વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ

૨૧મી ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’.

૧૯૪૯માં એ વખતના પૂર્વ પાકિસ્તાન પર પશ્ચિમ પાકિસ્તાનના વર્ચસ્વ હેઠળની સરકારે ઉર્દુ ઠોકી બેસાડી એની સામે બંગાળીભાષી જનતામાં  ભારે રોષ ફેલાયો. ઠેર ઠેર આંદોલનો ભડકી ઊઠ્યાં, પોલીસના દમન સામે પણ લોકોએ નમતું ન મૂક્યું. અંતે, બંગાળીને પાકિસ્તાનમાં ઉર્દુ સમાન દરજ્જો મળ્યો. ભાષાના બચાવ માટે શરૂ થયેલું આ આંદોલન ત્યાં જ ન અટક્યું. જાગી ગયેલા લોકો જોઈ શક્યા કે એમના તરફ તો માત્ર ભાષા જ નહીં,. આર્થિક અને રાજકીય અન્યાયો પણ થાય છે. અંતે ધર્મને નામે બનેલા દેશના ભાષાને કારણે બે ટુકડા થઈ ગયા. પરંતુ આજે પણ બાંગ્લાદેશીઓ ૨૧મી ફેબ્રુઆરીને ભૂલ્યા નથી. આજે પણ દર વર્ષે “એકુશે ફેબ્રુઆરી” ગીતો બનીને ગલીએ ગલીએ ગૂંજે છે.

આ સંદર્ભમાં આપણે ગુજરાતીના ભાવિ અંગે વિચારીએ એ જરૂરી લાગતાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતી માટે થયેલા કામની માહિતી આપવાના પ્રયાસ કર્યા છે. એવામાં અભીવ્યક્તીબ્લોગ પર ચાલેલી ઊંઝા જોડણી વિશેની ચર્ચા દરમિયાન શ્રી બાબુભાઈ સુથારનો પરિચય થયો. એમણે એમનો એક લેખ Locating a Regional Language in a Globalization Process વાંચવા માટે મોકલ્યો. એમની અનુમતી મેળવીને એમના લેખનો ભાવાનુવાદ અહીં વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓનો મૃત્યુઘંટ  એવા નવા શીર્ષક હેઠળ રજુ કરૂં છું.

શ્રી બાબુભાઈ અમેરિકામાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ સાઉથ એશિયા સ્ટડીઝમાં ગુજરાતીના લેક્ચરર તરીકે કાર્યરત છે. એમણે ભાષાના ક્ષેત્રમાં ઘણું કાર્ય કર્યું છે અને આંતરરાષ્ટ્રીય ભાષાશાસ્ત્રીઓ સાથે સંકળાયેલા છે. વડોદરામાં એમણે એમ. એસ. યુનિવર્સિટીમાં પણ કામ કર્યું, તે ઉપરાંત સંદેશની વડોદરા આવૃત્તિમાં પણ સંપાદન વિભાગમાં હતા. એમના અનેક લેખો ઉપરાંતપાંચ નવલકથાઓ, બે નવલિકાઓ અને કાવ્યો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. શ્રી બાબુભાઈ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના પણ વિદ્વાન છે. આ લેખ દરેક ગુજરાતીને સફાળા બેઠા કરી દે તેવો છે. આવો, એમનું શું કહેવું છે તે જાણીએ:

વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ

લેખક: શ્રી બાબુભાઈ સુથાર

આજે વૈશ્વીકરણનો વાયરો વાય છે તેની પ્રાદેશિક ભાષાઓના ભવિષ્ય પર શી અસર પડશે તે સાંસ્કૃતિક ભાષાવિજ્ઞાની માટે, સ્વાભાવિક રીતે જ, ચિંતાનો વિષય છે. આજના જમાનામાં વૈશ્વીકરણને સતેજ બનાવે એવાં ઘણાં ઘટકો સક્રિય છે, એ જોતાં, પ્રાદેશિક ભાષાઓનું શું થશે એનો વિચાર કરવાની જરૂર છે. હું માનું છું છે કે, એક આંતરરાષ્ટ્રીય ભાષા આજે બેલગામ આખા વિશ્વની ભાષા બનવા લાગી છે તેમાં પ્રાદેશિક ભાષાઓના વિકાસની દૃષ્ટિએ રાજી થવા જેવું કઈં નથી. સ્થાનિક ભાષાઓ માટે આ વૈશ્વીકરણ જબ્બર ખતરા જેવું છે. આજે ગુજરાતમાં અંગ્રેજીમાં વધારે રસ લેવાય છે તેની ગુજરાતી પર પડતી અસરો જોતાં ગુજરાતીની જે સ્થિતિ છે તેની મને ચિંતા થાય છે. 

ભાષાના ત્રણ વર્ગઃ

માઇકેલ ક્રોસ (૧૯૯૨)ભાષાઓને ત્રણ વર્ગમાં મૂકે છે: મરવા વાંકે જીવતી ભાષાઓ, અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી ભાષાઓ અને સુરક્ષિત ભાષાઓ. એક ભાષાઇ સમાજનાં બાળકો માતૃભાષા તરીકે એમની ભાષા શીખતાં ન હોય એ મરવા વાંકે જીવતી ભાષાઓ છે. બીજી બાજુ, અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી ભાષાઓ હજી પણ માતૃભાષા તરીકે બાળકો  શીખતાં હોય છે, પણ શીખનારની સંખ્યા ઘટતી જતી હોય છે. અમુક ભાષાઓને સરકારી પ્રશ્રય મળે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો એ બોલતા હોય છે; એમને સુરક્ષિત ભાષાઓ ગણી શકાય. પરંતુ, હું એ વાત પર ધ્યાન દોરવા માગું છું કે આ ભાષાઓનું  સુરક્ષિતપણું મૃગજળ જેવું છે. આમ તો, ગુજરાતી સુરક્ષિત ભાષાઓના વર્ગમાં આવે છે કેમ કે એને સરકારનો ટેકો મળે છે અને મોટા ભાગના લોકો ગુજરાતી બોલે છે. પરંતુ બીજી કોઈ પણ ભાષાની જેમ એના પર પણ અંગ્રેજી વ્યવસ્થિત રીતે હુમલો કરતી થઈ ગઈ છે. આથી, મને બીક છે કે, ગુજરાતની પોતાની કોઈ માતૃભાષા ન હોય એવો દિવસ કદાચ બહુ દૂર નહીં હોય.

ગુજરાતીઓના ચાર વર્ગઃ

હું ગુજરાતી કોમને ચાર વર્ગમાં વહેંચું છું: પહેલા વર્ગમાં એવા લોકો છે કે જે માત્ર ગુજરાતી બોલે છે અને બીજી કોઈ ભાષા જાણતા નથી. એમની પાસે સંવાદ માટે માત્ર માતૃભાષા છે. બીજા વર્ગના લોકો દ્વિભાષી છે. તેઓ માતૃભાષા તરીકે ગુજરાતી બોલે છે અને બીજી ભાષા તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરે છે. બીજી ભાષાના ઉપયોગમાં કાં તો તેઓ પાવરધા હોય છે અને કાં તો એમનું જ્ઞાન સરકારી કાગળપત્તર લખવા પૂરતું જ હોય છે. ત્રીજા વર્ગના લોકો  ખંચકાટ સાથે ગુજરાતી બોલે છે અને એમની આ ખામીને પહોંચી વળવા માટે બીજી ભાષાની મદદ લેતા હોય છે. એટલું જ નહીં, આ વર્ગમાં આવતા લોકો, સભાનપણે હોય કે અભાનપણે, માતૃભાષાને વફાદાર પણ નથી હોતા; એમના મનમાં એવી ભાવના હોય છે કે માતૃભાષા ન આવડતી હોય તે એમનો સામાજિક દરજ્જો ઊંચો હોવાનું લક્ષણ છે. બહુ નાના એવા ચોથા વર્ગમાં મુકાય એવા લોકો જે કઈં કરેકારવે છે તેમાં માત્ર અંગ્રેજી બોલે છે. મોટા ભાગે તેઓ મોટાં શહેરોમાં વસે છે.

ફિશમૅન ઇફેક્ટઃ

મારૂં અવલોકન એવું છે કે ધીમે ધીમે પહેલો વર્ગ બીજા તરફ અને બીજો વર્ગ ત્રીજા તરફ જવા લાગ્યો છે. એવું પણ જોવા મળે છે કે પહેલો વર્ગ અમુક માળખાગત સુવિધાઓને કારણે સીધો જ ત્રીજા વર્ગ તરફ આગળ વધવા લાગ્યો છે. આને પરિણામે ત્રીજા વર્ગમાં સંખ્યા બહુ ઝડપભેર વધવા લાગી છે. પરંતુ ત્રીજો વર્ગ એટલી ઝડપથી ચોથા વર્ગ તરફ ધસતો જણાયો નથી. આ મંદ ગતિનાં કારણો સામાજિક-ભાષાકીય, આર્થિક અને રાજકીય હોઈ શકે છે. આ દોટ ચાલુ રહેશે તો  પહેલો અને બીજો ગુજરાતીભાષી વર્ગ પૃથ્વીના પટ પરથી ભુંસાઈ જાય એવી સંભાવના છે. સામાજિક-ભાષાશાસ્ત્રી ફિશમૅનના નામ પરથી આ વલણને ‘ફિશમૅન ઇફેક્ટ’ નામ અપાયું છે. ફિશમૅન કહે છે તે પ્રમાણે “જ્યારે બે  પેઢીઓ વચ્ચે (ભાષા બોલવાનું) સાતત્ય નકારાત્મક હોય ત્યારે” ભાષાનો લોપ થવાની શક્યતા વધી જાય છે.

ભાષાકીય સ્થળાંતરઃ

આજની સામાજિક દશાને આપણે ત્રણ સ્તરમાં  જોઈ શકીએ છીએ. જો કે એમ નથી સમજવાનું કે આ ત્રણ સ્તરનો વિકાસ એક પછી એક થયો છે; માત્ર સમજવા માટે જ આવું વર્ગીકરણ કર્યું છે. ત્રણ સ્તર આ પ્રમાણે છેઃ પરંપરાગત, આધુનિક અને ઉત્તર-આધુનિક. પરંપરાગત સ્તરે માત્ર એક ભાષાનો, એટલે કે માતૃભાષાનો, ઉપયોગ મહત્વનું ઘટક છે. આધુનિક સ્તરનું લક્ષણ દ્વૈભાષિકતા છે. એમાં વ્યક્તિ પોતાના ભાષાકીય ભાથામાં સામાજિક દૃષ્ટિએ લાભદાયક મનાતી ભાષાનો ઉમેરો કરે છે. જો કે “પહેલી ભાષા સામે અસ્ત થઈ જવાનું જોખમ નથી હોતું, કારણ કે એ લબ્ધપ્રતિષ્ઠ ભાષા હોવાથી એના આગળ વિકાસને ઘણી રીતે મદદ મળે છે” (ઍપલ અને મુઇસ્કેન ૧૦૨). ઉત્તર-આાધુનિક સ્તરમાં વૈશ્વિકતા મુખ્ય ખાસિયત હોય છે. વૈશ્વિક સ્તરના ભાષાકીય સંદર્ભમાં સંવાદની જરૂર પણ વૈશ્વિક સ્તરે  પડે છે, તેથી બીજી ભાષા શીખવાનું અનિવાર્ય બની જતું હોય છે. એ જ ધીમે ધીમે પહેલી ભાષાના હ્રાસનું કારણ બને છે. આ સ્થિતિમાં “સ્થાનિકના ભાષકો” પોતાના જ દેશમાં “ભાષાકીય સ્થળાંતરી” જેવા બની જાય છે અને એમની માતૃભાષા એમના માટે પરાઈ બની જાય છે. આજે ભાષાની બાબતમાં આવતાં પરિવર્તનો જોતાં મને લાગે છે કે ગુજરાતી સમાજે  દ્વૈભાષિક સમાજ બનવા તરફ હડી કાઢી છે.

ઉપર આપેલા અવલોકન પરથી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વૈશ્વીકરણની પ્રક્રિયામાં દ્વૈભાષિકતાનો તબક્કો, એટલે કે ભાષા ઉમેરાઈ હોય એ તબક્કો ભુંસાઈ જશે અને તેને બદલે ભાષા ઓછી થાય એવો તબક્કો આવશે. આજે માહિતી અને જ્ઞાનના બધા જ સ્તરે અંગ્રેજીનું મહત્વ વધવા લાગ્યું છે અને એને પગલે ભાષાનું અર્થહીન વૈશ્વીકરણ પણ ઘુસવા લાગ્યું છે. આપણી ભાષા પર ઝળુંબતી આ તલવારના પ્રહારથી બચવા માટે કાળજીપૂર્વક યોજના ઘડવાની જરૂર છે.

સંદર્ભઃ Appel R. and P. Muysken, Language and Bilingualism, London, Arnold, 1987.

            Fishman, J. A.. Reversing Language Shift. Clevedon: Multilingual Matters Ltd, 1991.

            Krauss, Michael, ” The world Languages in Crisis” language, vol 68, No.1 (1992).

 

43 thoughts on “વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ”

 1. માન. બાબુભાઈનો આભાર સાથે આટલો સ_રસ લેખ અમ સુધી પહોંચાડવા માટે આપનો પણ આભાર.

  હવે એક રાહ એ રહેશે કે લેખકશ્રી ’આપણી ભાષા પર ઝળુંબતી આ તલવારના પ્રહારથી બચવા માટે કાળજીપૂર્વક યોજના ઘડવા’ વિષયે પણ કંઈક માર્ગદર્શન કરે. (આપના માધ્યમથી અમોને એ પણ વાંચવા મળે તેવી વિનંતી છે.) આભાર.

  1. શ્રી અશોકભાઈ, શ્રી બાબુભાઈને લિંક મોકલી હતી તેનો જવાબ ર્એમણે આ રીતે આપ્યો છે. એ તમારા પ્રશ્નનો પણ જવાબ હોતાં અહીં મૂકું છું. બીજા મિત્રોને પણ આમંત્રણ છે.
   thanks, i will respond to the readers after a week so that i can cover all the aspects of the questions/comments. Regards, Babu

 2. This article is very long and yet offers no solution on how to make Gujarati a Rashtra lipi.The cluttered Hindi is a threat to simple Gujarati Lipi but not English.

  English is an international language but Gujaratis are forced to study in Hindi which is non technical and it’s script is not computer-usable simple like Gujarati

  Hindi is a way ahead in Translation,Dictionary,learning lessons ,Wikipedia and knowledge based media than Gujarati.

  Based on Hindi’s progress, we may end up writing Gujarati in Devnagari Lipi

  Without challenging Hindi Media Gujarat may not be able to preserve its Gujarati Lipi in future.

  India needs simple language script and that’s Gujarati script.

  Wake up Sahityakaro and promote Gujarati Lipi in Hindi States before it’s too late!

  Please visit my blog for more details and feel free to express your opinions.

  1. Thanks Dear Gujaratiplus, I am sorry if you have found my article very long. However, I agree with you, albeit partly, that my article does not offer any solution to the problem that I have addressed in it. I am not addressing the issue of making Gujarati a rashtriya lipi therefore you should not expect me to give a solution for that. I am a linguist, interested only in understanding the nature of language in relation to various factors, society and culture are just two of them.

 3. This type of Gujarati Sahityakars know English very well but at the same time worry about the future of Gujarati language and tell others(mainly to low income people) not to learn English.Look at all politicians and their children’s education!

  Take a look where author got his ideas to write this above article.

  “Language death may manifest itself in one of the following ways:
  gradual language death
  bottom-to-top language death: when language change begins in a low level environment such as the home.
  top-to-bottom language death: when language change begins in a high level environment such as the government.
  radical language death
  linguicide (Also known as sudden death, language by genocide, physical language death, biological language death)”

  http://en.wikipedia.org/wiki/Extinct_language
  http://en.wikipedia.org/wiki/Language_death

  1. Dear Saralhindi, This article is a free translation of my article “Locating Regional Languages in Globalization process,” which was published in 1995 in a journal ‘Journal for Contemporary Thought’. As far as I know, Wikipedia was created in 2001 that is six years after I had published this article. It proves that I have not taken these ideas from Wikipedia. But thanks for your comments. Babu Suthar

  2. Dear Saralhindi, And, a few more things. I do not belong to those ‘sahityakaras’ who know English very well. As I tell in my class, English is neither my mother tongue, nor my stepmother tongue, nor my auntie’s tongue (Ref. Probal Dasgupta, a famous linguist). It is just a second language which I have learnt first time when I was in eighth grade. I use English normally in those domains where I cannot use Gujarati.

   Moreover, I have not said to any one (including those whom you have described as “low income people”) that they should learn Gujarati. I have just described the language attrition in process and suggested that this attrition can be slowed down, or may be reversed if we work hard.

   I have no complain against people who learn English. I believe in linguistic freedom. However, I believe that the kind of English most Gujaratis (and this my be true in relation to other Indians also) learn, makes them the speakers who do not have a mother tongue like control on any one language. They are poor in English and poorer in Gujarati. In other words, they have a very limited linguistic (not artistic or literary) creativity.

   However, I agree with Ashok Modhvadia, one of the commentators, that I have not suggested the steps that can help us in reversing language attrition/shift. I will work on this and may come out with some suggestions but please give me some time. I may be able to write about that in the first week of March.

   But once again, thank you very much for sharing your knowledge with us. I really appreciate people who spend time to comment on things that I have written.

 4. એક અભ્યાસી અને મુક્ત મન વાળી વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખી તેના કરતાં પણ અત્યંત સુંદર અને મારા જેવા સાવ સામાન્ય માણસને પણ વિચારતા કરી દે તેવો લેખ. ત્રીજા વર્ગનો જણ હોવાના નાતે આ વાતને ટેકો આપીશ કે, અમેરિકા આવ્યા બાદ મળેલી મોકળાશના પ્રતાપે અને પ્રતાપે જ… ગુજરાતી ભાષા માટે રસ પેદા થયો.
  જો મારા બીજા સાથીઓની જેમ દેશમાં જ રહ્યો હોત અને ઊંચા સ્થાન પર રહેલાને બહુ સરળતાથી મળી રહેતી – કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાની લોભામણી અને આર્થોક રીતે ઘણો ફાયદો કરતી તકો ઝડપી લીધી હોત – તો ચોક્કસ આ રસ કેળવાયો ન જ હોત. કદાચ આમ ગુજરાતીમાં લખતાં પણ ન શીખ્યો હોત.
  આટલી પ્રસ્તાવના પછી હવે તો પ્રતીતિ થઈ ગઈ છે કે, ગુજરાતના ભાષાશાસ્ત્રીઓ વચ્ચેના યુદ્ધો કેટલા વામણા છે.
  કોઈ ભાષા શાસ્ત્રીને આ સામાન્ય માણસના પેટની બળતરામાંથી પેદા થયેલ ‘ ગુગમ ‘ પ્રોજેક્ટમાં ચપટીક પણ રસ નથી – બાબુભાઈએ રો ઈમેલથી મને જણાવ્યું હતું કે, એ બાબત તેઓ મદદરૂપ થવા તૈયાર છે.
  પણ એનું પાયાનું કામ ગુજરાતમાં વસતા ભાષાશાસ્ત્રીઓ , સાહિત્ય કારો, સાહિત્ય રસિકો અને જેના પેટમાં ભાષા માટે બળતું હોય, તેવા સામાન્ય માણસો જ કરી શકે.
  અમારા જેવા દૂર રહ્યે એવી પ્રજાકીય ક્રાન્તિને ટેકો જરૂર આપીશું.
  પણ વિવાદો અને શાસ્ત્રીય જ્ઞાનની બડાશો હાંકનારા, એમના અહંને બાજુએ મૂકી, એમની કુમ્ભકર્ણી ઊંઘમાંથી જાગશે ?

 5. એક વાત કહેવાની રહી ગઈ.
  આ અગાઉ અહીં મૂકેલ ‘શબ્દકોષની પ્રસ્તાવના’ વિશે આ જ મનોવૃત્તિથી વાંચવા પણ મન થયું નથી.
  અહીં રજૂ થયેલ ગુજરાતી પ્રજાની હાલની પરિસ્થિતીનું અભ્યાસી મૂલ્યાંકન એ શાસ્ત્રીઓ કદાચ વાંચશે પણ નહીં. જોડણી વિશે કૂદી કૂદીને બોલનારા – મારી જેમ પોતાની ભૂલ કબૂલ કરવાની પ્રામાણિકતા ધરાવે છે ખરા?

  ખરી ખોટી , જેવી આવડે તેવી ગુજરાતીને નાચતી, ગાતી , ફૂદતી કેમ ન કરી શકાય? બાંગલાદેશીઓ જેવો મિજાજ કેમ પેદા ન કરી શકાય? દરેક શિક્ષિત ગુજરાતીના અંતરાત્માને કેમ ઢંઢોળી ન શકાય?

 6. ઘણા સમય પહેલાં મેં લખેલું કે “માતૃભાષા” એ સમાસ “માતાની ભાષા”ના અર્થમાં છે. “માતૃભુમી”ની જેમ ‘ભાષા એ જ માતા’ એ અર્થમાં નહીં. ખોલી જુઓ એ લેખની કડી >>> http://jjkishor.wordpress.com/2007/06/01/matrubhasha-bhumi/ (મારા આ અર્થઘટનનો થોડો વીરોધ પણ થયેલો.)

  એ વાતને અહીં ફક્ત યાદ કરાવીને અહીં કેટલીક વાતો મુકવા સહજ મન છેઃ

  ભાષા એ એક તો કોઈ જડ વસ્તુ નથી; કદાચ જડ ગણીએ તો પણ પરીવર્તનના પવનો તો એમનેય ઘસી નાખે છે. એટલે ભાષાનાં પરીવર્તનો સહજ (અને કદાચ અનીવાર્ય પણ) ગણવાં રહ્યાં.

  બીજી વાત તે ભાષાને જેમ એના બોલનાર–સાંભળનાર સાથે સંબંધ છે તેવી જ રીતે જે તે પ્રદેશ કે ભુમી સાથે પણ સંબંધ હોય છે. બાર ગાઉએ બોલી બદલતી હોવાની કહેવતનો આ સુચીતાર્થ છે. બે રાજ્યો જ્યાં નજીક હોય છે ત્યાંની બોલીમાં અને એને લીધે ભાષા પર પણ થતી અસરો આપણે જાણીએ છીએ. એટલે બોલનાર–સાંભળનાર વ્યક્તીઓની સાથે જ પ્રદેશને પણ મહત્ત્વ આપીને કાઠીયાવાડી અને મહેસાણી બોલીની ગુજરાતી પર પડતી અસરોનો વીચાર કરીશું તો જણાશે કે એક રાજ્યમાં પણ જો ‘એની’ કહેવાતી ભાષા ઉપર ફેરફારો અનીવાર્ય (અને ક્ષમ્ય પણ !) ગણાતા હોય તો રાષ્ટ્રીય કક્ષાએ અને આગળ જતાં વૈશ્વીક કક્ષાએ પરીવર્તનો આવે તેને સાવ સહજ જ ગણવાં પડે.

  ત્રીજી વાત તે સાધારણ માણસનો ભાષાઅભીગમ એના પોતાના અને પોતાનાંઓના વ્યવહારો પુરતો મર્યાદીત હોય છે. માણસ ભાષાને કેવળ માધ્યમ તરીકે, કહું કે, ચલણી પ્રાદેશીક સીક્કા તરીકે પ્રયોજે છે. ભાષાનું વીજ્ઞાન તરીકેનું એને કોઈ ખાસ મહત્ત્વ હોય નહીં. (અને દુનીયા આખીમાં આવા જ માણસો વધુ હોય છે ! બીતાંબીતાં કહું તો ૮૦થી ૯૦% !!)

  હવે ચોથી વાત કહું કે ભાષાવીજ્ઞાનીઓએ ભાષાવીષયક જે વર્ગો પાડ્યા હોય છે તે વર્ગો ઉપર “વૈશ્વીક કક્ષાનાં પરીવર્તનોનાં વાવાઝોડાં” જે અસર કરવાનાં છે તેની ઘણી વાર આપણને આગોતરી ખબર હોતી નથી. જેમ કે, મોબાઈલ ફોનની કલ્પના કોને હશે ? મોબાઈલ ફોન દ્વારા વીશ્વની લગભગ બધી જ ભાષાઓને જે લઘુરુપ મળતું થયું તેની કલ્પના કોને હતી ?

  એ જ રીતે, દુનીયાભરના લોકોનાં વૈશ્વીક કક્ષાના જે વ્યાપારી કારણોસર સ્થળાંતરો થયાં અને થશે તેને પણ ધ્યાન પર લેવાં જ રહ્યાં. આ સ્થળાંતરોને જો રોકી શકાતાં નથી તો પછી ભાષાકીય વ્યવસ્થાના પ્રશ્નોને શી રીતે અટકાવી શકાવાના ? હજારોની સંખ્યામાં ‘પર–દેશ’ વસતાં કુટુંબોની બીજી અને ત્રીજી પેઢીને તો ભાષા અંગે એડજસ્ટમેન્ટ કરવાનું થશે જ. જે ભાષા માતા/જનેતાની ભાષારુપે માતૃભાષા હતી તે સ્થળાંતરો બાદ રહી નહીં. માતા પરદેશે વસી છતાં માતાની ભાષા જો પરદેશી બની નહીં તો બાળકની ભાષા પર તે શી રીતે અસર કરવાની ?

  બીજી રીતે કહીએ તો બાર ગાઉએ જો બોલી બદલતી હોય તો વીશ્વ આખું હવે ‘બાર ગાઉનું છેટું’ ધરાવતું નાના કદનું બનતું જ રહ્યું છે. ફોનરુપે મુઠ્ઠીમાં સમાઈ રહેલા જગતને હવે ક્યાં સુધી પ્રાદેશીકતાના વાઘા પહેરાવી શકાશે ?!

  શ્રી સુથારસાહેબ કહે છે તેમ “વૈશ્વીકરણની પ્રક્રિયામાં ભાષા ઉમેરાઈ હોય એ તબક્કો ભુંસાઈ જશે અને તેને બદલે ભાષા ઓછી થાય એવો તબક્કો આવશે.”

  ભાષાની સંખ્યા હવે ઘટશે એ જ એક ભવિષ્યવાણી બની રહે તેવું સમજાય છે. જે પ્રાદેશીક ભાષા બળુકી હશે તે પણ જે તે સ્થળે રહેતાં લોકો પુરતી જ ટકશે. બીજા દેશોમાં વસતા લોકો ત્રીજી પેઢીએ પણ જુની માતૃભાષાને જાળવી રાખે કે વીકસાવે તે આશા વધુપડતી ગણાવી જોઈએ. “ભાષાનો નાભીશ્વાસ” એ આમ ચીંતાનો વીષય ગણવો યોગ્ય નથી. આખી દુનીયા જો સાંકડી બનીને નવી દુનીયા બની રહેવાની હોય તો પછી તે નવી દુનીયાને (નવાંનવાં વૈજ્ઞાનીક સંશોધનોના સંદર્ભે) પોતાની નવી ભાષા હોય તો શું ખોટું ?!

  ગુજરાતીભાષાના “ભાષા–વીજ્ઞાન” અંગે વીદેશે વસતા મોટાભાગના ટેકનોક્રેટ્સ કે વીજ્ઞાનના માણસો હોવાથી બહુ રસ કે સમજ ન હોય તે સહજ છે. આવા લોકોમાંનાં મોટાભાગનાંઓ યથાશક્તી ગુજરાતીની સેવાઓ કરે જ છે. આજે નેટ ઉપર ગુજરાતીમાં જે મબલક રીતે મુકાઈ રહ્યું છે તેનો યશ આ સૌ ભાષા અને સાહીત્યપ્રેમીઓને જાય છે. (ગુજરાતમાં બેઠેલાંઓમાંનાં ઘણાખરાં પાસે કમ્પ્યુટર નથી કે જેથી તેઓ આ બધાંની સાથે રહી શકે.)

  પણ જ્યારે જ્યારે ભાષાની વાત નીકળે છે ત્યારે કોઈ ને કોઈ બહાને જે ઉગ્રતા વ્યાપે છે તે વ્યથા ઉપજાવે છે. એમાંય તે ગુજરાતમાં વસનારા લોકો ગુજરાતી બાબતે કંઈ કરતા જ નથી ને વીદેશે વસનારાઓને જ જાણે માતૃભાષા વીષે પ્રેમ છે તેવા પ્રકારનાં તદ્દન અવૈજ્ઞાનીક અને અતાર્કીક અભીપ્રાયો અપાતા ક્યારેક સાંભળીએ છીએ થાય છે કે ભાષા–ભાષીઓની આ તે કેવી સેવા કે દેશદાઝ ગણવી ?!

  માતૃભાષાદીવસ આવી રહ્યો છે ત્યારે આ વીષય છેડવા બદલ દીપકભાઈને ધન્યવાદ. આને ‘છેડવા’નું કહ્યું છે; ‘છંછેડવા’નું નહીં તે વાતે ઉગ્રતાવાદીઓને નમ્ર વીનંતી.

  1. “ભાષાનું વીજ્ઞાન તરીકેનું એને કોઈ ખાસ મહત્ત્વ હોય નહીં. (અને દુનીયા આખીમાં આવા જ માણસો વધુ હોય છે ! બીતાંબીતાં કહું તો ૮૦થી ૯૦% !!)”. જુગલકિશોરભાઈ, આ વિધાન વિષે હું શું કહું? એક ફ્રેંચ નૃવંશવિજ્ઞાનીએ કહેલું કે જે કામ ક્વોન્ટમ ફિઝીક્સે વિજ્ઞાનમાં કર્યું એ કામ ભાષાવિજ્ઞાને સમાજવિજ્ઞાનમાં કર્યું. અને તમે કહો છો કે ભાષાનું વિજ્ઞાન તરીકેનું સ્થાન હોય એવું તમને લાગતું નથી. ભાષાવિજ્ઞાનના એક સિદ્ધાન્તના આધારે એક જીવવિજ્ઞાનીને નોબલ ઈનામ મળ્યું છે. એ ભાઈએ ભાષાવિજ્ઞાનનું મોડલ લઈને રોગપ્રતિકારશક્તિનું વ્યાકરણ શોધી આપવાનો પ્રયત્ન કર્યો છે. ભાષાવિજ્ઞાનની શાખાઓની જ તમે યાદી બનાવશો તો તમને ખ્યાલ આવશે કે એ વિજ્ઞાન અત્યારે કેટલા ઊંચા સ્તરે પહોંવ્યું છે: મનોભાષાવિજ્ઞાન (ચિત્ત અને ભાષા વચ્ચેના સંબંધો), બાયોલિંગ્વીસ્ટીકગ્સ (જીવવિજ્ઞાન અને ભાષા વચ્ચેના સંબંધો), મેથેમેટીકલ ભાષાવિજ્ઞાન (ગણિત અને ભાષા વચ્ચેના સંબંધો), કોમ્પ્યુટેશનલ ભાષાવિજ્ઞાન (કોમ્પ્યુટર અને ભાષા), જીનેટીક ભાષાવિજ્ઞાન (જીન અને ભાષા), ન્યૂરોલિંગ્વીસ્ટીક્સ (મગજની રચના અને કાર્ય અને ભાષા), નૃવંશભાષાવિજ્ઞાન, સમાજભાષાવિજ્ઞાન, ફોરેન્સિક ભાષાવિજ્ઞાન (હમણાં એફ.બી.આઈ. અને સી.આઈ.એ. પણ આ પ્રકારના ભાષાવિજ્ઞાનીઓની નિમણુંકો કરી છે), આ ઉપરાંત કેવળ ભાષાવિજ્ઞાન તો ખરું જ. એમાં ફોનેટીક્સ, એના પણ ત્રણ ફાંટા (એના આધારે ઓટોમેટીક એન્સરીંગ યંત્રો બનાવવામાં આવ્યાં છે), ફોનોલોજી, મોર્ફોલોજી, વાક્યતંત્ર, સિમેન્ટિક્સ, શબ્દકોશવિજ્ઞાન, ઐતિહાસિક ભાષાવિજ્ઞાન, આ ઉપરાંત પણ બીજાં અનેક. આ બધ્ધાં જ ભાષાવિજ્ઞાનોનો પોતાનૌ ઈતિહાસ છે, એમનાં પોતાનાં સંશોધન સામયિકો છે, યુનિવર્સિટિઓમાં એ રીતે એમની નિમનુંકો થાય છે. અમારી યુનિવર્સિટિએ બેએક વરસ પહેલાં મૂળે અમદાવાદના એક પ્રશાન્ત પરીખને સંશોધક તરીકે નીમ્યા છે. એ વિશ્વના પાંચેક ટોચના ‘ગેઈમ સિમેન્ટીક્સ’ના નિષ્ણાતોમાંના એક છે. એમના એક પુસ્તક વિષે નોમ ચોમ્સકીએ પણ લખ્યું છે અને ઈકોનોમીક્સમાં નોબલ ઈનામ મેળવનાર એક વિદ્વાને એની પ્રસ્તાવના લખી છે. હું નથી માનતો કે મારી પાસે તમારા વિધાનને સ્વીકારવા માટે કોઈ કારણ હોય.

   1. “જુગલકિશોરભાઈ, આ વિધાન વિષે હું શું કહું? ”

    સુથારસાહેબ, આપના ઉપરોક્ત વાક્યમાં રહેલી મારા વીધાનો માટેની વ્યથા મને પહોંચે છે. પણ મારું જે માનવું છે તે ફક્ત એટલું કે ભાષા પાસેથી રોજબરોજનું કામ લેતા સામાન્ય કે ઉપલી કક્ષાના સૌ કોઈને મન એના વીજ્ઞાન કરતાં એના વપરાશનો મુદ્દો મહત્ત્વનો હોય. કોન્ટમ થીયરીના પણ અલભ્ય લાભો હોવા છતાં સામાન્ય માણસને તો એ થીયરી દ્વારા મળતા કે મળનારા લાભો પુરતો જ રસ હોય. વીજ્ઞાનનું મુલ્ય હું ઘટાડતો નથી…એમ કરી પણ ન શકું. છતાં વીજ્ઞાન સાથે સંકળાયેલા માણસો એ વીજ્ઞાનને તપાસે, સુધારે, આગળ વધારે ને પછી જ્યારે લોકો સમક્ષ તે મુકાય ત્યારે એનો લાભ સૌ લે જ.

    પરંતુ ભાષાની અરાજકતા, એનાં સંશોધનો, એમાં જરુરી ફેરફારો વગેરેની ચીંતા સામાન્ય માણસ શી રીતે ને શા માટે કરે ? કાકાસાહેબ લખે છે કે સુધારાનું કામ સતત ચાલતું રહે ને મગનભાઈ જેવા કહે કે જોડણીમાં ફેરફાર હોય નહીં ! જો ભાષાનું જ કામ કરનારાઓ આમ કરે એટલું જ નહીં પણ પછી સુધારાનાં દ્વારો બંધ થઈ જાય તો પછી વીજ્ઞાનનોય શો અર્થ ?
    કોશના પહેલા પાને ગાંધીજીનું વાક્ય મુકીને પછી નીવેદનના આગળનાં પાનાંઓ ઉપર પણ ભુલો છપાય તો વીજ્ઞાન માટે ક્યાં આશા રહી ? (હું સમજું છું કે મારા આ લખાણમાં મુદ્દાઓમાં ભેળસેળ અને વીષયાંતરો છે છતાં લખી દીધું છે !)

    ગાંધીજીએ ભાષાનું જોડણી કક્ષાએ વીજ્ઞાન સર્જવા અને એને અમલમાં આણવા માટે સ્વરાજની લડત વખતેય સમય કાઢ્યો ને સૌથી પહેલું વાક્ય લખ્યું કે “શુદ્ધિપત્રક વિનાનો કોશ” તૈયાર કરો. આજે તો શુદ્ધીપત્રકનો આગ્રહ રાખે તો પાનાં ભરીને પત્રક મુકવું પડે !! ભાષાવીજ્ઞાનીઓ જ જો આમાં કશું કરી ન શકે કે કરે નહીં તો પછી જેની જીકર મેં કરી હતી તે સામાન્ય માણસનો તો વાત જ શી ?

    ભાષા ફક્ત ચોપડી પુરતો મુદ્દો નથી. આજના જ છાપામાં સમાચાર છે કે ગુજરાતનું ઈન્ડોલૉજી ડીપાર્ટમેન્ટ પ્રાકૃતના શીક્ષણની વ્યવસ્થા કરવાનું છે ! ગુજરાત પાસે દેશની સૌથી વધુ હસ્તપ્રતો પ્રાકૃતની છે. એનો અભ્યાસ તો થાય જ છે પણ એને શીક્ષણનીય વાત હવે આવી. આવું કામ કરનારાંને વંદન જ હોય.

    ભાષા સામાજીક બાબત પણ છે ને માનસશાસ્ત્રીય દૃષ્ટીએ શીક્ષણનીય બાબત છે. એનું મુલ્ય કદાચ શ્વાસોચ્છ્વાસ સાથે મુકીને આંકી શકાય. પણ ભાષાના ટકવા કે ભુંસાવાના સવાલને કે વીશ્વભાષા સાથેના સંદર્ભે તો સામાન્ય માણસની વાતને આગળ કરીને જોવું જ પડશે.

    (મારું લાંબું નામ અને પછીથી ઉમેરાતું ‘ભાઈ’ – જુગલકિશોરભાઈ – મને ઘણી વાર હીંસક લાગ્યું છે ! હું સૌને કહેતો રહ્યો છું કે ફક્ત જુ. કે જુભાઈ લખીને સમય/શક્તી બચાવી શકાય છે. આપ સૌને પણ વીનંતી છે.)

    ક્ષમાપ્રાર્થના સાથે…– જુ.

 7. વ્યગ્રતા કે ઉગ્રતા તે કોઈ પરિસ્થિતિનો હલ ન હોઈ શકે. ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિ સામે તો જેના મુળીયા ઉંડા હશે તે ટકી રહેશે અને બાકીના પરિવર્તનના પ્રવાહ સાથે તણાઈ જશે કે પ્રવાહમાં ભળી જશે.

  સહુ કોઈ યથા શક્તિ માતૃભાષા માટે કાર્ય કરતાં જ હોય તેથી વિવાદ કરતાં સંવાદથી અને ઉગ્રતા કે વ્યગ્રતા કરતા ભદ્રતાથી આવા પ્રશ્નોની ચર્ચા વિચારણાં વધારે સારી રીતે થઈ શકે.

  1. “વ્યગ્રતા કે ઉગ્રતા તે કોઈ પરિસ્થિતિનો હલ ન હોઈ શકે” હું સમંત થાઉં છું. પણ, બધું જ ઉત્ક્રાંતિના ભરોસે ન છોડી દેવાય,. જો અત્યારે આપણે જેટલો વિકાસ કર્યો છે એટલો વિકાસ વાનરોઓએ પણ કર્યો હોત તો એ વાનરોએ બીજા વાનરોને માણસ ન બનવા દીધા હોત. હું જે કહેવા માગું છું તે એટલું જ કે ભાષા કેવળ અભિવ્યક્તિનું જ સાધન નથી. એક ફિલસૂફ કહે છે એમ ભાષા મારી હયાતીનું ઘર પણ છે અને મારી હયાતી પણ છે. આપણે એની કાળજી રાખવી જોઈએ. આપણા ઘરને શોભાવે એવાં પરિવર્તનો ગમે. પણ આપણા ઘરને પાયામાંથી જ ખાવા માંડે એવાં પરિવર્તનોને સ્વીકારતાં જરા વિચાર કરવો પડે. ગ્લોબલાઈઝેશનની પ્રક્રિયાનો એક બહુ જાણીતો સિદ્ધાન્ત આ છે: જેની માર્કેટ વેલ્યુ છે, એ જ ટકી રહે. જગતમાં ગણું બધું એવું છે જેને આપણે માર્કેટ વ્યવહારમાં ન્યૂન ન કરી શકીએ. પ્રેમ, લાગણી, ભાષા, વગેરેનો એમાં સમાવેશ થાય છે. તમે એક વાત સમજો કે ગ્લોબલાઈઝેશનમાં જેની સાથે માનવતા સંકળાયેલી છે એ બધ્ધાનું ધોવાણ થતું હોય છે. સાહિત્ય પણ એમાં આવી જાય. હા, આ જમાનામાં માનવતાએ ટકી રહેવું હશે તો માર્કેટના તર્કશાસ્ત્રને સ્વીકારવું પડશે. મેં ‘ટાઈમ’ સામયિકમાં એક લેખ વાંચેલો. એમાં એક શ્રીમન્ત માણસે વિચાર્યું કે હું જ્યારે યુનિ. ઓફ પેન્સિલવેનિયામાં ભણતો હતો ત્યારે મેં જેમ્સ જોયસ્ વગેરે સાહિત્યકારોનો અભ્યાસ કરેલો અને એમના સાહિત્ય પાસેથી હું માનવતાના ઘણા બધા લેસન્સ શીખેલો. તો લાવને મારા મનેજરોને પણ એ સાહિત્ય ભણાવવા દે. પછી, એ માણસે યુનિ ઓફ પેન,.ને દાન આપીનબે કહ્યું કે આ દાનમાંથી મારા મેનેજરોને માનવતા ભણાવો. યુનિવર્સિટીએ એમને જેમ્સ જોયસ, ટોલસ્ટોય વગેરે ભણાવ્યા. પરિણામ એ આવ્યું કે એ મેનેજરો નિર્ણય લેતી વખતે માનવતાનું વિચારવા લાગ્યા અને પછી પેલા ભાઈની કંપની આર્થિક નુકસાન કરવા માંડી. પેલા ભાઈએ પછી પોતાના મેનેજરોને માનવતા ભણાવવાનો પ્રયોગ ત્યાં જ બંધ કરી દીધો. હું માનું છું કે ગ્લોબલાઈઝેશનના હ્રદયમાં જ માનવતાને સ્થાન નથી અને જો હોય તો એવી માનવતા માટે જ જેની બજારમાં કિંમત ઉપજે.

  2. ભાષાના તજજ્ઞો વચ્ચે કાંઈ લખવું , એ સામાન્ય માણસ માટે અનધિકાર ચેષ્ઠા છે ; તે સમજું છું ; અને છતાં ફરીથી આ અત્યંત રસિક ચર્ચામાં ભાગ લેવાના મોહને જતો નથી કરી શકતો.
   અહીં આવ્યા બાદ જ ભાષાનું વ્યક્તિના વિકાસમાં શું મહત્વ છે- તે સમજાયું. સૌથી સારામાં સારું અને સૌને જાણીતું ઉદાહરણ – હેલન કેલર .
   અને અહીંની પ્રાથમિક શિક્ષણની પ્રથામાં ભાષા શિક્ષણને અપાતું મહત્વ. અંગ્રેજી જેવી , અપવાદો અને અનેક પ્રદેશોની પરંપરામાંથી ઊતરી આવેલી જોડણીની ગેર વ્યવસ્થા છતાં , બાળકોને જે રીતે પદ્ધતિસર ભાષા શીખવાય છે – તે કાબિલે દાદ છે.

   અને સામાન્ય બાળકોને અપાતી એ વ્યવસ્થા તો કાંઈ નથી – જો વિશેષ જરૂરિયાતવાળા બાળકોનો ભાષા વડે કરાતો વિકાસ નજરમાં રાખીએ તો. જેમની પાસેથી કશી અપેક્ષા ન રાખી શકીએ, તેવા ઓટિસ્ટિક બાળકોની જે માવજત – મ્યુનિ. સ્કુલોમાં થાય છે – અને એ બાળકોનો વિકાસ જોઈએ – તો ભાષા શું કમાલ કરી શકે છે – તે જોઈ આપણે મોંમાં આંગળાં નાખી દઈએ.

   પણ અત્યંત મહત્વની વાત એ છે કે, ભાષા વિજ્ઞાન પણ માનવ વિકાસની/ સમાજ વિકાસની પાયાની જરૂરિયાતનું એક સાધન માત્ર જ છે – જેમ વિજ્ઞાન અને ટેક્નોલોજી છે.
   ગુજરાતી ભાષાના સંદર્ભે – એ મરી જશે કે, વપરાતી બંધ થઈ જશે – એવો હાઉ રાખવાનું જરૂરી નથી લાગતું . લાખોમાં ફેલાવો ધરાવતા દૈનિકો, માતબર સામયિકો, બબ્બે સાહિત્ય સંસ્થાઓ અને હવે અનેક ગુજરાતી ટીવી ચેનલો, સેંકડો બ્લોગો, ગુજરાતી વેબ સાઈટો , ગુજરાતી વિકી, લેક્સિકોન વિ. આંતરરાષ્ટ્રીય સવલતો નજરમાં રાખીએ તો ગુજરાતીનો વ્યાપ ઘટ્વાનો તો નથી , નથી ને નથી જ.

   મહત્વની જરૂર માત્ર એક જ છે – સામાન્ય ગુજરાતી માણસને એની ભાષા માટે ગૌરવ ધારણ કરતો કરવો – ભલે ગુજરાતી એને માટે માત્ર શોખ કે મનોરંજનનું માધ્યમ રહે. ગુજરાતમાં, ગુજરાતીઓને ગુજરાતી ‘ શું શાં પૈસે ચાર’ જેવી થવા માંડી છે – તેની જગ્યાએ …
   અમદાવાદમાં દર સાલ યોજાયા ‘ સમન્વ્ય’ જેવા કાર્યક્રમો ગુજરાતના શહેરે શહેરમાં અવાર નવાર યોજાય
   ધાર્મિક કથાઓની જેમ કાવ્ય / હાસ્ય મુશાયરા માં માનવમેદની ઊભરાય.
   ગામે ગામ ગુજરાતી પ્રતિભાઓ માટેના હોલ ઓફ ફેઈમ સર્જાય અને ગુજરાતી બાળકો અને યુવાનો એમાંથી પ્રેરણા લઈ; ગુજરાતી ભાષાના માધુર્યને માણતા થાય.

   —–
   ભાષા શાસ્ત્રીઓએ આ બાબત કમર કસવાની પહેલ કરવાની છે – અને એમની પડખે સાહિત્યકારોએ, સાહિત્ય રસિકોએ અને જેના પેટમાં ગુજરાતી માટે બળે છે – તેવા સામાન્ય માણસોએ ઊભા રહેવાનું છે – નજીવી બાબતો માટેના બધા વિવાદોને બાજૂએ મૂકીને.
   આ ભાવનામાં કશી ઉગ્રતા નથી. માત્ર મંગળ ભાવ જ છે – માની ભાષા માટેનો પ્રેમ છે – એક અદના આદમીની અંતરની આરજૂ છે.
   પણ…
   બાબુ ભાઈ યથાર્થ કહે છે તેમ – આ બાબતમાં પરિણામલક્ષી માર્કેટિંગની ચુસ્તી લાવવી જ પડશે. જો કોઈને એ શબ્દ ગંદો લાગતો હોય તો ; કોક રૂપાળો શબદ ગોતી કાઢે.

   1. શ્રી સુરેશભાઈ,
    ભારતીય ભાષાઓ વિશે એક ભ્રમ ફેલાયેલો છે કે જે અભિવ્યક્તિ અંગ્રેજીમાં થઈ શકે તેવી ભારતીય ભાષાઓમાં નથી થઈ શકતી. ખરેખર તો દરેક ભાષાની ખાસિયત હોય છે.એ ખાસિયત બરાબર સમજીએ તો આવા ભ્રમને કારણે ગુજરાતી કે અન્ય ભારતીય ભાષાને ઊતરતી માનવાની ટેવ પડી છે તે નીકળી જાય. અનુવાદકો એ વાત સમજે છે. તમે સાવ અસાચું કહ્યું છે કે “મહત્વની જરૂર માત્ર એક જ છે – સામાન્ય ગુજરાતી માણસને એની ભાષા માટે ગૌરવ ધારણ કરતો કરવો…” .

    1. “ગુજરાતી માણસને એની ભાષા માટે ગૌરવ ધારણ કરતો કરવો…”

     પણ આ ગૌરવ ન હોવાનાં કારણોમાં જો ઉંડાં ઉતરીશું તો આપણી જોડણીમાંની અરાજકતાનો મુદ્દો સૌથી વધુ સામે આવે છે. ‘કોડિયું’ના સંપાદનના ભાગરુપે મેં અનુભવ્યું છે કે, યુનિ.ના ગુજરાતી વીભાગના રીડર કક્ષાના અધ્યાપકો પણ સાવ સામાન્ય કહી શકાય તેવી ભુલો કરે છે !! શાળાના શીક્ષકો, લેખકો, પ્રકાશકો અરે, જોડણીકોશના કર્તાઓ આ સૌ ફક્ત જોડણીની જ નહીં, વાક્યરચનાનીય ભુલો કરે છે !! કોશનાં આગળનાં પાનાંઓ પર છપાયેલાં નીવેદનોમાં મેં ભુલો જોઈ છે.

     આ બધાંનાં અનેક કારણોમાંનું સૌથી મોટું ને સૌથી દુઃખદ કારણ આપણી જોડણીની અરાજકતા છે. આમાં ગૌરવ શી રીતે સ્થાપવું (ને પછી વધારવું) ?

     1. જોડણીનો મુદ્દો સાચો છે. ‘અભીવ્યક્તી’ પરની ચર્ચામાં શ્રી બાબુભાઈએ ‘જોડણી-આયોજન’ શબ્દ વાપર્યો હતો. આ બાબતમાં સર્વસંમતિ (consensus) કેળવવાના પ્રયાસ કરવા જોઈએ.

     2. માફ કરજો..
      એનાથી ઊંધું છે – ભાષા માટેની અસૂયા જોડણી બાબત બેદરકારીના મૂળમાં છે. લેખકોને પોતાની પ્રતિષ્ઠા વધારવામાં વધારે રસ છે – સમાન્ય ગુજરાતીના સ્વાર્થનું ચપટીક ઉર્ધ્વીકરણ !
      ત્રણ વર્ષ ઊંઝામાં લખવાના અનુભવે એ તો ખબર પડી છે કે, મારા જેવા સામાન્ય વાચકોને જોડણીમાં સહેજ પણ રસ નથી. અને મારી વાચક સંખ્યા લાખોમાં એમનેમ નથી વધી.
      લોકોને શું જોઈએ છે – એ માર્કેટિંગનું પાયાનું તત્વ છે. અમારા હાસ્ય દરબાર પર રોજ + ૭૦૦ મુઉલાકાતીઓ પધારે છે.
      સાચું ગુજરાત ત્યાં છે – અહીં નહીં !! ગુજરાતી કાવ્ય મુશાયરાઓમાં ટોળે ટોળાં આવતા ક્રરો. જાપાન જેવી આ બળૂકી પ્રજા ધીરે ધીરે ત્યાં ઊમટી પડ્શે.
      પણ એ તો બિન સંસ્કૃત લોકો – આપ લોકોને માત્ર સાહિત્ય્કારોમાં જ રસ છે .
      —————
      પન્ચ લાઈન …
      ઉ . જો. ના ‘ સંસ્કૃતિ’ કરતાં ગોળીબારના ‘ ચક્રમ’ ની વધારે માંગ હતી !! અને એ ચક્રમો જ ગુજરાતી આમજન છે !

      1. બહુ જ ઉપયોગી માહીતી આપવા બદલ આપનો આભાર.

       * રાજ્યમાં રાષ્ટ્રીયભાષા તરીકે હીન્દીનો ઉપાડ અંગ્રેજીના વીકલ્પે વધુ છે;

       * અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વૈકલ્પીક ભાષા તરીકે શીક્ષકો હીન્દી પ્રયોજે છે ને ગુજ.ને બાજુમાં ખસેડી દે છે. ખરેખર તો અંગ્રેજી માધ્યમના વીદ્યાર્થીઓને સમજવા–સમજાવવા માટે હીન્દી અનીવાર્ય નથી પણ આ શીક્ષકો કાંતો બીનગુજરાતી હોય છે અથવા ગુજરાતીને વીકલ્પમાં રાખે તો નાનમ અનુભવે છે !!

       * ગુજરાતમાં જ ગુજરાતીભાષાને “શુંશાં પૈસા ચાર” ગણવામાં આવે છે !

       * ટીવી જેવાં માધ્યમોને લીધે ગુજરાતી ચેનલો સાઈડ પર મુકાઈ જાય છે.

       * બધી જગ્યાએ હોય છે તેમ આમાં પણ (કદાચ) રાજકારણ હોઈ શકે છે. બીજાં રાજ્યોના લોકોનો ધસારો તળ ગુજરાતીઓના ધંધાને પણ ધક્કો મારી દે છે ! કેટલાક વીસ્તારોમાં બીનગુજ.ની સામે ગુજુભાઈઓની દશા દયનીય લાગે !

       * રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને થતા રહેતા અન્યાયો બહુ જાણીતી વાત છે; ભાષાની બાબતે તો આપણે મક્કમ હોઈએ તો સધ્ધર પણ બની શકાય એમ છે…પણ ‘વો દિન કહાં…?!’

       સાભાર, – જુ.

       1. એ પણ ઉમેરવું જોઇએ કે દેવનાગરીમાંથી ગુજરાતીની લિઇ વિકસી છે અને એ સૌથી સરળ લિપિ છે. જો કે, સરળતા સાપેક્ષ ખ્યાલ છે; મૂળ તો સૌ ટેવ પ્રમાણે જ એ નક્કી કરતા હોય છે. પરંતુ મારો ખ્યાલ છે કે તટસ્થ માપદંડ પર પણ આ દાવો કદાચ ખરો નીવડશે.

 8. એક ચોખવટ. આ લેખ મેં હું ભારતમાં હતો ત્યારે, છેક ૧૯૯૫માં, લખેલો અને એ Journal of Contemporary Thoughtમાં પ્રગટ થયેલો.

 9. ભાષાવિજ્ઞાનના મૂળે બે અભિગમ: એક descriptive અને બીજો prescriptive. એક જમાનામાં prescriptive અભિગમને આપણે વિજ્ઞાન તરીકે ન હતા સ્વીકારતા. પણ હવે અભિગમ બલદાયો છે. ભાષા આયોજન માટે, ભાષાનિભાવ માટે એ અભિગમની જરૂર ઊભી થઈ છે. હું માનું છું કે જો ભાષાઓ પર ભાષાબદલાનો કે ભાષાના ધોવાણનો ખતરો ન હોત તો આ અભિગમ કદાચ હજી પણ ન સ્વીકારાત. જોડણી આયોજનનો અને જોડણી નિભાવનો પ્રશ્ન prescriptive અભિગમ સાથે સંકળાયેલો છે. મેં આ અગાઉ પણ કહ્યું છે કે દરેક પ્રજા એની ભાષાનો બે રીતે નિભાવ કરે. એક રીત તે પ્રગટ અને બીજી તે અપ્રગટ. શબ્દકોશે જ્યારે જોડણીના નિયમો બનાવ્યા ત્યારે એની સાથે સંકળાઓેલા મહાનુભાવોએ પ્રગટપણે એનો નિભાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ, એ નિભાવ માટે આપણે, એટલે કે પ્રજાએ કે સરકારે, જોઈએ એવાં પગલાં ન લીધાં. એને કારણે એનો નિભાવ યોગ્ય રીતે ન થયો અને અને એને કારણે જોડણીના સ્તરે એક પ્રકારની અરાજકતા ઉમેરાઈ. એમાં વળી ઊંઝા જોડણી ચળવળ સાથે સંકળાયેલા મહાનુભાવોએ વધારે અરાજકતા ઉમેરી. એમણે પોતાની જોડણીવ્યવસ્થા અમલમાં મૂકી દીધી. હું માનું છું કે આ એક ભૂલ છે. આવું ભાગ્યે જ કોઈક ભાષામાં બને. જ્યાં સુધી કોઈ નવી જોડણી વ્યવસ્થા સ્વીકારાય નહીં ત્યાં સુધી એ માટેની ચળવળ ચાલુ રખાય પણ એનો અમલ તો ન જ કરાય. અંગ્રેજીમાં પણ વરસોથી જોડણી આયોજનની ચળવળ ચાલે છે. પણ, એ જોડણીમાં ભા્ગ્યેજ પુસ્તકો લખાય છે કે સામયિકો નીકળે છે. જર્મનીમાં જોડણી વ્યવસ્થા બદલી તો કેટલાક લોકો અદાલતમાં ગયેલા. એમણે કહેલું કે અમને જૂની જોડણી વ્યવસ્થા પ્રમાણે લખવાનો અધિકાર છે. અદાલતે એ અધિકાર માન્ય રાખેલો. કોણ જાણે કેમ પણ આપણે જોડણી ચર્ચાને ખૂબ જ અંગત સ્તર પર લઈ જતાં અચકાતા નથી. ઘણા લોકો લગભગ ગાળાગાળી પર આવી જતા હોય છે. હું નથી માનતો કે કેવળ જોડણી ‘સરળ’ બનાવવાથી ગુજરાતી ભાષાનું ધોવાણ અટકી જશે. જોડણી સાથે સમાજ પણ જોડાયેલો છે. અંગ્રેજી ભાષામાં જોડણીની ભૂલ કરતા માણસને આપણે સરળતાથી ‘અભણ’ની કક્ષામાં મૂકી દઈશું. પણ, ગુજરાતી ભાષામાં જોડણી બૂલ કરતા માણસને આપણે ભાગ્યે જ એ કક્ષામાં મૂકીશું. આવું કેમ થતું હશે. મને લાગે છે કે દરેક ભાષાની જોડણીવ્યવસ્થા સાથે એક પ્રકારની સમાજિક સહનશક્તિ પણ જોડાયેલી છે. ગુજરાતી ભાષામાં કોઈ ભૂલ કરે તો એને સહન કરી લેવાની શક્તિ આપણે વિકસાવી લીધી છે. એ માટે કદાચ આપણું જોડણીતંત્ર પણ જવાબદાર હોઈ શકે. અંગ્રેજીમાં જોડણીભૂલ થાય તો એનાથી જે violence થાય છે એના પ્રમાણમાં ગુજરાતીમાં થતી જોડણી ભૂલનું violence કદાચ બહુ ઈજા પહોંચાડે એવું નહીં હોય,. કેમ કે, આપણી જોડણી વ્યવસ્થા અક્ષર (સિલેબલ) આધારિત છે, નહીં કે આલ્ફાબેટ આધારીત. મને તો એ વાત જ સમજાતી નથી કે શા માટે આપણે જોડણી સુધારાને જીવન મરણનો પ્રશ્ન બનાવી દીધો છે? શા માટે આપણે દસ પંદર જણા એકબીજા સાથે લડ્યા કરીએ છિએ? શા માટે તક મળે તો આપણે એકબીજાને અજ્ઞાની જાહેર કરી દઈએ છીએ? જોડણી આયોજન કરવું જરૂરી છે એની હું ના પાડતો નથી. પણ, એ માટે કોઈ બીજી ભાષાઓની જોડણીવ્યવસ્થા પર થયેલાં સંશોધનો જોવા કે એમના વિષે વિચારવા કેમ તૈયાર નથી? પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા વિદ્વાનો પણ કેમ આ દિશામાં જતા નથી? ભાષાવિજ્ઞાન કાંઈ મેડિકલ સાયન્સ નથી કે એ કોઈક દવા બનાવે અને એનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે. પેલો ટૂચકો ઘણાને યાદ હશે. સંસ્કૃતના વિદ્વાન એક હોડીમાં નદી ઓળંગી રહ્યા હતા ત્યારે એમણે એ હોડીના નાવિકને પૂછ્યું: ભાઈ, તેં પાણિનિનો અભ્યાસ કર્યો છે? પેલાએ ના પાડી. તો વિદ્વાને કહ્યું: તો તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. પછી થોડી વારમાં હોડી ડૂબવા માંડી. એટલે પેલા નાવિકે પૂછ્યું: સાહેબ, તમને તરતાં આવડે છે? પેલાએ કહ્યું: ના. તો નાવિકે કહ્યું: તો તમારી આખી જિંદગી પાણીમાં ગઈ. મને આ ટૂચકામાં એક જ વાત ગમી: વિદ્વાને એક વાત સમજવી જોઈએ કે વ્યાકરણથી હોડી ન ચાલે. વ્યાકરણનું એ કામ જ નથી. હું તો એટલું માનું કે ગુજરાતી ભાષાની જોડણીવ્યવસ્થાના આયોજન માટે સરકારે એક સમિતિ નીમવી જોઈએ. એ પહેલાં ભૂતકાળના બધા જ નિર્ણયોને અભરાઈએ પર ચડાવી દેવા જોઈએ. એમાં શબ્દકોશના નિર્ણયોનો પણ સમાવેશ થાય. અને આખો પ્રશ્ન નવેસરથી વિચારવો જોઈએ. એમાં ન તો ઊંઝા ચાલે, ન અમદાવાદ ચાલે. મને ઘણી વાર થાય છે કે આપણા જોડણી આયોજન સામે એક જ પ્રશ્ન છે: જે ભાષામાંથી આપણે સતત શબ્દો લાવ્યા કરીએ છીએ એ સંસ્કૃત ભાષા સાથે આપણે જોડણીના સ્તરે કેટલો અને કેવો સબંધ રાખવો? અને શા માટે? આ બાબતમાં કોઈ શાસ્ત્રીય દલીલો કરશે તો ગમશે.

 10. ગુજરાતી ભાષાના અધ્યાપકો જ નહીં, લેખકો પણ વ્યાકરણની અસંખ્ય ભૂલો કરે છે. મેં તાજેતરમાં હિમાંશી શેલતના એક પાનાના લખાણમાં વ્યાકરણના અને કથનને લગતા નહીં નહીં તો પંદરેક દોષો શોધી બતાવેલા. એ બતાવે છે કે આપણા મોટા ભાગના શિક્ષકો અને સર્જકો ગુજરાતી ભાષા પરનું નિયંત્રણ ગૂમાવી રહ્યા છે. કમનસીબે એમાં હિંમાંશીબેન એકલાં નથી. જીવદયાથી (લોકોને સહેલું પડે એ માટેની જીવદયા) જોડણી સુધારો કરવાથી આ પરિસ્થિતિમાં કોઈ ફેર પડે એમ મને નથી લાગતું. આપણે ગુજરાતીઓ સાપ પણ સંઘરવામાં માનીએ. કદાચ એ પણ ક્યારેક કામ લાગે. આ પ્રકારનો વ્યવહારવાદ પણ ગુજરાતી ભાષાના ધોવાણ માટે જવાબદાર છે. કાણા મામાથી ચલાવી લેવાની ટેવ પડી જાય પછી એક તબક્કો એવો આવે કે આપણને સારા મામા જ ન ગમે.

 11. સો વાતની એક વાત. જોડણીની ચર્ચા કરતાં પહેલાં એ ચર્ચા કરવા માટેની લાયકાત કેળવવી જોઈએ. એ વિષય સાથે સંકળાયેલા પાયાના ગ્રંથોનું સેવન કરવું કરવું જોઈએ. લેખનવ્યવસ્થા શું છે? ગુજરાતી લેખનવ્યવસ્થાનો કઈ રીતે વિકાસ થયો છે? જોડણીવ્યવસ્થા શું છે? એને અને ધ્વનિતંત્રને અને રૂપતંત્રને શું સબંધ છે? વાંચન અને લેખનને જોડણી સાથે શું સંબંધ છે? સમાજ અને જોડણીવ્યવસ્થાની વચ્ચે કોઈ સબસંધ છે ખરો? ટેકનોલોજી અને જોડણીવ્યવસ્થાની વચ્ચે કયા પ્રકારનો સબંધ છે અને હોવો જોઈએ? ચિત્ત (બ્રેઈનના અર્થમાં) અને જોડણી વચ્ચેના સંબંધો વિષે વિદ્વાનોએ શું કહેવાનું છે? અક્ષરજ્ઞાન અને જોડણી વચ્ચેના સંબંધો વિષે વિદ્વાનો શું કહે છે? આ અને આવા બીજા અનેક પ્રશ્નો પર ચર્ચા કરવાની લાયકાત કેળવ્યા વગર એની ચર્ચા કરવા બેસીએ તો એમાં ‘રેશનાલિટી’ કરતાં ‘ઈમોશનાલિટી’ વધારે આવે. (અહીં જાણી જોઈને અંગ્રેજી શબ્દો વાપર્યા છે.) અને એવું થાય ત્યારે આપણે પેલા રૂઢિચૂસ્તોની જેમ આપણો કક્કો ખરો કરવા વિવેક બાજુ પર મૂકતા થઈ જઈશું. શું આપણે આવું કરવું છે? જેને એ દિશામાં જવું હોય એ જાય. હું એ દિશામાં જવા નથી માગતો.

 12. (૧) ગુજરાતી ભાષાના ધોવાણની ગતિને ધીમી પાડવા/ધોવાણને અટકાવવા સૌ પહેલાં તો સરકારે ગુજરાતી ભાષા નિયમન ધારો ઘડવો જોઈએ અને એ ધારાના ઉપક્રમે કેટલાંક કડક પગલાં લેવાં જોઈએ.

  (૨) એ ધારાના ઉપક્રમે સરકારે ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ ફરજિયાત બનાવવો જોઈએ. જયલલિતાએ તમિલનાડુમાં આવું કર્યું છે. એમાં અગ્રેજી માધ્યમની સરકારની કોઈ જ મદદ ન લેતી શાળાઓનો પણ સમાવેશ થવો જોઈએ. પણ, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં ભણે છે એમના માટે ગુજરાતી બીજી ભાષા બની રહેવી જોઈએ. એનાં ધોરણો જુદા પ્રકારનાં હોવાં જોઈએ.

  (૩) ગુજરાતી માધ્યમની શાળાઓના અભ્યાસક્રમને જડમૂળથી બદલી નાખવો જોઈએ. ગુજરાતમાં જન્મેલું બાળક, ગુજરાતી બોલતાં સમજતાં શીખીને શાળામાં જતું હોય છે. એમ હોવાથી એને લેખન અને વાંચનમાં વધારે પરાંગત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકો પર, ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં, સાહિત્યનો બોજો છે એ ઓછો કરી, એની જગ્યાએ ભાષાલેખન અને વાંચનને કેન્દ્રમાં મૂકવું જોઈએ. પછી, હાઈસ્કુલમાં ગુજરાતી સાહિત્યનો સાહિત્ય તરીકે, ગુજરાતી તરીકે નહીં, અભ્યાસ કરાવવો જોઈએ. ત્યાં પણ લેખન અને વાંચન પર વધારે ભાર મૂકવો જોઈએ.

  (૪) આ પ્રકારના શિક્ષણને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષાના શિક્ષકો તૈયાર કરવા જોઈએ. હું માનું છું કે રાજ્ય સરકારે કે કોઈક ખાનગી સંસ્થાએ ગુજરાતી ભાષા વિકાસ સંસ્થા ઊભી કરી એના ઉપક્રમે પ્રાથમિક શાળાના શિક્ષકો, પછી હાઈસ્કુલના શિક્ષકો અને ત્યાર પછી કૉલેજના શિક્ષકો માટે ગુજરાતી ભાષાવિજ્ઞાનના ડીપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ. જે શિક્ષક આ અભ્યાસક્રમ કરે એને નિમનૂંક વખતે પાંચ ટકા વધારે આપવા જોઈએ. જો આમ થશે તો લોકો પોતાના ખર્ચે પણ આવા અભ્યાસક્રમો કરવા આવશે.

  (૫) આ ધારાના ઉપક્રમે ભાષાઆયોજન પણ કરવું જોઈએ. સરકારી ભાષાને વધુ માન્ય સ્વરૂપ આપવું જોઈએ. એ ભાષા ન ખમી શકે એવા ઉછીના શબ્દો પણ દૂર કરવા જોઈએ. વ્યાકરણના કેટલાક પ્રશ્નોના પણ માન્ય જવાબ શોધવા જોઈએ. અને હા, જોડણીઆયોજન પણ કરવું જોઈએ અને જોડણીનું જ કંઈ સ્વરૂપ સ્વીકારાય એના અમલની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ.

  (૬) ગુજરાતી ભાષાને આર્થિક ઉપાર્જન સાથે પણ જોડણી જોઈએ. પત્રકારો, પ્રૂફ રીડર્સ, કોપી એડીટર્સ, અનુવાદકો તૈયાર કરવા જોઈએ અને દરેક મોટી કંપનીઓમાં લોકો સાથે ગુજરાતીમાં વ્યવહાર થઈ શકે એ માટે એક એક ભાષાઅધિકારી પણ હોવો જોઈએ.

  (૭) ગુજરાત સરકારે દુકાનોના પાટિયાં વગેરે પર ગુજરાતી ફરજિયાત બનાવ્યું છે એવું મેં ક્યાંક વાંચેલું. જો એમ કર્યું હોય તો ગુજરાતી ભાષા નિયમન ધારા હેઠળ એ ફરજિયાત બનાવવું જોઈએ. અને એ પાટિયાં પરની ભાષાનો પણ માન્ય એવો નિભાવ થવો જોઈએ.

  (૮) ગુજરાતીના ઉચ્ચશિક્ષણમાં પાયામાંથી ફેરફારો કરવા જોઈએ. દરેક યુનિવર્સિટીમાં ગુજરાતી કાં તો પ્રથમ ભાષા તરીકે કાં તો બીજી ભાષા તરીકે હોવી જ જોઈએ. દરેક યુનિવર્સિટીના ગુજરાતી વિભાગો ગુજરાતી ભાષાના કે સાહિત્યના કોઈકને કોઈક પાસા પર સંશોધન અને ભ્યાસ કરાવતા હોવા જોઈએ. જૂની ગુજરાતીનો અભ્યાસ લગભગ બંધ થઈ ગયો છે. એ શરૂ કરવો જોઈએ. હસ્તપ્રતવિજ્ઞાનના માણસો તૈયાર કરવા જોઈએ. ઉચ્ચશિક્ષણ લેતા દરેક વિદ્યાર્થી અંગ્રેજી પુસ્તકો વાંચી શકતો હોવો જોઈએ. એમાં એણે કુશળતા સાબિત કરવી જ પડે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

  (૯) ગુજરાતી ભાષાને ટેકનોલોજી માટે તૈયાર કરવી જોઈએ. રાજ્યસરકારે એ માટે જરૂર કીબોર્ડ બનાવીને એને કાં તો મફત કાં તો ઓછી કિંમતમાં પ્રજાને વેચવું જોઈએ.

  (૧૦) મેં એક ઠેકાણે લખ્યું છે કે Gujarati is a poor language of the rich people. આમ કહીને હું એટલું જ કહેવા માગતો હતો કે આપણી પાસે અત્યારે જેને આપણ રેફરન્સ ગ્રામર કહી શકીએ એવા વ્યાકરણનું એક પણ પુસ્તક નથી. જે કંઈ છે એ બધાં કોઈકને કોઈક રીતે અરાજકતાભર્યાં છે. એ જ રીતે આપણા શબ્દકોશો પણ પ્રભાવવાદની અસર હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. એમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂર છે. મેં એક વાર રતિકાકા (ચંદેરિયા)ને કહ્યું હતું તમે ગુજરાતમાં ગુજરાતી શબ્દકોશવિજ્ઞાન માટે એક અલગ સંસ્થા ઊભી કરો. હું માનું છું કે ગુજરાતના ખમતીધરોએ આ માટે આગળ આવવું જોઈએ. આપણે એક વાત ભૂલવી ન જોઈએ કે મધ્યકાળમાં જ્યારે હેમચંદ્રએ વ્યાકરણ લખ્યું ત્યારે આપણી પ્રજાએ એની હાથી પર સવારી કાઢી હતી. આજે આપણી એ પ્રજા પાસે વ્યાકરણનાં કે શબ્દકોશનાં સારાં પુસ્તકો નથી. શબ્દકોશો બને છે પણ પ્રભાવવાદની અસર હેઠળ. એમાં લાગણી વધારે અને વિજ્ઞાન ઓછું. હવે તો આપણે એમાંથી બહાર આવવું જોઈએ.

  આ ઉપરાંત પણ બીજાં ઘણાં પગલાં લઈ શકાય અને એ પગલા લેવા માટે આપણે સમૂહમાધ્યમોની પણ મદદ લેવી જોઈએ.

 13. એક પ્રતિ સૂચન ! – માત્ર દિપકભાઈને …
  આંતર રાષ્ટ્રીય અનુભવ ધરાવતા બાબુભાઈના આ નક્કર સૂચનો મુખ્યમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીને શ્રી. ભાગ્યેશ જહા મારફત મોકલવામાં આવે.
  ————–
  ‘ગુગમ’ પરિકલ્પનામાં કરેલા આ વિચારો ઉમેરવા કે કેમ – તે ચકાસવા વિનંતી…

  ગુજરાતી ભાષા પ્રવીણતા પરીક્ષા – ત્રણ સ્તરમાં
  – ૧) પ્રારંભિક( ચોથા ધોરણની સમકક્ષ ) , ૨) માધ્યમિક ( આઠમાં ધોરણની સમકક્ષ) ૨) વિશારદ( બારમા ધોરણની સમકક્ષ)- ત્રણેમાં અભ્યાસક્રમ સરકારી ધારાધોરણ કરતાં ઠીક ઠીક ઊંચો હોવો જોઈએ.
  ગુજરાતી શિક્ષક પ્રવીણતા પરીક્ષા- ગુજરાતી શિક્ષણનું સ્તર સુધરે તે માટે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા ( સાહિત્ય, ભાષા શાસ્ત્ર અને શિક્ષણ અગે જાણકારીની કસોટી) – બે સ્તરમાં. આમાં પણ અભ્યાસક્રમ તેની સમકક્ષ સરકારી ધોરણ કરતાં ઘણો ઊંચો હોવો જોઈએ.
  1) પ્રાથમિક 2) માધ્યમિક
  ગુજરાતી સાહિત્ય સર્જન માટેના પારિતોષિકો ( માત્ર સામાન્ય માણસ માટે) : વાર્ષિક હરીફાઇ, અને વિજેતાઓનું જાહેર સન્માન-
  ૧) વાર્તા ૨) કવિતા ૩) નિબંધ
  ગુજરાતી વારસા જતન
  – ગુજરાતમાં ઠેર ઠેર જીવી ગયેલી ગુજરાતી પ્રતિભાઓની યાદનો સંગ્રહ અને જતન – ગુજરાતના દરેક મોટા શહેરમાં, તેની આજુબાજુના વિસ્તારમાં જીવી ગયેલી નામી, અનામી વ્યક્તિઓ, જેમણે ગુજરાતનું કે સ્થાનિક જગ્યામાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું હોય; તેમની યાદ તાજી કરી આપતાં, અને પ્રજાને એવા જીવન જીવી જવાની પ્રેરણા આપતાં સ્મારકો, માહિતી વિ. – દરેક શહેરમાં આવું એક સ્થળ વિકસાવવામાં આવે જ્યા સામૂહિક રીતે આવા સંગ્રહ પ્રદર્શિત કરી શકાય.
  – ગુજરાતમાં ઠેર ઠેર, જાહેર સ્થળોએ, વિના મૂલ્યે, ધાર્મિક કથાઓના મોડલ પર, લોકપ્રિય લેખકોનાં પ્રવચનોનું ( ખાસ કરીને હાસ્યલેખકોનાં) આયોજન.

  1. શ્રી સુરેશભાઈ,
   મને ઇ-મેઇલ ઍડ્રેસ મળે તો હું મોકલી આપીશ, પણ તે સિવાય તમે પણ ક્યાં પારકા છો? અને આ ખુલ્લી ચર્ચામાં તો જેમને જે રીતે સામેલ કરવા હોય તેમને કરી શકાય.

 14. શ્રી બાબુભાઇનો લેખ + આખી ચર્ચા નિરાંતે, રસથી વાંચી. બાબુભાઇ તો વિદ્વાન છે, અને ઘણાં ચર્ચા કરનારા પણ વિદ્વાન લાગ્યાં. લગભગ બધી વાત સાથે સંમત થાઉં છું.
  હું જે પરિસ્થિતિ જાણું છું એ
  શહેરોમાં બાળકોને ગુજરાતી ભણવામાં કે એક ભાષા તરીકે અભ્યાસ કરવા કરાવવામાંય રસ નથી.
  ગામડાઓમાં કે જ્યાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં ગરીબ વર્ગ ભણે છે એમાં પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને સાદું ગુજરાતી વાંચતા સુદ્ધાં આવડતું નથી.
  ત્યારે ભાષા બચાવવા કંઇક કરવું જ જોઇએ.
  સુરેશભાઇના સુચન પ્રમાણે આ આખીયે વાત-લેખ અને ચર્ચા મુખ્ય પ્રધાન સુધી પહોંચાડવા જોઇએ. આમ જુઓ તો સરકારી રાહે ‘વાંચે ગુજરાત’ અને અન્ય કાર્યક્રમો થાય જ છે જે ગુજરાતી ભાષાને ટકાવવામાં મદદ કરે છે.
  હું મને ચારે બાજુ જે દેખાય એમાં હું જે કરી શકું એ કર્યા કરું છું. ચૂક્યા વગર અને નિષ્ઠાથી. દા.ત.
  મમ્મી – ‘બેટા જો, આ નાનકડી બડ છે ને એ કાલે ફ્લાવર થશે’
  હું – ‘તમે ખરા છો, ફલાણાબેન, તમારો દીકરો આમેય અંગ્રેજી માધ્યમમાં છે. એ ત્યાં ‘બડ’ ને ‘ફ્લાવર’ તો શીખવાનો જ છે. એને ‘કળી’ ને ‘ફૂલ’ કોણ શીખવશે ?
  મમ્મી – ‘હા, તમારી વાત તો સાચી હોં !’
  જે પૂરું અંગ્રેજી નથી જાણતી ને દીકરાને ગુજરાતી શીખવવામાંય નથી સમજતી એવી મમ્મીઓને મોકો મલે ત્યારે હું કહી લઉં છું.
  બાળકો સાથે જ્યારે તક મળે (મળે જ છે) ત્યારે એની બોલચાલની ભાષામાં બિનજરૂરી અંગ્રેજી શબ્દોનો વપરાશ અટકાવવા પ્રયત્ન કરું છું. જ્યાં સહેલાઇથી અને વપરાશમાં રૂઢ હોય એવા ગુજરાતી શબ્દોનો ઉપયોગ તેઓ વધારે કરે એવા પ્રયાત્ન કરું છું. બાકી રહી જોડણીની વાત. બાબુભાઇની વાત સાચી છે. હું યે લેખક છું તોયે મારી ભાષાની ને જોડણીની ભૂલો થતી જ હશે.. પણ હું એની બહુ ચિંતા કર્યા વગર લોકો (ખાસ કરીને બાળકો) ગુજરાતી બોલે, લખે, વાંચે એના પ્રયત્ન કરું છું.
  આભાર સૌનો..
  લતા જ. હિરાણી

  1. લતાબેન, તમે પહેલી વાર આવ્યાં છો; સ્વાગત. તમારા પ્રયત્નો સાચી દિશામાં છે. આવો જ એક જોરદાર પ્રયાસ ગુજરાતમાં પણ થયો છે અને એના દ્વારા સાચો રસ્તો શો છે તેની ખબર પડે છે. એ લેખ પણ હું મૂકવાની તૈયારીમાં છું. આશા છે કે સૌ મિત્રોને ગમશે.

 15. વર્ષો પહેલાં હું જ્યારે ભારતમાં હતો ત્યારે ચરોતર વિદ્યામંડળે ગુજરાતી ભાષા વિકાસ સંસ્થા શરૂ કરવાનું વિચારેલું. એમણે એ સંસ્થાના નિયામક તરીકે મારી નિમણુંક કરવાની વાત પણ કરેલી. પછી, કોઈકે ‘ફાચર મારી’. ચરોતર વિદ્યામંડળમાંથી કોઈકનો ફોન આવ્યો: બાબુભાઈ, લોકો કહે છે કે તમે આ સંસ્થા માટે ખૂબ નાના પડો. તમને શું લાગે છે? મેં કહ્યું કે તમારે લોકોનું સાંભળવાનું કે ભાષામાં પ્રવર્તતી કટોકટીનું? તમારે જે નિર્ણય લેવો હોય તે લો. મને વાંધો નથી. આખરે એમણે કહેલું કે હું વિચારીશ. એવી જ એક બીજી ઘટના પણ બનેલી. ઈન્ડીયન એક્સપ્રેસમાં ગુજરાતી ભાષામાં કટોકટી પર મારી એક મુલાકાત પ્રગટ થઈ. એ વખતના ગુજરાતના મુખ્ય સચીવે એ વાંચી. પછી એમને થયું: જો આવો માણસ ગુજરાતી ભાષાના નિયમકપદે હોય તો કેવું! એ વખતે એ પોઝીશન ખાલી હતી. એટલે એમણે મને ગાંધીનગર બોલાવ્યો. હું ગયો. મેં એમને કહ્યું કે હું વહીવટનો જીવ નથી. જો તમે ભાષા નિયામકની કચેરીમાં આમૂલ પરિવર્તન લવી શકો તો જ વાત આગળ ચાલે. મેં મારી નજરે એ કચેરી કેવી હોવી જોઈએ એની વાત કરી. પેલા અધિકારીએ કર્યું કે નાણાંખાતું તો ના પાડશે. પણ, ચીમનભાઈ (એ વખતના મુખ્યપ્રધાન) મંત્રીમંડળ પાસે આ નિર્ણય લેવડાવશે. પછી મેં ગાંધીનગરમાં વસતા એકાદબે સાહિત્યકારોને મળવાની અને એમની સાથે એ સંસ્થાની પુન: રચના માટેની ચર્ચા કરી. એ સાહિત્યકારોએ તરત જ ખટપટો શરૂ કરી દીધી. પછી તો બીજી પણ કેટલીક રાજકીય ઉથલપાથલો થઈ અને એ આખી વાત અભરાઈએ મૂકી દેવામાં આવી. હુ ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માગતો હતો પણ મિત્રો એવું માની બેઠા કે હું હોદ્દો મેળવવા આ બધું કરું છું. આનું મનદુ:ખ નથી. કેમ કે આ એક વાસ્તવિકતા છે. એને સ્વીકાર્યે જ છૂટકો. એક ત્રીજો પ્રયત્ન પણ કરેલો. માનનીય શ્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખવાનો. ત્યારે એમણે ગુજરાતમાં વિજ્ઞાનના વિકાસ માટે કે એવા કોઈક જ્ઞાનના કામ માટે એક સમિતિ નીમેલી. મેં એ સમિતિને પત્ર લખેલો. એમાં મેં ઉપર જે વાત કરી છે એ બધી જ વિગતે કરેલી. પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષકો અને કોલેજના શિક્ષકોને કઈ રીતે ભાષાવિજ્ઞાનનું જ્ઞાન આપી શકાય અને એ પણ ઝાઝુ રોકાણ કર્યા વિના એ વિષે મેં વિગતે લખેલું. પણ, સમિતિએ એ કાગળ મળ્યાની પહોંચ સરખી પણ લખી નહીં. હું માનું છું કે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ લગભગ ખાડે ગયું છે. અને હું એમ પણ માનું છું કે વધારે આર્થિક રોકાણ કર્યા વિના આપણે ઉચ્ચશિક્ષણમાં પરિવર્તન લાવી શકીએ એમ છીએ. પણ, એ માટે સરકારે મન મૂકીને પ્રયત્નો કરવા પડે. જે માણસોને જ્ઞાનપ્રાપ્તિનો ઓછો અને વહીવટનો વધારે અનુભવ હોય એવા માણસો વહીવટમાં કદાચ (કદાચ, ફરી એક વાર) મદદ રૂપ થઈ શકે. ઉંચા પ્રકારનો પ્રોફેશનાલિઝમ જ ગુજરાતના ઉચ્ચશિક્ષણને આગળ લાવી શકે. ભાગ્યેશ ઝા અને હું એક જમાનામાં એક જ ખાતામાં ‘ટેલિફોન ખાતામાં’ નોકરી કરતા હતા. મેં મારી કારકીર્દીની શરૂઆત ટેલિફોન ઓપરેટર તરીકે કરેલી. એ પણ ગોધરાથી. ત્યાર પછી મેં મશરૂમના ફાર્મમાં પણ કામ કર્યું છે અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘સંદેશ’માં પણ. ત્યાં કામ કરતાં કરતાં ભણતો ગયો અને હજી ભણ્યા કરું છું. આ જરા અંગત વાતો. જો કોઈ કામ સરકાર ન કરે તો કોઈક લાખા વણઝારાએ ભાષાની વાવો બંધાવવામાં મદદ કરવી જોઈએ. હ્વે જ્યારે પાણીનું કોર્પોરેટકરણ થઈ ગયું છે ત્યારે પાણીની પરબો તો રહી નથી. ભાષાની પરબો કદાચ મદદ કરે.

 16. અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભાવનું મુખ્ય કારણ તો ગુજરાતમાં વસતા ગુજરાતીઓ તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવે છે તે ગણી શકાય.
  જો કે ગુજરાતી માધ્યમમાં ભણેલ ગુજરાતી પણ થોડું અથવા ઘણું અંગ્રેજી પાછળથી શીખે પણ છે.
  ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવા માટે અન્ય ભાષાઓમાંથી, ખાસ તો અંગ્રેજીમાંથી, અનુવાદ સીધે સીધી રીતે કદાચ ઉપયોગી ન પણ પરવડે, પરંતુ તેને કારણે ગુજરાતીનું સહાસ્તિત્વ જરૂરથી જળવાઇ રહે.
  ડીજીટ્લ વિશ્વમાં મશીન અનુવાદની સુવિધા ઘણી આગળ વધી રહી છે. તેમાં સારાં ગુજરાતી અનુવાદ અંગેનું વધારે કામ તો જ થતું રહેશે જો તે સુવિધામાટે બજાર જોવા મળશે.
  દિપકભાઇએ આ ચોંકાવી દેતા લેખને ગુજરાતીમાં અનુવાદ કરીને આ વિષયની ડીજીટલ વિશ્વમાં હાજરી ગુજરાતીમાં નોંધાવી દીધી. તે જ રીતે ગુજરાતી ભાષામાં બ્લૉગ લખનાર ગુજરાતીઓ TED કે WIKIPEDIA જેવી સાઇટ્સપર ત્યાં મૂકાયેલ સામગ્રીનો ગુજરાતીમાં અનુવાદ કરે તો આવી બધીજ સાઇટ્સ પર પણ ગુજરાતી ભાષાની હાજરી અને ગુજરાતી ભાષીઓની મુલાકાતો પણ વધે. ગુજરાતીની માંગ માટે આવાં ડંકાનિશાન વાગતાં રહે તે જરૂરી છે.

 17. વાહ ખુબ જ સરસ ચર્ચા અને માતૃ ભાષાના અસ્તિત્વની ચિંતાનો વિષય ખુબ જ માહિતીસભર અને ઉંડો અભ્યાસ માંગી લેતો વિષય ચર્ચાયો એ બદલ દિપક્ભાઈને અભિનંદન.
  મુળ વાત તો એ છે કે આજનુ બાળક એટલે કે ૫-૬ થી લઈને ૨૫ વર્ષ સુધીના વર્ગમાં ગુજરાતી ભાષાને વ્યવસાયિક સફળતા માટે ઝનુની રીતે અપનાવી શકાતી નથી એ કડવી સચ્ચાઈ સમજવા જેવી છે. આપણે જ આપણા બાળકોને એવુ શીખવતા નથી અથવા તો સમયની માંગ જ એવી છે કે આજના બાળકે હિંદી અને અંગ્રેજી ને પ્રથમ મહત્વ આપવુ પડે છે અને ત્રીજે નંબરે વિરાજતી ગુજરાતી શિખવા વિશે એ “ઘરકી મુરગી દાલ બરાબર” જેવો ન્યાય અપનાવે છે. આપણે જ આપણા બાળકને ગુજરાતી શીખવાતા વર્ગમા નથી જોડાવતા. ગુજરાતમાં વસતી કે બીજા રાજ્યોમાં કે દેશોમાં વસતી દરેક ગૃહણી પણ પોતાના બાળકને ગુજરાતી શીખવતા વર્ગમા મોકલવા કરતા ફટાફટ અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેસ્નીશ, જર્મન, જાપાની, ચાઈનીઝ બોલતા લખતા કે વાંચતા શીખવે એવા વર્ગમાં મોકલવા ઈચ્છતી હોય છે. એનુ કારણ ભૌતિક સફળતા અને સમૃધ્ધતાની ચાવી અન્ય ભાષામાં છુપાયેલી છે.
  દા.ત. ગુજરાતી કલાકાર ગુજરાતી સ્તરે સફળતાથી સંતોષ નથી પામતો પણ ભારતીય સ્તરે ઉંચી છલાંગ લગાવવા એને હિંદી શીખવા પર ધ્યાન આપવુ પડે છે, અને હિંદિ માં ઘુસ્યા પછી ગુજરાતીમાં ફરી પાછો આવવા નથી ચાહતો કેમ કે એટલી સમૃધ્ધી ગુજરાતી માં નથી મલતી. પછી હિંદીમાંથી આગળ વધવુ હોય તો અંગ્રેજી કે અન્ય ભાષા શીખે છે. (આવુ દરેક વ્યવસાયે સમજવુ).

  જે ગુજરાતીને વિકસાવે છે એ કાં તો ગુજરાતી સાહિત્યકાર હોય કે ગુજરાતી મિડિયાનો સેવક હોઈ શકે નહિ તો શિક્ષક તો હશે જ, નહિ તો ગુજરાતી રાજ્ય સરકારનો મુલાજીમ હશે. અને હવે એક ઝડપથી ફેલાતો ગુજરાતી પ્રેમી વર્ગ છે “ઈંટરનેટ” રોગી. જો ઈંટર્નેટ ના હોત તો હુ પણ ગુજરાતીમાં પાવરધો થવા ઈચ્છતો ના હોત. આજે ફરીથી આપણી લાડલી ગુજરાતી વૈશ્વિક સ્તરે દાંડિયા રમી રહી છે એનુ કારણ ફક્ત અને ફક્ત ઈંટરનેટ જ છે. આ બધુ તો આપણે બધા જ જાણીએ છીએ.

  હવે પ્રશ્ન એ ઉભો છે કે અન્યભાષી ગુજરાતી શુ કામ શીખે? એવુ શુ પામી શકાય જે અન્ય ભાષા કરતા ચડિયાતુ હોય? દિલ્હીના ૧૦ વરસના વસવાટને કારણે આજે મારા બાળકો ગુજરાતી વાંચી કે લખી નથી શકતા. મારો પુત્ર એમ.બી.એ. કરી રહ્યો છે પણ ગુજરાતીનો કક્કોય નથી આવડતો. ગુજરાતી મહાવરાઓ (રુઢી પ્રયોગો) પણ નથી સમજી શકતા. તેઓ શીખવા પણ તૈયાર નથી એનુ કારણ ફક્ત ગુજરાતી પ્રાદેશીકત મહત્વતા જ છે. ગુજરાતીને અંગ્રેજી કે અન્ય ભાષા જેવી વૈશ્વિક લોકપ્રિયતા અપાવવી હોય તો જાપાન/ચીન જેવો સ્વભાષા પ્રેમ અપનાવવો જોઈએ જેઓએ વિશ્વના દરેક જ્ઞાન ને પોતાની સ્વભાષામાં પોતાના દેશ વાસીઓને પીરસી આપ્યુ જેઓએ એ જ્ઞાનને પોતાની માતૃ ભાષામાં શીખીને લાંબેગાળે પોતાની આવડતને પોતાની ભાષામાં નવુ શોધી આપ્યુ અને આજે જગતને તેઓની ભાષા શીખવાની જરુર પડી………………….. નાના મોઢે નાની વાત…..

 18. ત્રણ ભાષા સૂત્ર નું શું થયું??કોણે ભંગ કર્યો ??
  અંગ્રેજી માં બોલી હિન્દી ભાષા ને પ્રોત્સાહન આપો પણ લખો સરળ ગુજરાતી લિપિ માં……

 19. વિવિધતા થી ભારત જોડાયેલ છે નહીં કે હિન્દી ને લીધે ૧-૭ ભાગ

  ભારતને જરૂર છે એક લિપિની અને તે છે સરળ કમ્પ્યુટર ઉપયોગી ગુજરાતી લિપિ.

 20. ,મને ગુજરાતી ભાષાની ચિન્તા તો છે જ. પણ, એથી વધારે ચિન્તા એ બાળકોની છે જેઓ અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને જેમને અંગ્રેજી કે ગુજરાતી બન્નેમાંથી એક પણ ભાષા પર માતૃભાષા જેવું કૌશલ્ય પ્રાપ્ત થયું નથી. આવાં બાળકોની ભાષાકીય સર્જકતા હકીકતમાં તો ગુંગળાઈ ગયેલી હોય છે. વરસો પહેલાં ચોમ્સ્કી નામના ભાષાવિજ્ઞાનીએ એક સરસ વાત કરેલી. એણે કુદરતી ભાષાનું એક સૌંદર્ય બતાવતાં કહેલું કે આપણી પાસે મર્યાદિત કહી શકાય એટલી માત્રામાં શબ્દભંડોળ હોય છે, અને મર્યાદિત કહી શકાય એટલી માત્રામાં વ્યાકરણના નિયમો હોય છે. આ બે મર્યાદિત ખજાનાઓનો ઉપયોગ કરીને આપણે પૂર્વે કદી પણ ન સાંભળ્યાં હોય એવાં વાક્યો બોલી અને સમજી શકીએ છીએ. આને એ ભાષાની સર્જનશક્તિ તરીકે ઓળખાવે છે. હું જે બાળકોની વાત કરું છું એ બાળકો પૂર્વે કદી ન સાંભળ્યાં હોય એવાં વાક્યો સમજી શકતાં હોય છે પણ સર્જકતાના સ્તર પર પહોંચે એવાં વાક્યો બનાવી શકતાં નથી. આ ભાષાકીય ‘ખોડ’ને તો સમાજ જોતો જ નથી. ભારતમાંતી ઘણા લોકો મને અંગ્રેજીમાં ઈ-મેઈલ કરતા હોય છે. એ અંગ્રેજી વાંચતાં જ આપણને ખ્યાલ આવી જાય કે એ માણસને ભાષા સર્જકતાની ખોડ છે. જૂઓ આ ગુજરાત યુનિવર્સિટીની વેબ સાઈટ પરના અંગ્રેજીનો નમૂનો: This course is conducted at School of Commerce looking to the present market scenario and the requirement of large number of Commerce post graduate students. The curriculum targets the financial markets and insurance – financial management, Indian financial system life and non life insurance, techniques of financial analysis, risk management, investment management, marketing of financial services, regulations of financial markets and services. The job avenues are in the Insurance Industry as advisors or financial portfolio planner’s for insurance companies, On the job training at insurance companies, IRDA ( Insurance and regulatory development authority ). જો મારું બાળક આવું જ અંગ્રેજી લખવાનું હોય તો બહેતર છે કે હું એને ગુજરાતી માધ્યમમાં મૂકું. આપણે એક વાત ભૂલવાની નથી કે પરદેશ આવેલી ગુજરાતીઓની પહેલી અને બીજી પેઢીમાંના મોટા ભાગના ગુજરાતી માધ્યમમાં ભણેલા હતા. હું એબીસીડી આઠમા ધોરણમાં ભણ્યો હતો. અરે અંગ્રેજીની જ ક્યાં વાત કરવી. મેં પહેલી ફિલ્મ ૧૯ વરસની વયે જોયેલી. પહેલી વાર પગમાં જૂતાં જેવું કશુંક પણ ૧૯ વરસની વયે પહેરેલું. ત્યાં સુધી હું ઉઘાડે પગે ફરતો હતો. અને પહેલી વાર શહેર પણ ૧૯ વરસની ઉંમરે જોયેલું. એ પણ મોડાસા. કોલેજમાં ગયો ત્યારે. ૧૯૯૭માં હું અમેરિકા આવ્યો ત્યારે મને માઉસને અડતાં બીક લાગતી હતી. મને એમ કે ક્યાંક શોક લાગશે તો! ત્યારે ઈ-મેઈલ મોકલવા માટે ટેલનેટ પ્રોગ્રામ વપરાતો હતો. મેં એમાં એક પ્રોફેસરને એકને એક ઈ-મેઈલ બાર વાર મોકલેલો. કારણ કે એ પ્રોગ્રામમાં ‘સેન્ડ’ એવું લખાતું હતું પણ ઈ-મેઈ તો સ્ક્રીન પર જ રહેતો. એટલે મેં મારા ડાયરેક્ટરને કહેલું: હું કશુંક કોઈકને મોકલું પછી એ મારી પાસે ન રહેવું જોઈએ. એટલે મેં એકને એક ઈ-મેઈલ બાર વખત મોકલ્યો! આ પ્રકારની ભૂમિકાવાળાં બાળકો પણ આઈ.વી. લીગમાંથી પીએચ.ડી. કરી શકે છે અને એક નહીં બબ્બે ડીગ્રીઓ લઈ શકતાં હોય છે. મારું કોમ્પ્યુટર વિષેનું ‘અજ્ઞાન’ ક્યારેય મારી મર્યાદા ન હતું બન્યું. કેમ કે હું સતત શીખવામાં માનતો હતો. હું જે કહેવા માગું છું તે એટલું જ કે કોઈ એક ભાષા પર જો માતૃભાષા પર હોય એવું પ્રભુત્ત્વ હોય તો આપણે આપણી કલ્પનાશક્તિને દોડાવી શકીએ, એને પ્રગટ કરી શકીએ. હું અમેરિકન અંગ્રેજી બોલતો નથી. તો પણ મને અમેરિકન પ્રજા સાથે સંવાદ કરતાં મુશ્કેલી પડતી નથી. હું અંગ્રજીમાં કોઈ ભૂલ કરું તો અહીંના વિદ્વાનો એને મારી અણઆવડત તરીકે નથી જોતા. એ લોકો મારી ભૂલને સુધારીને મને સમજવાનો પ્રયાસ કરતા હોય છે. દરેક ભાષાસમૂદાયમાં ભાષા સાથે સંકળાયેલું એક ચોક્સક પ્રકારનું નીતિશાસ્ત્ર હોય છે. એનો એક નિયમ આ પણ છે: સામેનો માણસ ભૂલ કરે તો એને સુધારીને સમજો. પણ, એનો અર્થ એવો નથી કરવાનો કે એ નીતિશાસ્ત્ર આપણને ભૂલો કરવાની અમર્યાદ સત્તા આપે છે. સત ભૂલ સુધારતા રહેવું એ પણ એ નીતિશસ્ત્રનો એક અંશ જ છે. મેં અગાઉ પણ કહ્યું હતું અને ફરી એક વાર કહું છું કે દરેક માણસને ભાષા સ્વતંત્રતા હોય છે. પણ, જો એ સ્વતંત્રતા એને માતૃભાષાવિહોણો ન બનાવી દે એ જોવાની જવાબદારી સમાજની છે અને ક્યારેક સમાજ એ જવાબદારી ન નિભાવે તો રાજ્યે એમાં દખલ કરવી જોઈએ. કમનસીબે આપણાં રાજ્યો કાં તો ધાર્મિક સંપ્રદાયો જેવાં બની રહ્યાં છે કાં તો કોર્પોરેટ જેવાં.

 21. દિપકભાઈ,
  ગુજરાતી ગ્રુપ્સમાં , હિન્દી ગ્રુપ્સ જેવી નીચેની ભાષા ચર્ચાઓ કેમ જોવા મળતી નથી ? કદાચ આ ભાષા પ્રેમ , દ્વીલિપિ શિક્ષણ ને કારણે પણ હોઈ શકે !!
  જેઓ હિન્દીને પ્રોત્સાહન આપેછે ,તે ઈંગ્લીશ પણ સારી રીતે જાણે છે

  taknikigyan (तकनीकी-ज्ञान)
  हिंदी अनुवादक (Hindi Translators)
  https://sites.google.com/site/hindianuvadaka/
  राजभाषा विभाग RajbhashaVibhag – भाषायी कंप्यूटरीकरण
  taknikigyan (तकनीकी-ज्ञान)
  https://groups.google.com/forum/?hl=hi&fromgroups=#!forum/hindishikshakbandhu

  1. શ્રી પટેલ સાહેબ,
   ગુજરાતીને માતૃભાષા તરીકે આપણે માન આપતા થઈએ એ પહેલું ડગલું છે. બીજું, ગુજરાતીમાં ગમે તે જોડણી કરી શકાય એ મગજમાંથી કાઢી નાખવું પડે.
   સ્વતંત્રતા મળ્યા પછી હિન્દીને સત્તાવાર જે સ્થાન મળ્યું તેનો પણ એના વિકાસમાં ફાળો રહ્યો છે. જો કે હિન્દીનો (હિન્દુસ્તાનીનો) ખરો વિકાસ તો ફિલ્મો દ્વારા થયો છે. બોલીવૂડ આજે તો હૉલી વૂડને પણ આંટી જાય તે સ્થિતિમાં છે. આમ છતાં, હિાંન્દીમાં પણ વિવાદો તો છે જ. પ્રેમચંદની હિન્દી કે ગાંધીજી જે કહેતા તેવી સામાન્ય માણસને પણ સમજાય એવી ભાષા લુપ્ત થવા માંડી છે. સંસ્કૃત પ્રચુર રાજભાષા માત્ર અનુવાદિયા ભાષા છે.
   પરંતુ ગુજરાતમાં હજી લોકો ગુજરાતી બરાબર બોલે છે અને આપણી ભાષા અને ગાંધીજી જે રીતે લખતા તેમાં બહુ મોટો ફેર નથી. આમ છતાં સમસ્યા એ છે કે આપણે ગુજરાતીને તિલાંજલી આપવા માટે ઉતાવળા પણ છીએ.આની અસર ભાષાના વિકાસ પર પડે છે.
   પરંતુ એવું નથી કે અંગ્રેજી જાણે છે તેઓ હિન્દીને પ્રોત્સાહન આપે છે. ઉલ્ટી સ્થિતિ છે. ગુજરાતમાં તો આપણે અંગ્રેજીનો
   લગભગ બહિષ્કાર કર્યો છે. આથી વ્યાપક સ્તરે નવા વિચારો આપણે ત્યાં આવતા નથી. જે લોકો અંગ્રેજી જાણે છે તેઓ જેટલું ગુજરાતીમાં આપે તેટલું જ આપણે જાણીએ છીએ. આમ એક જાતનો ભાષાઈ અધિકારવાદ સ્થપાય છે. માતૃભાષાની સેવા માટે આપણે અવારનવાર ગાંધીજીનો હવાલો આપીએ છીએ પણ એ વાત ભૂલી જઈએ છીએ કે અંગ્રેજી પર ગાંધીજીનું પ્રભુત્વ કોઈ પણ અંગ્રેજ જેટલું જ હતું! આપણે તો અંગ્રેજી અને ગુજરાતીને હરીફ સમજી લઈએ છીએ. આથી કાં તો અંગ્રેજી અને કાં તો ગુજરાતી, એવી આપણી મનોદશા રહે છે. અને તક મળે તો માત્ર અંગ્રેજી પસંદ કરીએ છીએ.

   1. દીપકભાઈ, આ આખી ચર્ચાનું સંકલન વેગુ પર આપો તો ? આ અને લિપિના જેવા સવાલો વેગુના હેતુઓમાં આવે જ છે…..

    ભગતસાહેબે “ઉત્તમ અંગ્રેજી; માધ્યમ ગુજરાતી”નું સુત્ર આપેલુ્ં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: