Gareebo-no Beli Isu (2)

ગરીબોનો બેલી ઈસુ (૨)

બાપ્ટિસ્ટ જ્‍હોન અને ઈસુ

જ્‍હોન બાપ્ટિસ્ટ ઈસુના સમકાલીન, પણ ઉંમરમાં મોટા હતા. લોકોની હાલત જોઈને એમને તીવ્ર વેદના થતી હતી. ચારી બાજુ શોષણનું સામ્રાજ્ય હતું.. ગરીબોનો કોઈ વિચાર પણ નહોતું કરતું. ધર્મ પણ એવો બની ચૂક્યો હતો કે લોકો માટે એનો પણ આશરો નહોતો. જ્‍હોનને લાગતું કે કઈંક અસાધારણ બને તો જ લોકોની મુક્તિ થાય. એ પોતે તો આખાબોલા અને નીડર હતા અને એમના વિચારોમાં હંમેશાં સંઘર્ષની જરૂર પ્રગટ થતી હતી. એમણે છડેચોક કહ્યું: ” હું પ્રાયશ્ચિત રૂપે તમને પાણીથી બાપ્ટિઝમ આપું છું (દીક્ષિત કરૂં છું- જનોઈની જેમ એક પવિત્ર મનાતો વિધિ) પરંતુ મારા પછી જે આવશે તે એટલો શક્તિશાળી છે કે એનાં પગરખાં ઉપાડવાની લાયકાત પણ મારામાં નથી. એ તમને આત્મશક્તિ અને આગથી શુદ્ધ કરશે.” (મૅથ્યૂ ૩.૧૧)

હિન્દુઓ માને છે કે આ ધરતી પર પાપનો ભાર વધી જાય ત્યારે ભગવાન જન્મ લે છે. ગીતામાં કૃષ્ણ્નું વચન છે કે ” ધર્મનો હ્રાસ થશે ત્યારે અધર્મના નાશ માટે અને સાધુચરિત લોકોને બચાવવા અને દુર્જનોનો સંહાર કરવા હું દરેક યુગમાં જન્મ લ‍ઉં છું.” આમ આપણે આશા રાખીએ છીએ કે કશુંક અસાધારણ બને. એક જાણીતા ભજનમાં તો પ્રાર્થના કરવામાં આવે છે કે “હવે પ્રભુ અવતાર લ્યો તો સારૂં…” ઇઝરાયેલના યહૂદી સમાજમાં પણ આવી જ માન્યતા હતી કે ઈશ્વર બચાવશે. તો, ઉપર આપેલી ઉક્તિ શું એક ધર્મોપદેશકની એવી જ ભવિષ્યવાણી હતી કે જ્‍હોન લડાઈનું રણશિંગું ફૂંકતા હતા? પરંતુ જ્‍હોનના જીવન અને મૃત્યુ વિશે વિચાર કરીશું તો સ્પષ્ટ થશે કે જ્‍હોન એમના સમયની સ્થિતિ સામે લડવાનું આહ્વાન કરતા હતા. બાપ્ટિસ્ટ જ્‍હોન અને ઇસુ વચ્ચેના સંબંધો અને એકસમાન ધ્યેયો વિશે ’નવા કરાર’ના આ શબ્દોમાંથી સમજણ મળે છે:
“જ્યારે ઈસુને સમાચાર મળ્યા કે જ્‍હોનને (રાજા હેરોડે) ક્રારાવાસ આપ્યો છે, ત્યારે ઈસુ ગાલિલી પાછા આવે છે. નઝારેથ છોડીને કૅપરનોમ રહેવા ચાલ્યા જાય છે. (મૅથ્યૂ ૪.૧૨-૧૩).

જ્‍હોનને જેલમાં પૂર્યાના સમાચાર ઈસુ માટે સામાન્ય નહોતા. એમને એટલું તો સમજાયું કે હેરોડનો ક્રોધ જ્‍હોન પછી એમના તરફ વળે એમ હતું. કદાચ એમને લાગ્યું કે એક મિશન પાર પાડવાની જવાબદારી હવે એકલા એમના માથે છે. ઇસુ જ્‍હોનની અકળામણને બરાબર સમજી શક્યા હતા. એટલું જ નહીં, બાપ્ટિસ્ટ જ્‍હોન પણ ઈસુ સાથે સંપર્ક સ્થાપવા તત્પર હતા. ’નવા કરાર’ પ્રમાણે:
જેલમાં જ્‍હોનને ક્રાઇસ્ટ શું કરે છે તે જાણવા મળ્યું ત્યારે એમણે પોતાના શિષ્યોને એમની પાસે મોકલ્યા – એ પૂછવા માટે કે જે ’આવનાર’ છે તે જ તમે કે અમારે હજી બીજાની રાહ જોવાની છે? ઇસુએ જવાબ આપ્યો: ” જાઓ, તમે જે જૂઓ અને સાંભળો છો તે જ્‍હોનને જણાવો” (મૅથ્યૂ ૧૧.૨-૪).

ઇસુએ આ જવાબ આપ્યો એમાં એમનો ઘમંડ નથી. દેખાડો કરવાનો છીછરો પ્રયાસ નથી. ઇસુને મન જ્‍હોન એક નિ:સ્વાર્થ સાત્વિક પુરુષ હતા. નવા કરારમાં જ્‍હોન પ્રત્યેનો ઇસુનો આદર આ શબ્દોમાં વ્યક્ત થયો છે:
“જ્‍હોનના શિષ્યો વિદાય થતા હતા ત્યારે ઇસુએ જ્‍હોન વિશે ટોળાને કહેવાનું શરૂ કર્યું:” તમે જંગલમાં શું જોવા જતા હતા- પવનમાં વાંકી થઈ ગયેલી વેલ?… ના કહેતા હો, તો કહો, તમે શું જોવા જતા હતા? એક સુંદર વસ્ત્રોમાં સજ્જ વ્યક્તિ? ના. સુંદર વસ્ત્રો ધારણ કરનાર તો રાજાના મહેલમાં વસે…તો તમે શું જોવા જતા હતા?… ઈશ્વરના સંદેશવાહકને?… હા, હું કહું છું કે માત્ર સંદેશવાહક નહીં, એનાથી પણ વધુ…હું તમને સત્ય કહું છું: આજ સુધી કોઈ માનો જણ્યો જ્‍હોન બાપ્ટિસ્ટની ઊંચાઈએ નથી પહોંચ્યો… જ્‍હોન બાપ્ટિસ્ટના સમયથી જ ઈશ્વરી રાજ્ય પૂરી શક્તિથી ધસમસતું આવે છે (નજીક આવવા લાગ્યું છે) અને શક્તિશાળી માણસોએ એને ધારણ કરી રાખ્યું છે. (મૅથ્યૂ ૧૧.૭-૯. ૧૧-૧૨).

ઈશ્વરી રાજ્ય
’ઈશ્વરી રાજ્ય ખરેખર તો જનવિરોધી હકુમતને ઉખાડી ફેંકવાનું આહ્વાન છે. શોષિતો માટે એ આશાની રણભેરી છે, શોષક વ્યવસ્થાને પરાસ્ત કરીને એક રાજકીય સુશાસનની સ્થાપના માટે સંઘર્ષનું એલાન છે. આમ છતાં લોકોને જગાડનારનો એક અનુભવ છે. લોકો પોતાની સ્થિતિ બાબતમાં શું કરવું એ જાણતા અથવા એ બાબતમાં ગંભીર નથી હોતા. આજે આપણે આ સ્થિતિ જોઈએ છીએ તેમાં નવાઈ નથી. ઇસુને પણ એ જ સ્થિતિનો સામનો કરવો પડે છે: “આ પેઢીની સરખામણી હું કોની સાથે કરૂં? જાણે બજારમાં બેઠેલાં બાળકો એક બીજાં ને ઘાંટા પાડીને કહેતાં ન હોય કે ” અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ ન કર્યો…. અમે મરશિયા ગાયા તો તમે ખરખરો ન કર્યો… ( મૅથ્યૂ. ૧૧.૧૬-૧૭).

જ્‍હોન અને ઇસુના વ્યવહારમાં અંતર
ઇસુ એમના વખતની વર્તમાન પેઢી વિશે અફ઼સોસ કરવાની સાથે જ્‍હોન સાથે પોતાની તુલના કરે છે. આમાં પણ એમનો હેતુ એ છે કે બન્નેનું મિશન એક હોવા છ્તાં વલણ જુદાં હતાં,.પણ બન્ને તીકાનું નિશાન બન્યા! ઇસુ કહે છે: ” જ્‍હોન ખાતાપીતા નહોતા (એતલે કે ખાવાપીવાના બધા નિયમ-સંયમ પાળતા હતા) તો એ લોકો કહેતા કે ” એમનામાં શેતાન વસે છે”…. ઈશ્વરનો પુત્ર (ઈસુ પોતે જ) આવ્યો જે બધું ખાય પીએ છે, (એટલે કે નિયમો નથી માનતો) તો કહે છે કે એ તો કર ઉઘરાવનારા અને ’પાપીઓ’નો મિત્ર છે.” (મૅથ્યૂ ૧૧. ૧૮-૧૯).

આ ભેદ સમજવા જેવો છે. ફારિસીઓએ ધર્મના આકરા નિયમો બનાવ્યા હતા, તે બધા જ નિયમોનું જ્‍હોન પાલન કરતા હતા, જ્યારે ઇસુએ એ બધા નિયમોનો ભંગ કર્યો. બન્નેના વ્યવહાર જુદા હતા. જ્‍હોનનો રસ્તો પરંપરાવાદી હતો, જ્યારે ઇસુ તો સ્થાપિત વ્યવસ્થાનો સમજીવિચારીને ભગ કરતા હતા. ઈસુને કર ઉઘરાવનારા અને ’પાપીઓ’ સાથે દોસ્તી કરવામાં કશો છોછ નથી, ઉલ્ટું એ તો કહે છે કે હું તો આવ્યો જ છું પાપીઓ માટે!:
” ઇસુ મૅથ્યૂને ઘરે ભોજન લેતા હતા ત્યારે. ઘણાય કર ઉઘરાવનારા અને”પાપીઓ’ આવ્યા અને એમની સાથે બેસીને જમ્યા. ફારિસીઓએ આ જોયું તો એમન્ણે ઈસુના શિષ્યોને પૂછ્યું: ” શા માટે તમારા ગુરુ કર ઉઘરાવનારા અને “પાપીઓ” સાથે જમે છે?” ઇસુએ આ સાંભળીને જવાબ આપ્યો: “સાજો હોય તેને ડૉક્ટરની જરૂર નથી, જરૂર છે, માંદાને…પણ, જાઓ અને ” હું દયા માગું છું, બલિદાન નહીં. કારણ કે હું અહીં સાત્વિક માણસોને નહીં, પણ પાપીઓને જગાડવા આવ્યો છું” એ વાતનો અર્થ સમજો, (મૅથ્યૂ ૯.૯-૧૩).

જ્‍હોનનો શિરચ્છેદ અને ઇસુની પ્રતિક્રિયા
અંતે રાજા હેરોડે બાપ્ટિસ્ટ જ્‍હોન જેવા વિદ્રોહી સંતનો વધ કરાવી નાખ્યો. આ ઘટના પરત્વે ઈસુની પ્રતિક્રિયા સમજવા જેવી છે. કૈંક એવુમ બને છે જે સમજવા માટે થોદું મનન કરવું પડશે. મૅથ્યૂની સુવાર્તા પ્રમાણે:
” જ્‍હોનના શિષ્યો આવ્યા, એમનું શરીર લઈ ગયા અને દફ઼નાવી દીધું. પછી તેઓ ઈસુ પાસે ગયા. ઇસુએ સાંભળ્યું કે શું થયું, અને એ ખાનગી રીતે એક નાવમાંકોઈ એકામ્ત સ્થળે ચાલ્યા ગયા. આ સાંભળીને એક ટોળું નગરોમાંથી એકઠું થયું અને પગપાળા ઈસુની પાછળ ગયું. ઈસુએ કાંઠે પહોંચીને જોયું તો મોટું ટોળું હતું એને એમના પર કરુણા ઉપજી અને એમનાં બીમાર સ્વજનોને એણે સાજાં કર્યાં.” (મૅથ્યૂ ૧૪.૧૨-૧૪).

સુવાર્તાઓમાં તફાવત
ચિત્ર સ્પષ્ટ છે. જ્‍હોનની હત્યાના સમાચાર મળતાં ઈસુ ગુપ્ત સ્થળે જાય છે અને કેટલાંય નગરોમાંથી માણસો ઇસુની પાછળ જાય છે. સવાલ એ પણ છે કે જ્‍હોનના શિષ્યો તરત ઈસુને કેમ મળ્યા? અને પછી, આપણે એટલું જ જાણી શકીએ છીએ કે ઇસુને દયા આવી અને એણે માંદાઓને સાજા કર્યા. આ બે ઘટનાઓ વચ્ચે મેળ દેખાતો નથી. મૅથ્યૂની સુવાર્તાના આ ભાગને લગભગ મળતી આવતી કથા માર્કની સુવાર્તામાં મળે છે (માર્ક ૬.૩૦-૩૧), પરંતુ લ્યૂકની સુવાર્તામાં આ બન્ને ઘટનાઓને જોડવામાં નથી આવી (૯.૭-૧૧). જ્‍હોનની સુવાર્તામાં તો જ્‍હોન બાપ્ટિસ્ટના વધનો પણ ઉલ્લેખ નથી! આપણે મૅથ્યૂની સુવાર્તાને વળગી રહીએ તો એક વાત સ્પષ્ટ છે કે જ્‍હોનના મૃત્યુના સમાચારે ઈસુને હલબલાવી દીધા હતા.

ચમત્કાર
ઈસુની પાછળ ટોળું ગયું એ વાત તો ચારેય સુવાર્તાકારો, મૅથ્યૂ, માર્ક, લ્યૂક અને જ્‍હોન કહે છે. પરંતુ ચારેય એને ચમત્કારનો પ્રસંગ બનાવી દે છે. આપણને એ પણ જાણવા મળે છે કે ઇસુ પાસે માત્ર પાંચ બ્રેડ અને બે માછલી હતી, તેમ છતાં એમણે પાંચ હજાર લોકોને જમાડ્યા! દેખીતી રીતે જ, ઇસુની આ સુવાર્તાઓમાં ખ્રિસ્તી ધર્મ રોમનો રાજ્યધર્મ બન્યો તે પછી કઈંક ચેડાં થયાં હોવાં જોઈએ, કારણ કે, જે સંજોગોમાં ઇસુ ગુપ્ત સ્થળે જાય છે તે જોતાં આખી ભીડ ત્યાં માંદાઓના ઇલાજ માટે કે ભોજન કરવા જાય નહીં. ખરી હકીકત તો એ જ હોઈ શકે કે ઈસુએ એમને હિંમત આપી.

પરંતુ, સ્થાયી સતાને આવી વાત પસંદ ન પડે. લોકો તે પછીનાં બે હજાર વર્ષ સુધી એને ચમત્કાર માનતા રહે તો ઇસુનું મૂળ લક્ષ્ય શું હતું તે ભૂલી જાય! આવો ચમત્કાર થયો એમ માની લેવું તે ઇસુના મિશનને અન્યાય છે. એ જમાનામાં લોકોને ચમત્કારોમાં વિશ્વાસ હતો અને આજે પણ એવા લોકો છે જ. ઇસુના ચમત્કારોની ઘણી કથાઓ છે. દરેક કથા એમના આત્મવિશ્વાસનો પડઘો પાડે છે. આ આત્મવિશ્વાસને કારણે એમણે જે સિદ્ધ કર્યું તે આત્મવિશ્વાસ વિનાના લોકો માટે ચમત્કાર જ બની રહે. એક ઉદાહરણ લઈએ: ” એક દિવસ ઈસુએ શિષ્યોને કહ્યું કે” ચાલો. આપન એસરોવરને પેલે કાંઠે જઈએ. બધા નાવમં બેઠા અને રવાના થયા. નાવ ચાલવા લાગતાં ઈસુ સૂઈ ગયા. એવામાં તોફાન આવ્યું અને નાવ્માં પાણી ભરાવા લાગ્યું. બહ્દાના જીવ જોખમમાં હતા. એમણે ઇસુને જગાડીને કહ્યું: સ્વામી, સ્વામી, આપણે ડૂબી જવાના છીએ. ઇસુએ ઊઠીને પવન અને ઊછળતા પાણીને ઠપકો આપ્યો. તોફાન શમી ગયું. તે પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું: ક્યાં ચે તમારી શ્રદ્ધા?” (લ્યૂક ૮.૨૨-૨૫).

આ આખી ચમત્કારિક ઘટનામાં સૌથી મહત્વનું તત્વ હોય તો એ છે ઈસુનો સવાલ – ક્યાં છે તમારી શ્રદ્ધા?”. આત્મવિશ્વાસ પર ઇસુનું બહુ જોર હતું. ઇસુએ એક તાવીજ આપ્યું છે: ” માગો, તમને મળશે; શોધો, તો જડી આવશે; દરવાજો ખટખટાવો, તો એ ખૂલી જશે. માગે છે તે્ને મળે છે, શોધે છે તેને જડે છે; જે દરવાજો ખટખટાવે છે, તેના માટે એ ખૂલે છે” (મૅથ્યૂ ૭.૭-૧૨).

પરંતુ આત્મવિશ્વાસથી ભરેલા માણસે માત્ર એક જ શરતનું પાલન કરવાનું છે: ” દરેક બાબતમાં તમારે બીજા સાથે એ જ કરવાનું છ, જે તમે તમારી સાથે બીજાઓ કરતા હોય એમ ઇચ્છતા હો. આ જ કાનૂન છે અને એ જ સંદેશવાહકોનું કહેવું છે”.

ફારિસીઓના ચોખલિયાવેડાએ ધર્મને સામાન્ય લોકો માટે અઘરો બનાવી દીધો હતો અને એમનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો હતો. ઈસુએ ધર્મને ઊંચા મંચ પરથી ઉતારીને લોકો વચ્ચે લાવી દીધો. સતાધીશો નારાજ ન થાય તો જ નવાઈ!

અંત
ઇસુને સામાન્ય લોકો સાથે ભળવાનું પરિણામ શું આવશે એ ખબર હતી. માત્ર ત્રણ વર્ષના એના મિશનના અંતે એક દિવસ:
” જૂડાસ ઈસુ પાસે જાય છે અને કહે છે ” નમસ્તે, રબ્બી!” અને એને ચુંબન કરે છે. ઇસુ કહે છે: દોસ્ત, તું જે કરવા આવ્યો છે તે કર!… કેટલાક માણસો ધસી આવ્યા અને ઇસુને પકડી લીધા. એમનો એક શિષ્ય તલવાર ખેંચીને આગળ આવ્યો અને સર્વોચ્ચ પુરોહિતના માનસ પર પ્રહાર કરીને એનો કાન કાપી નાખ્યો. ઈસુ કહે છે: ” તલવાર રાખ મ્યાનમાં, કેમ કે જે તલવાર ખેંચે છે તે તલવારથી જ મરે છે.”( મૅથ્યૂ,૨૬.૪૭-૫૨).

જે મા્ણસ એમ કહે છે કે હું શાંતિ નહીં, તલવાર લઈને આવ્યો છું; તે જ, હવે તલવાર મૂકવાની વાત કરે છે! અહિંસક વિદ્રોહનો આ અણમોલ સંદેશ છે.

સમાપન
ઈશ્વરી રાજ્ય એટલે શોષણવિહીન રાજ્ય. હજી દુનિયા શોષણથી મુક્ત નથી થઈ. સામ્રાજ્યવાદ ફાલતો જાય છે. ગરીબ વધારે ગરીબ બન્યો છે અને તવંગર વધારે તવંગર. ધન એક તરફ ઘસડાતું રહે છે અને ધર્મનાં પાખંડ વધી ગયાં છે. આજે પણ ઇસુનો સંદેશ સાર્થક છે, કદાચ વધારે ઉપયોગી છે. ઇસુએ ગરીબોના બેલી તરીકે આપણને લડતાં શીખવ્યું છે…. આપણે છીએ તૈયાર ગરીબોના બેલી બનવા માટે?

આ જે મારો ઈસુ!

%d bloggers like this: