Gandhiji, Gujarat ane Goojarat!

આજે 30મી જાન્યુઆરી. મહાત્મા ગાંધીની ૬૧મી સંવત્સરી. એમને જુદી જુદી રીતે પાત્ર-અપાત્ર લોકો અજલીઓ આપશે. આજે આપણે એમને જુદી રીતે યાદ કરીએ. શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે હવે એમના લોકપ્રિય બ્લૉગ ’Net-ગુર્જરી’ પર લખવાનું બંધ કરવાની જાહેરાત કરી છે, હકીકતમાં શ્રી જુગલભાઈ નિર્બંધ થયા છે અને એ રીતે વધારે વ્યાપક બન્યા છે. એમણે બ્લૉગર મિત્રોનાં હોમ પેજ સુધારવામાં મદદ કરી છે, પરંતુ સંપૂર્ણ લેખ કદાચ આ પહેલી વાર જ પ્રસિદ્ધ થાય છે. આ માટે ’મારી બારી’ ને એમણે પસંદ કરી તેને હુમ મારૂં સન્માન ગણું છું. અહીં એમણે ગાંધીજીના આશીર્વાદ સાથે શરૂ થયેલી જોડણીને સ્થાયિત્વ આપવાની પ્રક્રિયાની સાર્થ જોડણીકોશમાં જ શી વલે થઈ છે તે દેખાડ્યું છે. ગાંધીજી ૧૨૫ વર્ષ જીવવા માગતા હતા, એ્ટલે કે ૧૯૯૪ સુધી તો આપણી વચ્ચે રહ્યા હોત. આપણી જોડણી અને એના ’નિયંત્રકો;ની અરાજકતા વિશે એમનો મત શો હોત તે તો માત્ર હવે કલ્પનાનો વિષય છે…પરંતુ કઈંક જવાબ જેવું કદાચ આ લેખમાંથી મળી શકે ખરૂં. તો વાંચો આગળ.

“સાર્થ ગૂજરાતી જોડણીકોશ”માં ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’ શબ્દો !
લેખક શ્રી જુગલકિશોર વ્યાસ
ગાંધીજીએ બળબળતા શબ્દોમાં ગુજરાતી ભાષાના ગૌરવ માટે લખ્યું છે એટલું જ નહીં પણ આઝાદીની ચળવળના કટોકટીના કાળમાં હજાર કામોની વચ્ચે આ કામને મહત્ત્વ આપીને તાકીદે એના માટે વ્યવસ્થા કરી હતી.
આ વાતને અનુસરીને જોડણીકોશ તૈયાર થયો એટલું જ નહીં પણ હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવી નહીં એવા ગાંધીજીના શબ્દો કદાચ સંદર્ભથી સહેજ અલગ કરીને પણ આદેશાત્મક બનાવી કોશના પહેલા પાને મુકાયા.
એ જ ગાંધીબાપુનાં લખાણોની જોડણી બદલીને કોશની છેલ્લી આવૃત્તીમાં ગુજરાત–ગુજરાતી શબ્દોને ગૂજરાત અને ગૂજરાતી એમ બન્ને રીતે છાપવામાં આવ્યા છે !! ગાંધીજીના ખુદના લખાણોને પણ પ્રુફ રીડીંગ વખતે તપાસાયાં જણાતાં નથી.
જોડણીકોશમાં ‘ગુજરાત’ શબ્દને વિકલ્પ આપીને ગૂજરાત લખવાની છુટ મુકાઈ છે તે જાણીતી વાત છે પણ ‘ગુજરાતી’ શબ્દ અંગે સ્પષ્ટતા નથી તેની નોંધ લઈને કેટલીક રજુઆત કરું છું.
ગુજરાત અને ગુજરાતી શબ્દોને આ કોશની છેલ્લી પાંચમી આવૃત્તીના આઠમાં મુદ્રણ ( ઓક્ટોબર, ૨૦૦૮)માં જુદીજુદી રીતે વારંવાર શી રીતે છાપ્યા છે તે જોઈએ.
કોશનું મુળ નામ અને તેની અલગ રીતે રજુઆતો
· સાર્થ જોડણીકોશનું મુળ નામ આ છેલ્લી આવૃત્તીમાં “સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પુરવણી સહિત)” એવું અપાયું છે. દેખીતી રીતે જ આમાં જોડણીકોશને ગૂજરાતી કોશ કહીને અન્ય ભાષાઓનો તે નથી તે સ્પષ્ટ કરાયું છે. અને તેથી જ મુખપૃષ્ઠ પર અને પછીના બીજા જ પાને તે મુજબ જ નામ છપાયું છે.
· પરંતુ કોશના પ્રથમ પ્રકરણ કે જ્યાંથી શબ્દો–અર્થો શરુ થાય છે તે પાના નં. ૪૯ પર “સાર્થ ગુજરાતી જોડણીકોશ” લખીને ગૂજરાતનું ‘ગુજરાત’ કરાયું છે !
· મજાની વાત એ છે કે, આ આવૃત્તીમાં મુકાયેલી પાંચેય પ્રસ્તાવનાઓમાં ક્યાંય આ મુળ નામ (“સાર્થ ગૂજરાતી જોડણીકોશ”) પુરેપુરુ યથાવત રખાયું નથી ! દરેક જગ્યાએ “સાર્થ જોડણીકોશ” એમ જ કહેવાયું છે.
· આ અંગેનો એક માત્ર અપવાદ શ્રી કેશવ હર્ષદ ધ્રુવનો છે જેમણે પોતાને મળેલી બીજી આવૃત્તીની નકલના સ્વીકાર–સંદેશામાં પાન નં. ૨૯ પર આ નામ આખેઆખું અને મુળ જોડણી મુજબનું લખ્યું છે !!
કોશ–નામમાં વપરાયેલા ‘ગુજરાતી’ શબ્દની અલગ રજુઆતો !
૧) મુખપૃષ્ઠ પર ગૂજરાતી; બીજે પાને ગૂજરાતી અને કોશના પ્રથમ પ્રકરણમાં શીર્ષકે ગુજરાતી !
૨) કુલનાયકશ્રીના પ્રથમ નીવેદનમાં ગૂજરાતી;
૩) કુલનાયકશ્રીના બીજા નીવેદનમાં ગુજરાતી;
૪) પ્રકાશકના નીવેદનમાં ક્યાંય કોશનું મુળ નામ નથી ફક્ત “સાર્થ જોડણીકોશ” છે જેમાં પણ ગુજરાતી છે.
ગુજરાત, ગુજરાતી લોકો અને ગુજરાતી ભાષા માટે વપરાયેલી અલગ જોડણી
ઉપર જોયું તેમ ગુજ. ભાષા માટે જેવું છે તેવું જ ગુજરાત અને ગુજરાતી (લોકો) માટે થયું છે. જેમ કે,
૧) ગાંધીજીએ દરેક જગ્યાએ ગૂજરાતી એમ જ જોડણી કરી છે. (છતાં પ્રસ્તુત આવૃત્તીની પ્રસ્તાવનાઓમાં આગળ આરંભે મેં જણાવ્યા મુજબ ગાંધીજીના લખાણોમાં ક્યાંક ગુજરાતી છપાયું છે !!)
૨) પ્રથમ આવૃત્તીના કાકાસાહેબે લખેલા નીવેદનમાં ગુજરાતી છે;
૩) બીજી આવૃત્તીના શ્રી કાકાસાહેબના ખુદના જ નીવેદનમાં ગૂજરાતી ભાષા અને ગૂજરાતી લોકો એમ જોડણી કરાઈ (કે છપાઈ) છે !!
૪) ત્યાર બાદની ત્રીજી, ચોથી, પાંચમી એમ બધી જ આવૃત્તીઓની પ્રસ્તાવનાઓમાં શ્રી મ. પ્ર. દેસાઈએ ‘ગુજરાતી’ જોડણી કરી છે.
૫) પૃષ્ઠ ૩૯ અને ૪૦ ઉપર પાંચમી આવૃત્તીના નીવેદનમાં ગાંધીજીના લખેલા ફકરા છે તેમાં પણ ‘ગુજરાતી’ જોડણી કરાઈ છે;
૬) ગાંધીજીના પોતાના પત્રને “જેમનો તેમ” મુકાયો છે ત્યાં પણ પૃષ્ઠ ૧૫ ઉપર એક જગ્યાએ ‘ગુજરાતી’ જોડણી છે;
આ ઉપરાંત શ્રી અને શ્રી. અંગે પણ કેટલીક વીગતો મળી છે જેને અંગે હવે પછી. xxx

%d bloggers like this: