Gandhiji, Gujarat ane Goojarat!

આજે 30મી જાન્યુઆરી. મહાત્મા ગાંધીની ૬૧મી સંવત્સરી. એમને જુદી જુદી રીતે પાત્ર-અપાત્ર લોકો અજલીઓ આપશે. આજે આપણે એમને જુદી રીતે યાદ કરીએ. શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે હવે એમના લોકપ્રિય બ્લૉગ ’Net-ગુર્જરી’ પર લખવાનું બંધ કરવાની જાહેરાત કરી છે, હકીકતમાં શ્રી જુગલભાઈ નિર્બંધ થયા છે અને એ રીતે વધારે વ્યાપક બન્યા છે. એમણે બ્લૉગર મિત્રોનાં હોમ પેજ સુધારવામાં મદદ કરી છે, પરંતુ સંપૂર્ણ લેખ કદાચ આ પહેલી વાર જ પ્રસિદ્ધ થાય છે. આ માટે ’મારી બારી’ ને એમણે પસંદ કરી તેને હુમ મારૂં સન્માન ગણું છું. અહીં એમણે ગાંધીજીના આશીર્વાદ સાથે શરૂ થયેલી જોડણીને સ્થાયિત્વ આપવાની પ્રક્રિયાની સાર્થ જોડણીકોશમાં જ શી વલે થઈ છે તે દેખાડ્યું છે. ગાંધીજી ૧૨૫ વર્ષ જીવવા માગતા હતા, એ્ટલે કે ૧૯૯૪ સુધી તો આપણી વચ્ચે રહ્યા હોત. આપણી જોડણી અને એના ’નિયંત્રકો;ની અરાજકતા વિશે એમનો મત શો હોત તે તો માત્ર હવે કલ્પનાનો વિષય છે…પરંતુ કઈંક જવાબ જેવું કદાચ આ લેખમાંથી મળી શકે ખરૂં. તો વાંચો આગળ.

“સાર્થ ગૂજરાતી જોડણીકોશ”માં ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’ શબ્દો !
લેખક શ્રી જુગલકિશોર વ્યાસ
ગાંધીજીએ બળબળતા શબ્દોમાં ગુજરાતી ભાષાના ગૌરવ માટે લખ્યું છે એટલું જ નહીં પણ આઝાદીની ચળવળના કટોકટીના કાળમાં હજાર કામોની વચ્ચે આ કામને મહત્ત્વ આપીને તાકીદે એના માટે વ્યવસ્થા કરી હતી.
આ વાતને અનુસરીને જોડણીકોશ તૈયાર થયો એટલું જ નહીં પણ હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવી નહીં એવા ગાંધીજીના શબ્દો કદાચ સંદર્ભથી સહેજ અલગ કરીને પણ આદેશાત્મક બનાવી કોશના પહેલા પાને મુકાયા.
એ જ ગાંધીબાપુનાં લખાણોની જોડણી બદલીને કોશની છેલ્લી આવૃત્તીમાં ગુજરાત–ગુજરાતી શબ્દોને ગૂજરાત અને ગૂજરાતી એમ બન્ને રીતે છાપવામાં આવ્યા છે !! ગાંધીજીના ખુદના લખાણોને પણ પ્રુફ રીડીંગ વખતે તપાસાયાં જણાતાં નથી.
જોડણીકોશમાં ‘ગુજરાત’ શબ્દને વિકલ્પ આપીને ગૂજરાત લખવાની છુટ મુકાઈ છે તે જાણીતી વાત છે પણ ‘ગુજરાતી’ શબ્દ અંગે સ્પષ્ટતા નથી તેની નોંધ લઈને કેટલીક રજુઆત કરું છું.
ગુજરાત અને ગુજરાતી શબ્દોને આ કોશની છેલ્લી પાંચમી આવૃત્તીના આઠમાં મુદ્રણ ( ઓક્ટોબર, ૨૦૦૮)માં જુદીજુદી રીતે વારંવાર શી રીતે છાપ્યા છે તે જોઈએ.
કોશનું મુળ નામ અને તેની અલગ રીતે રજુઆતો
· સાર્થ જોડણીકોશનું મુળ નામ આ છેલ્લી આવૃત્તીમાં “સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પુરવણી સહિત)” એવું અપાયું છે. દેખીતી રીતે જ આમાં જોડણીકોશને ગૂજરાતી કોશ કહીને અન્ય ભાષાઓનો તે નથી તે સ્પષ્ટ કરાયું છે. અને તેથી જ મુખપૃષ્ઠ પર અને પછીના બીજા જ પાને તે મુજબ જ નામ છપાયું છે.
· પરંતુ કોશના પ્રથમ પ્રકરણ કે જ્યાંથી શબ્દો–અર્થો શરુ થાય છે તે પાના નં. ૪૯ પર “સાર્થ ગુજરાતી જોડણીકોશ” લખીને ગૂજરાતનું ‘ગુજરાત’ કરાયું છે !
· મજાની વાત એ છે કે, આ આવૃત્તીમાં મુકાયેલી પાંચેય પ્રસ્તાવનાઓમાં ક્યાંય આ મુળ નામ (“સાર્થ ગૂજરાતી જોડણીકોશ”) પુરેપુરુ યથાવત રખાયું નથી ! દરેક જગ્યાએ “સાર્થ જોડણીકોશ” એમ જ કહેવાયું છે.
· આ અંગેનો એક માત્ર અપવાદ શ્રી કેશવ હર્ષદ ધ્રુવનો છે જેમણે પોતાને મળેલી બીજી આવૃત્તીની નકલના સ્વીકાર–સંદેશામાં પાન નં. ૨૯ પર આ નામ આખેઆખું અને મુળ જોડણી મુજબનું લખ્યું છે !!
કોશ–નામમાં વપરાયેલા ‘ગુજરાતી’ શબ્દની અલગ રજુઆતો !
૧) મુખપૃષ્ઠ પર ગૂજરાતી; બીજે પાને ગૂજરાતી અને કોશના પ્રથમ પ્રકરણમાં શીર્ષકે ગુજરાતી !
૨) કુલનાયકશ્રીના પ્રથમ નીવેદનમાં ગૂજરાતી;
૩) કુલનાયકશ્રીના બીજા નીવેદનમાં ગુજરાતી;
૪) પ્રકાશકના નીવેદનમાં ક્યાંય કોશનું મુળ નામ નથી ફક્ત “સાર્થ જોડણીકોશ” છે જેમાં પણ ગુજરાતી છે.
ગુજરાત, ગુજરાતી લોકો અને ગુજરાતી ભાષા માટે વપરાયેલી અલગ જોડણી
ઉપર જોયું તેમ ગુજ. ભાષા માટે જેવું છે તેવું જ ગુજરાત અને ગુજરાતી (લોકો) માટે થયું છે. જેમ કે,
૧) ગાંધીજીએ દરેક જગ્યાએ ગૂજરાતી એમ જ જોડણી કરી છે. (છતાં પ્રસ્તુત આવૃત્તીની પ્રસ્તાવનાઓમાં આગળ આરંભે મેં જણાવ્યા મુજબ ગાંધીજીના લખાણોમાં ક્યાંક ગુજરાતી છપાયું છે !!)
૨) પ્રથમ આવૃત્તીના કાકાસાહેબે લખેલા નીવેદનમાં ગુજરાતી છે;
૩) બીજી આવૃત્તીના શ્રી કાકાસાહેબના ખુદના જ નીવેદનમાં ગૂજરાતી ભાષા અને ગૂજરાતી લોકો એમ જોડણી કરાઈ (કે છપાઈ) છે !!
૪) ત્યાર બાદની ત્રીજી, ચોથી, પાંચમી એમ બધી જ આવૃત્તીઓની પ્રસ્તાવનાઓમાં શ્રી મ. પ્ર. દેસાઈએ ‘ગુજરાતી’ જોડણી કરી છે.
૫) પૃષ્ઠ ૩૯ અને ૪૦ ઉપર પાંચમી આવૃત્તીના નીવેદનમાં ગાંધીજીના લખેલા ફકરા છે તેમાં પણ ‘ગુજરાતી’ જોડણી કરાઈ છે;
૬) ગાંધીજીના પોતાના પત્રને “જેમનો તેમ” મુકાયો છે ત્યાં પણ પૃષ્ઠ ૧૫ ઉપર એક જગ્યાએ ‘ગુજરાતી’ જોડણી છે;
આ ઉપરાંત શ્રી અને શ્રી. અંગે પણ કેટલીક વીગતો મળી છે જેને અંગે હવે પછી. xxx

15 thoughts on “Gandhiji, Gujarat ane Goojarat!”

 1. વહાલા દીપકભાઈ,
  ‘નેટ ગુર્જરી’ પરથી ભાઈ જુગલકીશોરનો આ લેખ ‘મારી બારી’માં મુકી તમે એક બહુ જ સારું કામ કર્યુ.
  જુ.ભાઈને એમની ખાંખત અને મુદ્દાને તપાસવાની ઉંડી સુઝ બદલ ધન્યવાદ..
  ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’નું પુરવણી સહીતનું સાતમું પુનર્મુદ્રણ મે ૨૦૦૬માં થયું છે. તેની ૩૦૦૦ નકલો થઈ છે. તેની કિમ્મત રુપીયા ૨૫૦ છે. તેમાં ૪૮ પાનાં પ્રસ્તાવનાઓનાં છે ને મુખ્ય કોશનાં પાનાં ૧૦૨૪ છે. આમ, એ ગ્રંથ ૧૦૭૨ પાનનો થયો છે.. અગાઉ ઓક્ટોબર ૨૦૦૫માં કુલ ૧૨૭ પાનની પુરવણી પ્રકાશીત થયેલી તેય આ ગ્રંથના છેવટને ભાગે અલાયદી ચોંટાડી છે.
  આ પુરવણી વીશે પણ કેટલાક વીદ્વાનોએ થોડીક વાતો લખી છે..તેમાં સાકરી–મહેસાણાના (હાલ કલોલ)ભાઈ શ્રી કિરીટ પરમારના બ્લોગ ‘સાદ કરે છે…’ http://kikasakari.blogspot.com પર, તા. 8 જુલાઈએ મુકાયેલો આ લેખ જોવા વીનંતી છે. આ લીંક પર ક્લીક કરવાથી તે તરત જડશે http://www.blogger.com/comment.g?blogID=1531869741518393264&postID=3340360849617690553

  પણ અત્યારે તો, માત્ર એક જ શબ્દ ‘ગુજરાત–ગુજરાતી અને ગૂજરાત–ગૂજરાતી’ને પકડી પ્રસ્તાવનાનાં ૪૮ પાન ચકાસી જવા અને તેમાં જણાતી વીસંગતી તરફ ધ્યાન દોરવું એ મોટું કામ જુ. ભાઈએ કરી આપ્યું.
  સમજી શકાય છે કે આમાં, જુ.ભાઈનો દોષદર્શન કરાવવાનો હેતુ ન જ હોય; પણ ગુજરાતી ભાષા માટે ‘ગીતા’ જેવા ગણાતા આ ગ્રંથમાં આવી વીસંગતી એ એનું નબળું પાસુ ગણાય. તે લાગણી હૃદયસ્થ કરી હવે સંભળાય છે કે નવી સંશોધીત આવૃત્તી તૈયાર થઈ રહી છે ત્યારે આ વીસંગતી પણ સરખી થઈ જાય એ જ એમનો ઉદ્દેશ હોય..
  ફરી ધન્યવાદ.. ઉ.મ.. uttamgajjar@gmail.com

  1. શ્રી ઉત્તમભાઈ,
   બન્ને લિંક પરના લેખો સારા છે. આપણે ત્યાં જોડણીકોશ બન્યા પહેલાં ભાષામાં ‘લોકશાહી’ હતી! તે પછી મઠશાહી શરૂ થઈ!

 2. બહુ વિસ્તારથી અભ્યાસ કરીને લેખ લખ્યો છે તે સ્પષ્ટ જણાય છે. આડવાત કરું તો ગૂજરાત શબ્દ હવે કોઈ જ વપરાતું નથી. લેખ પર થી લાગે છે કે ગાંધીજીના સમયમાં પણ આ જોડણી કીન ખાસ પ્રચલિત નહોતી. એવું તો નથી કે ગાંધીજીનું માન રાખવા ગાંધીજીને પસંદ તેવી જોડણીને કોશકારોએ અમસ્તી જ સમાવી હોય?

  Paresh R. Vaidya

  1. ગાંધીજીનું નામ આજે પણ એટલું બધું પ્રભાવશાળી છે કે એમના નામે બધું થઈ શકે. ગાંધીજી ખોટી જોડણી લખતા હોય તો વિદ્વાનોની ફરજ એમની ભૂલ સુધારવાની હતી. મને લાગે છે કે ‘દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગૂજરાત” સિવાય ક્યાંય પણ ‘ગૂજરાત’ ઉચ્ચાર બોલવામાં નથી થતો – અને કવિઓને છૂટ છે૧

  2. “જોડણીના નિયમો” માં નીયમ ૨૩મો કહે છે, ‘ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા૦ ભુલામણું, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો,ટિટિયારો.
   વિકલ્પ – ગુજરાત–ગૂજરાત
   નોંધ ૧ આ જાતના શબ્દો સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા૦ ભૂલથાપ, બીજવર, હીણકમાઉ, પ્રાણીવિદ્યા, સ્વામીદ્રોહ, મીઠાબોલું.
   નોંધ ૨ કૂદાકૂદ, બૂમાબૂમ, ભુલભુલામણી એવા દ્વિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી.

   અહીં જુઓ કે નવું શીખતા વીદ્યાર્થીને કે સામાન્ય લખાણો કરનારને પહેલાં તો સમાસ કોને કહેવાય તેની જ ખબર ન હોય એટલે કયા શબ્દોમાં દીર્ઘ કરવો તે ક્યાં તપાસવા જાય ? વળી દ્વિર્ભાવ પામતા એટલે શું ? તેય સમજ ન હોય તેથી એવા બેવડાતા ચાર અક્ષરોના શબ્દોમાં શું કરવું તે શી રીતે ખબર પડે ??

   ગુજરાતનું ગૂજરાત કરવાની છુટ આપ્યા પછી એ છુટ વીદ્યાપીઠે લીધી છે અને સંસ્થાનું નામ “ગૂજરાત વિદ્યાપીઠ” એમ લખાય છે.

   કોશના નીયમોમાં અપવાદો એટલા બધા છે કે છેવટે તો દરેક શબ્દ માટે ખીસ્સાકોશ રાખવો પડે અને એનો એક અર્થ એ થયો કે અંગ્રેજીની જેમ જ , ફરી વાર, અંગ્રેજીની જેમ જ દરેક શબ્દને ગોખવો જ પડે. કોશમાં ગાંધીજીનું આદેશાત્મક વાક્ય મુકાયા પછી પણ લેખકો, પ્રકાશકો, છાપાં–સામયિકો (જેમાં ભાષા–સાહીત્યનું જ કામ કરતી સંસ્થાઓનાં સામયિકો પણ આવી જાય છે !!), સરકારી પરીપત્રો વગેરેમાં ક્યાંય કરતાં ક્યાંય નીયમો પળાતા નથી.

   ૩૩ નીયમોમાંનો પ્રથમ અને છેલ્લો નીયમ વાંચીને, કહો કે સમજીને, કોણ, કેવી રીતે ગુજરાતીને ૧૦૦% અપનાવી શકે ?

   સાર્થ જોડણીકોશ મુજબ શુદ્ધ ગુજરાતી નેટ ઉપર સૌ લખી શકે તેવી મહેચ્છા સાથે મેં આ ૩૩ નીયમોને ટાઈપ કરીને મુક્યા હતા.

   જોડણીના નીયમો માટે ક્લીક કરો –
   http://jjkishor.wordpress.com/2007/08/06/jodni-ange-9/
   http://jjkishor.wordpress.com/2007/08/08/jodani-ange-3/
   http://jjkishor.wordpress.com/2007/08/11/jodani-ange-2/
   http://jjkishor.wordpress.com/2007/08/13/jodani-ange/
   http://jjkishor.wordpress.com/2007/08/19/jodni-ange/
   http://jjkishor.wordpress.com/2007/08/24/jodniange/

 3. ગાંધીજી ખોટી જોડણી કરતા હોય તો એમની ભૂલ સુધારવાની વિદ્વાનોની સમિતિની ફરજ હતી! “દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગૂજરાત’ ગાઇએ ત્યારે એમાં દીર્ઘ ‘ગૂજરાત’ હોય એમ લાગે છે, પણ કવિઓ તો છૂટ લઈ શકે!

 4. Did Gandhi speak Gujarati or write in Gujarati to other regional freedom fighters?
  Where did Gandhi learn to write Gujarati or Hindi?Up to what Grade?
  How popular was Gujarati in those days?
  Did Gandhi ever insist teaching Gujarati to other state people?

  What Gandhi’j Gujarat is doing to promote Gujarati Lipi in Hindi States?

  What people should learn?Gandhi’s Gujarati or Nehru’s Hindi?

 5. ભાષામાં જોડણીની શુધ્ધિ હોવી જોઇએ તેમાં બેમત નથી, ઉચ્ચારોમાં પણ શુધ્ધતાનો આગ્રહ સારો છે, ખાસ કરીને અંગ્રેજી બોલતી વખતે, કારણ કે અંગ્રેજીમાં ઉચ્ચારને કારણે શબ્દોનો અર્થ જૂદો થઇ જતો હોય છે.
  આ બધી વાત કરતાં એવૂ અનુભવાઇ રહ્યું છે કે આપણે બધા કોઇ તરંગી દુનિયામાં જીવી રહ્યા છીએ! ‘આધુનિક’ વિચાર ધારા તો એવું કહે છે ને કે જ્યાં સુધી તમે જે કંઇ કહેવા માંગો છે તે સામેવાળાને તે જ સંદર્ભમાં સમજાવી શકો તો તમારી ભાષાનો પ્રયોગ “સાચો” બાકી બધું ‘બકવાસ’?(!)

  1. નિયમોનાં ઘણાં બંધનો માત્ર ભાષાને જ નહીં જીવનને પણ કઠિન બનાવી દે છે. આથી ભાષામાં વિકલ્પો વધારે હોવા જોઇએ, નિયમો ઓછા. મૂળ વાત એ કે ભાષા વિદ્વાનો નથી બનાવતા, સામાન્ય લોકો બનાવે છે. વિદ્વાનો માત્ર એનો ઇતિહાસ અને વર્તમાન સમજી શકે; અને બહુ બહુ તો ભવિષ્યનું અનુમાન કરી શકે.

 6. મારા જવા આમ આદમીને હજુ (60 વરસે) પણ ઇ ઈ ઉ ઊ નો કયાં ઉપયોગ કરવો તેની ગતાગમ પડી નથી. તેથિ દીપક ઢોલકિયાજીનુ કહેવું ખરું છે કે નિયમો ઓછા હોવા જોઇએ, ઘણાં નિયમો ભાષાને કઠિન બનાવી દે છે.

  1. અમીનસાહેબ,
   નિયમો એટલ છે કે વાંચ્યા પહી માથું ચકરાઈ જાય, હજી હું આ વિષય પર પાછો આવવાનો છું. ખરેખરો ઉચ્ચારો ઓઅર ધ્યાન આપવાની જરૂર છે. હિન્દીના ઉચ્ચારોમાં દીર્ઘ ઈ અને હ્રસ્વ ઇ વચ્ચે ભેદ જળવાઈ રહ્યો છે. આપણે ત્યાં આ ભેદ ઉચ્ચારમાં નથી પણ આપણે સંસ્કૃતની જોડણી પ્રમાણે ચાલીએ છીએ. આ કારણે મુસીબત વધે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: