૨૧મી ફેબ્રુઆરી એટલે ’આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’.
૧૯૪૯માં એ વખતના પૂર્વ પાકિસ્તાન પર પશ્ચિમ પાકિસ્તાનના વર્ચસ્વ હેઠળની સરકારે ઉર્દુ ઠોકી બેસાડી એની સામે બંગાળીભાષી જનતામાં ભારે રોષ ફેલાયો. ઠેર ઠેર આંદોલનો ભડકી ઊઠ્યાં, પોલીસના દમન સામે પણ લોકોએ નમતું ન મૂક્યું. અંતે, બંગાળીને પાકિસ્તાનમાં ઉર્દુ સમાન દરજ્જો મળ્યો. ભાષાના બચાવ માટે શરૂ થયેલું આ આંદોલન ત્યાં જ ન અટક્યું. જાગી ગયેલા લોકો જોઈ શક્યા કે એમના તરફ તો માત્ર ભાષા જ નહીં,. આર્થિક અને રાજકીય અન્યાયો પણ થાય છે. અંતે ધર્મને નામે બનેલા દેશના ભાષાને કારણે બે ટુકડા થઈ ગયા. પરંતુ આજે પણ બાંગ્લાદેશીઓ ૨૧મી ફેબ્રુઆરીને ભૂલ્યા નથી. આજે પણ દર વર્ષે “એકુશે ફેબ્રુઆરી” ગીતો બનીને ગલીએ ગલીએ ગૂંજે છે.
આ સંદર્ભમાં આપણે ગુજરાતીના ભાવિ અંગે વિચારીએ એ જરૂરી લાગતાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતી માટે થયેલા કામની માહિતી આપવાના પ્રયાસ કર્યા છે. એવામાં ’અભીવ્યક્તી’ બ્લોગ પર ચાલેલી ઊંઝા જોડણી વિશેની ચર્ચા દરમિયાન શ્રી બાબુભાઈ સુથારનો પરિચય થયો. એમણે એમનો એક લેખ Locating a Regional Language in a Globalization Process વાંચવા માટે મોકલ્યો. એમની અનુમતી મેળવીને એમના લેખનો ભાવાનુવાદ અહીં ‘વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓનો મૃત્યુઘંટ’ એવા નવા શીર્ષક હેઠળ રજુ કરૂં છું.
શ્રી બાબુભાઈ અમેરિકામાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ સાઉથ એશિયા સ્ટડીઝ’માં ગુજરાતીના લેક્ચરર તરીકે કાર્યરત છે. એમણે ભાષાના ક્ષેત્રમાં ઘણું કાર્ય કર્યું છે અને આંતરરાષ્ટ્રીય ભાષાશાસ્ત્રીઓ સાથે સંકળાયેલા છે. વડોદરામાં એમણે એમ. એસ. યુનિવર્સિટીમાં પણ કામ કર્યું, તે ઉપરાંત ’સંદેશ’ની વડોદરા આવૃત્તિમાં પણ સંપાદન વિભાગમાં હતા. એમના અનેક લેખો ઉપરાંત, પાંચ નવલકથાઓ, બે નવલિકાઓ અને કાવ્યો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. શ્રી બાબુભાઈ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના પણ વિદ્વાન છે. આ લેખ દરેક ગુજરાતીને સફાળા બેઠા કરી દે તેવો છે. આવો, એમનું શું કહેવું છે તે જાણીએ:
વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ
લેખક: શ્રી બાબુભાઈ સુથાર
આજે વૈશ્વીકરણનો વાયરો વાય છે તેની પ્રાદેશિક ભાષાઓના ભવિષ્ય પર શી અસર પડશે તે સાંસ્કૃતિક ભાષાવિજ્ઞાની માટે, સ્વાભાવિક રીતે જ, ચિંતાનો વિષય છે. આજના જમાનામાં વૈશ્વીકરણને સતેજ બનાવે એવાં ઘણાં ઘટકો સક્રિય છે, એ જોતાં, પ્રાદેશિક ભાષાઓનું શું થશે એનો વિચાર કરવાની જરૂર છે. હું માનું છું છે કે, એક આંતરરાષ્ટ્રીય ભાષા આજે બેલગામ આખા વિશ્વની ભાષા બનવા લાગી છે તેમાં પ્રાદેશિક ભાષાઓના વિકાસની દૃષ્ટિએ રાજી થવા જેવું કઈં નથી. સ્થાનિક ભાષાઓ માટે આ વૈશ્વીકરણ જબ્બર ખતરા જેવું છે. આજે ગુજરાતમાં અંગ્રેજીમાં વધારે રસ લેવાય છે તેની ગુજરાતી પર પડતી અસરો જોતાં ગુજરાતીની જે સ્થિતિ છે તેની મને ચિંતા થાય છે.
ભાષાના ત્રણ વર્ગઃ
માઇકેલ ક્રોસ (૧૯૯૨)ભાષાઓને ત્રણ વર્ગમાં મૂકે છે: મરવા વાંકે જીવતી ભાષાઓ, અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી ભાષાઓ અને સુરક્ષિત ભાષાઓ. એક ભાષાઇ સમાજનાં બાળકો માતૃભાષા તરીકે એમની ભાષા શીખતાં ન હોય એ મરવા વાંકે જીવતી ભાષાઓ છે. બીજી બાજુ, અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી ભાષાઓ હજી પણ માતૃભાષા તરીકે બાળકો શીખતાં હોય છે, પણ શીખનારની સંખ્યા ઘટતી જતી હોય છે. અમુક ભાષાઓને સરકારી પ્રશ્રય મળે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો એ બોલતા હોય છે; એમને સુરક્ષિત ભાષાઓ ગણી શકાય. પરંતુ, હું એ વાત પર ધ્યાન દોરવા માગું છું કે આ ભાષાઓનું સુરક્ષિતપણું મૃગજળ જેવું છે. આમ તો, ગુજરાતી સુરક્ષિત ભાષાઓના વર્ગમાં આવે છે કેમ કે એને સરકારનો ટેકો મળે છે અને મોટા ભાગના લોકો ગુજરાતી બોલે છે. પરંતુ બીજી કોઈ પણ ભાષાની જેમ એના પર પણ અંગ્રેજી વ્યવસ્થિત રીતે હુમલો કરતી થઈ ગઈ છે. આથી, મને બીક છે કે, ગુજરાતની પોતાની કોઈ માતૃભાષા ન હોય એવો દિવસ કદાચ બહુ દૂર નહીં હોય.
ગુજરાતીઓના ચાર વર્ગઃ
હું ગુજરાતી કોમને ચાર વર્ગમાં વહેંચું છું: પહેલા વર્ગમાં એવા લોકો છે કે જે માત્ર ગુજરાતી બોલે છે અને બીજી કોઈ ભાષા જાણતા નથી. એમની પાસે સંવાદ માટે માત્ર માતૃભાષા છે. બીજા વર્ગના લોકો દ્વિભાષી છે. તેઓ માતૃભાષા તરીકે ગુજરાતી બોલે છે અને બીજી ભાષા તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરે છે. બીજી ભાષાના ઉપયોગમાં કાં તો તેઓ પાવરધા હોય છે અને કાં તો એમનું જ્ઞાન સરકારી કાગળપત્તર લખવા પૂરતું જ હોય છે. ત્રીજા વર્ગના લોકો ખંચકાટ સાથે ગુજરાતી બોલે છે અને એમની આ ખામીને પહોંચી વળવા માટે બીજી ભાષાની મદદ લેતા હોય છે. એટલું જ નહીં, આ વર્ગમાં આવતા લોકો, સભાનપણે હોય કે અભાનપણે, માતૃભાષાને વફાદાર પણ નથી હોતા; એમના મનમાં એવી ભાવના હોય છે કે માતૃભાષા ન આવડતી હોય તે એમનો સામાજિક દરજ્જો ઊંચો હોવાનું લક્ષણ છે. બહુ નાના એવા ચોથા વર્ગમાં મુકાય એવા લોકો જે કઈં કરેકારવે છે તેમાં માત્ર અંગ્રેજી બોલે છે. મોટા ભાગે તેઓ મોટાં શહેરોમાં વસે છે.
ફિશમૅન ઇફેક્ટઃ
મારૂં અવલોકન એવું છે કે ધીમે ધીમે પહેલો વર્ગ બીજા તરફ અને બીજો વર્ગ ત્રીજા તરફ જવા લાગ્યો છે. એવું પણ જોવા મળે છે કે પહેલો વર્ગ અમુક માળખાગત સુવિધાઓને કારણે સીધો જ ત્રીજા વર્ગ તરફ આગળ વધવા લાગ્યો છે. આને પરિણામે ત્રીજા વર્ગમાં સંખ્યા બહુ ઝડપભેર વધવા લાગી છે. પરંતુ ત્રીજો વર્ગ એટલી ઝડપથી ચોથા વર્ગ તરફ ધસતો જણાયો નથી. આ મંદ ગતિનાં કારણો સામાજિક-ભાષાકીય, આર્થિક અને રાજકીય હોઈ શકે છે. આ દોટ ચાલુ રહેશે તો પહેલો અને બીજો ગુજરાતીભાષી વર્ગ પૃથ્વીના પટ પરથી ભુંસાઈ જાય એવી સંભાવના છે. સામાજિક-ભાષાશાસ્ત્રી ફિશમૅનના નામ પરથી આ વલણને ‘ફિશમૅન ઇફેક્ટ’ નામ અપાયું છે. ફિશમૅન કહે છે તે પ્રમાણે “જ્યારે બે પેઢીઓ વચ્ચે (ભાષા બોલવાનું) સાતત્ય નકારાત્મક હોય ત્યારે” ભાષાનો લોપ થવાની શક્યતા વધી જાય છે.
ભાષાકીય સ્થળાંતરઃ
આજની સામાજિક દશાને આપણે ત્રણ સ્તરમાં જોઈ શકીએ છીએ. જો કે એમ નથી સમજવાનું કે આ ત્રણ સ્તરનો વિકાસ એક પછી એક થયો છે; માત્ર સમજવા માટે જ આવું વર્ગીકરણ કર્યું છે. ત્રણ સ્તર આ પ્રમાણે છેઃ પરંપરાગત, આધુનિક અને ઉત્તર-આધુનિક. પરંપરાગત સ્તરે માત્ર એક ભાષાનો, એટલે કે માતૃભાષાનો, ઉપયોગ મહત્વનું ઘટક છે. આધુનિક સ્તરનું લક્ષણ દ્વૈભાષિકતા છે. એમાં વ્યક્તિ પોતાના ભાષાકીય ભાથામાં સામાજિક દૃષ્ટિએ લાભદાયક મનાતી ભાષાનો ઉમેરો કરે છે. જો કે “પહેલી ભાષા સામે અસ્ત થઈ જવાનું જોખમ નથી હોતું, કારણ કે એ લબ્ધપ્રતિષ્ઠ ભાષા હોવાથી એના આગળ વિકાસને ઘણી રીતે મદદ મળે છે” (ઍપલ અને મુઇસ્કેન ૧૦૨). ઉત્તર-આાધુનિક સ્તરમાં વૈશ્વિકતા મુખ્ય ખાસિયત હોય છે. વૈશ્વિક સ્તરના ભાષાકીય સંદર્ભમાં સંવાદની જરૂર પણ વૈશ્વિક સ્તરે પડે છે, તેથી બીજી ભાષા શીખવાનું અનિવાર્ય બની જતું હોય છે. એ જ ધીમે ધીમે પહેલી ભાષાના હ્રાસનું કારણ બને છે. આ સ્થિતિમાં “સ્થાનિકના ભાષકો” પોતાના જ દેશમાં “ભાષાકીય સ્થળાંતરી” જેવા બની જાય છે અને એમની માતૃભાષા એમના માટે પરાઈ બની જાય છે. આજે ભાષાની બાબતમાં આવતાં પરિવર્તનો જોતાં મને લાગે છે કે ગુજરાતી સમાજે દ્વૈભાષિક સમાજ બનવા તરફ હડી કાઢી છે.
ઉપર આપેલા અવલોકન પરથી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વૈશ્વીકરણની પ્રક્રિયામાં દ્વૈભાષિકતાનો તબક્કો, એટલે કે ભાષા ઉમેરાઈ હોય એ તબક્કો ભુંસાઈ જશે અને તેને બદલે ભાષા ઓછી થાય એવો તબક્કો આવશે. આજે માહિતી અને જ્ઞાનના બધા જ સ્તરે અંગ્રેજીનું મહત્વ વધવા લાગ્યું છે અને એને પગલે ભાષાનું અર્થહીન વૈશ્વીકરણ પણ ઘુસવા લાગ્યું છે. આપણી ભાષા પર ઝળુંબતી આ તલવારના પ્રહારથી બચવા માટે કાળજીપૂર્વક યોજના ઘડવાની જરૂર છે.
સંદર્ભઃ Appel R. and P. Muysken, Language and Bilingualism, London, Arnold, 1987.
Fishman, J. A.. Reversing Language Shift. Clevedon: Multilingual Matters Ltd, 1991.
Krauss, Michael, ” The world Languages in Crisis” language, vol 68, No.1 (1992).