Response to comments on ‘Rationalism’.

‘રૅશનાલિઝમ’ વિશેના લેખ પરની ટિપ્પણીઓનો પ્રતિભાવ.

હવે મારો વારો છે! આપ સૌએ રૅશનાલિઝમ વિશેના લેખ પર ટિપ્પણીઓ કરીને લેખનું મહત્વ વધાર્યું છે, તે બદલ આભાર. આમાં કેટલાક મુદ્દા એવા પણ છે કે મને થયું કે અલગ અલગ જવાબ આપું તે કરતાં તો એક સળંગ જવાબ આપીશ તો મુદ્દો ફોકસમાં રહેશે.
સૌથી પહેલાં તો મારે શ્રી મૂરજીભાઈ ગડાનો આભાર માનવાનો છે. મેં લાર્જ હેડ્રૉન કોલાઇડરના પ્રયોગ વિશે લખ્યું હતું તેનું અંતિમ પરિણામ પણ આવી ગયું અને આઇન્સ્ટાઇનની થિયરી ખોટી ન ઠરી, એ મને ખ્યાલ નહોતો. એમણે નવી માહિતી આપી તે એક રીતે લેખને જ બળ આપે છે. મારો મુદ્દો એ છે કે વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઇન ખોટા પડ્યા હોત તો પણ દુઃખી ન થયા હોત!. જે પરિણામ આવે તે સૌનું. સત્યની શોધમાં અંગત રાગદ્વેષ નથી હોતો.

શ્રી ભૂપેન્દ્રસિંહભાઇએ એમ્પીરિસિઝમ વગેરે ઘણા વિષયો સૂચવ્યા છે અને એ બધા વિચારવા જેવા છે. સમય મળશે ત્યારે એના પર પણ ચર્ચા કરવાનો વિચાર છે. પરંતુ અમુક વિચારધારાની લાંબા ગાળે અસર ન રહી અને રૅશનાલિઝમે પશ્ચિમના – અને ખરૂં કહીએ તો ઔદ્યોગિક ક્રાન્તિ પછીના આખા વિશ્વના – ચિંતન પર પ્રભાવ પાડ્યો છે. જો કે એનો જન્મ તો ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાં થયો.

વળી, ભારતમાં પણ એવી કોઈ દર્શન પરંપરા હતી કે નહીં એના પર ચર્ચા કરવાનો પણ વિચાર છે. છેલ્લાં ૨૦૦ વર્ષમાં સામાન્ય જનને સ્પર્શે તેવી બીજી ચિંતન ધારા માર્ક્સવાદની રહી, અથવા ગાંધીવાદની. પણ હું ગાંધીવાદને એમાં સામેલ કરતો નથી, કારણ કે ગાંધીવાદ જેવું કઈં છે એમ હું નથી માનતો. એમનું જીવન માર્ગદર્શક છે, પણ એમણે થોથાં લખવાનો ઇન્કાર કર્યો હતો. ગાંધીજી કર્મયોગી હતાઃ એમનો ‘ઍક્શન પ્રોગ્રામ’ હતો.

આજે મુખ્ય ચર્ચા રૅશનાલિઝમ વિશે થતી હોય છે, એટલે એના પર પ્રકાશ પાડવાનો મર્યાદિત હેતુ આ લેખનો હતો.

શ્રી સુરેશભાઈને વાંદરા અને મદારી વિશે પ્રજ્ઞાબહેને કરેલી ટિપ્પણી ગમી છે. પરંતુ ‘રૅશનાલિસ્ટ’ શબ્દથી જ એમને ઉબકા આવે છે તેમાં આ લેખ હોમિયોપૅથીની ગોળીઓ જેવો લાગ્યો હોય તો મને આનંદ થશે!

પરંતુ પ્રજ્ઞાબહેને એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે રૅશનલ એટલે શું તે પણ નક્કી કરવું જોઇએ. વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. કારણ કે વ્યક્તિની મર્યાદા જેટલી જ તર્કની મર્યાદા છે, જો કે, ભાઈ સમીરે આનો જવાબ આપ્યો છે – ‘ઓપન માઇંડ’ – આ કદાચ પ્રજ્ઞાબેનના પ્રશ્નનો જવાબ બની શકે. પરંતુ સમીર, મારે એટલું જ કહેવાનું છે કે ‘ઓપન માઇંડ’ એટલે જ તર્ક પ્રમાણે બદલવા તૈયાર થાય એવું મન! માર્ક્સ જેવા ફિલોસોફરોએ કહ્યું છે કે તર્ક અથવા વિચાર પરિસ્થિતિ પર આધાર રાખે છે. સ્વાયત્ત વિશુદ્ધ તર્ક હોય એમ માર્ક્સ નહોતા માનતા.

મેં પોતે જ કહ્યું છે કે જેટલી વ્યક્તિની મર્યાદા એટલી જ એના તર્કની મર્યાદા. પરંતુ એ કદાચ અર્ધું જ સાચું છે. કારણ કે ક્યારેક વ્યક્તિ પોતાની મર્યાદાની બહાર પણ તર્કનું શસ્ત્ર ચલાવતી હોય છે. અહીં તર્ક સિવાયનું (અથવા ‘ઓપન માઇંડ’ ન કહેવાય એ સ્થિતિનું) કોઈ પણ પરિબળ ભાગ ભજવતું હોય છે. એટલે શ્રી રાજગિરાભાઈને તર્ક સત્યનો ચોકીદાર એ વાત ગમી છે પણ શ્રી જુગલભાઈને એ નથી ગમ્યું એમણે વિસ્તારથી લખ્યું પણ છે. એમનો જે ઇશારો છે તે પરિબળો એટલે કુતર્ક. તર્કને સ્થાને સામાન્ય રીતે બીજું કઈં ન આવે, પરંતુ સત્તા, ઘમંડ, અધિકાર, લાલચ વગેરે પરિબળોની મદદ મળે ત્યારે માત્ર કુતર્કનું શાસન હોય. એટલે તર્કની પ્રક્રિયા પોતે કેટલી તાર્કિક છે, એ પણ વિચાર્યા વગર ન ચાલે. આમ છતાં આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે દુનિયાની સમસ્યાઓ તર્કને કારણે નહીં કુતર્કને કારણે પેદા થઈ છે. રૅશનાલિઝમ તર્કની હિમાયત કરે છે, પણ કુતર્કની શક્યતાનો ઇન્કાર નથી કરતું. હિટલરનો પણ એક તર્ક હતો અને મૅકૉલેનો પણ એક તર્ક હતો. પણ ખરેખર આપણે એને તર્ક કહીશું? બીજી બાજુ ગાંધીનો પણ એક તર્ક હતો અને પ્રજ્ઞાબહેન કહે છે તેમ એની પાસે રાજશક્તિ તો નહોતી, તો પણ રાજસત્તા એનાથી ડરતી હતી. આથી જ મેં કહ્યું છે કે તર્ક સત્યનો ચોકીદાર છે. કુતર્કો અમ્તે તો પરાસ્ત થાય છે.

પ્રજ્ઞાબહેને શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે. એના પર લાંબી ચર્ચા કરીશ તો કદાચ વિષયાંતર થઈ જશે, પરંતુ એટલું પૂછીશ કે શ્રદ્ધાનો આધાર તર્ક બની શકે કે નહીં? તર્ક આધારિત શ્રદ્ધાની શક્તિ ગજબની હોય છે. શ્રદ્ધાનો અર્થ આત્મશ્રદ્ધા હોય એ બહુ જ જરૂરી છે. એના સિવાય ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, અશ્ફાકુલ્લાહ, રામપ્રસાદ બિસ્મિલ હસતે મોઢે મોતને ભેટ્યા નહોત. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં જે કામે ગયા હતા તે જ કરતા રહ્યા હોત.

શ્રદ્ધા શબ્દને આપણે ધાર્મિક માન્યતા પૂરતો મર્યાદિત કરી નાખ્યો હોય એમ નથી લાગતું? આપણા જેવા સામાન્ય માણસોની વાત કરૂં તો આપણે શા માટે ગુરુ વિના, આપણી માન્યતાઓ વિના, માત્ર પોતાના જ આધારે ન જીવી શકીએ? એકાદ દિવસ તો પ્રયોગ કરી જોઈએ. સમજાઈ જશે કે એ આપણે ધારીએ છીએ એટલું અઘરૂં નથી.

અને અંતે, યશવંતભાઈની ટિપ્પણી. એમની શૈલીમાં લખી તો નહીં શકાય. જૂઓ ને, ઉદાહરણ કેવું – કાગળ પર ચોંટાડેલી ટિકિટ ઉખેડવાનું અઘરૂં છે. સાવ સાચી વાત. એમ કરવા જતાં કેટલાક ઉમંગો પણ લુપ્ત થઈ જવાની એમની શંકા સાચી છે. આપણા તહેવારો, ઉત્સવો, મેળામલાખા, સામાજિક રીતરિવાજોમાંથી પ્રગટતી આત્મીયતા. આ બધાંનું તર્કની વેદી પર બલિદાન આપવાનું છે? નહીં, ભાઈ, જીવનને નીરસ બનાવી દે એવી કોઈ પણ વસ્તુ ન જોઇએ. તર્કની નજરે તો, દારૂ પીવા પાછળ કોઈ તર્ક નથી પણ મઝા આવે છે. લગ્નમાં ઢોલત્રાંસાં વગાડવામાં કઈં તર્ક નથી, પણ મઝા આવે છે. મઝા પર તો બંધી ન જ હોઈ શકે. ખરેખર તો રૅશનાલિઝમ એક વસ્તુ તરફ જોવાની રીત છે. ધર્મો છે એ વાતનો ઇન્કાર ન થઈ શકે. એનાં અસ્તિત્વનાં ઐતિહાસિક કારણો, ભૌગોલિક કારણો, પરંપરાઓનો ઉદ્‍ભવ, ઈશ્વર એટલે શું આ બધું સમજવાનો એક પ્રયાસ રૅશનાલિઝમ કરે છે. એનો ફાયદો એ કે આપણે પૂર્વગ્રહોથી, જડ થઈ ગયેલા વિચારોથી દૂર જઈ શકીએ અને આસ્થાના અંચળા નીચે સહેલા રસ્તા શોધવાની લાલચમાંથી બચી જઈએ. ખોટું નથી, તર્ક અને મઝા બન્ને ઘોડે બેસી શકાય છે, અને યશવંતભાઈ, તમે તો એમ બેસો જ છો એની મને ખાતરી છે! હમણાં જ આપણે શકીલભાઈના બ્લૉગ પર વાંચ્યું છેઃ “એક પ્યાલા સબ્ર કા ભરભર કે પી… કલ નિકલ જાએગા ફિર કોઈ નહીં કહેગા, પી!” જીવનનો રસ તો ‘ભર ભર કે’ જ પીવાનો છે. એ ન કરવું હોય તો વનમાં ચાલ્યા જવું અને ભીક્ષા માગીને ખાવું.

આ લેખને ‘લાઇક’ કરનારા મિત્રોનો પણ આભાર.

અને, અંતે એક વાત કહેવાની છે. શ્રી ઉત્તમભાઈ ગજ્જરે આ લેખ એમના વર્તુળના સાથીઓને મોકલ્યો હતો. એમનો આભાર. અને મારા સુખદ આશ્ચર્ય વચ્ચે શ્રી સુબોધભાઈ શાહનો ઉત્સાહવર્ધક સંદેશ પણ મળ્યો છે. સુબોધભાઈના લેખો તો ‘અભીવ્યક્તી; પર આવ્યા છે, એટલે એમને આપણે સૌ જાણીએ છીએ. તો…. ફરી મળીએ ત્યાં સુધી આવજો

%d bloggers like this: