A different Einstein

મિત્રો,

માફ કરશો, ઘણા વખતે મળું છું. કેટલાક અંશે વ્યસ્તતા જવાબદાર છે અને કેટલાક અંશે ટેકનિકલ સમસ્યાઓ. એવું થયું કે મારા ઇનબૉક્સ સિવાય કશું ખોલવું શક્ય જ ન રહ્યું. કોઈ બીજી લિંક કે સાઇટનું ખૂલવું એ મારી મરજીની વાત ન રહી. ખૂલે તો ખૂલે, એની મરજી. કોઈ પ્રયત્ન કરે તેને સમજાય જ નહીં કે આ શું થાય છે. છેવટે, બે-ત્રણ દિવસ પહેલાં ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર બદલ્યો (ખાનગીની જગ્યાએ સરકારી!) ત્યારે કામ ચાલ્યું. વળી ઘણો વખત કઈં લખ્યું ન હોય તો રિધમ પણ તૂટી જાય. ચાલો, કહી દો ને, “દેર આયદ, દુરસ્ત આયદ”!

હવે મૂળ વાત. ‘સાયન્સ રિપોર્ટર’ના ફેબ્રુઆરી ૨૦૧૨ના અંકમાં ડૉ. પરેશ વૈદ્યનો લેખ છપાયો છેઃ Einstein: consistent Scientist & Inconsistent Man. આ અંકનો એ વિશેષ લેખ છે. અહીં એનો સંક્ષિપ્ત ભાવાનુવાદ ‘આઇન્સ્ટાઇનનું બીજું રૂપ’ શીર્ષક હેઠળ રજુ કર્યો છે. ડૉ. વૈદ્ય સવાલ પૂછે છેઃ “આઇન્સ્ટાઇનની નિષ્ઠા મગજમાંથી પ્રગટી કે હૃદયમાંથી?

x0x0x0x0x0x

આઇન્સ્ટાઇનનું બીજું રૂપ?

ડૉ. પરેશ વૈદ્ય

આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૨૦મી સદીના સૌથી તેજસ્વી વૈજ્ઞાનિક હતા. ફોટો-ઇલેક્ટ્રિક ઇફેક્ટનો એમનો સાદો સિદ્ધાંત પાછળથી ક્વૉન્ટમ ફિઝિક્સના વિકાસનો છડીદાર બની રહ્યો. પરંતુ આજે આઇન્સ્ટાઇન પ્રખ્યાત હોય તો એમના સાપેક્ષતાના સિદ્ધાંત માટે. આ સિદ્ધાંત, અને તેમાં પણ સાપેક્ષતાનો સામાન્ય સિદ્ધાંત, બહુ જ અમૂર્ત છે અને આપણા રોજબરોજના જીવન પર એની અસર લગભગ નહિવત્ છે, તેમ છતાં એના જ કારણે એમને અપ્રતિમ ખ્યાતિ મળી એ નવાઈ લાગે તેવી વાત છે. કદાચ એનું કારણ એ કે એમનું બાહ્ય વ્યક્તિત્વ બહુ સાદું હતું અને રહેણીકરણી પણ બહુ સાદી હતી.

૧૯૧૫ પછી, આઇન્સ્ટાઇન વિજ્ઞાન ઉપરાંત સામાજિક-રાજકીય ઘટનાઓ સાથે પણ જોડાયા. તેઓ જન્મથી જર્મન હતા અને એમને એમના જર્મનપણાનો ગર્વ પણ હતો. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું અને એને શરણાગતી જેવી સંધિ કરવી પડી હતી. આઇન્સ્ટાઇનને આ વાતનો રંજ હતો. તેમણે જર્મનીનો પક્ષ સમજાવવા અને એકતા સ્થાપવા માટે યુરોપના દેશોની મુલાકાત લીધી. આઇન્સ્ટાઇન અને બીજાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક માદામ ક્યૂરી ‘લીગ ઑફ નૅશન્સ’ની આંતરરાષ્ટ્રીય સહકાર સમિતિનાં પણ સભ્ય પણ હતાં.
તે પછી ૧૯૨૮થી ૧૯૩૧ દરમિયાન તેઓ ‘વૉર રેઝિસ્ટર્‍’સ ઇંટરનૅશનલ’ના પણ સભ્ય રહ્યા. આ સંગઠન યુવાનોની લશ્કરમાં ફરજિયાત ભરતી કરવાનો વિરોધ કરતું હતું. આજે પણ આ સંગઠન જીવિત છે અને વિશ્વ શાંતિ માટે કામ કરે છે.

આઇન્સ્ટાઇનના જીવનનાં આ પાસાં બહુ જાહેરમાં નથી આવ્યાં, પરંતુ અમુક વાતો બહાર આવી ત્યારે એમના ચાહકો માટે એમની સ્થિરમતિ પુરુષ તરીકેની છાપ સાથે એનો મેળ બેસાડવાનું થોડું મુશ્કેલ બની ગયું. એમની છાપ ઉદારવાદીની હતી, પણ એમનાં કેટલાંક કાર્યો એની સાથે મેળ ખાતાં નહોતાં. એમના સ્વભાવનાં આ કેટલાંક અજાણ્યાં પાસાં હતાં.

આઇન્સ્ટાઇનના પુત્ર હૅન્સ આલ્બર્ટનું ૧૯૮૬માં અવસાન થયું તે પછી સાન ફ્રાન્સિસ્કોની એક બૅંકમાં એમનું લૉકર ખોલવામાં આવ્યું. પુત્રે પિતાનાં જીવનનાં અળખામણાં બને એવાં પાસાં ચાળીસ વર્ષ સુધી ખાનગી રાખ્યાં હતાં. આઇન્સ્ટાઇનના અંગત જીવનને સ્પર્શતા ચારસો પત્રો હતા, પરંતુ, એમાંથી વધારે ધ્યાન ખેંચ્યું, આઇન્સ્ટાઇને એમની પત્ની મિલ્યેવાને લખેલા ૪૧ પત્રો અને મિલ્યેવાએ આઇન્સ્ટાઇનને લખેલા બીજા દસ પત્રોએ.

પહેલી જ વાર એ વાત બહાર આવી કે આઇન્સ્ટાઇન અને મિલ્યેવા પરણ્યાં એ પહેલાં જ એમને એક દીકરી હતી. આ વાત સૌ પહેલાં જર્મનમાં પ્રકાશિત થયેલી મિલ્યેવાની જીવનકથામાં આવી હતી. ૧૯૯૬માં જેરુસલેમમાં આ પત્રો પ્રદર્શિત કરાયા અને તે પછી અમેરિકામાં એનું લીલામ થયું. આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિકને બદલે રાજકારણી હોત તો આ ઘટસ્ફોટ આંધીનું કારણ બન્યો હોત, પણ લોકોના અહોભાવને કારણે આ વાતો ઊછળી નહીં. લીલામ અને એના પગલે થયેલા કોર્ટ કેસોને કારણે થોડી ગરમી આવી ખરી પરંતુ, લગ્ન પહેલાં થયેલી પુત્રી બાબતમાં મીડિયાએ પણ ઉપેક્ષા જ સેવી.

