Better way to serve our language…

શ્રી બાબુભાઈ સુથારના લેખ પર ચર્ચા ચાલે જ છે તે દરમિયાન ઘણાં ઉપયોગી સૂચનો આવ્યાં છે, જે અમુક દિશા સૂચન કરે છે. આ દિશામાં કઈં થાય છે? હા, આશા જગાવે એવી એક કેડી તરફ શ્રી દીપકભાઈ મહેતાએ ધ્યાન દોર્યું છે અને એમને વિશ્વાસ છે કે “ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો નહીં થાય”. ‘મુંબઈ સમાચાર’માં એમની કટાર ‘ડાયલોગ’ નિયમિત પ્રકાશિત થાય છે. અહીં એને પુનઃ પ્રકાશિત કરતાં આનંદ થાય છે. તો હવે વાંચો એમનો લેખઃ

ગુજરાતી ભાષાનો વાળ પણ

વાંકો થવાનો નથી!

શ્રી દીપક મહેતા–

જુદી જુદી કૉલેજોમાં બી.એ. – એમ.એ.માં ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતા દોઢસો જેટલા વિદ્યાર્થી મુંબઈમાં તો ક્યારેય જોવા ન જ મળે. પણ હમણાં સૌરાષ્ટ્રના પાલિતાણામાં જોવા મળ્યા અને આ બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ કાંઇ બે-ચાર કલાક માટે ભેગાં નહોતાં મળ્યાં. પૂરા ત્રણ દિવસ સાથે રહ્યાં હતાં, ઠંડીની અને બીજી પણ કેટલીક અગવડો હસ્તે મુખે વેઠીને. ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરમાં ભાગ લેવા માટે એ બધાં ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી જુદી જુદી કૉલેજમાંથી આવ્યાં હતાં અને આ કાંઇ આવો પહેલો પ્રસંગ નહોતો. આ તો ૧૪મી શિબિર હતી! એનો આરંભ તો થયો હતો ઝાડ નીચે બેસીને થતી અનૌપચારિક ચર્ચામાંથી. પણ હવે એટલા બધા વિદ્યાર્થી ભાગ લેવા આતુર હોય છે કે એક કૉલેજ દસ કરતાં વધુ વિદ્યાર્થી ન મોકલી શકે એવો નિયમ કરવો પડ્યો છે! હવે તો ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીનો આર્થિક ટેકો આ શિબિરને મળે છે, તો પણ.

શિબિરના નામમાં રહેલો ‘વિદ્યાર્થીલક્ષી’ શબ્દ પણ એક કરતાં વધુ રીતે સાર્થક બનતો જોવા મળ્યો. પન્નાલાલ પટેલ, પ્રહલાદ પારેખ, જયમલ્લ પરમાર જેવા સાહિત્યકારોની જન્મશતાબ્દીને તાકીને કેટલાંક વક્તવ્યો રજૂ થયાં તેમાં જાણીતા વિદ્વાનોની સાથોસાથ વિદ્યાર્થીઓનાં ટૂંકા વક્તવ્યો પણ યોજાયાં હતાં. તો બી.એ. – એમ.એ.ના અભ્યાસક્રમમાનાં પુસ્તકો/વિષયો અંગેનાં સમાંતર વ્યાખ્યાનો પણ હતાં, જેમાં શિબિરાર્થીઓ જુદાં જુદાં ત્રણ-ચાર જૂથમાં વહેંચાઇ જતાં. તો ગુરુશિષ્ય સંવાદ નામની બેઠકમાં એ જ રીતે વહેંચાઈને વિદ્યાર્થીઓ કોઇ એક જાણકાર અભ્યાસી સાથે ચર્ચા કરે. આ માટેના વિદ્યાર્થીઓના ઉત્સાહનો ખ્યાલ એ વાત પરથી આવ્યો કે આવી જૂથચર્ચા માટે દોઢ કલાકનો સમય ફાળવવામાં આવેલો, પણ એક જૂથની ચર્ચા તો પોણા ત્રણ કલાક ચાલી! પન્નાલાલની નવલકથા માનવીની ભવાઈનાં બે મુખ્ય પાત્રો રાજુ અને કાળુમાંથી કોણ ચડિયાતું એ વિષે ડિબેટમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો, તો આંતરકૉલેજ સાહિત્ય ક્વિઝમાં છ કૉલેજના પ્રતિનિધિઓએ ભાગ લીધો. પહેલી રાતે બે નાટિકા પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભજવી – અનેક અગવડોની અવગણના કરીને.

પણ બીજા એક અર્થમાં પણ આ શિબિર વિદ્યાર્થીલક્ષી હતી. બેઠકોનું સંચાલન વિદ્યાર્થીઓ જ કરતા હતા, વક્તાઓનો પરિચય પણ વિદ્યાર્થીઓ જ આપતા હતા. શિબિરમાં આવેલા સૌ કોઇના રહેવા-ખાવા-નહાવાની વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓના હાથમાં હતી. બેઠકો વખતે કોઇ વધારાના વક્તાને બોલવાનું કહેવા જેવું લાગે તો ઓન ધ સ્પોટ વિદ્યાર્થી-સંચાલક જ કહેતા. એમનાં આ બધાં કામોમાં ભૂલ કે ઉણપ નહોતાં એવું નહોતું. પણ ‘ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય’ એ ન્યાયે ભૂલમાંથી પણ શીખવાની તેમને તક મળી. ભાષાભવનના અધ્યાપકો ડૉ. વિનોદ જોશી, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, વિપુલભાઈ વગેરે પોતાની જાતને પાછળ રાખીને જરૂર લાગે તો જ અને તેટલું જ માર્ગદર્શન આપતા.

વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવેલા અભ્યાસીઓ શિરીષ પંચાલ, મણિલાલ હ. પટેલ, સતીશ વ્યાસ, અંબાદાન રોહડિયા, જયદેવ શુકલ, હસિત મહેતા, દિક્પાલસિંહ જાડેજા, સમીર ભટ્ટ, રાજેશ પંડ્યા, વસંત જોશી, શૈલેષ ટેવાણી, નીતિન ભીંગરાડિયા, વિપુલ પુરોહિત, નેહલ જાની, અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે જુદે જુદે સ્થળેથી આવેલાં. લગભગ બધાનું કહેવું હતું કે આવા શિબિરમાં ત્રણ દિવસ વિદ્યાર્થીઓ સાથે રહેવું એ જ એક લહાવો છે. જો કે એક-બે વક્તાઓએ આવ્યા-બોલ્યા-ગયા એવું કર્યું ખરું! એવું કરવામાં વધુ નુકસાન તો પોતાને થાય છે એ સમજ્યા નહીં!

શિબિરના આયોજનમાંની બીજી એક વાત પણ ગમે તેવી હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ-ફી રૂપે સો રૂપિયા લેવાય છે ખરા, પણ તેમાંથી દરેક વિદ્યાર્થીનું ‘પરબ’ માસિકનું એક વર્ષનું લવાજમ ભરી દેવાય છે! એટલે શિબિર પૂરી થયા પછી પણ આ દોઢસો વિદ્યાર્થી એક વર્ષ સુધી સાહિત્યના સીધા સંપર્કમાં રહેવાના. પછી રસ પડે તો ‘પરબ’ કે બીજાં કોઇ સામયિક વાંચશે-મગાવશે.

ચૌદમી શિબિરની સમાપન બેઠકમાં આવતે વર્ષે પંદરમી શિબિર સાવ નવા ફોર્મેટમાં યોજાશે એવી જાહેરાત પણ કરવામાં આવી. ગુજરાતી ભાષા-સાહિત્યને બચાવવા માટે શું કરવું જોઇએ એ જાણવામાં જેમને સાચુકલો રસ હોય તેમણે આવતે વર્ષે આ શિબિરમાં જવું. માત્ર નિબંધ લેખનની કે વક્તૃત્ત્વની સ્પર્ધાઓ યોજવાથી આપણી ભાષા બચવાની નથી. ગુજરાતી ભાષા મરવા પડી છે એવો ભ્રમ જેમના મનમાં છે અને એવા ભ્રમને પોતપોતાના લાભ ખાતર ફેલાવે છે તેઓ જો આવી શિબિરમાં જવાની તક લે તો… અને આ તો માત્ર એક યુનિવર્સિટીની વાત થઇ. ગુજરાતની બધી યુનિવર્સિટીમાં તો બી.એ.-એમ.એ.માં ગુજરાતી ભણનારાંની સંખ્યા કેટલી મોટી હશે! અને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ભણનારાંની તો એથીય ઘણી મોટી. પણ આવી એકાદ શિબિરમાં પણ હાજરી આપીએ તો પાકી ખાતરી થઇ જાય કે ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો થવાનો નથી!
(‘મુંબઈ સમાચાર’ના ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૨ના અંકમાં પ્રગટ થયેલ ‘વર્ડનેટ’માંથી, લેખક અને (‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર. આંગળી ચીંધ્યાનું પુણ્ય શ્રી ઉત્તમભાઈ ગજ્જરને ફાળે…!)

લેખક–સંપર્ક :
Deepak B. Mehta,
55, Vaikunth, Lallubhai Park, Andheri,
Mumbai 400058 India

22 thoughts on “Better way to serve our language…”

 1. આશા રાખું કે દીપકભાઈનો આશાવાદ સફળ થાય. બાકી, એમનો આ આશાવાદ જોયા પછી સૌ પહેલો તો એક નાની સરખી મજાક કરવાનું મન થઈ આવ્યું. ગુજરાતી ભાષાના માથે વાળ રહ્યા હશે તો વાંકા થશે ને. બાકી અમારો અભ્યાસ એવું કહે છે કે ગુજરાતી ભાષાનું ધોવાણ થવા માંડ્યું છે. ઘણી બધી ભાષાઓમાં બન્યું છે એમ ગુજરાતી ભાષામાં પણ એ શરૂઆત એના શબ્દભંડોળથી થઈ છે. આપણાં સગાંવહાલાંનું જ શબ્દભંડોળ લો. ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, પેરન્ટ્સ અને ક્યારેક તો વળી પેરેન્ટો, વાઈફ આ બધા શબ્દો કોમન થવા લાગ્યા છે. ગઈ કાલે જ એક જ ગોદાર્દ (ફ્રેંચ ફિલ્મ દિગદર્શક)ની એક ફિલ્મ જોઈ: Alphaville. એમાં લાગણી સાથે સંકળાયેલા શબ્દો ધીમે ધીમે શબ્દકોશમાંથી અદૃશ્ય થતા હોવાની વાત આવે છે. એમાં એક શબ્દ ‘ચેતના’ પણ છે. મને લાગે છે કે આ ગ્લોબલાઈઝેશન Alphavilleનું જ એક બીજું સ્વરૂપ છે. ભારતમાં ભાષાના ધોવાણને લગતા સૌ પહેલા અભ્યાસ જો મારી ભૂલ ન થતી હોય તો ખૂબચંદાણીએ કરેલા. એ પણ સિન્ધી ભાષાના સંદર્ભમાં. અમે એમને વડોદરાના અમારા ભાષાવિજ્ઞાન વિભાગમાં વ્યાખ્યાન આપવા માટે બોલાવેલા. લગભગ વીસ કે કદાચ એથી પણ વધારે વર્ષોના ડેટાને આધારે એમણે સિન્ધી ભાષાના ધોવાણ કઈ રીતે થઈ રહ્યું છે એની વાત કરેલી. ત્યારે એમણે કહેલું કે કુટુંબ સગાંવહાલાં સાથે સંકળાયેલા શબ્દભંડોળમાં, ખાવાપીવાની ટેવ સાથે સંકળાયેલા શબ્દભંડોળમાં, તહેવારો સાથે અને ભારતીય કેલેન્ડર સાથે સંકળાયેલા શબ્દભંડોળમાં વગેરેમાં મોટા પાયા પર ધોવાણ થઈ રહ્યું છે. આ વાત એમને વીસેક વરસ પહેલાં કરી હતી. આજે ખૂબચંદાણી પાસે કદાચ વધારે ડેટા હશે. ગુજરાતી ભાષામાં ભાષાવિજ્ઞાનીઓનો દુકાળ છે. એટલે આવો ડેટા મળવો મુશ્કેલ છે. વળી જેઓ ભાષાના ધોવાણની વાત કરે છે એમને કોઈ સ્વાર્થ હશે એવી વાત પણ મને તો અવૈજ્ઞાનિક લાગે છે. હું આવી વાત કરીને શું મેળવવા માગતો હોઈશ મને કોઈ કહેશે તો અચૂક ગમશે. ખ્યાતિ તો મારે જોઈતી નથી. વળી, આવી વાત કરવાથી કોઈ મને નોકરી પણ આપવાનું નથી. કોઈ એવોર્ડ પણ આપવાનું નથી. એટલી આ પ્રકારની વાતો કરતાં પહેલાં બે વાર વિચાર કરવો પડે. વિકાસશીલ દેશોના વિદ્વાનો સાથે ચર્ચા કરતી વખતે મને એક મુશ્કેલી વારંવાર પડી છે. એ લોકો હંમેશાં એવું વિચારતા હોય છે કે હું આમ કે તેમ કહું છું તો મને એવું કહેવામાં શો સ્વાર્થ હશે. કોઈ એમ નથી વિચારતું કે બાબુ સુથાર અ કે બ વિધાન કરે છે તો એ વિધાન એ શાના આધારે કરે છે અને એ જેનો આધાર લે છે એ આધાર સ્વીકારી શકાય એવો છે ખરો? હું અહીં અમેરિકાના ભાષાવિજ્ઞાનીઓ સાથે ગુજરાતી ભાષાના ધોવાણની વાત કરું છું ત્યારે એઓ એવું નતી વિચારતા કે હું શું મેળવવા માટે આવું કહેતો હોઈશ. એ લોકો મારી પાસે પ્રમાણ માગતા હોય છે. અને જો હું પ્રમાણ ન આપું તો મારી વાતનો અસ્વીકાર કરતા હોય છે. એટલે જ તો હું અવારનવાર કહું છું કે આર્થિક વિકાસ એક વાત છે અને બૌદ્ધિક વિકાસ બીજી વાત છે. આર્થિક વિકાસની સત્તા ઘણી વાર આપણને આ બેની વચ્ચે સેળભેળ કરતા કરી નાખે છે. વળી, જે વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય ભણે છે એમના સમાજશાસ્ત્રનું આપણે ક્યારેય વિશ્લેષણ કર્યું છે ખરું? મુંબઈમાં આટલા બધા ગુજરાતીઓ વસે છે પણ મુંબઈ યુનિવર્સિટીને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ નથી મળતા. કેમ? એક જમાનામાં મળતા હતા. એવું તો નથીને કે એ જમાના અને અત્યારના સૌરાષ્ટ્રની વચ્ચે ઘણું બધું સામ્ય હોય? અનેક કારણોસર સૌરાષ્ટ્ર ગુજરાતી ભાષાનું રખેવાળ રહ્યું છે. ભક્પતિ પરંપરા અનેસ સન્ત પરંપરાએ એ રખેવાળીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પણ, ગ્લોબલાઈઝેશનમાં એ રખેવાળી ઝાઝો સમય ટકી રહેશે કે કેમ એ વિષે મને શંકા છે. વળી દીપકભાઈ, ગુજરાતી ભણનારાઓની સંખ્યાને આધારે ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો નહિં થાય એની વાત કરે છે. સવાલ સંખ્યાનો નથી. ગુણવત્તાનો છે. અને આ સંખ્યા પણ ધીમે ધીમે ઘટવા માંડશે. જેવું મુબંઈમાં થયું એવું ગુજરાતમાં પણ થશે. વીસેક વરસ રાહ જૂઓ.

 2. શબ્દભંડૌળના સ્તર પરના ધોવાણના ત્રણ નમૂના (દીપકભાઈના લખાણમાંથી): (૧) પન્નાલાલની નવલકથા માનવીની ભવાઈનાં બે મુખ્ય પાત્રો રાજુ અને કાળુમાંથી કોણ ચડિયાતું એ વિષે ડિબેટમાં (ચર્ચામાં) વિદ્યાર્થીઓએ ભાગ લીધો, (૨) તો આંતરકૉલેજ સાહિત્ય ક્વિઝમાં (સ્પર્ધામાં) છ કૉલેજના પ્રતિનિધિઓએ ભાગ લીધો. (૩) બેઠકો વખતે કોઇ વધારાના વક્તાને બોલવાનું કહેવા જેવું લાગે તો ઓન ધ સ્પોટ (તરત જ કે બીજો કોઈ શબ્દ્) -સંચાલક જ કહેતા. (૪) ચૌદમી શિબિરની સમાપન બેઠકમાં આવતે વર્ષે પંદરમી શિબિર સાવ નવા ફોર્મેટમાં (સ્વરૂપમાં) યોજાશે એવી જાહેરાત પણ કરવામાં આવી. જ્યારે ગુજરાતી શબ્દ ન હોય ત્યારે આપણે કાં તો નવો શબ્દ બનાવીએ, કાં તો મૂળ શબ્દ વાપરીએ. પણ, જ્યારે એ માટેનો શબ્દ હોય ત્યારે પણ જો આપણે મૂળ શબ્દ વાપરીએ તો એને ભાષાનું ધોવાણ જ કહેવાય. એક તબક્કે પછી મોટા ભાગના ગુજરાતીઓ આ શબ્દો વાપરતા થઈ જાય એટલે એને ભાષાવિજ્ઞાનીઓ ‘ભાષા હાનિ’ (language loss) તરીકે ઓળકાવતા હોય છે. પણ, મને એક વાતની ચોખવટ કરવા દો. અહીં હું એમ નથી કહેવા માગતો કે દીપકભાઈને ગુજરાતી ભાષા નથી આવડતી. હું એટલું જ કહેવા માગું છું કે આપણે બધાં જ ક્યાંકને ભાષાધોવાણનો ભોગ બન્યાં છીએ. જો આપણે એનાથી સભાન થઈશું તો કદાચ આપણે એ ધોવાણની પ્રક્રિયાને અમુક અંશે ખોરંભે પાડી શકીશું.

 3. ગુજરાતીમાં આપણે કહીએ છીએ, “હું પ્રેમમાં પડ્યો.” રજનીશે મૂળ અંગ્રેજીની મજાક કરતાં કહ્યું છે: In the West they fall in love; in the East, we rise in love. હિન્દીમાં કોઈ “મેં પ્યારમેં ગિરા’ બોલે છે? મને ખબર નથી.

 4. આજના દિવ્યભાસ્કરમાં એક સમાચાર છે: અમદાવાદના ગુજરાત કોલેજ રોડ સ્થિત ડીઓ ઓફિસ સામે ખાદી ગ્રામઉદ્યોગની દુકાન પાસે જીવાતને લીધે સુકાઇ ગયેલું એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. વૃક્ષ ધરાશાયી થઇને તેની નીચે પાર્ક કરાયેલી 3 કાર પર પડ્યું હતું. સદનસીબે આ સમયે કારમાં કોઇ બેઠુ નહતું જેના લીધે જાનહાનિ ટળી હતી. કાર પાર્ક કરીને તેના માલિકો હોસ્પિટલમાં પોતાના સગા-સંબંધીઓની ખબર-અંતર પૂછવા ગયા હતા. હવે આ વાક્ય જુઓ: ” વૃક્ષ ધરાશાયી થઇને તેની નીચે પાર્ક કરાયેલી 3 કાર પર પડ્યું હતું.” ધરાશાયી થયેલું ઝાડ પાછું નીચે પણ પડ્યું એમ કહેવાની જરૂર ખરી?

 5. આપણા ઘણા બધા લેખકો “હું માના ગર્ભમાં હતો” એવું કંઈક લખતા હોય છે. પ્રશ્ન: માના ગર્ભમાં હતો એમ કહેવાય કે માના ગર્ભાશયમાં હતો એમ કહેવાય? કોઈકે લખ્યું છે: “માના ગર્ભ જેવો અંધકાર’.

 6. ભાષાધોવાણના થોડા નમૂના: (૧) દીપકભાઈ લખે છે: “જુદી જુદી કૉલેજોમાં બી.એ. – એમ.એ.માં ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતા દોઢસો જેટલા વિદ્યાર્થી મુંબઈમાં તો ક્યારેય જોવા ન જ મળે. પણ હમણાં સૌરાષ્ટ્રના પાલિતાણામાં જોવા મળ્યા અને આ બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ કાંઇ બે-ચાર કલાક માટે ભેગાં નહોતાં મળ્યાં.” હું આ વાક્ય આ રીતે લખું: “જુદી જુદી કૉલેજોમાં બી.એ. – એમ.એ.માં ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતા દોઢસો જેટલા વિદ્યાર્થી મુંબઈમાં તો ક્યારેય જોવા ન જ મળે. પણ હમણાં સૌરાષ્ટ્રના પાલિતાણામાં જોવા મળ્યા અને આ બધાં વિદ્યાર્થીઓ કાંઇ બે-ચાર કલાક માટે ભેગા નહોતા મળ્યા.” અથવા તો, “જુદી જુદી કૉલેજોમાં બી.એ. – એમ.એ.માં ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્્થીનીઓ મુંબઈમાં તો ક્યારેય જોવા ન જ મળે. પણ હમણાં સૌરાષ્ટ્રના પાલિતાણામાં જોવા મળ્યા અને આ બધાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ કાંઇ બે-ચાર કલાક માટે ભેગાં નહોતાં મળ્યાં.” (૨) દીપકભાઈ લખે છે: “ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરમાં ભાગ લેવા માટે એ બધાં ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી જુદી જુદી કૉલેજમાંથી આવ્યાં હતાં અને આ કાંઇ આવો પહેલો પ્રસંગ નહોતો. આ તો ૧૪મી શિબિર હતી! એનો આરંભ તો થયો હતો ઝાડ નીચે બેસીને થતી અનૌપચારિક ચર્ચામાંથી.” “એનો આરંભ”નો અર્થ શું કરવાનો? હું સમજ્યો કે ૧૪મી શિબિરનો આરંભ. પણ, પછી વિચારતાં ખબર પડી કે અહિં ‘એનો’ સર્વનામ આ શિબિર પ્રવૃત્તિ માટે વપરાયું છે, ૧૪મી શિબિર માટે નહીં. જો કે, આ વાત પણ હજી હું વિશ્વાસપૂર્વક કહી શકતો નથી. (૩) દીપકભાઈ લખે છે: “શિબિરના નામમાં રહેલો ‘વિદ્યાર્થીલક્ષી’ શબ્દ પણ એક કરતાં વધુ રીતે સાર્થક બનતો જોવા મળ્યો. પન્નાલાલ પટેલ, પ્રહલાદ પારેખ, જયમલ્લ પરમાર જેવા સાહિત્યકારોની જન્મશતાબ્દીને તાકીને કેટલાંક વક્તવ્યો રજૂ થયાં તેમાં જાણીતા વિદ્વાનોની સાથોસાથ વિદ્યાર્થીઓનાં ટૂંકા વક્તવ્યો પણ યોજાયાં હતાં.” એક વાર વક્તવ્ય યોજાય, બીજી વાર રજૂ થાય. અને એ પણ એક જ ઘટનાની વાત કરતી વખતે. હું બઆ વતા આમ લખું: “શિબિરના નામમાં રહેલો ‘વિદ્યાર્થીલક્ષી’ શબ્દ પણ એક કરતાં વધુ રીતે સાર્થક બનતો જોવા મળ્યો. પન્નાલાલ પટેલ, પ્રહલાદ પારેખ, જયમલ્લ પરમાર જેવા સાહિત્યકારોની જન્મશતાબ્દીને તાકીને કેટલાંક વક્તવ્યો રજૂ થયાં એમાં જાણીતા વિદ્વાનોની સાથોસાથ વિદ્યાર્થીઓનાં ટૂંકાં વક્તવ્યોનો પણ સમાવેશ થતો હતો.” (૪) દીપકભાઈ લખે છે: “તો બી.એ. – એમ.એ.ના અભ્યાસક્રમમાનાં પુસ્તકો/વિષયો અંગેનાં સમાંતર વ્યાખ્યાનો પણ હતાં, જેમાં શિબિરાર્થીઓ જુદાં જુદાં ત્રણ-ચાર જૂથમાં વહેંચાઇ જતાં.” અહીં “વહેંચાઈ જતા” જોઈએ. આ કદાચ છાપભૂલ હોઈ શકે. (૫) અહીં લખવામાં આવ્યું છે: ” બેઠકો વખતે કોઇ વધારાના વક્તાને બોલવાનું કહેવા જેવું લાગે તો ઓન ધ સ્પોટ વિદ્યાર્થી-સંચાલક જ કહેતા.” ‘વધારાના વક્તા’ મૂળે અંગ્રેજી ‘additional speaker’ માટે વપરાયો હોય એવું લાગે છે. એના બદલે ‘નક્કી કર્યા સિવાયના બીજા કોઈ વક્તાને’ કે એવું કંઈક હોવું જોઈએ. (૬) આ વાક્યમાં ‘પોતાની જાતને પાછળ રાખીને’ મૂળ અંગ્રેજીના પ્રભાવ હેઠળ લખાયું હોય એવું મને લાગે છે. હું ખોટો પણ હોઈ શકું: “ભાષાભવનના અધ્યાપકો ડૉ. વિનોદ જોશી, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, વિપુલભાઈ વગેરે પોતાની જાતને પાછળ રાખીને જરૂર લાગે તો જ અને તેટલું જ માર્ગદર્શન આપતા.” (૭) આ વાક્ય જુઓ: “વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવેલા અભ્યાસીઓ શિરીષ પંચાલ, મણિલાલ હ. પટેલ, સતીશ વ્યાસ, અંબાદાન રોહડિયા, જયદેવ શુકલ, હસિત મહેતા, દિક્પાલસિંહ જાડેજા, સમીર ભટ્ટ, રાજેશ પંડ્યા, વસંત જોશી, શૈલેષ ટેવાણી, નીતિન ભીંગરાડિયા, વિપુલ પુરોહિત, નેહલ જાની, અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે જુદે જુદે સ્થળેથી આવેલાં.” અહીં કર્તા છે: “અભ્યાસીઓ’ (પુલ્લિંગ બહુવચન) એટલે ‘આવેલાં’ નહીં પણ, આવેલા જોઈએ. લેખકે ‘આવેલાં’ વક્તાઓમાં પુરુષો અને મહિલાઓ બન્ને હોવાથી વાપર્યો હોય એવું લાગે છે પણ વ્યાકરણની રીતે એ યોગ્ય નથી. (૮) દીપકભાઈ કહે છે: “જો કે એક-બે વક્તાઓએ આવ્યા-બોલ્યા-ગયા એવું કર્યું ખરું! એવું કરવામાં વધુ નુકસાન તો પોતાને થાય છે એ સમજ્યા નહીં!” આ કેવું લાગે? “જો કે એક-બે વક્તાઓએ આવ્યા-બોલ્યા-ગયા! પણ, એવું કરવામાં વધુ નુકસાન તો એમને પોતાને થાય છે એ વાત એઓ સમજ્યા નહીં!” કોઈ કહેશે કે હું પાણીમાંથી પોરા કાઢું છું. પણ ના. આ પોરા નથી. વળી આવા પોરા કેવળ દીપકભાઈનાં જ લખાણોમાં નહીં, બીજા અનેક સાહિત્યકારોના લખાણમાં જોવા મળે છે. એમાં મારાં લખાણોનો પણ સમાવેશ થાય છે. હું ઘણી કાળજી રાખતો હોવા છતાં ક્યારેક મારા હાથે ગુજરાતી ભાષામાં શક્ય હોય પણ સ્વીકાર્ય ન હોય એવી વાક્યરચનાઓ અસ્તિત્ત્વમાં આવતી હોય છે. એટલે આ નોંધને કોઈએ કોઈક વ્યક્તિ પરના પ્રહાર તરીકે જોવાને બદલે આપણી ભાષાના એક પ્રતિબિંબ તરીકે જોવી જોઈએ. હરિવલ્લભ ભાયાણીએ પણ “ભણેલાંની ભૂલો” નામના એક લેખમાં આપણા ભણેલાઓ કેવી ભાષા લખે છે એના નમૂના આપ્યા છે.

 7. Dear Shri Dipak bhai and Bau bhai,
  Sahu paratham to aap banne no aa charchaa fari ek vaar sharu karvaa maate aabhaar. Have maaraa vicharo raju karvaa ni ghrushtataa karun chhun. Hun pan Gujarati ma type karvaa maangu chhun pan kevi rite aa blog par type karvun eni khabar nathi. Babu bhai, English ma Gujarati lakhvaa maate ni ghrushtata ne dar gujar karsho evi apeksha asthaane to nathi ne?
  Ha, ek vaat khari ke Gujarati ja nahin pan ghani badhi pradeshik bhahaonu dhovan thai rahiyun chhe. Aa to thavaanuj chhe. Ek samay ma bolati, lakhat ane samjhati ghani badhi bhashao nu naamo nishaan nathi. Roman bhasha nuj udaharan lo. Aapni bhasha ane sanskrti nu jatan karvun aapna haath ma chhe. Chaar chopdi English bhanela jyare potaana balko saathe angrejee ma vaat karta thaay chhe tyaare Matrubhasha nu dhovaan thavani sharuaat thaay chhe. Aano artha em nathi ke anya bhasha shikhvi nahin.
  Hun Gujarat ma (Surat) ma janmyo. Sainth varsho sudhi Mumbai maari karma bhoomi rahi. Chhella agiyaar varsho thi Toronto (Canada) sa parivaar rahun chhun. Ahin avyo tyaarthi ek niyam banavi lidho chhe ne aaj sudhi ena par amal kari rahyo chhun. Ghar ma pravesh karo etle angreji ne darvajaa bahaar rakho. Ghar ma matra ane matra matrubhasahamaj vaato karo. Have to maara balko ne pan aa aadat padi gayee chhe. Hun dradh pane maanu chhun ke maa, baap e aa vaat ni darkaar rakhvi joi. Ahin prasidhha Urdu shayar Akbar Alahabadi, je pote judge hata, emno sk sher raju karun chhun:

  Hamida achhi thi jab English se beganaa thi,
  Ab shamm-e-mehfil hai, pehle chiragh-e-khana thi.

  Artha: Hamida (Emni dikree) vishe lakhi ne English sanskruti par chot kari chhe nahin ke bhasha par.

 8. હું બાબુભાઈની વાત સાથે સહમત છું. મારા એક ઓળખીતા વડીલ વડોદરે રહે છે. તેમની ઘરે પૌત્ર અમેરિકાથી રહેવા આવ્યો હતો. પૌત્ર દાદા પાસે કેળાની માંગણી કરતો હતો અને દાદા “બનાના” લઈને આવ્યા હતાં.

 9. ફિરોઝભાઈ, દરેક બાળકને એની પસંદગીની ભાષા ભણવાનો અધિકિાર છે. હું એમ નથી કહેવા માગતો કે ગુજરાતી માબાપોએ એમનાં સંતાનોને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવાં જોઈએ. ભલેને એ માબાપો એમને અંગ્રેજી માધ્યમમાં ભણાવે. પણ, એ જે ભાષા ભણે એના પર માતૃભાષા પર હોય છે એવું પ્રભુત્ત્વ હોવું જોઈએ. અમેરિકા કે કેનેડામાં રહેતાં મા-બાપો દેખીતી રીતે જ ગુજરાતી ભાષા ન નિભાવી શકે. એમ છતાં કેટલાંક મા-બાપો એમનાં બાળકો ગુજરાતી શીખે એ માટે પ્રયત્ન કરતાં હોય છે અને એમાં કશું ખોટું પણ નથી. એનાથી બાળકોને હકીકતમાં તો ફાયદો થતો હોય છે. થોડા વખત પહેલાં જ એક સંશોધકે એવું સાબિત કર્યું છે કે એક કરતાં વધારે ભાષાઓ જાણનારને મોટી વયે સ્મૃતિરોગની શક્યતાઓ ઓછી રહેતી હોય છે. એ જ રીતે, જેઓ એક કરતાં વધારે ભાષાઓ જાણતા હોય છે એમનું વિશ્વદર્શન પણ વ્યાપક હોય છે. પણ, આ બધા ‘ફાયદા’ આર્થિક નથી. એટલે દેખીતી રીતે જ એનું મૂલ્ય ઓછું હોય. હું પણ તમારી જેમ જ મારા બાળક સાથે ગુજરાતીમાં વાત કરું છું. ક્યારેક મારાં પત્નિ જો એની સામે અંગ્રેજીમાં બોલે તો મારો દિકરો એના પર ગુસ્સે થઈ જતો હોય છે અને કહેતો હોય છે કે ગુજરાતીમાં બોલ. આ ઉનાળામાં હું એને ગુજરાતી લખતાંવાંચતાં શીખવાડી દેવાનો છે. અત્યારે એ વાંચે તો છે પણ હજી એને જોઈએ એટલી ફાવટ આવી નથી. તમે કરો છો એ પણ એક રીત છે ભાષાને જાળવવાની. ભાષાને સમૃદ્ધ કરવાની. બાકી, ગુજરાતમાં તો માબાપો એમનાં સંતાનો સાથે અંગ્રેજીમાં વાત કરવાનો પ્રયાસ કરતાં હોય છે: બેટા, આ બનાનું ઈટ કરી લે પછી આપણે બસ કેચ કરીને સીટીમાં શોપિંગ માટે જઈએ. “મારી દીકરીને તો બહુ બુક્સો રીડ કરવાની હોય છે.” બોલો, છેને ગુજરાતી!

  1. Varsho pehlan, kadaach 1965 ma Amdavad javanu thayun hatun. Tyan Father Wallace ne malva gayo hato. Dekhti reete emnni jode English ma vaat kari ‘Impress’ karvano baalish praytna karyo hato. Maari vaato amuk samay sudhi sambhdya pachhi emne mane kahyun, “Mane Gujarati bolta aavde chhe. Aapne Gujarati ma vaato karishun to mane gamshe.”
   Gujarationi English vishe emne mane ek vaat kaheli.Mane cchay bahuj pasand chhe aa vaat Gujarati aam bole, “I am a great lover of tea!!” Ane haajar so hathiyaar ne English maa, “Present that instrument!!” Chhe ne mazaani vaat.
   Chaalo, fari malishun.

  1. ભાઈશ્રી/બહેનશ્રી, માફ કરશો. આ વાત કાંઈ ગળે ના ઉતરી કે ગુજરાતી શબ્દ જોડણીનો આધાર વ્યક્તિની સ્થાનિક બોલી પર રહેલો છે. શિક્ષણ અને ભાષા વપરાશ સાથે સહમત પણ, હજુ વાણી ક્ષમતા (speech ability) માટે પણ જોડણીનો આધાર તેના પર કેવી રીતે રહ્યો છે તે સમજાયું નહી. જો આપ અંગ્રેજી વિકિપીડિયાની કડી આપ્યા વગર આ સમજાવશો તો મારા જેવા અબુધને સરળતા રહેશે.

 10. ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો થવાનો નથી!
  Here is a Google translation for this title.
  गुजराती भाषा पार बाल नहीं उगते!
  Gujarati language cross hair does not grow!

  I know it’s not perfect ………..Have a fun!

  (4)અનુવાદ યોગ્ય ગુજરાતી

 11. 🙂 માફ કરશો – હસવું આવે ત્યારે હું રોકી નથી શકતો. કોઈને ન ગમે તો બે રોટલી / રોટલા / પુડલા અરે જે હાથમાં આવે તે વધારે ખાઈ લેશો. 🙂

 12. આ રવિવારી સવારે વેડમી ખાધા જેવો જલસો થઈ ગયો.
  આવી પ્રવૃત્તિઓ વધતી જ રહે તેવી શુભેચ્છા.
  સેંકડો બ્લોગરો જે પ્રવૃત્તિ જે ધગશ અને ઉલ્લાસથી કરી રહ્યા છે – તે પણ આવો જ વિશ્વાસ પૂરો પાડે છે .
  એક વેબ સાઈટ …

  http://aksharnaad.com/downloads/

 13. મને તો શ્રી.બાબુભાઈએ આપેલા ભાષાધોવાણના નમૂનાઓ વિચારપ્રદ લાગ્યા. લેખ અને પ્રતિભાવો, અમ જેવા શિખાઉ માટે, ગોળનું ગાડું મળ્યા બરોબર છે. આવા લેખ અને ચર્ચા ચાલુ રહે તેવી અભ્યર્થના. આભાર.

 14. ત્રણ ભાષા સૂત્ર નું શું થયું??
  અંગ્રેજી માં બોલી હિન્દી ભાષા ને પ્રોત્સાહન આપો પણ લખો સરળ ગુજરાતી લિપિ માં……

 15. બાબુભાઇ ના લખાણ પછી એમ લાગે કે આપણે ઘણુ ખોટું લખીએ છીએ, આમા સાહિત્યકારો નો પણ સમાવેશ કરી શકાય.ચર્ચા એની મહત્તમ ઉંચી કક્ષાએ થઈ રહી છે.

 16. I thought the spirit of Shri Dipak Mehta’s article was to inform people that the young students are indeed taking part in some interesting interaction about the language. I appreciate this aspect of the article and the initiaitive of ‘Maari Baari” in reproducing it in that particlular spirit. There are other fora for dicussing “bhasha nu dhovaan” at length.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: