gareebo-no Beli Isu (1)

ગરીબોનો બેલી ઈસુ (૧)

આજે ક્રિસમસ. જીસસનો જન્મદિન. ખ્રિસ્તી ભાઈ બહેનોને આજના સપરમા દિવસની શુભેચ્છાઓ.

ખ્રિસ્તી ધર્મ દુનિયામાં એક રીતે અનોખો છે. સામાન્ય રીતે વિ્જેતાઓનો ધર્મ પ્રજા સ્વીકારતી હોય છે. ઇસ્લામ જ્યાં ગયો ત્યાં વિજેતાના ધર્મ તરીકે સ્વીકૃત થયો. આમ તો ભારતમાં આવેલા કુશાનો અને હુણોએ પણ ભારતનો ધર્મ સ્વીકારી લીધો, પરંતુ તેઓ અહીં આવ્યા અને પેઢીઓ પછી બહુમતી પ્રજામાં ભળી ગયા. પણ ખ્રિસ્તી ધર્મની બાબતમાં ઊંધું થયું છે. આ ધર્મનો જન્મ તો રોમનોના આધિપત્ય હેઠળના ઇઝરાયેલમાં થયો પરંતુ તે પછી ત્રણસો વર્ષના ગાળામાં એ રોમનો જ સત્તા્વાર ધર્મ બની ગયો. પરાજિતોનો ધર્મ વિજેતાઓ અપનાવે એવું ભાગ્યે જ બનતું હોય છે. રોમમાં શરૂઆતના ખ્રિસ્તીઓએ બહુ અત્યાચારો સહન કર્યા, પણ અંતે રોમે એનો સ્વીકાર કર્યો!

આર્થિક સ્થિતિ
ઈસુના સમયમાં ઇઝરાયેલ ખેતી પ્રધાન દેશ હતો. લોકોનાં જીવનમાં વરસાદ અને વનસ્પતીનું ઘણું મહત્વ હતું. એટલે એમના તહેવારો પણ ખેતીને અનુરૂપ બન્યા. એ વખતે જેરુસલેમમાં મુખ્યત્વે ભઠિયારા, કસાઈ, મોચી, નાણાવટીઓ, ખેડૂતો, સુગંધી દ્રવ્યો વેચનારા અને કારીગરોનો વ્યવસાય હતો. કેટલાક વ્યવસાયોને લોકો નીચી નજરે જોતા, જેમ કે, ગધેડાંવાળા, ઊંટવાળા, ખલાસી, માછીમાર, ભરવાડ દુકાનદાર, હકીમ, કસાઈ, કર વસૂલનારા. એક બાજુથી ધર્મગુરુઓ અને ઉમરાવો ધનવાન હતા, તો બીજી બાજુ, દારુણ ગરીબાઈમાં જીવનારા લોકો પણ હતા.

દ્વેષી વર્ગો
નવા કરારમાં ઇસુના દ્વેષી બે પ્રકારના લોકો હતા: સૅદ્‍યૂસી અને ફારિસી. સૅદ્‍યૂસી એટલે ધનાઢ્ય પુરિહિત વર્ગ. ઇસુ ખ્રિસ્તથી લગભગ 600 વર્ષ પહેલાં સીરિયા (બેબિલોન)ના શાસકોએ ઇઝરાયેલ પર આધિપત્ય જમાવ્યું. એમણે જેરુસલેમના પવિત્ર મંદિરનો ધ્વંસ કર્યો ત્યારે સૅદ્‍યૂસીઓએ મૂક સહકાર આપ્યો. ઈ.પૂ. ૫૩૭માં ઇરાનીઓએ બેબિલોન જીતી લીધું, એટલે ઇઝરાયેલ પણ એમના હાથમાં પડ્યું. ઇરાનના સમ્રાટ સાયરસે યહૂદીઓને મંદિર ફરી બાંધવાની તો પરવાનગી આપી પણ રાજાશાહીને પાછી ન આવવા દીધી. આનું પરિણામ એ આવ્યું કે મંદિર સામાજિક સત્તાનું કેન્દ્ર બની ગયું અને સૅદ્‍યૂસીઓ બહુ શક્તિશાળી બની ગયા.

ફારિસીઓ ફારસી (ઇરાની) વર્ચસ્વથી વિરુદ્ધ હતા. એમને સૅદ્‍યૂસીઓ ધર્મની બાબતમાં જેવું ઢીલું વલણ દાખવતા હતા તે પણ પસંદ નહોતું. આ લોકો ધર્મને વધારે શુદ્ધ બનાવવા માગતા હતા. એમણે ધાર્મિક વિધિવિધાનોના કડક નિયમો બનાવ્યા, એમાં શારીરિક સ્વચ્છતા પર પણ ભાર મૂક્યો. એમ કહો કે ફારિસીઓ ’મરજાદી’ હતા.પરંતુ કેટલાય વ્યવસાયો જ એવા હતા કે લોકો સ્નાન સંબંધી નિયમો પાળી જ ન શકે. ફારિસીઓ એમને હલકા ગણતા.

ઈ. પૂ. ૩૩૨માં સિકંદરે પારસ જીતી લીધું પણ તે પછીનાં નવ જ વર્ષમાં એનું મૃત્યુ થતાં એના જનરલો એના રાજ્યના ભાગલા પાડીને જાતે રાજા બની બેઠા. સૅદ્‍યૂસીઓ હવે ગ્રીકોની સાથે થઈ ગયા.

ફરી ઇતિહાસે પડખું બદલ્યું અને ગ્રીકોનો રોમનોના હાથે પરાજય થયો. રોમન હાકેમ પોમ્પીએ પણ મંદિરને તોડ્યું પરંતુ ઇરાનીઓનો વિરોધ કરનારા ફારિસીઓ હવે એમને ટેકો આપતા હતા! એમનું કહેવું હતું કે ફરી મંદિર તૂટ્યું એ તો સૅદ્‍યૂસીના પાપની દૈવી સજા હતી. આમ હવે એમનું જોર વધ્યું પણ સૅદ્યૂસીઓ પણ હજી પાછા પડે એમ નહોતા.

આમ સમાજ વિભાજિત હતો. ઈસુને ખબર હતી કે “જે રાજ્ય અંદરથી જ વિભાજિત હોય એનો નાશ થાય અને જે કોઈ ઘર, જે કોઈ શહેર અંદરથી વિભાજિત હશે તે ટકી નહીં શકે.” (નવા કરાર, મૅથ્યૂની સુવાર્તા ૧૨.૨૫).

રોમન સામ્રાજ્યની કરવ્યવસ્થા
રોમનોએ ઇઝરાયેલમાં પોતાની સત્તા મજબૂત બનાવી પરંતુ કરવેરા રાજ્ય ઉઘરાવે એવી વ્યવસ્થા બંધ કરી અને કર ઉઘરાવવાના હક લીલામ કર્યા. ્જે સૌથી ઊંચી બોલી બોલે તેને એક પ્રાંતના લોકો પાસેથી પૈસા પડાવવાનો જાણે પરવાનો મળી ગયો. આમાં ગરીબોનું સૌથી વધારે શોષણ થવા લાગ્યું. આજ કારણસર લોકો કર ઉઘરાવનારાને ધિક્કારતા હતા.

ઈસુનું આગમન
આ જાતની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં ઈસુનો પ્રાદુર્ભાવ થાય છે. સૅદ્‍યૂસીઓ અને ફારિસીઓ, બન્ને રાજસતાના ટેકાથી ટકતા હતા અને પરસ્પર લડતા હતા. સામાન્ય લોકોની તો એમને દરકાર જ નહોતી. પરંતુ એ વખતે ’મરજાદી’ ફારિસીઓનું વધારે જોર હતું, એટલે જ નવા કરારમાં એમની સખત આલોચના જોવા મળે છે. કર ઉઘરાવનારાને ફારિસીઓ પાપી ગણતા, પરંતુ ઈસુએ એમની દલીલો ન સ્વીકારી અને એમને તિરસ્કૃત ન ગણ્યા.

ઈસુને ખબર હતી કે એને ધર્મ અને સમાજ ઉપર કબજો કરી બેઠેલા આ વર્ગ સામે લડવું પડશે. એટલે જ એ કહે છે કે,
“એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું… હું શાંતિ નહીં, તલવાર લાવ્યો છું…અહીં હું આવ્યો છું માણસને એના બાપ સામે અને દીકરીને એની મા સામે લડાવવા… માણસના દુશ્મન તો એના કુટુંબના જ સભ્ય હશે”(મૅથ્યૂ ૧૦.૩૪-૩૬).

ઈસુ માત્ર ધાર્મિક ઉપદેશક હોત તો આવા શબ્દો ઉચ્ચારત નહીં. એનો તો એક કાર્યક્રમ હતો, દુનિયાનાં સામાજિક સમીકરણોને બદલવાનો. આના માટે એને શિસ્તબદ્ધ સાથીઓના જૂથની જરૂર હતી. જૂથ પણ એવું હોવું જોઇએ કે જે પ્રાણનું બલિદાન આપતાં પણ ન અચકાય. એ કહે છે:

“જે પોતાનો ક્રૉસ ઉપાડ્યા વિના મારી પાછળ આવશે તે મારો શિષ્ય નહીં બની શકે” (લ્યૂકની સુવાર્તા ૧૪.૨૬)… એ જ રીતે તમારામાંથી જે કોઈ, એની પાસે જે કઈં હોય તે છોડે નહી તો મારો શિષ્ય ન બની શકે” (લ્યૂક ૧૪.૩૩)

અહીં ક્રૉસનો ઉલ્લેખ છે. આમ ઈસુ પોતાના અંતની આગાહી કરે છે અને પોતાની પાછળ આવનારાને પણ આવા મોત માટે તૈયાર રહેવા ચેતવે છે. આ વું આહ્વાન કરનારને સીધોસાદો ધર્મોપદેશક ન માની શકાય. ઈસુએ પોતાનું ’મિશન જે રીતે આગળ વધાર્યું તે દેખાડે છે કે પરિવર્તન એનું ધ્યેય હતું. એને એ પણ ખબર હતી કે એને ’રાજ્યનો દુશ્મન’ માનવામાં આવશે. હેરોડ ગાલિલીનો રાજા તો હતો, પણ ખરેખર તો એ રોમન સામ્રાજ્યનો ખંડિયો રાજા હતો. રોમનોને એ નારાજ કરી શકે એમ નહોતો. આ સંયોગોમાં ઈસુએ પોતાની તાકાત એકઠી કરવા માટે સૌથી દુઃખી નીચલા વર્ગ પાસે જ જવાનું હતું. ઈસુનો સંદેશ છે:

“હું તમને સત્ય કહું છું, કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ તમારાથી પહેલાં ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા લાગ્યાં છે. કારણ કે જ્‍હોન તમને સચ્ચાઈનો માર્ગ દેખાડવા આવ્યા પણ તમે એમની વાત ન માની, પરંતુ કર ઉઘરાવનારા અને વેશ્યાઓએ એમની વાત માની” (મૅથ્યૂ ૨૧.૩૨-૩૩). અહીં જે જ્‍હોનની વાત આવે છે તે જ્‍હોન બાપ્ટિસ્ટ. એમના અને ઈસુના સંબંધો વિશે આગળ જોઈશું.

અહીં કર ઉઘરાવનારા અને વેશ્યાઓ જેવા, સમાજના નીચલા થરના લોકો માટે ઈસુની સહાનુભૂતિ સ્પષ્ટ થાય છે. આટલું પૂરતું નથી. એનો એક સંદેશ તો આજના સમાજવાદી ચિંતકને પણ ટક્કર મારે એવો છે:

“ઈસુએ એમને કહ્યું:” શું તમે શાસ્ત્રોમાં વાંચ્યું નથી…કે મિસ્ત્રીએ જે પથ્થર છોડી દીધો એ તો હવે મુખ્ય ખૂણો બનાવાતો પથ્થર બની ગયો છે…. ઈશ્વરે જ એ કર્યું છે અને આજે આપણે એને જોઇએ છીએ તો એ ભવ્ય લાગે છે… આથી જ, હું તમને કહું છું કે ઈશ્વરનું સામ્રાજ્ય તમારા હાથમાંથી ઝુંટવાઈ જશે અને જે લોકો ફળ પેદા કરે છે એમના હાથમાં સોંપાશે. આ પથ્થર પર જે પડશે (જે આ પથ્થર સાથે અથડાશે) તેના તો ટુકડા થઈ જશે, પણ એ પથ્થર જેના પર પડશે એનું તો કચુંબર થઈ જશે” (મૅથ્યૂ ૨૧.૪૨).

આ સંદેશ આજે પણ દુનિયાના પીડિત, પરંતુ ઉત્પાદન કરનારા મહેનતકશ ઇન્સાન માટે આશાનો સંદેશ છે. અહીં કહેલો પથ્થર એટલે ઉપેક્ષિત ઇન્સાન.

આટલું જોશ, છતાં ઈસુમાં ચાણાક્ય બુદ્ધિ પણ હતી. અકારણ પૂરતી તૈયારી વિના એનો સંદેશ નકામો રહે એમ હતો. એનું નિશાન તો રોમન સત્તા હતી પરંતુ, હજી એનો સમય નહોતો આવ્યો. પહેલી લડાઈ તો આમ આદમી પર સકંજો કસી બેઠેલા ધનાઢ્યો અને ધર્મના ઇજારાદારો સામે લડવાની હતી. અહીં ઈસુની હાજરજવાબીનું એક ઉદાહરણ જોઈએ:

“ફારિસીઓએ એને (ઈસુને) એના જ શબ્દોમાં સપડાવવાની ચાલ વિચારી. એમણે પોતાના ચેલાઓને ઇસુ પાસે મોકલ્યા. એમણે કહ્યું: ” હે ગુરુ, અમે જાણીએ છીએ કે તમે પ્રામાણિક માણસ છો અને જે સત્ય છે તેના પ્રમાણે ઈશ્વરીય માર્ગનો ઉપદેશ આપો છો. તમે કોઈની શેહમાં આવતા નથી,કારણ કે એ કોણ છે એની તમે પરવા કરતા નથી. તો, અમને કહો કે તમારો અભિપ્રાય શું છે? સીઝરને કર ચુકવવો એ બરાબર કહેવાય કે નહીં?
એમનો બદઈરાદો સમજી જઈને ઇસુએ જવાબ આપ્યો: “ઓ દંભીઓ, મને શા માટે ફસાવવા માગો છો? મને કર ચુકવવા માટે વપરાતો સિક્કો આપો. ” પેલાએ એક દિનાર આપ્યો. ઈસુએ એમને પૂછ્યું: ” સિક્કા પર કોની મુખમુદ્રા છે, કોનું લખાણ છે?” પેલાઓએ જવાબ આપ્યો: ” સીઝરનું.” ઈસુએ વળતો જવાબ આપ્યો “જે સીઝરનું છે તે સીઝરને આપો, ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. (મૅથ્યૂ ૨૧.૧૫-૨૨).

આ દેખાડે છે કે ઈસુના વ્યૂહ પ્રમાણે રોમ સામે મેદાને પડવાનો હજી સમય નહોતો આવ્યો. એટલે એણે છટકામાં ફસાયા વિના સુંદર જવાબ આપી દીધો. આસ્થાવાન લોકો આનો અર્થ એવો કરી શકે છે કે ઈસુના કહેવા પ્રમાણે ઈશ્વરને પૈસાની જરૂર નથી. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ઇસુએ સીઝરને કર ચુકવવાનું બંધ ન કરવાનો સંકેત આપ્યો.

( આજે આટલું જ; હવે આવતીકાલે આપણે ઈસુ અને જ્‍હોન બાપ્ટિસ્ટના સંપર્કો વિશે વાત કરશું અને એમાંથી ઇસુનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે તે જોઈશું.)

6 thoughts on “gareebo-no Beli Isu (1)”

 1. આજે નવરાશ મળી, અને મને મનગમતો વિષય – ઈતિહાસ મળી ગયો. આવી વાતો ગુજરાતીમાં વાંચવાની મજા જ ઓર છે – શાળાકાળમાં મોટે ભાગે ગુજરાતી જ વાંચતો; એટલે કિશોરાવસ્થાની એ ન બૂઝાય તેવી જિજ્ઞાસા યાદ આવી ગઈ.
  ખૂબ ખૂબ આભાર.
  હેરોડ વિશે વાંચતાં ને.જ્યો. માં વાંચેલ આ પણ યાદ આવી ગયું –
  http://ngm.nationalgeographic.com/2008/12/herod/mueller-text
  પુરાતત્વના બહુ જ ધીરજ અને મહેનત માંગી લે તેવા શાસ્ત્રે કેટકેટલો ઈતિહાસ બહાર આણ્યો છે?

 2. ઓહ દિપકભાઈ, શુ યાર તમે પણ હાસ્યાસ્પદ વાત લખો છો, પ્રભુ યીશુને જાણવા કોઈ પરાઈ વેબસાઈટની મદદ લેવાની જરુર નથી તમારા મનની અને આત્માની વેબસાઈટ ને ચાલુ કરો તો તમને ખરો ઉત્તર મળશે, એ પ્રભુ છે એ સમજ્વા, એમની યોજનાઓને સમજ્વા જુનો કરાર પણ ભાર દઈને વાંચો, બાઈબલ વિરોધીઓની વેબસાઈટની ઉઠાંતરીની દ્રષ્ટીએ તમે પ્રભુ યીશુને મુલવશો તો હાસ્યાસ્પદ જ ઠરશો, પ્રભુ યીશુને ઓળખવા માટે આત્મા જાગ્રુત હોવો જોઈએ અને આત્મા જાગ્રુત થવા માટે પરમાત્માના અશિષ જોઈ અને પરમાત્માના આશિષો માટે પોતાના અને સમાજના પાપો માટે રાતદિન પશ્ચાતાપ અને ગરીબો પ્રત્યે દયાર્દ્ર દ્રષ્ટી જોઈએ નહિ તો કરે રાખો તમ તમારે તદ્દ્ન વાહિયાત અને અસત્ય, મનથી ઉપજાવેલો હાસ્યાસ્પદ નિરુપણ….. સુરજને ફુંક મારવાથી સુરજને કોઈ ફરક નથી પડતો…………

  1. રાજેશભાઈ,
   પ્રભુ યીશુ ખરેખર જ શોષિતો અને પીડિતોના મુક્તિદાતા હતા. મારી પાસે જૂના અને નવા કરાર છે. તે ઉપરાંત પણ બીજું સાહિત્ય છે, જે ખ્રિસ્તી સંગઠનોએ પ્રસિદ્ધ કર્યું છે. લાયબ્રેરીમાંથી પણ પુસ્તકો લાવીને મેં વાંચ્યાં છે, અને એ કઈં કોઈ પત્રકારર્ની જેમ આવો એક લેખ લખવા માટે નહીં.કે લખીને ભૂલી જાઉં. મારા સક્રિય જીવનમાં પણ અન્યાય સામે અને સામાન્ય જનતાની સમસ્યાઓ માટે ઊઠતા અવાજ સાથે મારો નબળો સ્વર મિલાવવાનો મારો પ્રયાસ રહ્યો છે. મને આવી બાબતોમાં રસ છે. અને પ્રભુ યીશુનો સંદેશ હું એ જ અર્થમાં સમજ્યો છું.

   આ લેખ વાંચીને કોઇ ખ્રિસ્તી ભાઈ કે બહેન કહે કે એ મહાન મસીહાનો અનાદર કરૂં છું તો આ લેખ હું પાછો ખેંચી લેવા તૈયાર છું. આથી તમને વિનંતિ કરૂં છું કે આ લેખ પર બીજા મિત્રોનો અભિપ્રાય પણ મેળવો. અંગ્રેજીમાં જોઇએ તો એ પણ મોકલાવવા તૈયાર છું મારો ઇશુ, ગરીબોનો બેલી છે.તમારી વ્યથા હું બરાબર સમજું છું અને તમારી સાથે થયેલા જાતિગત અન્યાયને કારણે તમે ધર્મ બાબતમાં જે નિર્ણય લીધો છે તેને પણ હું બરાબર સમજી શકું છું અને માનું છું કે એ પણ વિદ્રોહનુ ચિહ્ન છે.

   આ લેખ વિસ્તારથી religioustolerance.org પર ગેસ્ટ રાઇટર માટેના સેક્શનમાં પણ છે. ગૂગલમાં My own Jesus Dipak Dholakia ટાઇપ કરશો તો એ મળશે.

 3. ઓહ્હો મોટાભાઈ, આપને કોઈ વાતનુ દુઃખ ના થવુ જોઈએ. આપે આપની બુધ્ધિ કે માન્યતા પ્રમાણે આ લેખ લખ્યો, સારી વાત છે, આ લેખથી ખ્રિસ્તીઓને કોઈ ફરક નહિ પડે કે કોઈ ખ્રિસ્તી વાંધો ઉઠાવે કે પોતાનો મારગ બદલે એટલી ઉચ્ચ હદે લઈ જતો લેખ તો બિલ્કુલ સામાન્ય છે.

  રહિ વાત મેં પ્રભુ યેશુને કેમ અપનાવ્યા તો એ પાછળ કોઈ દુઃખ કે જબરજસ્તી કે ઘ્રુણા નથી, આ લાભ તો મને જે સત્ય સમજાયુ અને લાધ્યુ એ જ મુખ્ય કારણ છે, મારા ઘણા લેખો આપે વાંચ્યા હશે, એ કદાચ આપને મારી નફરત લાગે એવુ હશે પણ ઉંડાણે મને જે સત્ય સમજાયુ એ આપ સૌને સમજાવવાની કોશિશ કરી છે. સારી વાતો તો હિંદુ ધર્મગ્રંથોમાં છે પણ એ તો યુગો યુગોથી ભારતમાં વંચાતી અને મનાતી આવી છે અને એનાથી ભારતની આત્મિક્તા કે મહાનતામાં કોઈ ઉંચાઈ મેળવી હોય એવુ નથી પડ્યો ઉલ્ટુ મને એ દંભ લાગે છે અને એમાં મારો તો ઉધ્ધર નથી દેખાતો અને જ્યારે મારા અને માનવજાતીના પાપોની સજા પ્રભુ યેશુએ ઉઠાવી લીધી છે એવુ અપનાવી લેવથી મારા જીવનમાં ભલે ઘર્ષણ હોય પણ આત્મામાં શાંતિ અનુભવુ છુ. એટલે મે પ્રભુ યીશુને અપનાવ્યા છે.

  પ્રભુ યેશુ કોઈને મારવા માટે નહિ પણ બચાવવા માટે અવતર્યા હતા, ધર્મીઓ માટે નહિ પણ પાપીઓ માટે, તંદુરસ્તો માટે નહિ પણ બિમારો માટે, ધનવનો માટે નહિ પણ ગરીબો માટે, અંધકારમાં સડતા લોકો માટે આત્માનો પ્રકાશ બનીને આવ્યા હતા. એમની તલવાર એ ધાતુની નહિ પણ આત્માની તલવાર ની વાત છે. મારા પુત્રને હુ ખુબ પ્રેમ કરુ છુ તો એ મારુ બોલેલુ ઉપાડે તો મને શાંતિ મલે પણ એ તો મારુ માનતો નથી અને મને દુખી કરે છે અને જે મારો સંતાન નથી એ મારા વતી પ્રભુ યેશુના ઉપદેશને ગ્રહણ કરે છે અને સ્વર્ગનો હકદાર બને છે જ્યારે મારો પુત્ર? અહિયા આત્માની તલવાર ચલાવીને મારો મોહ નષ્ટ થયો, આ છે તલવાર. આપશ્રીએ સંસારી તલવાર દેખાડી ભોળા લોકોને ભટકાવવાનુ પાપ કર્યુ, એ માટે હુ પ્રભુ પાસે પ્રાર્થના કરુ છુ કે “હે પિતા મારા દિપક ભાઈને માફ કરો, તેઓ નથી જાણતા કે તેઓ ષું કરી રહ્યા છે.”

  ગઈકાલના ઉત્તરમાં પણ મે કોઈ ઘ્રુણા નથી પ્રદર્શીત કરી પણ મારી વ્યથ પ્રદ્રશીત કરી છે.

  એક વાત કદાચ તમે પણ નહિ જાણતા હો, કે પરમપિતા પરમાત્મા આજે પણ ખ્રિસ્તીઓ રુપે કાર્ય કરી રહ્યા છે કેમ કે એમનો શત્રુ શયતાન આજે વધુ ઝનુની બની ગયો છે અને પરમેશ્વરના સંતાનોને ખિર્સ્તીઓને, હિંદુઓને, મુસલમાનોને અને અન્ય ધર્મીઓને ખોટે ખોટે માર્ગે, અવનવા વાદે ભરમાવી ‘હોંશિયાર બની ગયા છે’ એવા ભ્રમમાં નાંખીને પરમેશ્વરને વધુ દુખી કરી રહ્યો છે. ઉદાહરણ રુપે, જગત આજે પ્રભુયેશુની મહાનતાથી દુર જઈ રહ્યુ છે અને જગતનો સમાજ આજે અતિશય ભ્રષ્ટ કરી મુક્યુ છે. ભારતની તો ચર્ચા કરવી જ બદતર છે એટલી હદે અંધકારમાં ફસાયેલુ છે.

  1. પ્રિય રાજેશભાઈ,
   હું તમારી વાત સાથે સંમત છું કે “પ્રભુ યેશુ કોઈને મારવા માટે નહિ પણ બચાવવા માટે અવતર્યા હતા, ધર્મીઓ માટે નહિ પણ પાપીઓ માટે, તંદુરસ્તો માટે નહિ પણ બિમારો માટે, ધનવાનો માટે નહિ પણ ગરીબો માટે, અંધકારમાં સડતા લોકો માટે આત્માનો પ્રકાશ બનીને આવ્યા હતા.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: