Manusmriti ane Jaatio-no udbhav

મનુસ્મૃતિ અને જાતિઓનો ઉદ્‍ભવ

મનુસ્મૃતિના ૧૦મા અધ્યાયમાં ભારતમાં જાતિઓ શી રીતે ઉત્પન્ન થઈ તેનું વિવરણ આપેલું છે. એક વાત યાદ રાખવા જેવી છે કે મનુસ્મૃતિમાં પાપકૃત્યો માટે માફીનો સંકેત નથી, પરંતુ પાપકૃત્યોનું એ સમયના જીવનની વાસ્તવિકતા તરીકે નિરૂપણ કરેલું છે. મૂળ તો માત્ર ચાર વર્ણ હતા – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આમાંથી જાતિઓ શી રીતે બની તેની મનુસ્મૃતિના દસમા અધ્યાયના આધારે નોંધ આપું છું:

૦-૦ મનુસ્મૃતિનું મુખ્ય લક્ષણ ‘શુચિતા’ છે એટલે એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવાનું શક્ય નથી.

૦-૦ આનો અર્થ એ કે કોઈ પુરુષ કે સ્ત્રી પોતાના વર્ણની બહાર શારીરિક સમાગમ કરે તો પણ આખા વર્ણને અસર નથી થતી.

૦-૦ આમ એક ઉચ્ચ વર્ણની વ્યક્તિ વર્ણની બહાર, જાતીય સંસર્ગ કરે તો પણ એને પોતાના વર્ણમાંથી પદચ્યુત થવાનો ભય નહોતો.

૦-૦ આવા જાતીય સંસર્ગની પેદાશ જેવાં સંતાનોને પણ પુરુષના વર્ણમાં સ્થાન નહોતું મળતું, એનાથી ઊતરતે દરજ્જે એમને મૂકવામાં આવતાં. એ પૂરતું ન હોય એમ એમનાં બાળકોને સ્ત્રીના વર્ણનો અધિકાર પણ નહોતો મળતો. એમને તદ્દન અલગ અને માતાપિતા કરતાં હીન ગણવામાં આવતાં.

૦-૦ આમ છતાં લગ્ન અને જાતીય સંસર્ગ માટે ‘અનુલોમ’ અને ‘પ્રતિલોમ’ જેવું કડક વર્ગીકરણ હતું. અનુલોમ લગ્નમાં દરેક ઉચ્ચ જાતિના પુરુષને પોતાના વર્ણમાં અથવા પોતાનાથી નીચા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર હતો. નિમ્ન વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તે પ્રતિલોમ લગ્ન મનાય.

૦-૦ આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ પુરુષ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સ્ત્રી સાથે પરણી શકે પરંતુ ક્ષત્રિય પુરુષ વૈશ્ય અને શૂદ્ર સ્ત્રી સાથે પરણી શકે, બ્રાહ્મણ કન્યા સાથે નહીં. વૈશ્ય પુરુષ, બ્રાહ્મણ કે ક્ષત્રિય કન્યા સાથે પરણી ન શકે, એને માત્ર વૈશ્ય અથવા શૂદ્ર સ્ત્રીને પરણવાની છૂટ હતી.

૦-૦ આમ બ્રાહ્મણ પુરુષને સમાજની બધી સ્ત્રીઓ પર હક મળતો હતો. આ અનુલોમ લગ્ન હોવાથી ધર્મ વિરુદ્ધ ન ગણાય.

આ વ્યવસ્થા કેમ ચાલતી હતી

અહીં કૌંસમાં આપેલા આંકડા દસમા અધ્યાયના સંબંધિત શ્લોકના છે. અહીં મારે ગણિત જેવાં અમુક ચિહ્નો પણ વાપરવાં પડશે, જેથી સહેલાઈથી અને સૂત્રાત્મક રીતે સમજી શકાય. અહીં બ્રાહ્મણ માટે ‘બ’, ક્ષત્રિય માટે ‘ક્ષ’, વૈશ્ય માટે ‘વ’ અને શૂદ્ર માટે ‘શ’ સંકેત આપ્યા છે. આ ઉપરાંત, ‘પુરુષ’ માટે ‘પુ’ અને સ્ત્રી માટે ‘સ્ત્રી’ સંકેતો પણ છે. આમ ‘બપુ’ = બ્રાહ્મણ પુરુષ, બસ્ત્રી = બ્રાહ્મણ સ્ત્રી. એ જ રીતે ‘ક્ષપુ’, ‘ક્ષસ્ત્રી’, ‘વપુ’. ‘વસ્ત્રી’, ‘શપુ’, ‘શસ્ત્રી’ સમજવાનું છે. હવે આ સમીકરણો જૂઓ. એમાં (=) પછી આપેલું નામ સંતાનની જાતિ છે.

(૭) બપુ x વસ્ત્રી = અંબષ્ઠ // બપુ x શસ્ત્રી = નિષાદ અથવા પાર્શવ
(૮) ક્ષપુ x શસ્ત્રી = ઊગ્ર
(૯) બપુ x ક્ષસ્ત્રી (અથવા વસ્ત્રી અથવા શસ્ત્રી) = અપષદ (એટલે કે અનુલોમ લગ્ન હોવા છતાં સંતાનો દ્વિજ નથી. એ જ રીતે પ્રતિલોમ લગ્નથી થયેલાં સંતાનો ‘અપધ્વંસ’ કહેવાતાં).
(૧૦) ક્ષપુ x બસ્ત્રી = સુત // વપુ x ક્ષસ્ત્રી = માગધ // વપુ x બસ્ત્રી = વૈદેહ
(૧૧). શપુ x વસ્ત્રી = આયોગવ // શપુ x ક્ષસ્ત્રી = ક્ષત્તા // શપુ x બસ્ત્રી = ચાંડાલ
(૧૨) ક્ષપુ x બસ્ત્રી = ક્ષત / વૈદેહ

અહીં આ સમીકરણોમાં ‘માગધ’ અને ‘વૈદેહ’ એવાં બે નામ મળે છે. એ મગધ અને વિદેહનો સંકેત આપે છે. જનક રાજા ‘વિદેહ’ હતા એટલે સીતાજીનું નામ વૈદેહી પણ છે. આનો અર્થ એ થઈ શકે કે મગધ એટલે કે આજના બિહારના પ્રદેશમાં આવાં પ્રતિલોમ લગ્નો (વપુ x ક્ષસ્ત્રી = માગધ // વપુ x બસ્ત્રી = વૈદેહ વ્યાપક રીતે માન્ય હતાં. બીજું આજે આપણે જેને ભીલ અને પારધી તરીકે ઓળખીએ છીએ તે આ નિષાદ થવા ‘પારશવ’ છે (ઉપર શ્લોક ૭નું બીજું સમીકરણ). પારશવ એટલે પાર + શવ. અથવા જેનો દરજ્જો શવથી પણ પાર (ઊતરતો) હોય તે.

આટલેથી અટકતું નથી

આંતર્વર્ણીય જાતીય સંબંધો્ની આ શ્રેણી અહીં પૂરી નથી થતી. પતિત વર્ગમાં મુકાયેલાં સંતાનોની નવી જાતિ બની ગઈ અને એની સાથે પણ ઉચ્ચ વર્ણના સંબંધો ચાલુ રહ્યા અને એમનાં સંતાનોને તો એમની માતાની પતિત જાતિ કરતાં પણ નીચો દરજ્જો આપવામાં આવતો. ૧૪મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણ પુરુષ જો ઊગ્ર, અંબષ્ઠ કે આયોગવ સ્ત્રી સાથે સંસર્ગ કરે તો એમની નિષ્પત્તિ રૂપ બાળક્ને અનુક્રમે આવૃત્ત, આભિર અને ઘિગ્વન જાતિમાં મૂકવામાં આવતાં. આ બધી જાતિઓ ઊગ્ર, અંબષ્ઠ કે આયોગવ કરતાં નીચી મનાતી.

આભિરો આમ તો મધ્ય એશિયાથી આવ્યા. એમના વંશજો એટલે આજના આહીરો અને યાદવો હશે એમ મનાય છે. કૃષ્ણ યાદવ હતા અને આહીરો એમને આદિ પુરુષ માને છે, પરંતુ ઊગ્ર સ્ત્રી અને બ્રાહ્મણ પુરુષના જાતીય સંબંધોને કારણે ઉત્પન્ન થતા બાળક્ને આભિર ગણાવવું તેનો અર્થ એ થાય છે કે બ્રાહ્મણ વર્ગને આભિરો માટે અણગમો હતો. ઘિગ્વન મરેલા પશુની ખાલ ઉતારવાનું કામ કરતા. અથવા મોચી પણ હોઈ શકે છે.

શ્લોક ૧૫-૧૬ દર્શાવે છે કે આયોગવ, ક્ષત્તા અને ચાંડાલને શૂદ્ર કરતાં નીચા માનવામાં આવ્યા છે, પરંતુ માગધ, વૈદેહ અને સુતનું સ્થાન તો એમના કરતાં પણ નીચું છે.

૧૭મો શ્લોક કહે છે કે શૂદ્ર સ્ત્રી અને નિષાદ પુરુષના સમાગમથી ઉત્પન્ન થતા બાળકની જાતિ ‘પુક્કા’ છે, પરંતુ શૂદ્ર પુરુષ અને નિષાદ સ્ત્રીનું સંતાન કુક્કુટક જાતિમાં ગણાય.

આમ અવર્ણ જાતિઓ સાથેના જાતીય સંસર્ગથી એમના કરતાં પણ નીચી જાતિ પેદા થાય છે (શ્લોક ૧૮).

સંસ્કારહીન સવર્ણૉની જાતિ

હવે મનુસ્મૃતિ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી જેમના યજ્ઞોપવિત સંસ્કાર ન થયા હોય એમની વાત કરે છે. આવા સંસ્કારહીન બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ‘વ્રાત્ય’ (એટલે રખડુ) તરીકે ઓળખાતા. વ્રાત્ય બ્રાહ્મણનો પુત્ર ભૂર્જકંટક જાતિમાં ગણાય. આ નામ પ્રદેશ પ્રમાણે જુદાં છે, જેમ કે, આવર્ત, વાતધાન, પુષ્પધા, શેખ વગેરે. વ્રાત્ય ક્ષત્રિયના પુત્રની જાતિ ઝલ્લ, મલ્લ, નિચ્છવી, નટ, કરણ, ખુસ, દ્રવિડ છે; વ્રાત્ય વૈશ્યનાં સંતાનોની જાતિ સુધન્વા, કારુષ, વિજન્મા, મૈત્ર, સત્વત અને આચાર્ય (એટલે કે શ્મશાનમાં ચિતાને સંભાળનારો) છે. (૨૦, ૨૧, ૨૨).

હવે એક બાજુ શ્લોક ૨૫ અને ૨૬ અને બીજી બાજુ શ્લોક ૩૦માં જે કહ્યું છે તે વિરોધાભાસી છે. ૨૫-૨૬ શ્લોકો કહે છે કે સુત, વૈદેહ, અધમ, માગધ, ક્ષત્તા, આયોગવ પુરુષ સવર્ણ સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે તો એમનાં બાળકો સ્ત્રીની જાતિમાં ગણાશે. બીજી બાજુ શ્લોક ૩૦ પ્રમાણે આ સંતાનોને માતાપિતાથી નીચેની જાતિમાં મુકાશે. આ ઉપરામ્ત એમ પણ કહ્યું છે કે આ ઉપરાંત એ જ દરજ્જાની બીજી પંદર જાતિઓ છે. પરંતુ એમનાં નામ નથી આપ્યાં. આ સૂચીમાં શ્લોક ૩૯ દ્વારા બીજી જાણીતી અને અજાણી જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ગીકરણ ૪૦મા શ્લોકમાં પણ ચાલે છે. આ જાતિઓને એમની જીવનશૈલી અને કામધંધા પરથી ઓળખીને યોગ્ય વર્ગમાં મૂકવાની છે.

લુપ્ત થતી આર્ય જીવન શૈલી અને વિદેશીઓ

૪૩મો શ્લોક ઇતિહાસની દૃષ્ટિએ મહત્વનો છે. એમાં અમુક જાતિઓનાં નામ આપીને કહ્યું છે કે મૂળ આ જાતિઓ ક્ષત્રિય વર્ણની હતી પણ બ્રાહ્મણોએ એમને ધુતકાર્યા તે પછી એ શૂદ્ર વર્ણમાં ગણાય છે. આ જાતિઓનાં નામ આ પ્રમાણે છેઃ પૌન્ડ્રક, ઔન્ડ્ર, દ્રવિડ, કંબોજ, યવન, શક, પારદ, અપહ્યવ, ચીન, કિરાત, દરદા, ખશ. આ યાદીમાંથી સ્પષ્ટ થાય છે કે દ્રવિડોને શૂદ્રમાં મૂક્યા છે. આનો નકારાત્મક અર્થ નથી. એનો અર્થ તો એ છે કે દ્રવિડો મનુસ્મૃતિના સમયમાં આર્ય સમાજવ્યવસ્થામાં છેક નીચલા સ્તરેથી પ્રવેશ કરી ચૂક્યા હતા અને આર્ય-દ્રવિડ જેવાં વિભાજન નથી રહ્યાં. ખરૂં જોતાં, આર્ય જીવન પદ્ધતિ જ લુપ્ત થવા લાગી હતી અને વર્ણ આધારિત સમાજવ્યવસ્થાનો વિકાસ થયો હતો. ખરેખર તો જાતિઓ વર્ણ કરતાં પણ વધારે મહત્વની બની ગઈ હતી.

અહીં કેટલાંક વિદેશી નામો પણ છે. કંબોજ એટલે કંબોડિયાના નિવાસીઓ. શક તો મધ્ય એશિયામાંથી ઇસુ પૂર્વેની પહેલી સદીથી ઇસુની પહેલી સદી દરમિયાન એ અહીં આવ્યા. ગુજરાત, સહિત ઘણા પ્રદેશોમાં એમની હકુમત હતી. આભિરો પણ શક જ હતા અને સૌરાષ્ટ્રમાં એમનું શાસન હતું આવ્યા જૂનાગઢવાળા રુદ્રદામન જેવા રાજાના ઇતિહાસથી અપરિચિત નહીં હોય. યવનો એટલે આયનિયન અથવા ગ્રીક. ભારતમાં ઈ.પૂ. ૨૦૦ની આસપાસ ગ્રીકો શકોથી પહેલાં આવ્યા અને અફઘાનિસ્તાન તેમ જ આજના પાકિસ્તાનના ઘણા પ્રદેશોમાં એમની હકુમત હતી. આ બધાનો અંતે સૂરજ આથમી ગયો અને ધીમે ધીમે ભારતીય સમાજમાં ભળતા ગયા દરદા મોટે ભાગે અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં વસતા હતા અને કિરાત (ભીલના પૂર્વજ) હિમાલયની તળેટીમાં વસતા હતા. એ જ રીતે પારદ નામ કદાચ ઈરાનીઓનું હોઈ શકે. ચીન એટલે શું? એ ચીની લોકો હતા અથવા કુશાનો પણ હોઈ શકે કારણ કે કુશાનો મધ્ય એશિયાના ચીનના પાડોશી પ્રદેશોમાંથી ભારત આવ્યા હતા. વીતેલા જમાનાના આ યોદ્ધાઓ અને શાસકોએ પોતાનું સ્વત્વ ખોઈ દીધું હતું અને ભારતીય સમાજના નિમ્ન સ્તરે સ્થિર થયા હતા. પહેલાં એમને ક્ષત્રિય માનવામાં આવ્યા હતા, પણ શ્લોક કહે છે તે પ્રમાણે તે પછી બ્રાહ્મણોએ એમને નીચે ઉતારી મૂક્યા.

૪૪મા શ્લોકમાં પણ આવી જ મહત્વની વાત મળે છે. એમાં કહ્યું છે કે ચારેય વર્ણના લોકોનાં પાપમય કૃત્યોને કારણે જન્મેલાં બધાં બાળકો દસ્યુ છે, પછી એમની ભાષા મ્લેચ્છ હોય કે આર્ય. મ્લેચ્છ નામ સામાન્ય રીતે દેશના વતનીઓને નથી અપાયું. એ નામ વિદેશીઓ માટે છે. પાછળથી માત્ર મુસલમાનો માટે એનો ઉપયોગ થવા લાગ્યો, પરંતુ મનુસ્મૃતિના રચના કાળ વખતે ઇસ્લામનો ઉદય નહોતો થયો. એટલે આ શબ્દ બધા વિદેશીઓ માટે હશે. તે પછી તો માત્ર મુસલમાનો જ આવ્યા એટલે એ નામ એમના માટેનું ખાસ થઈ ગયું.

એકંદરે, ક્ષત્રિયમાંથી પતિત થયેલી પચાસ જાતિઓ અને તે સિવાયની બીજી બાર જાતિઓ હતી.

રહેઠાણ અને કામ ધંધામાં અનામત વ્યવસ્થા

આ નીચી જાતિઓને નગરમાં રહેવાનો અધિકાર નહોતો. નગરની ભાગોળ કે વગડો,, મંદિરોની બહાર, પર્વતોની ગુફાઓ કે શ્મશાનઘાટ એમનાં રહેણાક હતાં. ગામના સામાન્ય જીવન વ્યવહારમાં એમને ભાગ લેવાની છૂટ નહોતી. જો કે, ચાંડાલ અને શ્વપચ જાતિના લોકો નગરની બહાર રહી શકતા. ચલ સંપત્તિ તરીકે એ લોકો ગધેડાં અને કૂતરાં પાળી શકતા. પરંતુ એક જગ્યાએ સ્થાયી થઈને રહી ન શકતા. એમણે સતત રહેણાક ફેરવવું પડતું. શબ પરથી ઉતારેલાં કપડાં જ એમના માટે વસ્ત્ર હતાં ભોજન માટે એમને માત્ર માટીનાં વાસણો વાપરવાનો અધિકાર હતો. એ લોકો માત્ર લોખંડનાં જ ઘરેણાં પહેરી શકતા.

નીચી જાતિના લોકોને રાતે નગરમાં પ્રવેશ કરવાની છૂટ નહોતી. એ લોકો માત્ર મરેલાં જાનવર ઉપાડવા દિવસ દરમિયાન નગરની અંદર આવી શકતા. બિનવારસી મડદું લઈ જવું એ એમનો અધિકાર હતો! (શ્લોક ૪૯થી ૫૫).

સફાઈ કરવી, કપડાં ધોવાં વગેરે એમના વ્યવસાય હતા.સુતો રથ હાંકતા અને અંબષ્ઠોજડૅબૂટીઓ વેચતા. નિષાદો માછલાં પકડતા અથવા લાકડાં કાપીને ગુજરાન ચલાવતા. આયોગવ, મેદ, આંધ્ર, ચુંચુ અને મડગુ જાતિઓએ જંગલી પ્રાણીઓના શિકાર પર નભવું પડતું. વૈદેહો રાણીવાસોમાં દાસ તરીકે કામ કરતા, પરંતુ માગધોને નાના વેપાર ધંધાની છૂટ હતી. ક્ષત્તા (ખાટી?),ઊગ્ર અને પુક્કા જીવન નિર્વાહ માટે ઉંદર, સાપ, નોળિયા અને દર બનાવીને રહેતા જીવોને મારીને ચલાવતા. કેટલીક કોમોનું કામ જ મૃત્યુદંડનો અમલ કરવાનું હતું. આ જાતિના લોકોની હાજરીમાં ધાર્મિક અનુષ્ઠાન કરવા પર પ્રતિબંધ હતો.

૫૬મા શ્લોકમાં ચેતવ્યા છે કે કેટલીક અનાર્ય જાતિઓ રંગ વાપરીને આર્ય જેવી દેખાય છે. એમનાથી સાવધ રહેવું. આ બહુરૂપીનો વ્યવસાય હશે. એમને એમનાં કૃત્યોથી ઓળખી લેવાની આ શ્લોકમાં સલાહ આપવામાં આવી છે.

સવર્ણૉ માટે અનામત કામ

૧. અધ્યયન, યજ્ઞ કરવા અને દાન આપવું એ બ્રાહ્મણોનું કર્મ છે. અધ્યાપન, યજ્ઞ કરાવવા અને દાન લેવું એ એમની કમાણીનું સાધન છે. (શ્લોક ૭૪-૭૫)
૨. બ્રાહ્મણના અધિકાર હેઠળનાં આ ત્રણેય કાર્યો અને કમાણીનાં સાધનો ક્ષત્રિય અને વૈશ્યના કર્તવ્યનો ભાગ છે. (૭૬-૭૭).
૩. ક્ષત્ર્ય શસ્ત્રોને સહારે જીવે છે, વૈશ્યના કર્મમાં કૃષિ અને વેપારવણજનો સમાવેશ થાય છે. (૭૮).
૪. બ્રાહ્મણ પોતાનું ગુજરાન ન ચલાવી શકે તો એ ક્ષત્રિય કે વૈશ્યનાં કર્મો પણ કરી શકે છે (૭૯) પરંતુ બ્રાહ્મણ કે ક્ષત્રિય ખેતી ન કરી શકે કારણ કે એમાં જમીનની જીવાતનો નાશ થાય છે. (૯૨).
૫. બ્રાહ્મણ અને ક્ષત્રિય વેપાર પણ કરી શકે પણ અમુક વસ્તુઓનો વેપાર ન કરી શકે. (૮૪થી ૯૨)
૬. વસ્તુવિનિમય પ્રથાથી વેપાર થતો હશે, કારણ કે ૯૩મા શ્લોકમાં કહ્યું છે કે ખાદ્ય વસ્ર્તુઓનો વિનિમય ગોળ અને દૂધ સામે તો કરી શકાય પણ મીઠા સામે નહીં.
૭. પરંતુ કોઈ પણ સંયોગોમાં ક્ષત્રિય બ્રાહ્મણનાં કામો ન કરી શકે અને વૈશ્ય એનાથી ઉપરની બન્ને કોમોનાં કામો ન કરી શકે. (૯૪થી ૯૭).
૮. નિમ્ન જાતિની વ્યક્તિ આ ત્રણેય ઉચ્ચ વર્ણોનાં કામ કરતી જણાય તો, મનુસ્મૃતિ કહે છે કે, રાજાએ એની સઘળી સંપત્તિ ખૂંચવી લેવી અને એને દેશનિકાલ કરી દેવો. (૯૫).

મનુસ્મૃતિ કહે છે કે બ્રાહ્મણે માત્ર સુપાત્ર પાસેથી દાન લેવાનું છે અને સુપાત્રને વિદ્યા આપવાની છે. પરંતુ જો એ રીતે એના ઘરનો નિભાવ ન થતો હોય તો એ નીચ વરણના માનસ પાસેથી પણ દાન લઈ શકે છે અને એને વિદ્યા આપી શકે છે, કારણ કે બ્રાહ્મણ પોતે તો હંમેશાં શુદ્ધ જ હોય છે અને એની શુચિતા કદી પ્રદૂષિત થતી નથી!

ઉપસંહાર

આમ નાતજાત એક ઉદ્દંડતાપૂર્ણ કામૂકતાની પેદાશ છે આ સમાજ અપરાધીને સજા નથી કરતો પણ એ અપરાધના ફળ સમાન સંતાનોને પતિત માને છે. આ જાતની વિકૃતિનો દુનિયામાં જોટો મળે એમ નથી. આફ્રિકા ખંડમાં સામ્રાજ્યવાદી શાસકોએ અત્યાચારો કર્યા છે. જાપાની સૈન્યે ચીનમાં અત્યાચારો કર્યા છે, વિયેતનામ પણ આવા જુલમોનું સાક્ષી છે પરંતુ આવા અત્યાચારોને માન્યતા મળે અને એનું શાસ્ત્ર સંપાદિત થાય અને આધારભૂત મનાય એવો કોઈ દાખલો ઇતિહાસમાં નથી. આ તો આવા અત્યાચારોના પાયા પર એક આખી સમાજવ્યવસ્થાનો વિકાસ કરાયો છે. DNA ટેસ્ટ કરીએ તો જણાશે કે નીચી મનાતી જાતિઓમાં, કઈં નહીં તો ત્રણમાંથી એક સવર્ણ જાતિના અંશ હશે જ. આજે પણ એમના જીન્સ તપાસતાં આપણાં દૂર દૂરનાં ભાઈબહેન મળી આવશે. એમનામાં અને આપણામાં એક જ વડવાનું લોહી દોડતું હશે.

મનુસ્મૃતિ યથાસ્થિતિનો દસ્તાવેજ હોય એમ લાગે છે. એટલે કે પહેલાં મનુસ્મૃતિ ગ્રંથ બન્યો અને તે પછી લોકો એના પ્રમાણે જીવવા લાગ્યા એવું નથી. સમાજની સ્થિતિ જે હતી એનું માત્ર તાદૃશ વર્ણન એમાંથી મળે છે. આ ગ્રંથ કાળક્રમે સાચાખોટા વ્યવહારનો માપદંડ અને માન્ય ધર્મગ્રંથ બની ગયો એ ભારતનાં દુર્ભાગ્ય છે.

મનુસ્મૃતિનો દાવો શુચિતા જાળવી રાખવાનો છે પરંતુ વર્ણૉ તો શુદ્ધ રહ્યા જ નહોતા! માત્ર એના આધારે ઉચ્ચ વર્ણો પોતાનું ગુનાઇત શાસન ચલાવતા રહ્યા અને પોતાની હવસખોરીની બધી મઝા લૂંટતા રહ્યા અને તે સાથે એ કૃત્યોની નિષ્પત્તિ, એટલે કે સંતતિ, જાણે એમના કરતાં પણ વધારે પતિત હોય એમ નવી જાતિઓ બનાવતા રહ્યા અને એમને મોતથીયે બદતર જીવનમાં ધકેલતા રહ્યા.

ઘણી વાર સાંભળવા મળે છે કે વર્ણ વ્યવસ્થા શ્રમ વિભાજન હતું કારણ કે દરેક પ્રકારના લોકોની સમાજને જરૂર પડે છે. પરંતુ આપણે ત્યાં જે વ્યવસ્થા હતી તે આ વ્યાખ્યામાં આવી શકે એટલી સરળ નથી.એ સૈદ્ધાંતિક કે સ્વાભાવિક હોય તેના કરતાં ગુનાઇત વધારે છે. દરેક જાતિ માત્ર શ્રમ વિભાજન પ્રમા્ણે બની હોય તો આજે દલિતો પ્રત્યે આટલો રોષ કેમ છે કે એમની સ્ત્રીઓને રસ્તા પર નગ્ન કરીને પરેડ કરાવાય, કે એમને જીવતા સળગાવી દેવાય?

વર્ણ વ્યવસ્થાએ સમાજને બંધિયાર બનાવી દીધો હતો. જડબેસલાખ સમાજમાં કશું તસુમાત્ર પણ ખસી શકતું નહોતું, આમ છતાં આપણે જોયું કે બાર જાતિઓ ક્ષત્રિયમાંથી શૂદ્રના દરજ્જામાં આવી ગઈ હતી! આમ કેમ બન્યું? આનાં કારણો ટૂંકમાં જોઈને આ લેખ સમાપ્ત કરીએઃ

સમાજના વિકાસનો માપદંડ એની આર્થિક પ્રવૃત્તિમાં આવેલી વિવિધતા છે. દેખીતી રીતે જ બ્રાહ્મણો અને ક્ષત્રિયોનાં કાર્યોનો પ્રભાવ આર્થિક પ્રવૃત્તિ પર બહુ ઑછો હોય. એમની પ્રવૃત્તિમાં કોઇ આંતરિક ફેરફારોની શક્યતા નહોતી. અધ્યયન/ધ્યાપન માત્ર પરિધિ પરની પ્રવૃત્તિ છે. ક્ષત્રિયો લડતા હતા અને યુદ્ધ આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે એવી ઘટના છે. આમ યુદ્ધોએ આર્થિક પ્રવૃત્તિમાં નિર્ણાયક ભાગ ભજવ્યો હશે પરંતુ ક્ષત્રિયો્ને એનો સીધો લાભ ન મળ્યો, કારણ કે એ પ્રવૃત્તિનો દોર વૈશ્યોના હાથમાં હતો. ક્ષત્રિયો લડતા અને લડવા માટે જનતા પાસેથી ટેક્સ લેતા અને વૈશ્યો પાસેથી પૈસાની મદદ લેતા. જીતતા તો રાજા બનતા અને મરતા તો સ્વર્ગે જતા! એમના સ્વાભાવિક કર્મનો આ બે સિવાય એમના માટે ત્રીજો કશો અર્થ નહોતો.

આર્થિક પ્રવૃત્તિઓ વધતાં સૌથી વધુ વિવિધતા વૈશ્ય વર્ગમાં આવી. કેટલાંય નવાં કામો શરૂ થયાં અને કેટલાંયે કામો બંધ થયાં. વૈશ્યો હવે ઉત્પાદનનાં કામોમાંથી પણ નીકળી ગયા, ખેતી પણ એમ્ને બંધ કરી. બધાં ઉત્પાદક કાર્યો શૂદ્ર વર્ગ પાસે ગયાં કારણ કે એ વર્ગ જાતે મહેનત કરતો હતો. જે કોઈ નવું કામ વિકસ્યું તે શૂદ્ર વર્ગ પાસે આવ્યું કારણ કે એ કામ તો હાથથી જ થવાનું હતું! આમ ટેકનોલૉજીનો વિકાસ પણ શૂદ્રો દ્વારા થયો પરંતુ, કદાચ એ જ કારણે આપણે ભૌતિક પ્રગતિને ગૌણ માનીને ઇન્કાર કરી દીધો અને માત્ર શાસ્ત્રો અને આધ્યાત્મિક વાતો પર ધ્યાન આપ્યું. આ બધી નક્કર વિકૃતિઓ સ્થગિત સામાજિક માન્યતાઓ અને એક વર્ગની વર્ચસ્વવાદી યોજનાઓની નીપજ હતી. આમ છતાં સમાજ બદલવા માટે ઇન્કાર કરતો રહ્યો. આજે પણ એનાં માઠાં ફળ આપણે ભોગવીએ છીએ. xxxx

%d bloggers like this: