World health Day

આજે – વિશ્વ આરોગ્ય દિન

આજે વિશ્વ આરોગ્ય દિન છે. ૧૯૪૮ની સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ તે કારણે આજનો દિવસ વિશ્વ આરોગ્ય દિન તરીકે મનાવાય છે. આરોગ્ય જીવનની ગુણવત્તા માટે જરૂરી છે. આરોગ્ય એટલે માત્ર બીમારીનો અભાવ નહીં, પરંતુ બીમારી સામે ટકી શકે એવી શક્તિ આપવાના ઉપાયોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. આરોગ્ય એટલે વ્યક્તિ સામાન્ય કલ્પનામાં આવે એવું જીવન જીવી શકે એટલી શારીરિક અને માનસિક ક્ષમતા.

આજે આપણે આપણા દેશમાં આરોગ્યની સ્થિતિ પર નજર નાખીએ. આ બાબતમાં શું કરવાનું જરૂરી છે તે દરેક નાગરિકે વિચારવાનું છે. આરોગ્ય અને શિક્ષણ, આ બે ક્ષેત્રો એવાં છે કે જે સૌને સ્પર્શે છે. આપણા દેશના રાજકીય પક્ષોના રાજકીય એજન્ડામાં આ બન્ને અતિ આવશ્યક બાબતોને ખરેખર સ્થાન મળ્યું છે કે કેમ એ પણ વિચારવાનો મુદ્દો છે.

નાણાં મંત્રી શ્રી પ્રણવ મુખરજીએ ૨૦૧૨-૧૩ માટેના બજેટમાં આરોગ્ય મંત્રાલયને વધારે રકમ ફાળવી છે. ગયા વર્ષે લગભગ ૨૭ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા તે સામે આ વર્ષે ૩૦ હજાર કરોડ રૂપિયા કરતાં થોડી વધારે રક્મ ફાળવવામાં આવી છે. આમ છતાં ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GDP)ના એક ટકાની આસપાસ જ આરોગ્ય પાછળ સરકાર ખર્ચ કરતી હોય છે. આ આંકડો વધીને ૧૦ ટકા સુધી પહોંચવો જોઇએ. પરંતુ, પહેલા જ તબક્કે આ ખર્ચમાં ત્રણ ગણો વધારો ન થાય તો આરોગ્ય ક્ષેત્રના કોઈ પણ ધ્યેયને પહોંચી વળાય તેમ નથી.સ્વયં આયોજન પંચ પણ ઓછામાં ઓછા બે ટકા વધારાની હિમાયત કરે છે. આમ છતાં, સંસદમાં બજેટ પર ચર્ચા થશે ત્યારે આ બાબત પર કોઈ પણ સભ્ય નાણાં મંત્રીની ટીકા નહીં કરે. જે વધારો કરવામાં આવ્યો છે તેને ગયા વર્ષના ભાવવધારાની સરખામણીમાં મૂકતાં સમજાઈ જાય છે કે આ માત્ર આંકડાની ઇન્દ્રજાળ છે. નાણાકીય આંકડો મોટો હોય તેના પરથી વાસ્તવિક વધારાનો સંકેત ન મળી શકે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકરણની ૪૭મી કલમ પ્રમાણે “લોકોના પૌષ્ટિકતાના સ્તરને અને જીવન ધોરણને ઊંચું લઈ જવું તેને સરકાર પોતાની પ્રાથમિક ફરજ માનશે.” આ માર્ગદર્શક સિદ્ધાંત કેટલી હદે અમલમાં મુકાયો છે તે વિચારવા જેવું છે.

માનવશક્તિની તંગી

ભારતમાં અત્યારનું બિસ્માર જાહેર આરોગ્ય માળખું ટકાવી રાખવું હોય તો પણ હજી બીજા ૬,૦૦,૦૦૦ ડૉક્ટરોની જરૂર છે. ઓછામાં ઓછા ૧૦,૦૦,૦૦૦ નર્સિંગ કર્મચારીઓ હોવા જોઈએ. આ ઉપરાંત લૅબ ટેકનિશિયનો અને એક્સ-રે ટેકનિશિયનો વગેરેની ખેંચ તો અપાર છે અને એની વ્યવસ્થિત મોજણી પણ નથી થઈ. અને કારણે અનધિકૃત લૅબોરેટરીઓની ભરમાર છે.

આપણા દેશમાં ડૉક્ટરો અને નર્સોનું તો રજિસ્ટ્રેશન થાય છે, બીજા મૅડિકલ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરી શકાય એવું વિધેયક આઝાદીના ૬૩ વર્ષ પછી પહેલી વાર રજુ થયું છે! આખી દુનિયામાં, નેપાળ જેવા નાના દેશોમાં પણ આવી વ્યવસ્થા વર્ષોથી છે.

કુપોષણ
દુનિયાના બીજા દેશોમાં કુપોષણની સ્થિતિ પર તુલનાત્મક નજર નાખીએ. “વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ-૨૦૧૦ પ્રમાણે દેશમાં ૪૩.૫ ટકા બાળકોનં વજન જન્મસમયે ઓછું હોય છે. લડાઇગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ૩૨.૫ ટકા, ભૂતાનમાં ૧૨ ટકા, ચીનમાં ૬.૮ ટકા અને બુરુંડી જેવા અલ્પ વિકસિત દેશમાં પણ ૩૮.૯ ટકા બાળકોનં જન્મ સમયે વજન ઓછું હોય છે. પરંતુ૧૯૯૨-૯૩ની સરખામણીમાં તો આ પણ સુધારો છે. એ વખતે ભારતમાં જન્મતાં બાવન ટકા બાળકોનું વજન જન્મ સમયે ઓછું રહેતું.

રોગવિરોધી રસી
ભારતમાં બાળકોનો ભોગ લેનારી મુખ્ય બીમારીઓ, ડિપ્થેરિયા, પોલિયો, ઓરી, મોટી ઉધરસ, ગાલપચોળિયાં વગેરે સામે રસી મૂકવાના કાર્યક્રમમાં સરેરાશ ૬૫-૭૦ ટકા બાળકોને આવરી શકાયાં છે. બીજી બાજુ ઈજિપ્ત અને ચીનમાં આ આંકડો ૯૭ ટકા આસપાસ પહોંચે છે અને અફઘાનિસ્તાનમાં પણ ૮૦ ટકા બાળકોને રોગવિરોધી રક્ષણ મળ્યું છે.

હૉસ્પિટલમાં પથારી
ભારતમાં ૧૦,૦૦૦ની વસ્તી માટે હૉસ્પિટલમાં માત્ર ૯ પથારી છે. બીજી બાજુ ભૂતાનમાં ૧૭ અને ચીનમાં ૩૦ પથારીઓ છે. આપણા બીજા પાડોશી શ્રીલંકામાં ૩૧ પથારીઓ છે.
આમ હૉસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાનું કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ મળે છે.

બાળ મૃત્યુ દર
ભારતમાં પાંચ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં ૫૫ ટકા બાળકોનું મૃત્યુ થાય છે, જ્યારે ચીનમાં આ આંકડો ૨૩ ટકા અને શ્રીલંકામાં ૧૧ ટકા છે.

માથાદીઠ સરકારી ખર્ચ (૨૦૦૭)
સાઓ તોમે નામના દેશે બજેટના ૯.૯ ટકા આરોગ્ય માટે ખર્ચ્યા, ખાનગી ક્ષેત્ર માટે જાણીતા અને પ્રખર મૂડીવાદી દેશ અમેરિકામાં પણ સરકારે પોતાના બજેટની ૬.૯ ટકા રકમ ખર્ચી. ભારતમાં સરકારી ખર્ચ ૦.૯ ટકા હતો. આપણે રાજી થવા માગતા હોઈએ તો એક કારણ છેઃ આપણું ‘દુશ્મન’ પાકિસ્તાન ૦.૩ ટકા સાથે આપણા કરતાં બહુ પાછળ છે. બસ, પાકિસ્તાનને હરાવી દીધું ને?

આજે પણ સામાન્ય નાગરિક આરોગ્ય સંબંધી સેવાઓ માટે દર ૧૦૦ રૂપિયામાંથી ૭૧ રૂપિયા પોતાના ગજવામાંથી ખર્ચે છે!

નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. અમર્ત્ય સેન કહે છે કે દેશમાં સરકાર હૉસ્પિટલો ચલાવે છે, પણ એમાં જે ટેસ્ટ લખી અપાય છે તેના માટે દરદીઓએ બજારમાં જવું પડે છે. પ્રિસ્ક્રિપ્શન તો મફત મળે પણ ખરો ખર્ચ તો ટેસ્ટ માટે થાય છે, એમાં તો સરકારની મદદ નથી મળતી. એટલે હૉસ્પિટલો કરતાં સરકારી લૅબોરેટરીઓની જરૂર અનેક્ગણી છે. આવી સગવડ હોય તો માથાદીઠ ખર્ચમાં ઘટાડો થઈ શકે.

ગ્રામીણ વિસ્તારો
ગામડાંમાં સ્થિતિ વધારે ખરાબ છે. સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રના આખા માળખામાં ગામવાસીઓને કઈં જ સેવા મળતી નથી. સરેરાશ અઢી કિલોમીટરના વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે. ત્યાં ડૉક્ટર ભાગ્યે જ હોય છે. માત્ર દાયણ (ઑક્ઝીલિયરી નર્સ મિડવાઇફ) હોય છે. આરોગ્ય સેવા સાથે ગામવાસીનો આ પહેલો સંપર્ક છે! જાણે ગામડાંમાં પ્ર્ષો બીમાર જ નથી પડતા અને સ્ત્રીઓ માત્ર છોકરાં જણતી હોય છે. સામુદાયિક કેન્દ્ર સરેરાશ ૧૬ કિલોમીટરના વિસ્તારને સેવા આપે છે, પણ ડૉક્ટર કે નર્સ અથવા લૅબ ટેકનિશિયન નથી હોતા! ખાનગી ક્લિનિકો માત્ર શહેરી વિસ્તારોમાં જ હોય છે. નફો ન થાય ત્યાં કોઈ શા માટે પોતાની દુકાન ખોલે?

આપણી જવાબદારી
આમ, સરકાર પર દેશના આરોગ્યની મોટી જવાબદારી છે અને એ આપણી રાજકારણી ચર્ચાઓનો વિષય હોવો જોઇએ. નેતાઓના ખો-ખો કે લંગડી દાવના સમાચારોથી છાપાં ભર્યાં હોય છે તે ટાંકણે આજના વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે મારા મિત્રોના ધ્યાન પર આ મુદ્દો લાવવાનો આ નમ્ર પ્રયાસ છે. આભાર.

%d bloggers like this: