Petrol-naa Bhaav-vadharaa-nu Bhedi ArthakaaraN- part 1

પેટ્રોલના ભાવવધારાનું ભેદી અર્થકારણ – ભાગ ૧

૧૮મી એપ્રિલના The Hinduના અંકમાં પહેલા પાને ચોંકાવનારા સમાચાર છે. તેલ વિક્રેતા કંપનીઓ (OMCs – ઑઇલ માર્કેટિંગ કંપનીઝ)એ સરકારને ચેતવણી આપી છે કે એમની ખોટ ભરપાઈ કરવાના ઉપાયો નહીં કરવામાં આવે તો તેઓ પેટ્રોલના ભાવ  લીટર દીઠ આઠ રૂપિયા ચાર પૈસા જેટલા વધારશે. આમાં વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) પણ ઉમેરાતાં અસરકારક વધારો રૂ.૯.૬૦  જેવો થાય.

ઇંડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડને માત્ર પેટ્રોલના વેચાણમાં ૪૯ કરોડ રૂપિયાની દૈનિક ખોટ ખમવી પડે છે; તે ઉપરાંત ડીઝલ, રસોઈના ગૅસ અને કેરોસીનના વેચાણમાં એમને રોજની રૂ. ૭૪૫ કરોડની ખોટ જાય છે. એક લીટર પેટ્રોલ પર સરકારને રૂ. ૧૪.૭૮ ઉત્પાદન વેરા તરીકે મળે છે. આ ઉપરાંત રાજ્યો પણ કિંમતના ૧૫%થી ૩૩% સુધી વેચાણ વેરો અને વૅટ વસૂલ કરે છે. તેલ વિક્રેતા કંપનીઓએ આ કરવેરા રદ કરવાની માગણી કરી છે, જેથી કિંમતો નીચી રાખી શકાય. એમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલનો ભાવ એક બૅરલના ૧૩૨.૪૫ ડૉલર છે, તે સામે તેલ વિક્રેતા કંપનીઓ ૧૦૯.૦૮ ડૉલરના ભાવે પેટ્રોલ વેચે છે. તેલ વિક્રેતા કંપનીઓ ભાવ વધારવા માગે છે, પણ સરકાર રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને જ ભાવો વધારવાની પરવાનગી રોકી રાખે છે, આથી ખોટ વધતી જાય છે અને કદી પુરાતી નથી.

આમ તો, આપણા દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો સરકારી નિયંત્રણ હેઠળ હતા. એ વ્યવસ્થા ઍડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મૅકેનિઝમ  (APM) તરીકે ઓળખાતી. ૨૦૦૪ પછી ભાવો પરથી સરકારી નિયંત્રણ હટાવી લેવાયું અને નવી વ્યવસ્થા ‘બજાર દ્વારા ભાવનિર્ધારણ’ (માર્કેટ-ડ્રિવન પ્રાઇસ મૅકેનિઝમ – MDPM) અમલમાં આવી. તેલ વિક્રેતા કંપનીઓ અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ APMની જગ્યાએ MDPM આવતાં રાજી હતી. એમનું કહેવું હતું કે માર્કૅટ દ્વારા ભાવો નક્કી થશે તો આપોઆપ ભાવોનું સંતુલન સ્થપાશે. પરંતુ એવું નથી થયું. ભાવો વધતા જ જાય છે. સરકાર કેરોસીન અને રસોઈના ગૅસ પર સબસિડી પણ આપે છે. આનો ભાર કેન્દ્રીય બજેટ પર પણ પડે છે જે આપણે સામાન્ય નાગરિકો જ ભોગવીએ છીએ. પરંતુ તેલ વિક્રેતા કંપનીઓ ખોટ જતી હોવાની હાયહાય પણ સતત મચાવતી રહે છે! હવે તો એમણે સરકાર સમક્ષ અમુક સમય માટે ફરીથી MDPMને બદલે APM લાગુ કરીને એમની ખોટ સરભર કરી આપવાની પણ માગણી મૂકી છે. આનો અર્થ તો એ જ થાય કે બજાર પોતે જ માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન સાધીને, જેમ પાણી પોતાની સપાટી આપમેળે શોધી લે તેમ, સ્વાભાવિક કિંમત સ્થાપશે, એવો દાવો ખોટો પડ્યો છે. એમની માગણી છે કે “અમને બચાવો!” – એટલે કે સામાન્ય જનતા પાસેથી મળતા કરવેરામાંથી એમને મદદ આપો.

સામાન્ય નાગરિક સમક્ષ પ્રશ્ન ઊભા થાય છે કે –

 – ખરેખર કઈં ખોટ છે કે માત્ર ભાવો વધારવાની બૂમરાણ?

 – તેલ વિક્રેતા કંપનીઓને ચોપડે પણ ખોટ બોલે છે કે ચાલાકીથી ખોટ દેખાડાય છે?

 – સરકાર ખરેખર તેલ ઉદ્યોગ પાસેથી કશું મેળવતી નથી, અને માત્ર આપે છે?

 – સરકાર એમને ભાવ વધારવા આપતી ન હોય તો એમ માનવું કે જનતાનુ હિત સરકારના હૈયે છે?

xxx

આ બધા પ્રશ્નોના જવાબ મને એક નાની પુસ્તિકામાંથી મળ્યા. અહીં દિલ્હીમાં ‘સોસાયટી ફૉર પ્રમોશન ઑફ વેસ્ટલૅન્ડ ડેવલપમેન્ટ’ (SPWD) નામની સંસ્થા તરફથી એમના ભૂતપૂર્વ અધ્યક્ષ  સદ્‍ગત લવરાજ કુમારની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું છે, તેમાં ૨૦૧૧ના વર્ષના ભાષણનો વિષય હતોઃ Revisiting India’s Oil Policy. વક્તા ટી.એલ. શંકર નિવૃત્ત આઇ. એ. એસ. છે અને સરકારમાં કેટલીયે ઉચ્ચ સ્તરની સમિતિઓમાં સેવા આપીને ૧૯૯૨માં નિવૃત્ત થયા. એમણે તેલ ઉદ્યોગની કેટલીક સમિતિઓમાં પણ સેવાઓ આપી હતી. સદ્‍ગત લવરાજ કુમાર પણ સરકારમાં ઉચ્ચ પદો પર રહ્યા અને શંકર કહે છે તેમ એમની પાસેથી તેઓ ઘણું શીખ્યા. ૧૯૯૪માં લવરાજ કુમારનું અવસાન થયું. (આ પુસ્તિકા બાબતમાં spwd_delhi@yahoo.com  પર સંપર્ક કરી શકાશે. SPWDનું સરનામું છેઃ ૧૪-A, વિષ્ણુ દિગંબર માર્ગ, નવી દિલ્હી, ૧૧૦ ૦૦૨. ::: ટેલીફૅક્સઃ ૦૧૧-૨૩૨૩૬૪૪૦, ૦૧૧-૨૩૨૧૫૪૨૮, ૦૧૧-૨૩૨૩૬૩૮૭). અહીં હું એ પુસ્તિકામાંથી વિચારો રજુ કરવાનો છું અને એના માટે SPWD અને વક્તા શ્રી ટી. એલ. શંકરનો આભાર માનું છું.

xxx

ઊર્જાની માંગ

અગિયારમી પંચવર્ષીય યોજના (૨૦૦૭-૨૦૧૨)માં ઊર્જા ક્ષેત્રની વૃદ્ધિ ૭% રહેવાની ધારણા છે. બારમી યોજના (૨૦૧૩-૨૦૧૭) માટે બે-અઢી વર્ષ પહેલાં કામ શરુ થયું ત્યારે ઉત્સાહનું વાતાવરણ હતું, પરંતુ વિશ્વનું અર્થતંત્ર હજી પણ મંદીની અસરમાંથી મુક્ત નથી થયું એટલે બારમી યોજનામાં  જી. ડી. પી.નો વૃદ્ધિ દર લગભગ ૮%  રહે એવી ધારણા છે. તે સાથે ઊર્જાના વપરાશનો દર ૫.૫% રહેવાનો અંદાજ છે. આમ, લક્ષ્યો નીચાં કરવામાં આવ્યાં છે, તેમ છતાં એમને પહોંચી વળવા માટે ઓછામાં ઓછી ૧૦,૦૦૦ મેગાવૉટ વીજળીનો દર વર્ષે ઉમેરો કરવાનું જરૂરી છે અને આના માટે દર વર્ષે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આથી, વીજળી અને ઈંધણની જરૂરિયાત માટે કોલસાના સ્રોતનો વિકાસ કરવો પડશે, અને  ટ્રાન્સપોર્ટ તેમ જ સામાજિક ક્ષેત્ર માટે તેલના સ્રોતોનો વિકાસ કરવાનું જરૂરી છે. આ ઉપરાંત, પવન ઊર્જા, પરમાણુ ઊર્જા વગેરેનો પણ વિકાસ કરી શકાય.

પરંતુ હકીકત એ છે કે આજ સુધી ઊર્જાની ૯૦% જરૂરિયાત તેલ અને કોલસામાંથી જ સંતોષી શકાય છે. ૨૦૦૮-૦૯માં દેશમાં ૮૦૫.૮ અબજ કિલોવૉટ-કલાક વીજળી ઉત્પન્ન થઈ શકી તેમાં મુખ્ય ફાળો તેલ અને કોલસાનો રહ્યો.  આ ચિત્ર બહુ લાંબા વખત સુધી બદલાવાનું નથી. ખનિજ તેલનું ઉત્પાદન દેશમાં પણ થાય છે, પરંતુ  એનાથી આપણી જરૂરિયાત સંતોષી શકાય એમ નથી.  ૨૦૦૮-૦૯માં જ દેશમાં ૩૩.૫ મિલિયન ટન-મીટર ઉત્પાદન થયું, તેની સામે ૧૨૮.૨ મિલિયન ટન-મીટરની આયાત કરવી પડી. આમ, આંતરિક ઉત્પાદન કરતાં લગભગ ચારગણી આયાત કરવી પડે છે. આમ છતાં,  ૧૯૮૦માં ઘરઆંગણે જેટલું ઉત્પાદન થતું હતું તેમાં ૨૦૦૮-૦૯ સુધીમાં ત્રણગણો વધારો થયો છે, આથી આપણી ઊર્જા નીતિને માત્ર મર્યાદિત સફળતા મળી છે એમ કહી શકાય.

ઊર્જા નીતિ

ઊર્જાનીતિનો ઉદ્દેશ ઊર્જાની માંગને પહોંચી વળવાનો હોય છે. એની સફળતાનો આંક કાઢવાના ત્રણ માપદંડ છેઃ 

(૧) આયાત સહિતના બધા જરૂરી સ્રોતોનો ઉપયોગ કરીને ઊર્જાની માંગને સંતોષી શકાય તેમ છે? 

૧૧મી યોજનાની વચગાળાની સમીક્ષાના એક રિપોર્ટમાં નિરાશાનો સુર પ્રગટ થયો છે. રિપોર્ટ જણાવે છે કે  બધા પ્રકારની ઊર્જાના ઉત્પાદનમાં ૬.૪% વધારો થવાનું લક્ષ્યાંક યોજનાના અંતે, ૨૦૧૨માં પૂરૂં થાય તેમ નથી.

(૨) ઊર્જાના ઉત્પાદન અને ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને ઊર્જાનો ઉપયોગ વધારે કરકસરથી થઈ શકે એમાં ઊર્જા નીતિ કામયાબ રહી છે?

આનો જવાબ પણ ‘ના’ છે. ૧૧મી યોજનામાં ઊર્જાની કાર્યક્ષમતા ૨૦% વધારવાનું લક્ષ્યાંક છે, આના માટે નવ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રયાસ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ માત્ર પાંચ ક્ષેત્રોમાં ૭.૫% ઊર્જા બચાવી શકાઈ છે. વીજળી મથકોમાં ૩૪ % દુર્વ્યય અટકાવવાનું લક્ષ્યાંક પણ પાર પડે તેમ નથી.

(૩) ઉર્જાના દરેક પ્રકારની સમાજના બધા વર્ગોમાં સમાનતાપૂર્ણ વહેંચણી થાય છે?

ઊર્જાનીતિ આ મોરચે પણ નિષ્ફળ રહી છે. ગરીબોને સસ્તા અનાજની દુકાનોથી મળતા કેરોસીનનું પ્રમાણ ઘટાડી નાખવામાં આવ્યું છે અને રસોઈના ગૅસ પરની સબસિડી પણ ઓછી કરી દેવાતાં મધ્યમ વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો છે.

ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ પર ધ્યાન ન અપાય, પર્યાવરણને નુકસાન થયા કરે,  ગરીબો માટેના કેરોસીનના જથ્થા પર કાપ મુકાય, રસોઈનો ગેસ મોંઘો બને તેમ છતાં તેલ વિક્રેતા કંપનીઓ ખોટ જતી હોવાની કાગારોળ કરતી રહે અને સરકાર છેવટે તો લગભગ છાસવારે ભાવ વધારવાની છૂટ આપે છે. આથી લોકોમાં અસંતોષ વધે એ સ્વાભાવિક છે. પરંતુ અહીં તો આપણે માત્ર આ ખોટ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ.

તેલ ઉદ્યોગ સંકટમાં છે?  

દેશમાં જાહેર ક્ષેત્રમાં અમુક તેલ ઉત્પાદક કંપનીઓ છે, અમુક માત્ર તેલને શુદ્ધ કરવાની રિફાઇનરીઓ છે. જે તેલ પેદાશો વેચવાનું કામ કરતી નથી.  પરંતુ અમુક રિફાઇનરીઓ તેલ પેદાશો વેચનારી કંપનીઓ (ઑઇલ માર્કેટિંગ કંપનીઓ  કે OMCs)  તરીકે પણ વેપાર કરે છે.  આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રની કંપનીઓ, રિલાયન્સ અને એસાર, પણ મેદાનમાં છે. આટલા ખુલાસા પછી તેલ ઉદ્યોગ સંકટમાં છે કે નહીં તેનો જવાબ આપણે તેલ કંપનીઓના સરવૈયામાંથી શોધીએ.

 – ત્રણ તેલ કંપનીઓ ONGC, GAIL અને OILનો કરચૂકવ્યા પહેલાંનો કુલ નફો ૨૦૦૨માં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા હતો, તે વધીને ૨૦૦૭-૦૮માં  વધીને લગભગ બત્રીસ હજાર કરોડ રૂપિયા થયો. આમ, એમના કર પહેલાંના નફામાં લગભગ ૫૦%નો વધારો થયો છે.

– માત્ર તેલને શુદ્ધ કરીને બીજી પેદાશો બનાવતી રિફાઇનરીઓની સ્થિતિ જોઇએ તો, ચાર રિફાઇનરીઓનો ૨૦૦૨નો કર પહેલાંનો નફો ૮૪૦ કરોડ રૂપિયા હતો તે ૨૦૦૭-૦૮માં વધીને ૩૯૦૪ કરોડ રૂપિયા થયો છે. આ આંકડો ૨૦૦૨ની સરખામણીમાં લગભગ પાંચગણો થવા જાય છે.

– તેલ પેદાશો વેચવાનો વ્યવસાય પણ કરતી હોય એવી ચાર રિફાઇનરીઓ છે. ૨૦૦૨માં એમનો સંયુક્ત નફો  ૧૨,૯૬૦ કરોડ રૂપિયા હતો તે ૨૦૦૭-૦૮માં વધીને ૧૩,૭૮૬ કરોડ રૂપિયા થયો છે. બીજી કંપનીઓની સરખામણીમાં આ વધારો બહુ મોટો નથી, એ સાચું, પરંતુ ખોટ ક્યાં છે?

–  ખાનગી ક્ષેત્રમાં એસાર ૨૦૦૪માં વ્યવસાયમાં આવી અને ૨૦૦૭-૦૮માં એ પગભર થવા માંડી છે. પરંતુ રિલાયન્સનો નફો ૨૦૦૨માં ૨,૩૪૪ કરોડ રૂપિયા હતો તે પછી કંપનીએ જબ્બર કૂદકો માર્યો છે અને ૨૦૦૭-૦૮માં એનો નફો પાંચગણો વધીને  ૧૦,૩૭૩ કરોડ રૂપિયા થયો છે.   આમ, ક્યાંય ખોટ તો દેખાતી નથી!

તેલ ઉદ્યોગ સરકારને શું આપે છે?

આયોજન પંચના માજી પ્રિન્સિપલ ઍડવાઇઝર સૂર્ય સેઠીએ આ મુદાની છણાવટ કરી છે. એમણે દેખાડ્યું છે કે તેલ કંપનીઓ સરકારને લૂંટતી નથી, તેમ જ ગરીબ પણ નથી. રાજ્યોના કરવેરા તેમ જ કેન્દ્ર સરકારની કસ્ટમ ડ્યૂટી વગેરે રૂપે તેલ કંપનીઓએ સરકારને ૨૦૦૬માં ૧,૫૭,૨૧૯ કરોડ રૂપિયા, ૨૦૦૭માં ૧,૭૧,૭૩૧ કરોડ રૂપિયા અને ૨૦૦૮માં ૧,૬૧,૭૯૮ કરોડ રૂપિયા આપ્યા છે. તેલ કંપનીઓ ખરેખર ખોટમાં ચાલતી હોત તો આટલી રકમ ચૂકવી શકી ન હોત, એમણે દેવાળું ફૂંકી દીધું હોત અને એમના દરવાજે ખંભાતી તાળાં લટકતાં હોત.

સબસિડી

આની સામે સરકારે ખર્ચ સરભર કરવા સબસિડી પણ આપી છે. કેરોસીન પર સરકારે ૨૦૦૬અને ૨૦૦૭માં ૯૭૦ કરોડ રૂપિયા અને ૨૦૦૮માં ૯૭૪ કરોડ રૂપિયા ચૂકવ્યા. રસોઈગૅસ પર ૨૦૦૬માં ૧,૫૫૪ કરોડ રૂપિયા, ૨૦૦૭માં ૧,૬૬ કરોડ રૂપિયા અને ૨૦૦૮માં ૧,૭૧૪ કરોડ રૂપિયાની સબસિડી અપાઈ.

અંડર રિકવરી

આના ઉપરાંત તેલ કંપનીઓ ‘અંડર રિકવરી’ પણ દેખાડે છે. ‘અંડર રિકવરી; એટલે જે ભાવો મળવા જોઈએ તે અને સરકારે જે ભાવો મંજૂર કર્યા હોય તે બન્ને વચ્ચેનો તફાવત. દેખીતું છે કે ‘મળવા જોઇતા ભાવ’નો ખ્યાલ કાલ્પનિક છે.૨૦૦૮ના આંકડા જોઇએ તો કેરોસીનના મળવા જોઈતા ભાવો કરતાં એમને ૨૮,૨૨૫ કરોડ રૂપિયા ઓછા મળ્યા, રસોઈ ગૅસ પર ૧૭,૬૦૦ કરોડ રૂપિયા, ડીઝલ પર ૫૨,૨૮૬ કરોડ રૂપિયા અને પેટ્રોલ પર ૫.૧૮૧ કરોડ રૂપિયા ઓછા મળ્યા. આમ, ૨૦૦૮માં કુલ ‘અંડર રિકવરી’ રૂ. ૧,૦૩,૨૯૨ કરોડની રહી. કંપનીઓ માને છે કે મળવા જોઇતા ભાવો લેવાની સરકાર છૂટ આપે તો આ રકમ માર્કેટમાંથી, એટલે કે સામાન્ય લોકો પાસેથી, એમણે વસૂલ કરી લીધી હોત. આનો અર્થ એ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને રસોઈગૅસના ભાવો અત્યારે છે તેના કરતાં પણ વધારે ઊંચા હોત! નોંધવા જેવું તો એ છે કે કંપનીઓ ખરેખર ખોટ નથી કરતી, માત્ર નફાનું માર્જિન બહુ જ વધારવાની માગણી કરે છે.

કંપનીઓની હાયવોય ચાલુ છે. હવે તો એમણે ધમકી પણ આપી છે. સરકાર “ના…ના કરતે, પ્યાર તુમ્હીં સે કર બૈઠે”ના તાલે અંતે ભાવ વધારવાની છૂટ આપે છે અને  જનતા ત્રાહિમામ પોકારતી રહે છે.  ખોટ તો દેખાતી નથી, પરંતુ લોકોમાં ખોટની દહેશત છે એટલે મૂંગે મોઢે ભાવવધારો સહન કરી લે છે. તો ચાલાકી ક્યાં થાય છે? હિસાબ લખવામાં કે હિસાબના મૂળભૂત સિદ્ધાંતમાં? આ પ્રશ્નોની ચર્ચા પરમ દિવસે…૨૨મીએ.

 

 

 

8 thoughts on “Petrol-naa Bhaav-vadharaa-nu Bhedi ArthakaaraN- part 1”

 1. ઘણોજ અભ્યસ્ત લેખ.
  પેટ્રોપેદાશોના ભાવ એ કમઠાણ છે કે કૌભાંદ તે પણ કળવું મુશ્કેલ થઇ પડે તેટલી હદે આ પ્રશ્ને વિચિત્રતાઓ સંગ્રહાઇને પડી છે.
  APMના જમાનાથી જ પેટ્રોપેદાશોના ભાવ એ કંઇ કેટલાય માટે દૂઝતી ગાય બની રહેલ છે, એ બધાના હાથમાંથી તેને હવે છીનવી લેવું તે પણ અતિ મુશ્કેલ જ કહેવાય.
  આ મધપુડાને છંછેડવાની હાલત કરીએ તો આપણને જ ડંખ વાગવાના છે.
  બીજા ભાગનો ઇંતઝાર અધીરાઇથી રહેશે.

 2. આ વિષય એવો અટપટો છે કે જેમ ઉંડા ઉતરીએ એમ મૂંઝારો વધતો જાય. પેટ્રોપેદાશોના ભાવમાં થતા વધારાની અસર લગભગ તમામ ચીજવસ્તુઓને થાય છે, જેને કારણે મોંઘવારી દેખીતી રીતે વધતી રહે છે.
  આવી અટપટી બાબતની આ સુંદર સમજૂતી વાંચ્યા પછી એમ પણ થાય છે કે આ વિષયને સમજવો જ આટલો કઠિન હોય તો તેના સંભવિત ઉકેલ અંગે વિચારવું એથીય અઘરું છે. કોઈના એકલદોકલ વ્યક્તિગત પ્રયત્નો આમાં કામ લાગે એમ જણાતું નથી.

 3. ખરેખર આ વિષય અટપટો છે
  એક તરફ ભારતની તેલ કું.ઓને સરકાર મદદ કરે છે જેને લીધે ભાવ કાબુમા રહે છે.
  સધ્ધર દેશોમા ગેસનો ભાવ વધે તો એક અભ્યાસી એ સૂચવેલું કે તેલ કું પોતાનો નફો ઓછો કરે તો પણ ભાવ કાબુમા આવી શકે!આશ્ચર્ય એ રહે છે કે તે છતા બધા દેશોમા તેલનો વપરાશ વધતો જ જાય છે!!હંમણા એક જવાબદાર મીલીટરી ઓફીસરે જણાવેલું કે ભારતની મોટામા મોટી રીફા ઇનર જામનગરમા છે જે………………………………………………..

 4. નિવૃત્ત પાવર ઈજનેર તરીકે લેખ બહુ જ ગમ્યો – સંદર્ભ સાથે હોવાના કારણે વિશેષ.
  પણ હવે સામાન્ય માણસ તરીકે …
  જનતા તરીકે આપણે ઘણી હાય વરાળ કાઢીએ, ભારતના ભ્રષ્ટ રાજકારણ અને બીજા બહુ ચર્ચિત, લોકપ્રિય – પણ કશું જ ન કરી શકીએ તેવા મુદ્દાઓ પર ઢગલાબંધ પ્રતિભાવ લખી; મનની વરાળ / ઊભરો કાઢીએ….
  એનો કશો અર્થ નથી.

  ભયાનક ઉર્જા કટોકટી હવે બહુ દૂર નથી. વિકસી રહેલા દેશોનો વિકાસ દર જેમ જેમ ઊંચો આવતો જશે ; તેમ તેમ એ સીમા નજીક ને વધારે નજીક આવતી જવાની છે.
  આ બધી નીરાશાવાદી વાતો વચ્ચે એક અમદાવાદી તરીકે ગર્વ ઉપજે તેવી વાત એ છે કે…..
  જે થોડી ઘણી જ્ગ્યાએ વિશ્વમાં ઉર્જાનો અખૂટ સ્રોત ઝબ્બે કરવા વિજ્ઞાન/ ટેક્નોલોજીના સીમાડા જેવા ક્ષેત્રોમાં યુદ્ધના ધોરણે સંશોધન ચાલી રહ્યું છે – એમાંની એક અમદાવાદ/ ગાંધીનગરની વચ્ચે આવેલી પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે.

  આ બે લેખ વાંચશો તો જરૂર ગમશે …
  અમેરિક હાઈવે
  http://gadyasoor.wordpress.com/2007/12/10/american_highway/

  સાબુ પર સાબુ – ભાગ -૧
  http://gadyasoor.wordpress.com/2010/08/04/soap_on_soap/
  પણ ….
  આમાંથી પહેલા લેખની કોમેન્ટ સ્પેસમાં બે દિવસ પહેલાંજ થોડાંક આશા કિરણો દર્શાવતી વેબ સાઈટોનો ઉલ્લેખ છે – એ જરૂર વાંચવા વાચકોને આગ્રહ ભરી વિનંતી.

 5. Oil prices going up all over world not just in India.
  Crude Oil WTI Cash …………Chart
  http://barchart.com/chart.php?sym=CLY00&style=classic&template=&p=MN&d=X&size=L&log=0&ed=04%2F20%2F2012&v=0&g=1&late=1&evnt=1&o1=&o2=&o3=&ch1=011&ch1a=&c
  h1b=&ch1c=&ov1=&ov1a=&ov1b=&ov1c=&ch2=&ch2a=&ch2b=&ch2c=&ov2=&ov2a=&ov2b=&ov2c=&submitted=1&fpage=&txtDate=04%2F20%2F2012#jump

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં?ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !

 6. આ આખી નાણાંકીય તૈલી–સાઈકલ વિષચક્ર જેવી છે, જેના કેન્દ્રમાં ગ્રાહકો રહેલા છે… ને વીષપાન પણ એણે જ કરવાનું રહે છે.

  ગ્રાહકો પણ હવે ગલ્લે પાન ખાવા બાઈક લઈને જ જાય છે ! પગ હવે કામ કરતા નથી.

  બહેન સાઈકલ ! હવે તારા વગર ઉદ્ધાર જણાતો નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: