Eid-e-milad-un-nabi

ઈદે મિલાદઃ મહંમદ પયગંબરનો જન્મદિન અને એમનો સંદેશ.

માત્ર સંદેશવાહક
આજે ઇદ-એ-મિલાદ-ઉન-નબી એટલે કે ઇસ્લામના સ્થાપક પયગંબર મહંમદનો જન્મદિન અને પુણ્યતિથિ. ઇ.સ. ૫૭૦ની ૨૬મી એપ્રિલે એમનો જન્મ થયો અને ઇ.સ.૬૩૨માં એમનો જન્મદિન આવ્યો તે જ દિવસે એમનું અવસાન થયું. જો કે ઈદ-એ-મિલાદ હીજરી સન પ્રમાણે મનાવાય છે અને એ ૩૫૪ દિવસનું ચાન્દ્ર વર્ષ છે. એમાં પુરુષોત્તમ માસ જેવી દિવસો જોડવાની વ્યવસ્થા પણ નથી એટલે મુસ્લિમ તહેવારો દર વર્ષે ૧૨ દિવસ વહેલા આવતા હોય છે. અલ્લાહના રસૂલે (સંદેશવાહકે) છેલ્લા શ્વાસ છોડ્યા ત્યારે એમના નજીકના સાથી અને સસરા અબૂ બક્રે બહાર આવીને જાહેરાત કરી કે “તમે મહંમદની ભક્તિ કરતા હો, તો મહંમદનું મૃત્યુ થઈ ગયું છે; તમે અલ્લાહની ભક્તિ કરતા હો તો અલ્લાહ જીવે છે અને કદી મરશે નહીં”. આ એક એવા ધર્મનો જુસ્સો હતો જે વ્યક્તિનિષ્ઠ નહોતો. એ જ પયગંબરનો જીવનસંદેશ હતો અને અબુ બક્રના શબ્દોમાં એ જ ભાવના વ્યક્ત થતી હતી. મહંમદ માત્ર સંદેશવાહક હતા, સંદેશ મળે, એટલે કે આયત ઊતરે તે સિવાય સામાન્ય માણસ હતા. આવી અલ્લાહે મોકલેલી આયતોનું સંકલન એટલે કુરાન.

પયગંબર મહંમદનો જન્મ મક્કાની સાધનસંપન્ન કુરેશ જાતિમાં થયો હતો. દુનિયાના દેશો સાથે અરબસ્તાનના વેપાર પર કુરેશોનું વર્ચસ્વ હતું. આરબો ઊંટોની વણઝાર લઈને માલ વેચવા જતા. એક દેશમાંથી માલ ખરીદીને બીજા દેશમાં વેચતા. મક્કા વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. આ નાનો પ્રદેશ એક બાજુથી ઇરાનના સસાનિયન સામ્રાજ્ય અને બીજી બાજુથી બાઇઝેન્ટાઇન એટલે કે રોમન સામ્રાજ્યની વચ્ચે સપડાયેલો હતો. જો કે બન્ને સામ્રાજ્યોની નજર એના પર પડી નહોતી એટલે એ વત્તેઓછે અંશે સ્વાધીન પ્રદેશ હતો, એની ઘટનાઓની કોઈ અસર આ બન્ને સામ્રાજ્યો પર નહોતી પડતી. મક્કાના આરબો આમ શાંતિથી વેપાર કરતા પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ એમનું કશું જ મૌલિક નહોતું. બધું યહુદીઓનું હતું. એમાં કબીલાઈ માન્યતાઓ પણ ભળેલી હતી. એક બાજુ રણમાં ભટકતા બેડુઈન આરબો અને બીજી બાજુ મક્કાના શ્રીમંત વેપારી આરબો. એ દરેક પાસે એટલું ધન હતું કે એક નાનું લશ્કર તો એકાદ કુટુંબ નિભાવી શકે! આમ છતાં આરબો વેરવીખેર હતા. એમનામાં સંપ નહોતો. છોકરીઓને દૂધપીતી કરી નાખવાનું પ્રમાણ તો એટલું બધું હતું કે એ રિવાજ બની ગયું હતું. છોકરીને જીવતી રાખવી એ નાનપની વાત મનાતી. પંડિત સુખલાલજીનું એક નાનું પુસ્તક યાદ આવે છે. એમણે લખ્યું છે કે ઉંમર નામનો એક માણસ પોતાની દીકરીને જીવતી દફનાવતો હતો ત્યારે એની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. વર્તમાન સ્થિતિનો આ મૂક વિરોધ હતો અને એ જ ક્ષણ ઇસ્લામની આવશ્યકતાની માગણીનું પ્રતીક હતી.

આરબોની સ્થિતિ પર ઊડતી નજર
અહીં ઇસ્લામના આખા ઇતિહાસમાં જવાનો વિચાર નથી, માત્ર એટલું વિચારીએ કે એમણે આરબ સમાજમાં શું ફેરફાર કર્યા કે તે પછી આરબો આખી દુનિયામાં ફેલાઈ ગયા? આજે પણ ઇસ્લામથી પહેલાંની કેટલીક પ્રથાઓ મુસલમાનોમાં પ્રચલિત છે. પયગંબરસાહેબે એમાં કઈં જ ફેરફાર ન કર્યા. આજે પણ ઇસ્લામમાં કાબાનું મહત્વ છે તે પયગંબરના સમયમાં પણ હતું. હજની પરંપરા પણ પયગંબરે શરૂ નથી કરી. ઇસ્લામના પવિત્ર રોઝા એમના વખતમાં પણ હતા જ. ખાનપાનના રિવાજો પણ લગભગ યહુદીઓ જેવા જ છે.

અલ્લાહ અને ગીતા
મહંમદસાહેબે તો પોતે નવો ધર્મ સ્થાપે છે, એમ પણ નથી કહ્યું. એમણે એટલું જ કહ્યું છે કે એમણે પરાપૂર્વથી ચાલ્યો આવતો ધર્મ વિકૃત થઈ ગયો હતો તેની પુનઃપ્રતિષ્ઠા કરી છે. એમણે આરબોના વહેમો, જરીપુરાણા રિવાજો અને માણસને માણસથી દૂર રાખતાં તત્વો દૂર કર્યાં. બધાને સમાન બનાવવા એમણે એક અલ્લાહની ઘોષણા કરી. મૌલાના અબૂલ કલામ આઝાદ આ ‘અલ્લાહ’ શબ્દ બહુ સરસ રીતે સમજાવે છે, એનો અર્થ સમજતાં ગીતા યાદ આવી જશે. ‘અલ’ અંગેજીના ‘ધી’ જેવો આર્ટીકલ છે અને ‘લાહ’ એટલે આશ્ચર્ય. ગીતામાં પણ કહે છે કે કોઈ ‘એને’ આશ્ચર્ય તરીકે જુએ છે, તો કોઈ ‘એને’ આશ્ચર્ય તરીકે સાંભળે છે!

નવી અસ્મિતા
એક અલ્લાહના જયઘોષ સાથે એમણે આરબોને નવી અસ્મિતા આપી અને આ નવી અસ્મિતાને આકાર આપવા માટે એમણે બસ એક જ મહત્વનો આદેશ આપ્યો, આરબો પહેલાં ઇઝરાયેલમાં આવેલી અલ અક્સા મસ્જિદ તરફ વળીને પ્રાર્થના કરતા હતા. રસૂલ-અલ્લાહે એમને પશ્ચિમમાં કાબા તરફ મોઢું કરીને પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો. આ એક આદેશે સૌને સમાન બનાવી દીધા. પરંતુ આ સમય તો એમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં આવ્યો. ઉંમરના ત્રેપનમા વર્ષે તો ઇ.સ.૬૨૨માં એમને મક્કા છોડીને જવું પડ્યું હતું. તે પછી તેઓ પાછા આવ્યા, કુરેશોને પરાજિત કર્યા, કાબામાંથી કબીલાઓની મૂર્તિઓ હટાવી અને બધાએ ઇસ્લામ કબૂલ કર્યો તે પછી!

ઇસ્લામનો ઇતિહાસ વાંચવા જેવો છે. યુરોપ જ્યારે યુરોપ તરીકે ઓળખાતું નહોતું ત્યારે આરબો ત્યાં પહોંચી ગયા અને સ્થાનિકના રાજાઓ પર વિજય મેળવ્યો. સ્પેનમાં તો એમણે સદીઓ સુધી રાજ કર્યું પયગંબરની એક હદીસ (જીવનઘટના) છે, એમાં એમણે કહ્યું છે કે ‘જ્ઞાનની શોધમાં ચીન સુધી જાઓ.” એ વખતે આરબો માટે ચીન ખરેખર દૂરનો દેશ હતો. પણ આરબોએ ઇસ્લામનાં પહેલાં બસ્સો વર્ષમાં જ્યાં શાસન કર્યું ત્યાં જાણે આ હદીસ યાદ રાખી. આજે આપણે સોક્રેટિસ વિશે જે કઈં જાણીએ છીએ તે આરબોને કારણે જ. ઇસ્લામથી પહેલાંના આરબો માત્ર વેપાર કરતા હતા પણ ઇસ્લામ પછીના આરબો સંસ્કૃતિઓનાં આદાનપ્રદાનમાં પણ આગળ રહ્યા. ભારતીય દર્શન અને ગણિતમાં ‘શૂન્ય’ને યુરોપ સુધી લઈ જનારા આરબો જ હતા.

ઇસ્લામમાં વૈવિધ્ય
એક અલ્લાહ, એક (અને આખરી) પયગંબર મહંમદ- આ એમની મૂળભૂત શરત. પરંતુ એમ ન માનવું જોઈએ કે એમાં જુદા જુદા પંથો નથી, ઇસ્લામના ઇતિહાસમાં ‘મુતઝિલા’ (ઉચ્ચારઃ ‘ત’ ખોડો નથી)) નામનું આંદોલન પણ હતું જેમાં યુરોપના તર્ક-આધારિત રૅશનાલિઝમનાં બીજ રહેલાં છે. આજે વહાબી ઇસ્લામ દુનિયામાં આતંકવાદનું બીજું નામ બની ચૂક્યો છે, તો ભારતમાં તો સૂફી ઇસ્લામનું જોર રહ્યું. હિન્દુ સમાજ તો આમ પણ સૌને સ્વીકારનારો રહ્યો. એટલે સૂ્ફી ઇસ્લામને અહીં પણ આવકાર મળ્યો. અહીં જે મઝારો પર જે ભીડ જોવા મળે છે તે ઇસ્લામનું ભારતીય રૂપ છે. વહાબી કટ્ટરતાનો છોડ અહીં ન ફાલ્યો. આમ કોઈ પણ ધર્મની જેમ ઇસ્લામમાં પણ ઘણા ફાંટા છે, એમના છ જુદાજુદા ભાષ્યકારો (મનુ જેવા) છે, જે પ્રથાઓ ભારતીય મુસલમાનોની છે તે જ મલેશિયા કે ઇંડોનેશિયાના કે આફ્રિકાના મુસલમાનોની નથી.

પયગંબર નહીં આવે, જાતે માર્ગ શોધો
પયગંબરસાહેબે મૃત્યુ પહેલાં જે સંદેશ આપ્યો તેમાં કહે છે કે હવે એમનો ધર્મ પરિપૂર્ણ બની ગયો છે.અને હવે કોઈ સંદેશવાહક નહીં આવે. આમ હવે કોઈ ઉદ્ધારક નથી આવવાનો એની ચેતવણી એમણે મુસલમાનોને આપી જ દીધી છે. આનો એક જ તર્કસંગત અર્થ છે કે હવે દુનિયા બહેતર બને એની જવાબદારી એમણે વ્યક્તિગત રીતે દરેક મુસલમાન પર નાખી છે. (આ સંદેશ તો સૌ કોઈને માટે છે કે હવે કોઇ અવતાર પેદા નથી થવાનો).
આજે મુસલમાનોની સ્થિતિ
પરંતુ મુસલમાનોની સ્થિતિ શી છે? આજના દિવસે એમની ખાસ જવાબદારી વિશે તેઓ વિચારે એ જરૂરી છે. એક વખતનો જ્ઞાનની પાછળ જનારો ધર્મ આજે ક્યાં છે? અજ્ઞાન અને નિરક્ષરતામાંથી એમણે બહાર આવવાનું છે. ઇસ્લામનાં પહેલાં બસ્સો વર્ષની જ્ઞાનખોજના માર્ગે એમણે જાતે જ નીકળવું પડશે. કુરાનનો પહેલો જ શબ્દ છેઃ “વાંચ…” આજે મુસલમાન ‘વાંચવામાં” સૌથી પાછળ છે!

ધર્મ એટલે મૂલ્યો. મૂલ્યો શાશ્વત હોઈ શકે છે પરંતુ એનો આ ગુણ સમય સાથે કદમ મેળવીએ તો જ ટકે, નહીંતર ગ્રંથોમાં જ કેદ થઈને રહી જાય. ખાલી ગર્વ કરતા રહીએ કે મારો ધર્મ સૌથી સારો, એમાં કઈં ન વળે. ઈશ્વરી સંદેશવાહક ન આવવાનો હોય તો પાછળ રહેલા લોકોની જવાબદારી વધી જાય છે અને કુરાન શરીફે આનો રસ્તો દેખાડ્યો છે. સુરા ૩ની સાતમી આયતમાં જે સંદેશ વ્યક્ત થયો છે તે લોકશાહી અને મુક્ત ચિંતનનો સંદેશ છે, જે સૌને ઉપયોગી થાય એમ છે પરંતુ દ્વિધા અનુભવતા મુસલમાન ભાઇબહેનો માટે તો એ કાર્ય અને વિચારની સ્વતંત્રતાની આયત છે. ઇસ્લામમાં પુરોહિત વર્ગનું સ્થાન નથી, કારણ કે મહંમદ આખરી પયગંબર છે, બાકી માર્ગદર્શન માટે કુરાન છે. તમે જાતે જ વાંચોઃ ” આ પુસ્તક મોકલનાર એ (અલ્લાહ) જ છે… એમાં એવી આયતો છે જે મૂળભૂત છે, જેનો અર્થ સ્પષ્ટ છે..એ જ આ કિતાબનો પાયો છે… બીજી એવી આયતો છે જેનો અર્થ બહુ સ્પષ્ટ નથી… પણ જેનાં હૃદયમાં વિકૃતિઓ છે તેઓ એના પ્રમાણે ચાલે છે અને વિખવાદ ફેલાવવાની અને એનું અર્થઘટન કરવાની કોશિશ કરે છે… પણ અલ્લાહ સિવાય એનો સ્પષ્ટ અર્થ કોઈ જાણતું નથી. જેમનો પાકો આધાર જ્ઞાનમાં છે તેઓ કહે છે કે “અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે એ બધું અલ્લાહે મોકલ્યું છે.અને જે સમજદાર છે તેના સિવાય કોઈ એનો અર્થ નહીં સમજે.”.
કુરાનની આવી જ ‘અસ્પષ્ટ’ આયતોનું મનફાવતું અર્થઘટન કરીને ગુમરાહ કરનારા ધર્મગુરુઓ ઘણા છે. મુસ્લિમ ભાઈબહેનો મૂલ્યોનું જતન કરવાની સાથે આજના જમાના સાથે તાલ મેળવીને એક સર્વજનહિતકારી સમાજના નિર્માણ માટેની ‘જેહાદ’ જગવવામાં આગળ આવે એવી શુભેચ્છાઓ.

%d bloggers like this: