Praja(ja)sattak Din

પ્રજા(જા)સત્તાક દિન
૧૯૫૦માં આપણે પોતાને જ બંધારણ અર્પણ કર્યું તેને વરસોનાં વહાણાં વાઇ ગયાં છે. આટલાં વર્ષોમાં જે કઈં થયું છે તેનાથી એક જ નવી વાત બની છે, અને તે એ કે આપણા પ્રજાસત્તાકમાં પ્રજા પછી ’જા’ ઉમેરાયો છે! સત્તાધીશોએ પ્રજાને ’જા’કહી દીધું છે એટલે આપણું પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજાને “જા” કહી દેવાયું હોય તેવી સત્તા!

કેટલાંયે અરમાનો સાથે આપણે પ્રજાસત્તાકનાં મંગલાચરણ કર્યાં હતાં. આપણાં આ અરમાનો બંધારણમાં ’માર્ગદર્શક સિદ્ધાંતો’નું રૂપ લઈને આકાર પામ્યાં છે. માર્ગદર્શક સિદ્ધાંતો કાનૂનની દૃષ્ટિએ અધિકાર તરીકે સ્થાપિત કરી શકાતા નથી. પરંતુ એ જ કહેવાતી નબળાઇ આપણા ’રાજ્ય’ની શક્તિ છે એમ માનવામાં આવતું હતું. આશા હતી કે રાજ્ય નિષ્ઠાપૂર્વક માર્ગદર્શક સિદ્ધામ્તોને અમલમાં મૂકશે.માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની નીતિઓની દિશાનું સૂચન કરે છે. રાજ્યે એવી સામાજિક, આર્થિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે બંધારણના આમુખમાં નિરૂપિત આદર્શો સિદ્ધ થાય. રાજ્ય માટે આટલું સ્પષ્ટ માર્ગદર્શન સ્થાપિત થયા પછી પણ આજ સુધી એવી એક પણ નીતિ ઘડાઈ નથી કે જે ખરેખર એ આદર્શો સુધી પહોંચતી હોય.

આપણો સૌથી પહેલો આદર્શ સમાનતાપૂર્ણ સમાજના નિર્માણનો હતો અને હોવો જોઈએ. આઝાદીનાં શરૂઆતનાં વર્ષોમાં આશાનું વાતાવરણ હતું. લોકો માનતા હતા કે બસ, હવે બંધારણમાં લખી દીધું એટલે કામ તો થશે જ. આપણા સાહિત્ય, નાટકો અને ફિલ્મોમાં પણ આ આદર્શ માટે કામ કરવાની તીવ્ર આવશ્યકતા અને ઝંખના વ્યક્ત થતી હતી.

૧૯૬૨ સુધી દેશમાં એક પ્રકારની સર્વસંમતિનું વાતાવરણ હતું. પહેલી પંચવર્ષીય યોજનાએ નવો ઉત્સાહ ભરી દીધો હતો. સામુદાયિક વિકાસના નાનામોટા કાર્યક્રમોમાં જનતાને સામેલ કરવાના સક્રિય પ્રયાસો થતા હતા. તે પછી બીજી યોજનાનાં વર્ષોથી ભારે ઉદ્યોગો પર સરકારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. મોટા પાયે જાહેર ક્ષેત્રોના ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધવા લાગ્યું અને એનું વળતર મળવામાં વિલંબ પણ વધતો ગયો. આનો ભાર સામાન્ય લોકો પર પડવા લાગ્યો. સરકાર પાસે એમના માટે કોઈ ઇલાજ નહોતો. દેશના વિકાસ માટે એક પેઢીએ તો સહન કરવું જ પડે, એવી વાતો શરૂ થઈ ગઈ. બીજી બાજુ, સરકારી ક્ષેત્રોમાં થયેલા મૂડીરોકાણને કારણે સ્ટીલ તો પેદા થવા લાગ્યું, પરંતુ એમાંથી બનતો ઉપભોક્તા માટેનો માલસામાન ખાનગી ક્ષેત્રમાં બનવા લાગ્યો! આમ સરકારી પ્રયાસોનો લાભ ખાનગી ઉદ્યોગોને મળ્યો, જ્યારે ખરૂં મૂડીરોકાણ તો કર ભરનારાઓનું હતું; એમની હાલત તો કથળતી જ ગઈ. આથી અસંતોષ વધવા લાગ્યો.

બીજી બાજુ ચીન સાથે સરહદે યુદ્ધ થયું, એ સમય જવાહરલાલ નહેરુના આદર્શોને આ મોટો ફટકો હતો. એમનું સ્વાસ્થ્ય પણ કથળી ગયું. અનેક નવાં સપનાંને જન્મ આપનાર આ નહેરુની ૧૯૬૪ આવતાં તો એવી સ્થિતિ હતી કે એમ જ લાગતું કે આ તે નહેરુ કે એમનો પડછાયો?

દેશમાં પ્રવર્તતી સર્વસંમતિનું વહાણ આમ ખરાબે ચડી ગયું.આ સાથે નહેરુની નીતિઓનો જરા પણ લાભ ન મળ્યો હોય, બલ્કે, નુકસાન ભોગવવું પડ્યું હોય તેવા આર્થિક રીતે પાછળ રહી ગયેલા લોકો વર્ગ, ધર્મ અને નાતજાતના નામે સંગઠિત થવા લાગ્યા. સત્તા પ્રાપ્તિ અને સત્તા પર ટકી રહેવું એ જ ધ્યેય બની ગયું. નહેરુનાં મૃત્યુ પછીના માત્ર અગિયાર વર્ષના ગાળામાં દેશે એમની જ પુત્રીના નેતૃત્વ હેઠળ કટોકટીનું શાસન પણ જોઈ લીધું. એ પછીનાં વર્ષો આજ સુધી અનૈતિક જોડાણો, અસ્થિર,
અનિશ્ચિત સરકારો અને નીતિઓનાં રહ્યાં છે. આ અસ્થિરતા આજના ભ્રષ્ટાચારનાં મૂળમાં છે.

આજે પ્રજાસત્તાકનાં બાસઠ વર્ષ પછી નવી આર્થિક નીતિઓને કારણે સામાન્ય જનતાનું જીવન અસહ્ય બની ગયું છે. જરૂર છે, નવી રીતે વિચારવાની. જરૂર છે ગાંધીજીના તાવીજને યાદ કરવાની. એમણે કહ્યું કે આપણે જે કઈં કરીએ તેની સામાન્ય લોકો પર, ગરીબો પર શી અસર પડશે તે જો ધ્યાનમાં રાખીએ તો કદી ખોટી નીતિઓ નહીં બને.

આપણે પોતે ચૂંટણી ન લડીએ એ તો સમજાય છે, પરંતુ રાજકારણથી દૂર ભાગી ન શકાય, કારણ કે આર્થિક નીતિઓ રાજકારણીઓ ઘડે છે. એમને માત્ર ભાંડ્યા કરવાથી કઈં નહીં વળે. જનતાએ પોતાને લાભ થાય એવી નીતિઓ ઘડવા માટે એમને ફ઼રજ પાડવી પડશે.આ વાંચનારા સૌ મિત્રો અને બ્લૉગ જગતના સાથીઓ આ દિશામાં કામ કરશે એવી આશા અસ્થાને નહીં ગણાય. ઇંટરનેટ જેવાં માધ્યમની શક્તિથી આપણેને અપરિચિત નથી, માત્ર એનો ઉપયોગ કરતાં અચકાઈએ છીએ.

આજે પ્રજા(જા)સત્તાકમાં વચ્ચે પ્રજા માટે જાકારો ઘુસી ગયો છે. આ ’જા’ને દૂર કરવા માટે સંગઠિત થવાની જરૂર છે.

%d bloggers like this: