Matrubhasha-no Saad

આજે 21મી ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન.
છેલ્લા એક અઠવાડિયામાં પહેલાં ભાષાશાસ્ત્રી શ્રી બાબુભાઈ સુથારનો, અને તે પછી સાહિત્યિક પત્રકાર શ્રી દીપક્ભાઈ મહેતાનો, એમ બે લેખ પ્રસિદ્ધ કર્યા. આજે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે મુખ્યત્વે ગુજરાતી બ્લોગરોને અનુલક્ષીને શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની અપીલ પ્રકાશિત થાય છે. આના પર સક્રિયપણે વિચાર કરવા વિનંતિ છે. ગુજરાતીમાં બ્લોગની સંખ્યા એક હજારથી વધારે હોવાનો મારો ખ્યાલ છે. આથી શક્ય તેટલા બ્લોગરો અને વાચકોનું ધ્યાન આ અપીલ તરફ આકર્ષિત કરવામાં આપના સહકાર વિના ચાલશે નહીં અને મને ખાતરી છે કે આ જાતનો સહકાર મળી જ રહેશે. ગુજરાતીની સેવા માટે આપણાથી જે કઈં બની શકે તે કરીએ. આ લેખ ઊંઝા જોડણીમાં છે એટલે એમાં એક જ ‘ઈ’ અને  ‘ઉ’ જોવા મળશે.

સો વાતની એક જ વાત: ગુર્જરીકુંજે ઉગે પ્રભાત.

–જુગલકીશોર  વ્યાસ

“શું શાં પૈસા ચાર” કહીને ગુજરાતીનું અવમુલ્યન ભારતભરમાં થયું ત્યારે મોટો ઉહાપોહ થયો હોય એ વાતમાં શું માલ છે ! ગુજરાતીઓ મોળા [દાળભાત, કારણ નં.1],એટલે એને શું પડી હોય ભાષાની? અમસ્તુંય, એ તો વેપારી પ્રજા; લક્ષ્મીપુજક.એને સરસ્વતી કે એને આનુષંગીક બાબતોમાં શો રસ ?

ગમે તેમ, પણ ‘શું શાં પૈસા ચાર’ કહીને ગુજરાતી ભાષાની બદબોઈ તો થઈ તે થઇ જ. એને માટે તલવાર વીંઝવાનો ધ્રુજારો પહેલાં કદી હતો નહીં ને હવે એનો અર્થ નથી,એવું મનાયું હશે.

પણ અહીં જરા જુદી વાત કરવી છે. ભુતકાળમાં તલવાર વીંઝાઈ કે ન વીંઝાઈ; અત્યારે તો આ ‘શું શાં’નો નવેસરથી વીચાર કરવા માટેની હવા વાતાવરણમાં વીંઝાઇ રહી છે.

મેં ‘વાતાવરણમાં’ કહ્યું; એટલા માટે કે વીશ્વભરમાં ઈન્ટરનૅટના અદૃશ્ય જગતમાં જે સંદેશાઓ, કશો જ અવાજ કર્યા વગર, ફરી રહ્યા છે તેણે કમ્પ્યુટર વાપરનારાંઓમાં તાજગી લાવી દીધી છે.અહીં જો કે સમગ્ર ઈન્ટરનૅટ જગતની કથા કરવાનો ઉપક્રમ નથી જ; હીંમત પણ નથી.પરંતુ ફક્ત ગુજરાતી ભાષાના અનુસંધાને જે કાંઈ વીચારાઈ રહ્યું છે તેની વાત લગરીક ઉલ્લેખ રુપે, કહો કે ચર્ચાને છંછેડવાના હેતુથી કહેવા ધારી છે.

હજી હમણાં સુધી ઈન્ટરનૅટ પરના એક શક્તીશાળી વ્યવહાર રુપે ઈ–મેઇલનો વપરાશ ફક્ત અંગ્રેજીના માધ્યમથી જ થતો. ગાંધીજીએ “અંગ્રેજો ભલે રહે; અંગ્રેજીપણાને રવાના કરો” કે એવું કાંક કહ્યું હશે એટલે મગનમાધ્યમ ગુજરાતમાં જોર કરી શક્યું. પણ વીશ્વપ્રવાહોમાં ગાંધીવીચાર પણ નબળાઈ જાય, ત્યાં ભાષાનું શું ગજું ? એટલે અંગ્રેજી ગઇ તો નહીં જ, બલ્કે આવા ઈલેક્ટ્રોનીક્સના ક્ષેત્રે તો અનીવાર્ય બનીને સ્થપાઈ ગઈ.

દરમીયાન વીશ્વભરમાં ફેલાઈ ચુકેલા, ને વેપારી પણ કહેવાઈ ચુકેલા, ગુજરાતીઓને છેક વીદેશોમાં જઈને ગુજરાતીનું ઘેલું લાગ્યું! એને જેમ જન્મભુમી સાંભરે અને અણોહરું લાગે, એમ ગુજરાતીનો ‘બોલાહ’ અને ‘વંચાણે’ લેવાતો ગુજરાતી શબ્દ હૈયે વળગ્યો! ગુજરાતી અક્ષરો વાંચવાની તલબ શરુ થઈ,આ સૌ વીદેશની ભુમીમાં સ્થીર થયેલાંઓમાં. ‘શું શાં’ શબ્દો એ ફક્ત બોલવાની જ નહીં પણ વાંચવાની ને એના દ્વારા ગુજરાતી કવીઓ, લેખકો, વીચારકોના મનોજગતને પોતાનામાં ‘ઈન્સ્ટોલ’ કરવાની જાણે કે લૅ લાગી ગઈ. ગુજરાતી સાહીત્યનો ઉપાડ દુનીયાભરમાં પહેલાં કરતાં ખુબ વધ્યો.

પણ ઈન્ટરનૅટનો વપરાશ વધતાં જ, લૅપટોપને ખોળામાં લઈને [કે એને ખોળે ખુદ બેસીને] સૌ કોઈ હવામાં અદૃશ્ય રુપે સંગ્રહાયેલાં માહીતી અને મનોરંજનનાં આદી થવા લાગ્યાં.

અહીં જ હવે શરુ થયો, ગુજરાતીને વીશ્વભાષા બનાવવાની લગનીનો તબક્કો. “ઈ–મેઈલમાં અંગ્રેજીની ભાષાગીરી નહીં ચલેગી,નહીં ચલેગી” એવાં સુત્રો મનોજગતમાં જાગે જાગે ત્યાં તો ગુજરાતી લખાણને પણ ઈ–મેઈલનું માધ્યમ બનાવી દેવાનો પેંતરો શરુ થયો, એટલું જ નહીં થોડાક જ સમયમાં તો કી–બોર્ડ પરથી ગુજરાતીઓનાં ટેરવાં દુનીયાભરમાં ‘શું–શાં’ને વ્યવહારે ‘હલો–હાય’માંથી હોંકારા ભણતાં થઈ ગયાં ! મગનમાધ્યમે અંગ્રેજીની ભાષાગીરી સામે ગુજરાતીગીરીને ભીડાવી દીધી.

આજે તો ગુજરાતીના વીશ્વકોશની ગરજ સારે એવા શબ્દકોશો; ગુજરાતી શીખવાડે એવાં સોફ્ટવૅર ; વીવીધ ગ્રંથસ્થ સાહીત્યની સીડીઓ અને ગાડાં ભરાય એટલા ગ્રંથો વૅબ–ઝાળામાં ગોઠવાઈ ગયાં છે ! કીડીને કણ ને હાથીને મણ મળી રહેતાં હોય તો પંખીને ચણ કેમ નહીં ?! દેશ–વીદેશે ઉડી ગયેલાં પંખીઓ માટે આ ચણ પણ હવે તો વૅબને જાળે ને માળે મણ મણના હીસાબે ખડકાઈ રહી છે.

છતાં આ ગુજરાતી ભાયું–બેન્યુંને સંતોષ નથી. એક બીજા સાથેના પત્રવ્યવહારનુ શું ? ‘પોસ્ટ ઓફિસ’ અને ટપાલ તો આપણા મનોજગતની એક અત્યંત સંવેદનશીલ અને રોમાંચીત કરી મુકનારી બાબત! એના વીના તો જીવ ને જીવન સાવ સુનાં! એટલે આ જ ગુજરાતીઓને હવે ઈ–મેઇલ ઉપરથી બાપુગાડીએ વહેતો થયેલો પત્રવ્યવહાર અધુરો–અધુકડો લાગે તો શી નવાઈ ?
કારણ કે દુનીયાભરની અંગ્રેજી લીપી એક જ. કી-બોર્ડ પર અક્ષરો માટેનાં સ્થાનો પણ નીશ્ચીત. એટલે ગમે તે ડીઝાઇનના ફોન્ટ્સ વાપરોને, K ની કી ઉપરથી k અક્ષર જ છપાય ! એનો ગમે તેવો વળાંક હોય ભલે, એ એની નક્કી થયેલી જગ્યાએથી જ પ્રગટવાનો .
ગુજરાતીને કોણ જાણે કેમ, ‘શું–શાં’ જ રહેવાનું નીર્ધાર્યું ન હોય, એમ એને આરંભથી જ નોખા નોખા ચોકા ઉપર ગોઠવાવું પડયું. કક્કાના પહેલા અક્ષર ‘ક’ નું જ કમઠાણ જુઓ, કોણ જાણે કેટકેટલી જગ્યાએ ને કક્ષાએથી એને અંકીત કરી શકાય છે !!
અંગ્રેજીની જેમ ગુજરાતી કક્કાનું એક જ ટાઇપરાઇટર–કીબોર્ડ નથી. પેજ મેકરમાં એના અક્ષરોની જમાત જુદી; વીજયા એન્ડ કું. જુથના બધા જ ફોન્ટની નોખી જ પંગત પડે; ‘સરલ’ કહેવાતા અક્ષરોનું ભાણું અલગ તો વળી આનલ-ટુ, રચના–ટુ ને એ બધા ટુ ભાઇઓની પતરાળી ય અલગ પંગતે પડે. આથી કમ્પ્યુટરના ડાચા સામે નવો નવો આવી બેઠેલો ગુજરાતી તો બચાડો જીવ ગભરાઇ જ જાય. આ શું વળી – એકની એક કી એક વાર દબાવો તો એક અક્ષર ને બીજી વાર દબાવો તો બીજો અક્ષર છાપે? પેજમેકરની ‘ડાયરેક્ટ એન્ટ્રી’નો સોફ્ટવેર તો વળી પોતે જ અનેકાનેક ટાઇપરાઇટરો ખોલી આપે; ને એ રીતે જાતે કરીને જ અગવડો–અડચણો ઉભી કરી આપે! આમાં ગુજરાતી બાપડો ક્યાંય ખોવાઇ જાય. ગોત્યોય જડે નૈ. ને જડે કદાચ, તો ય ગીતાના પહેલા જ અધ્યાયનો અંત ભાગ બોલી નાખે : “હું તો નહીં લડું!”

આ બધું જોઇ, જાણી, અનુભવીને ગુજરાતી ઇન્ટરનેટે વેવાર કરી રહેલા ગુજુ ભાઇ–બહેનોને થાય છે કે આ ઠીક નથી. એટલે હમણાંનાં બધાં એક ચર્ચાચોરે ભેળાં થયાં છે. હમણાંની દરરોજની વાતોનો વીષય એક જ છે : કયું માધ્યમ; કઇ પધ્ધતી અને કયા ફોન્ટ વાપરીએ તો બધાં એક અવાજે ” જય જય જય ગુજરાતી ગરવી” ગાઇ શકીએ ?

આ લાઇનના જાણકાર ઇજનેર બંધુઓમાં હજી એકમતી સધાઇ નથી–એ સહેલુંય નથી–પણ એક સાથે એક અવાજે બધાં ભેળાં થયાં જ છે તો કાંક તો જડશે જ , એ આશાએ ચર્ચાએ જોર પકડયું છે.

મારા જેવો નવો નીશાળીયો તો મોં વકાસીને બેસી રહેવા સીવાય શું કરી શકે ? છતાં એપ્રીલ 2006થી આજ સુધીના અનુભવે જે કાંઇ શીખ્યો એણે આટલી વાત કહેવા તો અલબત્ત, મજબુર કર્યો જ:

1] સૌ એક મંચ ઉપર એકઠાં થાય અને એક જ રહે.–નોખા ચોકા નકામા.

૨] “સો વાતની એક જ વાત : નેટ–ગુર્જરીકુંજે ઉગે પ્રભાત !” એવા પ્રકારનું સુત્ર અપનાવીએ. “ઇન્ટરનેટ–ગુર્જરી–અભીયાન” કે એવું નામાભીધાન કરી શકાય.

૩] “યુનિકોડ” ની ટેકનીકલ બાબતથી ગભરાવાને બદલે એનું યુની=એકતા અને કોડ=હોંશ એવું “અંગૃજુ” અર્થઘટન કરી યુનીકોડ = ‘એકત્વની હોંશ’ રુપે એના માટે મથવું;

૪] વીદેશોમાં ગુજરાતી સામયીકો ચલાવતા ‘ઓપિનિયન’ –લંડન–અને ‘માતૃભાષા’–ઓસ્ટ્રેલીયા–ના તંત્રીઓ ….ઉપરાંત ઇ–મેગેઝીન જેવી પ્રવૃત્તી કરતા ‘સન્ડે મહેફીલ’ અને ગુજરાતી વર્ડ–પ્રેસના બહુઆયામી સામયીકોનું સંચાલન કરનારા તંત્રીઓ…..વીવીધ પ્રકારના વ્યક્તીગત ગુજ.બ્લોગ ધરાવનારાં ગુજ.પ્રેમીઓ….વગેરેનુ એક પેટા જુથ બનાવીને ગુજરાતીનો પ્રચાર-પ્રસાર કરે તથા ગુજરાતીના ઘટતા જતા વપરાશ અને પ્રભાવની ચીંતા કરે ને આ પ્રકારના અન્ય પ્રશ્નોના ઉકેલમાં મદદરુપ બને;

૫] કમ્પ્યુટર ઇજનેરીવીદ્યાનું જ્ઞાન ધરાવતા ગુજરાતી મહાનુભાવોને એક જ કી–બોર્ડ પરથી વીવીધ આકારે પ્રગટતા ફોન્ટને ઉપલબ્ધ કરાવવાનો કીમીયો શોધી કાઢવા માટે પ્રેરીએ.

૬] ગુજરાતી શ્રેષ્ઠીઓ વૃધ્ધાવસ્થાએ પણ યુવાન મન ધરાવે છે, તેઓ ધન પણ જરુર પડ્યે વહાવે એવી તકો ઉભી કરવી.
ઈન્ટરનેટની સગવડ ધરાવતાં સૌ કોઇ ગુજ.ઓ નેટ ઉપર ગુજ.માં જ લખે, વ્યવહાર કરે તેવો આગ્રહ ને જરુર પડે તો નીયમ જેવું બનાવીને રાખવો.

ઇ–મેઇલના ‘સબ્જેક્ટ’ના ખાનામાં મોકલનારે આ મેઇલમાં પોતે કયા ફોન્ટ અને કઇ પધ્ધતીનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવે ને દર્શાવે. સહી કરવાની જગ્યાએ લખનારનું નામ અને બને તો ગામનું નામ પણ લખે.

[નોંધ : ઉપરના નં.૪ અને ૫માં બતાવેલાં અને તે સીવાયનાં પણ શોધીને તે નામોમાંથી પસંદગી કરીને પેટા સમીતી જેવી રચના થાય. ઉપરાંત વ્યક્તીનાં વય, વીષય, દેશ, દીશા, વગેરેને ધ્યાનમાં લઇને વધુ સભ્યો આવરી શકાય તે રીતે એક સમીતીની કારોબારી રુપે રચના કરવી જે ખાસ સક્રીય હોય.

અનુભવી અને વડીલોમાંથી બે વ્યક્તીને ‘પ્રમુખ ગુજ.પ્રેમી’ અને ‘ઉપપ્રમુખ ગુજ.પ્રેમી’ રુપે સ્થાપવા, કે જેઓ સૌને હાકલો–પડકારો કરતા રહે!

છુટા લોટમાં જ્યાં સુધી મૉણ નાખવામાં ન આવે ત્યાં સુધી પીંડ બંધાતો નથી ને રોટલી કે ભાખરી બનતી નથી. આ મૉણનું કામ આવી સામુહીક વ્યવસ્થાથી જ આવતી હોઇ આવો વીચાર કરવો રહે છે. બાકી સંસ્થા બન્યા પછી ઘણીવાર પ્રવૃત્તીઓ મરી જતી હોય છે.

સૌને શુભેચ્છાઓ અને સાથ આપવા નમ્ર અરજી.

(તા.25-11-06ના લખાયેલો અને ‘ઓપિનિયન’માં પ્રગટ થયેલો લેખ, જરુરી સુધારા સાથે.)પ્રથમ પ્રગટ કર્યા તા. ૨૩, ૯, ૨૦૦૭.

15 thoughts on “Matrubhasha-no Saad”

 1. Mr.Vyas,
  Very good article.
  You may watch national language discussion videos on my blog.
  રાષ્ટ્ર ભાષા?તે શું છે?
  વિવિધતા થી ભારત જોડાયેલ છે નહીં કે હિન્દી ને લીધે ૧-૭ ભાગ

 2. આ લેખમાં કહેવામાં આવેલાં બધાં જ સૂચનો ઉપરાંત હું બીજાં થોડાં નમ્ર સૂચન કહીશઃ
  અ. દરેક ગુજરાતી સામયીક હાલનાં અખબારપત્રોની જેમ તે આવૃતિઓને આઇ-પૅડ કે નૉટબુક કે કંમ્પ્યુટર પર ઉતારી શકાય તેવાં સ્વરૂપમાં પણ યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરે. તે જ રીતે ગુજરાતી પુસ્તકના પ્રકાશકો શ્રાવ્ય પુસ્તકો જેવાં વધારાનાં સ્વરૂપોનો ઉપયોગ કરે. આમ કરવાથી ગુજરાતી ભાષાની હાજરી ડીજીટલ વિશ્વપર વધશે.
  બ. ઈન્ટરનૅટ પર ન પ્રાપ્ય હોય કે અન્ય ડીજીટલ માધ્યમ દ્વારા ઉપલબ્ધન હોય તે સાહિત્યને પણ ડીજીટલ સ્વરૂપમાં ઢાળવામાટે દરેક દિશાએથી પ્રયત્નો થાય.
  ક. TED, WikiPedia જેવી Universal Sites પર ગુજરાતી ભાષાની મૂળભૂત સામગ્રી તેમ જ અનુવાદીત સામગ્રીની મદદથી નોંધપાત્ર હાજરી ઉભી કરવી.

  1. અશોકભાઈ,
   તમારૂં સૂચન ‘ક’ મારા ધ્યાનમાં છે અને હું Ted talksનો સબસ્ક્રાઇબર છું.મને એની કેટલીક ટૉક્સના અનુવાદ કરવાના વિચાર પણ આવ્યા છે. પરંતુ સાધનોના અભાવે એ માત્ર લિખિત રૂપમાં જ રજુ થઈ શકે. ખરેખર તો એનું મૂળ ફિલ્મ પર ડબિંગ થવું જોઈએ અને ઇંગ્લિશ ડાયલોગ પર એ જ ભાવ સાથે ગુજરાતી અવાજ સુપર-ઇમ્પોઝ કરવો જોઇએ. આના માટે સ્ટૂડિયો અને ઉપકરણોની જરૂર પડે. આ બધું બહુ મોટું મૂડીરોકાણ માગી લે છે. સ્ટૂડિયોનું ભાડું, અનુવાદકની ફી, અવાજ આપનાર સ્ત્રી કે પુરુષ કલાકારની ફી વગેરે પણ એમાં આવી જાય. આ ખર્ચ તો નિયમિત અને રોજનો બની જાય.મહિનામાં ઓછામાં ઓછા એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી અને શક્તિ હોવી જોઇએ. આ કામ માટે તૈયાર થાય તે પણ, કઈં નહીં તો ખર્ચ નીકળી આવે, એટલી આશા રાખે તે તો વાજબી ગણાય. એ જોતાં આ પ્રોજેક્ટ અમુક અંશે કમર્શિયલ પણ બની રહે. આવું થાય તો જ ડિજિટલ વિશ્વમાં ગુજરાતીની હાજરી સ્થાયી બને.

   1. મેં dotSUB.comપરનો અનુવાદને લગતો ટ્યુટોરીયલ ગુજરાતીમાં કરી લીધૉ છે. આજે તેને પૂરો કરીશ અને તમને તેની લિંક મોકલીશ. TED.com પર તમે કોઇ પણ વાર્તાલાપ અનુવાદ માટે પસંદ કર્શો એટલે તેઓની પ્રક્રિયા બાદ અનુવાદની મંજૂરી પછીથી એ વાર્તાલાપ પરના આપણાં ખાતામાં ઉપલબ્ધ થઇ જાય છે. http://www.ted.com/pages/298 ની સાઇટ પર ઘણી માહિતિ પણ જોવા મળશે.

   2. Dipakbhai,

    You may go to Gujarati video on TED TALKS and watch them.The videos are in English with Gujarati Subtitles which may be easy to add and may not be too expensive process.

    Hindi 135 videos
    Gujarati 8 Videos

    This shows Gujarati media is very behind in knowledge sources( TED, WikiPedia જેવી Universal Sites)and very busy with GADYA/PADYA/JOKES/JODANI.We have to keep it up with Hindi or we may end up writing Gujarati in Devanagari script.

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

    1. આભાર. નવું જાણવા મળ્યું. જરૂર ટેડ્ટૉક્સ ગુજરાતીમાં જોઈશ. શ્રીઅશોકભાઈએ પણ ઘણી સારી માહિતી આપી છે.એમની સલાહ મુજબ dotSUB માં રજિસ્ટર થઈ ગયો છું બે-ત્રણ અખતરા પછી જ બરાબર સમજાશે. પણ આ ટૂલ બહુ સારૂં છે એમ તો અજમાયશ દરમિયાન જ સમજાઈ ગયું.

 3. મારે તો એટલુજ કહેવાનું કે મારી માતૃભાષા ઉતરોતર પ્રગતિ કરતી રહે ને લોકો ના હૃદય મા વસ્તી રહે.

  મિત્રો, તમે જો ગુજરાત કે ભારત ની બહાર રેહતા હો તો અમે આપને એક વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે પણ ગુજરાત ની બહાર જાવ ત્યારે તમારા સામાન માં ઓછ્છા માં ઓછ્છા માં ૨ ગુજરાતી પુસ્તકો લેતાં જજો ને તમે વાંચી લીધા પછી તે ત્યાની લાયબ્રેરી માં ભેટ આપી દેજો જેથી આપણી માતૃભાષા નો પ્રચાર થાય ને આપણી નવી પેઢી આપણા સાહિત્ય થી વંચિત ન રહે. આભાર

  નિરંજન એચ .બુચ

 4. લેખ અને અભિપ્રાયો સારી સમજ આપતા છે.
  ૨-૩ વર્ષો પહેલા કોઈ ઉલ્લેખ હતો કે
  ગુજરાતી ભાષા ના લખાણ માંથી રસ્વાઈ અને દીર્ઘઈ બે વાપરવાને બદલે કોઈ એકજ
  વાપરવામાં આવે અને રસ્વઉં અને દીર્ઘઉં ને બદલે કોઈ એકજ વાપરવામાં આવે તો
  છાપકામ કામ નો ખર્ચો સારો એવો ઓછો થાય.
  હું હજુ સુધી રસ્વાઈ અને દીર્ઘઈ, રસ્વઉં અને દીર્ઘઉં ના વપરાશ ની practicality
  સમજી શક્યો નથી!

 5. જે સમાજમાં માતૃભાષા નબળી પડે એ સમાજ ધીરે ધીરે કલા અને સાહિત્યથી વિમુખ બને અને જે સમાજ કલા અને સાહિત્યથી વિમુખ બને એ સમાજનું સર્વતોમુખી પતન થાય છે. અને તેથી જ માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી સમગ્ર સમાજની છે.
  મારી માતૃભાષાને એટલી સંકુચિત પણ નથી બનાવવી કે મારી તમામ દુનિયા એની આસપાસ જ ફરે, એના પૂરતી જ મર્યાદિત થઈ જાય. મારી માતૃભાષામાં હું દરેક ભાષાનો સરળતાથી સમન્વય કરીશ

 6. ભવિષ્ય માં સરળ ગુજરાતી ભાષા લિપિ લુપ્ત થવા ના કારણો…………..

  How many Hindi medium schools are there in Gujarat?
  Do Gujarat Rajya promote Gujarati Lipi in all subjects in these schools?
  Why cann’t we use all Hindi School books in Gujarati Lipi?

  (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: