ્કનો કબજો લઈ લીધો હતો અને તેરમી સદીથી સોળમી સદી સુધી આખા દેશમાં ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. આ સ્થિતિમાં પણ  શુદ્ધ તાર્કિક આધારે બનેલી વિચારપરંપરાઓ પણ ટકી રહી એનું મહ્ત્વ ઓછું નથી, ભલે, એમાં પણ ‘પબ્લિક રિલેશન્સ’ની આવશ્યકતા પ્રમાણે અમુક ‘ઍડજસ્ટમેન્ટ’ થયાં હોય. આમ છતાં, આ ઉમેરા માત્ર ઉમેરા બની રહ્યા છે અને મૂળ સિદ્ધાંતમાં એ જગ્યાએ સાંધો દેખાઈ જતો હોય છે, આનો અર્થ એ પણ કરવો જોઈએ કે પ્રજાના એક વર્ગમાં તર્કનું આદરભર્યું સ્થાન હતું જ. વળી, આજે પણ શાસ્ત્રને નામે જે કઈં આપણે કહેતા હોઇએ છીએ એમાં આ વિચારધારાઓની છાંટ પણ વર્તાતી હોય છે. અરે, આજે આ વિચારધારાઓ આપણી ભાષામાં પણ પ્રવેશ કરી ચૂકી છે!

આનું કારણ એ કે આદ્ય શંકરાચાર્ય જેવા પ્રખર વિદ્વાને પણ તર્કની જ પદ્ધતિ લાગુ કરી. એમના આસ્થાવાદી વિરોધીઓનો તો એ આક્ષેપ પણ રહ્યો કે શંકરાચાર્ય ગુપ્ત રૂપે બૌદ્ધ છે અને બૌદ્ધ સિદ્ધાંતો વેદમાંથી તારવે છે. જો કે, આ આક્ષેપ સાચો નથી. ખરૂં જોતાં, બૌદ્ધ ચિંતનના પરાભવમાં શંકરચાર્યની તર્કશક્તિની બહુ મોટી ભૂમિકા રહી છે. બૌદ્ધ ધર્મના પતનનાં બીજાં આર્થિક-સામાજિક-રાજકીય કારણો તો હતાં જ. એ સંયોગોમાં શંકરાચાર્યે વિચાર ક્ષેત્રે પણ આક્રમણ કર્યું. આમ, ઈશ્વરના હોવા કે ન હોવા વિશે આપણે ત્યાં કેટલીયે સદીઓ સુધી તર્કના આધારે જ ચર્ચાઓ થતી રહી છે.

xxx xxx

 ભારતીય ચિંતન પરંપરાની તર્કવાદી શાખાઓ વિશે આપ સૌની સાથે ચર્ચા કરવાની મારી ઇચ્છા છે. આગામી દિવસોમાં હું આ બાબતમાં મારા વિચારો શ્રેણીબદ્ધ રજુ કરીશ. આપ સૌને ચર્ચામાં જોડાવાનું આમંત્રણ આપું છું.

%d bloggers like this: