Praja(ja)sattak Din

પ્રજા(જા)સત્તાક દિન
૧૯૫૦માં આપણે પોતાને જ બંધારણ અર્પણ કર્યું તેને વરસોનાં વહાણાં વાઇ ગયાં છે. આટલાં વર્ષોમાં જે કઈં થયું છે તેનાથી એક જ નવી વાત બની છે, અને તે એ કે આપણા પ્રજાસત્તાકમાં પ્રજા પછી ’જા’ ઉમેરાયો છે! સત્તાધીશોએ પ્રજાને ’જા’કહી દીધું છે એટલે આપણું પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજાને “જા” કહી દેવાયું હોય તેવી સત્તા!

કેટલાંયે અરમાનો સાથે આપણે પ્રજાસત્તાકનાં મંગલાચરણ કર્યાં હતાં. આપણાં આ અરમાનો બંધારણમાં ’માર્ગદર્શક સિદ્ધાંતો’નું રૂપ લઈને આકાર પામ્યાં છે. માર્ગદર્શક સિદ્ધાંતો કાનૂનની દૃષ્ટિએ અધિકાર તરીકે સ્થાપિત કરી શકાતા નથી. પરંતુ એ જ કહેવાતી નબળાઇ આપણા ’રાજ્ય’ની શક્તિ છે એમ માનવામાં આવતું હતું. આશા હતી કે રાજ્ય નિષ્ઠાપૂર્વક માર્ગદર્શક સિદ્ધામ્તોને અમલમાં મૂકશે.માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની નીતિઓની દિશાનું સૂચન કરે છે. રાજ્યે એવી સામાજિક, આર્થિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે બંધારણના આમુખમાં નિરૂપિત આદર્શો સિદ્ધ થાય. રાજ્ય માટે આટલું સ્પષ્ટ માર્ગદર્શન સ્થાપિત થયા પછી પણ આજ સુધી એવી એક પણ નીતિ ઘડાઈ નથી કે જે ખરેખર એ આદર્શો સુધી પહોંચતી હોય.

આપણો સૌથી પહેલો આદર્શ સમાનતાપૂર્ણ સમાજના નિર્માણનો હતો અને હોવો જોઈએ. આઝાદીનાં શરૂઆતનાં વર્ષોમાં આશાનું વાતાવરણ હતું. લોકો માનતા હતા કે બસ, હવે બંધારણમાં લખી દીધું એટલે કામ તો થશે જ. આપણા સાહિત્ય, નાટકો અને ફિલ્મોમાં પણ આ આદર્શ માટે કામ કરવાની તીવ્ર આવશ્યકતા અને ઝંખના વ્યક્ત થતી હતી.

૧૯૬૨ સુધી દેશમાં એક પ્રકારની સર્વસંમતિનું વાતાવરણ હતું. પહેલી પંચવર્ષીય યોજનાએ નવો ઉત્સાહ ભરી દીધો હતો. સામુદાયિક વિકાસના નાનામોટા કાર્યક્રમોમાં જનતાને સામેલ કરવાના સક્રિય પ્રયાસો થતા હતા. તે પછી બીજી યોજનાનાં વર્ષોથી ભારે ઉદ્યોગો પર સરકારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. મોટા પાયે જાહેર ક્ષેત્રોના ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધવા લાગ્યું અને એનું વળતર મળવામાં વિલંબ પણ વધતો ગયો. આનો ભાર સામાન્ય લોકો પર પડવા લાગ્યો. સરકાર પાસે એમના માટે કોઈ ઇલાજ નહોતો. દેશના વિકાસ માટે એક પેઢીએ તો સહન કરવું જ પડે, એવી વાતો શરૂ થઈ ગઈ. બીજી બાજુ, સરકારી ક્ષેત્રોમાં થયેલા મૂડીરોકાણને કારણે સ્ટીલ તો પેદા થવા લાગ્યું, પરંતુ એમાંથી બનતો ઉપભોક્તા માટેનો માલસામાન ખાનગી ક્ષેત્રમાં બનવા લાગ્યો! આમ સરકારી પ્રયાસોનો લાભ ખાનગી ઉદ્યોગોને મળ્યો, જ્યારે ખરૂં મૂડીરોકાણ તો કર ભરનારાઓનું હતું; એમની હાલત તો કથળતી જ ગઈ. આથી અસંતોષ વધવા લાગ્યો.

બીજી બાજુ ચીન સાથે સરહદે યુદ્ધ થયું, એ સમય જવાહરલાલ નહેરુના આદર્શોને આ મોટો ફટકો હતો. એમનું સ્વાસ્થ્ય પણ કથળી ગયું. અનેક નવાં સપનાંને જન્મ આપનાર આ નહેરુની ૧૯૬૪ આવતાં તો એવી સ્થિતિ હતી કે એમ જ લાગતું કે આ તે નહેરુ કે એમનો પડછાયો?

દેશમાં પ્રવર્તતી સર્વસંમતિનું વહાણ આમ ખરાબે ચડી ગયું.આ સાથે નહેરુની નીતિઓનો જરા પણ લાભ ન મળ્યો હોય, બલ્કે, નુકસાન ભોગવવું પડ્યું હોય તેવા આર્થિક રીતે પાછળ રહી ગયેલા લોકો વર્ગ, ધર્મ અને નાતજાતના નામે સંગઠિત થવા લાગ્યા. સત્તા પ્રાપ્તિ અને સત્તા પર ટકી રહેવું એ જ ધ્યેય બની ગયું. નહેરુનાં મૃત્યુ પછીના માત્ર અગિયાર વર્ષના ગાળામાં દેશે એમની જ પુત્રીના નેતૃત્વ હેઠળ કટોકટીનું શાસન પણ જોઈ લીધું. એ પછીનાં વર્ષો આજ સુધી અનૈતિક જોડાણો, અસ્થિર,
અનિશ્ચિત સરકારો અને નીતિઓનાં રહ્યાં છે. આ અસ્થિરતા આજના ભ્રષ્ટાચારનાં મૂળમાં છે.

આજે પ્રજાસત્તાકનાં બાસઠ વર્ષ પછી નવી આર્થિક નીતિઓને કારણે સામાન્ય જનતાનું જીવન અસહ્ય બની ગયું છે. જરૂર છે, નવી રીતે વિચારવાની. જરૂર છે ગાંધીજીના તાવીજને યાદ કરવાની. એમણે કહ્યું કે આપણે જે કઈં કરીએ તેની સામાન્ય લોકો પર, ગરીબો પર શી અસર પડશે તે જો ધ્યાનમાં રાખીએ તો કદી ખોટી નીતિઓ નહીં બને.

આપણે પોતે ચૂંટણી ન લડીએ એ તો સમજાય છે, પરંતુ રાજકારણથી દૂર ભાગી ન શકાય, કારણ કે આર્થિક નીતિઓ રાજકારણીઓ ઘડે છે. એમને માત્ર ભાંડ્યા કરવાથી કઈં નહીં વળે. જનતાએ પોતાને લાભ થાય એવી નીતિઓ ઘડવા માટે એમને ફ઼રજ પાડવી પડશે.આ વાંચનારા સૌ મિત્રો અને બ્લૉગ જગતના સાથીઓ આ દિશામાં કામ કરશે એવી આશા અસ્થાને નહીં ગણાય. ઇંટરનેટ જેવાં માધ્યમની શક્તિથી આપણેને અપરિચિત નથી, માત્ર એનો ઉપયોગ કરતાં અચકાઈએ છીએ.

આજે પ્રજા(જા)સત્તાકમાં વચ્ચે પ્રજા માટે જાકારો ઘુસી ગયો છે. આ ’જા’ને દૂર કરવા માટે સંગઠિત થવાની જરૂર છે.

26 thoughts on “Praja(ja)sattak Din”

 1. પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ.
  સ_રસ લેખ મધ્યે વધુ સ_રસ વાત એ મળી કે, ’રાજકારણથી દૂર ભાગી ન શકાય, કારણ કે આર્થિક નીતિઓ રાજકારણીઓ ઘડે છે. એમને માત્ર ભાંડ્યા કરવાથી કઈં નહીં વળે.’

  પરંતુ આ ભાંડણલીલા એ જાણે બૌદ્ધિક કે સુધરેલા હોવાના સ્ટેટ્‌સરૂપ બની ગઈ છે ! અમારા એક મિત્રની કાયમની કચકચ કે ’મારા એક મતથી શું વળે ?’ અન્ય એક મિત્રની એ કચકચ કે ’બધા સા.. ચોર છે, કોને મત આપીને નેતા પદે સ્થાપવા ?’ આવા વિચારોના ઓઠા અને નિરાશા તળે તેઓ મતદાન કરવાથીએ પાછીપાની કરે રાખે ! કેટલાક વળી રાજકારણ એ ગંદકીથી ભરેલું ખાબોચીયું છે અને સજ્જને તો તેની પડખેથીએ ન નિકળવું જોઇએ તેવું માને છે. (અને ઈવડા ઈ સજ્જનોને જ જ્યારે સંતાનોનું એડમિશન કે નોકરીની ભલામણ કે કોઈ સારા પ્રસંગે મંચ શોભાવડાવીને પોતાની મહત્તા બતાવવાનો અવસર માણવાનો હોય ત્યારે એ ખાબોચીયામાં ખરડાયેલા રાજકારણીઓની જી હજૂરી કરવાનો વાંધો નથી !!)

  સરવાળે મોટાભાગનાં લોકોની આ વિચારશૈલી જોતાં થાય છે કે નાલાયક લોકો ચઢી બેસે છે તેમાં તેનો પરીશ્રમ ઓછો અને આ હતાશ, નિરાશ કે પછી દંભી લોકોની ’આળસ’ વધારે જવાબદાર છે ! હું તો પેલા એક મતથી શું વળે વાળા મિત્ર સાથે વાદ કરતાં એટલું જ કહું છું કે નાની-મોટી ચુંટણીઓમાં કેટલીયે એવી ઘટનાઓ બની છે જ્યાં એક (રોકડો ૧) મત હારજીતનો નિર્ણય કરે છે, કદાચને એ એક મત તારો પણ હોઈ શકે !!

  નીતિઓમાં કચરો પડી જવાની વાતમાં હું એ સંમત છું ! બુદ્ધિમાનો કહી ગયા છે કે ’જેનો રાજા વેપારી, તેની પ્રજા ભીખારી’ એ આપણે સિદ્ધ કરી બતાવ્યું ! અને આપે લખ્યું છે કે ’જનતાએ પોતાને લાભ થાય એવી નીતિઓ ઘડવા માટે એમને ફ઼રજ પાડવી પડશે.’ એ ઘણો સુંદર વિચાર છે, થોડીઘણી અમલવારી દેખાય પણ છે. પરંતુ એ માટે જરૂરી છે ’સમજણ’. બહુ દુઃખ સાથે કહેવું પડે કે મુદ્દાને સમજવાનો અઘરો પડતો પ્રયાસ આપણને ગમતો નથી ! આપણને તો હઈશો હઈશો કરી અને ચણાને ઝાડવે ચઢાવતો સરળ માર્ગ વધારે માફક આવે છે. ૧૦૦૦ માણસનાં ટોળામાં પાંચ જણાં ઝીંદાબાદ-મૂર્દાબાદનાં નારા ચાલુ કરો એટલે માત્ર થોડી ક્ષણોમાં આખુંયે ટોળું નારાબાજી કરતું જોવા મળશે !! મૂળ તો “શા માટે ?” કે “શા કારણે ?” એવા પ્રશ્નો પૂછવાનું આપણને ફાવતું નથી !
  રાજકારણીઓ ખરાબ છે પણ ’મારો’ કાકો ગામનો સરપંચ છે તે સારો છે !!!
  જો ’મારો’ પક્ષ એક નીતિ અપનાવે તો સારી છે પણ ’તારો’ પક્ષ એ જ નીતિ અપનાવે તો ખરાબ છે !!!
  આમાં ક્યાંય નીતિ પર વિચાર નથી, બધે જ ’મારૂં એ સારૂં, તારૂં ખરાબ’ એવી મનોવૃત્તિ છે. ૬૦-૬૨ વર્ષમાં ઘણાં દાખલાઓ મળી આવશે.

  આપે કર્યું તેવું ચિંતન થતું રહેશે તો એ સ્વબુદ્ધિ સતેજ કરવાની પ્રેરણા મળશે. ઘણો સમયસરનો લેખ. આભાર.

  1. એમ તો કોઈ કહેશે કે બધા ડૉક્ટરો ખરાબ છે. આમ છતાં બીમાર પડે ત્યારે ડૉક્ટર પાસે જાય જ છે. વકીલોને ખરાબ માનવા છતાં કેસ લડવો હોય તો વકીલ પાસે જાય જ છે. આપણે આખા વ્યવસાયને ખરાબ નથી માનતા, વ્યક્તિઓને ખરાબ માનીએ છીએ. રાજકારણનું પણ એવું જ છે. એના વિના ચાલે જ નહીં.

   વળી ગમે તેટલો ભ્રષ્ટ રાજકારણી હોય, પાંચ વર્ષે તો એણે જનતા પાસે જવું જ પડે છે. બીજો કોઈ વ્યવસાય એવો છે જેમાં જનતાનો અભિપ્રાય ચાલતો હોય? એટલે રાજકારણની સૂગ ન રાખવી જોઈએ. એમ પણ ન માનવું જોઇએ કે સોએસો ટકા રાજકારણીઓ ખરાબ જ હોય.

   રાજકારણીઓને એક વર્ગ તરીકે બદનામ કરવાની એક ચાલ છે – ડી-પોલિટિસાઇઝેશનની. એટલે કે અ-રાજનીતિકીકરણની. આપણે રાજકારણથી દૂર થઈને સામુદાયિક સમસ્યાઓથી દૂર થઈ જઈએ છીએ. એનાં કારણો અને ઉપાયો વિશે વિચારવાનું બંધ કરી દઈએ છીએ. તે પછી જેમનાં સ્થાપિત હિતો આવી સમસ્યાઓ દ્વારા સિદ્ધ થતાં હોય તેઓ રાજકારણીઓ સાથે મળી જાય છે.એમના માટે માર્ગ ખુલ્લો થઈ જાય છે. એટલે રાજકારણીઓ અને સ્થાપિત હિતોવાળા લોકો ઇચ્છે કે ન ઇચ્છે આપણે રાજકારણમાં રસ લેવો જોઈએ.

   1. શ્રી.સુરેશભાઈ, એક રીતે આપની વાત ’પ્રજાને પોતાની લાયકાત પ્રમાણેની સરકાર મળે છે’ એ સાથે પણ સહમત થવાનું મન થાય છે ! (આ રાજકારણ !! દહીં દૂધમાં પગ રાખવા તે આનું નામ !) પણ મને જરા ચોખવટથી કહેવા દો.

    કહ્યું છે કે ’યથા રાજા, તથા પ્રજા’ હવે સિદ્ધાંતની રીતે તો લોકશાહીમાં ખરા રાજા એટલે લોકો, પ્રજા ! અને નેતાવર્ગ એટલે તેમના સેવકો (?.. હસવું નહીં !) તો આપની વાત સાથે સહમત !

    અને હવે શ્રી.દીપકભાઈનું કહેવું કે, ’અનૈતિક જોડાણો, અસ્થિર, અનિશ્ચિત સરકારો અને નીતિઓ……ભ્રષ્ટાચારનાં મૂળમાં’ તો એ વાત “પણ” ગળે એટલે ઊતરે છે કે જોડાણો કંઈ ’મફત’માં થતાં નથી ! ભલે વૈચારિક ઐક્યની વાતો સંભળાતી હોય પરંતુ જો ખરે જ એમ હોત તો દીપકભાઈ તેને ’અનૈતિક જોડાણ’ ન કહેત ! અને જોડાણો માટે જે કંઈ કિંમત ચૂકવાય છે તે કોણ ચૂકવે છે ? એક પછી એક કડી જોડો તો અંતે ભાર પ્રજા પર આવે છે. જેમ કે રાજકારણી ઉદ્યોગગૃહ પાસેથી ફંડ મેળવે અને પછી શરમેધરમે, પ્રજાને ભોગે, ઉદ્યોગગૃહને લાભકારક નીતિઓ દાખલ કરે. આપણે બધાં જાણકાર જ છીએ એથી દરેક મુદ્દાને વિસ્તૃત નહીં કરું. અસ્થિરતા, અનિશ્ચિતતા તો વળી માંડમાંડ સત્તાએ પહોંચેલાંને પેલા પંદર દહાડાની લાંઘણ ખેંચનારને અન્નની થાળી મળી હોય તેમ ઝાપટવા પ્રેરે છે ! બે હાથે ઉસેટો, કોને ખબર કેટલા દિવસ ટકીશું, કે વળી પ્રજા પાસે મત લેવા જશું ત્યારે કે કોઈ ટેકેદાર (અનૈતિક જોડાણ !) આડો ફાટશે ત્યારે તેને ચોંટાડી રાખવામાં, કેવડું ગાબડું પડશે એ કોણ જાણે ! એથી તો ગરથ ગાંઠે સારું !!

    હું જાણુ છું ત્યાં સુધી, ભ્રષ્ટાચાર અધોગતિ કરે છે ! ઉપરથી નીચે તરફ આવે છે. જો કે પ્રવાહ ભલે ઉલ્ટો દેખાતો, પરંતુ તેનો પંપ તો ઉપર જ છે ! આમાં નીચેવાળાઓને તો ઉપરવાળાનાં ભોંદરા ભરવા માટે ભેગાં કરવા પડે છે અને તેને પારિશ્રમિક પેટે કાંટાભંગામણ વધે છે ! આ સાંકળ આમ ઉપર, ઉપર, ઉપર (અંગત જાણકારી પ્રમાણે સૌ તેમાં હજુ બે-ચાર કે બાર ’ઉપર’ લગાવી શકે છે !!) આગળ વધે જાય છે.

    હવે બે રસ્તા છે, કાં તો દીપકભાઈના સૂચવ્યા માર્ગે ઉપર (રાજકારણ) ધ્યાન આપી પંપ બંધ કરવા પ્રયત્ન કરવો અને કાં તો આપના સૂચનનો જે અર્થ હું સમજ્યો તે પ્રમાણે નીચેથી (લોકજાગૃતિ) લાઈન કાપી નાંખવી ! (થોડા સમય પછી પંપને પાણી મળતું બંધ થશે અને લાઈનમાં શૂન્યાવકાશ થતાં પંપ આપોઆપ નિષ્ફળ થશે ! જરા તકનીકી વાત છે, પણ ઈલેક્ટ્રીકનાં કારીગર પાસે બીજી શું અપેક્ષા રખાય !!!)

    તો આમ, આપે ભલે ’અસહમતી’ દર્શાવી પરંતુ મને તો વાત એકની એક જ લાગે છે ! અને દીપકભાઈની ’રાજકારણીઓને એક વર્ગ તરીકે બદનામ કરવાની એક ચાલ છે – ’ વાળી વાત ખરે જ ગંભીર વિચારને યોગ્ય છે. મને પણ મારી ટૂંકી બુદ્ધિ છતાં એમ શંકા જાય છે કે ક્યારેક આપણને (એટલે કે જનસામાન્યને) ભેખડે ભરાવીને પોતાનાં ઘર સાજા રાખવાનું કોઈ કાવતરું તો નહીં હોય ને ?! આ તો પેલું ખંઢેરમાં ભૂત થાય છે, કોઈ એ તરફ જતા નહીં તેમ ઠસાવીને લાગતા વળગતાઓ ત્યાં આરામથી ગોરખધંધા ચલાવ્યા રાખે તેવો તાલ તો નહીં હોય ને ? બાકી જેમ બધું સારું ન હોય તેમ બધું ખરાબ પણ ન હોય. આટલું વિચારવાની તક આપી એ બદલ આપ બન્ને વડીલ મિત્રનો આભાર.
    (ઊં.જો. એ વિદ્વાનોનો વિષય છે, ક્ષમા ચાહું છું. ’અભીવ્યક્તી’ પર હમણાં જ બહુ ઉત્તમ ચર્ચા વાંચવા મળી છે, કદાચ દૈનિકપત્રોમાં ’અભીવ્યક્તી’ની ત્રેવડ નથી ! જો કે એમ પણ કહી શકાય કે, “પ્રજાને પોતાની લાયકાત પ્રમાણેની જોડણી મળે છે !”)

 2. એ પછીનાં વર્ષો આજ સુધી અનૈતિક જોડાણો, અસ્થિર,
  અનિશ્ચિત સરકારો અને નીતિઓનાં રહ્યાં છે. આ અસ્થિરતા આજના ભ્રષ્ટાચારનાં મૂળમાં છે.
  ————
  માફ કરજો. હું સહમત નથી થઈ શકતો.

  પ્રજાને પોતાની લાયકાત પ્રમાણેની સરકાર મળે છે. ગાંધીયુગમાં ભારતી પ્રજાનું ખમીર ખીલ્યું હતું. ગાંધીજીએ તો માત્ર નેતાગીરી જ આપી. પણ એ સત્તા પલટો ભારતની રાંક પ્રજા લાવી હતી.
  કમભાગ્યે એ જુસ્સો વીલાઈ ગયો છે. અને એની ઉપર, સમૃદ્ધિના કારણે આવી પૂગેલાં સ્વાર્થનાં આવરણો એટલાં તો ગહન અને મજબૂત બની ગયાં છે કે, એને ઉશેટી દેવા સો ગાંધી પણ ઓછા પડે.
  પ્રજાસત્તાનું સ્વપ્ન તો શું ..
  ચૌદ વરસ થયાં .. એક પણ દૈનિકમાં ‘ઊંઝા જોડણી’ ને લગતો લેખ પણ ઊંઝા જોડણીમાં છાપવાની હિમ્મત નથી !

  1. પ્રજા આળસને કારણે અથવા કહેવાનું ન ગમે એવાં કારણોસર જાહેર સમસ્યાઓમાં રસ લેતી બંધ થાય તે પછી આ સ્થિતિ ઊભી થાય છે. મિડલ ઈસ્ટની હાલની ઘટનાઓ, ફિલિપીન્સ, મ્યામાર, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ આ બધાં જનતાની સક્રિયતાનાં ઉદાહરણો છે. આપણા દેશમાં પણ કટોકટી દરમિયાન થયેલા અત્યાચારોથી કંટાળીને જનતાએ સત્તા પરિવર્તન કર્યું જ હતું.એ સરકાર માત્ર અઢી વર્ષમાં તૂટી પડી એનાં કારણોની ચર્ચા અહીં અસ્થાને છે. પરમ્તુ, જનતાને જે સરકાર મળે છે તેના કરતાં વધારે સારી સરકારો મલવી જોઇએ. માત્ર લોકોએ સાચા અર્થમાં રસ લેવો જોઈએ. આભાર, સુરેશભાઈ.

 3. દીપકભાઈ, હું તો આ પ્રજાસત્તાકને પ્રજા સટ્ટાક સમજું છું. આજે આપણી પ્રજાને સટ્ટાક કરીને લપડાક રોજે રોજ પડે છે. અને એક રીતે જોવા જઈએ તો પેલી કહેવત છે ને કે “હાથના કર્યા હૈયે વાગે” એ સાબીત થાય છે. કેમકે આ આપણી જ પ્રજા છે જે મતદાન વખતે અશોકભાઈના અનુભવ મુજબ ક્યાં તો ઉદાસિનતા દર્શાવે છે નહિતર બેદરકારી દાખવે છે. આપણે ફક્ત રાજકારણીઓની જાહેરાતમાં ‘આપનો કિંમતી મત’ એમ વાંચીએ છીએ, પણ તે મત ખરેખર કિંમતી છે તેમ આપણા મગજમાં બેસતું નથી. મત આપીને ચૂંટેલા આપણા જ નેતા કે પક્ષને આપણે ગાળો દેવા લાગીએ છીએ. પ્રજાએ જાગવાની જરૂર છે. બહુ થયું હવે. આપણા બાપદાદાઓ ગુલામીમાં જીવ્યા એનો અર્થ એ નથી કે આપણે પણ માનસિક ગુલામી ભોગવીએ. તમે ઉપર ચર્ચામાં કહ્યું તેમ, “મિડલ ઈસ્ટની હાલની ઘટનાઓ, ફિલિપીન્સ, મ્યામાર, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ આ બધાં જનતાની સક્રિયતાનાં ઉદાહરણો છે.” તેવો જ દિવસ ભારત દેશનો પણ આવશે. પણ અશોકભાઈ કહે છે તેમ, “૧૦૦૦ માણસનાં ટોળામાં પાંચ જણાં ઝીંદાબાદ-મૂર્દાબાદનાં નારા ચાલુ કરો એટલે માત્ર થોડી ક્ષણોમાં આખુંયે ટોળું નારાબાજી કરતું જોવા મળશે”. આપણે લોકોએ આપણી માનસિકતા બદલવાની જરૂર છે. કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણપણે દુષિત કે ખરાબ નથી હોતી, તેમાં બદીઓ ઘુસાડવામાં આપણો પણ એટલો જ હાથ હોય છે, અને જે સ્વચ્છતા હોય તેને પણ ગંદકીની ચાદર ઓઢાડીને જોવાની આપણને સહુને ટેવ પડી ગઈ છે. આંશિક રીતે હું સુરેશભાઈ સાથે પણ સહમત થઈશ કે “પ્રજાને પોતાની લાયકાત પ્રમાણેની સરકાર મળે છે.” જો કે એમાં હું લાયકાત શબ્દને બદલે વિચારસરણી કે માનસિકતા શબ્દ વાપરવો પસંદ કરીશ. કેમકે આપણી ભારત ભૂમિની પ્રજા હંમેશા ખમિરવંતી રહી છે, વિદેશીઓએ આપણા ઈતિહાસને મારીમરોડીને આપણી પ્રજાને નબળી, અંધશ્રદ્ધાળુ, અવૈજ્ઞાનિક સાબીત કરી છે, અને તેને સ્વિકારી લઈએ છીએ એ આપણી મહાન ભૂલ છે. કદાચ એ જ ભૂલને લીધે લોકો આ ‘લાયકાત’ શબ્દને પણ એ સંદર્ભમાં ગણી લે, આપણી પ્રજાની લાયકાત તો વિશ્વની સર્વશ્રેષ્ઠ સરકાર પામવાની છે, પણ આપણી માનસિકતા બદલાશે તો આપણી સરકાર આપણે બદલી શકીશું.

  દીપકભાઈએ નહેરુ અને તેમની પુત્રીની જે વાત કહી તેને હું આગળ વધારીને કહીશ કે એ જ નહેરુની પુત્રીના શાસનમાં જે થયું તે ઓછું હતું તો પાછા આપણે તે જ ઇન્દિરાબહેનના પુત્રને જબરજસ્તીથી પાયલોટમાંથી વટલાવીને પોલિટિશિયન બનાવી દીધો. તેની વિધવા બાઈને પણ આપણે ના છોડી અને હવે એ જ નહેરુની ચોથી પેઢીના જુતા ઉંચકવામાંથી આપણે ઉંચા નથી આવતાં. ફક્ત નહેરુ પરિવાર જ કેમ, આજે જુઓ રાજેશ પાયલોટનો છોકરો, સિંધિયાનો છોકરો, કરૂણાનિધીની છોકરી, અરે એ બધાને ભૂલી જાવ, મારા અને સુરેશભાઈના ખાડિયાના અશોકભાઈનો (?)પુત્ર ભુષણ, આ બધા શું આપણી માનસિકતાના ઉદાહરણો નથી? જેમ ડોક્ટરે પોતે જમાપુંજી ખર્ચીને દવાખાનું નાંખ્યું હોય અને તેને તે પોતાનો ધંધો ગણતો હોય, તેથી વેપારીની જેમ મારો પુત્ર મારો ધંધો સંભાળે એ વિચારધારામાં ડોક્ટર પોતાનો ધંધો જતો ના કરવા મારીમચડીને પણ પોતાના દિકરાને ડોક્ટર બનાવે, તેમ રાજકારણી પણ પોતાનો ધંધો ચાલુ રાખવા માટે પોતાના પુત્રને રાજકારણમાં લાવે જ. વેપારીના પુત્રો કે ડોક્ટરના પુત્રો તેમના વ્યવસાયમાં આવે કે ના આવે તેના પર આપણો કોઇ અંકુશ હોતો નથી, પણ આ રાજકારણના વ્યવસાયમાં પેઢી દર પેઢી શાસન ચાલતું રહે કે ના રહે તે નિર્ણય તો આપણા સિવાય અન્ય કોઈ લઈ જ શકે તેમ નથી. તો શું આપણે પહેલી આપણી માનસિકતા બદલીને એવું પણ નક્કી કરી શકીએ તેમ છીએ કે પક્ષને મત આપવાને બદલે આપણે વ્યક્તિને મત આપવાનું શરૂ કરીશું? કોઈક સીટ એક પક્ષનો ગઢ ગણાય, એટલે તે પક્ષ તેના ગમે તેવા સડી ગયેલા મુરતિયાને પણ ત્યાં ઉભો કરી દે અને આપણે તેને ચૂંટી કાઢીએ, એના બદલે જો એક વખત એવા મુરતિયાને રિજેક્ટ કરીને અપક્ષને પણ ચૂંટી લાવીએ કે વિરોધી પક્ષને જીતાડી દઇએ તો રાજકિય પક્ષો પણ લાઇન પર આવી જાય.

  દીપકભાઈ તમે કહો છો તેમ ગાંધીજીનું તાવીજ જો આપણે આપણા રાજકારણીઓને યાદ કરાવી શકીએ તો ઘણું. વિકસીત દેશોમાં પણ સરકારને કારણે સમાજ નથી સુધર્યો, સમાજને કારણે સરકારો સુધરી છે, એ જ વિકસીત દેશોનું આંધળું અનુકરણ કરનારા આપણે એ પાયાની વાત આજના આ પ્રજસટ્ટાક દિવસે જો સમજી શકીશું તો કદાચ આવતું વર્ષ આપણને આ સટ્ટાક કરતી નહી પડે.

  1. પ્રિય ધવલભાઈ,
   “વિકસીત દેશોમાં પણ સરકારને કારણે સમાજ નથી સુધર્યો, સમાજને કારણે સરકારો સુધરી છે, એ જ વિકસીત દેશોનું આંધળું અનુકરણ કરનારા આપણે એ પાયાની વાત આજના આ પ્રજસટ્ટાક દિવસે જો સમજી શકીશું તો કદાચ આવતું વર્ષ આપણને આ સટ્ટાક કરતી નહી પડે.”

   આ તદ્દન સાચું વિધાન છે.જનતાના હાથમાં બધું છે. આપણે હજી સામંતવાદી માનસિકતામાંથી બહાર નથી આવતા એટલે જ સત્તાનો અધિકાર પણ વારસાગત માનીએ છીએ. એટલે જ રાજકારણીઓનાં સંતાનો અને કુટુંબીઓ આવે છે. આપણે માત્ર આ જ કારણસર આપણે ઉમેદવારને નકારતા થઈએ તો પોલીટિશિયનોની ટેવ સુધરે. એ અર્થમાં શ્રી સુરેશભાઈની વાત સાચી છે. બેદરકાર મતદાર હોય તો શાસક પણ બેદરકાર જ હોવાનો.

 4. ઉત્તમ પ્રયાસ છે, દિપકભાઈ અને સર્વ ભાઈ બહેનોને, પ્રજાસત્તકદિનની લાખ લાખ શુભેચ્છાઓ, કેમ કે દરેક ભારતીયો મારા સગ્ગા ભાઈ-બહેનો જ છે ને વળી, એટલે હુ કોઈને લુંટતો નથી અને કોઈને અનિતીના મારગે જતા જોઉં છુ એટલે મારુ હ્રદય દુખી થાય છે. “બાપુ” એ ફક્ત અને ફક્ત નીતીના સપરમા મારગે ભારતને આઝાદી અપાવી હતી પણ ભારતીયોએ કુમારગે અંધકારની ખાઈમાં આજે ભારતને લઈ આવ્યા છે, કોઈ પણ પાર્ટી કે નેતા દોષ દેવા કે વખાણ કરવાને લાયક જ નથી રહ્યા. કેમ કે તેઓએ બાપુએ ચિંધ્વેલા મારગે ન ચાલીને અવળા અને દેશને અંધકારની ગર્તામાં ધકેલી મુકે એવી રીતે “સુ-નીતી”ઓને કુનીતીમાં ફેરવી દીધી છે
  અને “આજે પ્રજાસત્તાકનાં બાસઠ વર્ષ પછી નવી આર્થિક નીતિઓને કારણે સામાન્ય જનતાનું જીવન અસહ્ય બની ગયું છે. જરૂર છે, નવી રીતે નહિ પણ જુની પણ ૧૯૪૭ ની નીતીને અનુલક્ષીને વિચારવાની અને એને ફરજીયાત અમલ કરવાની જરૂર છે, ગાંધીજીના તાવીજને યાદ કરવાની. એમણે કહ્યું કે…..
  “””આપણે જે કઈં કરીએ તેની સામાન્ય લોકો પર, ગરીબો પર શી અસર પડશે તે જો ધ્યાનમાં રાખીએ તો કદી ખોટી નીતિઓ નહીં બને.””” (આ બાઈબલની પ્રખ્યાત વર્સ છે)

  ગઈકાલે મે આપણા રાષ્ટ્રપતિ નુ ભાષણ જૌયુ, (સાંભળ્યુ નહિ, હો) મને તો ખુબ જ શરમ આવી, એના બદલે મે થાઈલેન્ડના વડાપ્રધાનને જોઈને મારા દેશવાસીઓને કોસતો રહ્યો……અને કહ્યુ “મેરા ભારત મહાન”

   1. પ્રિય રાજેશભાઈ, તમારી બન્ને કૉમેન્ટ વાંચી. સવાલ એ છે કે આપણે કેમ અનૈતિકતામાં કઈં ખોટું નથી માનતા? આપણી નૈતિકતા માત્ર અમુક ખાવું, અમુક ન ખાવું એવી બાબતોમાં જ અટકી ગઈ છે. આપણે સામાજિક જીવનને બદલે વ્યક્તિગત જીવનને વધારે મહત્વ માનીએ છીએ. આને કારણે આપણે કોઈ પણ પગલું લેવાનાં કે કશું જ ન કરવાનાં લાંબા ગાળે સમાજ માટે શું પરિણામ આવે તે વિચારતા જ નથી!

 5. વડિલબંધુ, દિપકભાઈ, નમસ્તે, આપનો સવાલ કે આપણે કેમ અનૈતિકતામાં કંઈ ખોટુ નથી માનતા?

  મારો જવાબ છે કે આપણી નૈતિકતા અમુક ખાવુ કે ન ખાવામાં જ નહિ, એથીયે વધુ બાબતોમાં ધાર્મિકતાના આંધળા આંચળા હેઠળ, સ્વધર્મને અથવા જાતિને બચાવવા માટે જ અસંખ્ય અનૈતિકતાઓને, સમય સમય પર અથવા પ્રસંગ પ્રસંગ પ્રમાણે નૈતિકતામા ખપાવી મારી છે. ઉદાહરણ રીતે “નરો વા કુંજરો વા” નુ અસત્ય દ્રોણાચાર્યને મારવા માટે વાપર્યુ, વાલીનો વધ, એકલવ્ય ને અત્યાચાર, દુર્યોધનનો નાશ કરવા માટૅ ભીમ અને ક્રુષ્ણએ આચરેલી અનીતિ, આવા અનેક ઉદાહરણૉને કારણે આપણો હિંદુ સમાજ ખરેખર હિન પ્રક્રુતિનો બની ગયો છે. આઝાદી સુધી તો હિંદુ સમાજ ખુબ જ સારો અને આત્મિક સમય હતો પણ આઝાદી પછીના ૪૦-૫૦ વરસમાં ભ્રષ્ટ પ્રગતિ સાથે ખાસ કરીને ભણતર ને કારણે લોકોના ઘરો ઘર માં રામાયણ મહાભારત ઘર કરી ગયુ છે, ઉપરથી ટીવી પર ધાર્મિક ખેલોએ પણ પ્રજાને આવી જ અનીતીઓને નીતીમાં ખપાવવાનુ મોટાપાયે કાર્ય કર્યુ છે. ૩૦-૪૦ પહેલા આદિવાસીઓ, કે શુદ્રો કે પછાતો કે ગામડાઓના લોકો ઘણા પ્રખ્યાત દેવી-દેવતાઓના નામ સુધ્દા જાણતા ન હતા, પણ પ્રગતિમય જણાતા ટીવી ના કારણે હિંદુ સમાજ આજે રામ- હનુમાન, ગણેશ, દુર્ગા જેવા આંગળીના વેઢે ગણી શકાય એવા પ્રખ્યાત દેવી દેવતાઓને ઓળખવા અને કટ્ટરતાથી પુજવા લાગ્યા હતા છતાંય આજે પણ ઘણા ઘરોમાં તેઓના કુળદેવતાઓ કે કુળદેવીઓ સ્થાનિક કે કૌટુંબીક જ હોય છે જે ખુબજ લીમીટેડ હોય છે, વાર્શિક નિવેદ, નિવેજ કે નૈવેધ્ય તો કુળદેવી-દેવતા ઓને જ ધરાતા હોય છે. જરા તપાસ કરી જુઓ.

  હવે તો કોસ્મોપોલિટન રહેણાંકો બનવાથી, અલગ અલગ કુળ્દેવી-દેવતાઓના પ્રભાવના કારણે પાડોશીને નીચા રાખવાની અંદરખાને છુપી મંછા તો દરેકની હોય જ છે પછી ભલે ઉપર ઉપરથી મિત્રતા કે બંધુત્વ છલકાવતા હોય. આમ કહેવાનુ કારણ એ કે મ્રુત્યુસમ પીડા વખતે દરેક મિત્ર, વગ પ્રમાણે સાથ છોડી જાય છે, જો પરમેશ્વરીય બંધુત્વની સત્ય ભાવના ભારતીયોના હ્રદયમાં, આત્મામાં જાગ્રુત હોય તો, મિત્ર, પાડોશી, ડોક્ટર, પોલિસ એની ફરજ કદી ના ચુકે, કોર્ટમાં, નોકરીઓમાં, ધંધામાં, બજારોમા, રસ્તાઓ પર, સોસાયટીઓમાં, સંસદમાં, સૌ કોઈ ઈમાનદાર હોત અને આવુ હોત તો “””આપણે અનૈતિકતામાં ખોટુ માનતા હોત”””…….. આપને મારો જવાબ કદાચ ગમે………. (ઉતાવળે લખ્યો છે)

  1. રાજેશભાઈ,
   તમે સાવ સાચું લખ્યું છે કે ” ૩૦-૪૦ (વર્ષ) પહેલા આદિવાસીઓ, કે શુદ્રો કે પછાતો કે ગામડાઓના લોકો ઘણા પ્રખ્યાત દેવી-દેવતાઓના નામ સુધ્‍ધાં જાણતા ન હતા, પણ પ્રગતિમય જણાતા ટીવી ના કારણે હિંદુ સમાજ આજે રામ- હનુમાન, ગણેશ, દુર્ગા જેવા આંગળીના વેઢે ગણી શકાય એવા પ્રખ્યાત દેવી દેવતાઓને ઓળખવા અને કટ્ટરતાથી પુજવા લાગ્યા હતા છતાંય આજે પણ ઘણા ઘરોમાં તેઓના કુળદેવતાઓ કે કુળદેવીઓ સ્થાનિક કે કૌટુંબીક જ હોય છે જે ખુબજ લીમીટેડ હોય છે, વાર્શિક નિવેદ, નિવેજ કે નૈવેધ્ય તો કુળદેવી-દેવતા ઓને જ ધરાતા હોય છે.”

   આદિવાસી સમાજનું મોટે પાયે હિન્દુ સમાજમાં ભેળવી લેવાના પ્રયત્ન ચાલે છે. એમનાં દેવી દેવતાઓનું સ્થાન હવે ‘સભ્ય’ સમાજનાં દેવી્દેવતાઓ એ લેવા માંડ્યું છે. જાતિના બચાવ માતે જે કઈં કરવામાં આવ્યું તે મારા મનુસ્મૃતિવાળા લેખમાં છે જ. તમારો જવાબ ગમ્યો.

  2. પ્રિય રાજેશભાઈ,
   દીપકભાઈને આપનો જવાબ ગમ્યો પરંતુ હું તેમ નથી કહી શકતો એ બદલ ક્ષમાપ્રાર્થી છું ! કેમ કે, કદાચ આપે જણાવ્યું તેમ ઉતાવળને કારણે સંપૂર્ણતયા વિચાર નથી થઈ શક્યો. આપે આપેલા ઉદાહરણોમાંથી ખરાબ શીખ સમાજે લીધી તો એ દરેક પાત્રોએ આપેલી કંઈ કેટલીયે સારી શીખ સમાજે કેમ ન લીધી ?

   ’આઝાદી સુધી તો હિંદુ સમાજ ખુબ જ સારો અને આત્મિક સમય હતો’ !!! આ વાત સાચી ? અને આ ભણતર, રામાયણ -મહાભારતે હિંદુઓને બગાડ્યા છે ? અને તે પણ માત્ર ૪૦-૫૦ વર્ષમાં જ ? એ પહેલાં હિંદુઓ ભણતર, રામાયણ-મહાભારતથી જ્ઞાત ન હતા ? શું શિક્ષણ અને પ્રગતિ જ (કે, પણ) સર્વદુઃખોનું મૂળ છે ? (સં: ’ભ્રષ્ટ પ્રગતિ સાથે ખાસ કરીને ભણતર’)

   ’પ્રગતિમય જણાતા ટીવી ના કારણે હિંદુ સમાજ આજે રામ- હનુમાન, ગણેશ, દુર્ગા જેવા આંગળીના વેઢે ગણી શકાય એવા પ્રખ્યાત દેવી દેવતાઓને ઓળખવા અને કટ્ટરતાથી પુજવા લાગ્યા’– તો ટીવી આવ્યા પહેલાં હિંદુ સમાજ આ બધાને ઓળખતો, પુજતો ન હતો ? અને ટીવીએ માત્ર હિંદુ સમાજના ધર્મનો પ્રચાર કર્યો કે અન્ય ધર્મોએ પણ ટીવી પર પ્રચાર કર્યો ? જો અન્ય ધર્મોએ પણ એમ જ કર્યું તો માત્ર હિંદુઓ જ કેમ દેવી દેવતાઓને ઓળખતા અને પુજતા થયા ? (ટીવીને કારણે અન્ય ધર્મો પોતાના દેવી દેવતાઓને ઓળખતા, પુજતા નથી થયા તેમ અહીં માની લઈએ છીએ !!)

   કોઈ કુટુંબ પોતાનાં કુળદેવ/દેવી જેવી માન્યતા કે તેનાં નૈવધ વગેરે માન્યતા ધરાવતા હોય તેમાં તેના પડોશીને કેમ નીચાપણું થશે ? કે તેનાં પડોશી કેમ નીચા રહેશે ? મારા પડોશમાં રહેતા બે મુસલમાનો દરરોજ પાંચ વખત નમાઝ પઢે છે અને મારા પડોશમાં રહેતાં પચીસેક ખ્રિસ્તીઓ દરરોજ સવારે તેમની પ્રાર્થના ગાય છે, મીણબતીઓ સળગાવે છે તથા દર રવિવારે ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે તેમાં હું કઈ રીતે નીચો થઈ જઉં ? કે પછી જો માત્ર હું મારા ઘરે દીવો સળગાવું તો જ તેઓએ નીચા થઈ જવું જોઈએ ?

   ’જો પરમેશ્વરીય બંધુત્વની સત્ય ભાવના ભારતીયોના હ્રદયમાં, આત્મામાં જાગ્રુત હોય તો, મિત્ર, પાડોશી, ડોક્ટર, પોલિસ એની ફરજ કદી ના ચુકે, કોર્ટમાં, નોકરીઓમાં, ધંધામાં, બજારોમા, રસ્તાઓ પર, સોસાયટીઓમાં, સંસદમાં, સૌ કોઈ ઈમાનદાર હોત ’ — તો ભારત તો આવી સત્ય ભાવના ધરાવતું નથી !! પરંતુ આપે કહ્યા પ્રમાણેની સત્ય ભાવના ધરાવતો અન્ય કોઈ પ્રદેશ કે અન્ય કોઈ પ્રજા હોય તેનું દૃષ્ટાંત ખરૂં ? અને અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે, લેખ ભારત વિશે છે !!!! ભારતમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર વિષયે ચિંતા દર્શાવે છે !! પ્રજા અને સરકારનાં કાર્યકલાપો વિષયે છે ! અને આપ એ ભ્રષ્ટાચાર, એ અનૈતિકતા એમ સઘળી બાબતોને માત્ર ને માત્ર ધર્મ, અને એ પણ એક જ ધર્મ સાથે સાંકળો છો !!! ખરે જ એમ હોઈ શકે ???

   અને અંતે કડવો પરંતુ સીધો સવાલ !!!!!!!!!! (આમે મને બહુ આડુંતેડું લખતા નથી આવડતું, અને જો સત્ય જાણવું, સમજવું હોય તો સારા-માઠાની ખેવના કર્યા વગર, મિત્રો સાથે સ્પષ્ટ ચર્ચા કરવી જોઈએ) જો હિંદુઓ કે તેના દેવી-દેવતાઓ કે તેના ગ્રંથો કે તેની સભ્યતા કે તેની સંસ્કૃતિ જ (અહીં “જ” પર ધ્યાન આપવું) આગળ વર્ણવાયેલાં સઘળાં અવગુણનું કારણ હોય તો, એ સભ્યતાના લોકોએ શું કરવું ? અન્ય કોઈ ધર્મ, સભ્યતા, સંસ્કૃતિ છે જે આગળ દર્શાવેલા, કહેવાતા કોઈપણ અવગુણ ન ધરાવતી હોય ??? અને “જો” હોય તો હું કહીશ કે આ કહેવાતી અસભ્ય, અસંસ્કૃત, અજ્ઞાની, અંધકારમાં ડુબેલી પ્રજાએ તેને અપનાવી લેવા જોઈએ !! કોઈ માઠું ન લગાડશો પણ જરા વિચારજો. આભાર.