આલ્બર્ટ અને મિલ્યેવા સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝ્યૂરિખની ફેડરલ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજીમાં ભણતાં હતાં ત્યારે પહેલી વાર ૧૮૯૬માં મળ્યાં. મિલ્યેવા મૅડીસિનમાં હતાં તે છોડીને ફિઝિક્સમાં આવ્યાં અને આઇન્સ્ટાઇનના વર્ગમાં જોડાયાં. મિલ્યેવા સર્બિયન હતાં અને આઇન્સ્ટાઇન જર્મનીના યહૂદી. બન્ને વચ્ચે ઘનિષ્ઠતા હોવાનું દર્શાવતો પહેલો પત્ર મિલ્યેવાએ ૧૮૯૭માં લખ્યો હતો. એમણે પોતાના પિતાને આઇન્સ્ટાઇન સાથેના સંબંધની વાત કરી હતી. એમણે લખ્યું કે એમના પિતા આઇન્સ્ટાઇનને મળવા જર્મની આવશે. આઇન્સ્ટાઇને આનો શો જવાબ આપ્યો તે ખબર નથી, કારણ કે એમનો પહેલો પત્ર ફેબ્રુઆરી ૧૮૯૮નો છે. એમાં એમણે મિલ્યેવાને ‘રિસ્પેક્ટેડ મિસ’ એમ સંબોધન કરેલું છે! જો કે તે પછી એ વધારે અનૌપચારિક બનતા ગયા અને ‘રિસ્પેક્ટેડ મિસ’માંથી પહેલાં ‘ડિયર મિસ મૅરિખ’ પર આવ્યા અને પછી તો ખરા પ્રેમીને છાજે એમ “લિટલ કૅટ” અને “ડિયર લિટલ ડૉલ” પર આવી ગયા!

(આઇન્સ્ટાઇન અને મિલ્યેવા)

આઇન્સ્ટાઇનનાં લગ્ન માટે એમનાં મા તૈયાર જ નહોતાં. માએ તો કાગારોળ મચાવી દીધી. બીજી બાજુ પિતા તૈયાર તો હતા, પણ એમનું કહેવું હતું કે છોકરો પહેલાં નોકરીએ લાગે; લગ્ન તે પછી જ થઈ શકે. પિતાની વાત કદાચ સાચી હતી, કારણ કે એ વખતે દીકરો માત્ર ૨૧ વર્ષનો હતો. પરંતુ, આઇન્સ્ટાઇન અને મિલ્યેવા તો પ્રેમના મહાસાગરમાં ગળાડૂબ હતાં. કોઈ પણ સામાન્ય માણસની જેમ જ આઇન્સ્ટાઇન લખે છે કે ” તું મારી પાસે નથી હોતી ત્યારે મને લાગે છે કે હું જીવતો જ નથી”. આ મોહ અંતે જાન્યુઆરી ૧૯૦૨માં પુત્રીના જન્મમાં પરિણમ્યો. એમણે એનું નામ લીઝર્લ રાખ્યું. એક વર્ષ પછી, ૧૯૦૩ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ આલ્બર્ટ અને મિલ્યેવા લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. જો કે દીકરી એ વખતે એમની સાથે નહોતી. લીઝર્લનો ઉલ્લેખ મિલ્યેવા પિયર હતાં ત્યારે એમણે આઇન્સ્ટાઇને લખેલા પત્રમાં છે. એ વખતે એમના લગ્નને ત્રણ મહિના થઈ ગયા હતા. બસ, તે પછી, લીઝર્લનું ક્યાંય નામ પણ નથી આવતું. ચરિત્રલેખકો લીઝર્લને ખોળી કાઢવામાં સફળ નથી થયા.

આમ છતાં નોંધવા જેવું તો એ છે કે આ બધા વચ્ચે પણ અભ્યાસ અને સંશોધન પરથી એમનું ધ્યાન જરા પણ ચલિત ન થયું. એટલું જ નહીં, સાપેક્ષતા વિશે વિચારવાનું પણ એમણે આ જ સમયગાળામાં શરૂ કર્યું. લગ્ન પછી માત્ર ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, ૧૯૦૫માં, એમનો સાપેક્ષતાનો વિશેષ સિદ્ધાંત (Special Theory of Relativity) પ્રસિદ્ધ થયો. આ સિદ્ધાંત એક પ્રખર કલ્પનાશીલ સર્જક પ્રતિભાનાં દર્શન કરાવે છે. એ જ વર્ષે એમના બીજા બે અભ્યાસપત્રો પણ પ્રકાશિત થયા. દુનિયાએ ૨૦૦૫માં એ ‘ચમત્કારિક વર્ષ’ની શતાબ્દી ઊજવી.

જુવાનિયો લપસી પડે તે તો માફ કરી દઈએ, પણ પ્રેમભર્યા લગ્નજીવનની નાવ ૧૯૧૪માં જ ખરાબે ચડી ગઈ, એને શી રીતે વાજબી ઠરાવી શકીશું? ૧૯૧૪માં આઇન્સ્ટાઇન મિલ્યેવાથી અલગ થઈ ગયા અને ૧૯૧૯માં છૂટાછેડા પર કાનૂનની મહોર લાગી ગઈ. ૧૯૯૬માં લીલામ થયેલા પત્રોમાં એક હાથે લખેલી નોંધ પણ હતી, જે દેખાડે છે કે આઇન્સ્ટાઇન શિરજોર પતિ હતા. નોંધમાં એમણે મિલ્યેવા માટે નિયમો ઘડ્યા છેઃ એણે એમનાં કપડાં ધોઈ, સંકેલીને રાખવાં પડશે; દિવસમાં ત્રણ ટંક ભોજન બનાવવું પડશેઃ પત્નીએ એવી આશા ન રાખવી કે પોતે એના ભેગા બહાર ફરવા કે હળવામળવા જશે. આઇન્સ્ટાઇને એ પણ તાકીદ કરી કે મારો રૂમ તો સાફ કરવો પણ મારા ટેબલ પરના કાગળોને મારા સિવાય કોઈ હાથ અડકાડી નહીં શકે એ ધ્યાનમાં રાખવું. આવી ઘણી વાતો નોંધમાં છે.

આ માત્ર આઇન્સ્ટાઇનના રમૂજી સ્વભાવનો પુરાવો છે કે પતિ-પત્ની વચ્ચે કથળેલા સંબંધોનો પુરાવો, એ બાબતમાં એક મત નથી. પરંતુ ૧૯૧૪ની ઘટના એવો સંકેત આપે છે કે એ ટીખળ નહોતું. મિલ્યેવા આ નોંધ પછી થોડા જ વખતમાં બે પુત્રોને લઈને બર્લિનથી ઝ્યૂરિખ ચાલ્યાં ગયાં હતાં. એમનાં લગ્ન કેમ પડી ભાંગ્યાં એ વિમાસણમાં નાખી દે તેવું છે. મિલ્યેવા બુદ્ધિશાળી અને સાલસ સ્વભાવનાં હતાં. પગ થોડો લંગડાતો હતો, પણ એને કારણે આઇન્સ્ટાઇનને અણગમો થયો હોય એવું જણાતું નથી.

(આઇન્સ્ટાઇન અને મિલ્યેવાની માર્કશીટ)

કદાચ વિજ્ઞાનના ક્ષેત્રમાં એ એટલા ડૂબેલા હતા કે કુટુંબજીવન એમને ફાવ્યું નહીં. અસાધારણ સિદ્ધિ મેળવવા માટે લોકો બધું છોડીને માત્ર એક લક્ષ્ય પર અર્જુનની જેમ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. આઇન્સ્ટાઇનના પુત્ર હૅન્સે પણ એક રેડિયો વાર્તાલાપમાં આવો જ સંકેત આપ્યો હતો.

બીજી બાજુ, આઇન્સ્ટાઇનના શિષ્ય અને એમના પ્રીતિપાત્ર અબ્રાહમ પેઝે આઇન્સ્ટાઇનનું જીવન ચરિત્ર લખ્યું છે તેમાં કહ્યું છે કે આ અરસામાં આઇન્સ્ટાઇન બીજી એક સ્ત્રી તરફ ઢળવા લાગ્યા હતા. એ શારીરિક પ્રેમ કરતાં તો સ્નેહ વધારે હતો. એલ્સા એમનાં કઝિન હતાં. ૧૯૧૭માં આઇન્સ્ટાઇનને કમળો થયો ત્યારે એલ્સાએ એમની બરાબર ચાકરી કરી હતી. બે વર્ષ પછી, ૧૯૧૯માં મિલ્યેવાને છૂટાછેડા આપ્યા પછી આઇન્સ્ટાઇન એમને પરણ્યા. છૂટાછેડાના કેસમાં કોર્ટે એવો આદેશ આપ્યો કે આઇન્સ્ટાઇનને મળેલા નોબેલ પુરસ્કારના પૈસા મિલ્યેવા અને એમના બે પુત્રોને મળે.

 (આઇન્સ્ટાઇન અને એલ્સા)

૧૯૩૬માં એલ્સાનું મૃત્યુ થયું ત્યાં સુધી આઇન્સ્ટાઇન અને એલ્સાનો ઘરસંસાર ટકી રહ્યો. પરંતુ, હૅન્સ કહે છે તેમ. આ ગાળા દરમિયાન પણ મિલ્યેવા સાથે એમના સંબંધો સદ્‍ભાવપૂર્ણ રહ્યા. જો કે, પિતાને લખેલા એક પત્રમાં એમણે આક્ષેપ કર્યો છે કે એમણે એમની માતા મિલ્યેવાની દરકાર ન રાખી. બીજી બાજુ, પેઝ કહે છે કે બીજાં લગ્ન પછી પણ આઇન્સ્ટાઇન કોઈ ત્રીજી સ્ત્રીના ચક્કરમાં પડ્યા હતા!

અંગત જીવનના આ વિવાદાસ્પદ વ્યવહાર સિવાય આઇન્સ્ટાઇનના સાર્વજનિક જીવન વિશે પણ વિવાદ ઊભો થયો છે. ૧૯૫૦માં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા પહેલા અણુ બોમ્બ વિશેના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા. એમાં આઇન્સ્ટાઇને ૧૯૩૯માં અમેરિકી રાષ્ટ્રપતિને લખેલો એક પત્ર પણ છે. ખરેખર તો આ વિષય પર એમણે ત્રણ પત્ર લખ્યા હતા. પહેલા પત્રમાં એમણે અમેરિકી રાષ્ટ્રપતિને ‘સુપર બોમ્બ’ બનાવવા માટે કામ શરૂ કરવા આગ્રહ કર્યો છે; બીજો પત્ર એ જ મુદાની યાદી આપવા માટે લખાયેલો છે. પરંતુ ત્રીજા પત્રમાં એમણે આ બોમ્બ કોઈ પણ જગ્યાએ ન વાપરવાની સલાહ આપી છે, કારણ કે બોમ્બ ફેંકવાથી અકલ્પનીય વિનાશક શક્તિ પેદા થશે એ વાત એમને સમજાઈ ચૂકી હતી.

ખરેખર તો આ પત્રોના પ્રેરક બીજા એક વૈજ્ઞાનિક શિલર્ડ હતા અને આઇન્સ્ટાઇને તો એના પર માત્ર સહી કરી દીધી હોવાનું મનાય છે. છેલ્લા પત્રનું મહત્વ નથી, કારણ કે પત્ર પહોંચે તે પહેલાં જ રાષ્ટ્રપતિનું અવસાન થઈ ગયું હતું. પરંતુ, પહેલો પત્ર મહત્વનો છે કેમ કે એ છેક ૧૯૩૯માં લખેલો છે અને એ વખતે વ્યવહારમાં કોઈ જાણતું પણ નહોતું કે યુરેનિયમમાં શૃંખલાબંધ પ્રતિક્રિયાઓ (Chain reactions) થઈ શકે છે. આ પત્ર પછી ત્રણ વર્ષે એનરિકો ફર્મીએ વ્યવહારમાં પણ એ સાબીત કરી આપ્યું. આમ, વ્યાવહારિક પુરાવાનો અભાવ હોવા છતાં આઇન્સ્ટાઇને આ પત્ર મોકલ્યો કારણ કે તેઓ પણ બીજા લોકોની જેમ માનતા હતા કે જર્મની કદાચ એ દિશામાં આગળ કામ કરે છે અને અમેરિકાથી પહેલાં એને બોમ્બ બનાવવામાં સફળતા ન મળવી જોઈએ. એ સમયના સૌથી માનનીય વૈજ્ઞાનિક્ના પત્ર પર બરાબર જ ધ્યાન અપાયું, પરંતુ એનાં માઠાં ફળો જાપાનીઓને ભોગવવાં પડ્યાં અને આખી દુનિયાનું રાજકારણ બદલાઈ ગયું.

લિયો શિલર્ડ પણ યહૂદી હતા અને એ જ કારણે એમને યુદ્ધ દરમિયાન જુદા જુદા ત્રણ દેશોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. એમણે કષ્ટો વેઠ્યાં હતાં અને જર્મની બોમ્બ બનાવી લેશે તો શું થશે, તે સમજી શક્તા હતા. પરંતુ આઇન્સ્ટાઇન તો પહેલા વિશ્વયુદ્ધ પછીના સમયથી જ બહુ સક્રિય શાંતિવાદી હતા! ૧૯૩૦માં એમણે લખ્યું હતું કે ” જે લોકો બૅન્ડની ધુન પર કદમતાલ કરતા ચાલતા હોય છે તેમના માટે મારા મનમાં તિરસ્કાર સિવાય બીજો કોઈ ભાવ પેદા થતો નથી. એક વાત પાકી, કે આ લોકોને માત્ર ભૂલથી સમર્થ મગજ મળ્યાં છે; એમનું કામ તો કરોડરજ્જુથી પણ ચાલી જાત!”.

આઇન્સ્ટાઇનને ‘રાષ્ટ્રવાદ’ની વિભાવના પણ પસંદ નહોતી. તેઓ ‘ સર્વરાષ્ટ્રવાદ’ના સમર્થક હતા. એમનું કહેવું હતું કે યુદ્ધનું જોખમ ઓછું થશે તો દેશો દેશો વચ્ચેની સરહદો પણ ભુંસાઈ જશે. આવું માનનારા આઇન્સ્ટાઇન બોમ્બ બનાવવાનો આગ્રહ કરતો પત્ર લખે એનો ખુલાસો શો કરવો?

જર્મનીમાં યહૂદીઓની જે દશા હતી એનો પડઘો આ પત્રમાં છે. આઇન્સ્ટાઇનને ૧૯૨૧માં નોબેલ પુરસ્કાર મળ્યો તે વખતથી જ નાઝીઓએ એમને ઉતારી પાડવા માટે કમર કસી લીધી હતી. જો કે ફિઝિક્સમાં તેઓ જે પદો પર ટકી રહ્યા તે અનેક જાતની વિટંબણાઓની વચ્ચે. એમના સાપેક્ષતાના સિદ્ધાંતને પણ નાઝીઓએ ‘યહૂદી તુક્કો’ ગણાવ્યો. આઇન્સ્ટાઇને એમના ૧૭મી એપ્રિલ ૧૯૨૭ના પત્રમાં આનો સંકેત આપતાં લખ્યું છેઃ ” વિચિત્ર માણસો છે, આ જર્મનો. એમને મન હું ગંધાતું ફૂલ છું, પણ મને એમના કોટના બટનના કાંસમાં ભેરવી રાખે છે!” તેઓ બહાર હતા ત્યારે એમના ઘરમાં ઘુસી જઈને નાઝીઓએ બધું ખેદાનમેદાન કરી નાખ્યું હતું. એમના બિનયહૂદી વિદ્યાર્થીઓ પણ નાઝીઓના નિશાને ચડ્યા. પ્રખ્યાત વૈજ્ઞાનિક હિઝેનબર્ગ મૂળ જર્મન હતા પણ આઇન્સ્ટાઇનના વિદ્યાર્થી હોવાથી નાઝીઓ એમને ‘શ્વેત યહૂદી’ તરીકે ઓળખાવતા અને ઘણા વખત સુધી યુનિવર્સિટીમાં એમની પ્રતિભાને છાજે એવો હોદ્દો મળ્યો નહીં.

હિટલર સત્તા પર આવ્યો તે પછી તો જર્મનીમાં રહેવું આઇન્સ્ટાઇન માટે વસમું થઈ પડ્યું અને એમને અમેરિકામાં વસવું પડ્યું. આમ છતાં તેઓ મનથી જર્મન જ રહ્યા. તેઓ બોલતા કે લખતા માત્ર જર્મનમાં જ. એમના ક્રાન્તિકારી વૈજ્ઞાનિક અભ્યાસપત્રો પણ પહેલાં જર્મન ભાષાનાં વૈજ્ઞાનિક સામયિકોમાં જ પ્રકાશિત થયા અને અંગ્રેજીમાં તો પાછળથી અનુવાદ થયો છે. અરે, રૂઝવેલ્ટને એમણે બોમ્બ બનાવવાની વિનંતિ કરતો પત્ર લખ્યો તે પણ એમણે મૂળ જર્મનમાં જ લખાવ્યો હતો, બીજા એક વૈજ્ઞાનિક વિગ્નરે એનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપ્યો.

(આઇન્સ્ટાઇને રુઝવેલ્ટને પત્ર લખીને અણુબોમ્બ બનાવવા અપીલ કરી)

પરંતુ, એક ‘વૉર રેઝિસ્ટર’ તરીકે યુદ્ધને લગતા કોઈ કામમાં સહકાર ન આપવાના વચનથી એ બંધાયેલા હતા! આ જોતાં એમણે રુઝવેલ્ટને મહાવિનાશકારી બોમ્બ બનાવવાની અપીલ કરી તેનો અર્થ શો કરવો? એમને જાણનારા સૌને અચંબો થયો. કેટલાકે તો એમ પણ કહ્યું કે અમે આઇન્સ્ટાઇનને બરાબર ઓળખીએ છીએ અને તેઓ આવું કરે એમાં કઈં નવાઇ નથી. ફ્રેન્ચ સાહિત્યકાર અને ચિંતક રોમ્યાં રોલાંએ તો પોતાની અંગત ડાયરીમાં આવા જ એક પ્રસંગના અનુસંધાનમાં આઇન્સ્ટાઇન વિશે લખ્યું હતું: “એક વાત સ્પષ્ટ છે કે આઇન્સ્ટાઇન વિજ્ઞાનમાં બહુ પ્રતિભાશાળી છે, પણ વિજ્ઞાનની બહાર નબળા, ઢચુપચુ અને તરંગી છે. મને કેટલીયે વાર એવું લાગ્યું છે.”

રોમ્યાં રોલાં જે જાણતા હતા તે દુનિયા જાણતી નહોતી. લોકો તો એમની બાલસુલભ સરળતાને કારણે એમને ચાહતા હતા. જર્મની વિરુદ્ધના યુદ્ધની તરફેણમાં એમનો યુગાંતરકારી પત્ર પ્રકાશમાં આવ્યો ત્યારે જ લોકોને એમના બીજા પાસાની જાણ થઈ. જાપાનના શાંતિવાદી શિનાહારાએ લખ્યું કે ‘મને ઘણી વાર વિચાર આવે છે કે ગાંધી આઇન્સ્ટાઇનની જગ્યાએ હોત તો એમણે શું કર્યું હોત? ગાંધીએ આઇન્સ્ટાઇન જેમ ન કર્યું હોત.” એમણે આઇન્સ્ટાઇનને એ પત્રને ‘દુઃખદ ભૂલ’ તરીકે જાહેર કરવા વિનંતિ કરી. શિનાહારાનું અવલોકન સાચું છે. ગાંધીજીની નિષ્ઠા હૃદયમાંથી પ્રગટતી હતી.

આઇન્સ્ટાઇનની સાર્વજનિક તસવીર અને એમનાં અમુક કાર્યો વચ્ચેના અંતરનો કોયડો ઉકેલવાની ચાવી પણ એમાં જ છે. એમના મિલ્યેવા સાથેના સંબંધો અને વિચ્છેદ, શાંતિ માટેનો એમનો આગ્રહ, આ બધું મગજમાંથી પ્રગટ્યું હતું, હૃદયમાંથી નહીં. એટલેસ્તો, એ પોતાનાં કાર્યોને વાજબી ઠરાવવા સચોટ તર્ક રજુ કરી શકતા હતા. આખરે તો વૈજ્ઞાનિક હતા ને!

ડૉ. પરેશ વૈદ્ય,
ઇ-મેઇલઃ prvaidya@gmail.com

 (બધી તસવીરો  આભારસહિત નીચે આપેલી લિંક્સ પરથી મેળવી છે.

http://www.freakingnews.com/Two-Faced-Celebrities-Pictures—1898.asp

https://www.google.co.in/search?tbm=isch&hl=en&source=hp&biw=1163&bih=562&q=albert+einstein+mileva+maric&gbv=2&oq=Einstein+mileva&aq=0m&aqi=g-m1g-S2&aql=1&gs_l=img.1.0.0i5j0i24l2.2542l131

https://www.google.co.in/search?tbm=isch&hl=en&source=hp&biw=1163&bih=562&q=albert+einstein+mileva+maric&gbv=2&oq=Einstein+mileva&aq=0m&aqi=g-m1g-S2&aql=1&

36 thoughts on “A different Einstein”

 1. ત–“મારી બારી” પરથી ઝાંખવા મળેલો સરસ લેખ !

  ઘણા મહાનુભાવોના અંગત જીવનમાં આ બાબત જાણે અ–નીવાર્યશી હોય છે ! “દરેક સફળ પુરુષની પૃષ્ઠભૂ કોઈ (પર)નારી વડે છવાયેલી (કે શોભતી ?!) હોય છે” એમ કહી શકાય ?

  ઘણે સમયે તમને મળવાનું થયું તેનોય આનંદ ઓછો તો નથી જ.

 2. ગઈ કાલે જ એન્રિકો ફર્મીનું જીવન ચરિત્ર વાંચ્યું . અને આજે આ લેખ.
  આઈન્સ્ટાઈન,પૌલી, ફર્મી, ડિરાક, ઓપન હાઈમર, બોર્‍હ … કેટકેટલા સંશોધકોના નામ યાદ કરીએ?
  એમનાં અંગત જીવન સાથે આપણને કશી લેવા દેવા હોવી ન ઘટે. છેલ્લા ૨૦૦ વર્ષમાં માનવજાતે જે હરણફાળ ભરી છે- એના પાયામાં આવા હજારો સંશોધકો છે. એમના પ્રદાનના આપણે ઋણી છીએ. એમાં મારા જેવાના વ્યવસાયી બંધુ – ઈજનેરો પણ છે. કદીક ઔદ્યોગિક ક્રાંતિની વાત પણ લખજો. એના થકી આપણી જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જ.
  ————–
  ઘણા વખતે .. પણ આવ્યા – તે ગમ્યું . આવતા રહેજો.

 3. 10 Amazing Lessons from Albert Einstein:

  1. Follow Your Curiosity

  “I have no special talent. I am only passionately curious.”

  What piques your curiosity? I am curious as to what causes one person to succeed while another person fails; this is why I’ve spent years studying success. What are you most curious about? The pursuit of your curiosity is the secret to your success.

  2. Perseverance is Priceless

  “It’s not that I’m so smart; it’s just that I stay with problems longer.”

  Through perseverance the turtle reached the ark. Are you willing to persevere until you get to your intended destination? They say the entire value of the postage stamp consist in its ability to stick to something until it gets there. Be like the postage stamp; finish the race that you’ve started!

  3. Focus on the Present

  “Any man who can drive safely while kissing a pretty girl is simply not giving the kiss the attention it deserves.”

  My father always says you cannot ride two horses at the same time. I like to say, you can do anything, but not everything. Learn to be present where you are; give your all to whatever you’re currently doing.

  Focused energy is power, and it’s the difference between success and failure.

  4. The Imagination is Powerful

  “Imagination is everything. It is the preview of life’s coming attractions. Imagination is more important than knowledge.”

  Are you using your imagination daily? Einstein said the imagination is more important than knowledge! Your imagination pre-plays your future. Einstein went on to say, “The true sign of intelligence is not knowledge, but imagination.” Are you exercising your “imagination muscles” daily, don’t let something as powerful as your imagination lie dormant.

  5. Make Mistakes

  “A person who never made a mistake never tried anything new.”

  Never be afraid of making a mistake. A mistake is not a failure. Mistakes can make you better, smarter and faster, if you utilize them properly. Discover the power of making mistakes. I’ve said this before, and I’ll say it again, if you want to succeed, triple the amount of mistakes that you make.

  6. Live in the Moment

  “I never think of the future – it comes soon enough.”

  The only way to properly address your future is to be as present as possible “in the present.”

  You cannot “presently” change yesterday or tomorrow, so it’s of supreme importance that you dedicate all of your efforts to “right now.” It’s the only time that matters, it’s the only time there is.

  7. Create Value

  “Strive not to be a success, but rather to be of value.”

  Don’t waste your time trying to be successful, spend your time creating value. If you’re valuable, then you will attract success.

  Discover the talents and gifts that you possess, learn how to offer those talents and gifts in a way that most benefits others.

  Labor to be valuable and success will chase you down.

  8. Don’t Expect Different Results

  “Insanity: doing the same thing over and over again and expecting different results.”

  You can’t keep doing the same thing everyday and expect different results. In other words, you can’t keep doing the same workout routine and expect to look differently. In order for your life to change, you must change, to the degree that you change your actions and your thinking is to the degree that your life will change.

  9. Knowledge Comes From Experience

  “Information is not knowledge. The only source of knowledge is experience.”

  Knowledge comes from experience. You can discuss a task, but discussion will only give you a philosophical understanding of it; you must experience the task first hand to “know it.” What’s the lesson? Get experience! Don’t spend your time hiding behind speculative information, go out there and do it, and you will have gained priceless knowledge.

  10. Learn the Rules and Then Play Better

  “You have to learn the rules of the game. And then you have to play better than anyone else.”

  To put it all in simple terms, there are two things that you must do. The first thing you must do is to learn the rules of the game that you’re playing. It doesn’t sound exciting, but it’s vital. Secondly, you must commit to play the game better than anyone else. If you can do these two things, success will be yours

 4. મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે દરેક વ્યક્તિત્વની ત્રણ બાજૂઓ હોય છેઃ જાહેર,ખાનગી અને અંગત .
  ‘જાહેર’ બાજૂ એ છે જે વ્યક્તિ અન્ય સાથે વહેંચે છે – પોતાની સ્વાભાવિક લાક્ષણીકતાઓને એક મર્યાદામાં જાહેર થવા દીધેલ હોય, અથવા તો તેના અન્યો સાથેના સંબંધો અને વ્યવહારોને કારણે જે આપોઆપ પ્રસિધ્ધ થઇ ગયેલ હોય. તથાકથિત જાહેર જીવનમાં પડેલ વ્યક્તિઓ કોઇ વાર પોતાને સાનુકુળ હોય તેવી વાતોથી પોતાનાં જાહેર ચિત્રને એક આગવો ઑપ પણ આપતા હોય છે. તો વળી આવી વ્યક્તિઓ પોતાની જે વાત ખાનગી રાખાવા માગે તેને બીજાં જાહેરમાં લાવવા માટે આકાશ પાતાળ પણ એક કરી નાખતા હોય છે.ઘણા લોકોનું જાહેરજીવન એવું નીંભરું હોય છે કે ડાઘ લાગે તો પૈસા પાછા, તો ઘણા લોકોનું જાહેર જીવન કોઇ પણ જાતના અંતરાય વગર આરપાર જોઇ શકાય તેવું પણ હોય છે.
  ‘ખાનગી’ બાજૂ એ છે જે વ્યક્તિએ પોતે, જાણે અજાણે, દોરેલી મર્યાદારેખા છે જેમાં બહુ થોડાં લોકોને જ આવવા જવાની છૂટ હોય છે.બીજા શબ્દોમાં વ્યક્તિની ખાનગી બાજૂ તે તેની જાહેર બાજૂની પૂરક ગણી શકાય. કોઇકોઇ આ મર્યાદા રેખાને લક્ષ્મણ રેખા જેવી અનુલ્લંઘનીય પણ ગણતા હોય છે અને તે અનુલ્લંઘનીયતાને જાળવી રાખવા ચીનની દિવાલ જેવી આડશો પણ ઉભી કરતા હોય છે. તો કોઇનું જીવન ખુલ્લી કિતાબ જેવું નિર્મળ હોય છે.
  પરંતુ દરેક વ્યક્તિને અચૂક ‘અંગત’ બાજૂ હોય જ છે, તે માત્ર અને માત્ર તે વ્યક્તિની એકલાંની જ છે.આ એવી લાક્ષણિકતાઓ છે જે મહદ અંશે આનુવંશીક હોય છે અને તેને બહાર આવવા માટે ખાસ સંજોગોનું હોવું જરૂરી બની જતું હોય છે. હા, એવું જરૂર બને કે આમ પ્રસંગોપાત બહાર આવેલી લાક્ષણિકતાને ‘ખાનગી’ કે જાહેર’ ક્ષેત્રમાં મુકવી તે વ્યક્તિનો ક્યાં તો સભાન નિર્ણય હોય કે પછી તે પણ તેની નૈસર્ગીક આનુવંશીય ખૂબી હોય.
  આમ આઇનસ્ટાઇનને પણ આવી ખાનગી કે અંગત બાજૂઓ તો હોય જ. આઇનસ્ટાઇન જેવી વ્યક્તિઓની આ બાજૂઓને જાણવી તેને રસપ્રદ ચર્ચા કહેવાય જ્યારે મારા તમારા જેવાની આવી વાતો જાણવાને પંચાત કહેવાય.
  શ્રી પરેશભાઇ તો આવા લેખો દ્વારા આપણને વિજ્ઞાન જગતની આવી ખાસ સફર કરાવતા જ હોય છે, પરંતુ તેમની સફરનાં આલેખનને દીપક્ભાઇના આગવા સંક્ષિપ્ત અનુવાદને માણવાની પણ તક મળી ગઇ.
  ‘pragnaju’એ મૂકેલ આઇનસ્ટાઇન સૂત્રોને પણ ગુજરાતીમાં અનુવાદ કરીને ઇન્ટરનૅટ પર પ્રસિધ્ધ કરીશ તેમ પણ અત્રે નોંધ કરૂં છું.

 5. સરસ લેખ, આઈન્સ્ટાઈન સફળ વૈજ્ઞાનિક હતા, સફળ પિતા નહિ. મેં એમના વિષે એક આખી ડોક્યુમેન્ટરી જોઈ હતી. એમાંની તમામ વાતો અહીં આવરી લેવાઈ છે. ધન્યવાદ.

 6. આઇન્શ્ટાઇન સિક્કાની બન્ને બાજુનો ઉત્તમ ચિતાર વાંચવા મળ્યો અને જેકલ-હાઈડ જેવૂ લાગ્યું.

 7. થોડા દિવસ પહેલા જ વડિલ શ્રી. ભૂપેન્દ્રસિંહજી સાથે હળવી મજાક રૂપે થયેલી વાત યાદ આવે છે, જેમાં તેમણે કહ્યું હતું કે બાપુઓ તો સ્પેર વ્હિલ રાખવા માટે ટેવાયેલા જ હોય છે. આ જ વાત પર ગંભિરતાથી વિચારીએ તો તેનો વ્યાપ બાપુઓથી આગળ વધીને લગભગ દરેક પબ્લિક ફિગર સુધી પહેંચે છે. હવે તેમાં સારું કે નરસું શોધવું અને નક્કી કરવું એ આપણી લાયકાત નથી, પણ એક પ્રશ્ન તો ઉદ્ભવે છે જ કે, એવું તે શું હોય છે આ ‘જાહેર જીવન’માં કે વ્યક્તિ પોતાની પત્ની સિવાય અન્ય તરફ આકર્ષાતો રહે છે? અને નેતાથી લઈ અભિનેતા સુધી, વૈજ્ઞાનિકથી લઈ વિચારકો સુધી હર ક્ષેત્રમાં આવા સ્વસ્ત્રીનો ત્યાગ અને પરસ્ત્રીગમનના ઉદાહરણો નીકળી જ આવે છે? શું પોતાનું નામ લોકપ્રિય થવાથી પોતાની સ્ત્રીને ત્યજવું આવશ્યક થઈ જતું હોય છે? કે પછી તેમનામાં મોહી પડતી સ્ત્રીઓ કરતા પણ આ મોટી વ્યક્તિઓ નબળું ચરિત્ર ધરાવતી હશે? આ કોઇ આઇન્સ્ટાઇન કે અન્ય વ્યક્તિ પર દોષારોપણ નથી, પણ એક સહજ સવાલ છે.

  1. તમારી વાત સાચી છે. ખરેખર તો માણસનો વિકાસ એક દિશામાં થાય ત્યારે બીજી દિશામાં કઈંક ઓછપ રહી જાય છે. ડૉ. પરેશ વૈદ્યનો સવાલ જ એ છે કે આઇન્સ્ટાઇનની નિષ્ઠા મગજમાંથી ઉદ્‍ભવી હતી કે હૃદયમાંથી. એટલે શક્ય છે કે હૃદયના ગુણો પૂરતા વિકસ્યા ન હોય. વળી, આપણા ભારતીય માનસને જે બહુ મોટી વાત લાગે તે પશ્ચિમી જગતમાં એવી મોટી વાત નથી.

   પંડિત રવિશંકરની અત્યારે ચોથી પત્ની છે. સૌ પહેલાં એમના ગુરુ અલ્લાઉદ્દીન ખાન સાહેબની પુત્રી અન્નપૂર્ણાને પરણ્યા અને એક સમારંભમાં પત્નીનાં વધારે વખાણ થયાં તો એમણે ઘરે જઈને પત્નીનો જમણા હાથનો અંગૂઠો જ તોડી નાખ્યો!

   ફિરાક ગોરખપુરી પત્નીને એટલી હદે ધિક્કારતા કે એ બિચારી એમના મહેમાનો માટે ચા બનાવી લાવે તો પણ બહાર ન આવે. બારણાં પાછળ ઊભી રહે. પતિને મોઢું પણ ન દેખાડે. ફિરાક પોતે અંગ્રેજીના પ્રોફેસર અને ખ્યાતનામ શાયર. સંગીત અને કાવ્ય તો હૃદયના જ ગુણ ગણાય ને? તો એમનું આ વર્તન ક્યાંથી આવ્યું?

   આ બે ઘટનાઓની સરખામણીમાં પશ્ચિમી દેશોના નામાંકિત લોકો તો માત્ર છૂટાછેડા લેતા હોય છે!

   સ્ત્રીને સમાજે સંપત્તિ માની છે. બાપુઓ જેમ પ્રદેશ એકઠો કરતા તેમ સ્ત્રીઓ પણ એકઠી કરતા. જમીન અને જોરુ વધારે તેમ પ્રતિષ્ઠા વધારે! ભૂપેન્દ્રસિંહભાઈને આ ‘અધિકાર’ ગયાનો અફસોસ નહીં જ હોય!

   1. બરોબર છે ભાઈ, પણ આવો રોગ નામાંકિત વ્યક્તિઓને જ કેમ લાગુ પડે છે? અને હા, વ્યભિચાર વગેરે શબ્દો આપણે જ ઉત્પન્ન કર્યા છે, એટલે જ મેં કહ્યું કે તેમાં શું સારું કે શું ખરાબ તે આપણે જજ ના કરી શકીએ. રહી વાત ઉત્ક્રાંતિની, તો માણસ સભ્ય બન્યો એ સાથે સાથે આ એક લક્ષણ કેમ ના વિકસ્યું? આપણે કાચું માંસ ખાતા બંધ થયા, નાગા ફરતા બંધ થયા, પરણીને ઠરીઠામ થતાં થયાં, તો પછી આ એક બાબતમાં એ જ મૂળ લક્ષણનો સહારો લઈને કેમ બચતા રહેવું?

   2. સાચી વાત છે કે “સ્ત્રીને સમાજે સંપત્તિ માની છે” પણ શું સ્ત્રીઓ પણ ક્યારેક સમાજની આ નબળાઈનો ફાયદો નથી ઉઠાવતી? કોઈ એનું શોષણ કરે તો બરોબર છે, પણ અહિં તો સ્ત્રીઓ સામે ચાલીને (ભૂપેન્દ્રભાઈએ સમજાવેલી થિયરી મુજબ) શ્રેષ્ઠને પામવાને બધું કરી છૂટતી હોય છે. જે આઇન્સ્ટાઇને પોતાની પત્નીને તરછોડી તેનો ત્યાગ અન્ય સ્ત્રીઓએ પણ કરવો જોઈતો હતો, પણ તેને બદલે પોતાની જાતિના પક્ષે રહેવાને બદલે, તેઓ તો હોડમાં ઉતરી. એવું જ પંડિત રવિશંકર ના કેસમાં પણ કહેવાય, જે ઘાતકી અને ઇર્ષાળુ પુરુષ પોતાની પત્નીનો અંગૂઠો તોડી નાંખે તેને બીજી સ્ત્રી મળી જ કેમ શકે? પણ અહિં તો બીજી નહી, ચોથી સુધી વાત પહોંચી. હવે આમાં સમાજનો દોષ કેવી રીતે કાઢવો?

    અને યુરોપના દેશોમાં પણ ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં લગ્ન સંબંધો ખુબ માનથી જોવાતા અને છૂટાછેડા એટલા સરળ પણ ન હતા. આપણા કાયદાઓ પણ બ્રિટિશોએ એ સમયમાં જ ઘડ્યા હતા, જેમાં તેમના તે સમયના સમાજની ઝાંય હતી, અફસોસ એ છે કે તે લોકો આજે એ કાયદાઓને ભૂલાવીને ઘણા આગળ વધ્યા, કાયદ સૂધાર્યા અને નવા ઘડ્યા, પણ આપણે હજુ એ જ અંગ્રેજોએ તેમના તત્કાલિન સમાજને ધ્યાને રાખીને ખડેલા કાયદા આપણા સમાજના માથે આજે પણ ઠોકી રાખ્યા છે.

    1. યુરોપનાં મૂલ્યો પર પહેલા વિશ્વયુદ્ધની બહુ અસર પડી.તે પછી માત્ર ૨૦-૨૨ વર્ષમાં બીજુમ વિશ્વયુદ્ધ પણ થયું. પુરુષો લડાઇના મેદાનમાં હોય તો કારખાનાં કોણ ચલાવે? આમ શ્રમિકબળની જરૂર હતી એટલે સ્ત્રીઓને આગળ લાવવાના સક્રિય પ્રયાસ શરૂ થયા. આમાંથી નારીમુક્તિ આંદોલન વિકસ્યું. એટલે સ્ત્રીઓનો દૃષ્ટિકોણ પણ બદલાયો. પરંતુ, આ બદલાવ પુરુષો પ્રત્યેના એમના અભિગમનો હતો, જેમ પુરુષને પત્ની બદલવાનો અધિકાર હોય તો સ્ત્રીને પણ પતિ બદલવાનો અધિકાર હોય. આમ પણ મૂળ પતિ છોડી દે તો એમને નાછૂતકે જ બીજો પતિ શોધવો પડે. એ વખતે એ બીજી સ્ત્રીનુમ હિત ન જૂએ. પુરુષ પણ આખરે તો બીજા કોઈ પુરુષની જ સ્ત્રીને લાવતો હોય છે! એ ક્યા બીજા પુરુષનુ ભલુ વિચારે છે? .

     1. એકદમ સાચી વાત કહી નારી સમાનતા અને નારી મુક્તિના મૂળ વિષે. અને હા, એ વાત પણ સાચી જ છે કે સ્ત્રીને અન્ય સ્ત્રીનો પતિ છીનવ્યા વગર છૂટકો ન હોય, વિધવા કે ત્યક્તા સ્ત્રી એમ કરે તેનો વાંધો નથી. પણ પંડિત રવિશંકરની પત્નિ ક્રમાંક ૨-૪ અને આઇનસ્ટાઇનભાઈની બીજી-ત્રીજી પત્નીઓ શું આવી કોઈ સમાજથી તરછૉડાયેલી થોડી હતી? મારું કહેવું તો એમ જ છે કે સમાજે ઘણી વખત સ્ત્રીઓની ખોટી દયા ખાધી છે, મને સ્ત્રીઓ પ્રત્યે કોઈ તિરસ્કાર નથી, પણ જ્યારે તેઓ પુરુષ સમોવડી હોવાનો દાવો કરતી હોય, હક્કો માંગતી હોય તો ફરજો પરત્વે પણ તેટલું જ લક્ષ સેવવું જોઈએ. મારું મારું આગવું અને તારું મારું સહિયારું, એ નીતિ કેમ ચાલે?

 8. માય ડિયર ધવલભાઈ ,
  જીનેટીકલી માનવ પોલીગમસ છે. લગ્નવ્યવસ્થા માનવજાતના ઉત્ક્રાંતિના, વિકાસના ક્રમમાં બહુ નવી વાત છે. બાયોલોજીકલી પુરુષ ફક્ત અને ફક્ત એક જ સ્ત્રી વડે જ આકર્ષાયો હોય તેવું બની શકે નહિ. આમાં ચારિત્ર્યની વ્યાખ્યાઓ આપણે ઘડી કાઢી છે કુદરતે નહિ. સ્ત્રી માટે ક્વોલોટી મહત્વની છે, માટે હાઈ સ્ટેટ્સ અને ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા પુરુષો પ્રત્યે સ્ત્રીઓ મોહિત થાય તે પણ નોર્મલ છે. આઈન્સ્ટાઈન જેવા માણસો એમના સંશોધનોમાં એટલા બધા વ્યસ્ત અને ધૂની હોય કે એમની સ્ત્રીઓને નોર્મલ લાઈફમાં માફક આવે નહિ. આ માણસ બાથરૂમમાં નહાવા જતો પછી ક્યારે બહાર આવે નક્કી નહિ. કલાક પણ થાય અને આખો દિવસ પણ જતો રહે.

  1. ભૂપેન્દ્રસિંહભાઈ, તમે મૂળ સુધી પહોંચ્યા. તમે આવો પ્રતિભાવ ન આપો તો જ નવાઈ લાગે. મઝા આવી. પરંતુ. સ્ત્રીઓ પણ બંધનો ન હોય તો પોલિએન્ડ્રસ જ હોય.

  2. ભુપેંદ્રભાઈની વાત સાથે એકદમ સહમત છું. મનુષ્ય મુળ્ભુત રીતે અનેક પાત્રો સાથે શારીરીક/માનસીક રીતે સંકળાવા માટે બન્યો છે. આપણે લગ્ન નામની કૃત્રીમ વ્યવસ્થાથી અને ધાર્મીક દમ્ભના ઓઠા હેઠળ એ વૃત્તીને અન્કુશમા લાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ, સામાન્ય માણસ છુપાઈને અને પ્રસીધ્ધ વ્યક્તી જાહેર રીતે એ મુળભુત વૃત્તી જે સાહજીક કે પ્રાકૃતીક છે, એને વશ થતો રહે છે. એ કાંઈ ચારીત્ર્યનો કે ખુબીનો માપદંડ નથી. જે લોકો એને વગોવે છે એ મોટેભાગે તો રહી ગયાની ભાવનાથી પીડાતા હશે એમ લાગે છે.

   1. ચાલો ચિરાગભાઈ, એક સમયે માની પણ લઈએ કે એમ હશે. તો શું જે લોકો શાકાહારી છે અને માંસાહારી ખોરાકને કુદૃષ્ટિએ જુએ છે તેમને પણ તમે એમ જ કહેશો કે તે “માંસ ખાધા વગર રહી ગયાની ભાવનાથી પીડાઈને એમ કરે છે?” અને જે લોકો માંસાહારી છે, છતાં અમુક પ્રકારના માંસ વર્જ્ય ગણે છે (જેમકે સાપ, બીલાડી, ઉંદર વગેરે જેવા પ્રાણીઓનું માંસ) તે લોકો ચીની પ્રજા કે અન્ય પ્રજા જે આવા માંસ ખાય છે તેમના માટે જે ટિપ્પણી કરે છે તે પણ આ “રહી ગયાની ભાવના”ને કારણે જ છે? જો તમારો જવાબ આ બંનેમાં ‘હા’ હોય તો, માફ કરજો, મારે કહેવું પડશે કે તમારે તમારા બધાજ કથન પર પુનર્વિચારની જરૂર છે, અને જો મેં તેમ ના હોય તો આ પ્રશ્નોનો આધાર લઈને તમારા નિવેદન પર ફેરવિચાર કરશો.

 9. આઇન્સ્ટાઇન વિષે વધુ જાણવાની અને તેની બંને theory સમાંઝ્વી હોય તો નગેન્દ્ર વિજય દ્વારા લખવામાં આવેલું પુસ્તક “આઇન્સ્ટાઇન અને સાપેક્ષવાદ” વાંચી લેવું . આ પુસ્તક એક દમ સરળ અને રસાળ શૈલીમાં લખાયેલું છે .

  1. નગેન્દ્ર વિજય કદાચ વિજયગુપ્ત મૌર્યના પુત્ર છે ને? આ બન્ને નામ તો બહુ જાણીતાં છે. જો કે તમે કહો છો તે પુસ્તક વાંચ્યું નથી.

   ડૉ. પરેશ વૈદ્યે પણ પરિચય પુસ્તિકા શ્રેણીમાં ૧૯૭૫-૭૬ના અરસામાં બહુ સરળ પુસ્તિકા આ વિષય પર લખી છે. મને સાપેક્ષવાદનો પહેલો પરિચય એ પુસ્તિકાથી થયો. ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક લખાણો જેમ બને તેમ વધારે આવવાં જોઈએ.

 10. દરેક જાણીતી વ્યક્તિનાં ‘ચરિત્ર’ કે જીવનશૈલી વિશેની જાણકારી જરૂરી નથી. કોણ પોતાની જિંદગીમાં શું કરે છે અને શું નહીં એ તેમનો પોતાનો પ્રશ્ન છે. અંતે તો દરેક ‘હીરો’ની સમગ્ર જિંદગી જોવા જાઓ તો એવો એ એક જ પ્રસંગ હોય છે કે એવું એ એક જ કાર્ય જે તેને હીરો બનાવે છે અને જ્યારે તેની વાત થાય ત્યારે એ એક જ કાર્ય અને તેને લગતી બાબતો અગત્યનાં છે. આપણી લોકોની જિંદગીમાં દખલ કરવાની આવી જ બધી વાતોને ‘જજમેન્ટલ’ બનવું કહેવાય છે. આઇન્સ્ટાઇન કેવા પિતા હતાં કે કેવા પ્રેમી હતાં એ તેમનાં બાળકો અને પ્રેમિકાનો પ્રશ્ન છે, આપણો નહીં! મને ઘણી વખત એ પ્રશ્ન થાય છે કે આ બધી વાતોને ઉખેડીને અને જાણીતા લોકોની જિંદગીમાં આવો વધુ પડતો રસ લઈને એવું તે શું જાણવા અને શીખવા મળી જતું હોય છે?

  1. બહેન, આમ છતાં જાણીતી વ્યક્તિઓનાં જીવનની જ ચર્ચા થતી હોય છે! અમેરિકામાં તો ઍડવર્ડ કેનેડી અંગત જીવનની એક ઘટનાને કારણે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી ન શક્યા.

   આ લેખની વાત કરું તો એનું મૂળ લક્ષ્ય ‘ગૉસિપ’ હોત તો મેં પ્રકાશિત ન કર્યો હોત. અહીં મગજમાંથી પેદા થયેલી નિષ્ઠા વધારે મજબૂત હોય છે કે હૃદયમાંથી નીકળેલી નિષ્ઠા, એ મૂળ પ્રશ્ન છે. અહીં આઇન્સ્ટાઇનના એમની પત્ની સાથેના સંબંધો એક ઉદાહરણ તરીકે છે. બીજું ઉદાહરણ એમણે અમેરિકી રાષ્ટ્રપતિને લખેલો પત્ર છે. લેખક આ બન્ને ઉદાહરણોના આધારે એમ દેખાડે છે કે ગાંધીજીની નિષ્ઠા હૃદયમાંથી પ્રગટી હતી, જ્યારે આઇન્સ્ટાઇનની નિષ્ઠા મગજમાંથી પેદા થઈ. ગાંધીજી આ લેખના અંતભાગમાં જ ઉપસ્થિત થયા છે. આમ છ્તાં આખા લેખમાં એમની હાજરી વર્તાય છે. મૂળ અંગ્રેજી લેખ મેં વાંચ્યો ત્યારે મને આવું સમજાયું એટલે જ અહીં એનો ભાવાનુવાદ આપવાની ઇચ્છા થઈ. આઇન્સ્ટાઇનનું પ્રદાન અભૂતપૂર્વ છે અને એમનું વ્યક્તિત્વ મોહિની લગાડે એવું છે એમાં તો શંકા નથી જ. આભાર.

 11. અને માણસ પોલીગમસ છે અથવા મોનોગમસ એ વૈજ્ઞાનિક રીતે હજુ સાબિત થયું નથી. અંગત રીતે મારો એવો મત છે અને ભલામણ પણ કે જ્યારે પણ આવા ખુલ્લા મંચ પર કોઈ બાબત ‘વૈજ્ઞાનિક’ હોવાનો દાવો કરો તો આ માહિતી તમે જ્યાંથી વાંચેલી હોય તેની લિંક અથવા એ ‘scientific journal’ અથવા ‘પેપર’ વિશે વધુ માહિતી આપવા વિનંતી.

  જેમને આ બાબત પર ખરેખરી વૈજ્ઞાનિક ચર્ચામાં રસ હોય તે આ બ્લોગ-પોસ્ટ પરની એક પછી એક કમેન્ટ વાંચો:
  http://scienceblogs.com/aardvarchaeology/2007/05/are_humans_polygynous.php

  1. ઉપરની લિન્કમાં ડૉ માર્ટિનનું પોતાનું મંતવ્ય છે. માનવી મનોગમસ હોત તો બહુ પતિત્વ, બહુ પતિત્વ જેવી પ્રાચીન પ્રથાઓ અસ્તિત્વમાં જ ના હોત. આજે મનોગમી કાયદેસર છે છતાં લોકો લફરા કરે જ છે તે ના હોત. એક સ્ત્રી જોડે ડિવોર્સ લઈને બીજી સ્ત્રી જોડે લગ્ન કરો તે એક જાતની પોલીગમી જ છે.

   1. મને લાગે છે કે એક જ સમયે એક જ સ્ત્રી સાથે રહેવું એને સીરિયલ પોલીગૅમી કહે છે. એટલે કે સ્ત્રી બદલે પણ એકથી વધારે ન હોય.

 12. Einstein ‘s elder son has severe Psychosis…possibly Schizophrenia…and was in later years in asylums / mental hospital.
  At one time SIGMUND FREUD treated him, but Einstein had never appreciated.Freud ..!! HE RARELY HAD TIME TO VISIT HIS SON.
  His 2nd son..mentioned in this article was great engineer..and his work saved rivers from flood damage and indirectly saved human lives.!!
  Einstein was equal human to all of us as an individual. HIS brain is being publicly exhibited this year.

 13. Apology first. I do not have skill to type in Gujarati.
  After reading all these comments I feel that the Gujarati adoptation by Dipakbhai was so good that it impressed so many readers. I thank him for the efforts and assume all the reader mean to do the same.

 14. આઈન્સ્ટાઈનના અંગત જીવન વિષેની ઓછી જાણીતી વાતો જણાવવા બદલ આભાર. તમે લખવામાં બરાબર વિવેક જાળવ્યો છે અને તમામ વાતોનો ઉલ્લેખ કેવળ તથ્યાત્મક રીતે જ કર્યો છે.
  ‘મહાપુરુષ’ હોય કે ‘લઘુપુરુષ’- હકીકત એ છે કે કોઈ પણ વ્યક્તિને માત્ર બ્લેક એન્ડ વ્હાઈટનાં ખાનામાં મૂકી શકાય નહીં. એ ‘માનવ’ પણ છે અને તેના આંતરમનમાં વિવિધ સ્તરે (ચાલી) રહેલી અનેક બાબતો અંગે અન્યને ખ્યાલ ન જ હોઈ શકે. એ કોઈ થિયરીને આધિન નથી. એટલે તેને મૂલવવાનું કામ બાજુએ રાખીને તેની નોંધ લઈએ એ જ યોગ્ય રસ્તો છે.
  અણુબોમ્બવાળો પત્ર પણ આજના સંદર્ભે જોવાને બદલે એ કાળના સંદર્ભે જોવા જેવો છે.
  આવી વાતો મૂકતા રહેજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: