Eid-e-milad-un-nabi

ઈદે મિલાદઃ મહંમદ પયગંબરનો જન્મદિન અને એમનો સંદેશ.

માત્ર સંદેશવાહક
આજે ઇદ-એ-મિલાદ-ઉન-નબી એટલે કે ઇસ્લામના સ્થાપક પયગંબર મહંમદનો જન્મદિન અને પુણ્યતિથિ. ઇ.સ. ૫૭૦ની ૨૬મી એપ્રિલે એમનો જન્મ થયો અને ઇ.સ.૬૩૨માં એમનો જન્મદિન આવ્યો તે જ દિવસે એમનું અવસાન થયું. જો કે ઈદ-એ-મિલાદ હીજરી સન પ્રમાણે મનાવાય છે અને એ ૩૫૪ દિવસનું ચાન્દ્ર વર્ષ છે. એમાં પુરુષોત્તમ માસ જેવી દિવસો જોડવાની વ્યવસ્થા પણ નથી એટલે મુસ્લિમ તહેવારો દર વર્ષે ૧૨ દિવસ વહેલા આવતા હોય છે. અલ્લાહના રસૂલે (સંદેશવાહકે) છેલ્લા શ્વાસ છોડ્યા ત્યારે એમના નજીકના સાથી અને સસરા અબૂ બક્રે બહાર આવીને જાહેરાત કરી કે “તમે મહંમદની ભક્તિ કરતા હો, તો મહંમદનું મૃત્યુ થઈ ગયું છે; તમે અલ્લાહની ભક્તિ કરતા હો તો અલ્લાહ જીવે છે અને કદી મરશે નહીં”. આ એક એવા ધર્મનો જુસ્સો હતો જે વ્યક્તિનિષ્ઠ નહોતો. એ જ પયગંબરનો જીવનસંદેશ હતો અને અબુ બક્રના શબ્દોમાં એ જ ભાવના વ્યક્ત થતી હતી. મહંમદ માત્ર સંદેશવાહક હતા, સંદેશ મળે, એટલે કે આયત ઊતરે તે સિવાય સામાન્ય માણસ હતા. આવી અલ્લાહે મોકલેલી આયતોનું સંકલન એટલે કુરાન.

પયગંબર મહંમદનો જન્મ મક્કાની સાધનસંપન્ન કુરેશ જાતિમાં થયો હતો. દુનિયાના દેશો સાથે અરબસ્તાનના વેપાર પર કુરેશોનું વર્ચસ્વ હતું. આરબો ઊંટોની વણઝાર લઈને માલ વેચવા જતા. એક દેશમાંથી માલ ખરીદીને બીજા દેશમાં વેચતા. મક્કા વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. આ નાનો પ્રદેશ એક બાજુથી ઇરાનના સસાનિયન સામ્રાજ્ય અને બીજી બાજુથી બાઇઝેન્ટાઇન એટલે કે રોમન સામ્રાજ્યની વચ્ચે સપડાયેલો હતો. જો કે બન્ને સામ્રાજ્યોની નજર એના પર પડી નહોતી એટલે એ વત્તેઓછે અંશે સ્વાધીન પ્રદેશ હતો, એની ઘટનાઓની કોઈ અસર આ બન્ને સામ્રાજ્યો પર નહોતી પડતી. મક્કાના આરબો આમ શાંતિથી વેપાર કરતા પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ એમનું કશું જ મૌલિક નહોતું. બધું યહુદીઓનું હતું. એમાં કબીલાઈ માન્યતાઓ પણ ભળેલી હતી. એક બાજુ રણમાં ભટકતા બેડુઈન આરબો અને બીજી બાજુ મક્કાના શ્રીમંત વેપારી આરબો. એ દરેક પાસે એટલું ધન હતું કે એક નાનું લશ્કર તો એકાદ કુટુંબ નિભાવી શકે! આમ છતાં આરબો વેરવીખેર હતા. એમનામાં સંપ નહોતો. છોકરીઓને દૂધપીતી કરી નાખવાનું પ્રમાણ તો એટલું બધું હતું કે એ રિવાજ બની ગયું હતું. છોકરીને જીવતી રાખવી એ નાનપની વાત મનાતી. પંડિત સુખલાલજીનું એક નાનું પુસ્તક યાદ આવે છે. એમણે લખ્યું છે કે ઉંમર નામનો એક માણસ પોતાની દીકરીને જીવતી દફનાવતો હતો ત્યારે એની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. વર્તમાન સ્થિતિનો આ મૂક વિરોધ હતો અને એ જ ક્ષણ ઇસ્લામની આવશ્યકતાની માગણીનું પ્રતીક હતી.

આરબોની સ્થિતિ પર ઊડતી નજર
અહીં ઇસ્લામના આખા ઇતિહાસમાં જવાનો વિચાર નથી, માત્ર એટલું વિચારીએ કે એમણે આરબ સમાજમાં શું ફેરફાર કર્યા કે તે પછી આરબો આખી દુનિયામાં ફેલાઈ ગયા? આજે પણ ઇસ્લામથી પહેલાંની કેટલીક પ્રથાઓ મુસલમાનોમાં પ્રચલિત છે. પયગંબરસાહેબે એમાં કઈં જ ફેરફાર ન કર્યા. આજે પણ ઇસ્લામમાં કાબાનું મહત્વ છે તે પયગંબરના સમયમાં પણ હતું. હજની પરંપરા પણ પયગંબરે શરૂ નથી કરી. ઇસ્લામના પવિત્ર રોઝા એમના વખતમાં પણ હતા જ. ખાનપાનના રિવાજો પણ લગભગ યહુદીઓ જેવા જ છે.

અલ્લાહ અને ગીતા
મહંમદસાહેબે તો પોતે નવો ધર્મ સ્થાપે છે, એમ પણ નથી કહ્યું. એમણે એટલું જ કહ્યું છે કે એમણે પરાપૂર્વથી ચાલ્યો આવતો ધર્મ વિકૃત થઈ ગયો હતો તેની પુનઃપ્રતિષ્ઠા કરી છે. એમણે આરબોના વહેમો, જરીપુરાણા રિવાજો અને માણસને માણસથી દૂર રાખતાં તત્વો દૂર કર્યાં. બધાને સમાન બનાવવા એમણે એક અલ્લાહની ઘોષણા કરી. મૌલાના અબૂલ કલામ આઝાદ આ ‘અલ્લાહ’ શબ્દ બહુ સરસ રીતે સમજાવે છે, એનો અર્થ સમજતાં ગીતા યાદ આવી જશે. ‘અલ’ અંગેજીના ‘ધી’ જેવો આર્ટીકલ છે અને ‘લાહ’ એટલે આશ્ચર્ય. ગીતામાં પણ કહે છે કે કોઈ ‘એને’ આશ્ચર્ય તરીકે જુએ છે, તો કોઈ ‘એને’ આશ્ચર્ય તરીકે સાંભળે છે!

નવી અસ્મિતા
એક અલ્લાહના જયઘોષ સાથે એમણે આરબોને નવી અસ્મિતા આપી અને આ નવી અસ્મિતાને આકાર આપવા માટે એમણે બસ એક જ મહત્વનો આદેશ આપ્યો, આરબો પહેલાં ઇઝરાયેલમાં આવેલી અલ અક્સા મસ્જિદ તરફ વળીને પ્રાર્થના કરતા હતા. રસૂલ-અલ્લાહે એમને પશ્ચિમમાં કાબા તરફ મોઢું કરીને પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો. આ એક આદેશે સૌને સમાન બનાવી દીધા. પરંતુ આ સમય તો એમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં આવ્યો. ઉંમરના ત્રેપનમા વર્ષે તો ઇ.સ.૬૨૨માં એમને મક્કા છોડીને જવું પડ્યું હતું. તે પછી તેઓ પાછા આવ્યા, કુરેશોને પરાજિત કર્યા, કાબામાંથી કબીલાઓની મૂર્તિઓ હટાવી અને બધાએ ઇસ્લામ કબૂલ કર્યો તે પછી!

ઇસ્લામનો ઇતિહાસ વાંચવા જેવો છે. યુરોપ જ્યારે યુરોપ તરીકે ઓળખાતું નહોતું ત્યારે આરબો ત્યાં પહોંચી ગયા અને સ્થાનિકના રાજાઓ પર વિજય મેળવ્યો. સ્પેનમાં તો એમણે સદીઓ સુધી રાજ કર્યું પયગંબરની એક હદીસ (જીવનઘટના) છે, એમાં એમણે કહ્યું છે કે ‘જ્ઞાનની શોધમાં ચીન સુધી જાઓ.” એ વખતે આરબો માટે ચીન ખરેખર દૂરનો દેશ હતો. પણ આરબોએ ઇસ્લામનાં પહેલાં બસ્સો વર્ષમાં જ્યાં શાસન કર્યું ત્યાં જાણે આ હદીસ યાદ રાખી. આજે આપણે સોક્રેટિસ વિશે જે કઈં જાણીએ છીએ તે આરબોને કારણે જ. ઇસ્લામથી પહેલાંના આરબો માત્ર વેપાર કરતા હતા પણ ઇસ્લામ પછીના આરબો સંસ્કૃતિઓનાં આદાનપ્રદાનમાં પણ આગળ રહ્યા. ભારતીય દર્શન અને ગણિતમાં ‘શૂન્ય’ને યુરોપ સુધી લઈ જનારા આરબો જ હતા.

ઇસ્લામમાં વૈવિધ્ય
એક અલ્લાહ, એક (અને આખરી) પયગંબર મહંમદ- આ એમની મૂળભૂત શરત. પરંતુ એમ ન માનવું જોઈએ કે એમાં જુદા જુદા પંથો નથી, ઇસ્લામના ઇતિહાસમાં ‘મુતઝિલા’ (ઉચ્ચારઃ ‘ત’ ખોડો નથી)) નામનું આંદોલન પણ હતું જેમાં યુરોપના તર્ક-આધારિત રૅશનાલિઝમનાં બીજ રહેલાં છે. આજે વહાબી ઇસ્લામ દુનિયામાં આતંકવાદનું બીજું નામ બની ચૂક્યો છે, તો ભારતમાં તો સૂફી ઇસ્લામનું જોર રહ્યું. હિન્દુ સમાજ તો આમ પણ સૌને સ્વીકારનારો રહ્યો. એટલે સૂ્ફી ઇસ્લામને અહીં પણ આવકાર મળ્યો. અહીં જે મઝારો પર જે ભીડ જોવા મળે છે તે ઇસ્લામનું ભારતીય રૂપ છે. વહાબી કટ્ટરતાનો છોડ અહીં ન ફાલ્યો. આમ કોઈ પણ ધર્મની જેમ ઇસ્લામમાં પણ ઘણા ફાંટા છે, એમના છ જુદાજુદા ભાષ્યકારો (મનુ જેવા) છે, જે પ્રથાઓ ભારતીય મુસલમાનોની છે તે જ મલેશિયા કે ઇંડોનેશિયાના કે આફ્રિકાના મુસલમાનોની નથી.

પયગંબર નહીં આવે, જાતે માર્ગ શોધો
પયગંબરસાહેબે મૃત્યુ પહેલાં જે સંદેશ આપ્યો તેમાં કહે છે કે હવે એમનો ધર્મ પરિપૂર્ણ બની ગયો છે.અને હવે કોઈ સંદેશવાહક નહીં આવે. આમ હવે કોઈ ઉદ્ધારક નથી આવવાનો એની ચેતવણી એમણે મુસલમાનોને આપી જ દીધી છે. આનો એક જ તર્કસંગત અર્થ છે કે હવે દુનિયા બહેતર બને એની જવાબદારી એમણે વ્યક્તિગત રીતે દરેક મુસલમાન પર નાખી છે. (આ સંદેશ તો સૌ કોઈને માટે છે કે હવે કોઇ અવતાર પેદા નથી થવાનો).
આજે મુસલમાનોની સ્થિતિ
પરંતુ મુસલમાનોની સ્થિતિ શી છે? આજના દિવસે એમની ખાસ જવાબદારી વિશે તેઓ વિચારે એ જરૂરી છે. એક વખતનો જ્ઞાનની પાછળ જનારો ધર્મ આજે ક્યાં છે? અજ્ઞાન અને નિરક્ષરતામાંથી એમણે બહાર આવવાનું છે. ઇસ્લામનાં પહેલાં બસ્સો વર્ષની જ્ઞાનખોજના માર્ગે એમણે જાતે જ નીકળવું પડશે. કુરાનનો પહેલો જ શબ્દ છેઃ “વાંચ…” આજે મુસલમાન ‘વાંચવામાં” સૌથી પાછળ છે!

ધર્મ એટલે મૂલ્યો. મૂલ્યો શાશ્વત હોઈ શકે છે પરંતુ એનો આ ગુણ સમય સાથે કદમ મેળવીએ તો જ ટકે, નહીંતર ગ્રંથોમાં જ કેદ થઈને રહી જાય. ખાલી ગર્વ કરતા રહીએ કે મારો ધર્મ સૌથી સારો, એમાં કઈં ન વળે. ઈશ્વરી સંદેશવાહક ન આવવાનો હોય તો પાછળ રહેલા લોકોની જવાબદારી વધી જાય છે અને કુરાન શરીફે આનો રસ્તો દેખાડ્યો છે. સુરા ૩ની સાતમી આયતમાં જે સંદેશ વ્યક્ત થયો છે તે લોકશાહી અને મુક્ત ચિંતનનો સંદેશ છે, જે સૌને ઉપયોગી થાય એમ છે પરંતુ દ્વિધા અનુભવતા મુસલમાન ભાઇબહેનો માટે તો એ કાર્ય અને વિચારની સ્વતંત્રતાની આયત છે. ઇસ્લામમાં પુરોહિત વર્ગનું સ્થાન નથી, કારણ કે મહંમદ આખરી પયગંબર છે, બાકી માર્ગદર્શન માટે કુરાન છે. તમે જાતે જ વાંચોઃ ” આ પુસ્તક મોકલનાર એ (અલ્લાહ) જ છે… એમાં એવી આયતો છે જે મૂળભૂત છે, જેનો અર્થ સ્પષ્ટ છે..એ જ આ કિતાબનો પાયો છે… બીજી એવી આયતો છે જેનો અર્થ બહુ સ્પષ્ટ નથી… પણ જેનાં હૃદયમાં વિકૃતિઓ છે તેઓ એના પ્રમાણે ચાલે છે અને વિખવાદ ફેલાવવાની અને એનું અર્થઘટન કરવાની કોશિશ કરે છે… પણ અલ્લાહ સિવાય એનો સ્પષ્ટ અર્થ કોઈ જાણતું નથી. જેમનો પાકો આધાર જ્ઞાનમાં છે તેઓ કહે છે કે “અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે એ બધું અલ્લાહે મોકલ્યું છે.અને જે સમજદાર છે તેના સિવાય કોઈ એનો અર્થ નહીં સમજે.”.
કુરાનની આવી જ ‘અસ્પષ્ટ’ આયતોનું મનફાવતું અર્થઘટન કરીને ગુમરાહ કરનારા ધર્મગુરુઓ ઘણા છે. મુસ્લિમ ભાઈબહેનો મૂલ્યોનું જતન કરવાની સાથે આજના જમાના સાથે તાલ મેળવીને એક સર્વજનહિતકારી સમાજના નિર્માણ માટેની ‘જેહાદ’ જગવવામાં આગળ આવે એવી શુભેચ્છાઓ.

25 thoughts on “Eid-e-milad-un-nabi”

 1. ઈસ્લામ વિશે એક નાગર બ્રાહ્મણ આટલું તટસ્થ રીતે લખે; એ ઘટનાને નમસ્કાર. આજનો દિવસ સુધરી ગયો. મારા ચાર નજીકના મિત્રો મુસલમાન છે; અને એમની પાસેથી મળેલી ઈસ્લામ વિશેની સમજ આવી જ હતી.
  બહુ જ અભ્યાસપૂર્ણ લેખ.
  મને નથી લાગતું કે, માનવ જીવનના પાયાના મૂલ્યો વિશે કોઈ પણ ધર્મ વચ્ચે વિવાદ હોઈ શકે. રેશનાલિસ્ટો ગમે તેટલી માથાકૂટ કરે, માણસને કોઈક સુપર પાવરની કલ્પના વગર ચાલ્યું નથી; અને કદાચ પચીસમી સદીમાં પણ નહીં ચાલે. દુઃખ પ્રધાન માનવ જીવનમાં – જ્યારે બધી ‘આશ નીરાશ ભઈ’ , જેવું થતું હોય – જ્યારે સાવ નજીકના મિત્રો/ સંબંધીઓએ પણ હાથ ઊંચા કરી દીધા હોય – ત્યારે આ તત્વની હયાતિનો સહારો માત્ર મણસને એ યાતનાની બહાર કાઢે છે. કોઈ રેશનાલિસ્ટ એની મદદે જવાનો નથી.
  કાશ ! બધા ધર્મોના ઉપદેશકો પાયાના મૂલ્યો પર સમ્મત થાય અને માનવજાતને નવા સીમાડાઓની પાર લઈ જાય.
  અસ્તુ ..

 2. Very informative article. Years ago, I read someplace that “Kaba” is a piece of asteroid. Since it came from the sky (outer space), it is considered to be sent by God and hence, Auspicious. Do you have any info. on this?

  1. કાબા પોતે તો એક બિલ્દિંગ છે, એમાં જડેલા કાળા પથ્થર પવિત્ર મનાય છે. અહીં બે લિંક આપું છું, જે બહુ વિગતો આપે છે. નોંધ કરવા જેવી બે વાત છેીક તો, કાબા અને એમાંના કાળા પથ્થરનું મહત્વ ઇસ્લામથી પણ પહેલાં જ હતું. પ્રોફેટ હજી પ્રોફેટ તરીકે પ્રખ્યાત નહોતા થયા તે પહેલાં જ ‘અલ અમીન’ (The Honest) જાણીતા હતા. આ કથા પરથી બન્ને મુદ્દા વધારે સ્પષ્ટ થશે. પરંતુ એમણે જ્યારે પોતે સંદેશવાહક હોવાનું કહ્યું અને ક્રેશોની અંધશ્રદ્ધાઓ પર પ્રહારો કરવાનું શરૂ કર્યું ત્યારે એમના માટે મક્કામાં રહેવું ભારે થઈ પડ્યું. ઇસ્લામનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. મેં તો માત્ર એમના સામાજિક સંયોગો અને એમના ઉપદેશોના સામાજિક પ્રભાવની ચર્ચા કરવાનો નાનો પ્રયત્ન કર્યો છે. આ લિંક જોશોઃ

   http://en.wikipedia.org/wiki/Black_Stone

   http://www.soundvision.com/feedback/feedback.asp?action=readmore&URL=/Info/hajj/kaba.asp

    1. એ શક્ય છે, કારણ કે દંતકથાઓની-

     અંદરનો પથ્થર એસ્ટ્રોઇડ હોઈ શકે છે, અને એ લાખો વર્ષો જૂનો હોય જ. પવિત્ર મંદિર ક્યાં બનાવવું એ દેખાડવા માટે ઈશ્વરે એ પથ્થર ફેંક્યો એવી કથા ઇસ્લામથી પણ જૂની છે. પ્રાચીન કથાઓ તદ્દન આધાર વિનાની નથી હોતી, માત્ર એનાં અર્થઘટનો ધાર્મિક ભાષામાં થયેલાં હોય છે અને આજથી બે હજાર વર્ષ પહેલાં આવી માન્યતાઓ સ્વાભાવિક ગણાય. એ જરૂર ખગોળીય ઘટના હોવી જોઈએ. આને કારણે જ પયગંબર કહે છે કે એમનું કામ ભુલાઈ ગયેલો સંદેશ લોકોને આપવાનું છે, પણ મૂળ ધર્મ તો પ્રાચીન છે અને એમણે કોઈ નવો ધર્મ નથી બનાવ્યો. આ ‘પ્રાચીન’ને પ્રાચીન પથ્થર સાથે સંબંધ છે.

     1. કાબામાં શું છે તેનાથી કોઈ ફરક ના પડવો જોઈએ. લોકવાયકાઓ, દાવા-પ્રતિદાવાઓ ઘણા હોય છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે કાબામાં શિવલિંગ છે. કોન જોવા ગયું? એ ભલેને એસ્ટરોઈડ હોય, શિવલિંગ હોય કે અન્ય કોઈક વસ્તુ, મૂળ સવાલ શ્રદ્ધાનો છે અને સમાજમાં આણેલા ધડમૂળ પરિવર્તનની વાત છે.

 3. Deepak bhai, I have no words to thank you for this very informative article. And this has come on the day of Eid-e-Milad which is the birthday of Prophet (Peace be upon him). Suresh bhai is absolutely right. Teachings of almost all religions is the central focus. Serve humans and humanity. Ways are different but the oath of attainment is the same. Today unfortunately many among all of us believe that only their religion is supreme. Another, it has unfortunately become a fashion to see the negative aspects of other religions. Muslims are not excluded in this. Holy Quran declares and commands unequivocally ‘Laqum deenaqum vale yadeen’ means ‘Be your religion with you and mine with me.’ Here lies the spirit of respecting other religions. I don’t want to comment about the rationalists and their theory of evolution. Last year I attended the funeral of a rationalist friend. He was cremated according to Hindu rituals. I was surprised to see this.I asked a very close relative of the deceased the reason for this. And believe me there was more surprises for me. His relative informed me that it was the last wish of the dead that he should be cremated.
  Here in Toronto, Canada I have many rationalist friends. They are all well educated and intelligent. But unfortunately, I think, they have lost the real path.

  1. ફિરોઝભાઇ,
   આદાબ અર્ઝ.
   તમે આવ્યા અને કૉમેન્ટ લખી તે મારા માટે ઉત્સાહ વધારનારી વાત છે. ખરેખર તો દરેક ધર્મનાં બાહ્ય રૂપોને આપણે બહુ મહત્વ આપીએ છીએ. માનવજાતિ સહકાર વિના જીવી જ ન શકી હોત, કારણ કે શારીરિક તાકાતની દૃષ્ટિએ એ સૌથી નબળી પ્રજાતિ છે. આ પ્રાથમિક જરૂરિયાતમાંથી મૂલ્યો પેદા થયાં, જે ધર્મના રૂપે વિકસ્યાં. આમ ધર્મને આપણે સામાજિક મૂલ્યની નજરે જોઈએ તો કઈં જ ફેર ન દેખાય. પણ આપણે બાહ્ય લક્ષણોને જોઈને ઇમેજ બનાવી લઈએ છીએ અને લડ્યા કરીએ છીએ.
   તમે રૅશનાલિસ્ટનું ઉદાહરણ આપ્યું છે અને મને લાગે છે કે યુરોપનો રૅશનાલિસ્ટ પણ આમ જ કરવાનો છે! આપણે સામાજિક પરંપરાથી કદાચ બહુ દૂર જઈ શકતા નથી કારણ કે ઘણી બાબતો આપણી અંદર ચૌદ વર્ષની ઉંમરથી પહેલાં આવી ગઈ હોય છે. બીજી વાત, રૅશનાલિસ્ટ તરીકે ટકી રહેવું પણ મુશ્કેલ હોય છેી બહુ સહેલું કામ નથી. મોટા ભાગે આપણે રિફૉર્મિસ્ટ જ બની રહીએ છીએ. વળી રૅશનાલિઝમ્ને એથીઝમ પણ માની લેતા હોઈએ છીએ. આ પણ ભૂલ છે. પરંતુ બસ આતલું કરી શકીએઃએકબીજા વિશે તટસ્થ ભાવે જરૂર જાણી શકીએ અને સદ્‍ભાવ ફેલાવી શકીએ. મારો એવો જ પ્રયત્ન રહ્યો છે. આ જ બ્લૉગ પર ‘ગરીબોનો બેલી ઈસુ’ લેખ વાંચવા પણ વિનંતિ કરૂં છું.

 4. Yes, I liked the article by Shreemaan Deepak Dholakia.

  Thanks a lot Deepak Saheb.

  આજે રવિવાર ૫ ફેબ્રુઆરીના દિવસે જગતભરના મુસ્લીમો તેમના અંતિમ પયગંબર સાહેબનો જન્મદિન ઉજવી રહ્યા છે. તેમાં કરોડો ધર્મ ઝનુનીઓ તમાશા, ખેલકુદ અને ધમાલના વતાવરણમાં પયગંબર સાહેબના મુળભુત સંદેશાને ભુલીને, દરિદ્ર તથા ભુખ્યાઓને ભુલીને, તથા કરોડો રૂપિયાનું આંધણ કરીને, મોટા મોટા જુલુસો કાઢીને ખેલકુદ અને તમાશાનું વાતાવરણ પેદા કરી રહ્યા છે.

  તે ઉપરાંત શ્રીમાન દીપક ઢોલકીયાએ એ સત્ય લખેલ છે કે કુરાન મજીદ ના પ્રકરણ ૩ ના શ્લોક ૭ ના અર્થ નો અનર્થ કરીને અંધ્ધશ્રધાળુઓ પયગંબર સાહેબના જન્મદિન પ્રસંગે લાંબા લાંબા જુલૂસો કાઢીને કરોડો રૂપીયાનું આંધણ કરી નાખે છે. આ નાણુ જો દરિદ્રો તથ ભુખ્યાઓ પાછળ ખર્ચાય તો તેઓની આંતરડી ઠારી શકાય છે.

  આનુંજ નામ છે: “ધર્મના નામે ધતીંગ” તથા “ધર્મના નામ હેઠળ કરોડો રૂપિયાનું આંધણ”.
  Qasim Abbas
  ==========================================================

 5. ઈસ્લામ જે પયગંબરે ફેલાવ્યો, તે મૂળ તો આરબોમાં પરિવર્તન લાવવા માટે હતો. તેમની સામાજીક રૂઢીઓ બદલવા અને સમાજ પરિવર્તન કરવા માટે, તથા તે આરબોને પાછા ‘ધર્મ’ના માર્ગે ચઢાવવા માટે. પણ આજે મોટા ભાગના પોતાને મુસલમાન કહેવડાવતા, શુક્રવારની નમાઝ અચુક પઢતા, દૃઢ પણે રમઝાનના રોજા રાખતા, મુસલમાનો એ જ આરબોને મુસલમાન માનવાથી ઇન્કાર કરી દે છે. તમે કહ્યું તેમ..”કુરાનની આવી જ ‘અસ્પષ્ટ’ આયતોનું મનફાવતું અર્થઘટન કરીને ગુમરાહ કરનારા ધર્મગુરુઓ ઘણા છે.” અને તેમના સ્થાપેલા પંથો (હા, પંથ ફક્ત હિંદુ ધર્મમાં જ છે કે ગુરૂઓ અને સાધુઓ ફક્ત હિંદુઓને જ ગેરમાર્ગે દોરે છે એવું નથી) અને એવા મૌલવીઓ કે વક્તાઓ જ આજકાલ વધુ લોકપ્રિય બની રહ્યાં છે. અહીં લંડનમાં અનેક બાંગ્લાદેશી મુસલમાનો છે, જેમાંના થોડા-ઘણાની સાથે છેલ્લા ચારેક વર્ષથી કામ કરૂં છું. તેમની વાણી, વર્તન અને વિચારો મેં આ ચાર વર્ષમાં ઘણા બદલાતા જોયા છે. અને તેનું કારણ પણ ટીવી ચેનલો પર આવતા આવા કહેવાતા મૌલવીઓ અને ડોક્ટરોના ભ્રામક ભાષણો જ મહદંશે ભાગ ભજવે છે.

  1. તમારી વાત સાચી છે. આમ તો બાંગ્લાદેશીઓ સામાન્ય રીતે ઉદારમતવાદી હોય છે, પણ સૌનાં મનમાં વહાબીઓ ઝેર રેડે છે. કર્મકાંડની નજરે ઇસ્લામ બહુ સરળ ધર્મ છે, પણ એવું સરળ હોય તો ધર્મને નામે દુકાન ચલાવનારાઓ અને કત્લેઆમ કરાવનારાઓનું શું થાય? આ જ કારણે ભ્રમ ફેલાવનારા બધા પ્રયત્ન કરે છે અને એમાં ધાર્મિક લાગણીઓ ભડકાવવાનું એટલું બધું સહેલું છે કે એનો સૌથી પહેલાં ઉપયોગ થાય છે. આજે યુરોપમાં મુસલમાનો વિરુદ્ધ, અને મુસલમાનોમાં ‘શેતાની સામ્રાજ્ય’ વિરુદ્ધ જે વાતાવરણ છે તેને કારણે સ્થિતિ બગડવાના સંકેત વધારે છે.

 6. Business thy name is the religion. This is every where in all religions without any exception. Who is to be blamed? The Godmen, Mullahs, Pastors, Evangelists? Or the followers? We can understand if the followers are uneducated, unintelligent but we see doctors, professors, engineers, teachers, politicians, businessmen and so on and so forth. I think the followers are to be blamed more for this phenomena. If the people stop following these ‘Pakhandis’ they will close down their shops, right? We have to educate the people. No point in fighting these God men and their ‘Chamchas.’

 7. ભાઈ શ્રી દીપકભાઈ,
  સુંદર લખાણ છે. ભાઈ ફિરોઝભાઈ ખાન ના પ્રતીઉત્ત્રર નીચે કોપી કરેલ વિચારો સાથે હું ઘણો સંમત છું.

  “વળી રૅશનાલિઝમ્ને એથીઝમ પણ માની લેતા હોઈએ છીએ. આ પણ ભૂલ છે. પરંતુ બસ આતલું કરી શકીએઃ એકબીજા વિશે તટસ્થ ભાવે જરૂર જાણી શકીએ અને સદ્‍ભાવ ફેલાવી શકીએ. મારો એવો જ પ્રયત્ન રહ્યો છે. આ જ બ્લૉગ પર ‘ગરીબોનો બેલી ઈસુ’ લેખ વાંચવા પણ વિનંતિ કરૂં છું.”

  1. Dear Nir bhai,
   Thanks for your agreement with my views.
   I fully agree with you. I don’t know about others but my frank opinion is that people like us live in two extremes. Very few chose the essential middle path which is I think is the real forte of the life. Dipak bhai id doing very commendable work. Hats off to him.

   1. ફિરોઝભાઈ, આભાર. એક જૈન ધર્મ અને જિસસના સમયના ફારિઝીઓને છોડી દો તો બધા જ ધર્મો આચારમાં મધ્યમમાર્ગી છે. કારણ કે જીવનની એ જ આવશ્યકતા છે. ગૌતમ બુદ્ધનું તો કેવળ જ્ઞાન જ એ હતું કે મધ્યમ માર્ગ સાચો છે. સામાન્ય માણસ એક્સ્ટ્રીમ પર જઈને જીવી ન શકે. એવરેસ્ટ પર ચડવાના તો ઘણા દાખલા છે પણ રહેવાના એક પણ દાખલા નથી. આમ માણસ એકાદ વાર એક્સ્ટ્રીમ આચાર પ્રમાણે કરી શકે. આ મધ્યમ માર્ગ આપણને મતભેદો કરતાં સમાનતા પર ધ્યાન આપવા શીખવે છે. આપણી સૌથી મહત્વની સમાનતા એ છે કે આપણે સૌ ઇન્સાન છીએ.

 8. 96:1 Proclaim! (or read!) in the name of thy Lord and Cherisher, Who created-
  Iqra/ bi-ismi rabbika allathee khalaqa

  96:2 Created man, out of a (mere) clot of congealed blood:
  Khalaqa al-insana min AAalaqin

  96:3 Proclaim! And thy Lord is Most Bountiful,-
  Iqra/ warabbuka al-akramu

  96:4 He Who taught (the use of) the pen,-
  Allathee AAallama bialqalami

  96:5 Taught man that which he knew not.
  AAallama al-insana ma lamyaAAlam

  ” કુરાનનો પહેલો જ શબ્દ છેઃ “વાંચ…” આજે મુસલમાન ‘વાંચવામાં” સૌથી પાછળ છે! ”

  બેશક …આ અમારી સૌથી મોટી કમનસીબી છે…ખુબ જ સુંદર લેખ….અભિનંદન.

 9. very balance thoughts.

  more about………….
  http://hindurashtra.wordpress.com/
  http://www.islamreview.com/faq.htm

  (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

 10. તમારી જાણકારી પ્રમાણે –સમજાવવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.સીરત એટલે નબવી જીવન. પયગંબર મુહમ્મદ(સલ.)ના જીવન પર દુનિયાની તમામ ભાષાઓમાં અસંખ્ય પુસ્તકો લખાયા છે.ગુજરાતીમાં મૌલાના હથુરણીનું દળદાર સુંદર પુસ્તક છે.અરબી,ફારસી,ઉર્દૂમાં તો એના પર આખી ને આખી લાઇબ્રેરીઓ છે.
  ઇસ્લામમાં પાદરી શાહી કે મનુવાદ નથી.ગમે તે વ્યક્તિ કુરાન,હદીસ, સીરત અને ઇતિહાસ ભણી શકે,ભણાવી શકે.
  ઇસ્લામની સ્થાપના પયગંબર મુહમ્મદ(સલ.)સાહેબી કરી નથી.એનો ઉદય સામન્ય રીતે લોકો માને છે એમ,ચૌદસો વર્ષ પૂર્વે નહીં,બલકે આદિ કાળમાં પ્રથમ પયગંબર હઝરત આદમ(અલૈ.)ના આગમન સાથે થયો હતો.જ્યારે ચૌદસો વર્ષ પૂર્વે તો એનો અભ્યુદય થયો હતો,અંતિમ નબી હઝરત મુહમ્મદ(સ.અ.વ.)ના મુબારક હસ્તે.
  હઝરત આદમ(અ.સ.)અને હઝરત મુહમ્મદ(સલ.)ના વચ્ચે ના ગાળામાં આ બન્ને નબી સાથે એક લખ ચોવીસ હજાર નબીઓ આવ્યા છે.
  જે ઇબાદતો(પ્રાથનાઓ) પહેલાં પણ ફર્જ હતી એને ત્યજવામાં આવી નથી.પરંતુ એમાં સમયાંતરે જે ખોટા રિવાજો અને ખોટી પ્રણાલિકાઓ ભેળવી દેવામાં આવી હતી તેને તિલાંજલી આપી ખાલિસ તૌહીદ(એકેશ્વરવાદ)ની તાલીમ કુરાને આપી છે.
  ઉર્દૂ જાણનારાઓ માટે અલ્લામા શિબ્લી નોમાની,અને સૈયદ સુલેમાન નદવીનુપુસ્તક ‘સીરતુન્નબી’ઇસ્લામ અને નબવી જીવનનો એક એન્સાઈકલોપિડિયા છે.7 જિલ્દો(ખંડો)માં હજારો પૃષ્ઠોમાં એનું વિવરણ છે..
  ઘણી મહેનતથી આપે લેખ લખ્યો તે બદલ આભારની લગણી વ્યકત કરૂં છું.
  –મુહમ્મદઅલી વફા
  http://www.bazmewafa.worspress.com
  http://www.arzewafa.wordpress.com
  http://www.bagewafa.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: