Polio-ne Deshvato

પોલિયોને દેશવટો

આવતીકાલે મકરસંક્રાન્તિ.સૂર્ય ભગવાન ઉત્તરે વળશે. આદરણીય કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગાયું છેઃ
ધન્ય હો, આર્યપુત્ર ઊઠજો,
સુભટનાં શુકનની વાગી ઘડીઓ;
ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા,
ભાનુના ભર્ગની વરસી ઝડીઓ…

ભાનુના ભર્ગની ઝડીઓ વરસે એનો આનંદ અનેરો છે. કઈંક માનસિક રીતે જ ઉત્તરાયણ સાથે સારૂં લાગવા માંડે છે. એ ટાંકણે, (સરકારી અનુવાદિયા ભાષામાં કહું તો, મકર સંક્રાન્તિની પૂર્વસંધ્યાએ) સમાચાર મળે છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશમાં પોલિયોનો એક પણ નવો કેસ નોંધાયો નથી. માત્ર બે વર્ષ પહેલાં નવા ૭૪૧ કેસો નોંધાયા હતા, એટલે કે દરરોજ સરેરાશ બે નવાં બાળકો પોલિયોની જીવનભરની નાગચૂડમાં સપડાતાં હતાં. માત્ર બે જ વર્ષના ગાળામાં પોલિયોનાં વાયરસને જડમૂળથી નાબૂદ કરી દેનારા અસંખ્ય આરોગ્ય કર્મચારીઓ અને નીતિ નિર્ધારકો ખરેખર અભિનંદનના અધિકારી છે.

આપણા દેશમાં સારા સમાચાર બહુ ઓછા મળે છે. ક્યાંક ટ્રેન અકસ્માત, તો ક્યાંક હૉસ્પિટલમાં આગ લાગી જાય અને દરદીઓ જીવતાંજીવત મહા ચિતાને સમર્પિત થઈ જાય. ક્યાંક બાળકોને લઈને જતી સ્કૂલ બસ ખાઈમાં ગબડી પડે, તો ક્યાંક આદિવાસીઓ પોતાની રોજીરોટી બચાવવા સંઘર્ષ કરતા હોય. અને એકને ભૂલો અને બીજાને યાદ કરો એવાં કૌભાંડો, ખૂનામરકી, લૂંટફાટ, ત્રાસવાદ…આવા સંયોગોમાં પોલિયો નામના એક મૌન કૌભાંડનો અંત આવ્યો છે એ ખરેખર ઉતરાણ પર મળેલા સારા સમાચાર છે. આટલાં કૌભાંડો આટલા રાજકીય આટાપાટા વચ્ચે પણ તંત્ર પોલિયો રવિવાર જેવી ઝુંબેશો ચલાવતું રહ્યું એ પોતે જ એક સારા સમાચાર છે.

બાળકો માટે જીવલેણ મનાતી છ મુખ્ય બીમારીઓમાં એક છે પોલિયોની બીમારી. આ છ બીમારીઓ એટલે છ પૂતનામાસીઓ. પોલિયોનું વાયરસ બહુ જ ચેપી હોય છે અને ચેપી ભોજન દ્વારા એ આંતરડામાં પહોંચીને પાંગરે છે અને પછી બાળકની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. બાળકનાં અંગો એની પકડમાં આવી જાય છે અને સ્વાભાવિકપણે કામ કરતાં નથી. આંતરડામાંથી એની અસર બાળક પર ન દેખાય ત્યારે પણ એ મળ દ્વારા બહાર આવે છે અને પ્રદૂષિત પાણી, હવા અને ખોરાક મારફતે ચેપ ફેલાવે છે. પોલિયોનો ઇલાજ નથી, માત્ર પોલિયોની રસી -ઇંજેક્શન કે ટીપાં – એની સામે ઢાલ બની શકે છે.

એ પણ નોંધવું જોઈએ કે છાસવારે કૌભાંડો અને ભ્રષ્ટાચારને નામે રાજકારણીઓ પર વરસી પડનારા,આપણે કદી બોલ્યા નથી કે સાર્વજનિક આરોગ્ય સેવા આપણૉ અધિકાર છે. આ મૌન કૌભાંડ આપણા ધ્યાનની બહાર જ રહ્યું; બાળકો આવી બીમારીનો ભોગ બને એ રાષ્ટ્રીય શરમ છે એવું આપણને કદી ન લાગ્યું. પોલિયોની નાબૂદી તો આજથી પચાસ વર્ષ પહેલાં થઈ જવી જોઈતી હતી, પરંતુ, બાળકનું મૃત્યુ, બીમારી, ગરીબાઇને પૂર્વજન્મનાં કર્મોનું ફળ માનનારા આપણે આ બાબતમાં કદી પણ આંદોલિત ન થયા એ પણ કડવું સત્ય છે.

પરંતુ હજી પણ સફળતા તરફ આપણે અર્ધા રસ્તે પહોંચ્યા છીએ.
હજી આજ સુધીના નમૂનાઓનું લૅબોરેટરીમાં પરીક્ષણ બાકી છે, ગટરોમાં આ વાયરસ છે કે નહીં તે જોવાનું બાકી છે. એનાં પરિણામ આવી ગયા પછી વિધિવત્ જાહેર કરાશે કે ભારતે પોલિયો સામેની લડાઈ જીતી લી્ધી છે.આજે માત્ર ચાર દેશો. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇજીરિયા, ભયંકર ચેપી દેશોની યાદીમાં છે. એમાંથી બહાર આવવાની ખરી નિરાંત તો ૨૦૧૩ની મકર સંક્રાન્તિએ જ થશે.

પરંતુ, આજે તો કવિ નરસિંહરાવ દિવેટિયાની શરૂઆતમાં આપેલી પંક્તિમાં થોડો ફેરફાર કરીને ગાઈ તો શકીએ છીએ કેઃ
ધન્ય હો, સર્વ જન ઊઠજો,
પોલિયોના દફનની વાગી ઘડીઓ,
ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા
ભાનુના ભર્ગની વરસી ઝડીઓ
xxxxxx
આ મકર સંક્રાન્તિએ એક બીજી વાતની પણ નોંધ લેવી જોઇએ. ગુજરાતી બ્લૉગ જગતના ભિષ્મ પિતામહ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ બ્લૉગ જગતમાંથી નિવૃત્તિ લે છે.

%d bloggers like this: