Manusmriti ane Jaatio-no udbhav

મનુસ્મૃતિ અને જાતિઓનો ઉદ્‍ભવ

મનુસ્મૃતિના ૧૦મા અધ્યાયમાં ભારતમાં જાતિઓ શી રીતે ઉત્પન્ન થઈ તેનું વિવરણ આપેલું છે. એક વાત યાદ રાખવા જેવી છે કે મનુસ્મૃતિમાં પાપકૃત્યો માટે માફીનો સંકેત નથી, પરંતુ પાપકૃત્યોનું એ સમયના જીવનની વાસ્તવિકતા તરીકે નિરૂપણ કરેલું છે. મૂળ તો માત્ર ચાર વર્ણ હતા – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આમાંથી જાતિઓ શી રીતે બની તેની મનુસ્મૃતિના દસમા અધ્યાયના આધારે નોંધ આપું છું:

૦-૦ મનુસ્મૃતિનું મુખ્ય લક્ષણ ‘શુચિતા’ છે એટલે એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવાનું શક્ય નથી.

૦-૦ આનો અર્થ એ કે કોઈ પુરુષ કે સ્ત્રી પોતાના વર્ણની બહાર શારીરિક સમાગમ કરે તો પણ આખા વર્ણને અસર નથી થતી.

૦-૦ આમ એક ઉચ્ચ વર્ણની વ્યક્તિ વર્ણની બહાર, જાતીય સંસર્ગ કરે તો પણ એને પોતાના વર્ણમાંથી પદચ્યુત થવાનો ભય નહોતો.

૦-૦ આવા જાતીય સંસર્ગની પેદાશ જેવાં સંતાનોને પણ પુરુષના વર્ણમાં સ્થાન નહોતું મળતું, એનાથી ઊતરતે દરજ્જે એમને મૂકવામાં આવતાં. એ પૂરતું ન હોય એમ એમનાં બાળકોને સ્ત્રીના વર્ણનો અધિકાર પણ નહોતો મળતો. એમને તદ્દન અલગ અને માતાપિતા કરતાં હીન ગણવામાં આવતાં.

૦-૦ આમ છતાં લગ્ન અને જાતીય સંસર્ગ માટે ‘અનુલોમ’ અને ‘પ્રતિલોમ’ જેવું કડક વર્ગીકરણ હતું. અનુલોમ લગ્નમાં દરેક ઉચ્ચ જાતિના પુરુષને પોતાના વર્ણમાં અથવા પોતાનાથી નીચા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર હતો. નિમ્ન વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તે પ્રતિલોમ લગ્ન મનાય.

૦-૦ આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ પુરુષ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સ્ત્રી સાથે પરણી શકે પરંતુ ક્ષત્રિય પુરુષ વૈશ્ય અને શૂદ્ર સ્ત્રી સાથે પરણી શકે, બ્રાહ્મણ કન્યા સાથે નહીં. વૈશ્ય પુરુષ, બ્રાહ્મણ કે ક્ષત્રિય કન્યા સાથે પરણી ન શકે, એને માત્ર વૈશ્ય અથવા શૂદ્ર સ્ત્રીને પરણવાની છૂટ હતી.

૦-૦ આમ બ્રાહ્મણ પુરુષને સમાજની બધી સ્ત્રીઓ પર હક મળતો હતો. આ અનુલોમ લગ્ન હોવાથી ધર્મ વિરુદ્ધ ન ગણાય.

આ વ્યવસ્થા કેમ ચાલતી હતી

અહીં કૌંસમાં આપેલા આંકડા દસમા અધ્યાયના સંબંધિત શ્લોકના છે. અહીં મારે ગણિત જેવાં અમુક ચિહ્નો પણ વાપરવાં પડશે, જેથી સહેલાઈથી અને સૂત્રાત્મક રીતે સમજી શકાય. અહીં બ્રાહ્મણ માટે ‘બ’, ક્ષત્રિય માટે ‘ક્ષ’, વૈશ્ય માટે ‘વ’ અને શૂદ્ર માટે ‘શ’ સંકેત આપ્યા છે. આ ઉપરાંત, ‘પુરુષ’ માટે ‘પુ’ અને સ્ત્રી માટે ‘સ્ત્રી’ સંકેતો પણ છે. આમ ‘બપુ’ = બ્રાહ્મણ પુરુષ, બસ્ત્રી = બ્રાહ્મણ સ્ત્રી. એ જ રીતે ‘ક્ષપુ’, ‘ક્ષસ્ત્રી’, ‘વપુ’. ‘વસ્ત્રી’, ‘શપુ’, ‘શસ્ત્રી’ સમજવાનું છે. હવે આ સમીકરણો જૂઓ. એમાં (=) પછી આપેલું નામ સંતાનની જાતિ છે.

(૭) બપુ x વસ્ત્રી = અંબષ્ઠ // બપુ x શસ્ત્રી = નિષાદ અથવા પાર્શવ
(૮) ક્ષપુ x શસ્ત્રી = ઊગ્ર
(૯) બપુ x ક્ષસ્ત્રી (અથવા વસ્ત્રી અથવા શસ્ત્રી) = અપષદ (એટલે કે અનુલોમ લગ્ન હોવા છતાં સંતાનો દ્વિજ નથી. એ જ રીતે પ્રતિલોમ લગ્નથી થયેલાં સંતાનો ‘અપધ્વંસ’ કહેવાતાં).
(૧૦) ક્ષપુ x બસ્ત્રી = સુત // વપુ x ક્ષસ્ત્રી = માગધ // વપુ x બસ્ત્રી = વૈદેહ
(૧૧). શપુ x વસ્ત્રી = આયોગવ // શપુ x ક્ષસ્ત્રી = ક્ષત્તા // શપુ x બસ્ત્રી = ચાંડાલ
(૧૨) ક્ષપુ x બસ્ત્રી = ક્ષત / વૈદેહ

અહીં આ સમીકરણોમાં ‘માગધ’ અને ‘વૈદેહ’ એવાં બે નામ મળે છે. એ મગધ અને વિદેહનો સંકેત આપે છે. જનક રાજા ‘વિદેહ’ હતા એટલે સીતાજીનું નામ વૈદેહી પણ છે. આનો અર્થ એ થઈ શકે કે મગધ એટલે કે આજના બિહારના પ્રદેશમાં આવાં પ્રતિલોમ લગ્નો (વપુ x ક્ષસ્ત્રી = માગધ // વપુ x બસ્ત્રી = વૈદેહ વ્યાપક રીતે માન્ય હતાં. બીજું આજે આપણે જેને ભીલ અને પારધી તરીકે ઓળખીએ છીએ તે આ નિષાદ થવા ‘પારશવ’ છે (ઉપર શ્લોક ૭નું બીજું સમીકરણ). પારશવ એટલે પાર + શવ. અથવા જેનો દરજ્જો શવથી પણ પાર (ઊતરતો) હોય તે.

આટલેથી અટકતું નથી

આંતર્વર્ણીય જાતીય સંબંધો્ની આ શ્રેણી અહીં પૂરી નથી થતી. પતિત વર્ગમાં મુકાયેલાં સંતાનોની નવી જાતિ બની ગઈ અને એની સાથે પણ ઉચ્ચ વર્ણના સંબંધો ચાલુ રહ્યા અને એમનાં સંતાનોને તો એમની માતાની પતિત જાતિ કરતાં પણ નીચો દરજ્જો આપવામાં આવતો. ૧૪મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણ પુરુષ જો ઊગ્ર, અંબષ્ઠ કે આયોગવ સ્ત્રી સાથે સંસર્ગ કરે તો એમની નિષ્પત્તિ રૂપ બાળક્ને અનુક્રમે આવૃત્ત, આભિર અને ઘિગ્વન જાતિમાં મૂકવામાં આવતાં. આ બધી જાતિઓ ઊગ્ર, અંબષ્ઠ કે આયોગવ કરતાં નીચી મનાતી.

આભિરો આમ તો મધ્ય એશિયાથી આવ્યા. એમના વંશજો એટલે આજના આહીરો અને યાદવો હશે એમ મનાય છે. કૃષ્ણ યાદવ હતા અને આહીરો એમને આદિ પુરુષ માને છે, પરંતુ ઊગ્ર સ્ત્રી અને બ્રાહ્મણ પુરુષના જાતીય સંબંધોને કારણે ઉત્પન્ન થતા બાળક્ને આભિર ગણાવવું તેનો અર્થ એ થાય છે કે બ્રાહ્મણ વર્ગને આભિરો માટે અણગમો હતો. ઘિગ્વન મરેલા પશુની ખાલ ઉતારવાનું કામ કરતા. અથવા મોચી પણ હોઈ શકે છે.

શ્લોક ૧૫-૧૬ દર્શાવે છે કે આયોગવ, ક્ષત્તા અને ચાંડાલને શૂદ્ર કરતાં નીચા માનવામાં આવ્યા છે, પરંતુ માગધ, વૈદેહ અને સુતનું સ્થાન તો એમના કરતાં પણ નીચું છે.

૧૭મો શ્લોક કહે છે કે શૂદ્ર સ્ત્રી અને નિષાદ પુરુષના સમાગમથી ઉત્પન્ન થતા બાળકની જાતિ ‘પુક્કા’ છે, પરંતુ શૂદ્ર પુરુષ અને નિષાદ સ્ત્રીનું સંતાન કુક્કુટક જાતિમાં ગણાય.

આમ અવર્ણ જાતિઓ સાથેના જાતીય સંસર્ગથી એમના કરતાં પણ નીચી જાતિ પેદા થાય છે (શ્લોક ૧૮).

સંસ્કારહીન સવર્ણૉની જાતિ

હવે મનુસ્મૃતિ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી જેમના યજ્ઞોપવિત સંસ્કાર ન થયા હોય એમની વાત કરે છે. આવા સંસ્કારહીન બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ‘વ્રાત્ય’ (એટલે રખડુ) તરીકે ઓળખાતા. વ્રાત્ય બ્રાહ્મણનો પુત્ર ભૂર્જકંટક જાતિમાં ગણાય. આ નામ પ્રદેશ પ્રમાણે જુદાં છે, જેમ કે, આવર્ત, વાતધાન, પુષ્પધા, શેખ વગેરે. વ્રાત્ય ક્ષત્રિયના પુત્રની જાતિ ઝલ્લ, મલ્લ, નિચ્છવી, નટ, કરણ, ખુસ, દ્રવિડ છે; વ્રાત્ય વૈશ્યનાં સંતાનોની જાતિ સુધન્વા, કારુષ, વિજન્મા, મૈત્ર, સત્વત અને આચાર્ય (એટલે કે શ્મશાનમાં ચિતાને સંભાળનારો) છે. (૨૦, ૨૧, ૨૨).

હવે એક બાજુ શ્લોક ૨૫ અને ૨૬ અને બીજી બાજુ શ્લોક ૩૦માં જે કહ્યું છે તે વિરોધાભાસી છે. ૨૫-૨૬ શ્લોકો કહે છે કે સુત, વૈદેહ, અધમ, માગધ, ક્ષત્તા, આયોગવ પુરુષ સવર્ણ સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે તો એમનાં બાળકો સ્ત્રીની જાતિમાં ગણાશે. બીજી બાજુ શ્લોક ૩૦ પ્રમાણે આ સંતાનોને માતાપિતાથી નીચેની જાતિમાં મુકાશે. આ ઉપરામ્ત એમ પણ કહ્યું છે કે આ ઉપરાંત એ જ દરજ્જાની બીજી પંદર જાતિઓ છે. પરંતુ એમનાં નામ નથી આપ્યાં. આ સૂચીમાં શ્લોક ૩૯ દ્વારા બીજી જાણીતી અને અજાણી જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ગીકરણ ૪૦મા શ્લોકમાં પણ ચાલે છે. આ જાતિઓને એમની જીવનશૈલી અને કામધંધા પરથી ઓળખીને યોગ્ય વર્ગમાં મૂકવાની છે.

લુપ્ત થતી આર્ય જીવન શૈલી અને વિદેશીઓ

૪૩મો શ્લોક ઇતિહાસની દૃષ્ટિએ મહત્વનો છે. એમાં અમુક જાતિઓનાં નામ આપીને કહ્યું છે કે મૂળ આ જાતિઓ ક્ષત્રિય વર્ણની હતી પણ બ્રાહ્મણોએ એમને ધુતકાર્યા તે પછી એ શૂદ્ર વર્ણમાં ગણાય છે. આ જાતિઓનાં નામ આ પ્રમાણે છેઃ પૌન્ડ્રક, ઔન્ડ્ર, દ્રવિડ, કંબોજ, યવન, શક, પારદ, અપહ્યવ, ચીન, કિરાત, દરદા, ખશ. આ યાદીમાંથી સ્પષ્ટ થાય છે કે દ્રવિડોને શૂદ્રમાં મૂક્યા છે. આનો નકારાત્મક અર્થ નથી. એનો અર્થ તો એ છે કે દ્રવિડો મનુસ્મૃતિના સમયમાં આર્ય સમાજવ્યવસ્થામાં છેક નીચલા સ્તરેથી પ્રવેશ કરી ચૂક્યા હતા અને આર્ય-દ્રવિડ જેવાં વિભાજન નથી રહ્યાં. ખરૂં જોતાં, આર્ય જીવન પદ્ધતિ જ લુપ્ત થવા લાગી હતી અને વર્ણ આધારિત સમાજવ્યવસ્થાનો વિકાસ થયો હતો. ખરેખર તો જાતિઓ વર્ણ કરતાં પણ વધારે મહત્વની બની ગઈ હતી.

અહીં કેટલાંક વિદેશી નામો પણ છે. કંબોજ એટલે કંબોડિયાના નિવાસીઓ. શક તો મધ્ય એશિયામાંથી ઇસુ પૂર્વેની પહેલી સદીથી ઇસુની પહેલી સદી દરમિયાન એ અહીં આવ્યા. ગુજરાત, સહિત ઘણા પ્રદેશોમાં એમની હકુમત હતી. આભિરો પણ શક જ હતા અને સૌરાષ્ટ્રમાં એમનું શાસન હતું આવ્યા જૂનાગઢવાળા રુદ્રદામન જેવા રાજાના ઇતિહાસથી અપરિચિત નહીં હોય. યવનો એટલે આયનિયન અથવા ગ્રીક. ભારતમાં ઈ.પૂ. ૨૦૦ની આસપાસ ગ્રીકો શકોથી પહેલાં આવ્યા અને અફઘાનિસ્તાન તેમ જ આજના પાકિસ્તાનના ઘણા પ્રદેશોમાં એમની હકુમત હતી. આ બધાનો અંતે સૂરજ આથમી ગયો અને ધીમે ધીમે ભારતીય સમાજમાં ભળતા ગયા દરદા મોટે ભાગે અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં વસતા હતા અને કિરાત (ભીલના પૂર્વજ) હિમાલયની તળેટીમાં વસતા હતા. એ જ રીતે પારદ નામ કદાચ ઈરાનીઓનું હોઈ શકે. ચીન એટલે શું? એ ચીની લોકો હતા અથવા કુશાનો પણ હોઈ શકે કારણ કે કુશાનો મધ્ય એશિયાના ચીનના પાડોશી પ્રદેશોમાંથી ભારત આવ્યા હતા. વીતેલા જમાનાના આ યોદ્ધાઓ અને શાસકોએ પોતાનું સ્વત્વ ખોઈ દીધું હતું અને ભારતીય સમાજના નિમ્ન સ્તરે સ્થિર થયા હતા. પહેલાં એમને ક્ષત્રિય માનવામાં આવ્યા હતા, પણ શ્લોક કહે છે તે પ્રમાણે તે પછી બ્રાહ્મણોએ એમને નીચે ઉતારી મૂક્યા.

૪૪મા શ્લોકમાં પણ આવી જ મહત્વની વાત મળે છે. એમાં કહ્યું છે કે ચારેય વર્ણના લોકોનાં પાપમય કૃત્યોને કારણે જન્મેલાં બધાં બાળકો દસ્યુ છે, પછી એમની ભાષા મ્લેચ્છ હોય કે આર્ય. મ્લેચ્છ નામ સામાન્ય રીતે દેશના વતનીઓને નથી અપાયું. એ નામ વિદેશીઓ માટે છે. પાછળથી માત્ર મુસલમાનો માટે એનો ઉપયોગ થવા લાગ્યો, પરંતુ મનુસ્મૃતિના રચના કાળ વખતે ઇસ્લામનો ઉદય નહોતો થયો. એટલે આ શબ્દ બધા વિદેશીઓ માટે હશે. તે પછી તો માત્ર મુસલમાનો જ આવ્યા એટલે એ નામ એમના માટેનું ખાસ થઈ ગયું.

એકંદરે, ક્ષત્રિયમાંથી પતિત થયેલી પચાસ જાતિઓ અને તે સિવાયની બીજી બાર જાતિઓ હતી.

રહેઠાણ અને કામ ધંધામાં અનામત વ્યવસ્થા

આ નીચી જાતિઓને નગરમાં રહેવાનો અધિકાર નહોતો. નગરની ભાગોળ કે વગડો,, મંદિરોની બહાર, પર્વતોની ગુફાઓ કે શ્મશાનઘાટ એમનાં રહેણાક હતાં. ગામના સામાન્ય જીવન વ્યવહારમાં એમને ભાગ લેવાની છૂટ નહોતી. જો કે, ચાંડાલ અને શ્વપચ જાતિના લોકો નગરની બહાર રહી શકતા. ચલ સંપત્તિ તરીકે એ લોકો ગધેડાં અને કૂતરાં પાળી શકતા. પરંતુ એક જગ્યાએ સ્થાયી થઈને રહી ન શકતા. એમણે સતત રહેણાક ફેરવવું પડતું. શબ પરથી ઉતારેલાં કપડાં જ એમના માટે વસ્ત્ર હતાં ભોજન માટે એમને માત્ર માટીનાં વાસણો વાપરવાનો અધિકાર હતો. એ લોકો માત્ર લોખંડનાં જ ઘરેણાં પહેરી શકતા.

નીચી જાતિના લોકોને રાતે નગરમાં પ્રવેશ કરવાની છૂટ નહોતી. એ લોકો માત્ર મરેલાં જાનવર ઉપાડવા દિવસ દરમિયાન નગરની અંદર આવી શકતા. બિનવારસી મડદું લઈ જવું એ એમનો અધિકાર હતો! (શ્લોક ૪૯થી ૫૫).

સફાઈ કરવી, કપડાં ધોવાં વગેરે એમના વ્યવસાય હતા.સુતો રથ હાંકતા અને અંબષ્ઠોજડૅબૂટીઓ વેચતા. નિષાદો માછલાં પકડતા અથવા લાકડાં કાપીને ગુજરાન ચલાવતા. આયોગવ, મેદ, આંધ્ર, ચુંચુ અને મડગુ જાતિઓએ જંગલી પ્રાણીઓના શિકાર પર નભવું પડતું. વૈદેહો રાણીવાસોમાં દાસ તરીકે કામ કરતા, પરંતુ માગધોને નાના વેપાર ધંધાની છૂટ હતી. ક્ષત્તા (ખાટી?),ઊગ્ર અને પુક્કા જીવન નિર્વાહ માટે ઉંદર, સાપ, નોળિયા અને દર બનાવીને રહેતા જીવોને મારીને ચલાવતા. કેટલીક કોમોનું કામ જ મૃત્યુદંડનો અમલ કરવાનું હતું. આ જાતિના લોકોની હાજરીમાં ધાર્મિક અનુષ્ઠાન કરવા પર પ્રતિબંધ હતો.

૫૬મા શ્લોકમાં ચેતવ્યા છે કે કેટલીક અનાર્ય જાતિઓ રંગ વાપરીને આર્ય જેવી દેખાય છે. એમનાથી સાવધ રહેવું. આ બહુરૂપીનો વ્યવસાય હશે. એમને એમનાં કૃત્યોથી ઓળખી લેવાની આ શ્લોકમાં સલાહ આપવામાં આવી છે.

સવર્ણૉ માટે અનામત કામ

૧. અધ્યયન, યજ્ઞ કરવા અને દાન આપવું એ બ્રાહ્મણોનું કર્મ છે. અધ્યાપન, યજ્ઞ કરાવવા અને દાન લેવું એ એમની કમાણીનું સાધન છે. (શ્લોક ૭૪-૭૫)
૨. બ્રાહ્મણના અધિકાર હેઠળનાં આ ત્રણેય કાર્યો અને કમાણીનાં સાધનો ક્ષત્રિય અને વૈશ્યના કર્તવ્યનો ભાગ છે. (૭૬-૭૭).
૩. ક્ષત્ર્ય શસ્ત્રોને સહારે જીવે છે, વૈશ્યના કર્મમાં કૃષિ અને વેપારવણજનો સમાવેશ થાય છે. (૭૮).
૪. બ્રાહ્મણ પોતાનું ગુજરાન ન ચલાવી શકે તો એ ક્ષત્રિય કે વૈશ્યનાં કર્મો પણ કરી શકે છે (૭૯) પરંતુ બ્રાહ્મણ કે ક્ષત્રિય ખેતી ન કરી શકે કારણ કે એમાં જમીનની જીવાતનો નાશ થાય છે. (૯૨).
૫. બ્રાહ્મણ અને ક્ષત્રિય વેપાર પણ કરી શકે પણ અમુક વસ્તુઓનો વેપાર ન કરી શકે. (૮૪થી ૯૨)
૬. વસ્તુવિનિમય પ્રથાથી વેપાર થતો હશે, કારણ કે ૯૩મા શ્લોકમાં કહ્યું છે કે ખાદ્ય વસ્ર્તુઓનો વિનિમય ગોળ અને દૂધ સામે તો કરી શકાય પણ મીઠા સામે નહીં.
૭. પરંતુ કોઈ પણ સંયોગોમાં ક્ષત્રિય બ્રાહ્મણનાં કામો ન કરી શકે અને વૈશ્ય એનાથી ઉપરની બન્ને કોમોનાં કામો ન કરી શકે. (૯૪થી ૯૭).
૮. નિમ્ન જાતિની વ્યક્તિ આ ત્રણેય ઉચ્ચ વર્ણોનાં કામ કરતી જણાય તો, મનુસ્મૃતિ કહે છે કે, રાજાએ એની સઘળી સંપત્તિ ખૂંચવી લેવી અને એને દેશનિકાલ કરી દેવો. (૯૫).

મનુસ્મૃતિ કહે છે કે બ્રાહ્મણે માત્ર સુપાત્ર પાસેથી દાન લેવાનું છે અને સુપાત્રને વિદ્યા આપવાની છે. પરંતુ જો એ રીતે એના ઘરનો નિભાવ ન થતો હોય તો એ નીચ વરણના માનસ પાસેથી પણ દાન લઈ શકે છે અને એને વિદ્યા આપી શકે છે, કારણ કે બ્રાહ્મણ પોતે તો હંમેશાં શુદ્ધ જ હોય છે અને એની શુચિતા કદી પ્રદૂષિત થતી નથી!

ઉપસંહાર

આમ નાતજાત એક ઉદ્દંડતાપૂર્ણ કામૂકતાની પેદાશ છે આ સમાજ અપરાધીને સજા નથી કરતો પણ એ અપરાધના ફળ સમાન સંતાનોને પતિત માને છે. આ જાતની વિકૃતિનો દુનિયામાં જોટો મળે એમ નથી. આફ્રિકા ખંડમાં સામ્રાજ્યવાદી શાસકોએ અત્યાચારો કર્યા છે. જાપાની સૈન્યે ચીનમાં અત્યાચારો કર્યા છે, વિયેતનામ પણ આવા જુલમોનું સાક્ષી છે પરંતુ આવા અત્યાચારોને માન્યતા મળે અને એનું શાસ્ત્ર સંપાદિત થાય અને આધારભૂત મનાય એવો કોઈ દાખલો ઇતિહાસમાં નથી. આ તો આવા અત્યાચારોના પાયા પર એક આખી સમાજવ્યવસ્થાનો વિકાસ કરાયો છે. DNA ટેસ્ટ કરીએ તો જણાશે કે નીચી મનાતી જાતિઓમાં, કઈં નહીં તો ત્રણમાંથી એક સવર્ણ જાતિના અંશ હશે જ. આજે પણ એમના જીન્સ તપાસતાં આપણાં દૂર દૂરનાં ભાઈબહેન મળી આવશે. એમનામાં અને આપણામાં એક જ વડવાનું લોહી દોડતું હશે.

મનુસ્મૃતિ યથાસ્થિતિનો દસ્તાવેજ હોય એમ લાગે છે. એટલે કે પહેલાં મનુસ્મૃતિ ગ્રંથ બન્યો અને તે પછી લોકો એના પ્રમાણે જીવવા લાગ્યા એવું નથી. સમાજની સ્થિતિ જે હતી એનું માત્ર તાદૃશ વર્ણન એમાંથી મળે છે. આ ગ્રંથ કાળક્રમે સાચાખોટા વ્યવહારનો માપદંડ અને માન્ય ધર્મગ્રંથ બની ગયો એ ભારતનાં દુર્ભાગ્ય છે.

મનુસ્મૃતિનો દાવો શુચિતા જાળવી રાખવાનો છે પરંતુ વર્ણૉ તો શુદ્ધ રહ્યા જ નહોતા! માત્ર એના આધારે ઉચ્ચ વર્ણો પોતાનું ગુનાઇત શાસન ચલાવતા રહ્યા અને પોતાની હવસખોરીની બધી મઝા લૂંટતા રહ્યા અને તે સાથે એ કૃત્યોની નિષ્પત્તિ, એટલે કે સંતતિ, જાણે એમના કરતાં પણ વધારે પતિત હોય એમ નવી જાતિઓ બનાવતા રહ્યા અને એમને મોતથીયે બદતર જીવનમાં ધકેલતા રહ્યા.

ઘણી વાર સાંભળવા મળે છે કે વર્ણ વ્યવસ્થા શ્રમ વિભાજન હતું કારણ કે દરેક પ્રકારના લોકોની સમાજને જરૂર પડે છે. પરંતુ આપણે ત્યાં જે વ્યવસ્થા હતી તે આ વ્યાખ્યામાં આવી શકે એટલી સરળ નથી.એ સૈદ્ધાંતિક કે સ્વાભાવિક હોય તેના કરતાં ગુનાઇત વધારે છે. દરેક જાતિ માત્ર શ્રમ વિભાજન પ્રમા્ણે બની હોય તો આજે દલિતો પ્રત્યે આટલો રોષ કેમ છે કે એમની સ્ત્રીઓને રસ્તા પર નગ્ન કરીને પરેડ કરાવાય, કે એમને જીવતા સળગાવી દેવાય?

વર્ણ વ્યવસ્થાએ સમાજને બંધિયાર બનાવી દીધો હતો. જડબેસલાખ સમાજમાં કશું તસુમાત્ર પણ ખસી શકતું નહોતું, આમ છતાં આપણે જોયું કે બાર જાતિઓ ક્ષત્રિયમાંથી શૂદ્રના દરજ્જામાં આવી ગઈ હતી! આમ કેમ બન્યું? આનાં કારણો ટૂંકમાં જોઈને આ લેખ સમાપ્ત કરીએઃ

સમાજના વિકાસનો માપદંડ એની આર્થિક પ્રવૃત્તિમાં આવેલી વિવિધતા છે. દેખીતી રીતે જ બ્રાહ્મણો અને ક્ષત્રિયોનાં કાર્યોનો પ્રભાવ આર્થિક પ્રવૃત્તિ પર બહુ ઑછો હોય. એમની પ્રવૃત્તિમાં કોઇ આંતરિક ફેરફારોની શક્યતા નહોતી. અધ્યયન/ધ્યાપન માત્ર પરિધિ પરની પ્રવૃત્તિ છે. ક્ષત્રિયો લડતા હતા અને યુદ્ધ આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે એવી ઘટના છે. આમ યુદ્ધોએ આર્થિક પ્રવૃત્તિમાં નિર્ણાયક ભાગ ભજવ્યો હશે પરંતુ ક્ષત્રિયો્ને એનો સીધો લાભ ન મળ્યો, કારણ કે એ પ્રવૃત્તિનો દોર વૈશ્યોના હાથમાં હતો. ક્ષત્રિયો લડતા અને લડવા માટે જનતા પાસેથી ટેક્સ લેતા અને વૈશ્યો પાસેથી પૈસાની મદદ લેતા. જીતતા તો રાજા બનતા અને મરતા તો સ્વર્ગે જતા! એમના સ્વાભાવિક કર્મનો આ બે સિવાય એમના માટે ત્રીજો કશો અર્થ નહોતો.

આર્થિક પ્રવૃત્તિઓ વધતાં સૌથી વધુ વિવિધતા વૈશ્ય વર્ગમાં આવી. કેટલાંય નવાં કામો શરૂ થયાં અને કેટલાંયે કામો બંધ થયાં. વૈશ્યો હવે ઉત્પાદનનાં કામોમાંથી પણ નીકળી ગયા, ખેતી પણ એમ્ને બંધ કરી. બધાં ઉત્પાદક કાર્યો શૂદ્ર વર્ગ પાસે ગયાં કારણ કે એ વર્ગ જાતે મહેનત કરતો હતો. જે કોઈ નવું કામ વિકસ્યું તે શૂદ્ર વર્ગ પાસે આવ્યું કારણ કે એ કામ તો હાથથી જ થવાનું હતું! આમ ટેકનોલૉજીનો વિકાસ પણ શૂદ્રો દ્વારા થયો પરંતુ, કદાચ એ જ કારણે આપણે ભૌતિક પ્રગતિને ગૌણ માનીને ઇન્કાર કરી દીધો અને માત્ર શાસ્ત્રો અને આધ્યાત્મિક વાતો પર ધ્યાન આપ્યું. આ બધી નક્કર વિકૃતિઓ સ્થગિત સામાજિક માન્યતાઓ અને એક વર્ગની વર્ચસ્વવાદી યોજનાઓની નીપજ હતી. આમ છતાં સમાજ બદલવા માટે ઇન્કાર કરતો રહ્યો. આજે પણ એનાં માઠાં ફળ આપણે ભોગવીએ છીએ. xxxx

26 thoughts on “Manusmriti ane Jaatio-no udbhav”

 1. ઈતિહાસ અને શાસ્ત્ર હમ્મેશ વિજેતાઓ વડે જ લખાતા હોય છે!
  યુરોપ અને અમેરિકાનો ઈતિહાસ વાંચતાં અરેરાટી થઈ આવતી હતી. આ વાંચીને તો એક જ વાક્ય બોલવું પડે…
  મેરા ભારત મહાન ! ( વિજેતાઓના કુકર્મોમાં શ્રેષ્ઠ )
  —————
  મનુસ્મૃતિની લખેલી પ્રત મૌર્ય કે ગુપ્ત કાળ પહેલાંની નહીં જ હોય, એમ માનું છું. આથી એમાં તે સમયને અનુરૂપ શ્લોકો ઉમેરવામાં આવ્યા હોય , તેવી શક્યતા નથી?

 2. ભાઈ દીપકભાઈ
  આ લેખ વાંચવાની અને ભૂતકાળ જાણવાનો મળ્યો.
  મારા અંગત અભિપ્રાય મુજબ જ્ઞાતિ પ્રથા, પોતાનું વર્ચસ્વ અને આર્થિક હિતો
  પેઢી એ પેઢી એ જળવાઈ રહે તે હેતુ થી થોડા ઘણા શક્તિ શાળી અને બુદ્ધિ શાળી વર્ગે ઉભી કરી દીધી હશે.

  એવું વાંચ્યા નું યાદ છે કે આર્યો મધ્ય એશિયા માં થી ભારત ખંડ માં આવિયા
  અને લડાયક હતા માટે સ્થાનિક લોકો ને મારી ઝૂડી ને તેમના પર વર્ચસ્વ જમાવી બેઠા.
  પરંપરા મુજબ જીતેલી પ્રજા હારેલી પ્રજા ના પુરુષ વર્ગ ને મારી નાખી સ્ત્રીઓ ને
  તેમના રાણીવાસ માં બેસાડી દેતી હોય છે. આર્યો એ ભારત ખંડ માં
  હારેલી પ્રજા ના પુરુષ વર્ગ ને નીચો સામાજિક દરરજો આપી ગુલામ જેવા બનાવી
  જાતિ પ્રથા ની શરૂઆત કરેલી.

  મને અંગત રીતે જુના લખાણો (૩૦૦-૪૦૦ વર્ષો પહેલાના) અને તેમાં રજુ કરેલી માહિતી માં વજૂદ ઓછી લાગે છે અને હાલ ના સમય માં તેનું relevance પણ લાગતું નથી.

  ‘મનુસ્મૃતિ’ ફક્ત નામ વર્ષો પહેલા સાંભર્યું હતું. તમારા લેખ માંથી જાણવાનું ઘણું મળ્યું.
  ‘મનુસ્મૃતિ’ ની રચના કરનાર self centered and protector of self interests લાગે છે. કદાચ કોઈ રાજા એ ‘મનુસ્મૃતિ’ ના રચનાર ને મોટી બક્ષીશ આપી રાજ કારણ માં સહેલાઈ પડે માટે પણ લખાવયું હોય!

 3. એવું વાંચ્યા નું યાદ છે કે આર્યો મધ્ય એશિયા માં થી ભારત ખંડ માં આવિયા
  અને લડાયક હતા માટે સ્થાનિક લોકો ને મારી ઝૂડી ને તેમના પર વર્ચસ્વ જમાવી બેઠા…….you may read here

  http://www.hindunet.org/hindu_history/ancient/aryan/aryan_frawley.html

  http://www.archaeologyonline.net/artifacts/aryan-harappan-myth.html

  http://gosai.com/writings/the-myth-of-the-aryan-invasion

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

 4. I must say it as the reservation of that time and so the same people oppose the reservation this time….
  Manu were so many…and it was the sociology of that time. I read Manusmruti long back and found so many things irrelevant ..may be in this age…but they were the framers of the society and the rules

  1. રિઝર્વેશન હંમેશાં રહ્યું છે. કેટલાંક ક્ષેત્રો ‘એમના’ માટે અનામત હતાં, કેટલાંક ‘આપણા’ મા્ટે. આજે આપણા માટેનાં ક્ષેત્રો ‘ડી-રિઝર્વ’ ( અનારક્ષિત) થયાં છે એટલું જ. આમ તો એમનાં ક્ષેત્રો પણ અનારક્ષિત થયાં જ છે, પણ
   ‘એમને’ ખતરો નથી લાગતો કારણ કે ‘આપણે’ એ ક્ષેત્રોમાં જવાના નથી!

 5. શ્રી દીપકભાઈ ધોળકિયા,

  પ્રથમતો મને આપના બ્લોગ પર અમાન્ત્રવા પર ખૂબ ખૂબ આભાર. ઘણો જ અભાસપૂર્ણ તમારો બ્લોગ પણ છે. આટલું ઊંડું અધ્યયન અને તે પરથી સુંદર અને રસપ્રદ તારણ; ગુજરાતી સાહિત્યની ઉચાઇઓના દિવસો પાછા આવવાને વાર નથી!!

  મેં પ્રથમ જ કહેલ તેમ મને મનુસ્મૃતિનો બહુ અભ્યાસ નથી; તમે અહી આ માધ્યમથી જે પણ જણાવ્યું તેના આધારે જ મેં તો મનુ-સ્મૃતિને જાણવાનો પ્રયત્ન કર્યો છે. બાકીતો શ્રી રાઓલજીના બ્લોગ પર જે કાઈ પ્રતિભાવ આપ્યો તે તો બસ મારા મનમાં આવ્યું તે કહી દીધું છે. ઈતિહાસ અને તે દરમ્યાન લખાયેલ આવા સમર્થ ગ્રંથો તે હમેશા મારા રસના અને ખાસ કરીને તો fascination ના વિષયો રહ્યા છે; મને આ બધું જાણવાની ઘણી જ ઈચ્છા હોય છે; પરંતુ તે માટેનો સમય અને સંજોગોના અભાવે અત્યાર સુધી શક્ય ન હતું. તમારા લીધે રસ ફરીને જાગૃત થયો અને તમારા બ્લોગના માધ્યમથી ઘણી મહત્વની જાણકારી પણ મળી. ફરીથી આપનો આભાર.

  વાસ્તવમાં કહુતો હું ‘NIR is Life’ સાથે થોડે-ઘણે અંશે સહમત છું. તેમને આવી બધી વાતોમાં તથ્ય નથી લાગતું; પણ મને તો તથ્ય પણ લાગે છે અને તેને વિષે જાણવાની પણ મજા પડે છે; પરંતુ માનવાને જરા પણ મન માનતું નથી. આ બધી વાતો મજેદાર હોય છે અને તે સત્ય હોય તો તે જમાનાનો સમાજ કેવો હશે તે વિચારીને અને કલ્પીને ખરેખર રોમાંચ થાય છે. પરંતુ શું તમે કે હું તે પ્રમાણે જીંદગી જીવી શકવાના છીએ? લગભગ અશક્ય જેવી વાત છે. શું આજે માત્ર ઘીગ્વન જ ચામડાના વ્યવસાયમાં છે? ને કોઈ ચમાર, કોળી કે હજામ શિક્ષક તમારી જાણમાં હોય તેવું નથી? હશે જ!!

  સુધીર મહેતા – વાણિયા મટીને વૈદ્ય બની ગયા – ભારતની મોટી ફાર્માસ્યુટીકલ કંપની ચલાવે છે. રાઓલજી – ક્ષત્રિય માંથી લેખક બની ગયા – પોતાનો બ્લોગ ધરાવે છે અને તે દ્વારા જ્ઞાન વહેંચવાનું કામ કરે છે!! અઝીમ નારણ પ્રેમજી – મ્લેચ્છ હોવા છતાં વેપાર કરી શકે છે અને સર્વશ્રેષ્ઠ વેપારીઓમાં સ્થાન મેળવે છે!! કઈ જગ્યા એ વર્ણ વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે, જણાવશો?

  દરેકની દલીલ એ હોવાની કે; બિહારમાં આજે પણ ભુમીહારો પાસે જમીન નથી; જમીનદારોની ગુલામી તે જ તેમના જીવનની કહાણી છે. દલિત સ્ત્રીને તે દલિત હોવાને કારણે જ સવર્ણોના અગણિત અત્યાચાર સહન કરવા પડે છે!! ઉત્તરપ્રદેશમાં સામાન્ય લોકોની જીંદગીમાં બ્રાહ્મણોની જોહુકમી વણાઈ ગયેલી છે. દલિત યુવક આધુનિક શિક્ષણ મેળવીને કોલ સેન્ટર માં કામ કરે છે; તે આગળ કામ કરવા માટે વિદેશ જાય છે – ત્યાં સવર્ણ છોકરીના પ્રેમમાં પડે છે – લગ્ન કરે છે અને તેની જાણ તેના સવર્ણ (ભારતીય) ઓફિસરને થતા તે બંને ને હેરાન કરવા માટે નોકરી માંથી કાઢી મૂકે છે!!! (એક સમાચાર પત્રમાં આ કિસ્સો વાંચ્યો હતો) આવા કિસ્સાઓ બનતા રહે છે જે સૂચવે છે કે ભારતનો સમાજ હજુ પણ વર્ણ વ્યવસ્થાના ચક્કરોમાંથી બહાર નથી આવ્યો. વાત કદાચ સાચી છે; પરંતુ તેને મનુસ્મૃતિ અને વર્ણ-વ્યવસ્થા સાથે કશી લેવા દેવા નથી. આતો દરેક સસ્તન પ્રાણીમાં ઘર કરી ગયેલી – બીજા કરતા ચડિયાતા બનવાની / દેખાવાની અને હરીફને કોઈ પણ રીતે પછાડી દેવાની વૃત્તિનો જ એક ભાગ છે.

  મનુ-સ્મૃતિ – જેમ તમે તમારા લેખમાં દર્શાવ્યું છે તેમ યથાસ્થીતીનો દસ્તાવેજ હોવો જોઈએ; મતલબ કે તે સમયના લોકોની સમાજ વ્યવસ્થાનો અભ્યાસ કરીને તેનો જાતિ-આધારિત matrix બનાવ્યો હોય તેમ બને. જો તેમ હોય તો ઘણો જ મહત્વનો ગ્રંથ કહેવાય!! આતો ઐતિહાસિક દસ્તાવેજ કહેવાય!! આવો ગ્રંથ અત્યારની પરિસ્થિતિ માટે જો બનાવવામાં આવે તો? જરા કલ્પના કરી જુઓ; આપણે જો માત્ર ઇતિહાસની મહત્વની વ્યક્તિઓને જ તેમાં સમાવવા માંગીએ તો પણ સૂ શ્રી માયાવતી ને બાબુ જગજીવનરામ ના ઉલ્લેખ વગર તે અધૂરું જ મનાશે!! દલિતોને અપાતી અનામત બેઠકો અને તેના આધારે ઉચ્ચ સરકારી પદો પર વિરાજમાન વિવિધ જાતિઓ કે જેને મનુસ્મૃતિના સમયમાં નગરની અંદર રહેવાનો પણ અધિકાર નહતો બધાનો તેમાં ઉલ્લેખ આવે – કેવું મજાનું ચિત્ર બને!! જરા વિચારો.

  મારો કહેવાનો મતલબ એ જ છે કે બદલાતા સામાજિક મુલ્યોની સાથે સાથે સામાજિક નીતિ-નિયમો પણ બદલાતા રહે છે. (અને દરેક નવો જમાનો જૂના જમાનાને ભાંડવાનું કામ પણ કરતો રહે છે.) દીપકભાઈ એ અહી આલેખ્યા મુજબ; કેટલીક જાતિઓને બ્રાહ્મણોએ ધુત્કાર્યા પછી તેઓ ક્ષત્રિયને બદલે શુદ્ર ગણાવા લાગ્યા. આજના જમાનામાં જુઓ તો – કેટલીક જાતિઓને સરકારી બાબુઓએ (બ્રાહ્મણો વાંચો) બક્ષીપંચની યાદીમાં મુક્યા ત્યારથી તેઓ schedule cast ની સમકક્ષ ગણાવા લાગ્યા (અને ગુજ્જર જેવી કેટલીક જાતિઓ જાણીજોઇને તેમ ગણાવા માંગે છે!!) આમ પરિવર્તન તો પ્રકૃતિનો નિયમ છે. તેને માટે કોઈ (જન્મ-જાત) બ્રાહ્મણે મનુ-સ્મૃતિને આધાર બનાવી (જન્મ-જાત) શુદ્રો પર પોતાનો સિક્કો ખરો કરવાનો કે કોઈ (જન્મ-જાત) શુદ્રે મનુ-સ્મૃતિમાં કહેલું છે માટે (જન્મ-જાત) બ્રાહ્મણની આજીવન સેવા કરવાનો ઠેકો નથી લઇ રાખ્યો. અને તેનાથી ઉલટું પણ એટલું જ સાચું છે. મનુ-સ્મૃતિ બ્રાહ્મણ-કેન્દ્રિત હોવાને લીધે દરેક જન્મ-જાત બ્રાહ્મણ આજના જમાનામાં દરેક જન્મ-જાત શુદ્રનો જન્મ-જાત દુશ્મન નથી બની જતો!!

  મનુ-સ્મૃતિ તેને ઠેકાણે છે; તેનો અભ્યાસ રોમાંચકારી અને માહિતીપ્રદ છે; પરંતુ આજે તેના મુજબ જીંદગી જીવવી કે કોઈ જીવને મૂલવવો તે શક્ય નથી જ નથી. તે જ રીતે આજની તમારી જીંદગી તેને ઠેકાણે છે. તમે જો મનુ-સ્મૃતિને વચમાં નહિ આવવા દો તો તે નહિ આવે; અને તેને વચમાં લાવશો તો – તે તમારી જિંદગીને ધૂળધાણી કરવાની ક્ષમતા ધરાવે છે!!

  1. આજે સમય બદલાયો છે અને એમાં આવું કઈં ચાલવાનું નથી, એ હકીકત છે. આમ છતાં બધું બદલાતું નથી એ પણ આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. દાખલા તરીકે સ્થિતિ બદલાય છે, પૂર્વગ્રહો નથી બદલાતા. ચારા કૌભાંડમાં બિહારના બે મુખ્ય પ્રધાનો સામે કેસ ચાલે છે. બન્ને એક જ સમયે જેલમાં હતા. એકનું નામ સૌ જાણે છે, બીજાનું નામ કેટલાને ખબર છે? બન્ને વચ્ચે શો ફેર છે? આવા પૂર્વગ્રહોનાં મૂળ ક્યાં છે તે પ્રગટ કરવાના પ્રયાસમાં આ એક ડગલું છે. એ હકીકત છે કે મનુસ્મૃતિ આપણો ધર્મગ્રંથ છે. છેલ્લાં ૬૦-૭૦ વર્ષ બાદ કરો તો એનો મોટે ભાગે અમલ થતો જ રહયો છે. કારણ કે આ પૂર્વગ્રહો આપણા મન અને બુદ્ધિ સાથે વણાયેલા છે. આજે આપણે કહી શકીએ છીએ કે વર્ણ વ્યવસ્થા નથી રહી, પરંતુ જ્ઞાતિ-જાતિ પ્રથા નથી રહી એમ કહી શકાય એમ છે?
   તમારો લેખ આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના બ્લૉગ પર વાંચ્યો હતો.મને એ લેખ ગમ્યો હતો. એમના બ્લૉગ પર હું પણ લખતો જ હોઉં છું.ત્યાંથી ઘણું શીખવાનું મળે છે. મારો આ લેખ તૈયાર જ હતો અને લાંબો હોવાથી મેં મારા બ્લૉગ પર જ મૂક્યો.
   તમે અહીં આવતા રહેશો અને બીજા વિષયો પરના લેખો પર પણ અભિપ્રાય આપશો તો આનંદ થશે. હું બહુ નિયમિત લખતો નથી એટલે બહુ સામગ્રી નહીં હોય. આભાર.

   1. શ્રી દીપકભાઈ,

    તમારો ફરી એકવાર આભાર. તમારી વાત સાચે છે. સમયના બદલાવાની સાથે સામાજિક નીતિ-નિયમોમાં ફેરફારો તો થઇ રહ્યા છે પરંતુ પૂર્વગ્રહોને બદલાતા ઘણી વાર લાગે છે. તેને માટે હવાની લહેરખીઓ નહિ; તેને માટે તો વાવાઝોડા અને વંટોળની જરૂર પડે છે. અને જો લહેરખીઓથી જ બદલાવાના હોય તો વર્ષો નહિ સદીઓ વીતે છે. પરંતુ તે દિશામાં શરૂઆત તો થઇ જ ચુકી છે; તમે કે હું નાના હતા ત્યારનો અને અત્યારનો જમાનો ઘણો જુદો છે; આ તો આપણો અનુભવ છે, આપણા વડીલોનો અનુભવતો આનાથી પણ અનોખો હોવાનો.

    તમારા જેવા વ્યક્તિઓના – ધાર્મિક ગ્રંથોની હકીકતને વાસ્તવિકતાની સામે મૂકી તેનો સામનો કરવાનો રસ્તો બતાવવાના – પ્રયાસો સમાજમાં થઇ રહેલા બદલાવને વેગ આપશે તે ચોક્કસ !!

    તમારા બ્લોગ પર સામગ્રી ભલે થોડી છે પરંતુ તેની મજા પણ શ્રી રાઓલજી કરાવે છે તેવી સાહિત્ય યાત્રા જેટલી જ છે!! સુંદર બ્લોગ અને સરસ મજાના વિષયોનું સંકલન – છણાવટ. આ માધ્યમથી કાયમ મળવાની ઈચ્છા રહેશે.

 6. શ્રી.દીપકભાઈ,
  ખરે જ બહુ જોરદાર છણાવટ કરી છે. અમ જેવા વિદ્યાર્થીઓને બહુ ઉપયોગી થશે. અભ્યાસુઓ મૂળ શ્લોક માટે નીચેની કડી પર જોઈ શકે છે. આભાર.
  http://sa.wikisource.org/wiki/%E0%A4%AE%E0%A4%A8%E0%A5%81%E0%A4%B8%E0%A5%8D%E0%A4%AE%E0%A5%83%E0%A4%A4%E0%A4%BF%E0%A4%83/%E0%A4%A6%E0%A4%B6%E0%A4%AE%E0%A5%8B%E0%A4%A7%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%83 (વિકિસ્ત્રોત: मनुस्मृतिः/दशमोध्यायः)

 7. માત્ર આટલા વિદ્વતાસભર લેખમાં કોઈ લોઢાની મેખ ન રહી જાય એ આશયે જ હું એ તરફ અગૂલીનિર્દેશ કરીશ કે, કદાચ સંસ્કરણ ફરકને કારણે, આપે આપેલા શ્લોક ક્રમાંક મેં આગળ આપેલી વિકિસ્રોત કડી પરનાં (અને મારી પાસેના એક અંગ્રેજી સંસ્કરણમાં પણ) શ્લોક ક્રમાંક કરતાં એક શ્લોક આગળ છે. અભ્યાસ કરનારા મિત્રોએ આટલું ધ્યાને રાખવું. દા.ત.
  * ’૬. વસ્તુવિનિમય પ્રથાથી વેપાર….’ શ્લોક ૯૩ નહીં પરંતુ ૯૪ થશે.
  रसा रसैर्निमातव्या न त्वेव लवणं रसैः ।
  कृतान्नं च कृतान्नेन तिला धान्येन तत्समाः । । १०.९४ । ।
  આભાર.

  1. પરંતુ વધારે શક્ય એ છે કે મેં નોટ કરતી વખતે ભૂલ કરી હોય.કારણ કે અલગ આવૃત્તિઓમાં પાન નંબર જુદા હોય, શ્લોકનો આંક જુદો ન હોય. આભાર.

 8. અતિઉત્તમ પ્રયાસ કર્યો છે દિપકસાહેબ, પણ મારો આત્મા આમા પણ ત્રુપ્ત નથી થતો, આ ઉત્તમ સંશોધન આપ સૌને ઉચ્ચ રહેવાનુ બળ આપે છે પણ આત્મિયતા કે આત્મિકતા નથી આપી શકતુ એ વાતનુ દુઃખ થાય છે. માનવતા અને ઉદારતા નથી પ્રદાન કરી શકતુ એ વાતનુ ખુબ જ દુઃખ થાય છે. મનુષ્યની ઉત્તમતા એની જાતિ, કુળ કે દેશ કે ધર્મ નથી ઠેરવતો એના કર્મો અને એના વિચારો અને આચાર ઠેરવે છે.

  હવે આપ શ્રી ઉત્તમ પ્રકારે ગણિત કરી દેખાડો છે અને અલગતાનો રાગ વધુ ઉચ્ચે અવાજે ગાવાનો, અથવા અલગતાની ખાઈને વધુ ઉંડી કરી રહ્યા છો તો જેવી રીતે પારસીઓ દુધમાં સાકરની જેમ ભળી જઈને ભારતમાં વહાલા બની ગયા એવી રીતે શુદ્રોનુ કેમ ના થઈ શકે? શુ શુદ્રોને આ દેશમાં માનવતાની રુએ જીવવાનો, સ્વતંત્રતાથી ઉડવાનો કોઈ હક્ક જ નથી? તો પછી મનુસ્મૃતિ અને મનુવાદીઓ આપોઆપ અત્યાચારી ઠરી જાય છે અને હિંદુ ધર્મની વિશ્વ બંધુત્વ અને ઉદારતાનો અને સમાનતાનો રાગ આપોઆપ પોતે જ ખોટો અથવા દંભી ઠરે છે એ સત્ય પ્રત્યે આપ સાહેબ કેવી આંખ આડા કાન કરી શકો છો? આ સત્ય આપ સૌને કેમ સમજાતુ નથી? હિંદુ ધર્મનો પાયો જ સત્યમે જયતે છે, વિશ્વબંધુત્વ છે, એમા કેટલુ સત્ય રહે છે એ તરફ પણ તો થોડુ મનોમંથન કરો ને સાહેબ !!

  ચાલો માની લઈએ કે શુદ્રોના રંગસુત્રોમાં ઉચ્ચ પ્રકારના લક્ષણો નથી. એનાથી શુદ્રોને કોઈ ફરક નથી પડતો ઉલ્ટુ બાબા સાહેબ જેવા મહાન સપુત પેદા થઈ શકે છે એ સત્ય જગત સામે ઉજાગર કરે છે અને જગતને અચંબીત કરે છે જ્યારે ઉચ્ચ કોટીના રંગસુત્રો ઉચ્ચ જાતિના બિરાદરોમાં હયાત છે અને ભારતમાં અન્ય ત્રણ વર્ગોને જોડીએ તો ૨૫% શુદ્રોની સામે ૭૫% ઉચ્ચ ગુણોના પહાડ હોવા જોઈતા હતા અને ભારતમાં આજે સુખ શાંતિ અને સ્વતંત્રતા, દયાળુતા, ઉદારતા, સમાનતા, સેવાભાવના, સહનશક્તિ, ધીરજ, પ્રેમ, નિખાલસતા, વગેરે વગેરે ઉચ્ચ કોટીના અનેક ગુણોનો મહાસાગર હોવો જોઈતા હતા એના બદલે એનાથી વિપરીત પ્રકારના ગુણો આજે અને યુગો યુગોથી કહેવાતો ઉચ્ચો માં જોવા મલે છે જે પુરાણોમાં અને કથાઓમાંથી જ ઉતરી આવેલા જોવા મળે છે અને પછાતો-દલિતો એ આવગુણોને ભોળા અને અબુધ ભાવે અનુસરે છે. એટલે પછાતો-દલિતોમાં જે જે અવગુણો દેખાય છે એના મુળ જવાબદાર તો યુગો યુગોથી પછાતોને અંધકારમાં રાખનારા ઉચ્ચ વર્ગ દ્વારા લખાયેલા થોથા જ સાબિત થાય છે કેમ કે પછાતો-દલિતોના ઘરમાં એજ પુરાણો, કથાઓ ના પુજ્યોના ફોટાઓ કે ગીત-ગાનો જોવા મળે છે. જ્યારે ‘ભીમા’ ને બાબા સાહેબ ભિમરાવ આંબેડકર બનાવી દેનાર તો વિદેશી જ્ઞાન હતુ, અન્ય ધર્મીઓની અસર હતી અને જો બાબાએ હિંદુઓના થાથામાં જ પોતાને ડુબાડી રાખ્યા હોત તો ‘ભીમા’ ની અમાનવિય ગુમનામીમાં ખોવાઈ ગયા હોત. પણ ભલુ થાત્જો આ દેશની ગુલામીનુ જે અંગ્રેજોએ લાદી અને એમનુ જ્ઞાન આ દેશને આપ્યુ અને મહારાજા શાહુજીએ એ ઉદારતા ‘ભીમા’પર ઉતારી અને એમને બાબા સાહેબ પદ પર વિરાજમાન કર્યા. ચાલો બાબાને બે ઘડી બાજુ પર રાખીએ, બાપુની વાત કરીએ તો બાપુ પણ હિંદુ ધર્મના થોથાઓથી નથી બન્યા પણ વિદેશી જ્ઞાનથી વિદેશી ધર્મેની અસર તલે જ “મહાત્મા” બની ગયા, અને એમ થવામાં બાપુએ કોઈ ઢોલ નગારા પીટવા ન પડ્યા હતા અને એમના જીવનમાં પોતે સ્વપંડે શુદ્ર કહેવાતા કામો પર હથેટી મેળવીને જ કર્યા હતા જેવા કે સફાઈ, સ્વચ્છતા, સેવા, સાદાઈ, નિર્ધન્તા વગેરે વગેરે ગુણો અપનાવીને મહાત્મા મા રુપાંતર થયા હતા જ્યારે આજે આપણા દેશમાં લોકોની શુ હાલત છે એ પર જરા વિચાર કરવા હુ વિનંતિ કરુ છુ. શું આ દેશ આવોને આવો જ રહેશે? કે વિદેશીઓ ના જેવો ઈમાનદાર સેવાદાર સ્વચ્છ, ચળકાટ મારતો કેવી રીતે થશે? છે કોઈ રસ્તો તો આ જેવી રીતે ઉપર ગણિ દેખાડ્યુ એવી રીતે એવા ઉત્તમોત્તમ ઉપાય ગણી દેખાડો તો આપનો ખુબ ખુબ આભાર અને દેશ સેવા થશે એ લટકામાં.
  હુ પરદેશી વતોથી મુગ્થ નહિ પણ આસ્ચર્ય ચકિત થઈ ગયો કે ૪૨ વરસ સુધી હુ ખોટા અંધકાર માં અથડાઅતો રહ્યો. હુ પણ સત્ય ની શોધ કરી રહ્યો છે, અને માર્ગ પર ચાલી રહ્યો છુ. પણ હિંદુ માન્યતાઓમાં ઘણી અસંખ્ય ત્રુટિઓ છે અને એ ત્રુટિઓ પર વિજય મળવો અતિશય કપરુ છે એટલે હુ આપ સૌને ફરીથી વિચાર કરવા નમ્ર નિવેદન કરુ છુ, મને મિત્ર માનશો તો મને આનદ થશે, મે ખરાબ મને આ નથી લખ્યુ પણ ત્રુટીઓ વિશે આપ સૌનુ ધ્યાન દોરુ છુ તો એ સ્વિકાર થવાની નમ્ર અભિલાષા રાખુ છુ. પ્રણામ, પરમાત્મા આપણે સૌને સદબુધ્ધિ આપે અને એક તાંતણ બાંધે એવી એમને પ્રાર્થના કરુ છુ.

  1. પ્રિય રાજેશભાઈ
   તમારી વાત સાથે સંમત છું કે “મનુષ્યની ઉત્તમતા એની જાતિ, કુળ કે દેશ કે ધર્મ નથી ઠેરવતો એના કર્મો અને એના વિચારો અને આચાર ઠેરવે છે….
   હવે આપ શ્રી ઉત્તમ પ્રકારે ગણિત કરી દેખાડો છે અને અલગતાનો રાગ વધુ ઉચ્ચે અવાજે ગાવાનો, અથવા અલગતાની ખાઈને વધુ ઉંડી કરી રહ્યા છો તો જેવી રીતે પારસીઓ દુધમાં સાકરની જેમ ભળી જઈને ભારતમાં વહાલા બની ગયા એવી રીતે શુદ્રોનુ કેમ ના થઈ શકે?”

   આપણા દેશમાં શૂદ્રો સાથે અતિ અન્યાય થયો છે. આખી જાતિ પ્રથા અમાનવીય અત્યાચારોનું પરિણામ છે, જેમાં અપરાધીને નહીં અપરાધ રૂપ સતતિને સજા કરવામાં આવી છે. આ વાત મનુસ્મૃતિના આ વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે. જ્યાં સુધી મેં પોતે નહોતું વાંચ્યું ત્યાં સુધી હું પણ એ વાત બરાબર નહોતો સમજતો. માત્ર જન્મના આધારે જાતિ નક્કી થાય એ ખોટું માનતો હતો, પણ અહીં તો માત્ર જન્મ નથી, કયા ઉચ્ચ વર્ણના માણસના પાપે સંતાન પેદા થયું તે પ્રમાણે સંતાનને જુદી જુદી જાતિમાં મૂકવામાં આવ્યું છે! બ્રાહ્મણના પાપે હોય તો અમુક જાતિ, ક્ષત્રિયના પાપે હોય તો અમુક જાતિ. આમ માત્ર જન્મના આધારે જાતિનો વિરોધ કરી તે અધૂરૂં છે. આપણે એ પણ સ્વીકારવું પડશે કે આમાં અપરાધની એક સુવ્યવસ્થિત જાળ તરફ નજર જ નથી જતી! જે દેશની લગભગ ૭૪ ટકા પ્રજા્ને સામાજિક શો્ષણનો ભોગ બનવું પડતું હોય તે દેશ ખરા અર્થમાં પ્રગતિ ન કરી શકે.

   મારા લેખ પરથી તમે એવા તારણ પર પહોંચ્યા છો કે “ચાલો માની લઈએ કે શુદ્રોના રંગસુત્રોમાં ઉચ્ચ પ્રકારના લક્ષણો નથી.” પરંતુ મેં તો એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે ઉચ્ચ વર્ણના લોકો જેમને શૂદ્ર કે અછૂત માને છે તેમનામાં જ એમનાં ભાઈ બહેનો છે. ‘ગરીબોનો બેલી’ લેખ પરના તમારા પ્રતિભાવના સમ્દર્ભમાં મેં કેટલાક ખુલાસા કર્યા છે તે પણ આની સાથે જ વાંચવા વિનંતિ છે.

   એક વિનંતિ કરૂં? આ લેખ ફરી વાંચી જશો.

 9. ૮. નિમ્ન જાતિની વ્યક્તિ આ ત્રણેય ઉચ્ચ વર્ણોનાં કામ કરતી જણાય તો, મનુસ્મૃતિ કહે છે કે, રાજાએ એની સઘળી સંપત્તિ ખૂંચવી લેવી અને એને દેશનિકાલ કરી દેવો. (૯૫).

 10. દીપક ભાઈ ,
  ઘણા મહિના પછી સમય મળ્યો અને તમારી કોમેન્ટ વાંચી ને થોડું લખવાનું મન થયું ,,મનું સ્મૃતિ વિષે વધુ તો વાંચન નથી પણ જેટલું છે એ કહીશ,,,કે મનુ સ્મૃતિ વાંચવી જ તમારા સમય ની બરબાદી છે …(મારું માનવું છે ,કોઈ ની લાગણી દુભાવવાનો પ્રયાસ નથી ,,),,જે વાતો લખાઈ ગઈ છે તેને આપને બદલી શકવાના નથી ,તો એનું વિવરણ કરવાથી જાજો ફાયદો થવાનો નથી ,,સવાલ છે તમે એનું વિવરણ કરીને શું સાબિત કરવા માંગો છો ?…..

  બીજી વાત કોઈ ભાઈ શ્રી એ કહી હતી કે દરેક જગ્યાએ વત્તા ઓછા પ્રમાણ માં આ પ્રકારની વ્યવસ્થા છે ,,સારું માની લીધું ,,છે ,તો ?…અત્યારે કેટલી છે ?,,,અને ભારત માં શું પરિસ્થિતિ છે ?,,,,સંગોજો વસાત,થોડા મહિના ફ્રાંસ ,જવાનું થયું ,,ભાઈ ના કારણે ,,ત્યાં જોયું તો ,,ઊંચ નીચ તો શું ,,એ તો લિંગ માં પણ ભેદ નથી રાખતા ?….સ્ત્રી કે પુરુષ એ જ નથી ખબર રાખતા ,,,

  બીજી થોડી વિષય થી અલગ હિંદુ ધર્મ ની વાત કરવા માગું તો હિંદુ ધર્મ ને વિશ્વ એ આવકાર્યો નથી ,,,ત્યાં ગયા પછી મેં જોયું કે દરેક બાર ,કે કોઈ પણ જગ્યાએ બુદ્ધ ની પ્રતિમા જોવા મળી ,,આશ્ચર્ય ની વાત હતી મારા માટે ,,હિંદુ ધર્મ ના ભગવાન ફક્ત કોઈ પુરાણ માં ચાલુ થાય છે અને ત્યાં જ બંધ થઇ જાય છે ,,બધી ફક્ત માનો પણ જાણો નહિ જેવી વાતો છે,,,,” સમાજ માં શુદ્ર કે બ્રાહ્મણ નું વિભાજન મહત્વનું રહ્યું નથી “,,એ વાક્ય સાથે સહમંત છુ પણ નહિ અને થઈશ પણ નહિ..એક વાત કહું અમદાવાદ ના સાણંદ તાલ્લુકા ના એક અંતરિયાળ ગામ માં આજે પણ કોઈ દલિત (કહેવાતા (લોકો દ્વારા ))ના ત્યાં નવ વધુ આવે તો પહેલી રાત દરબાર ના ત્યાં ,,શું છે આ ભાઈ ?,,,,અને લોકો કહે છે મહત્વનું નથી ,,,અમદાવાદ જેવી સીટી માં ?… કદાચ કોઈ ખોટું ના લગાડતા ,,પણ ફક્ત બ્લોગ પર બેસી ને લેખ લખવાથી કઈ મટી નથી જવાનું ,,ફક્ત એક બે કિસ્સા વાંચેલા રીપીટ કરવાના કે હવે બધું સારું થઇ ગયું ,,એના સિવાય કોઈ પ્રયત્ન ?,,,,

  દરેક ભાઈ એ મારી વિનંતી કે કદી ગામ માં જાવ અને જોવો ?,,,,(અત્યારે એમ ના કહેતા કે ગામ માં તો રહવાનું ),,,બ્રાહ્મણ એ પોતાની કોમ માટે લોકો (શુદ્ર ને )નીચા બનાવ્યા એ પણ બદલાઈ જવાનું નથી ,,,કડવી લાગે એવી વાત ,,,

  “સમાજ માં કહેવાતા સવર્ણ જે લોકો ને થોડું એમ લાગ્યું સમય જતા કે હવે અસમાનતા સારી નથી એટલે બ્લોગ કે લેખ લાખાવનું ચાલુ કર્યું ,બીજું કોઈ નક્કર કામ કર્યું ?,,,,કર્યું હશે તો પણ આંગળી ના વેઢે ગણાય એટલું ,,,”

  કોઈ ભાઈ એ દિલ પર વાત ના લેવી ,,,

 11. દીપક ભાઈ ,
  ઘણા મહિના પછી સમય મળ્યો અને તમારી કોમેન્ટ વાંચી ને થોડું લખવાનું મન થયું ,,મનું સ્મૃતિ વિષે વધુ તો વાંચન નથી પણ જેટલું છે એ કહીશ,,,કે મનુ સ્મૃતિ વાંચવી જ તમારા સમય ની બરબાદી છે …(મારું માનવું છે ,કોઈ ની લાગણી દુભાવવાનો પ્રયાસ નથી ,,),,જે વાતો લખાઈ ગઈ છે તેને આપને બદલી શકવાના નથી ,તો એનું વિવરણ કરવાથી જાજો ફાયદો થવાનો નથી ,,સવાલ છે તમે એનું વિવરણ કરીને શું સાબિત કરવા માંગો છો ?…..

  બીજી વાત કોઈ ભાઈ શ્રી એ કહી હતી કે દરેક જગ્યાએ વત્તા ઓછા પ્રમાણ માં આ પ્રકારની વ્યવસ્થા છે ,,સારું માની લીધું ,,છે ,તો ?…અત્યારે કેટલી છે ?,,,અને ભારત માં શું પરિસ્થિતિ છે ?,,,,સંગોજો વસાત,થોડા મહિના ફ્રાંસ ,જવાનું થયું ,,ભાઈ ના કારણે ,,ત્યાં જોયું તો ,,ઊંચ નીચ તો શું ,,એ તો લિંગ માં પણ ભેદ નથી રાખતા ?….સ્ત્રી કે પુરુષ એ જ નથી ખબર રાખતા ,,,

  બીજી થોડી વિષય થી અલગ હિંદુ ધર્મ ની વાત કરવા માગું તો હિંદુ ધર્મ ને વિશ્વ એ આવકાર્યો નથી ,,,ત્યાં ગયા પછી મેં જોયું કે દરેક બાર ,કે કોઈ પણ જગ્યાએ બુદ્ધ ની પ્રતિમા જોવા મળી ,,આશ્ચર્ય ની વાત હતી મારા માટે ,,હિંદુ ધર્મ ના ભગવાન ફક્ત કોઈ પુરાણ માં ચાલુ થાય છે અને ત્યાં જ બંધ થઇ જાય છે ,,બધી ફક્ત માનો પણ જાણો નહિ જેવી વાતો છે,,,,” સમાજ માં શુદ્ર કે બ્રાહ્મણ નું વિભાજન મહત્વનું રહ્યું નથી “,,એ વાક્ય સાથે સહમંત છુ પણ નહિ અને થઈશ પણ નહિ..એક વાત કહું અમદાવાદ ના સાણંદ તાલ્લુકા ના એક અંતરિયાળ ગામ માં આજે પણ કોઈ દલિત (કહેવાતા (લોકો દ્વારા ))ના ત્યાં નવ વધુ આવે તો પહેલી રાત દરબાર ના ત્યાં ,,શું છે આ ભાઈ ?,,,,અને લોકો કહે છે મહત્વનું નથી ,,,અમદાવાદ જેવી સીટી માં ?… કદાચ કોઈ ખોટું ના લગાડતા ,,પણ ફક્ત બ્લોગ પર બેસી ને લેખ લખવાથી કઈ મટી નથી જવાનું ,,ફક્ત એક બે કિસ્સા વાંચેલા રીપીટ કરવાના કે હવે બધું સારું થઇ ગયું ,,એના સિવાય કોઈ પ્રયત્ન ?,,,,

  દરેક ભાઈ એ મારી વિનંતી કે કદી ગામ માં જાવ અને જોવો ?,,,,(અત્યારે એમ ના કહેતા કે ગામ માં તો રહવાનું ),,,બ્રાહ્મણ એ પોતાની કોમ માટે લોકો (શુદ્ર ને )નીચા બનાવ્યા એ પણ બદલાઈ જવાનું નથી ,,,કડવી લાગે એવી વાત ,,,

  “સમાજ માં કહેવાતા સવર્ણ જે લોકો ને થોડું એમ લાગ્યું સમય જતા કે હવે અસમાનતા સારી નથી એટલે બ્લોગ કે લેખ લાખાવનું ચાલુ કર્યું ,બીજું કોઈ નક્કર કામ કર્યું ?,,,,કર્યું હશે તો પણ આંગળી ના વેઢે ગણાય એટલું ,,,”

  કોઈ ભાઈ એ દિલ પર વાત ના લેવી

  1. ્પ્રિય મયંકભાઈ,
   જરા બીજી વ્યસ્તતાઓને કારણે બ્લૉગ પર આજે પહોંચ્યો છું. તમારી કૉમેન્ટને પ્રસિદ્ધિ આપવામાં આ કારણે મોડું થયું છે તો માફ કરશો. અત્યારે પણ વધારે ચર્ચા કરી શકું એમ નથી, પણ ઇચ્છા જરૂર છે. ખ્રૂં પૂછો તો હું ઇચ્છતો પન હતો કે આ લેખ કેમે કરીને તમારા ધ્યાનમાં આવે. ચાલો સારૂં કર્યું આવ્યા તે. હવે આવતા રહેજો. તમે પોતે પણ કોઈ સ્વતંત્ર લેખ લખો તો આ બારી માત્ર મારી નથી, તમારી પણ છે, એટલે મને મોકલી આપશો.

   અત્યારે તો તમારી એક વાત પર ધ્યાન આપવા માગું છું: ““સમાજ માં કહેવાતા સવર્ણ જે લોકો ને થોડું એમ લાગ્યું સમય જતા કે હવે અસમાનતા સારી નથી એટલે બ્લોગ કે લેખ લાખાવનું ચાલુ કર્યું ,બીજું કોઈ નક્કર કામ કર્યું ?,,,,”
   આ વિધાન માત્ર મારા પૂરતું જ લાગુ કરવા માગું છું. બીજાઓને તો હું કઈં કહીશ નહીં પણ મેં પોતે કઈં કર્યું હોય એવુમ નથી.
   આમ છતાં વિચાર વિમર્શનું પણ એક આગવું મહત્વ છે એ વાત તો તમે પણ કબૂલ કરશો એવી આશા છે. જેનાથી જેટલું થઈ શકે એટલું કરે. એમાં કઈં ખોટું નથી. ખોટું તો એ ગણાય જેમાં કહેણી અને કરણીમાં ભેદ હોય.
   ફરી ક્યારેક વિગતવાર ચર્ચા કરશું.

 12. પ્રિય દીપકભાઈ ,
  આભાર ,
  ““સમાજ માં કહેવાતા સવર્ણ જે લોકો ને થોડું એમ લાગ્યું સમય જતા કે હવે અસમાનતા સારી નથી એટલે બ્લોગ કે લેખ લાખાવનું ચાલુ કર્યું ,બીજું કોઈ નક્કર કામ કર્યું ?,,,,”

  આ વાક્ય મેં બધા ને સંબોધી ને કહ્યું હતું તમને નહિ ,,,ચાત પણ તો તમે કહ્યા મુજબ તમે એ બાબતે સજાગ છો તો ઘણું સારું …વિગતે ચર્ચા કરવી મને પણ ગમશે ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: