જોડણી કોશની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના(બીજો અને અંતિમ ભાગ)

ગઈકાલથી આગળ…

શબ્દપ્રયોગો

વ્યુત્પત્તિ પેઠે જ શબ્દપ્રયોગો માટે પણ કામ થયું છે. ઉપલબ્ધ સાધનોમાંથી તેની સામગ્રી લઈ લીધી છે. ઉપરાંત ચાલુ ભાષામાંના નહીં સંઘરાયેલા પ્રયોગો જે ધ્યાન ઉપર આવ્યા, તે પણ નોંધવામાં આવ્યા છે. આથી કરીને શબ્દપ્રયોગોનો સંગ્રહ પણ આ આવૃત્તિમાં થાય છે એટલો પહેલવહેલો કોશમાં ઊતરે છે, એમ કહી શકાય. એ પૂરેપૂરો છે એમ હરગિજ નથી. શબ્દોની પેઠે શબ્દપ્રયોગો પણ શિષ્ટ સાહિત્યમાંથી ખોળવા જોઈએ. એટલું જ નહિ, સ્વતંત્ર શબ્દપ્રયોગ–કોશ પણ હવે રચાવો જોઈએ. તે દ્વારા આપણી ભાષાની શક્તિનો આપણને કોઈ નવો જ ખ્યાલ આવે, એવો પૂરો સંભવ છે.

‘શબ્દપ્રયોગ’ કોને કહેવો, કહેવત અને તે બેમાં શો ફેર, એ બધા પ્રશ્નોની ચર્ચા અહીં કરવાની જરૂર નથી. પરંતુ એટલું નોંધું કે, કહેવતો સંઘરી નથી; અને જે શબ્દોના યોગથી, તેમના શબ્દાર્થથી વિલક્ષણ એવો અર્થ ઉત્પન્ન કરાય છે, તેમને શબ્દપ્રયોગ ગણીને સંઘર્યા છે. અમુક શબ્દ સાથે જે અમુક શબ્દને રૂઢિથી વાપરવો જોઈએ, તે પણ નોંધવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વ્યુત્પત્તિ પેઠે જ શબ્દપ્રયોગનો સંગ્રહ કરવાનું કામ અમને કામ કરનારાઓને બહુ રસિક થઈ પડ્યું હતું. આ કામ પણ આગળ એક ખૂબ જરૂરી સંશોધનની દિશા ખોલે છે, એમ કહી શકાય.

ઉચ્ચારણ

આપણી લિપિ રોમન જેવી નથી; તેમાં ધ્વનિને વ્યક્ત કરવા માટે ઘણી સવડ છે. છતાં કેટલાક ધ્વનિ કે શ્રુતિ આપણે લિપિમાં ઉતારી શકતા નથી.; તે રૂઢિ પર છોડી ચલાવી લઈએ છીએ. જેમ કે, વિવૃત એ, ઓ; હશ્રુતિ; યશ્રુતિ; બે અનુસ્વાર. આ બાબતમાં કેટલાક વિદ્વાનોએ સંકેતોનાં સૂચનો કરેલાં છે, જે વાપરીએ તો કાંઈક મુશ્કેલી ઓછી થાય. પરંતુ, સામાન્ય લખનારી આમ–પ્રજા એવી ઝીણવટની ઝંઝટમાં પડે નહીં. તેથી જોડણીના નિયમમાં એમને સ્વીકારવામાં આવ્યા નથી, અને તેથી ખાસ મુશ્કેલી નડતી નથી. પણ કોશકારે તે તે ઉચ્ચારણનાં સ્થાનો જોડણીની સાથોસાથ બતાવવાં જોઈએ. વાચક જોશે કે, ત્રીજી આવૃત્તિ વખતે એક પરપ્રાંતી ભાઈએ આવી માગણી પણ કરી હતી. આ આવૃત્તિમાં તે પૂરી કરવામાં આવી છે, અને હશ્રુતિ, યશ્રુતિ, બે અનુસ્વાર, એ ઓ (પહોળા) ઉચ્ચારો, તથા અલ્પપ્રયત્ન અકાર (કહેવું) પણ સૂચવવામાં આવ્યા છે. તેમને માટે યોજેલા સંકેતો ને સમજૂતી  સૂચનાઓમાં તથા સંકેતસૂચિમાં આપ્યાં છે.

ઉચ્ચારણ વિષેની આ નોંધ, એક રીતે જોતાં, ગુજરાતીકોશોમાં પહેલી વાર ઊતરે છે. જોકે, નર્મકોશકારે આ વિષે વિસ્તૃત નોંધ લખી, હશ્રુતિ, પહોળા એ, ઓ વગેરેવાળા શબ્દોની યાદી પોતાની પ્રસ્તાવનામાં આપી છે.

ઉચ્ચારણની બાબતમાં પણ શંકાને સ્થાન છે એ ઉઘાડું છે. વ્યુત્પત્તિ તેમાં કંઈક ઉકેલ દર્શાવી શકે. પણ છેવટે તો શિષ્ટ મનાતો ચાલુ ઉચ્ચાર શો છે તે જોવાનું રહે.તેમાં પણ પ્રશ્નને સ્થાન તો રહે. આથી કરીને, આ બાબતમાં પણ વિવેક કરવાનો તો ઊભો રહે જ છે. તેમાં શંકાને સ્થાન હોય તો પ્રશ્ન કર્યો છે. કોશની આ નવી બાબતમાં પણ પરિપૂર્ણતા સાધવા માટે, તેને જ સ્વતંત્ર રૂપે તપાસવી જોઈએ. એ પણ એક નવું કાર્યક્ષેત્ર ઊઘડે છે એમ ગણાય.

શબ્દભંડોળ

ભાષાના શબ્દો જ્યાં જ્યાં પડ્યા હોય, – જૂના નવા સાહિત્યમાં તથા ચાલુ ભાષા તથા તળપદી બોલીઓમાં, – ત્યાં ત્યાં બધેથી વીણી વીણીને સંઘરવા, એ તો કોશનું મુખ્ય કામ અને પ્રયોજન છે. એટલે તે તો સદાનું ચાલુ કામ જ અમે માન્યું છે. તેથી એનો સંઘરો સારી પેઠે મોટો થયો છે.

ઉપરાંત કેટલાક ભાષાપ્રેમી મિત્રો પણ એમાં મદદ કરે છે. તેમાં ખાસ ઉલ્લેખ શ્રી. રા૦ વિ૦ પાઠકનો કરવો જોઈએ. એક નિયમપૂર્વક તે, નવા શબ્દો જુએ કે ઉદાહરણ સાથે પોતાના કોશમાં ટાંકી રાખે છે; અને દર નવી આવૃત્તિ વખતે કોશ જ અમને મોકલી આપી તે શબ્દો ઉમેરાવી લે છે. આજે ગુજરાતીના અનેક અધ્યાપકો આ પ્રમાણે જો કરે, તો સહેજે કેટલી બધી મદદ થઈ શકે ? આ કામ આવી મદદથી જ થઈ શકે એવું છે, એ તો ઉઘાડું છે. અધ્યાપકો શબ્દો ઉપરાંત કોશનાં બીજાં અંગોમાં પણ સુધારાધારા કરવામાં ખૂબ મદદ કરી શકે. આવી બધી મદદ આવકારપાત્ર થશે એ તો કહેવાનું હોય નહિ; અમે તે માટે પ્રાર્થના કરીએ છીએ.

અંદાજ છે કે, શબ્દભંડોળ પોણા લાખની આસપાસ હવે પહોંચ્યું હશે.

જોડણી

જોડણીના નિયમોમાં કશો ફેરફાર કરવાનો હોય નહિ. એક ભૂલ સુધારી લેવામાં આવી છેઃ નિયમ ૧૦માં ‘ચાહ’નાં રૂપોમાં ચહાત, ચહાતો,–તી,–તું કરી લીધું છે. પહેલી આવૃત્તિના શબ્દોમાં પણ ‘ચાહતું’ વિ૦ કરીને આપ્યું છે, તે પરથી પણ આ ભૂલ હતી એમ સ્પષ્ટ થાય છે.

જોડણી બાબતમાં આનંદની એક વાત નોંધવાની રહે છે તે એ કે, ઈ. સ. ૧૯૪૦ માં મુંબઈ સરકારે પણ શિક્ષણ તથા પાઠયપુસ્તકો  માટે જોડણીકોશને માન્ય કર્યો છે. આથી કરીને પૂ૦ ગાંધીજીએ લગભગ ૨૫ વર્ષ પર ઉપાડેલું કામ ઠીક ઠીક સફળતા મેળવે છે. એ ઠરાવ જોઈ તેઓશ્રીએ જે આનંદ વ્યક્ત કર્યો હતો, તે એમના જ શબ્દોમાં* ઉતારું છુઃ– ...

–––––––––––––––––––––––––

*આ એમનું લખાણ આ કોશમાં, આ અગાઉ, પા. ૨૨ ઉપર ઉતાર્યું છે; તે પાન ઉપર ‘ગૂજરાતી જોડણી’ એવા મથાળે ગાંધીજીનો  આ લેખ છે તે જુઓ.

આ લખતાં યાદ આવે છે કે, તેઓશ્રી આજે આ તેમની આજ્ઞારૂપ ફૂલીફાલી આવૃત્તિ જોવાને સદેહે આપણી વચ્ચે નથી; તેથી મર્મમાં આઘાત પહોંચે છે. આ કોશ એમનાં ચરણોમાં અર્પણ થયેલો છે, તે આજે માનસ વિધિથી જ કરવાનું રહે છે.

કાવ્યની જોડણી

કાવ્યની જોડણી માટે એક સાદા નિયમ નં૦ ૩૨ ઉપરાંત વિચાર નથી થઈ શક્યો. એમાં આગળ વધી શકાય? એ બાબતમાં એક મોટો નિયમ તો નક્કી છે, અને એ માનીને ચાલવું જોઈએ કે, શબ્દોની જોડણી નક્કી કર્યા પ્રમાણે કાવ્યમાં પણ સાચવવી જોઈએ. પણ પદ્યની વિશેષ જરૂરિયાતોને લઈને કોક સ્થાનોએ માત્રા વધારવી ઘટાડવી પડે છે; અને કવિઓ એવી છૂટ લે છે જ. તેવાં સ્થાનોએ શું કરવું એ પ્રશ્ન રહે છે. ત્યાં પણ નક્કી જોડણી કાયમ રાખી, હ્રસ્વ દીર્ઘનાં ચિહ્ન મૂકીને લીધેલી છૂટ બતાવવી, એમ નં૦ ૩૨માં બતાવ્યું છે. આ રીતમાં કશી મુશ્કેલી નથી. તેને બહુધા અનુસરવામાં આવે એટલે બસ.

આવી જ રીતે ત્રીજું એક ચિહ્ન પણ સ્વીકારવા જેવું છે, તે અકારના લોપને માટે ખોડાનું ચિહ્ન. જેમ કે, ‘કહેવું’ શબ્દ લઈએ. છંદની જરૂર પ્રમાણે તેને ‘ક–હે–વું’ પણ વાંચવામાં આવે છે અને ‘કહે–વું’ પણ. આ બીજી જગ્યાએ ‘ક્ હેવું’ આમ લખવાથી કામ સરી શકે. એમ જો માત્રાલોપ દેખાડવા માટે ખોડાનું ચિહ્ન વપરાય, તો કાવ્યમાં પણ તે પૂરતી જોડણી સાચવવામાં સરળતા થાય. જેમ કે, ‘જગત’ને ’જગ્ત’ કરવું હોય તો ‘જગ્ત’ લખી શકાય. ‘બહેન,–ની’ને ‘બ્હેન,–ની’ કે બેન–ની ન કરતાં ‘બ્ હેન–ની’કરી શકાય.

કોઈ સ્થાનોએ આથી ઊલટી જરૂર લાગતાં કવિઓ એવી છૂટ લે છે કે, જોડાક્ષરને છૂટો પાડી માત્રાવૃદ્ધિ સાધે છે. જેમ કે, ‘પ્રકાશ’નું ‘પરકાશ’.

આમ જોડાક્ષરને છૂટો પાડી માત્રાવૃદ્ધિ મેળવી લેવા ઉપરાંત, જ્યાં જોડાક્ષર ન હોય ત્યાં, છંદને લઈને જરૂર લાગે તો, બહુધા અનુસ્વાર ઉમેરી લઈને, માત્રા વધારવામાં આવે છે. જેમ કે, સ્વામિન – સ્વામિન્ન; જોબન – જોબંન વગેરે.

આમ માત્રામાં કરી લેવાતો વધારો કોઈ સંકેત દ્વારા સૂચવી જો મૂળ જોડણી સાચવી શકાય તો સારું. પણ એ યોજવો અઘરો લાગે છે. એટલે કે, જો આવી છૂટ કવિને લેવી જ પડે તો લેશે એમ થયું.

આ બાબતમાં કાવ્યના લેખક–પ્રકાશકો કાંઈક ધોરણ ઉત્પન્ન કરે, તેવી વિનંતી છે.

આગળનું કામ

હવે પછી કોશ અંગે આગળ શું કરાશે, એ વિષે સામાન્ય રીતે દરેક આવૃત્તિમાં કાંઈક ચર્ચા થતી આવી છે. તેમાંની કેટલીક બાબતો હજી ઊભી જ છે. જેમ કે પારસી ગુજરાતીના શબ્દો, તળપદી બોલીઓમાં ઠેર ઠેર પડેલા પ્રાંતીય શબ્દો, વિજ્ઞાનની પરિભાષા – આ બધું કામ ઊભું જ છે. પારસી ગુજરાતીનો તો શાસ્ત્રીય ઢબે સ્વતંત્ર કોશ  કરવામાં આવે તોય ભાષાની સારી સેવા થાય. વિજ્ઞાનની પરિભાષા તરફ હવે શિક્ષકોનું અને યુનિવર્સિટીઓનું ધ્યાન છેવટે જવા લાગ્યું છે, એટલે તેમાં પ્રગતિ થશે.

એ કામો શબ્દભંડોળને અંગે થયાં. આ કોશની દૃષ્ટિએ જોઈએ તો, અર્થોનાં ઉદાહરણો ટાંકવાં, એ એક ઉમેરી શકાય એવી બાબત કહેવાય. આ આવૃત્તિમાં કોઈક સ્થાને અર્થ સ્પષ્ટ કરવા ઉદાહરણ ટાંક્યાં છે, પરંતુ અવતરણ આપવામાં નથી આવ્યાં. પરંતુ તે અનિવાર્ય ન ગણાય. બૃહત્કોશમાં તે જરૂરી ખરું. પરંતુ કાલક્રમે ઉદાહરણો જોઈને અર્થવિકાસ ચકાસવામાં આવે તો તેની ખરી કિંમત અને સાચો અર્થ. ઉદાહરણો સંઘરવા પૂરતું જો જોઈએ તો, એ બાબતમાં સામગ્રી આજે ખૂટે એમ નથી. જૂના કોશોમાં તે ખૂબ પડેલી છે. ઉપરાંત હજારો ઉદાહરણો કોશ–કાર્યાલય પાસે કાપલીઓમાં અને નોંધો રૂપે પડેલાં છે. તે બધાં ઉપરથી શબ્દો અને અર્થો તો નોંધાયા છે. તેમનાં ઉદાહરણો ટાંકવાં હોય તો ટાંકી શકાય.પરંતુ ચાલુ કોશમાં તે ન આપીએ તોય ચાલી શકે. કરવા જેવું કામ, અર્થવિકાસની દૃષ્ટિએ ઉદાહરણો કાલક્રમે એકઠાં કરીને, અંગ્રેજી ‘ઓક્સફર્ડ મહાકોશ’ની પદ્ધતિએ શબ્દો પર કંડિકાઓ રચવાનું છે. અત્યારે તો આ દૂરનો આદર્શ જ લાગે છે. આપણી ભાષામાં એટલું સંશોધનકામ તથા વિદ્વત્તા પણ અત્યાર સુધીમાં એવાં રેડાયાં નથી, કે જેથી આવું કામ હાથ ધરી શકાય. એક જ દાખલો આપું : આપણા જૂના કવિઓના ગ્રંથોની પ્રમાણભૂત વાચનાઓ જ હજી સિદ્ધ થઈ બહાર નથી પડી. આ સામગ્રી હોય તો તાત્કાલિક એવું કામ ઉપાડી શકાય કે, દરેક મુખ્ય મુખ્ય સાહિત્યયુગોના પ્રધાન ગ્રંથો લઈને તેમને ‘ઓક્સફર્ડ પદ્ધતિ’એ જોઈ કઢાય. પણ આ કરવાને માટે પહેલી તે ગ્રંથોની આધારભૂત  વાચનાઓનું શાસ્ત્રીય સંપાદન થવું જોઈએ. તો પછી તે વાંચીને કાપલીઓ કરી આપવા ઇચ્છનારા ભાષાપ્રેમી સ્વયંસેવક વિદ્વાનો મેળવવાના રહે. હવે પછી કોશને એક ડગલું આગળ લેવા માટે આવું કાંઈક કરવું જોઈએ, એમ લાગે છે. દરમિયાન ચાલુ પ્રકારનું કામ તો ઊભું છે જ. સાહિત્ય જોતા રહી શબ્દો, શબ્દપ્રયોગો વગેરે જે ન સંઘરાયા હોય, તે તે વીણતા રહેવું, વ્યુત્પત્તિ અંગે સંશોધન કરવું, તુલનાત્મક વ્યુત્પત્તિ અર્થે બંગાળી, સિંધી, નેપાળી, કાનડી ઇત્યાદિ ભાષાઓએ પણ પહોંચવું – આવાં આવાં કામો ચાલતાં રહે, તો કોશ ઉત્તરોઉત્તર ખીલતો અને વધતો રહે.

હવે આ આવૃત્તિ જોતાં, એક જરૂર એ પણ લાગી છે કે, મૅટ્રિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે એક નાનો ‘વિનિત’ કોશ રચવો, જેથી તેમને માફકસરની કિંમતે તે મળી શકે. આ કામ હવે પછી પાર પાડવા વિચાર છે.

આ કોશની કિંમત રૂ. ૧૨ કરવાની થઈ છે તે, આજની બધી તરફની મોંઘવારી જોતાં વધારે નહિ ગણાય, એ ઉઘાડું છે.

અંતે, આ આવૃત્તિને સાંગોપાંગ પૂરી કરવામાં જે અનેકવિધ મદદની જરૂર પડી છે, તે પૂરી પાડનાર સૌનો આભાર માનું છું. એવી બધી મદદ વગર આ કામ, મેં શરૂમાં કહી તેવી મુશ્કેલીઓમાં, પરવારી ન શકાત. તે ઠીક વખતસર પરવારી શકાયું તે માટે પરવરદિગાર પરમેશ્વરનો આભાર માનીએ છીએ.

૧૫–૮–’૪૯                     મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

 અને હવે…પાંચમી આવૃત્તિની

આખી પ્રસ્તાવના આવતીકાલે

%d bloggers like this: