મિત્રો,
ગુજરાતી જોડણી કોશની ત્રણ આવૃત્તિઓની પ્રસ્તાવના તમે વાંચી હશે. આજે ચોથી આવ્રુત્તિની પ્રસ્તાવનાનો પહેલો ભાગ રજુ થાય છે. પ્રસ્તાવના ઘણી લાંબી હોવાથી બે ભાગમાં આપવી પડે છે. ૧૫.૮.૪૯ના રોજ શ્રી મગનભાઈ દેસાઈએ આની પ્રસ્તાવના લખી છે. આ આખી શ્રેણી આજન્મ શિક્ષક સમા શ્રી જુગલકિશોરભાઈ વ્યાસના સૌજન્ય, ભાષાપ્રેમ અને પરિશ્રમની નિષ્પત્તિ છે, હજી એમની પાસેથી આપણે ઘણું લેવાનું છે એટલે હમણાં આભાર માનવાનું મુલતવી રાખું છું.
પરંતુ અહીં ત્રીજી પ્રસ્તાવના પર GUJARATPLUSની એક ટિપ્પણીનો મેં જે જવાબ આપ્યો છે તે અમુક અંશે અહીં ફરી ટાંકવાની ઇચ્છા થાય છે, કારણ કે આખા પ્રયાસનું દૃષ્ટિબિંદુ એમાંથી સ્પષ્ટ થાય છે એમ મને લાગે છે:
“જોડણી કોશની પ્રસ્તાવનાઓ આપવાનો હેતુ એ જ છે કે દસ વાચકો પણ એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે તો આગળ આ બાબતમાં ચર્ચા કરવી છે તેમાં કામ આવે. પ્રસ્તાવનાઓ આપીને અટકી નથી જવું. આપણા વિદ્વાનોની નિષ્ઠા, એમની દૃષ્ટિ, આગળ જતાં એમાં આવી ગયેલી સ્થગિતતા અથવા ગતિશીલતા વગેરે વિશે વૈજ્ઞાનિક રીતે અને શાંત મગજે ચર્ચા કરવી છે.
“ચર્ચા વખતે ‘ગુરુ’ બનીને કામ કરવું હોત તો શ્રી જુગલભાઈનો જ લેખ મૂકી દીધો હોત કે તમે બધાને સમજાવો. પણ અહીં ચર્ચાનો લાંબો અને અઘરો રસ્તો લેવો છે. એમાં જે કોઈ ભાગ લે તેમને આમંત્રણ છે, પણ એમને હોમવર્ક માટે સામગ્રી ન આપવી એ ઉપદેશક અથવા ગુરુ જેવું વર્તન ગણાય, જે નથી કરવું.”
તો, આગળ વાંચો, ચોથી આવૃત્તિની પ્રસ્તાવનાનો પહેલો ભાગ:
xxxxxxxxxxxxxxx
[ ચોથી આવૃત્તિ – ઈ. સ. ૧૯૪૯ ] (આઝાદી બાદ)
કોશની આ નવી આવૃત્તિ છેવટે પૂરી કરીને જનતા આગળ રજૂ કરી શકીએ છીએ, તેથી અનેક રીતે આનંદ અને કૃતકૃત્યતા અનુભવાય છે. સૌને ખબર છે કે, આ આવૃત્તિ માટે ગુજરાતને પાંચ છ વરસોથી રાહ જોવી પડી છે. તે માટે અમે ક્ષમા ચાહીએ છીએ. એટલું જ કહેવાનું કે, કેવળ લાચારીને લીધે જ આમ થયું છે. તે લાચારીમાંથી બનતી ત્વરાએ છૂટી જઈ નિર્વિઘ્ને કોશ તૈયાર કરી આપી શકાયો, તે આનંદની વાત છે.
જોડણીકોશની પ્રવૃત્તિની શરૂઆત હિંદ–સ્વરાજની લડત સાથે અને, કહો કે, તેના જ એક શિક્ષણી અંગ તરીકે થઈ. અને ત્યાર પછી તેની ઉત્તરોત્તર સુધારાતી વધારાતી આવૃત્તિઓ નીકળતી ગઈ; અને તે પણ એ લડતના મહત્ત્વના તબક્કાની સાથોસાથ બહાર પડી, એવા સંજોગો જોવા મળે છે. પૂર્વની આવૃત્તિઓનાં નિવેદનો પણ સંઘરવામાં આવ્યાં છે; તે પરથી જણાશે કે, પહેલી આવૃત્તિનું કામ ઈ. સ. ૧૯૨૮ની બારડોલીની લડતના વાતાવરણમાં ચાલતું હતું. તે આવૃત્તિ વરસની અંદર જ પૂરી થઈ ગઈ. બીજી આવૃત્તિનું કામ ઈ. સ. ૧૯૩૦–૨ની લડત દરમિયાન જ થયું. એ કામ પણ પૂર્ણસ્વરાજનું જ એક કામ છે એવી સમજ ન હોત, તો તે એવા યુદ્ધકાળમાં ન થઈ શકત. એ આવૃત્તિ પણ ધાર્યા કરતાં વહેલી પૂરી થઈ, અને ત્રીજી આવૃત્તિ કરવાની થઈ. તે તૈયાર થઈ બહાર પડ્યા બાદ પાછું સ્વરાજનું યુદ્ધ શરૂ થયું. અને ત્યાં સુધીમાં તે આવૃત્તિ પણ પૂરી થવા આવી. તેથી ચોથી આ આવૃત્તિ છપાવવાનું હાથ પર લેવું જોઈએ એમ વિચારતા હતા, ત્યાં ૧૯૪૨ ના દિવસો બેઠા અને સેવકોને તે કામમાંથી તે વખત પૂરતો હાથ લઈ લેવો પડ્યોઃ નવજીવન પ્રેસ સરકારે કબજે કર્યું; સેવકોને પકડી પકડીને જેલમાં બેસાડ્યા. એ છેવટની સુલતાની આંધી ૧૯૪૫ બાદ શમવી શરૂ થઈ, ને બીજી બાજુથી દેશનું સ્વરાજ–યુદ્ધ પણ નવા પાટા પર ચડ્યું. પૂ૦ ગાંધીજી બહાર આવ્યા; બીજા દેશનેતાઓ બહાર આવ્યા; અને જાત જાતની વિષ્ટિઓ અને વાટાઘાટો શરૂ થઈ. ટૂંકમાં, સેવકગણ પાછો पुनश्च हरिः ओम् કરી શકે એમ થયું.
આમ પરિસ્થિતિ પલટાતાં તરત, કોશની નવી આવૃત્તિનું કામ ૧૯૪૨ થી અટકેલું ત્યાંથી આગળ ચલાવવામાં આવ્યું. નવજીવન પ્રેસ પણ પાછું મળ્યું. પણ કાગળ–નિયમન–ધારો આવ્યો હતો. વડી સરકારની પરવાનગી વગર પ્રેસ પણ ચાલી ન શકે અને કાંઈ છાપી પણ ન શકાય, એવા ધારા લાગુ થયા હતા. છતાં ભાષાના કોશ જેવા નિર્દોષ પુસ્તકને તો કેવી રીતે રોકી શકાય ? એટલે આ માટે સરકારી પરવાનગી મળી શકી. અને એમ ૧૯૪૬માં કોશના છાપકામના ગણેશ બેસાડી શકાય એવા સંજોગો મળી રહ્યા, અને ૧૯૪૭થી તેનું કામ ચલાવી શકાયું.
એટલે સુધી આવતાં તો સ્વરાજ–જન્મની યાતનાઓનો કાળ શરૂ થયો. પાકિસ્તાન, હુલ્લડો, હડતાલો, તંગી, અંકુશો, ઇત્યાદિ અનેક મુસીબતોમાં છાપકામ ચલાવવાનું હતું. છેવટે એ બધું ત્રણ વરસે સાંગોપાંગ પૂરું થયું, અને તેની જ સાથે હિંદની સ્વરાજયાત્રા સફળ થઈ. આમ લાંબી કથા અહીં એટલા માટે કહી છે કે, તે પરથી વાચક જોશે કે, શરૂમાં કહ્યાં તે આનંદ અને કૃતકૃત્યતા શાથી લાગે છે, અને આટલી બધી ઢીલ થઈ તે કેમ દરગુજર કરવી જોઈએ. અસ્તુ.
બીજી પણ એક વસ્તુ છે, જેને માટે ક્ષમા માગવી જોઈએ. વાચક જોશે કે, આ આવૃત્તિમાં જે કાગળ વપરાયો છે તે રંગે વિવિધ છે અને હલકો પણ છે. એનું કારણ સ્પષ્ટ છે – યુદ્ધને લઈને આપણા વેપારમાં અને માલમાં જે વિકારો થતા રહ્યા છે, તેનું એ નિદર્શક છે. એમાં કોઈ આરો જ નહોતો. બલ્કે, કોશ છાપવાને માટે સરકાર–ભાવે કાગળ મળતો રહ્યો, એ જ એક મોટી વાત છે. એટલે; કાગળને વિષે ખૂબ જાગ્રત રહેતાં છતાં, જે બન્યું છે તે બન્યું છે. અમારી એ બીજી લાંચારીને પણ વાચક સહેજે સમજીને દરગુજર કરશે, એવી આશા છે.
નવી આવૃત્તિ
દરેક આવૃત્તિ પેઠે આ આવૃત્તિ પણ સુધારાવધારા સાથે બહાર પડે છે. અને એને પરિણામે, એક રીતે જોતાં, જોડણીકોશ હવે ભાષાના એક ચાલુ કોશ તરીકે કામચલાઉ પરિપૂર્ણતાએ પહોંચે છે. આ કોશની પહેલી આવૃત્તિ કેવળ શુદ્ધ જોડણી દર્શાવતી શબ્દાવલી જ હતી, અને સાથે તે શબ્દોનો પદચ્છેદ બતાવવામાં આવ્યો હતો. બીજી આવૃત્તિ કરતી વખતે સહેજે થયું કે, કાંઈ નહિ તો સંઘરેલા શબ્દોના મુખ્ય અર્થો સંક્ષેપમાં આપવા જોઈએ. આમ કેવળ જોડણીકોશ તરીકે શરૂ કરેલી પ્રવૃત્તિ ભાષાના એક સારા સમગ્ર કોશ બનવાને માર્ગે વળી. અને શબ્દસંગ્રહમાં મુખ્ય ધ્યાન એ રાખ્યું હતું કે, ચાલુ બધા શબ્દો તેમાં સંઘરવા. આથી, બીજી બાજુ શબ્દભંડોળ પણ આપોઆપ વધતું ગયું. કોશનો આ ગુણ તેની બીજી આવૃત્તિ વખતે જ તેના કસબી લોકના ધ્યાનમાં આવ્યો હતો. જેમ કે, બીજી આવૃત્તિની નકલ શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મોકલી તેનો સ્વીકાર કરતાં તેમણે (તા. ૨૪–૩–’૩૧) નીચે પ્રમાણે લખ્યું હતું
“આપના પત્ર સાથે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ મળ્યો છે. એને વ્યવહારુ સ્વરૂપ આપવા લીધેલો શ્રમ સફળ નીવડ્યો છે. શબ્દનો સંગ્રહ લગભગ અર્ધા લાખે પહોંચ્યો છે. સંગૃહીત શબ્દો મોટે ભાગે વપરાતા જ લીધા છે, એ તેનું વિશેષ લક્ષણ છે. એ બાબતમાં સંગ્રહકારનો પ્રયાસ પ્રશંસાપાત્ર છે.”
જીવત ભાષાના કોશ તરીકે તેમાં ઉપરાંતમાં વ્યુત્પત્તિ, શબ્દપ્રયોગો, વગેરે જોઈએ. ઉત્તરોત્તર આ લક્ષણો પણ ઉમેરાતાં ગયાં છે; અને આ આવૃત્તિમાં અમને મળી કે સૂઝી તે બધી વ્યુત્પત્તિ અને શબ્દપ્રયોગો સંઘરવામાં આવ્યાં છે; અને એને માટે કહી શકાય કે, આ વસ્તુઓ આ આવૃત્તિમાં ઠીક ઠીક અને એક જ જગાએ પહેલી વાર ઊતરે છે. જોકે એ યાદ રાખવાનું છે કે, જીવંત ભાષાના શબ્દભંડોળ તથા શબ્દપ્રયોગો વિષે પરિપૂર્ણતાનો દાવો તો ન થઈ શકે એવી વાત છે, કેમ કે એ સદાવર્ધમાન વસ્તુ છે.
આ ઉપરાંત આ વખતે ઉચ્ચારણ વિષે પણ ઉમેરો કર્યો છે; અને પહોળા એ ઓ, પોચો અનુસ્વાર, હશ્રુતિ, યશ્રુતિ, એ જે આપણી ભાષાના બતાવવા પડે એવા ઉચ્ચારો છે, તેમને માટે સંકેતો યોજીને તે તે શબ્દો પછી તરત ટૂંકમાં બતાવવામાં આવ્યા છે. તેની સૂચિ, જ્યાં સંકેતો તથા સંક્ષેપની અલગ સમજૂતી આપી છે, ત્યાં આપી છે.
શબ્દભંડોળ પણ સારું વધ્યું છે. કુલ સંખ્યા તો હજી સુધી નથી ગણી કાઢી, પણ કેટલાક હજાર શબ્દો ઉમેરાયા હશે એમ અંદાજે કહી શકું છું.
આવી રીતે સુધારાવધારા અને ઉમેરાને લઈને કોશનું કદ વધ્યું છે. એક કારણ તો ઉઘાડું છે કે, મોટી રૉયલ સાઇઝના કાગળોની મુશ્કેલી જોઈને ડેમી સાઇઝ કરવી પડી. આથી અમુક કદ તો આપોઆપ વધ્યું. ઉપરાંત, ઉમેરા આવ્યા. આથી, પાનાંની સંખ્યા જોતાં, આ આવૃત્તિ બમણી થઈ છે. બીબાં તો એ જ કદનાં નાનાં વાપરેલાં છે, પણ વચ્ચેનાં લેડ પાતળાં વાપરવાથી લીટીઓ વચ્ચેની જગા કાંઈક કમી થઈ છે.
ઉપર મેં જણાવ્યું કે, લગભગ ત્રણ વરસે આ કામ પૂરું થાય છે. છાપકામ પૂરતું એ કહ્યું છે. બાકી, આવૃત્તિનું સંપાદનકામ તો ત્રીજી આવૃત્તિ બહાર પડી ગયા પછી તરત શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠે કોશ કાર્યાલય ત્યારથી ચાલુ જ રાખેલું છે. શ્રી. ચૂનીલાલ બારોટ એમાં કાયમી કામ કરતા રહ્યા છે. શરૂમાં થોડો વખત તેમની મદદમાં શ્રી. નગીનદાસ પારેખ અને શ્રી. શંકરદત્ત શાસ્ત્રી હતા. ઈ. સ. ૧૯૩૯–૪૦ના અરસામાં છૂટા થયા ત્યાં સુધીમાં, તે બે જણે ઉપલબ્ધ ગ્રંથોમાંથી વ્યુત્પત્તિ તથા શબ્દપ્રયોગો એકઠાં કરવાનું કેટલુંક કામ કર્યું હતું; તે દરમિયાન શ્રી. બારોટે ફારસી અરબી વ્યુત્પત્તિ જોઈ કાઢી હતી. શ્રી. નગીનદાસ તથા શાસ્ત્રી ગયા પછી નવી આવૃત્તિનું કામ શ્રી. બારોટે આગળ ચલાવ્યું હતું; અને તેની બધી પૂર્વતૈયારી તેમણે કરી હતી. તે અંગે તેમણે વ્યુત્પત્તિ, શબ્દપ્રયોગ વગેરેનું બાકી રહેલું બધું કામ પૂરું કર્યું. કાર્યાલયમાં એકઠા થયેલા ઢગબંધ નવા શબ્દો દાખલ કર્યા. એમ તેમણે છૂટી છૂટી એકઠી થયેલી વિવિધ બધી સામગ્રી એકસાથે મૂકીને નવી આવૃત્તિ માટેની હાથપ્રત માટે પૂર્વતૈયારી કરી હતી. પ્રેસ માટે છેવટની પ્રત તે ઉપરથી તૈયાર કરવામાં આવી. આ કામમાં, તેમની સાથે, દરેક આવૃત્તિમાં થતું આવ્યું છે તેમ, શ્રી. ગોપાળદાસ પટેલ તથા હું જોડાયા. તે કામ ૧૯૪૫ બાદ શરૂ કર્યું હતું. છેવટની નજર, ગઈ આવૃત્તિની જેમ, મેં રાખી છે. એક રીતે કહીએ તો, અમે ત્રણ જણ ગઈ ત્રણ આવૃત્તિઓથી આ રીતે કામ કરતા આવ્યા છીએ. ક્રમશઃ કણશઃ, એ કામ આ આવૃત્તિ જેટલે પહોંચે છે, તેથી અમને વ્યક્તિતઃ પણ અમુક આનંદ થાય છે.
ઉપર હું કહી ગયો કે, આવૃત્તિના ખાસ ઉમેરા ત્રણ ગણાયઃ ૧. ગઈ આવૃત્તિમાં તત્સમ વ્યુત્પત્તિ જ આપી હતી, તેમાં હવે ઉપલબ્ધ બધી વ્યુત્પત્તિ મૂકવામાં આવી છે. ૨. શબ્દપ્રયોગો; ૩. ઉચ્ચારણ. શબ્દભંડોળ વધ્યા કરે એ તો સામાન્ય બાબત હોઈ તેને સ્વતંત્ર કે નવો ઉમેરો ગણતો નથી.
વ્યુત્પત્તિ
તત્સમ વ્યુત્પત્તિ ઉપરાંત જેટલી મળી શકી તે બધી તદ્ભવ વ્યુત્પત્તિ પણ આ વખતે સંઘરી છે. તેમાં પ્રાકૃત રૂપો પણ દર્શાવ્યાં છે. તે વિષે એક વસ્તુ કહેવાની જરૂર છે. આમ દર્શાવેલાં પ્રાકૃત રૂપો પ્રત્યક્ષ ઉપયોગમાં આવ્યાં હોય તે જ લેવાનું રાખ્યું છે; કલ્પીને તે રજુ (જા કરીને જુ) કર્યાં નથી. આને માટે મુખ્ય ઉપયોગ અમે પંડિત હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠકૃત पाईय-सद्द-महण्णवोનો કર્યો છે. અપભ્રંશ, દેશ્ય, કે પ્રાકૃત શબ્દ બતાવ્યા છે, તે આ કોશને આધારે ટાંકવામાં આવ્યા છે.
ઉપરાંત, તુલનાત્મક સૂચનો પણ મૂકવામાં આવ્યાં છે, અને તેમાં મુખ્યત્વે હિંદી અને મરાઠી ભાષાની તુલના નોંધી છે. હિંદી માટે ‘શબ્દસાગર’ અને મરાઠી માટે શ્રી. દાતેનો ‘મહારાષ્ટ્ર શબ્દકોશ’ મુખ્યત્વે ઉપયોગમાં લીધા છે. ઉર્દૂ ને હિંદુસ્તાની કોશો પણ જરૂર મુજબ વાપર્યા છે; પણ તે મુખ્ય ન હોવાથી તે બધાનાં નામ અહીં નોંધ્યાં નથી.
ફારસી અરબી વ્યુત્પત્તિ માટે ગુ૦ વ૦ સો૦ ના કોશ ઉપરાંત લુગાતે કિશોરી, હિંદુસ્તાની–અંગ્રેજી કોશ વગેરેની જરૂર લાગવાથી તેમનેય વાપરવામાં આવ્યા છે.
એ પણ કહેવું જોઈએ કે, ગ્રંથોમાં મળી આવેલી ઉપરાંત કેટલીક સિદ્ધ જેવી લાગતી વ્યુત્પત્તિ પણ કોશમાં ઉમેરવામાં આવી છે. અને વ્યુત્પત્તિમાં જ્યાં શંકાને સ્થાન લાગ્યું છે, ત્યાં પ્રશ્ન દ્વારા તે વ્યક્ત કર્યું છે.
એક મૂળ શબ્દના થડ તળે આવતા શબ્દોની વ્યુત્પત્તિ બધે અલગ બતાવી નથી; કેમ કે ઘણી જગાએ તે સહેજે દેખાઈ જાય તેવી હોય છે. જ્યાં જુદી નોંધવા જેવી જરૂર લાગી છે, ત્યાં તે દર્શાવી છે.
આમ, આ આવૃત્તિ માટે એટલું કહી શકાય કે, વ્યુત્પત્તિ બાબતમાં થયેલું કામ વિદ્વાનો આગળ પહેલી વાર એકસાથે રજૂ થશે. તે પરથી હવે એ કામ આગળ લઈ શકાય. જે થયું છે તે તેને વધારે શુદ્ધ કરી શકાય. બલ્કે, એમ કહેવું જોઈએ કે, હવે આપણે ગુજરાતીમાં વ્યુત્પત્તિ–કોશ ખાસ અલગ કરવા તરફ પણ પ્રયાણ કરવું જોઈએ. આ કામને માટે આ આવૃત્તિ ઠીક ભૂમિકા રજૂ કરી શકશે.
ભાષાઓની તુલનાત્મક નોંધ અંગે બંગાળી, સિંધી, ઇત્યાદિ ભાષાઓ પણ સાથે લેવા જેવી કહેવાય. આ આવૃત્તિમાં જે તુલનાઓ નોંધી છે, તે સંપૂર્ણતયા આપી છે તેમ સમજવાનું નથી. પણ કેવળ આ ઢબે તુલના કરો શબ્દ–કોશ પણ, વ્યુત્પત્તિના અભ્યાસના વિકાસ અર્થે, જરૂરી તો છે જ. એ કામ પણ ખીલવવા જેવું છે. આ આવૃત્તિમાં તેનો સ્પર્શ મળશે એટલું જ.
(બીજો ભાગ આવતીકાલે)
સરસ માહિતી
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
હજી આગળ મોટું મેદાન છે. ચર્ચા માટે તૈયાર રહેજો! અહીં આવ્યા તે બદલ આભાર.
મારી ગુજરાતી શબ્દ જોડણી ગુગ્લ્સ દ્વારા મારા બ્લોગ્સ ઉપર ………..
જોડણીના જોડાણે ચર્ચામાં જોડાવા માટે કમર કસવાની શરૂ કરી દીધી છે.
તેના ભાગ રૂપે થોડા વિચારોઃ
ભાષા અંગે નવી વિચારધારાવાળો એક વર્ગ એવું માને છે સંધાનીત વર્ગને અભિપ્રેત અભિવ્યક્તિ આપણે જે રીતે વિચારી છે તે જ સ્વરૂપે જાણ કરવામાં જો શબ્દ કે શબ્દ સમૂહનો અનઅપેક્ષિત અર્થ થવાની સંભાવના ન હોય તો કે ભાષાની જોડણી, એટલે કે વ્યાકરણ પણ,ની શુધ્ધતા પર વધારે ભાર મુકવાથી કોઇ ‘સંવાદ’ની કોઇ વધારે અસરકારકતા લાવી શકાતી નથી. તેઓ ભાષાને ‘સંવાદ’નાં માધ્યમ તરીકે જૂએ છે, એટલે તેમનામાટે ખપ પૂરતી [fit for the purpose] ‘સુ(!)ધ્ધતા’ કાફી છે.