petrol-na Bhaav-vadhaaraa-nu Bhedi ArthakaaraN -part 2

પેટ્રોલના ભાવવધારાનું ભેદી અર્થકારણ – ભાગ ૨

દિલ્હીની ‘સોસાયટી ફૉર પ્રમોશન ઑફ વેસ્ટલૅન્ડ ડેવલપમેન્ટ’ (SPWD) સંસ્થા તરફથી એમના ભૂતપૂર્વ અધ્યક્ષ સદ્‍ગત લવરાજ કુમારની સ્મૃતિમાં યોજાતી વ્યાખ્યાનમાળામાં ૨૦૧૧ના વર્ષનું ભાષણ નિવૃત્ત આઇ. એ. એસ. અધિકારી ટી.એલ. શંકરે Revisiting India’s Oil Policy વિષય પર આપ્યું. આજે એમના વિચારોના આધારે તૈયાર કરેલા લેખનો બીજો ભાગ રજુ કરૂં છું. આના માટે SPWD અને વક્તા શ્રી ટી. એલ. શંકરનો આભાર વ્યક્ત કરૂં છું.
(ભાષણની પુસ્તિકા મેળવવા માટે spwd_delhi@yahoo.com પર અથવા આ સરનામે SPWDનો સંપર્ક કરી શકાશેઃ ૧૪-A, વિષ્ણુ દિગંબર માર્ગ, નવી દિલ્હી, ૧૧૦ ૦૦૨. ::: ટેલીફૅક્સઃ ૦૧૧-૨૩૨૩૬૪૪૦, ૦૧૧-૨૩૨૧૫૪૨૮, ૦૧૧-૨૩૨૩૬૩૮૭).
xxxx

છૂટક બજારમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન સહિતની બધી તેલ પેદાશોના ભાવો અંકુશમુક્ત કરી દેવાતાં ‘ઍડમિનિસ્ટર્ડ પ્રાઇસ મેકેનિઝમ'((APM)નો અંત આવ્યો અને માર્કૅટ-ડ્રિવન પ્રાઇસ મૅકેનિઝમ (MDPM)ની શરૂઆત થઈ. ત્યારે કેટલાંક વર્તુળોએ એને ઉત્સાહભેર આવકાર આપ્યો. એમનું કહેવું હતું કે ભારતના તેલ બજારને વિશ્વના તેલ બજાર સાથે સાંકળી લેવા માટેનું આ ધરખમ પગલું છે.

આયાત-સમરૂપ કિંમત

૧૯૫૦ના દાયકામાં જ્યારે ભારતમાં તેલ ઉદ્યોગ હજી તો ભાખોડિયાભર હતો ત્યારે ખનિજ તેલ અને બીજી તેલ પેદાશોની આયાત કરવી પડતી હતી. આ આયાતમાં વિદેશી હુંડિયામણ મોટા પાયે ખર્ચાતું હતું. કાચા તેલના સ્રોત દેશમાં ન હોવાથી આ સિવાય બીજો ઉપાય જ નહોતો. આ સંજોગોમાં આયાત-સમરૂપ કિંમત (‘ઇમ્પોર્ટ પ્રાઇસ પૅરિટી’ IPP)ની ભાવ નીતિ અખત્યાર કરવામાં આવી કે જેથી આયાતમાં થતા ખર્ચને પહોંચી વળાય. ૧૯૬૧માં ડાલ્મે કમિટીએ અને ૧૯૬૫માં તલુકદાર કમિટીએ મોટા ભાગની તેલ પેદાશોની આયાત કરવી પડતી હોવાથી IPPને વાજબી ઠરાવી. પરંતુ આ દરમિયાન દેશમાં રિફાઇનરી ઉદ્યોગ શરૂ થઈ ગયો હતો અને એ જરૂરી પણ હતું જેથી બહારથી કાચું તેલ લાવીને એમાંથી તેલ પેદાશો બનાવી શકાય.

આથી, ૧૯૬૯મા નિમાયેલી શાંતિલાલ શૉ કમિટીને એમાં કઈંક સુધારાની જરૂર લાગી, પરંતુ હજી થોડો વખત એ જ નીતિ ચાલુ રાખવાની કમિટીએ ભલામણ કરી. તે પછી ૧૯૭૪માં એ વખતના રિઝર્વ બૅન્કના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર ડૉ. કે. એસ. કૃષ્ણસ્વામીના નેતૃત્વ હેઠળ રચાયેલી કમિટીએ આયાત-સમરૂપ કિંમતની નીતિ છોડી દેવા ભલામણ કરી. એનાં કારણો આ પ્રમાણે હતાં:

# તેલ પેદાશોની આયાત માંગના ૧૦ ટકા કરતાં પણ ઓછી રહી ગઈ હતી અને ૯૦ ટકા માંગ દેશની જ રિફાઇનરીઓ સંતોષવા લાગી હતી.

# આયાત-સમરૂપ કિંમતની નીતિ માત્ર પશ્ચિમ એશિયા (જેને પશ્ચિમી જગત ‘મધ્યપૂર્વ’ તરીકે ઓળખે છે)માંથી આયાત થતા ખનિજ તેલના ભાવના આધારે ઘડાયેલી હતી, મધ્યપૂર્વમાંથી આવતું તેલ તો માત્ર કુલ આયાતમાં પાંચ ટકા જ હતું જ્યારે આયાતો તો અનેક સ્રોતોમાંથી થતી હતી એટલે માત્ર એક નાના સ્રોતના ભાવોને આધારરૂપ માનવાનું યોગ્ય નહોતું.

# વળી, દેશની રિફાઇનરીઓ પણ જુદા જુદા પ્રદેશોમાં કામ કરતી હતી અને જુદાજુદા ગ્રેડના કાચા તેલ પર પ્રક્રિયા કરતી હતી. એમની પાસેનાં યંત્રો પણ એકસરખાં નહોતાં. આથી એમના ઉત્પાદન ખર્ચની પણ તુલના થઈ શકે એમ નહોતું.

# આથી કૃષ્ણસ્વામી કમિટીએ ‘ઍડમિનિસ્ટર્ડ પ્રાઇસ મૅકેમિઝમ’ (APM)ની ભલામણ કરી.

APM હેઠળ રિફાઇનરીઓની ક્ષમતા વધી. દેશમાંથી મળતા ખનિજ તેલ અને આયાત થતા ખનિજ તેલનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે દેશમાં જ તેલ પેદાશોનું ઉત્પાદન થવા લાગ્યું.

ઑઇલ પૂલ ઍકાઉંટ

APMના તર્કસંગત અમલ માટે ‘ઑઇલ પૂલ ઍકાઉંટની વ્યવસ્થા જરૂરી હતી. એમાં આયાતી તેલની કિંમતમાં ઘરઆંગણે ઉત્પન્ન થતા તેલના ઉત્પાદન ખર્ચને જોડીને કાચા તેલની સરેરાશ કિંમત કાઢવામાં આવતી. દરેક રિફાઇનરીનો ઉત્પાદન ખર્ચ અલગ ગણતરીમાં લીધા પછી, એમને દરેક તેલ પેદાશ માટે નક્કી થયેલી સરેરાશ કિંમતે પોતાનું ઉત્પાદન વેચવાની છૂટ હતી. ઉત્પાદન ખર્ચ કરતામ સરેરાશ ઊંચી હોય તો રિફાઇનરી કંપનીઓ એ રકમ પૂલમાં જમા કરતી, અને સરેરાશ કિમ્મત નીચી હોય તો પૂલમાંથી ઉપાડ કરતી. અઠવાડિયાના અંતે ખાતાચોખ થતી. આખા દેશમાં આ ભાવો સમાન સ્તરે જળવાઇ રહે તે માટે ઑઇલ પૂલ ઍકાઉંટનો વહીવટ ચલાવવા ઑઇલ કો-ઑર્ડીનેશન કમિટીની પણ રચના કરવામાં આવી.

નોકરશાહીની કાચબા-ચાલ

ઑઇલ પૂલ ઍકાઉંટની વ્યવસ્થા સારી હતી. પરંતુ, એમાં આયાતી તેલનું ઘટક હતું તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર હતી. આમ્તરરાષ્ટ્રીય ભાવો વધે તેની અસર પૂલ પર પડવાની જ હતી. આથી, સરેરાશ કિમતો સતત નીચે રહેવા લાગી, પરિણામે રિફાઇનરીઓ પોતાની પુરાંત જમા કરવાને બદલે પૂલમાંથી ઉપાડ કરતી થઈ ગઈ. નોકરશાહીએ ભાવોની વધઘટ કરવામાં કાચબાની ચાલે કામ કર્યું. જો કે ભાવ વધે તેની અસર લોકો પર પડવાની હતી, પરંતુ પૂલની વ્યવસ્થા હેઠળ એ અનિવાર્ય હતું. વખતોવખત ભાવો વધતા હોત તો લોકો એને પચાવી પણ લેત અને રિફાઇનરીઓએ ઉપાડ કરવાની જરૂર ન રહેત. પરંતુ રાજકીય દબાણો, તુમારશાહી અને નિર્ણયો ટાળવાની વૃત્તિને કારણે પૂલ પર ભારણ વધી ગયું.

આ સંયોગોમાં તેલના ભાવો પરથી સરકારી નિયંત્રણ હટાવી લેવાની માગણીએ જોર પકડ્યું. આમ પણ, દેશમાં મુક્ત બજારના અર્થતંત્રની નીતિઓ પૂરબહારમાં હતી જ. આથી APMનું સ્થાન MDPMએ લીધું.

આયાત-સમરૂપ કિંમતઃ સમાન લક્ષણ

૨૦૦૪માં તેલ સચિવ વિજય કેળકરે ઊર્જાના પ્રશ્ન અંગે કેટલીયે સમિતિઓ બનાવી. આમાંથી, એક સમિતિ (‘P” Committee)ના અધ્યક્ષ એ વખતના ભારત પેટ્રોલિયમના ચેરમૅન સુંદરરાજન હતા. આ સમિતિએ નવી ભાવ પદ્ધતિ વિશે ભલામણ કરવાની હતી. અહીં એ નોંધવા જેવું છે કે ભારત પેટ્રોલિયમ પોતે એક તેલ વિક્રેતા કંપની (OMC) છે. એના ચેરમૅન માટે તો આ તક દલા તરવાડીને વાડી પાસેથી રીંગણાં માગવાનો અધિકાર મળ્યા બરાબર હતી. P કમિટીએ APMને સંપૂર્ણ રદ કરવાની ભલામણ કરી અને બજાર દ્વારા ભાવ નિર્ધારણની વ્યવસ્થા (MDPM) અમલમાં મૂકવાની ભલામણ કરી! એની બીજી મહત્વની ભલામણ ‘આયાત-સમરૂપ કિંમત’ (IPP એટલે કે ઇમ્પોર્ટ પૅરિટી પ્રાઇસ)ની વ્યવસ્થા ચાલુ રાખવાનું હતું. એટલે કે દેશમાં જ બનતી તેલપેદાશોના ભાવો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે નક્કી થાય, એના ઉત્પાદન ખર્ચના આધારે નહીં.

સમિતિએ APM બંધ કરવાની રીત નક્કી કરવા એક એક્સપર્ટ ગ્રુપ (E ગ્રુપ) પણ બનાવ્યું. એના સૂચન મુજબ ૧૯૯૬થી ખનિજ તેલની ખરીદી જ્યારે થઈ હોય તે વખતના આંતરરાષ્ટ્રીય ભાવે અને ONGC તેમ જ OILના ઘરઆંગણાના તેલના ઉત્પાદન ખર્ચ ના આધારે કિંમત નક્કી થવાની હતી. આ વ્યવસ્થામાં ખાસિયત એ હતી કે દેશની કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ખનિજ તેલના ભાવોની બરાબરી કરે ત્યાં સુધી વધારીને ગણવાનો હતો. સમજવા માટે કહી શકાય કે આ બે તેલ ઉત્પાદક કંપનીઓએ, ધારો કે, વિદેશમાં આ ઉત્પાદન કર્યું હોય અને એના માટે ત્યાં જેટલું ધન ખર્ચ્યું હોય તે કાલ્પનિક આંકડાને એમનો ખરો ઉત્પાદન ખર્ચ માનવાનો હતો! IPPને કારણે છૂટક તેલ પેદાશો ખરીદતા ગ્રાહકો પર ભાવવધારાની જબરી અસર પડશે, એ વાત P કમિટીના પ્રમુખ તરીકે એક OMCના ચેરમૅને ધ્યાનમાં જ ન લીધી.

IPPએ તેલ કંપનીઓને અધિકાર આપ્યો છે કે એ નફો પણ રળતી જાય અને તે સાથે ખોટની કાગારોળ પણ કરતી રહે. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ સરકારને જે ડિવિડન્ડ ચૂકવ્યું છે તે લગભગ દર વર્ષે સો ટકાની આસપાસ રહેવાનું કારણ એમનો ગંજાવર નફો! સૌથી વધારે નફો કરનારી જાહેર ક્ષેત્રની છ કંપનીઓએ એમની રૂ.૬,૫૩૫ કરોડની ભરપાઈ થયેલી મૂડી (પેઇડ-અપ કૅપિટલ) સામે ૨૦૦૯-૧૦માં ૩૨, ૩૨૬ કરોડ રૂપિયાનો નફો કર્યો છે, તે અમસ્તા જ નહીં.

રિફાઇનરી ઉદ્યોગ આટલો નફાકારક ન હોત તો ખાનગી કંપનીઓએ એમાં પ્રવેશ જ ન કર્યો હોત. આજે બે કંપનીઓ તો આ વ્યવસાયમાં છે જ અને બીજી ઘણી કંપનીઓ લાયસન્સ માટે તલપાપડ છે. IPP ચાલુ રહે તેનો સૌથી વધરે લાભ તો ખનગી કંપનીઓને છે, કારણ કે સરકારને એમણે કૉર્પોરેટ ઇન્કમ ટેક્સ સિવાય બીજું કશું આપવું પડતું નથી. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે ખાનગી ક્ષેત્રની વૃદ્ધિ માત્ર એમની કહેવાતી કાર્યક્ષમતા પર નહીં, પરંતુ નીતિવિષયક નિર્ણયો પર પણ આધાર રાખે છે.

છૂટક ભાવનું નિર્ધારણ

APM પરથી MDPM પર ગયા પછી રીટેલના ભાવ છ ચરણમાં નક્કી થાય છેઃ
૧) ભારતના કોઈ બંદરે ઊતરતા આયાતી ખનિજ તેલના ભાવ (લૅન્ડૅડ ક્રૂડ પ્રાઇસ) નક્કી કરવા;
૨) આયાતી અને દેશમાં ઉત્પન્ન થયેલા તેલની કિંમત એકસમાન બનાવવી;
૩) રિફાઇનરીને અપાતા ખનિજ તેલના ભાવ નક્કી કરવા (રિફાઇનરી ગેટ ક્રૂડ પ્રાઇસ);
૪) રિફાઇનરીમાંથી તૈયાર થઈને બહાર આવતી જુદી જુદી તેલ પેદાશોના ભાવ નક્કી કરવા (રિફાઇનરી ગેટ પ્રોડક્ટ પ્રાઇસ);
૫) સ્ટોરેજ પૉઇંટ પરના ભાવો નક્કી કરવા (સ્ટોરેજ પૉઇંટ પ્રાઇસ);
૬) છૂટક ભાવો નક્કી કરવા.

અહીં ચોથા ચરણમાં કાચા માલ પરના ખર્ચ અને તૈયાર માલની કિંમત વચ્ચે કશો જ સંબંધ નથી. MDPM હેઠળ લાગુ કરાયેલી ભાવ નક્કી કરવાની પદ્ધતિને કારણે મુખ્ય સમસ્યા એ ઊભી થાય છે કે દેશમાં જ બનેલી પેટ્રોલિયમ પેદાશો, જાણે એ આયાત કરી હોય, તે ભાવે લોકોને મળે છે. આ બજારભાવ નથી, બલ્કે રક્ષિત ભાવ છે. સ્પર્ધાથી નક્કી થતા હોત તો આ ભાવ ઓછા હોત, અને MDPM લાગુ કરાઈ ત્યારે સૌ બજાર અને સ્પર્ધાનો મહિમા ગાતા હતા! આજે લોકો રક્ષિત કિંમતથી ઓછી કિંમતે ખરીદી જ ન શકે. APM તો નથી, પણ એના કરતાં પણ વધારે ખરાબ કહેવાય એવું કઈંક છે.

શું કરવું જોઈએ?

# આપણે ૭૦% કરતાં વધારે તેલની આયાત કરીએ છીએ. એના ભાવો IPP પ્રમાણે નક્કી થાય તે સમજી શકાય તેમ છે. આવી આયાતો પણ લાંબા ગાળાના કૉન્ટ્રૅક્ટ પ્રમાણે થતી હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રોજના ભાવોની વધઘટની અસર કૉન્ટ્રૅક્ટ બહારની ખરીદી પર પડતી હોય છે.

# તેલ પેદાશો તો સોએસો ટકા દેશમાં જ બને છે, એમને IPP સાથે કશી લેવાદેવા ન હોવી જોઈએ. એના ભાવો મુક્ત બજારમાં નક્કી થવા જોઇએ અથવા કિંમત નિર્ધારણ નિયંત્રણ હેઠળ હોવું જોઇએ.

# તેલની જેમ બીજી વસ્તુઓની પણ આયાત અને નિકાસ થાય છે. એમનો ઉત્પાદન ખર્ચ બજારનાં પરિબળો નક્કી કરી આપે છે; તો તેલ ઉદ્યોગને પણ IPPમાં ન મૂકવો જોઇએ.

# એક જ વસ્તુના નિકાસ અને આંતરિક વપરાશ માટેના ભાવો જુદા હોઈ શકે છે. ભારત પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરે છે. આના ભાવો જુદા હોવા જોઈએ. ઉત્પાદનની પુરાંતનો લાભ દેશના નાગરિકોને મળવો જોઇએ.

xxxx

(આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો વક્તા ટી. એલ. શંકરના છે. લેખ માટે એનો ગુજરાતી અનુવાદ કરવાનું અને ટુંકાવવાનું પણ જરૂરી હતું. આથી એમાં ખામી રહી જવાની શક્યતાનો ઇન્કાર ન કરી શકું. તે ઉપરાંત વક્તાએ સ્પર્શેલા બધા મુદ્દાનો સમાવેશ કરી શકાયો નથી. વધારે સ્પષ્ટતાથી સમજાય તે માટે અમુક જગ્યાએ મારી ટિપ્પણી પણ ઉમેરી છે. પરંતુ કઈં ત્રુટિ જણાય તો એ મારી હશે અને કઈ સારૂં જણાય તો એ વક્તાનું છે.)

 

3 thoughts on “petrol-na Bhaav-vadhaaraa-nu Bhedi ArthakaaraN -part 2”

 1. બહુ સરસ અને સરળ રીતે સમજૂતી આપવા માટે આભાર. એમાંય છેલ્લો ફકરો (શું કરવું જોઈએ) બહુ મહત્વનો છે. હવે સવાલ એ છે કે એ ક્યારે અને કોણ કરશે? આ બાબતને મોંઘવારી વધવા સાથે સીધો સંબંધ હોવા છતાં કોઈ પણ સરકારના અગ્રતાક્રમમાં (કે યાદીમાં સુદ્ધાં) આ બાબત હોય એવું લાગતું નથી.
  એટલે સામાન્ય નાગરિક બિચારો ભાવવધારાનો અમલ થવાનો હોય એના આગલે દિવસે લાંબી લાઈનમાં ઉભા રહીને બને એટલું વધુ પેટ્રોલ પુરાવીને પચીસ-પચાસ રૂપિયા બચાવ્યાનો સંતોષ લઈ લે છે.

 2. આ વિષય પર બહુ બધા મંચપર સમયે સમયે આ વિષયના કેટલાય જાણકારોદ્વારા અનેક પાસાંઓના સંદર્ભમાં છણાવટ થઇ ચૂકી છે, એટલે આપણા જેવા ‘સામાન્ય નાગરિકો’ની ચર્ચા તો અરણ્યરૂદન જ કદાચ પરવડે.તેમ છતાં,’હું તો ગાઇશ જ’ એ ન્યાયે મારા પ્રતિભાવ નોંધવવાની લાલચ રોકી પણ નથી શકાતીઃ
  ૧. આપણા દેશના બે ખાનગી ક્ષેત્રના ઉત્પાદકો એ જ્યારે હજૂ APM વ્યવસ્થા હતી ત્યારે તેમની પેદાશોનાં વેચાણ અને વિતરણમાટે સવિસ્તર પથરાવાનું શરૂ કરી દીધું હતું. મોટા ગ્રાહકોને તેઓના સિનિયર અધિકારીઓ નિયમિત મળીને આયાતી તેમ જ જાહેર ક્ષેત્રની માર્કેટીંગ કંપનીની પેદાશો સામે સ્પર્ધામાં પણ ઉતરી ચૂક્યા હતા. સ્પર્ધાત્મક પરિબળ ભાવ નહોતું, કારણ કે દેશમાં પેદા થયેલ પેદાશોમાટે ભાવ બાંધેલા હતા અને આયાતી પેદાશોમાટે IPP એ સ્વિકૃત માપદંદ હતો. પરંતુ MDPM અમલમાં આવતાંની સાથે જે આ બન્ને ઉત્પાદકોનું મન જાણે દેશમાં વેચાણ કરવામાથી ઉઠી જ ગયું હોય તેમ તેમના બધાં જ રીટૅલ વિતરણ સ્થળોને તાળાં વાગી ગયાં, ઉત્પાદકોએ તેમની રીફાઇનરીને ૧૦૦% EOU બનાવી લીધી. ત્યાં સુધીમાં આંતરરાષ્ટ્રીય ભાવો પણ એટલા વધી ગયા હતા કે હાઇસ્પીડ ડીઝલની મદદથી, કોઇપણ જાતની આયાત ડ્યુટી ભર્યા વગર કે ભરીને પણ,પોતાના જ ઉપયોગમાટે વીજળી પેદા કરીને વાપરવી પરવડે જ નહીં તેવી પરિસ્થિતિ થઇ ગઇ હતી. આવું થવા પાછળ MDPM હેઠળના ભાવો અને કર માળખું જવાબદાર હતાં તેવું એ સમયમાં વાંચ્યાનું યાદ છે.
  ૨. કેન્દ્ર અને દરેક રાજ્ય સરકારોએ પેટ્રૉ પેદાશોપરથી થતી કરની આવકને દૂઝણી ગાય ગણવાનું બંધ કરી દેવું જોઇએ, અને એક નિશ્ચિત,એક સરખો ,અન્ય declared goods પર લેવાય છે તેવો ૨% કે ૪%નો જ વેરો રાખવાની જરૂર છે. તે સાથે જ ભાવો પરનાં બધાં જ નિયંત્રણો ઉઠાવી લેવાં અને બજાર ખમી શકે તેટલા બજાર ભાવ થવા દેવા. આમાં ડીઝલ, કૅરૉસીન અને રાંધણ ગૅસને પણ બાકાત ન રાખવા. આમ કરવાથી આજે ભારી કરભારણને કારણે જે ભાવોની ઉંચી સપાટી છે તેનાથી તો કદાચ વધારે ભાવ ન પણ થાય.કૅરૉસીનમાં પણ નબળા વર્ગને રાહતના દરે માલ મળે છે તે તો એક પોથીમાંનું myth જ છે. ટુંકા ગાળામાં જે પ્રિણામો આવવાં હોય તે આવે , પરંતુ લાંબા ગાળે તો બજારના માંગ પૂરવઠાના નિયમો બધું સમથળ કરી દેશે તેમ માની શકાય.
  ૩. આ પેદાશોમાં ભાવોને કારણે જે કંઇ ભેળસેળ થઇ રહી છે તેમ જ વિતરણમાં તોલમાપની જે બદી ફેલાયેલ છે તેને અસરકારકરીતે નાબૂદ કરવાથી પણ ગ્રાહક અને ઉત્પાદકને થતાં નુકસાનનો એક મોટો ભાગ ટાળી શકાશે.

 3. પેટ્રોલિયમ પેદાશો ઉદ્યોગનાં શારકામથી વિતરણ સુધીના તબક્કાઓમાં સબસિડ એ લગભગ દરેક દેશની સરકારનો પ્રિય વિષય જણાય છે.
  જો કે જે દેશોમાં તે ઉદ્યોગ મોટેભાગે ખાનગી ક્ષેત્રના હસ્તક છે ત્યાં તેની વિરૂધ્ધ વિચારો પણ એટલી જ વ્યાપકતા અને ઉગ્રતામાં ચર્ચાતા હોય છે. [સંદર્ભઃ Let’s End Polluter Welfare .
  જો કે વિશ્વના મોટાભાગના દેશોમાં આ ઉદ્યોગ જે તે દેશની સરકાર અથવા સરકાર હસ્તકનાં જાહેર(!?) સાહસોના હાથમાં હોય તેમ વધારે જણાય છે. જો કે તે કારણસર તેમને અમર્યાદ સમયસુધી સબસીડીના ટેકા પર રાખીને ગ્રાહક અને અર્થકારણને કૂત્રિમરીતે ઓછા ભાવની ટેવ પાડવી તે લાંબા ગાળે નુકસાનનો સોદો છે તેમ પણ આપણે ઉપર્યુકત લેખ વડે જોઇ શકીએ છીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: