આજે અહીં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની એક નવી પ્રસ્તુતિ મૂકું છું. એ છે, જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના. શ્રી જુગલભાઈએ એમના બ્લૉગ પર આ પહેલાં પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ચાર હપ્તામાં મૂકી હતી; નીચે એ શ્રેણીની લિંકો આપેલી છે.
http://jjkishor.wordpress.com/2010/12/31/jodni-ange-5/
http://jjkishor.wordpress.com/2011/01/04/jodni-ange-6/
http://jjkishor.wordpress.com/2011/01/10/jodni-ange-7/
http://jjkishor.wordpress.com/2011/01/18/jodni-ange-8/
શુદ્ધ જોડણી વિશે વિવાદ હોઈ જ ન શકે. પરંતુ, જોડણી કોશ તો સંદર્ભ તરીકે જ કામ આવે, નવલકથા નથી કે એ વાંચવા બેસીએ. પરંતુ એમાં વાંચવા જેવું કઈં હોય તો પ્રસ્તાવનાઓ. ગુજરાતીના જોડણી કોશની જુદી જુદી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ બદલાતા સમયનો પડઘો પાડે છે, પણ લગભગ દર દાયકે પ્રકાશિત થયેલી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ શું સૂચવે છે? અટકી ગયેલું ચિંતન? ગતિશીલ ચિંતન? હવે આગળ કઈં કરવાનું છે? કઈં કરવાનું હોય તો એની દિશા શી? આ બધા આપણા પ્રશ્નો છે અને એના જવાબ પણ આપણે જ શોધવાના છે.
પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ લિંકનો ઉપયોગ કરીને વાંચવા વિનંતિ છે; અહીં ત્રીજી આવ્રુત્તિની પ્રસ્તાવના રજૂ કરી છે. આગળ ચોથી આવૃત્તિની પ્રસ્તાવના પણ શ્રી જુગલભાઈએ મોકલી આપી છે. તે પછી પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના આવશે. આપણે ભાષાના હિતમાં આ પ્રસ્તાવનાઓના સંદર્ભમાં આગળ ચર્ચા કરીશું, આ ઉપરાંત, ગુજરાતીના વિદ્વાન શ્રી બાબુભાઈ સુથારે પણ મને એક લેખ મોકલ્યો છે, જો તેઓ પરવાનગી આપશે તો એનો અનુવાદ પ્રસ્તુત કરીશ, જેથી આપણે આપણી ભાષા વિશે વિચારીએ. તો આગળ વાંચો ત્રીજી પ્રસ્તાવના.
જોડણીકોશઃ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૭
જોડણીકોશની બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી, આ તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. ઈ. સ. ૧૯૩૪ના અંતમાં સરકારના બંધનમાંથી છૂટ્યા બાદ, વિદ્યાપીઠ મંડળે તા. ૩–૧–૧૯૩૫ ની પોતાની પહેલી સભામાં ઠરાવ કર્યો હતો કે,
“કોઈની બીજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાનું આ સભા ઠરાવે છે, અને તે કામ શ્રી. મગનભાઈ દેસાઈને સોંપવામાં આવે છે. તેમની દેખરેખ નીચે આખો વખત કામ કરવા માટે શ્રી. ચૂનીલાલ બારોટને મુકરર કરવામાં આવે છે.”
આ ઠરાવ થયો ત્યારે એવી ધારણા હતી કે, બીજી આવૃત્તિની સિલક નકલો ૧૯૩૭ સુધી તો ચાલશે. અને એ ગણતરી બાંધીને નવી આવૃત્તિના સંશોધનની યોજના કરી હતી. પરંતુ પ્રજા તરફથી કોશને ઉત્તરોત્તર વધુ મળવા લાગેલા સત્કારને કારણે, ૧૯૩૬માં જ બધી નકલો ખપી ગઈ, એટલે ત્રીજી આવૃત્તિને બને તેટલી સત્વર તૈયાર કરી નાખવાનું ઠરાવ્યું. તેને લઈને નિરધારેલા સંશોધનમાં થોડો કાપ મૂકવો પડ્યો છે.
આ આવૃત્તિના કામનો પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું હતું કે, કોઈને વધુ શાળોપયોગી બનાવવાની દૃષ્ટિએ તેમાં શબ્દપ્રયોગો તથ ઉપલબ્ધ વ્યુત્પત્તિ ઉમેરવાં; અને શબ્દભંડોળ માટે, બને તેટલું વધારે શાળોપયોગી સાહિત્ય વાંચી કાઢવું. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ, કોશનું છાપકામ તરત ઉપાડવાનું આવવાથી, પૂરેપૂરી વ્યુત્પત્તિ આપવાનું તથા શબ્દપ્રયોગો સંઘરવાનું કામ અમારે છોડવાં પડ્યાં છે. વાચક જોશે કે, આ આવૃત્તિમાં અમે તત્સમ વ્યુત્પત્તિ આપીને જ અટકી ગયા છીએ અને શબ્દપ્રયોગસંગ્રહને તો અડક્યા જ નથી.
આ આવૃત્તિ તૈયાર કરતી વેળા, શુદ્ધ જોડણી લખવાની ચીવટવાળા એક ભાઈએ અમને એમની એક મુશ્કેલી જણાવી કે, ક્રિયાપદનાં પ્રેરક અને કર્મણિ રૂપો કોશમાં, બધાંનાં નહિ તો, જ્યાં જોડણી ફરક થવાનો પ્રશ્ન હોય તેટલાં ક્રિયાપદોનાં જો આપો, તો બહુ ઉપયોગી થાય. આ માગણીનું વજૂદ સ્વીકારી, આ આવૃત્તિમાં એવાં ક્રિયાપદોનાં રૂપો બનાવીને મૂકવામાં આવ્યાં છે. આવાં બનાવીને મૂકેલાં રૂપોમાંથી કેટલાંકનો ઉપયોગ કદાચ સાહિત્યમાં નયે મળે એમ બનવા જોગ છે. પણ એ રૂપો જોડણીની દૃષ્ટિએ જ મૂક્યાં છે; અને તે મૂકતી વખતે એટલું ધ્યાનમાં રાખ્યું છે કે, તેમનો ઉપયોગ કરવા કોઈ ચાહે તો તે કરી શકે, – તેમાં કાંઈ વિચિત્ર ન લાગવું જોઈએ. જ્યાં ખાસ વિચિત્રતા જેવું લાગ્યું છે, ત્યાં તેવાં રૂપો બનાવ્યાં નથી.
શબ્દભંડોળનું કામ આ વખતે ઠીક ઠીક થયુ; ગણાય. નવા શબ્દો શોધવાને અંગે કરેલા વાચનમાં, ઉપર કહ્યું તેમ, મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત, સામાન્ય વાચનમાં આવતાં પુસ્તકોમાંથી પણ શબ્દો મળે તે સંઘરવામાં આવ્યાં છે. એ રીતે કામ કરતાં, આ વેળાની આવૃત્તિમાં શબ્દસંખ્યા ૫૬૮૩૦ થઈ છે. એટલે કે, ગઈ આવૃત્તિના ૪૬૬૬૧ માં ૧૦૧૬૯ શબ્દોનો વધારો થયો છે.
શબ્દોની ગણતરીની સાથે તત્સમ શબ્દોની વર્ગીકૃત ગણતરી પણ કરવામાં આવી છે. ભાષાપ્રેમીઓને એનું પરિણામ બોધક થશે એમ માનીએ છીએ. નોંધાયેલી તત્સમ વ્યુત્પત્તિમાં સૌથી મોટો વિભાગ, અલબત્ત, સંસ્કૃત શબ્દોનો, ૨૦૨૬૫, એટલે કે, ૩૫ ટકા જેટલો છે. ત્યાર પછી ફારસીના ૧૭૫૬, એટલે ૩ ટકા, અરબ્બીના ૮૨૪, એટલે દોઢ ટકો, અંગ્રેજીના ૩૬૦, એટલે અડધો ટકો, હિન્દીના ૧૮૩, મરાઠીના ૪૪, તુર્કીના ૨૭, પોર્ટુગીઝના ૨૯ – એમ આવે છે. ગુજરાતીનો સારો અભ્યાસ કરનારે સંસ્કૃતનું અમુક જ્ઞાન તો મેળવવું જ જોઈએ, એ આ સાદી ગણતરી પરથી દીવા જેવું દેખાઈ આવે છે. આ ગણતરીથી અમને એક એ અંદાજ પણ મળી રહ્યો છે કે, લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય.
૧૯૩૫માં આ આવૃત્તિનું કામ શરૂ કર્યું તયારે જોડણીના નિયમોને અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ, એનો પણ ખ્યાલ કરી લીધો હતો. એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર નથી જોઈ. ઊલટું, હર્ષની વાત છે કે, જોડણીકોશને ઉત્તરોત્તર માન્યતા મળતી ગઈ છે, અને આજ મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાએ તથા ગુજરાતી સાહિત્ય સંમેલન જેવી વીદ્વત્સભાએ એને અપનાવ્યો છે. આ બાબતમાં સાહિત્ય સંમેલને તેની ગઈ બેઠકમાં કોશને માટે જે આવકારદાયી ને અભિનંદન ઠરાવ કર્યો છે, તે માટે એ સંસ્થાનો અત્રે અમે આભાર માનીએ છીએ.
જોડણીકોશને આમ માન્યતા મળ્યા પછી, આજ હવે આપણી આગળ જોડણીની અરાજકતાનો પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય. હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેનો વાપર વધારવાનું. તે કામ ગુજરાતના શિક્ષકગણ, લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી, વ્યવસ્થાપકો તથા પ્રકાશનસંસ્થાઓ,–એ બધાંએ કરવાનું રહે છે. આમાં જો આપણે જાગૃતિ નહિ બતાવીએ તો હવે એક બે વર્ષમાં સિદ્ધ થઈ જવું જોઈએ એવું કામ નાહક લંબાશે, અને ભાષાની સેવામાં એટલે દરજજે ક્ષતિ આવી લેખાશે.
જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો છે. નિયમ ૫ મો આ પ્રમાણે હતોઃ– “જ્યાં આરબી, ફારસી, અંગ્રેજી કે અન્ય પરભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય, ત્યાં તે જ અર્થમાં તત્સમ શબ્દ ન વાપરવો. ઉદા૦ પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઇંગ્લિશ, ટિકેટ નહિ પણ પાપડ, ખાએશ, આબેહૂબ, અંગ્રેજી, ટિકિટ.”
આ નિયમ, ખરું જોતાં, જોડણીનો નહિ પણ શૈલીનો ગણાય. એટલે જોડણીકાર એને પોતાના નિયમ તરીકે આપે એમાં મર્યાદાદોષ આવે. આ વિચારથી એ નિયમ રદ કરવામાં આવ્યો છે. બાકી આખી નિયમાવલી જેમની તેમ રહે છે. નવી આવૃત્તિનો લાભ લઈ તે નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં જ્યાં ક્ષતિ રહી ગયેલી જણાઈ છે, ત્યાં સુધારો કર્યો છે. ચડવું–ચઢવું, મજા–મઝા, ફળદ્રુપ–ફળદ્રૂપ વિકલ્પો સ્વીકાર્યા છે. નિયમાવલીનુંવધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા છે. (જેમ કે, ક્રિયાપદનાં રૂપોની જોડણીનો નિયમ ૨૫, ૨૬ જુઓ.)
તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એ ઉપર જણાવ્યું. તેને અંગે એક બે વાતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. આપણી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દો તેમના પ્રથમાના રૂપે ઊતરી આવે છે, અને જેમાં અંતે વિસર્ગ હોય છે તેના તે વિસર્ગનો લોપ થયો હોય છે. જેમ કે, પિતા, વિદ્વાન, ચંદ્રમા, મન ઇત્યાદિ. આ શુદ્ધ સંસ્કૃત તો ન ગણાય. વળી કેટલાક શબ્દો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે નવા બનાવી આપણે વાપરીએ છીએ, જે સંસ્કૃત કોશોમાં નયે મળે. આવા બધા શબ્દોને અમે सं. તરીકે તત્સમ જણાવ્યા છે.
એવી જ એક મર્યાદા ફારસી અરબી શબ્દોની તત્સમતાને અંગે પણ સ્વીકારી છે. આ ભાષાઓને અંગે વિશેષ મુશ્કેલી એ છે કે, તેની ને આપણી વર્ણમાળા એક ન હોઈ, લિપ્યંતરનો પ્રશ્ન પણ ખડો થાય છે. જેમ કે, ફારસી ‘ઝ’ અગાઉની પેઢી ‘જ’ લખીને સંતોષ માનતી. આજ અંગ્રેજી Z નો ઉચ્ચાર આપણે ત્યાં રૂઢ થતો જવાથી ફારસી ‘ઝ’ ઉચ્ચાર ‘જ’થી કરવા કરતાં ‘ઝ’ લખવા પ્રેરાઈએ છીએ. પરંતુ ફારસી અરબી શબ્દોમાં જકાર ઊતરી તો ગયો છે. એ રૂઢિને આપણી જોડણીની પ્રથામાં માન્યતા પણ મળી છે. એટલે એવા જકારવાળા ફરકના શબ્દોને પણ ફારસી જ જણાવ્યા છે. જેમ કે, નજર, અજીજ.
અંત્ય હકારવાળા ફારસી શબ્દો ગુજરાતીમાં પોતાના લિંગ પ્રમાણે ઈ, ઉ કે ઓ અંત્ય સ્વીકારે છે. જેમ કે, તકાજો, સાદું, જલસો. આટલા ફરકના શબ્દોને પણ ફારસી જણાવ્યા છે.
ફારસી, અરબી અય, અવ, આપણે ત્યાં અનુક્રમે એ, ઓ રૂપે લખાય છે ને એ, ઓ (બન્ને પહોળા) રૂપે બોલાય છે. જેમ કે, હેબત, શેતાન, મોત. આ રૂપોને પણ તત્સમ જ ગણ્યાં છે.
પરંતુ રદ, સબર, ફિકર, સાહેબ જાહેર, ઇજન, ચહેરા જેવા શબ્દો તદ્ભવ ગણ્યા છે. નિસબત, સખતી, બરખાસ્ત જેવા શબ્દો, જેમનો ઉચ્ચાર તત્સમ છે (પણ જે નિસ્બત, સખ્તી, બર્ખાસ્ત એ રૂપે નથી લખાતા), તેમને પણ તત્સમ ગણ્યા છે.
પોર્ટુગીઝ તત્સમતા બતાવી છે તે સામાન્ય મળતાપણા પરથી જ ગણાય. શુદ્ધ રૂપે એ શબ્દ હશે કે કેમ એ, પોર્ટુગીઝના અજ્ઞાનને કારણે, અમારાથી દાવો કરી શકાતો નથી. ઉપલબ્ધ કોશો કે વ્યાકરણોમાંથી એને અંગેનાં મળી આવેલાં સૂચન પરથી એ નિર્દેશો છે.
મરાઠી,હિન્દી ભાષા તો ગુજરાતીની બહેનપણીઓ ગણાય. ઘણા શબ્દો, જરાતરા ફેરથી કે તેના તે જ રૂપે, બેઉ જગ્યાએ મળી શકે. તે પરથી તે શબ્દ મરાઠી કે હિન્દી ન ગણાય. પણ આજના વધતા જતા આંતરપ્રાંતીય સંસર્ગને કારણે તથા પૂર્વના સંસર્ગોથી પણ કેટલાક શબ્દો આપણા સાહિત્યમાં તે તે ભાષાઓમાંથી સ્વાભાવિક રીતે ઊતરી આવ્યા છે. કોશમાં એવા શબ્દોને જ મરાઠી કે હિન્દી બતાવી શકાય. અમે એ દૃષ્ટિએ આ ભાષાઓના શબ્દોનો નિર્દેશ કર્યો છે.
શબ્દોની તત્સમ વ્યુત્પત્તિ બતાવતાં એ ખ્યાલ આપોઆપ ઊઠે કે, તેનો અર્થ પણ તત્સમ છે ? કેમ કે, એવું ઘણી વાર બને છે કે, શબ્દનું સ્વરૂપ તત્સમ હોવા છતાં તેના અર્થમાં તત્સમતા ન હોયઃ તેમાં કાંઈક ફેર થયો હોય, લક્ષણાથી ભિન્ન અર્થ નીકળતો હોય, કે વ્યંજનામાં મર્યાદા પણ આવી ગઈ હોય. આ પ્રકારની ઝીણવટમાં અમે ઊતર્યા નથી, ને મૂળ શબ્દના અર્થની સામાન્યતઃ તત્સમતા પરથી તેને તત્સમ ગણ્યો છે. સામાન્ય ઉપયોગની શાળોપયોગી આવૃત્તિમાં એથી વધુ સૂક્ષ્મતા આવશ્યક પણ ન ગણાય.
વ્યુત્પત્તિને અંગે, છેવટમાં, એક વસ્તુ કહેવાની રહે છે તે, ક્રિયાપદોની વ્યુત્પત્તિ નથી આપી એ. એટલે ઉપરની શબ્દગણનામાં ક્રિયાપદોની તત્સમતા નથી ગણાઈ.
એક મહારાષ્ટ્રી ભાઈએ કહ્યું કે, તમારા કોશમાં ઉચ્ચારણ નથી, તેથી અમારા જેવાને મુશ્કેલી પડે છે; તમારે ઉચ્ચારણ પણ આપવું જોઈએ. આ માગણી સાચી છે. કોઈ પણ ભાષાના સારા ગણાઈ શકે એવાકોશમાં શબ્દનું આ અંગ હોવું તો જોઈએ જ. આપણી લિપિની વિશેષતાને લઈને, ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી ન હોય એ ખરું. છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શકતી. આપણે ત્યાં પણ સંવૃત વિવૃત પ્રયત્ન, યશ્રુતિ, હશ્રુતિ, અનુસ્વાર–ભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણોનો પ્રશ્ન તો રહે જ છે. એટલે તે તે ખાસિયતો માટે સંકેત યોજીને કોશકારે ઉચ્ચારણ પણ નોંધવું ઘટે. આ બાબતમાં કયું ઉચ્ચારણ શિષ્ટ ગણાય એ પ્રશ્ન પણ રહે છે. એટલે આ કામ મહત્ત્વનું તો છે જ. પણ આ આવૃતતિમાં અમારે માટે તે શક્ય નહોતું. પરંતુ એમાં એક વસ્તુ અંશતઃ અમારે કરવી પડી તે એ કે, જે શબ્દોની જોડણી એક છે છતાં ઉચ્ચારો ભિન્ન છે, તેવા શબ્દોનો ઉચ્ચારનિર્દેશ અમે કર્યો છે. જેમ કે, જુઓ ઓડ, શોક. તે શબ્દો ત્રણ અર્થોમાં ત્રણ રીતે બોલાય છે. એ ત્રણે ઉચ્ચાર નોંધ્યા છે. તેની પદ્ધતિ વિષે ‘કોશ વાપરનારને સૂચના’માં નિર્દેશ કર્યો છે.
આ આવૃત્તિમાં બીજો ફેરફાર કર્યો છે તે શબ્દોની ગોઠવણીનો છે. ગુજરાતી જોડણીકોશમાં આવી જાતનો ફેરફાર પહેલવારકો થાય છે. આ ફેરફાર કરવાનું અમને સૂઝ્યું સ્થળસંકોચ સાધવાની દૃષ્ટિએ. આવૃત્તિ આવૃત્તિએ કદમાં વધતા જતા કોઈની કિંમત પણ વધારવી પડે તો વાચકવર્ગને એ ન ફાવે. એટલે, બને ત્યાં સુધી, કોઈનું કદ ધતાં છતાં, કિંમત ન વધારવી પડે એવો પ્રયત્ન કરવાનો વિચાર રાખવામાં આવ્યો. તે સારુ એક ફેરફાર તો એ કર્યો કે, બીબાં મળે તેવડાં નાનાં વાપર્યાં છે. અવારનવાર જરૂર પ્રમાણે વાપરવાના આકરગ્રંથ માટે નાનાં બીબાં મુશ્કેલી ન ગણાય. નાનાં બીબાંથી ઠીક ઠીક જગા બચી શકી છે. બીજો ફેરફાર કર્યો તે, કક્કાવારીમાં પાસપાસે આવતા સમાન વ્યુત્પત્તિવાળા, સાધિત કે સમાસના શબ્દોને એક ફકરામાં ગોઠવી દીધા છે. આ ગોઠવણીને અંગેની સૂચનાઓ ‘કોઈ વાપરનારને સૂચના’ એ સ્થળે આપી છે. તે જોવાથી આ ગોઠવણની રીત સ્પષ્ટ થશે.
પારિભાષિક શબ્દોને અંગે નવો કોઈ પ્રયત્ન કર્યો નથી. એક વસ્તુ સ્વતંત્ર રીતે કહેવી પ્રાપ્ત થાય છે. સરકારી માધ્યમિક કેળવણીમાં ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો સ્વભાષા મારફત શીખવવાની છૂટ અપાઈ છે. પરંતુ, એ છૂટનો ઉપયોગ ઓછો જ લેવાયો છે, એ વિચિત્ર બીના ગણાય. અને કાંઈકે પ્રયત્ન થયો છે તે, અમારી જાણ પ્રમાણે, વિજ્ઞાનને માટે; – કે જેની પરિભાષામાં મુશ્કેલી છે એમ જ નહીં, અરાજક છે, ને કેટલુંક બેહૂદાપણુંપણ પ્રવર્તે છે. અને ગણિત, કે જેની પરિભાષા નિશ્ચિત છે તથા જે નાનકડી પુસ્તિકા રૂપે વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થઈ છે, એને સ્વભાષા મારફત શીખવવાનો પ્રયત્ન આરંભાયો નથી.આશા રાખીએ કે, એ આપણી સિદ્ધ પરિભાષા હવે થોડાં વર્ષોમાં બધે વપરાતી થઈ જશે. વિજ્ઞાનને અંગે પણ એવી જ પરિભાષા સ્થિર કરવાનો પ્રયત્ન હવે આદરવો જોઈએ. એ કામ શિક્ષકગણ તથા વિદ્વાનો ઉપાડે તો હવે પછીની કોશની આવૃત્તિમાં જ્ઞાનની તે શાખાના શબ્દો સંઘરવાનું સહેલું થશે.
હવે વિદ્યાપીઠ તરફથી ગુજરાતી ભાષાના બૃહત્ કોશનું કામ ણપાડવા વિચાર છે. એ કોશમાં ગુજરાતી ભાષાનો શબ્દસંગ્રહ પૂરો કરવા માટે, નવા તથા જૂના ગુજરાતી સાહિત્યમાં ઊતરેલા તથા બોલીમાં ચાલતા તમા શબ્દો સંઘરવા પ્રયત્ન કરવો છે. બોલીના શબ્દો સંઘરવા માટે, ગુજરાતના બોલીવાર જુદા જુદા પ્રદેશ પડે છે ત્યાંના માણસોના સહકાર ઉપરાંત, તે તે પ્રદેશમાં ખાસ માણસ મોકલી બરાબર તપાસ કરીને શબ્દો એકઠા કરવાનો ઇરાદો છે. વળી જુદાં જુદાં વિજ્ઞાનોની અને ઉદ્યોગોની પરિભાષા પણ મેળવી શકાય તેટલી મેળવીને આપવી છે. તથા સાંપ્રદાયિક અને કોમી સાહિત્યમાં વપરાતા શબ્દો પણ એકઠા કરવાની ધારણા છે. શબ્દોની વ્યુત્પત્તિ શક્ય હોય તેટલી – વચગાળાનાં પ્રાકૃત તથા અપભ્રંશ રૂપો મળી શકે ત્યાં તે સાથે – આપવી છે. શબ્દોના અર્થોનો ઐતિહાસિક વિકાસક્રમ, અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની દૃષ્ટિએ આવશ્યક જણાય ત્યાં અવતરણો સાથે, આપી શકાય તેટલો આપવો છે. બને તેટલાં સ્થાનોએ પર્યાય શબ્દો પણ નોંધવાનો વિચાર છે. ગુજરાતના વિદ્વાનો, શિક્ષકો તથા ભાષાપ્રેમીઓની સાહાય્ય જેટલી વધારે મળે તેટલો આ કોશ સારો થાય એ સ્પષ્ટ છે. એવો સહકાર અને મદદ અમને મળશે જ એ આશા સાથે ગુજરાત આગળ અમારી માગણી અમે રજૂ કરીએ છીએ. . . .
તા. ૧૨–૬–’૩૭ – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
જો આ શબ્દશ: ટાઈપ થયું હોય તો, મૂળમાં જ કેટલી વ્યાકરણની ભૂલો છે તે સ્પષ્ટ થાય છે. અરે જે કોશ વિશે પ્રસ્તાવના લખાઈ છે તે કોશને જ ઘણી જગ્યાએ ‘કોઈ’ તરીકે વર્ણવ્યો છે. આટલું નબળું પ્રુફરીડિંગ?
શ્રી. જુગલકિશોરભાઈનો આભાર કે તેમણે તમારા માધ્યમ દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે.
ધવલભાઈ, ‘મેં પણ ભૂલો જોઈ, પરંતુ સુધારી નહીં, કારણ કે એ મૂળ જોડણીકોશમાં જ એમ છપાઈ હોય તો સુધારવાનો અર્થ નહોતો. હું માનીને ચાલ્યો કે શ્રી જુગલભાઈએ ભૂલો વગર ટાઇપ કર્યું હશે અને ચેક કર્યું હશે. કદાચ આવી ભૂલો જુદા રંગમાં દેખાડવાનું રાખ્યું હોત તો સારૂં થાત.
મેં શક્ય હોય ત્યાં બોલ્ડ અક્ષરો કર્યા જ છે. અલગ રંગથી આપવું શક્ય નથી. કેટલીક જગ્યાએ ની વગેરે પ્રત્યયોને છુટ્ટા પણ રખાયા છે ! આ બધું મેં બોલ્ડથી બતાવ્યું જ છે. હા, ટાઈપ કરતી વખતે બહુ જ કાળજી રાખી છે.
May be Nehru realized Gujarat’s fight for correct JODANI and introduce Hindi to wipe out Gandhi’s Gujarati script……..when?…Just a matter of time!
http://www.giitaayan.com/hindispelling.asp
you may add Gujarati language here.
http://www.transparent.com/hindi/spelling-mistakes-vowels/
http://answers.yahoo.com/question/index?qid=20080604212526AAMhmQQ
Google gives four choices for this word.
One may select based on his understanding knowledge of language as long as meaning is not lost in sentence.
aitihasik
ઐતિહાસિક
ઐતિહાસીક
ઐતીહાસીક
ઐતિહસિક
માન્ય જોડણીકોશ પ્રમાણે માત્ર ‘ઐતિહાસિક’ સાચું છે. ગૂગલ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે શક્ય હોય તેટલા શબ્દો આપે છે. ઊંઝા જોડણી પ્રમાણે ‘ઐતીહાસીક’ પણ સાચું છે.
ઐતિહાસિક/ઐતીહાસીક
What does it make difference how you write it as long as meanings for both words are same? Each person may pronounce this word differenty(long/short/ i )based on his/her natural speaking/saying ability.
more at my blog……….
મેં માત્ર જોડણી શી છે તે કહ્યું. મારો અંગત મત પણ તમારા જેવો છે કે આપણે ત્યાં ઇ (હ્રસ્વ) અને ઈ(દીર્ઘ) તેમ જ ઉ(હ્રસ્વ) અને ઊ (દીર્ઘ)ના ઉચ્ચારોમાં ભેદ નથી. એટલે લખીએ મનફાવે તેમ, ઉચ્ચાર એક જ સરખો રહે છે.
જોડણી કોશની પ્રસ્તાવનાઓ આપવાનો હેતુ એ જ છે કે દસ વાચકો પણ એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે તો આગળ આ બાબતમાં ચર્ચા કરવી છે તેમાં કામ આવે. પ્રસ્તાવનાઓ આપીને અટકી નથી જવું. આપણા વિદ્વાનોની નિષ્ઠા, એમની દૃષ્ટિ, આગળ જતાં એમાં આવી ગયેલી સ્થગિતતા અથવા ગતિશીલતા વગ્રે વિશે વૈજ્ઞાનિક રીતે અને શાંત મગજે ચર્ચા કરવી છે.
ચર્ચા વખતે ‘ગુરુ’ બનીને કામ કરવું હોત તો શ્રી જુગલભાઈને જ લેખ મૂકી દીધો હોત કે તમે બધાને સમજાવો. પણ અહીં ચર્ચાનો લાંબો અને અઘરો રસ્તો લેવો છે. એમાં જે કોઈ ભાગ લે તેમને આમંત્રણ છે, પણ એમને હોમવર્ક માટે સામગ્રી ન આપવી એ ઉપદેશક અથવા ગુરુ જેવું વર્તન ગણાય, જે નથી કરવું.
તમે ચર્ચામાં ભાગ લેતા રહીને આ દિશામાં મહત્વનું પ્રદાન કરતા રહેશો એવો મને વિશ્વાસ છે..
bahu sundar jaanva malyu
આપની ભાષાની ઉત્તમ સેવા થઇ રહી છે .એ ખુશીની વાત છે .
ઊર્જા શબ્દ સાચો છે કે ઉર્જા ?
‘ઊર્જા’ સાચી જોડણી છે. (કે. કા. શાસ્ત્રીનો બૃહદ્ ગુજરાતી કોશ ભાગ ૧, પાનું ૩૩૩, કૉલમ ૧ શબ્દ નં. ૭)
કમનસીબે આ શબ્દકોશ ૧૯૭૬ પછી પુનઃમુદ્રિત થયો નથી. પરંતુ http://www.gujaratilexicon.com પર પણ ‘ઊર્જા’ શબ્દ મળી જશે.’ઉર્જા’ નથી.
ભાષામાં/જોડણીમાં આટલો રસ લો છો તે આનંદની વાત છે.