Rationalism

રૅશનાલિઝમ વિશે

કેટલાંક વર્ષોથી એક નવો શબ્દ આપણે ત્યાં પ્રચારમાં આવ્યો છે – રૅશનાલિઝમ. આનો અર્થ તો એ જ છે કે આપણા દરેક વ્યવહારમાં વિવેક શક્તિનો ઉપયોગ કરવો. એટલે કે તર્ક વિના કોઈ પણ બાબત ન સ્વીકારવી. સામાન્ય રીતે તો આપણે એ વાત સમજીએ  જ છીએ કે તર્ક વિના કશું  સ્વીકારી ન શકાય. રૅશનાલિસ્ટો તર્કને અભિપ્રાયનો આધાર માને છે. જે અભિપ્રાય તર્કની કસોટીએ પાર ન ઊતરે એ ખરો નથી હોતો, એમ એમનું માનવું છે. મોટા ભાગના લોકો આની સાથે સંમત થશે. તર્કની કસોટી તો વિજ્ઞાન અને એવા બીજા વિષયોમાં લાગુ કરાતી હોય જ છે. પ્રયોગો કરે, ભૂલો થાય, ભૂલો સુધરે અને અંતે એક સિદ્ધાંત સ્થાપિત થાય. ક્યારેક એવું બને કે કેટલાંક વર્ષો પછી એ સિદ્ધાંતના મૂળમાં રહેલી હકીકતો વિશે જ નવી માહિતી મળે, આથી એ સિદ્ધાંત પોતે જ ડામાડોળ થઈ જાય, વળી વૈજ્ઞાનિકો નવા સિદ્ધાંતની ખોજમાં નીકળી પડે, જૂનો સિદ્ધાંત કેમ નબલો ઠર્યો તેની ચર્ચાઓ થાય અને નવો સિદ્ધાંત અમલમાં આવે. એનું રાજ પણ કોઈ નવો સિદ્ધાંત ન આવે ત્યાં સુધી જ રહે.

વૈજ્ઞાનિક પદ્ધતિ

પરંતુ આનો અર્થ એ નથી થતો કે જે મૂળ સિદ્ધાંત હતો એના શોધકનું નામનિશાન પણ ન રહે. વિજ્ઞાનના ઇતિહાસમાં એનું નામ પણ સંપૂર્ણ સન્માન સાથે જ અંકિત થાય. એ સિદ્ધાંતને પદભ્રષ્ટ કરનાર વૈજ્ઞાનિક પણ એને પુરોગામી તરીકે માન આપે. લાર્જ હેડ્રૉન કોલાઇડરમાં અત્યારે જે પ્રયોગો ચાલે છે તે દરમિયાન એવું જણાયું  કે કણ પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપે જઈ શકે છે. આઇન્સ્ટાઇને એમ સ્થાપિત કર્યું છે કે પ્રકાશની ગતિથી પણ વધારે ગતિએ કોઇ પદાર્થ જઈ ન શકે. આજના ભૌતિકશાસ્ત્રનો આ જ આધાર છે. આ સિદ્ધાંત પદભ્રષ્ટ થાય તો આખું ભૌતિકશાસ્ત્ર બદલાઈ જાય. પરંતુ સંશોધકોને આઇન્સ્ટાઇનને સાચા ઠરાવવા કે ખોટા પાડવામાં રસ નથી. એમણે પહેલાં તો એ જોવાની શરૂઆત કરી દીધી કે ક્યાંય અવલોકનની ભૂલ તો નથી રહી ગઈ ને! તે પછી, જે સાબીત થશે તેના આધારે આઇન્સ્ટાઇનનું તારણ સાચું છે કે ખોટું તે નક્કી થશે. આ એક પ્રક્રિયા છે અને એમાં કેટલાયે સીમાસ્તંભો આવે છે. અહીં માત્ર પ્રયોગ અને તર્ક સિવાય કશું જ મહત્ત્વનું નથી.

સત્યનો ચોકીદાર

આમ, માનવજીવનમાં તર્કનું સ્થાન બહુ અગત્યનું છે. તર્ક સત્યનો ચોકીદાર છે. એ સત્ય પર કોઈને કબજો કરવા કે આધિપત્ય સ્થાપવા દેતો નથી. રૅશનાલિસ્ટો ધર્મને પણ આ તર્કની કસોટીએ ચડાવે છે, સામાજિક હકીકતો ભૌતિક જગતની હકીકતો જેવી નક્કર નથી હોતી એટલે એનું મેદાન વિચારજગત છે. ધર્મનો ઉદ્‍ભવ ઘણાં કારણોસર થયો હોય છે. આ ઐતિહાસિક કારણો સામે રૅશનાલિસ્ટો વાંધો ન લઈ શકે અને લેતા પણ નથી હોતા. રૅશનાલિસ્ટો એને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમાં તર્કનો ઉપયોગ કરે છે. આમ છતાં ધર્મનાં કેટલાંક પાસાં એવાં હોય છે કે એનાં ઐતિહાસિક કારણૉ સમજાઈ જાય તે પછી પણ એમાં રહેલાં માનવીય અનુમાનોને તર્કની કસોટીએ ચડાવાય ત્યારે વિતંડાવાદ ઊભો થાય છે. અનુમાનો આમ તો તર્કનું જ પરિણામ હોય છે. આથી રૅશનાલિસ્ટો માટે એના પર તર્ક ચલાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. દાખલા તરીકે હિન્દુ ધર્મની વાત કરીએ. અથવા ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મની વાત લો. એમાં અમુક શાશ્વત મૂલ્યો છે, એનો ઇન્કાર રૅશનાલિસ્ટો ન કરી શકે. કારણ કે આ શાશ્વત મૂલ્યો જૈવિક અને ઐતિહાસિક કારણોસર સ્થાપિત થયાં છે. માણસ  સસ્તન પ્રાણીઓમાં સૌથી નબળો છે, એટલે એણે સમાજના એક એકમ તરીકે જ રહેવું પડે. આથી સહકારનું મૂલ્ય શાશ્વત બની જાય છે. એ જૈવિક જરૂરિયાત છે અને એનો જે રીતે વિકાસ થયો છે તે ઐતિહાસિક ઘટના છે. આમાં મતભેદ ન હોઈ શકે અને હોવો પણ ન જોઈએ.

પરંતુ, આ સહકારના મૂળભૂત મૂલ્યની વિરુદ્ધ જનારને નર્ક મળશે એ એક અનુમાન છે. તેમાં પણ નર્કમાં શી સજા થશે અથવા તો સ્વર્ગમાં શું સુખ મળશે તેનું પણ આલેખન કરવામાં આવતું હોય છે. બધા ધર્મોમાં સ્વર્ગ અને નર્કની કલ્પના એકસમાન છે. પરંતુ એ અનુમાન છે, કારણ કે કોઈએ સ્વર્ગ-નર્ક જોયાં નથી. આથી રૅશનાલિસ્ટો એની સામે તર્કનો ઉપયોગ કરશે. પરંતુ એનાં કઈં ઐતિહાસિક કારણ હોય તો?  એમ હોય તો, આપણે માનવું રહ્યું કે એ માન્યતાઓ ધર્મો સંગઠિત થયા તે પહેલાં પણ હતી. આમ આ માન્યતાઓનાં મૂળ આપણે ધર્મની નિયત થયેલી મર્યાદાઓની બહાર શોધવાં પડશે. આ માન્યતાઓનું અસ્તિત્વ (તર્ક નહીં) માત્ર એ જ કારણે સ્વીકારી શકાય કે માણસે ધર્મ બનાવ્યો તે પહેલાંની માન્યતાઓનો પણ ધર્મમાં સમાવેશ કરી લીધો. આમ ધર્મમાં આસ્થા માટે સ્વર્ગ-નર્કમાં માનવું જરૂરી નથી રહેતું. આપણે કહી શકીએ કે હું ધર્મમાં તો માનું છું, ઈશ્વરમાં પણ માનું છું,  પણ સ્વર્ગ-નર્કમાં નથી માનતી/માનતો. આસ્થા પર આની કઈં જ અસર નહીં પડે. આમ કહેવાની સાથે આપણામાં ધર્મ પ્રત્યે એક ઐતિહસિક દૃષ્તિકોણ કેળવાશે અને ઇતિહાસને સમજવાના એક સાધન તરીકે આપણે ધર્મને મૂલવતા થઈ જઈશું.

આમ જૂઓ તો ભગવાન પણ એક અનુમાન છે. એની કલ્પના પણ, ખરૂં જોતાં, સંગઠિત ધર્મોની પહેલાં અને એમની બહાર  વિકસી છે. એનાં ઐતિહાસિક કારણો તો છે જ. કોઈએ ભગવાનને જોયો નથી. એટલે એ શું છે તે વિશે પણ એકમતી નથી. પરંતુ રૅશનાલિસ્ટ એમ નહીં કહે કે “ભગવાન હોય તો દેખાડો.જોઇશ નહીં તો હું માનીશ પણ નહીં.” આ રૅશનાલિસ્ટ રીત નથી.

રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી

ખરૂં જોતાં આ વિધાન કોઈ કરે તો આપણે માની લેવું જોઇએ કે એ રૅશનાલિસ્ટ નથી. એ વ્યક્તિ કાં તો અનુભવવાદી હશે અથવા વિતંડાવાદી! વિતંડાવાદી કશું જ સ્વીકારતો નથી. અથવા બધું જ સ્વીકારે છે! માત્ર જે સમયે જે યોગ્ય લાગે તે દલીલ આગળ કરતો હોય છે એટલે એને તકવાદી પણ કહી શકો. પરંતુ અનુભવવાદી તકવાદી નથી. એ ઇન્દ્રીયોના અનુભવને મહત્ત્વ આપે છે. એ લગભગ પ્રયોગશાળામાં કામ કરતા વૈજ્ઞાનિક જેવો છે. જે વસ્તુ નક્કર રીતે સિદ્ધ ન થઈ શકે તે ન હોય. તર્કવાદી એટલે કે રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી.  માને છે કે અનુભવની મર્યાદા હોય છે. ઇન્દ્રીયો શરીર સાથે સંકળાયેલી છે એટલે એમાં કચાશ હોઈ શકે. ઇન્દ્રીયો દરેક વ્યક્તિમાં સમાન રીતે કામ કરતી હોય તો આંખના ડૉક્ટર પાસે નજર ચેક કરાવવા જનારા દરેક જણના નબર સરખા જ આવે. કાનના મશીનની પણ જરૂર ન પડે. વળી રસ્તે ચાલતાં હું જો ખાડામાં પડી જાઉં તો તમે એમ કેમ કહી શકો કે “ના, મેં તને પડતાં જોયો નથી અને હું પોતે પડ્યો નથી એટલે તને જે વાગ્યું છે તેને હું સાચું નથી માનતો.”

આમ, અનુભવવાદની એક મર્યાદા છે. રૅશનાલિસ્ટ આ જાણે છે. એ ઇન્દ્રીયના અનુભવને માન્ય નથી રાખતો, પણ એના પરહ્તી ત્ર્રણ કાઢે છે, જે તર્ક પર આધારિત હોય છે.  એક જણ ખાડામાં પડ્યો અને એને ઈજા થઈ એનો અર્થ એ કે પગને સમતળ જમીન પર ચાલવાની ટેવ છે. જમીનની સપાટીમાં કઈં પણ ફેરફાર થાય તો એની અસર જેવી એકને થઈ તેવી જ બીજાને થશે. આમ એ વિચારે છે અને વિચારને અનુભવ કરતાં પ્રાથમિક માને છે. આમ તર્કવાદી કે વિવેકબુદ્ધિવાદી વધારે વિશાળ દૃષ્ટિથી જુએ છે. એ પ્રયોગશાળામાં નહીં પણ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં કામ કરનારા વૈજ્ઞાનિક જેવો છે. એ અનુમાનો કરે છે, પોતાનાં અનુમાનોને ચકાસે છે અને સ્થાપિત અનુમાનો સામે પ્રશ્નો ખડા કરે છે, ભલે ને, એ અનુમાન ભગવાન વિશે હોય! વિચારની પ્રગતિ એ જ છે કે વિચારતા રહેવું. જ્યાં સુધી સત્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી વિચારવું.

રૅશનાલિસ્ટ કે નાસ્તિક?

જો કે, આનો અર્થ એ નથી કે એ ભગવાનના હોવાનો ઇન્કાર કરશે. જ્યાં સુધી ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સાબીત ન થાય ત્યાં સુધી એ ઈશ્વરનો સ્વીકાર નહીં કરે. ઈશ્વરનો ઇન્કાર કરનાર નાસ્તિક (ઍથીસ્ટ) છે. પરંતુ એથીસ્ટ અનુભવવાદી જેવા સવાલ નહીં પૂછે. એ પણ તર્કનો જીવશાસ્ત્રનો આશરો લેશે. આમ નાસ્તિક રૅશનાલિસ્ટ તો છે જ, પરંતુ બધા રૅશનાલિસ્ટ નાસ્તિક જ હોય એમ માનવું એ રૅશનાલિઝમની દૃષ્ટિએ પણ ખોટું છે. હા, નાસ્તિક અને વિવેકબુદ્ધિવાદીના રસ્તા અમુક અંતર સુધી તો એક જ છે. બીજી બાજુ ઘણા નાસ્તિકો રૅશનાલિસ્ટ  નથી હોતા. તર્કથી ધર્મનો તો ઇન્કાર કરી દે, પણ એ જ ધર્મના આધારે બનેલી કોમને વફાદાર હોય છે.

રૅશનાલિઝમ અને સેક્યુલરિઝમ

વળી રૅશનાલિઝમને સેક્યુલરિઝમ સાથે પણ સીધો સંબંધ નથી. સેક્યુલર વ્યક્તિ ધાર્મિક હોઈ શકે છે. સેક્યુલરનો મૂળ અર્થ તો “આ દુનિયાનું” એવો થાય છે. આ દુનિયાનાં કામ કરવા માટે ધર્મનો માપદંડ ન ચાલે  એમ માનતો માણસ સેક્યુલર છે. એટલે કે ઘરમાં લાઇટ ન હોય તો તમે ઇલેકટ્રીશિયનને બોલાવો ત્યારે એ તમારી કોમનો કે નાતનો છે એ જોવાય નહીં. કોઈને નોકરીએ રાખો ત્યારે એ કામમાં કેટલો કુશળ છે તે જ જોવાનું હોય, એ ન જોવાય કે એ ઈશ્વરમાં માને છે કે અલ્લાહમાં. ઑફિસમાં ઑફિસનું કામ કરાય, પૂજા પાઠ કે નમાઝ ન ચાલે. આમ સેક્યુલરિઝમને તમારી મૂળભૂત આસ્થા સાથે કશી લેવાદેવા નથી. સેક્યુલરિઝમને ધર્મ સાથે કશો ઝઘડો જ નથી, જેને જેમ માનવું હોય તેમ માને, માત્ર આ દુનિયાના વ્યવહારમાં એ પોતાના ધર્મને વચ્ચે ન લાવે એટલી જ સેક્યુલરિઝમની માંગ છે. તમે ઑફિસર હો તો તમારે ઑફિસના હિતમાં શું છે તે વિચારવાનું છે. તમે મુખ્ય પ્રધાન હો તો બંધારણ પ્રમાણે તમે સોગંદ લીધા હોય તેમાંથી જે ફરજ ઊભી થઈ હોય તે બજાવવાની છે. આમાં નાતજાત કે ધર્મ વચ્ચે ન આવી શકે. એટલે સેક્યુલરિસ્ટ રૅશનાલિસ્ટ ન પણ હોય. એ ઘરે પૂજાપાઠ પણ કરી શકે. તીર્થયાત્રાએ કે હજ માટે પણ જઈ શકે. માત્ર સામાજિક વ્યવહારમાં એ ધર્મને વચ્ચે ન લાવી શકે.

વિચાર પોતે સ્વતંત્ર છે?

મોટા ભાગે આસ્થા સાથે રૅશનાલિઝમની ટક્કર થઈ છે. આસ્થા તર્ક અથવા વિચારને પ્રાધાન્ય નથી આપતી. પરંતુ વિચારને પ્રાધાન્ય આપનારા કાર્લ માર્ક્સ જેવા ચિંતકો પણ રૅશનાલિઝમના ટીકાકાર રહ્યા છે. વિચાર સાચો, અને મહત્ત્વનો પણ ખરો, પરંતુ વિચાર પોતે પણ એના સમયની સામાજિક પરિસ્થિતિથી પ્રેરાયો હોય છે. એટલે વિચાર પોતે જ સ્વતંત્ર નથી, તો એના પર કેટલો ભરોસો કરવો?

આમ છતાં, રૅશનાલિઝમે એટલે કે યોગ્યાયોગ્ય અથવા સારાસારના વિવેક માટેની શક્તિએ દુનિયાના ચિંતન પર ભારે અસર કરી છે. આ કઈં નવો વિષય નથી. આધુનિક સમયમાં ઓછામાં ઓછા ૧,૨૦૦ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે. સમય મળે ત્યારે એના પર નજર નાખીએ તો કેટલીયે આશ્ચર્યજનક વસ્તુઓ બહાર આવશે. ‘મારી બારી’ ખુલ્લી જ છે. ક્યારેક એમાં ડોકિયું કરી લેશો તો કોશિશ કરીશ કે આવું કઈં મારી પાસે હોય તે દેખાડું. બાકી ‘મારી બારી’ની બહાર તો જ્ઞાનનો અફાટ સાગર છે જ!

 

13 thoughts on “Rationalism”

 1. સરસ ચિંતન. ગમ્યું.
  રેશનાલિસ્ટોમાં પણ ધર્માંધતા જેવી જડતા જોઈ, હવે એ શબ્દથી ઉબકા આવે છે. અધ્યાત્મ અંગે કોઈ રેશનાલિસ્ટ મુક્ત મન વાળો જોવા મળ્યો નથી.
  આ અંગે તમારા આગવા વિચારો અને વાંચન આધારિત ચિંતન વાંચવું ગમશે.

 2. આપનુ સુંદર,સહજ,સરળ મનન-ચિંતન ગમ્યું.
  સામાન્ય વ્યહવારમા વિવેક વિહીન વાતોથી જન સામાન્યને ઊજાગર કરી તેમને તર્કશુધ્ધ વિચાર સમજાવવો એ રેશનાલીઝમનું સુંદર કામ છે.ત્યારે બીજી તરફ એક રેશનાલીસ્ટ શિક્ષકને ચુડી-ચાંલ્લો વહેમનું પ્રતિક લાગતા વિદ્યાર્થીની પાસે તે કઢાવી જે જુલ્મ કર્યો તેને કેવી રીતે રેશનલ ગણાય.વાંદરા જેવા પ્રાણીઓ પાસે ખેલ કારાવી રોજી-રૉટી કમાતા ગરીબ લોકોને તેમના રોજ માટે વિકલ્પ આપ્યા વગર કેસ કરી પ્રાણીઓને મુક્ત કરાવી રેશનાલીઝમના લક્ષાંક પૂરા કરવા એ કેટલું રેશનલ?

  કઈ વાત રેશનલ છે તે પહેલા નક્કી થવું જરુરી છે.

  આધ્યાત્મિક વાતોમા શ્રધ્ધાપૂર્વક સાત્વિક જીવન જીવતા માટે રેશનાલીઝમે ખૂબ ચિંતન મનન કરવાની જરુર છે.આવા માર્ગમા ચોર-લુંટારાને શોધી તે અંગે સમજાવટથી કામ લેવાનું છે.કેટલાક કહેવાતા રેશનાલીસ્ટ બીકણ જણાયા છે.જે વાતથી મૃત્યુનો ભય હોય તે તરફ ભાગ્યેજ જાય છે.
  આધ્યાત્મિક્ષેત્રે સંતવાણી અંગે અમારું નમ્ર મંતવ્ય છે કે…
  કેવળ સ્થૂળ બુદ્ધિથી – પછી એ ગમે તેટલી તીવ્ર કે તીક્ષ્ણ હોય તો પણ – આ જગતના રહસ્યને પામી શકાય તેમ નથી.
  અધ્યાત્મ વિષયોમાં વાસ્તવિકતાનો ખ્યાલ કરીને શાસ્ત્રોમાં અતિ દૃઢ શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધા એટલે જે આપણે જોતા નથી તે માનવું અને તેનું ફળ છે -જે આપણે માનીએ છીએ તેનું દર્શન.
  મૃત્યુનાં ચાર દુ:ખ છે : શરીર-વેદનાત્મક, પાપ-સ્મરણાત્મક, સુહૃન્મોહાત્મક અને ભાવચિંતનાત્મક.
  એના ઉપાય ક્રમાનુસાર આ પ્રમાણે છે : નિત્યસંયમ, ધર્માચરણ, નિષ્કામતા અને ઈશ્વરમાં શ્રદ્ધા.મૃત્યુના દુ:ખને ટાળવા માટે મૃત્યુને હંમેશાં યાદ રાખવું,

  1. કોઈ કાગળ પર એક ફોટો કે ટિકિટ ચોટાડી હોય અને પછી તેને ઉખેડવાં હોય તો એ કામ પડકારરૂપ છે. બની શકે કે એમ કરવામાં થોડોઘણો કાગળ પણ ઉખડી જાય કે ફાટી જાય! જીવનના કાગળ પરથી સંપ્રદાય, પૂજાપાઠ, વિધિ,દંભ ,માન્યતા વગેરેના વળગણો ઉખેડવામાં પણ વિવેક અને કુશળતા જરૂરી છે. એવું પણ બને કે જીવનમાંથી એને ઉખેડવા જતાં જીવનમાંથી આનંદ, રસ, ઉમંગ પણ ભેગાં ભેગાં ઉખાડી જાય! એક પ્રકારનું કોરાંપણું આંટો વાઢી જાય!
   તો સામા પક્ષે શ્રદ્ધા-અંધશ્રદ્ધા નાં રંગબેરંગી થીગડાં થી મઢેલું સામાજિક જીવન ડાગલાના કોટ જેવું લાગી શકે!
   ત્રાજવાં કયા વાપરવા? કોનાં વાપરવા? તર્કના પાર વગરનાંકાટલાં!
   ચતુર કરે ચર્ચા! ઓલ્યો મજૂર ખાવાભેગો થાય!

  2. વાંદરા અને મદારી વાળી વાત વિચાર કરતા કરી દે તેવી છે.
   સત્ય શું છે – એ કદાચ આપણી કદી પણ જાણી નહીં શકીએ. સત્ય પણ સાપેક્ષ હોય છે !
   અને એને માટેના ઝગડા શ્રદ્ધા કે તર્કના નામે !!
   પણ અહીં ચર્ચા વાંચવાની મજા આવશે – એ સત્ય છે !

   સત્ય વિશે સરસ ચર્ચા અહીં પણ થઈ હતી ..
   http://axaypatra.wordpress.com/2011/07/31/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/

   1. ખૂબ સુંદર લેખ ફરી વાંચ્યા…
    મને આ વાત સનાતન સત્ય લાગે છે જેના સફળ પ્રયોગો થયા છે અમેરિકાના ‘Time’ મેગેઝિનના કવર (Volume XVII, November ૧૯૩૦) પર ગાંધીજીની તસવીર પ્રગટ થઇ હતી. ગાંધીજી ત્યારે ૬૧ વર્ષના હતા. એમની પાસે સત્ય સિવાયની બીજી કોઇ મિલકત ન હતી, અહિંસા સિવાયનું બીજું કોઇ શસ્ત્ર ન હતું અને પ્રાર્થના સિવાયની બીજી કોઇ શક્તિ ન હતી. આમ છતાં બ્રિટિશ સલ્તનતને સૌથી વધારે ડર ગાંધીજીનો લાગતો હતો. આજની પરિભાષામાં આવી અંદરની તાકાતને ‘સોફ્ટપાવર’ કહી શકીએ.

 3. કેટલુંક અલપઝલપ –

  તર્કનું સ્થાન બુદ્ધી(મગજ)માં છે. બુદ્ધી હજી સો ટકા કોઈથી વાપરી શકાઈ નથી. સત્યને બુદ્ધી પુરી રીતે સમજી ન શકે તેથી સત્ય અંગે પણ તે ડખો કરવા માંડે ! બધું તર્કથી જ સાબીત થાય તે વાત માનવા મન થતું નથી. વાક્યમાં આવતો ‘જ’ ખતરનાક હોય છે. એ ‘જ’ને હઠાગ્રહ નહીં પણ અત્યાગ્રહ શબ્દથી ઓળખી શકાય.
  તર્કથી સાબીત થયેલી કેટલીય દવાઓ પછી ઝેર જેવી સાબીત થઈ ચુકી છે !

  પ્રયોગશાળાઓમાં સાબીત થયેલી આવી બાબતોમાંની નવીને ને જુનીનેય માન મળે તેમાં વીજ્ઞાનની તટસ્થતા (રૅશનલપણું) દેખાય છે. પણ વીજ્ઞાન એ માણસ નથી. માણસની નબળાઈ ઘણી વાર વીજ્ઞાનની પણ નબળાઈમાં ખપી જાય છે !!

  તર્કને સત્યનો ચોકીદાર કહેવામાં બહુ મોટું જોખમ છે ! સત્ય જેને સમજાયું પણ નથી તેવા મગજની એક શક્તી– તર્કને સત્યને આંગણે ને તે પણ ચોકીદારી કરવા મૂકવો તે વાત ગળે ઉતરે તેવી નથી. (આજકાલ ચોકીદારો પણ ચોરીમાં સંડોવાયેલા જોવા મળતા હોય છે !!!)

  ધર્મ અને માન્યતાઓ–આસ્થાઓ એ બધાં સત્યને પામવા માટેનાં ભલે અતાર્કીક પણ, નાનામોટા કુદકાઓ છે. ઈશ્વર પણ સત્યને પામવા માટેનો એક તરીકો–કુદકો છે. ઈશ્વરને કોઈએ જોયો–નજોયો તે તો ઠીક છે પણ તે ઈશ્વર પોતેય અધ્યાત્મમાર્ગીઅના માર્ગમાં સાવ ‘અધવચ્ચે’ જ આવે છે. અધ્યાત્મમાર્ગમાં એક સમયે–તબક્કે ઈશ્વર પણ વીલીન થઈ જાય છે. તો ધર્મની તો શી વીસાત ?!

  મમધર્મ–મમભાવ; સર્વધર્મ–સમભાવ; સર્વધર્મ–મમભાવ; વગેરે ધર્મ અંગેનાં વલણો સેક્યુલરો માટે મહત્ત્વનાં છે. તેઓ સેક્યુલર છે કે નહીં તેની કસોટી પણ તેના દ્વારા થઈ શકે !

  સામાજીક કામ હોય કે અંગત કામ હોય; રાષ્ટ્રીય બાબત હોય કે ધાર્મીક બાબત હોય પણ માણસને એમાં ભાગ લેવાનો આવે ત્યારે તે ફક્ત ને ફક્ત ફરજ, ને તે પણ પ્રામાણીકતા સાથેની પુરી ફરજના ભાવથી તેમાં જોડાય તેને ખરું સેક્યુલારીઝમ, તેને ખરું રૅશનલીઝમ, તેને ખરી આસ્તીકતા ને તેને સાચી વીવેકબુદ્ધી કહી શકાય ! ગાંધી જેવો મહાત્મા પણ રાષ્ટ્રીય લડતને પોતાના મોક્ષ – સત્યની પ્રાપ્તી – માટેની જ પ્રક્રીયા માને છે ને મનાવે છે. આવી માન્યતા જ્યારે એના અતી શુદ્ધરુપમાં હોય છે ત્યારે ‘ફરજ’ શબ્દના અર્થની ઉંચાઈ જોવા મળે છે !!

  રૅશનલ લોકો પણ ગુસ્સામાં આવી જાય ત્યારે સમજવું કે તેઓ પોતાના ધર્મ કે ફરજને સમજી શક્યા નથી. સેક્યુલર લોકો ધર્મની વ્યાપકતાને ને બધા જ ધર્મોની સમાનતાને ન સમજી શકે તો સેક્યુલરું નકામું છે. નાસ્તીક જ્યારે ઈશ્વરના અસ્તીત્વને નકારે છે ત્યારે પોતાનાં માતાપીતાના અસ્તીત્વને પણ કદાચ નકારી બેસતો હોય છે. (અલબત્ત માતાપીતા ઈશ્વર છે તેમ અર્થ કરવા માટે આમ કહ્યું નથી)

  આ વાતો બહુ મજાની કહી – “રૅશનલીસ્ટ પોતાનાં અનુમાનોને ચકાસે છે અને સ્થાપિત અનુમાનો સામે પ્રશ્નો ખડા કરે છે, ભલે ને, એ અનુમાન ભગવાન વિશે હોય! વિચારની પ્રગતિ એ જ છે કે વિચારતા રહેવું. જ્યાં સુધી સત્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી વિચારવું.”

  “જ્યાં સુધી ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સાબીત ન થાય ત્યાં સુધી એ ઈશ્વરનો સ્વીકાર નહીં કરે.” (પરંતુ કોઈને તેનો સ્વીકાર કરવાની ના પણ ન પાડે !)

  નાસ્તીકતા, રૅશનલપણુ, સેક્યુલરપણું વગેરે અંગેની આપની ચર્ચા બહુ મજાની અને મહત્ત્વની રહી છે. ખુબ આભાર સાથે…

 4. Good reading.
  One clarification needs to be added.
  During second experiment at the Large Hydron Collider, it was found that the observations during first experiment had some errors. The final result is that the matter does not travel at the speed greater than the speed of light. Einstein is right.

 5. I fully agree with the defination given by Deepakbhai but I also believe that having a open mind is more important to a logical one ! I have seen many logical minded who are very single minded and obstinate and are not prepared to accept others’ views. Logic should help open our minds but in many cases it has reverse effect.
  Deepak is as usual stimulating. Thanks.

 6. એકલું રેશનાલિઝ્મ માણવું એના કરતા, એમ્પીરીસીઝ્મ, સ્કેપટીસીસમ, વાસ્તવવાદ, ઇન્નેટીસીઝમ, નેટીવીઝ્મ આવા ઘણા બધાં વાદ લક્ષ્યમાં લેવા જોઈએ.

 7. Is this article written by Mr. Dipak Dholakia? Anyway, this is a good reading. There are so many things in this world and even in Brahmand that are still to be proved by the Science. There exists so many things that can’t be verified by touch, smell, feel or can’t be seen. Are we going to negate them? Here in Toronto I have attended a number of meetings and functions organised by Rationalists. Every time I see the speakers talking forcefully and I can’t help but to say that they too behave like religious fundamentalists!! Can I publish this article in a Gujarati newspaper published from over here?

  1. હા, ફિરોઝભાઈ, આ લેખ મેં એટલે કે દીપક ધોળકિયાએ જ લખ્યો છે. આપ એને ફરી પ્રસિદ્ધ કરાવવા માગો છો તો હું તો એટલું જ કહીશ કે “નેકી ઔર પૂછ પૂછ?” આભાર!

   તમને જે લોકો મળ્યા છે તેઓ ઍમ્પીરિસિસ્ટ (અનુભવવાદી) હશે. એક વાર ફૂલ સૂંઘી લો અને એની ખુશબુ કેવી છે તે નક્કી કરી લો તે પછી ફરી વાર એ ફૂલ સૂંઘ્યા વિના જ તમે એની સુગંધ કેવી છે તે કહેતા હો તો એ રૅશનલ અભિપ્રાય હશે. રૅશનાલિસ્ટ આ અભિપ્રાય સ્વીકારશે. કારણ કે દર વખતે અનુભવ કરવાની જરૂર નથી.

   રૅશનાલિઝમનો આધાર લૉજિક છે એટલે એમાં વિચારનું મહત્વ અનુભવ કરતાં વધુ છે.. આ પહેલાં મેં રૅશનાલિઝમ પર એક સર્વસામાન્ય સ્વરૂપનો લેખ લખ્યો છે. એના પર આવેલી કૉમેન્ટ્સનું સંકલન કરીને બીજો લેખ લખ્યો. આમ આ ખરેખર તો ત્રીજો લેખ છે. એ બન્ને લેખ પણ વાંચશો તો આનંદ થશે.

   તમારી વાત સાચી છે કે પ્રકૃતિમાં એવું ઘણું છે, જેનો સીધો અનુભવ થતો નથી. પણ એની ચર્ચા કરી ક્યારેક કરશું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: