World health Day

આજે – વિશ્વ આરોગ્ય દિન

આજે વિશ્વ આરોગ્ય દિન છે. ૧૯૪૮ની સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ તે કારણે આજનો દિવસ વિશ્વ આરોગ્ય દિન તરીકે મનાવાય છે. આરોગ્ય જીવનની ગુણવત્તા માટે જરૂરી છે. આરોગ્ય એટલે માત્ર બીમારીનો અભાવ નહીં, પરંતુ બીમારી સામે ટકી શકે એવી શક્તિ આપવાના ઉપાયોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. આરોગ્ય એટલે વ્યક્તિ સામાન્ય કલ્પનામાં આવે એવું જીવન જીવી શકે એટલી શારીરિક અને માનસિક ક્ષમતા.

આજે આપણે આપણા દેશમાં આરોગ્યની સ્થિતિ પર નજર નાખીએ. આ બાબતમાં શું કરવાનું જરૂરી છે તે દરેક નાગરિકે વિચારવાનું છે. આરોગ્ય અને શિક્ષણ, આ બે ક્ષેત્રો એવાં છે કે જે સૌને સ્પર્શે છે. આપણા દેશના રાજકીય પક્ષોના રાજકીય એજન્ડામાં આ બન્ને અતિ આવશ્યક બાબતોને ખરેખર સ્થાન મળ્યું છે કે કેમ એ પણ વિચારવાનો મુદ્દો છે.

નાણાં મંત્રી શ્રી પ્રણવ મુખરજીએ ૨૦૧૨-૧૩ માટેના બજેટમાં આરોગ્ય મંત્રાલયને વધારે રકમ ફાળવી છે. ગયા વર્ષે લગભગ ૨૭ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા તે સામે આ વર્ષે ૩૦ હજાર કરોડ રૂપિયા કરતાં થોડી વધારે રક્મ ફાળવવામાં આવી છે. આમ છતાં ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GDP)ના એક ટકાની આસપાસ જ આરોગ્ય પાછળ સરકાર ખર્ચ કરતી હોય છે. આ આંકડો વધીને ૧૦ ટકા સુધી પહોંચવો જોઇએ. પરંતુ, પહેલા જ તબક્કે આ ખર્ચમાં ત્રણ ગણો વધારો ન થાય તો આરોગ્ય ક્ષેત્રના કોઈ પણ ધ્યેયને પહોંચી વળાય તેમ નથી.સ્વયં આયોજન પંચ પણ ઓછામાં ઓછા બે ટકા વધારાની હિમાયત કરે છે. આમ છતાં, સંસદમાં બજેટ પર ચર્ચા થશે ત્યારે આ બાબત પર કોઈ પણ સભ્ય નાણાં મંત્રીની ટીકા નહીં કરે. જે વધારો કરવામાં આવ્યો છે તેને ગયા વર્ષના ભાવવધારાની સરખામણીમાં મૂકતાં સમજાઈ જાય છે કે આ માત્ર આંકડાની ઇન્દ્રજાળ છે. નાણાકીય આંકડો મોટો હોય તેના પરથી વાસ્તવિક વધારાનો સંકેત ન મળી શકે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકરણની ૪૭મી કલમ પ્રમાણે “લોકોના પૌષ્ટિકતાના સ્તરને અને જીવન ધોરણને ઊંચું લઈ જવું તેને સરકાર પોતાની પ્રાથમિક ફરજ માનશે.” આ માર્ગદર્શક સિદ્ધાંત કેટલી હદે અમલમાં મુકાયો છે તે વિચારવા જેવું છે.

માનવશક્તિની તંગી

ભારતમાં અત્યારનું બિસ્માર જાહેર આરોગ્ય માળખું ટકાવી રાખવું હોય તો પણ હજી બીજા ૬,૦૦,૦૦૦ ડૉક્ટરોની જરૂર છે. ઓછામાં ઓછા ૧૦,૦૦,૦૦૦ નર્સિંગ કર્મચારીઓ હોવા જોઈએ. આ ઉપરાંત લૅબ ટેકનિશિયનો અને એક્સ-રે ટેકનિશિયનો વગેરેની ખેંચ તો અપાર છે અને એની વ્યવસ્થિત મોજણી પણ નથી થઈ. અને કારણે અનધિકૃત લૅબોરેટરીઓની ભરમાર છે.

આપણા દેશમાં ડૉક્ટરો અને નર્સોનું તો રજિસ્ટ્રેશન થાય છે, બીજા મૅડિકલ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરી શકાય એવું વિધેયક આઝાદીના ૬૩ વર્ષ પછી પહેલી વાર રજુ થયું છે! આખી દુનિયામાં, નેપાળ જેવા નાના દેશોમાં પણ આવી વ્યવસ્થા વર્ષોથી છે.

કુપોષણ
દુનિયાના બીજા દેશોમાં કુપોષણની સ્થિતિ પર તુલનાત્મક નજર નાખીએ. “વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ-૨૦૧૦ પ્રમાણે દેશમાં ૪૩.૫ ટકા બાળકોનં વજન જન્મસમયે ઓછું હોય છે. લડાઇગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ૩૨.૫ ટકા, ભૂતાનમાં ૧૨ ટકા, ચીનમાં ૬.૮ ટકા અને બુરુંડી જેવા અલ્પ વિકસિત દેશમાં પણ ૩૮.૯ ટકા બાળકોનં જન્મ સમયે વજન ઓછું હોય છે. પરંતુ૧૯૯૨-૯૩ની સરખામણીમાં તો આ પણ સુધારો છે. એ વખતે ભારતમાં જન્મતાં બાવન ટકા બાળકોનું વજન જન્મ સમયે ઓછું રહેતું.

રોગવિરોધી રસી
ભારતમાં બાળકોનો ભોગ લેનારી મુખ્ય બીમારીઓ, ડિપ્થેરિયા, પોલિયો, ઓરી, મોટી ઉધરસ, ગાલપચોળિયાં વગેરે સામે રસી મૂકવાના કાર્યક્રમમાં સરેરાશ ૬૫-૭૦ ટકા બાળકોને આવરી શકાયાં છે. બીજી બાજુ ઈજિપ્ત અને ચીનમાં આ આંકડો ૯૭ ટકા આસપાસ પહોંચે છે અને અફઘાનિસ્તાનમાં પણ ૮૦ ટકા બાળકોને રોગવિરોધી રક્ષણ મળ્યું છે.

હૉસ્પિટલમાં પથારી
ભારતમાં ૧૦,૦૦૦ની વસ્તી માટે હૉસ્પિટલમાં માત્ર ૯ પથારી છે. બીજી બાજુ ભૂતાનમાં ૧૭ અને ચીનમાં ૩૦ પથારીઓ છે. આપણા બીજા પાડોશી શ્રીલંકામાં ૩૧ પથારીઓ છે.
આમ હૉસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાનું કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ મળે છે.

બાળ મૃત્યુ દર
ભારતમાં પાંચ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં ૫૫ ટકા બાળકોનું મૃત્યુ થાય છે, જ્યારે ચીનમાં આ આંકડો ૨૩ ટકા અને શ્રીલંકામાં ૧૧ ટકા છે.

માથાદીઠ સરકારી ખર્ચ (૨૦૦૭)
સાઓ તોમે નામના દેશે બજેટના ૯.૯ ટકા આરોગ્ય માટે ખર્ચ્યા, ખાનગી ક્ષેત્ર માટે જાણીતા અને પ્રખર મૂડીવાદી દેશ અમેરિકામાં પણ સરકારે પોતાના બજેટની ૬.૯ ટકા રકમ ખર્ચી. ભારતમાં સરકારી ખર્ચ ૦.૯ ટકા હતો. આપણે રાજી થવા માગતા હોઈએ તો એક કારણ છેઃ આપણું ‘દુશ્મન’ પાકિસ્તાન ૦.૩ ટકા સાથે આપણા કરતાં બહુ પાછળ છે. બસ, પાકિસ્તાનને હરાવી દીધું ને?

આજે પણ સામાન્ય નાગરિક આરોગ્ય સંબંધી સેવાઓ માટે દર ૧૦૦ રૂપિયામાંથી ૭૧ રૂપિયા પોતાના ગજવામાંથી ખર્ચે છે!

નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. અમર્ત્ય સેન કહે છે કે દેશમાં સરકાર હૉસ્પિટલો ચલાવે છે, પણ એમાં જે ટેસ્ટ લખી અપાય છે તેના માટે દરદીઓએ બજારમાં જવું પડે છે. પ્રિસ્ક્રિપ્શન તો મફત મળે પણ ખરો ખર્ચ તો ટેસ્ટ માટે થાય છે, એમાં તો સરકારની મદદ નથી મળતી. એટલે હૉસ્પિટલો કરતાં સરકારી લૅબોરેટરીઓની જરૂર અનેક્ગણી છે. આવી સગવડ હોય તો માથાદીઠ ખર્ચમાં ઘટાડો થઈ શકે.

ગ્રામીણ વિસ્તારો
ગામડાંમાં સ્થિતિ વધારે ખરાબ છે. સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રના આખા માળખામાં ગામવાસીઓને કઈં જ સેવા મળતી નથી. સરેરાશ અઢી કિલોમીટરના વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે. ત્યાં ડૉક્ટર ભાગ્યે જ હોય છે. માત્ર દાયણ (ઑક્ઝીલિયરી નર્સ મિડવાઇફ) હોય છે. આરોગ્ય સેવા સાથે ગામવાસીનો આ પહેલો સંપર્ક છે! જાણે ગામડાંમાં પ્ર્ષો બીમાર જ નથી પડતા અને સ્ત્રીઓ માત્ર છોકરાં જણતી હોય છે. સામુદાયિક કેન્દ્ર સરેરાશ ૧૬ કિલોમીટરના વિસ્તારને સેવા આપે છે, પણ ડૉક્ટર કે નર્સ અથવા લૅબ ટેકનિશિયન નથી હોતા! ખાનગી ક્લિનિકો માત્ર શહેરી વિસ્તારોમાં જ હોય છે. નફો ન થાય ત્યાં કોઈ શા માટે પોતાની દુકાન ખોલે?

આપણી જવાબદારી
આમ, સરકાર પર દેશના આરોગ્યની મોટી જવાબદારી છે અને એ આપણી રાજકારણી ચર્ચાઓનો વિષય હોવો જોઇએ. નેતાઓના ખો-ખો કે લંગડી દાવના સમાચારોથી છાપાં ભર્યાં હોય છે તે ટાંકણે આજના વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે મારા મિત્રોના ધ્યાન પર આ મુદ્દો લાવવાનો આ નમ્ર પ્રયાસ છે. આભાર.

16 thoughts on “World health Day”

  1. ખૂબ સુંદર વાત
    તેમાં ઉમેરવામા અમને અવાસ્તવિક લાગતી આ વાત વધુ સુંદર લાગે છે
    ભારતના વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાએ શુક્રવારે જણાવ્યું હતું કે જો આપણે ભારતના અર્થતંત્રને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં ફેરવવું હોય તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ અને ઇનોવેશન્સ , બહુવિધ હોવી જોઇએ અને તેના માટે નોંધપાત્ર ગણન શક્તિ જરૂરી છે. દેશમાં જ્ઞાનની ક્રાંતિ લાવવા માટે નેશનલ નોલેજ નેટવર્ક (એનકેએન) રચવાની જરૂર પર નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો.

    પિત્રોડાએ વિડીયો કોન્ફરન્સ મારફતે અમદાવાદમાં ‘ નેશનલ નોલેજ નેટવર્ક- એ સ્ટેપ ટોવર્ડ્ઝ મેકિંગ ઇન્ડિયા એ નોલેજ-ડ્રિવન ઇકોનોમી ‘ વિષય પર એક સેમિનાર સંબોધ્યો હતો. એનકેએન પ્રોજેક્ટનો ઉદ્દેશ મજબૂત આંતરિક ભારતીય નેટવર્ક ઉભું કરવાનો છે જે સલામત અને વિશ્વાસપાત્ર કનેક્ટિવિટી પૂરી પાડશે.

    દેશની 1,500 થી વધુ સંસ્થાઓને કનેક્ટિવીટી હશે અને તેના દ્વારા એનકેએન દેશની તમામ જ્ઞાન અને સંશોધન સંસ્થાઓને હાઇ બેન્ડ વિડ્થ , લો લેટન્સી નેટવર્ક સાથે જોડશે. એનકેએન વર્તમાન શૈક્ષણિક અને વિદ્યાર્થી સમુદાયને અસર કરશે.

    એનકેએન વિશ્વસનિયતા , પ્રાપ્યતા અને વર્ધનશીલતા માટે તૈયાર કરાયું છે. તે કેન્દ્ર સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર (પીએસએ) અને નેશનલ નોલેજ કમિશન (એનકેસી) ખાતે તૈયાર કરાયું હતું અને તે માટે નિષ્ણાતો , સંભવિત વપરાશકારો , ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ , શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ જેવા હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું હતું.

    તેમણે જણાવ્યું હતું કે , કમ્પ્યુટેશનલ રિસોર્સ એક્સેસ , દેશવ્યાપી સમાન વર્ગખંડ , સમકક્ષ જૂથો સાથે વધુ સંવાદ અને ઓનલાઇન ડેટા-બેઝ શેરિંગ સરળ બનાવીને એનકેએન શિક્ષણ , સંશોધન , આરોગ્યસંભાળ , વહીવટ , ખેતી સંબંધી ટેકનોલોજી અને વેધર મોડલિંગ જેવા ક્ષેત્રોને મોટું ઉત્તેજન આપશે.

    તેનો અર્થ તે થયો કે તે સામાજિક વિકાસ અને કૃષિની વૃદ્ધિ માટે તે મહત્ત્વનું હશે. ભારતની વાત છે ત્યાં સુધી તે એખ મહત્ત્વનું ક્ષેત્ર છે અને એનકેએન આ મોરચે નોંધપાત્ર સિદ્ધિ માટે ચાવી ધરાવે છે.

    આ જ રીતે આરોગ્ય ક્ષેત્રે ઝડપથી પ્રગતિ થાય અને તેમના કહેવા પ્રમાણે નિરામય ૧૨૫ વર્ષનુ આયુષ્ય સામાન્ય થાય!

  2. Health is indeed an importnat subject. Though, as of today our health expenses are much lesser compared to the western nations, the health care has not reached who can not afford. Government is slowly shifting away from its responsibility. That is a main concern.

    Actually doctors are not in short supply if wetake nation as a whole. There are too many in the city and none in the rural area. Real shortage is that of Nursing staff. There was one Bhor committee report in late 40s, we have yet to reach that norm !!

  3. બધા નર્સ ડોક્ટર્સ બનશે તો બાવા કોણ બનશે? ૫૦ લાખ સાધુઓને કામે વળગાડો સફાઈ કામદાર તરીકે તો એક તો દેશ સ્વચ્છ થઇ જશે અને બીમારીઓ ઓછી થશે. હહાહાહાહાહાહા!!!!

      1. ભાઈ દીપકભાઈ
        સરસ અને ઘણુંજ relevant લખાણ છે.
        જાણવાનું પણ મળ્યું. ભાઈ ભુપેન્દ્ર્સીહ ની ૫૦ લાખ બાવાઓ ને સફાઈ ના કામે લગાવો…………
        અને તમારી ‘બાવાઓ પોતેજ બીમારી છે!’ ટીપ્પણી રમુજી છેજ, પણ સાથે સાથે
        એટલીજ સાચી પણ લાગે છે.

        1. આભાર. બ્લોગ મારફતે આપણે આવા મુદ્દા પણ ચર્ચીએ એવી ઇચ્છા છે, કઈં નહીં તો પોલિટિક્સના ઊંડાણમાં જઈને નીતિઓની વાત તો કરીએ. કદાચ આવા નાના પ્રયત્નમાંથી જ નવા હાઇ-વે મળી આવે. ગીતામાં કહ્યું છે ” નિમિત્ત માત્રં ભવ સવ્યસાચિન” હે અર્જુન, તું માત્ર નિમિત્ત બન.

  4. તલસ્પર્શી અભ્યાસી વાતને સમજી શકે એવા શાસકોને ચૂંટી , પરિણામલક્ષી
    યોજનાઓથી આગળ વધવાનો સમય પાકી ગયો છે. અંધશ્રધ્ધાને બદલે
    નવયુગની ચેતનાને સંસ્કારોથી સંવારીએ પણ એટલું જ જરૂરી છે નહીં તો
    ડીપ્રેશનની વ્યાધી પશ્ચિમની જેમ ભરડો લેતી જશે.મનનીય લેખ માટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    1. રમેશભાઇ. આભાર. ઇજિપ્તના સત્તાપરિવર્તનમાં અને અણ્ણા હઝારેના આંદોલનમાં ઇન્ટરનેટની ભૂમિકા મહત્વની રહી છે. આપણે જો સમાજના બધા વર્ગોને સ્પર્શે એવા વિષયોને હાથમાં લઈએ અને ફેલાવો કરીએ તો શું સરકારોને એમની નીતિઓ બદલવા માટે લાચાર કરી દેવાનું અઘરું છે? પરવડે તેવી આરોગ્ય સેવા, પરવડે તેવી શિક્ષણ સેવાથી સામાન્ય લોકોને લાભ થશે જ, એટલું જ નહીં, લગામ વગરના ઘોડા જેવા રાજકારણીઓને પણ કાબુમાં રાખી શકાશે અને સામાન્ય જનતા માટે નીતિઓ બનાવવાની એમને ફરજ પાડી શકાશે..

  5. લાખ્ખોકરોડ રુપીયા ચાવી જનારા રાજકારણીઓ અને એના પડખીયાંઓ આજે આઝાદીના છ દાયકા પછીય લોકોને ખોરાક તો શું, પીવાનું ચોખ્ખું પાણીય આપવા દેતા નથી ત્યાં ખોરાકની કે દવાદારુની વાત તો થાય જ શી રીતે ?

    આ દેશની સૌથી મોટી બીમારી ભ્રષ્ટાચાર છે. એની સામેનું કોઈ પણ આંદોલન લોકપ્રતીનીધીઓ દ્વારા કેવી ખંધાઈથી દબાવી દેવાય છે તે આપણે હમણાં જ જોયું છે. લશ્કર જેવા વીભાગો પણ જ્યાં આ બીમારીમાં સબડતા હોય ત્યાં બીજી કઈ સારી આશા રાખી શકાય ?

    આપણે તો આ અરણ્યરુદન જ કરતાં રહેવાનું !!

    1. ભાઈ જુગલકિશોરભાઈ,
      આપની ટીકા ‘પીવાનું ચોખ્ખું પાણીય આપવા દેતા નથી ત્યાં ખોરાકની કે દવાદારુની વાત તો થાય જ શી રીતે ?’ …………..ના અનુસંધાન માં
      મારો અભિગમ…..
      હું અને બધા ભાઈ બહેનો ૧૯૭૫ થી અમેરિકા વસેલા માં છીએ…..
      આપનો ફોટો જોયો, મારી અને આપની ઉંમર માં ૨-૩ વર્ષ thi વધારે તફાવત નથી!!!
      ૨-૩ વર્ષો પહેલા મારો ભાણો જે અમેરિકા ની ટોપ લેવલ ની university માં public health વિષય ઉપર પી એચ ડી કરે છે તે public health related meeting/discussion માટે ગુજરાતની university માં ગયો હતો.
      બીજા સગા સબ્ન્ધિઓ અમદાવા amdavad ની ૨૦-૩૦ માઈલ બાજુ ના ગામો માં રહે છે તેમને પણ મળેલો.
      After my nephew return back to US I casually ask him
      “So what are your observations on public health related issues in India?”
      બિલકુલ સંકોચ રાખ્યા વગર તેનો જવાબ હતો
      “Uncle all they need is clean drinking water and sewage treatment facilities, most of the health related ailments are simply due to poor hygienic conditions”

      On the positive side નરમદા canal has done wonders in providing drinking water to Surastra area and if I am correct then દીપકભાઈ ના ભુજ ગામ સુધી પણ નર્મદા ના પાણી પહોચ્યા છે. ભ્સ્ત્તાચાર ની સાથે સાથે
      પ્રગતી પણ દેખાય છે. એક વિચાર આવે છે ભૂતકાળ માં ભ્સ્તાચાર વગરનો કોય સમાજ (દેશ) હતો? or in future will there be a society (country) without BHRSTACHAR?

      1. સમય બળવાન છે ! કળિયુગનો જે ખ્યાલ અપાયો છે તેમાં કંઈક તથ્ય તો છે જ. ટકાવારીથી જ કંઈક ખ્યાલ આવે. સતયુગ કે કળીયુગ એ ક્યાંક સાપેક્ષ બાબત લાગે. પણ એને ટકાવારીમાં માપી શકાય તો કંઈક સંતોષ થાય.

        આજે હવે ચોખ્ખાઈની વાત – જળમાં શું કે જીવનમાં શું – કરવામાં જોખમ જ છે. બધે જ ગંદકીનો વ્યાપ થયો છે.

        પણ સવાલ છે તે આઝાદી પછીના સાડા છ દાયકા બાદ પણ જળ, રોટી, કપડા પણ ન મળે ત્યારે શું કહેવું ? મકાનની વાત તો જવા દો, ફુટપાથ ઉપર જીવતર ગુજારતા શ્રમિકોને જોઈને હૈયું બળે…પણ કોણ શું કરી શકે છે ? એક નાનું શહેર વાપરે તેટલી વીજળી મુંબઈના એક મકાનમાં પૈસાદાર ગુજરાતી બહાદુર વાપરી શકે છે ને કરોડો બાળકોને પહેરવા ચડ્ડીય ન હોય ત્યારે કાપડની મીલોનો શો અર્થ કરવો ?

        આ દેશને ગરીબી સદી ગઈ છે. ટીવી પર નર્યું કૃત્રિમ જીવન જીવતાં નટનટીઓના ચીતરી ચડે તેવા ડાન્સ અને પૈસા માટે દેશનો ધજાગરો કરતા રમતવીરોને જોવામાં દિવસો બરબાદ કરનારા યુવાનોને કોણ સમજાવી શકશે ?

        આ દેશને ચોખ્ખું પાણી ન મળે, પૂરતો ખોરાક ન મળે, પહેરવા કપડું ન હોય છતાં લાખોકરોડના ભ્રષ્ટાચાર ઉપલો વર્ગ આચરતો હોય ત્યાં ગરીબોએ કઈ આશાએ જીવવું ? લોકશાહીનું નાટક પુરબહારમાં ખેલાઈ રહ્યું છે. અણ્ણાજીના આંદોલનને ચુંટાયેલા પ્રતિનિધીઓએ કેવી સિફતથી ને બેશરમી–બેરહમીથી કચડી નાખ્યું ?!!

        જળ એ જીવન છે (સંસ્કૃતમાં જળ માટે શબ્દ જીવન છે) પણ જીવનને પાણીમાં નાખી દેનારાને શું કહેશું ?

        આપના ભાવાત્મક પ્રતિભાવને વંદન.

  6. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાઓનો અભાવ/અધૂરપ એ દેખીતી સમસ્યા છે જ. સાથે સાથે શહેરમાં જે પ્રકારે આરોગ્યનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે એ પણ જોખમી જ છે. આર્થિક રીતે ખર્ચાળ તો ખરી જ, પણ ‘આપણે શા માટે ચાન્સ લેવો?’ ના નામે બિનજરૂરી મોંઘી તપાસ અને તેના રીપોર્ટ- અને આમ કરવામાં ‘ગ્રાહક’ ના નહીં પાડે એવી ખાતરી- મતલબ કે ડરાવીને પૈસા પડાવવાનું વલણ ફૂલીફાલી રહ્યું છે.
    મોંઘીદાટ, ફાઈવ સ્ટારનુમા હોસ્પીટલો ખૂલી રહી છે. ત્યાં અઢળક પૈસા ખર્ચાશે એની ગેરંટી છે, યોગ્ય નિદાનની કશી ગેરંટી નથી.
    બિમાર પડવું કોઈ લક્ઝરીથી કમ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: