આજે 21મી ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન.
છેલ્લા એક અઠવાડિયામાં પહેલાં ભાષાશાસ્ત્રી શ્રી બાબુભાઈ સુથારનો, અને તે પછી સાહિત્યિક પત્રકાર શ્રી દીપક્ભાઈ મહેતાનો, એમ બે લેખ પ્રસિદ્ધ કર્યા. આજે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે મુખ્યત્વે ગુજરાતી બ્લોગરોને અનુલક્ષીને શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની અપીલ પ્રકાશિત થાય છે. આના પર સક્રિયપણે વિચાર કરવા વિનંતિ છે. ગુજરાતીમાં બ્લોગની સંખ્યા એક હજારથી વધારે હોવાનો મારો ખ્યાલ છે. આથી શક્ય તેટલા બ્લોગરો અને વાચકોનું ધ્યાન આ અપીલ તરફ આકર્ષિત કરવામાં આપના સહકાર વિના ચાલશે નહીં અને મને ખાતરી છે કે આ જાતનો સહકાર મળી જ રહેશે. ગુજરાતીની સેવા માટે આપણાથી જે કઈં બની શકે તે કરીએ. આ લેખ ઊંઝા જોડણીમાં છે એટલે એમાં એક જ ‘ઈ’ અને ‘ઉ’ જોવા મળશે.
સો વાતની એક જ વાત: ગુર્જરીકુંજે ઉગે પ્રભાત.
–જુગલકીશોર વ્યાસ
“શું શાં પૈસા ચાર” કહીને ગુજરાતીનું અવમુલ્યન ભારતભરમાં થયું ત્યારે મોટો ઉહાપોહ થયો હોય એ વાતમાં શું માલ છે ! ગુજરાતીઓ મોળા [દાળભાત, કારણ નં.1],એટલે એને શું પડી હોય ભાષાની? અમસ્તુંય, એ તો વેપારી પ્રજા; લક્ષ્મીપુજક.એને સરસ્વતી કે એને આનુષંગીક બાબતોમાં શો રસ ?
ગમે તેમ, પણ ‘શું શાં પૈસા ચાર’ કહીને ગુજરાતી ભાષાની બદબોઈ તો થઈ તે થઇ જ. એને માટે તલવાર વીંઝવાનો ધ્રુજારો પહેલાં કદી હતો નહીં ને હવે એનો અર્થ નથી,એવું મનાયું હશે.
પણ અહીં જરા જુદી વાત કરવી છે. ભુતકાળમાં તલવાર વીંઝાઈ કે ન વીંઝાઈ; અત્યારે તો આ ‘શું શાં’નો નવેસરથી વીચાર કરવા માટેની હવા વાતાવરણમાં વીંઝાઇ રહી છે.
મેં ‘વાતાવરણમાં’ કહ્યું; એટલા માટે કે વીશ્વભરમાં ઈન્ટરનૅટના અદૃશ્ય જગતમાં જે સંદેશાઓ, કશો જ અવાજ કર્યા વગર, ફરી રહ્યા છે તેણે કમ્પ્યુટર વાપરનારાંઓમાં તાજગી લાવી દીધી છે.અહીં જો કે સમગ્ર ઈન્ટરનૅટ જગતની કથા કરવાનો ઉપક્રમ નથી જ; હીંમત પણ નથી.પરંતુ ફક્ત ગુજરાતી ભાષાના અનુસંધાને જે કાંઈ વીચારાઈ રહ્યું છે તેની વાત લગરીક ઉલ્લેખ રુપે, કહો કે ચર્ચાને છંછેડવાના હેતુથી કહેવા ધારી છે.
હજી હમણાં સુધી ઈન્ટરનૅટ પરના એક શક્તીશાળી વ્યવહાર રુપે ઈ–મેઇલનો વપરાશ ફક્ત અંગ્રેજીના માધ્યમથી જ થતો. ગાંધીજીએ “અંગ્રેજો ભલે રહે; અંગ્રેજીપણાને રવાના કરો” કે એવું કાંક કહ્યું હશે એટલે મગનમાધ્યમ ગુજરાતમાં જોર કરી શક્યું. પણ વીશ્વપ્રવાહોમાં ગાંધીવીચાર પણ નબળાઈ જાય, ત્યાં ભાષાનું શું ગજું ? એટલે અંગ્રેજી ગઇ તો નહીં જ, બલ્કે આવા ઈલેક્ટ્રોનીક્સના ક્ષેત્રે તો અનીવાર્ય બનીને સ્થપાઈ ગઈ.
દરમીયાન વીશ્વભરમાં ફેલાઈ ચુકેલા, ને વેપારી પણ કહેવાઈ ચુકેલા, ગુજરાતીઓને છેક વીદેશોમાં જઈને ગુજરાતીનું ઘેલું લાગ્યું! એને જેમ જન્મભુમી સાંભરે અને અણોહરું લાગે, એમ ગુજરાતીનો ‘બોલાહ’ અને ‘વંચાણે’ લેવાતો ગુજરાતી શબ્દ હૈયે વળગ્યો! ગુજરાતી અક્ષરો વાંચવાની તલબ શરુ થઈ,આ સૌ વીદેશની ભુમીમાં સ્થીર થયેલાંઓમાં. ‘શું શાં’ શબ્દો એ ફક્ત બોલવાની જ નહીં પણ વાંચવાની ને એના દ્વારા ગુજરાતી કવીઓ, લેખકો, વીચારકોના મનોજગતને પોતાનામાં ‘ઈન્સ્ટોલ’ કરવાની જાણે કે લૅ લાગી ગઈ. ગુજરાતી સાહીત્યનો ઉપાડ દુનીયાભરમાં પહેલાં કરતાં ખુબ વધ્યો.
પણ ઈન્ટરનૅટનો વપરાશ વધતાં જ, લૅપટોપને ખોળામાં લઈને [કે એને ખોળે ખુદ બેસીને] સૌ કોઈ હવામાં અદૃશ્ય રુપે સંગ્રહાયેલાં માહીતી અને મનોરંજનનાં આદી થવા લાગ્યાં.
અહીં જ હવે શરુ થયો, ગુજરાતીને વીશ્વભાષા બનાવવાની લગનીનો તબક્કો. “ઈ–મેઈલમાં અંગ્રેજીની ભાષાગીરી નહીં ચલેગી,નહીં ચલેગી” એવાં સુત્રો મનોજગતમાં જાગે જાગે ત્યાં તો ગુજરાતી લખાણને પણ ઈ–મેઈલનું માધ્યમ બનાવી દેવાનો પેંતરો શરુ થયો, એટલું જ નહીં થોડાક જ સમયમાં તો કી–બોર્ડ પરથી ગુજરાતીઓનાં ટેરવાં દુનીયાભરમાં ‘શું–શાં’ને વ્યવહારે ‘હલો–હાય’માંથી હોંકારા ભણતાં થઈ ગયાં ! મગનમાધ્યમે અંગ્રેજીની ભાષાગીરી સામે ગુજરાતીગીરીને ભીડાવી દીધી.
આજે તો ગુજરાતીના વીશ્વકોશની ગરજ સારે એવા શબ્દકોશો; ગુજરાતી શીખવાડે એવાં સોફ્ટવૅર ; વીવીધ ગ્રંથસ્થ સાહીત્યની સીડીઓ અને ગાડાં ભરાય એટલા ગ્રંથો વૅબ–ઝાળામાં ગોઠવાઈ ગયાં છે ! કીડીને કણ ને હાથીને મણ મળી રહેતાં હોય તો પંખીને ચણ કેમ નહીં ?! દેશ–વીદેશે ઉડી ગયેલાં પંખીઓ માટે આ ચણ પણ હવે તો વૅબને જાળે ને માળે મણ મણના હીસાબે ખડકાઈ રહી છે.
છતાં આ ગુજરાતી ભાયું–બેન્યુંને સંતોષ નથી. એક બીજા સાથેના પત્રવ્યવહારનુ શું ? ‘પોસ્ટ ઓફિસ’ અને ટપાલ તો આપણા મનોજગતની એક અત્યંત સંવેદનશીલ અને રોમાંચીત કરી મુકનારી બાબત! એના વીના તો જીવ ને જીવન સાવ સુનાં! એટલે આ જ ગુજરાતીઓને હવે ઈ–મેઇલ ઉપરથી બાપુગાડીએ વહેતો થયેલો પત્રવ્યવહાર અધુરો–અધુકડો લાગે તો શી નવાઈ ?
કારણ કે દુનીયાભરની અંગ્રેજી લીપી એક જ. કી-બોર્ડ પર અક્ષરો માટેનાં સ્થાનો પણ નીશ્ચીત. એટલે ગમે તે ડીઝાઇનના ફોન્ટ્સ વાપરોને, K ની કી ઉપરથી k અક્ષર જ છપાય ! એનો ગમે તેવો વળાંક હોય ભલે, એ એની નક્કી થયેલી જગ્યાએથી જ પ્રગટવાનો .
ગુજરાતીને કોણ જાણે કેમ, ‘શું–શાં’ જ રહેવાનું નીર્ધાર્યું ન હોય, એમ એને આરંભથી જ નોખા નોખા ચોકા ઉપર ગોઠવાવું પડયું. કક્કાના પહેલા અક્ષર ‘ક’ નું જ કમઠાણ જુઓ, કોણ જાણે કેટકેટલી જગ્યાએ ને કક્ષાએથી એને અંકીત કરી શકાય છે !!
અંગ્રેજીની જેમ ગુજરાતી કક્કાનું એક જ ટાઇપરાઇટર–કીબોર્ડ નથી. પેજ મેકરમાં એના અક્ષરોની જમાત જુદી; વીજયા એન્ડ કું. જુથના બધા જ ફોન્ટની નોખી જ પંગત પડે; ‘સરલ’ કહેવાતા અક્ષરોનું ભાણું અલગ તો વળી આનલ-ટુ, રચના–ટુ ને એ બધા ટુ ભાઇઓની પતરાળી ય અલગ પંગતે પડે. આથી કમ્પ્યુટરના ડાચા સામે નવો નવો આવી બેઠેલો ગુજરાતી તો બચાડો જીવ ગભરાઇ જ જાય. આ શું વળી – એકની એક કી એક વાર દબાવો તો એક અક્ષર ને બીજી વાર દબાવો તો બીજો અક્ષર છાપે? પેજમેકરની ‘ડાયરેક્ટ એન્ટ્રી’નો સોફ્ટવેર તો વળી પોતે જ અનેકાનેક ટાઇપરાઇટરો ખોલી આપે; ને એ રીતે જાતે કરીને જ અગવડો–અડચણો ઉભી કરી આપે! આમાં ગુજરાતી બાપડો ક્યાંય ખોવાઇ જાય. ગોત્યોય જડે નૈ. ને જડે કદાચ, તો ય ગીતાના પહેલા જ અધ્યાયનો અંત ભાગ બોલી નાખે : “હું તો નહીં લડું!”
આ બધું જોઇ, જાણી, અનુભવીને ગુજરાતી ઇન્ટરનેટે વેવાર કરી રહેલા ગુજુ ભાઇ–બહેનોને થાય છે કે આ ઠીક નથી. એટલે હમણાંનાં બધાં એક ચર્ચાચોરે ભેળાં થયાં છે. હમણાંની દરરોજની વાતોનો વીષય એક જ છે : કયું માધ્યમ; કઇ પધ્ધતી અને કયા ફોન્ટ વાપરીએ તો બધાં એક અવાજે ” જય જય જય ગુજરાતી ગરવી” ગાઇ શકીએ ?
આ લાઇનના જાણકાર ઇજનેર બંધુઓમાં હજી એકમતી સધાઇ નથી–એ સહેલુંય નથી–પણ એક સાથે એક અવાજે બધાં ભેળાં થયાં જ છે તો કાંક તો જડશે જ , એ આશાએ ચર્ચાએ જોર પકડયું છે.
મારા જેવો નવો નીશાળીયો તો મોં વકાસીને બેસી રહેવા સીવાય શું કરી શકે ? છતાં એપ્રીલ 2006થી આજ સુધીના અનુભવે જે કાંઇ શીખ્યો એણે આટલી વાત કહેવા તો અલબત્ત, મજબુર કર્યો જ:
1] સૌ એક મંચ ઉપર એકઠાં થાય અને એક જ રહે.–નોખા ચોકા નકામા.
૨] “સો વાતની એક જ વાત : નેટ–ગુર્જરીકુંજે ઉગે પ્રભાત !” એવા પ્રકારનું સુત્ર અપનાવીએ. “ઇન્ટરનેટ–ગુર્જરી–અભીયાન” કે એવું નામાભીધાન કરી શકાય.
૩] “યુનિકોડ” ની ટેકનીકલ બાબતથી ગભરાવાને બદલે એનું યુની=એકતા અને કોડ=હોંશ એવું “અંગૃજુ” અર્થઘટન કરી યુનીકોડ = ‘એકત્વની હોંશ’ રુપે એના માટે મથવું;
૪] વીદેશોમાં ગુજરાતી સામયીકો ચલાવતા ‘ઓપિનિયન’ –લંડન–અને ‘માતૃભાષા’–ઓસ્ટ્રેલીયા–ના તંત્રીઓ ….ઉપરાંત ઇ–મેગેઝીન જેવી પ્રવૃત્તી કરતા ‘સન્ડે મહેફીલ’ અને ગુજરાતી વર્ડ–પ્રેસના બહુઆયામી સામયીકોનું સંચાલન કરનારા તંત્રીઓ…..વીવીધ પ્રકારના વ્યક્તીગત ગુજ.બ્લોગ ધરાવનારાં ગુજ.પ્રેમીઓ….વગેરેનુ એક પેટા જુથ બનાવીને ગુજરાતીનો પ્રચાર-પ્રસાર કરે તથા ગુજરાતીના ઘટતા જતા વપરાશ અને પ્રભાવની ચીંતા કરે ને આ પ્રકારના અન્ય પ્રશ્નોના ઉકેલમાં મદદરુપ બને;
૫] કમ્પ્યુટર ઇજનેરીવીદ્યાનું જ્ઞાન ધરાવતા ગુજરાતી મહાનુભાવોને એક જ કી–બોર્ડ પરથી વીવીધ આકારે પ્રગટતા ફોન્ટને ઉપલબ્ધ કરાવવાનો કીમીયો શોધી કાઢવા માટે પ્રેરીએ.
૬] ગુજરાતી શ્રેષ્ઠીઓ વૃધ્ધાવસ્થાએ પણ યુવાન મન ધરાવે છે, તેઓ ધન પણ જરુર પડ્યે વહાવે એવી તકો ઉભી કરવી.
ઈન્ટરનેટની સગવડ ધરાવતાં સૌ કોઇ ગુજ.ઓ નેટ ઉપર ગુજ.માં જ લખે, વ્યવહાર કરે તેવો આગ્રહ ને જરુર પડે તો નીયમ જેવું બનાવીને રાખવો.
ઇ–મેઇલના ‘સબ્જેક્ટ’ના ખાનામાં મોકલનારે આ મેઇલમાં પોતે કયા ફોન્ટ અને કઇ પધ્ધતીનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવે ને દર્શાવે. સહી કરવાની જગ્યાએ લખનારનું નામ અને બને તો ગામનું નામ પણ લખે.
[નોંધ : ઉપરના નં.૪ અને ૫માં બતાવેલાં અને તે સીવાયનાં પણ શોધીને તે નામોમાંથી પસંદગી કરીને પેટા સમીતી જેવી રચના થાય. ઉપરાંત વ્યક્તીનાં વય, વીષય, દેશ, દીશા, વગેરેને ધ્યાનમાં લઇને વધુ સભ્યો આવરી શકાય તે રીતે એક સમીતીની કારોબારી રુપે રચના કરવી જે ખાસ સક્રીય હોય.
અનુભવી અને વડીલોમાંથી બે વ્યક્તીને ‘પ્રમુખ ગુજ.પ્રેમી’ અને ‘ઉપપ્રમુખ ગુજ.પ્રેમી’ રુપે સ્થાપવા, કે જેઓ સૌને હાકલો–પડકારો કરતા રહે!
છુટા લોટમાં જ્યાં સુધી મૉણ નાખવામાં ન આવે ત્યાં સુધી પીંડ બંધાતો નથી ને રોટલી કે ભાખરી બનતી નથી. આ મૉણનું કામ આવી સામુહીક વ્યવસ્થાથી જ આવતી હોઇ આવો વીચાર કરવો રહે છે. બાકી સંસ્થા બન્યા પછી ઘણીવાર પ્રવૃત્તીઓ મરી જતી હોય છે.
સૌને શુભેચ્છાઓ અને સાથ આપવા નમ્ર અરજી.
(તા.25-11-06ના લખાયેલો અને ‘ઓપિનિયન’માં પ્રગટ થયેલો લેખ, જરુરી સુધારા સાથે.)પ્રથમ પ્રગટ કર્યા તા. ૨૩, ૯, ૨૦૦૭.