   1. અશોકભાઈ, મેં જ્યારે ઉપરનો પ્રતિભાવ વાંચ્યો ત્યારે મને પણ તમારા જેવું જ કાંઈક લખવાનું મન થયું હતું, પણ પછી રહેવા દીધું. પણ હવે તમે જ્યારે શરૂઆત કરી જ દીધી છે તો મને પણ એક સવાલ રાજેશભાઈને પૂછી જ લેવા દો.

    રાજેશભાઈ, જો આપણા સનાતન ધર્મમાં આટ-આટલી બદીઓ હતી, આપણા ધર્મશાસ્ત્રો અનીતિથી ભરપૂર હતાં તો છેલ્લાં લગભગ ૭૦૦ વર્ષથી વિદેશીઓ (અને તે પણ વિધર્મી વિદેશીઓ)ના શાસન હેઠળ રહેવા છતાં, કેમ આપણો એ અનૈતિક ધર્મ ટકી રહ્યો? અને કેમ ઈસ્લામ કે ખ્રિસ્તિ જેવા અન્ય “નીતિમય” ધર્મો કે જે આજે દુનિયાના અડધા કરતા વધુ દેશોમાં સંપૂર્ણપણે પળાતા ધર્મો છે, તે આપણા દેશના એકમાત્ર ધર્મો ના બની રહ્યાં? ગ્રિક, પેગન, વગેરે જેવા અનેક ધર્મો સમુળગા નાશ પામ્યાં છે તો ભારત ઈસ્લામિક રાષ્ટ્ર કે ખ્રિસ્તિ રાષ્ટ્ર કેમ ના બન્યું?

    1. ધવલભાઈ,
     કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
     સદિયોં રહા હૈ દુશ્મન દૌરે-ઝમાં હમારા.
     – ઇક્બાલ
     (એવું તો કઈંક છે કે અમારૂં અસ્તિત્વ ભુંસાતું નથી,
     નહીંતર સદીઓ સુધી સમય અમારો દુશ્મન રહ્યો છે.)

     1. આ જે કુછ બાત છે એ જ એવી વાત છે જે નાસ્તીકો અને રૅશનલીસ્ટોને જવાબ આપવા માટે કંઈક મદદે આવે છે. વગોવણી વધુ અને વખાણ ઓછાં કરવાથી આપણા ધર્મને નજર ન લાગે એવું હશે ?!!

       1. ખરેખર તો જે અર્થમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો ‘ધર્મ’ છે, એ અર્થમાં હિન્દુ ધર્મ ‘ધર્મ’ નથી. એ પરંપરાઓનો સપુટ છે. તે ઉપરાંત બૌદ્ધિક વિચારધારાઓ પણ છે. આનું આપણે ઇતિહાસની દૃષ્ટિએ વિશ્લેષણ કરવું જોઈએ, કારણ કે આપણી કેટલીયે પરંપરાનાં મૂળ હડપ્પા સંસ્કૃતિમાં પણ છે! દાખલા તરીકે શિવ હડપ્પાનાં નગરોમાંથી પણ મળ્યા છે.

        શું સારૂં, શું ત્યાજ્ય તેનું મૂલ્યાંકન આજની નજરે કરવું હોય તો પન પહેલાં વિશ્લેષણ જરૂરી છે. આપણો ધર્મ ‘ધર્મ’ ન હોવાથી આપણ પ્રદેશમાં લોકો આવ્યા ત્યારે રાજકીય સંઘર્ષો થયા તો પ્રજાકીય સ્તરે સમન્વય પણ થયો. આ સહેલું હતું કારણ કે ધર્મનું અ-સ્થિતિસ્થાપક રૂપ નહોતું. એ ફેડરેશન જેવો છે, જે કઈં આવ્યું તે એમાં ભળી ગયું અને એક સાથે જ ચાલતું રહ્યું. એટલે જ મૌલાના આઝાદ એમની કુરાન ઉપરની કૉમેન્ટરીમાં આશ્ચર્ય સાથે કહે છે કે જે ધર્મમાં અદ્વૈતની વાત હોય તેમાં જ વડપૂજા કે નાગપૂજા કેમ હોઈ શકે?

        બીજી બાજુ આપણી સમાજ વ્યવસ્થામાં અવરજવરની જગ્યા જ નહોતી. એમાંથી કોઈ જઈ ન શકે, તેમ આવી પણ ન શકે.

        રાજેશભાઈ માને છે કે ધર્મ હોય તો નીતિ આવે, પણ નીતિ આપણા જીવન માટે જરૂરી છે, જ્યારે ધર્મ સમયની પેદાશ છે. એટલે નીતે આવ્શ્યક છે.

        બાકી, ઇક્બાલને જે આશ્ચર્ય છે તે ‘કુછ બાત’નું આશ્ચર્ય તો એવું એ કે જવાબ શોધતા જ રહો.

    2. પ્રિય ધવલ ભાઈ, શુ યાર તમે પણ કમાલ કરો છો, હજુ પણ તમે ભારતને હિંદુ રાષ્ટ્ર માનો છો?? કમાલ કરો છો યાર..!!

     હુ આપને નમ્રતાથી પુછુ છુ કે શું છે હિંદુત્વ અને ક્યાં છે હિંદુત્વ ?? એની વ્યાખ્યા સવિસ્તાર કરી બતાવોને યાર…!!

     (હુ પ્રેમ અને આદરથી પુછુ છુ હો માઠું ના લગાડશો પ્લીઝ)

   2. વહાલા અશોકભાઈ, સાચ્ચુ કહુ છુ, ઉંડાણે જવાની જરુર છે સાહેબ, મુબઈ માં તો મે તો આવુ જ લગભગ અનુભવ્યુ છે, જે દેખાતુ નથી હોતુ ફક્ત અનુભવવાનુ હોય છે. અરે સાહેબ, હનુમાન પણ કેટલી પ્રકારના હોય છે, મેલડી પણ કેટલા પ્રકારની હોય છે સાહેબ, મહાકાળી પણ કેટલા પ્રકારની હોય છે. નરસિંહ પણ કેટલા પ્રકારના હોય છે, અને અન્ય અસંખ્ય દેવી-દેવતાઓ કેટલા પ્રકારના હોય છે એ આપશ્રીને તો ખબર જ હશે ને સાહેબ !!! કોનો મઢ ઉંચો અને કોનો નીચો, કોનો સાચો અને કોનો ખોટો એ તો આપ વધુ સારી રીતે સમજાવી શકો છો સાહેબ..!! અમારો મઢમામ તો હજરાહજુર છે અને તમારા માં તો ……!!! આવુ નથી સાંભળતા આપણે ?? શું યાર…..??

    ગણેશોત્સવ તો લોકમાન્ય ટિળકે ચાલુ કર્યોને સાહેબ??
    રક્ષાબંધન ક્યારે દેશવ્યાપ્ત થયો સાહેબ??
    નવરાત્રિ આજે ગુજરાત છોડી દેશ્વ્યાપિ નથી થયો??
    કડવા ચોથ ગુજરાત્નો છે કે પંજાબનો સાહેબ??
    આવુ તો બધુ ટીવીએ જ તો લોકોને દેખાડ્યુને સાહેબ??
    ટીવી ના હોત તો શીરડીના સાંઈબાબાને કેટલા જણ ઓળખી શક્યા હોત??

    જેવી રીતે અન્ય ધર્મોના પ્રચારે ઘણા હિંદુઓ વટલાયા એવી જ રીતે હિંદુ ધર્મના પ્રચારે ઘણા વિધર્મીઓ હિંદુ બન્યા છે ને સાહેબ. ભણતરે જ તો આજે યુવાઓને વડિલોના પગે પડતા અટકાવે છે ને સાહેબ. આવુ ઘણુ લખી શકાય છે, પણ સમજને વાલે કો ઈશારા કાફી હૈ…..

    આ ભ્રષ્ટાચાર, આ અનૈતિકતા એમ સઘળી બાબતોને માત્ર ને માત્ર ધર્મ, અને એ પણ એક જ ધર્મ સાથે સાંકળુ છુ કેમ કે મે ચારેય વર્ણોને પોત પોતાના હક્ક પ્રમાણે એવુ જ કરતા જોયા છે ને સાહેબ..!!

    આ સભ્યતાના લોકોએ શું કરવું..??? “બાપુની” રાહે ચાલવુ…… બસ આ જ છે કઠણાઈ સરજી……..આઈ લવ યુ માય ડિયર બ્રધર…….

 6. પ્રજામજ્જાક રાજ્ય કહો….

  જીવનની સૌથી તાકીદની જરુર હવા, પછી પાણી, પ્રકાશને કહીએ જે મફત મળી શકે. પછીની સૌથી તાકીદની જરુરીયાતો તે રોટી–કપડાં–આવાસ…આ ત્રણ પણ પ્રજાને મળ્યાં નથી ને લાખ્ખો લોકો સાંજે ભુખ્યાં સુવે છે ને અંબાણી જેવાનાં મકાનમાં એક દીવસનું લાઈટ બીલ કેટલું ?!!

  અબજો રુપીયાની હેરાફેરી ને ધનસંપત્તીમાં આળોટતા મહાનુભાવો, નાટકચેટક કરતા નટનટીઓ, દેશને વેચતા રમતવીરો !!! ક્યાં જઈને અટકશે આ બધું ? દીપકભાઈએ આ મધપુડો છંછેડીને બહુ સારું કામ કર્યું છે.

  1. અરે જુગલકિશોરભાઈ, આ તો સરાસર અન્યાય છે. તમે બધાની ખોડ કાઢી, બધાને વાંકમાં લીધા પણ “સાધુડાઓ”, “ધર્મ ગુરૂઓ” અને “ધાર્મિક લોકો”નો કોઈ વાંક ના કાઢ્યો? આ તો બહુ મોટો અન્યાય કહેવાય, આપણા રેશનાલિસ્ટોને….:)

   1. એ મહાન લોકોને આટલા ઓછા શબ્દોમાં ન વર્ણવી શકાય !! એમને માટે આખી પોસ્ટ લખવી પડે. “મારી બારી”માં આ તો ડોકિયું છે…આભાર, ધવલભાઈ.

 7. મારા પ્રિય વડિલમિત્રો, આપણે ફક્ત ચર્ચાઓ કરવાની છે અને કરી પણ રહ્યા છીએ કોઈ ધર્મની બેઈજ્જતી નથી કરવી. મે જે નીરુપણ કર્યુ છે એ ઘણે મોટે અંશે સત્ય જ છે અને એવી રીતે અન્ય ધર્મોમાં પણ થોડી-ઘણી ત્રુટીઓ તો છે જ.

  સંપુર્ણ ધર્મ એટલે મારા મતે તો પરમપિતાના સંતાનો ને નાતે આપણે સૌએ હળીમળીને પરમપિતા પરમાત્માના ખરા સંતાનો બનીએ અને સમાજ અને માનવીય જગત માટૅ થઈ શકે તો પ્રભુ યીસુ જેવા થઈએ, એ શક્ય ન હોય તો સાંઈ બાબા જેવા બનવાની કોશિશ કરીએ અને એવા સંત પણ ના બની શકીએ તો કમસે કમ “મહાત્મા ગાંધી બાપુ” જેવા ધર્મને અનુસરીએ તો ભારત દેશ કેવો બની શકે એની કલ્પના કેમ ના કરીએ !!!

  મારો આશય અને અદમ્ય ઈચ્છા પવિત્ર અને ઈમાનદાર, ભાઈચારાને છલકાવતુ ભારત જોવાનુ છે નહિ કે હિંદુ ધર્મને કે અન્ય ધર્મોને હટાવી ખ્રિસ્તી કે અન્ય પ્રકારની ધાર્મિકતાને ફેલાવવો કે સ્થાપિત કરવો, પણ બીજા ધર્મો નો પણ અભ્યાસ થવો અને મુક્તતા રાખવી ખુબ જ જરુરી છે.

  પરમાત્માએ મોકલેલા માનવીય વેશમાં પ્રભુ યેશુ, સાઈબાબા કે “મહાત્મા ગાંધી બાપુ” માં કોઈ ખોટ નથી પણ મનથી ચિત્રી કાઢેલા દેવી દેવતાઓમાં ઘણી ખોટ ભરેલી દેખાઈ આવે છે અને એ દેવી-દેવતાઓ જ ભારતવાસીઓને ભુલભુલામણીમાં મુકી દિધા છે, અને એવુ ના હોત તો ગૌતબ બુધ્ધે, મહાવીરજીએ, નાનકસાહેબે, કબીરજીએ, દયાનંદ સરસ્વતીજીએ, દાદા ભગવાને અને અન્ય મહાનુભાવોએ સત્યની શોધ માટે નવા નવા મારગો ચિંધ્યા જ ના હોત.

  નવા નવા મારગો ચાતરીને આજે આ મહાનુભાવો પુજાઈ રહ્યા છે જે કહેવાતા યુગો યુગોથી નહિ પણ ૧૦૦-૨૦૦ કે હજાર પાંચસો વરસથી જ પ્રકાશી રહ્યા છે, હવે આ બધા પ્રકાશો હિંદુ પ્રકાશમાંથી જ અલગ થયા છે ને અને લોકોને યુગો પુરાણા (?) દેવી-દેવતાઓથી અલગ કરી દિધા જ છે ને, તો પછી મારી જ વાતો પર હોબાળો કેમ.

  કમ સે કમ ઉપનિષદો, વિવેક્ચુડામણી, બ્રહ્મસુત્ર, ક્ર્ષ્ણ અને વિષ્ણુને બદલે પરમપિતા પરમાત્માને કેંદ્રીત કરીને ગીતા વાંચવાથી, મનન કરવાથી પણ દેવી-દેવતાઓ વિરુધ્ધ ઘણુ સંશોધન થઈ શકે છે.

  ધાર્મિકતા જે તે પુજ્યો પ્રદાન કરે છે પણ આત્મિકતા તો ફક્ત આત્મા-પરમાત્માની જાગરુકતા જ કરાવી શકે છે (અહિ આત્મા એટલે ભટકતી કે દુષ્ટાત્માઓ કે પુર્વજોના આત્માઓ ને ન માનવા પણ આપણા અંદર વાસ કરતો પવિત્ર આત્મ (હોલી સ્પીરીટ) જ સમજવો જે આપણા નશ્વર શરીરને જીવતો રાખે છે અને જે પરમપિતા પરમાત્માનો અંશ છે અને જે આપણને સતબુધ્ધિ પ્રદાન કરે છે.

  પણ ભારતમાં અને અન્ય દેશોમાં પુજાતા ઘણા દેવી-દેવતાઓ દુષ્ટબુધ્ધિ પ્રદાન કરે છે, ઘણા દેવી-દેવતાઓ બલિ માંગે છે, ઘણા વ્યભીચાર માંગે છે, ઘણા મદીરા માંગે છે ઘણ આભડછેટ માંગે છે, વગેરે વગેરે. આમા કર્યુ કાર્ય સત્ય એ સમજવુ જરુરી લાગે છે. અને એ સત્ય સમજાશે તો ઈમાનદાર, પવિત્ર, અને ખુશહાલ ભારત ચમકશે….. એવુ મારુ માનવુ છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: