Better way to serve our language…

શ્રી બાબુભાઈ સુથારના લેખ પર ચર્ચા ચાલે જ છે તે દરમિયાન ઘણાં ઉપયોગી સૂચનો આવ્યાં છે, જે અમુક દિશા સૂચન કરે છે. આ દિશામાં કઈં થાય છે? હા, આશા જગાવે એવી એક કેડી તરફ શ્રી દીપકભાઈ મહેતાએ ધ્યાન દોર્યું છે અને એમને વિશ્વાસ છે કે “ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો નહીં થાય”. ‘મુંબઈ સમાચાર’માં એમની કટાર ‘ડાયલોગ’ નિયમિત પ્રકાશિત થાય છે. અહીં એને પુનઃ પ્રકાશિત કરતાં આનંદ થાય છે. તો હવે વાંચો એમનો લેખઃ

ગુજરાતી ભાષાનો વાળ પણ

વાંકો થવાનો નથી!

શ્રી દીપક મહેતા–

જુદી જુદી કૉલેજોમાં બી.એ. – એમ.એ.માં ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતા દોઢસો જેટલા વિદ્યાર્થી મુંબઈમાં તો ક્યારેય જોવા ન જ મળે. પણ હમણાં સૌરાષ્ટ્રના પાલિતાણામાં જોવા મળ્યા અને આ બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ કાંઇ બે-ચાર કલાક માટે ભેગાં નહોતાં મળ્યાં. પૂરા ત્રણ દિવસ સાથે રહ્યાં હતાં, ઠંડીની અને બીજી પણ કેટલીક અગવડો હસ્તે મુખે વેઠીને. ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરમાં ભાગ લેવા માટે એ બધાં ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી જુદી જુદી કૉલેજમાંથી આવ્યાં હતાં અને આ કાંઇ આવો પહેલો પ્રસંગ નહોતો. આ તો ૧૪મી શિબિર હતી! એનો આરંભ તો થયો હતો ઝાડ નીચે બેસીને થતી અનૌપચારિક ચર્ચામાંથી. પણ હવે એટલા બધા વિદ્યાર્થી ભાગ લેવા આતુર હોય છે કે એક કૉલેજ દસ કરતાં વધુ વિદ્યાર્થી ન મોકલી શકે એવો નિયમ કરવો પડ્યો છે! હવે તો ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીનો આર્થિક ટેકો આ શિબિરને મળે છે, તો પણ.

શિબિરના નામમાં રહેલો ‘વિદ્યાર્થીલક્ષી’ શબ્દ પણ એક કરતાં વધુ રીતે સાર્થક બનતો જોવા મળ્યો. પન્નાલાલ પટેલ, પ્રહલાદ પારેખ, જયમલ્લ પરમાર જેવા સાહિત્યકારોની જન્મશતાબ્દીને તાકીને કેટલાંક વક્તવ્યો રજૂ થયાં તેમાં જાણીતા વિદ્વાનોની સાથોસાથ વિદ્યાર્થીઓનાં ટૂંકા વક્તવ્યો પણ યોજાયાં હતાં. તો બી.એ. – એમ.એ.ના અભ્યાસક્રમમાનાં પુસ્તકો/વિષયો અંગેનાં સમાંતર વ્યાખ્યાનો પણ હતાં, જેમાં શિબિરાર્થીઓ જુદાં જુદાં ત્રણ-ચાર જૂથમાં વહેંચાઇ જતાં. તો ગુરુશિષ્ય સંવાદ નામની બેઠકમાં એ જ રીતે વહેંચાઈને વિદ્યાર્થીઓ કોઇ એક જાણકાર અભ્યાસી સાથે ચર્ચા કરે. આ માટેના વિદ્યાર્થીઓના ઉત્સાહનો ખ્યાલ એ વાત પરથી આવ્યો કે આવી જૂથચર્ચા માટે દોઢ કલાકનો સમય ફાળવવામાં આવેલો, પણ એક જૂથની ચર્ચા તો પોણા ત્રણ કલાક ચાલી! પન્નાલાલની નવલકથા માનવીની ભવાઈનાં બે મુખ્ય પાત્રો રાજુ અને કાળુમાંથી કોણ ચડિયાતું એ વિષે ડિબેટમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો, તો આંતરકૉલેજ સાહિત્ય ક્વિઝમાં છ કૉલેજના પ્રતિનિધિઓએ ભાગ લીધો. પહેલી રાતે બે નાટિકા પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભજવી – અનેક અગવડોની અવગણના કરીને.

પણ બીજા એક અર્થમાં પણ આ શિબિર વિદ્યાર્થીલક્ષી હતી. બેઠકોનું સંચાલન વિદ્યાર્થીઓ જ કરતા હતા, વક્તાઓનો પરિચય પણ વિદ્યાર્થીઓ જ આપતા હતા. શિબિરમાં આવેલા સૌ કોઇના રહેવા-ખાવા-નહાવાની વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓના હાથમાં હતી. બેઠકો વખતે કોઇ વધારાના વક્તાને બોલવાનું કહેવા જેવું લાગે તો ઓન ધ સ્પોટ વિદ્યાર્થી-સંચાલક જ કહેતા. એમનાં આ બધાં કામોમાં ભૂલ કે ઉણપ નહોતાં એવું નહોતું. પણ ‘ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય’ એ ન્યાયે ભૂલમાંથી પણ શીખવાની તેમને તક મળી. ભાષાભવનના અધ્યાપકો ડૉ. વિનોદ જોશી, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, વિપુલભાઈ વગેરે પોતાની જાતને પાછળ રાખીને જરૂર લાગે તો જ અને તેટલું જ માર્ગદર્શન આપતા.

વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવેલા અભ્યાસીઓ શિરીષ પંચાલ, મણિલાલ હ. પટેલ, સતીશ વ્યાસ, અંબાદાન રોહડિયા, જયદેવ શુકલ, હસિત મહેતા, દિક્પાલસિંહ જાડેજા, સમીર ભટ્ટ, રાજેશ પંડ્યા, વસંત જોશી, શૈલેષ ટેવાણી, નીતિન ભીંગરાડિયા, વિપુલ પુરોહિત, નેહલ જાની, અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે જુદે જુદે સ્થળેથી આવેલાં. લગભગ બધાનું કહેવું હતું કે આવા શિબિરમાં ત્રણ દિવસ વિદ્યાર્થીઓ સાથે રહેવું એ જ એક લહાવો છે. જો કે એક-બે વક્તાઓએ આવ્યા-બોલ્યા-ગયા એવું કર્યું ખરું! એવું કરવામાં વધુ નુકસાન તો પોતાને થાય છે એ સમજ્યા નહીં!

શિબિરના આયોજનમાંની બીજી એક વાત પણ ગમે તેવી હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ-ફી રૂપે સો રૂપિયા લેવાય છે ખરા, પણ તેમાંથી દરેક વિદ્યાર્થીનું ‘પરબ’ માસિકનું એક વર્ષનું લવાજમ ભરી દેવાય છે! એટલે શિબિર પૂરી થયા પછી પણ આ દોઢસો વિદ્યાર્થી એક વર્ષ સુધી સાહિત્યના સીધા સંપર્કમાં રહેવાના. પછી રસ પડે તો ‘પરબ’ કે બીજાં કોઇ સામયિક વાંચશે-મગાવશે.

ચૌદમી શિબિરની સમાપન બેઠકમાં આવતે વર્ષે પંદરમી શિબિર સાવ નવા ફોર્મેટમાં યોજાશે એવી જાહેરાત પણ કરવામાં આવી. ગુજરાતી ભાષા-સાહિત્યને બચાવવા માટે શું કરવું જોઇએ એ જાણવામાં જેમને સાચુકલો રસ હોય તેમણે આવતે વર્ષે આ શિબિરમાં જવું. માત્ર નિબંધ લેખનની કે વક્તૃત્ત્વની સ્પર્ધાઓ યોજવાથી આપણી ભાષા બચવાની નથી. ગુજરાતી ભાષા મરવા પડી છે એવો ભ્રમ જેમના મનમાં છે અને એવા ભ્રમને પોતપોતાના લાભ ખાતર ફેલાવે છે તેઓ જો આવી શિબિરમાં જવાની તક લે તો… અને આ તો માત્ર એક યુનિવર્સિટીની વાત થઇ. ગુજરાતની બધી યુનિવર્સિટીમાં તો બી.એ.-એમ.એ.માં ગુજરાતી ભણનારાંની સંખ્યા કેટલી મોટી હશે! અને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ભણનારાંની તો એથીય ઘણી મોટી. પણ આવી એકાદ શિબિરમાં પણ હાજરી આપીએ તો પાકી ખાતરી થઇ જાય કે ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો થવાનો નથી!
(‘મુંબઈ સમાચાર’ના ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૨ના અંકમાં પ્રગટ થયેલ ‘વર્ડનેટ’માંથી, લેખક અને (‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર. આંગળી ચીંધ્યાનું પુણ્ય શ્રી ઉત્તમભાઈ ગજ્જરને ફાળે…!)

લેખક–સંપર્ક :
Deepak B. Mehta,
55, Vaikunth, Lallubhai Park, Andheri,
Mumbai 400058 India

%d bloggers like this: